જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો
જાન્યુઆરી ૪-૧૦
બાઇબલમાં રહેલો ખજાનો | લેવીય ૧૮-૧૯
“તન-મનથી શુદ્ધ રહીએ”
શેતાનના ફાંદાથી કઈ રીતે પોતાનું રક્ષણ કરી શકીએ?
ઇઝરાયેલીઓની આસપાસના લોકો જે ખરાબ કામો કરતા હતા, એ વિશે યહોવાએ જણાવ્યું હતું. યહોવાએ ઇઝરાયેલીઓને કહ્યું: ‘કનાન દેશ જેમાં હું તમને લઈ જાઉં છું, એનાં કામોનું અનુકરણ પણ તમે ન કરો. દેશ અશુદ્ધ થયો છે, એ માટે હું એના પર અન્યાયની શિક્ષા લાવું છું.’ ઇઝરાયેલીઓના પવિત્ર ઈશ્વર યહોવાની નજરે કનાનીઓની રહેણી-કરણી એકદમ ખરાબ હતી. એટલે તેમણે કહ્યું કે એ દેશ અશુદ્ધ અને ખરાબ થઈ ગયો છે.—લેવી. ૧૮:૩, ૨૫.
યહોવા પોતાના લોકોની આગેવાની લે છે
૧૩ બીજાં રાષ્ટ્રોના આગેવાનો માર્ગદર્શન માટે માણસોના મર્યાદિત ડહાપણ પર આધાર રાખતા હતા. કનાની પ્રજા અને તેઓના આગેવાનોએ ઘૃણાસ્પદ કાર્યો કર્યાં હતાં. જેમ કે, પશુઓ અને નજીકના સગા સાથે જાતીય સંબંધ, સજાતીય સંબંધ, બાળકોનું બલિદાન અને મૂર્તિપૂજા. (લેવી. ૧૮:૬, ૨૧-૨૫) ઈશ્વરના લોકો પાસે શુદ્ધતા માટે જે નિયમો હતા, એવા કોઈ નિયમો બાબેલોન અને ઇજિપ્તના આગેવાનો પાસે ન હતા. (ગણ. ૧૯:૧૩) ઈશ્વરના લોકો જોઈ શક્યા કે, તેમના વફાદાર આગેવાનો શુદ્ધ ભક્તિ કરવા, સાફ-સુથરા રહેવા અને જાતીય શુદ્ધતા જાળવવા ઉત્તેજન આપે છે. સ્પષ્ટ છે કે, યહોવા વફાદાર આગેવાનોને દોરી રહ્યા હતા.
સર્વ આફતનો અંત ઈશ્વર લાવશે!
ખોટાં કામો છોડીને સુધરવા માંગતા નથી એવા બંડખોર લોકોનું શું થશે? બાઇબલમાં આપેલા આ વચનનો વિચાર કરો: ‘સદાચારીઓ પૃથ્વી પર વસશે, અને ન્યાયી જનો એમાં રહેશે. પણ દુષ્ટો પૃથ્વી પરથી નાબૂદ થશે, અને કપટ કરનારાઓને એમાંથી ઉખેડી નાખવામાં આવશે.’ (નીતિવચનો ૨:૨૧, ૨૨) પછી, પૃથ્વી પર દુષ્ટ લોકોની કોઈ અસર નહિ હોય. એવી સુંદર પૃથ્વી પર ઈશ્વરને માર્ગે ચાલતા લોકોમાંથી ધીમે ધીમે પાપની અસર એટલે કે બીમારી, ઘડપણ અને મરણ દૂર કરવામાં આવશે.—રોમનો ૬:૧૭, ૧૮; ૮:૨૧.
કીમતી રત્નો શોધીએ
“હું તારા નિયમ પર કેટલો બધો પ્રેમ રાખું છું!”
૧૧ મુસાના નિયમમાં બીજો એક નિયમ એ હતો કે કાપણી વખતે ખેતરમાં થોડો પાક રહેવા દેવો. આ નિયમમાં પણ ઈશ્વરનો પોતાના લોકો માટેનો પ્રેમ દેખાઈ આવે છે. કઈ રીતે? યહોવાહે આજ્ઞા આપી કે ઈસ્રાએલીઓ ફસલ કાપે ત્યારે, ગરીબ કે પરદેશીઓ માટે થોડું રહેવા દે. ખેડૂતોએ ખેતરના છેડાઓએ થોડી ફસલ રહેવા દેવાની હતી. ખરી પડેલી દ્રાક્ષ અથવા જેતુન કે ઓલિવ વીણી લેવાના ન હતા. ખેતરમાં અજાણે પડી ગયેલા પૂળા રહેવા દેવાના હતા. એનાથી ગરીબો, મુસાફરો, વિધવા અને અનાથના જીવનનું ગાડું ચાલ્યા કરે. ખરું કે તેઓએ એ બધું ભેગું કરવું પડતું. પણ તેઓએ કદીયે ભીખ માંગવી ન પડતી.—લેવીય ૧૯:૯, ૧૦; પુનર્નિયમ ૨૪:૧૯-૨૨; ગીતશાસ્ત્ર ૩૭:૨૫.
જાન્યુઆરી ૧૧-૧૭
બાઇબલમાં રહેલો ખજાનો | લેવીય ૨૦-૨૧
“યહોવાએ પોતાના લોકોને દુનિયાથી અલગ કર્યા છે”
સ્વર્ગ જેવી ધરતી પર જીવો
૧૨ યહોવાહે ઈસ્રાએલીઓને એમ પણ કહ્યું કે, ‘જે સર્વ આજ્ઞા હું આજે તમને ફરમાવું છું તે પાળો, એ સારૂ કે તમે બળવાન થાઓ, ને દેશનું વતન પામો.’ (પુનર્નિયમ ૧૧:૮) વળી, યહોવાહે કહ્યું, ‘એ માટે તમે મારા સર્વ વિધિઓ તથા મારા સર્વ હુકમો પાળો, ને તેઓને અમલમાં મૂકો; રખેને જ્યાં હું તમને વસવા લઈ જાઉં છું, તે દેશ તમને ઓકી કાઢે. પણ મેં તમને કહ્યું છે, કે તમે તેઓના દેશનું વતન પામશો, ને હું તમને તે દૂધમધની રેલછેલવાળો દેશ આપીને તેનું વતન આપીશ.’ (લેવીય ૨૦:૨૨, ૨૪) યહોવાહે અનેક વાર ઈસ્રાએલીઓને ભલામણ કરી હતી. જો તેઓ તેમની આજ્ઞા પાળશે તો જ, તેઓને વચનના દેશમાં રહેવા મળશે. પણ આ સલાહ તેઓના દિલમાં ઊતરી નહિ. છેવટે યહોવાહે, બાબેલોનીઓ દ્વારા તેઓને સ્વર્ગ જેવા સુંદર દેશમાંથી કાઢી મૂક્યા.
it-૧-E ૧૧૯૯
વારસો
એક વ્યક્તિના મરણ પછી તેની જમીન અને માલમિલકત તેના વંશજ કે હકદારને મળે છે, એને વારસો કહેવાય. એવી કોઈ પણ વસ્તુ જે માબાપ કે પૂર્વજો તરફથી તેમના વંશજોને મળે એને પણ વારસો કહેવાય છે. હિબ્રૂ ભાષામાં વારસા માટે ખાસ ક્રિયાપદ નશાલ (સંજ્ઞા: નશાલા) વપરાય છે. એનો અર્થ થાય બાપદાદાઓ પાસેથી વારસામાં કોઈ વસ્તુ મેળવવી અને આવનાર પેઢીને વારસામાં આપવી. (ગણ ૨૬:૫૫; હઝ ૪૬:૧૮) હિબ્રૂ ભાષામાં વારસા માટે બીજું પણ એક ક્રિયાપદ યારાશ વપરાય છે. અમુક કલમોમાં આ ક્રિયાપદનો અર્થ થાય, ‘વારસ બનવું.’ પણ મોટા ભાગની કલમોમાં આનો અર્થ થાય, કોઈ જમીન કે માલમિલકતના વારસ બનવું. (ઉત ૧૫:૩; લેવી ૨૦:૨૪) આ ક્રિયાપદનો બીજો પણ અર્થ થાય, સૈનિકો હુમલો કરીને કોઈ જગ્યા પર ‘કબજો કરે’ અને લોકોનો ‘નાશ કરે.’ (પુન ૨:૧૨; ૩૧:૩) ગ્રીક ભાષામાં વારસા માટે ક્લેરોસ શબ્દ વપરાય છે. જેનો ખરેખર અર્થ થતો હતો, “પત્ર.” ત્યાર પછી આ શબ્દ “ભાગ” અને “વારસા” માટે પણ વપરાતો.—માથ ૨૭:૩૫; પ્રેકા ૧:૧૭; ૨૬:૧૮.
it-૧-E ૩૧૭ ¶૨
પક્ષી
જળપ્રલય પછી નુહે જાનવરોની સાથે સાથે ‘શુદ્ધ પક્ષીઓ’ પણ અર્પણ તરીકે ચઢાવ્યા. (ઉત ૮:૧૮-૨૦) આ બનાવ પછી ઈશ્વરે માણસને પક્ષીઓનું માંસ ખાવાની પરવાનગી આપી, પણ તેઓને લોહી ખાવાની મનાઈ કરી હતી. (ઉત ૯:૧-૪; લેવી ૭:૨૬; ૧૭:૧૩ સરખાવો.) ઈશ્વરે કદાચ કોઈક રીતે તેઓને જણાવ્યું હતું કે તે ફક્ત અમુક પક્ષીનું જ અર્પણ સ્વીકારશે. એટલે બની શકે કે એ સમયે અમુક પક્ષીને શુદ્ધ ઠરાવવામાં આવ્યાં હતાં. બાઇબલમાંથી જાણવા મળે છે કે મુસાના નિયમ પહેલાં કોઈ પણ પક્ષીને અશુદ્ધ કહેવામાં આવ્યું ન હતું. દરેક પક્ષી ખાઈ શકાતા હતા. મુસાના નિયમમાં અમુક પક્ષીઓને “અશુદ્ધ” કહેવામાં આવ્યાં એટલે એવાં પક્ષીઓ ખાવાની મનાઈ હતી. (લેવી ૧૧:૧૩-૧૯, ૪૬, ૪૭; ૨૦:૨૫; પુન ૧૪:૧૧-૨૦) બાઇબલમાં એ જણાવ્યું નથી કે કયા કારણોને લીધે એ પક્ષીઓને અશુદ્ધ ગણવામાં હતાં. અશુદ્ધ પક્ષીઓમાં વધુ પડતાં એવાં પક્ષીઓનો સમાવેશ થતો, જેઓ શિકાર કરતાં હતાં. પણ એનો અર્થ એમ નથી કે એ કારણોને લીધે તેઓ અશુદ્ધ ગણાતાં. શિકાર ન કરતાં હોય એવાં અમુક પક્ષીને પણ અશુદ્ધ કહેવામાં આવતાં. નવો કરાર અમલમાં આવ્યો ત્યાર પછી અશુદ્ધ પક્ષીઓને ન ખાવાનો નિયમ રદ કરવામાં આવ્યો. એ વિશે ઈશ્વરે પીતરને એક દર્શનમાં જણાવ્યું હતું.—પ્રેકા ૧૦:૯-૧૫.
કીમતી રત્નો શોધીએ
શરીરને ઇજા
પોતાના શરીરને ઇજા પહોંચાડવી એ શરીર માટે અપમાન બતાવે છે. વધુમાં એ જૂઠા ધર્મ સાથે જોડાયેલું હોય શકે. (૧ રાજાઓ ૧૮:૨૫-૨૮) આપણને સજીવન થવાની આશા હોવાથી વહાલી વ્યક્તિના મરણ વખતે એવું કંઈ કરીને શોક બતાવવો અયોગ્ય છે.
જાન્યુઆરી ૧૮-૨૪
બાઇબલમાં રહેલો ખજાનો | લેવીય ૨૨-૨૩
“યહુદીઓના તહેવારોમાંથી શું શીખવા મળે છે?”
it-૧-E ૮૨૬-૮૨૭
બેખમીર રોટલીનું પર્વ
બેખમીર રોટલીના પર્વના પહેલા દિવસે એક ખાસ સભા રાખવામાં આવતી. એ જ દિવસે સાબ્બાથ પણ હોય. આ પર્વના બીજા દિવસે એટલે કે નીસાન ૧૬ના દિવસે ઇઝરાયેલીઓ પોતાનાં ખેતરમાં પાકેલા જવની પહેલી ઉપજની પૂળીઓ યાજક પાસે લાવતા. ઇઝરાયેલમાં વર્ષનો પહેલો પાક જવનો થતો. એ પર્વ ઊજવ્યા પહેલાં નવા પાકનું અનાજ કોઈ ખાઈ ન શકતું. એ અનાજની રોટલી કે પોંક પણ ન ખાઈ શકતા. યાજક જવની પૂળી યહોવા સામે આગળ-પાછળ હલાવતા. એ જાણે યહોવાને અર્પણ કરવા બરાબર હતું. એ જ દિવસે એક વર્ષના નર ઘેટાનું અગ્નિ-અર્પણ, તેલમાં મોહેલા અનાજ-અર્પણ અને દ્રાક્ષદારૂ-અર્પણ પણ ચઢાવવામાં આવતું. (લેવી ૨૩:૬-૧૪) સમય જતાં યાજક અનાજ કે એમાંથી બનેલા લોટને વેદી પર બાળવા લાગ્યા, પણ હકીકતમાં એવો કોઈ નિયમ ન હતો. યહોવા માટે યાજક જે પૂળી અને બીજા અર્પણ ચઢાવતા, એ આખા દેશ તરફથી ગણાતા. એટલું જ નહિ, જેમની પાસે ઇઝરાયેલમાં વારસામાં જમીન હતી, એવા દરેક કુટુંબ અને માણસે પણ આભાર અર્પણ ચઢાવવાનું હતું.—નિર્ગ ૨૩:૧૯; પુન ૨૬:૧, ૨.
પર્વ ઉજવવાનાં કારણ. આ પર્વમાં લોકોએ બેખમીર રોટલી ખાવાની હતી. એ આજ્ઞા યહોવાએ મુસા દ્વારા આપી હતી. નિર્ગમન ૧૨:૧૪-૨૦માં આ વિશે જણાવ્યું છે. કલમ ૧૯ કહે છે, “સાત દિવસ તમારાં ઘરોમાં કંઈ પણ ખમીર રહેવું ન જોઈએ.” પુનર્નિયમ ૧૬:૩માં બેખમીર રોટલીને “દુઃખની રોટલી” કહી છે. દર વર્ષે યહૂદીઓ આ ઉજવણીમાં બેખમીર રોટલી ખાતા. એ યાદ અપાવતું કે તેઓએ ઉતાવળે ઇજિપ્ત છોડ્યું હતું. (તેઓની પાસે લોટમાં ખમીર ઉમેરવાનો પણ સમય ન હતો. [નિર્ગ ૧૨:૩૪]). આમ તેઓને યાદ રહેતું કે ઇજિપ્તની ગુલામીમાં તેઓએ કેટલું દુઃખ સહન કર્યું હતું. એ તહેવાર ઉજવવાનું કારણ જણાવતા યહોવાએ તેઓને કહ્યું: ‘તું ઇજિપ્ત દેશમાંથી નીકળ્યો એ દિવસ તારા આખા આયુષ્યભર તને યાદ રહે.’ વચનના દેશમાં પહોંચીને ઇઝરાયેલીઓ એક આઝાદ રાષ્ટ્ર બનવાના હતા. તેઓએ ખાસ યાદ રાખવાનું હતું કે તેઓને ગુલામીમાંથી છોડાવીને આઝાદ કરનાર યહોવા ઈશ્વર હતા. એ યાદ રાખીને ઇઝરાયેલીઓ બેખમીર રોટલીનું પર્વ ઊજવતા. તેઓના ત્રણ મોટા પર્વોમાંનું એ પહેલું પર્વ હતું.—પુન ૧૬:૧૬.
it-૨-E ૫૯૮ ¶૨
પચાસમાના દિવસનો તહેવાર
પચાસમાના દિવસે ઘઉંની કાપણીનો પ્રથમ પાક યહોવાને અર્પણ કરવામાં આવતો. આ અર્પણ જવના અર્પણ કરતાં જુદી રીતે ચઢાવાતું. એફાહના બે દશાંશ ભાગ મેંદામાં (૪.૪ લિટર બરાબર) ખમીર ઉમેરેલી બે રોટલી બનાવીને શેકવામાં આવતી. ઇઝરાયેલીઓએ ‘પોતાનાં મકાનોમાંથી’ આ રોટલીઓ લાવીને ચઢાવવાની હતી. એટલે તેઓએ દરરોજના જેવી જ રોટલી બનાવવાની હતી. આ પવિત્ર અર્પણની રોટલીઓ જેવી ન હતી, પણ સામાન્ય રોટલીઓ જેવી હતી. (લેવી ૨૩:૧૭) એની સાથે દહન-અર્પણ, પાપ-અર્પણ અને શાંતિ-અર્પણનાં બે ઘેટાં પણ ચઢાવવાનાં હતાં. યાજક એ રોટલી અને ઘેટાંના ટુકડાને હાથમાં લઈને યહોવાની સામે એને આગળ-પાછળ હલાવતા. એ યહોવાની સામે અર્પણ ચઢાવવા બરાબર હતું. એ બધું યહોવાને અર્પણ કર્યા પછી યાજક એને શાંતિ-અર્પણ તરીકે ખાઈ શકતા.—લેવી ૨૩:૧૮-૨૦.
યહોવાના સંગઠન સાથે શું તમે આગળ વધી રહ્યા છો?
૧૧ યહોવાનું સંગઠન આપણા ભલા માટે સલાહ-સૂચનો આપે છે. તેથી, એ આપણને પ્રેરિત પાઊલની આ સલાહ પ્રમાણે કરવા ઉત્તેજન આપે છે: “પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવા અરસપરસ ઉત્તેજન મળે માટે આપણે એકબીજાનો વિચાર કરીએ. જેમ કેટલાએક કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ, પણ આપણે એકબીજાને ઉત્તેજન આપીએ; અને જેમ જેમ તમે તે દહાડો પાસે આવતો જુઓ તેમ તેમ વિશેષ પ્રયત્ન કરો.” (હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫) પ્રાચીન ઈસ્રાએલીઓ યહોવાની ભક્તિ કરવા અને તેમનાં સૂચનો મેળવવાં પર્વોમાં નિયમિત ભેગા થતા. ઉપરાંત, આવાં પર્વો આનંદી પ્રસંગો હતા. જેમ કે, નહેમ્યાના સમયમાં ઉજવાયેલું માંડવાપર્વ. (નિર્ગ. ૨૩:૧૫, ૧૬; નહે. ૮:૯-૧૮) આજે, આપણને સભાઓ અને સંમેલનોમાંથી એવા જ ફાયદા મળે છે. તેથી ચાલો, આપણી ભક્તિ અને આનંદ માટે કરવામાં આવેલી એ જોગવાઈઓનો પૂરો લાભ લઈએ.—તિત. ૨:૨.
કીમતી રત્નો શોધીએ
ઈશ્વરને વફાદાર રહીએ!
૩ ઈશ્વરભક્તો કઈ રીતે વફાદારી બતાવે છે? તેઓ યહોવાને પૂરા દિલથી પ્રેમ કરે છે અને ફક્ત તેમની જ ભક્તિ કરે છે. એટલે તેઓ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે ચાલે છે. બાઇબલમાં ‘વફાદારી’ શબ્દનો અલગ અલગ રીતે ઉપયોગ થયો છે. બાઇબલમાં વપરાયેલા મૂળ હિબ્રૂ શબ્દનો અર્થ થાય: પૂરેપૂરું, તંદુરસ્ત કે કોઈ ખામી વગરનું. દાખલા તરીકે, ઇઝરાયેલીઓ યહોવાને પ્રાણીઓનું અર્પણ ચઢાવતા હતા. નિયમશાસ્ત્ર પ્રમાણે એ પ્રાણીઓ કોઈ ખોડખાંપણ કે ખામી વગરના હોય એ જરૂરી હતું. (લેવી. ૨૨:૨૧, ૨૨) જો કોઈ પ્રાણીને પગ, કાન કે આંખ ન હોય અથવા એ બીમાર હોય, તો એનું બલિદાન ચઢાવવાનું ન હતું. યહોવા ચાહતા હતા કે તેઓ પૂરેપૂરું, તંદુરસ્ત કે કોઈ ખામી વગરનું પ્રાણી અર્પણ તરીકે ચઢાવે. (માલા. ૧:૬-૯) યહોવા કેમ એવું બલિદાન ચાહતા હતા? જ્યારે આપણે ફળ-શાકભાજી કે કોઈ વસ્તુ ખરીદીએ, ત્યારે આપણે ધ્યાન રાખીએ છીએ કે એ બગડેલું, કપાયેલું કે તૂટેલું ન હોય. આપણે ચાહીએ છીએ કે એ એકદમ સારું હોય અને એમાં કોઈ ખામી ન હોય. પ્રેમ અને વફાદારીની વાત આવે ત્યારે, યહોવા આપણી પાસે એવી જ અપેક્ષા રાખે છે. તે ચાહે છે કે આપણે પૂરા દિલથી તેમની ભક્તિ કરીએ અને આપણી વફાદારીમાં કોઈ ખામી ન હોય.
w૦૭-E ૭/૧૫ ૨૬
ઇઝરાયેલમાં જવ લણવાના સમયે બધા પુરુષો બેખમીર રોટલીનો તહેવાર ઉજવવા પવિત્ર સ્થાને જતા. એટલે સવાલ થાય કે જવનો પાક લણીને એને પ્રથમ ફળ તરીકે અર્પણ કરવા પવિત્ર સ્થાને કોણ લઈ જતું?
મુસાના નિયમમાં ઇઝરાયેલીઓને જણાવ્યું હતું: ‘વર્ષમાં ત્રણ વાર તારા બધા પુરુષો જે સ્થળ યહોવા તારા ઈશ્વર પસંદ કરે ત્યાં તેની હજૂરમાં રજૂ થાય; એટલે બેખમીર રોટલીના પર્વમાં, તથા અઠવાડીયાંના પર્વમાં, તથા માંડવાપર્વમાં; અને તેઓ ખાલી હાથે યહોવાની હજૂરમાં હાજર ન થાય.’ (પુનર્નિયમ ૧૬:૧૬) સુલેમાન રાજાના સમયથી ઈશ્વરનું પસંદ કરેલું મંદિર યરૂશાલેમમાં હતું.
વસંતઋતુમાં ત્રણ તહેવારો ઉજવવામાં આવતા. એમાંનો પ્રથમ તહેવાર ખમીર વગરની રોટલીનો હતો. એ નીસાન ૧૪ના રોજ પાસ્ખાપર્વની ઉજવણી પછીના દિવસથી શરૂ થતો અને નીસાન ૨૧ સુધી એટલે કે સાત દિવસ સુધી ઊજવાતો. આ તહેવારના બીજા દિવસે એટલે કે નીસાન ૧૬થી જવનો પાક લણવાનું શરૂ થતું, જે પવિત્ર કેલેન્ડર પ્રમાણે પ્રથમ પાક હતો. એ દિવસે પ્રમુખ યાજક પવિત્ર સ્થાને ‘ફસલના પ્રથમ ફળની પૂળી લઈને યહોવાની આગળ-પાછળ હલાવતા.’ (લેવીય ૨૩:૫-૧૨) એટલે સવાલ થાય કે જવનો પાક લણીને એને પ્રથમ ફળ તરીકે અર્પણ કરવા પવિત્ર સ્થાને કોણ લઈ જતું?
ઇઝરાયેલ રાષ્ટ્રને આજ્ઞા આપવામાં આવી હતી કે તેઓએ ખમીર વગરની રોટલીના તહેવાર દરમિયાન ફસલનું પ્રથમ ફળ યહોવાને આપવું જોઈએ. જોકે એવો નિયમ ન હતો કે દરેક વ્યક્તિ પાક લણવાનું શરૂ કરે એટલે તેણે પ્રથમ ફળ લઈને પવિત્ર સ્થળે જવું જ જોઈએ. પણ તેની માટે બીજી કોઈ વ્યક્તિ પ્રથમ ફળ લઈ જઈ શકે, એવું આખા રાષ્ટ્રને જણાવવામાં આવ્યું હતું. એટલે ખમીર વગરની રોટલીના તહેવાર માટે કોઈને નજીકના ખેતરમાં જઈને જવ કાપી લાવવાનું કહેવામાં આવતું. એના વિશે ઍન્સાઇક્લોપીડિયા જ્યૂદાયકા જણાવે છે: “જો જવ પાકી ગયા હોય તો યરૂશાલેમની આજુબાજુથી લાવવામાં આવતા અથવા ઇઝરાયેલની કોઈપણ જગ્યાથી લાવવામાં આવતા. ત્રણ પુરુષો પોતાનું દાતરડું અને ટોપલી લઈને જવ કાપતા.” પછી જવની પૂળી પ્રમુખ યાજક પાસે લાવવામાં આવતો અને તે યહોવાને અર્પણ કરતા.
યહોવાએ ઇઝરાયેલીઓની જમીન અને પાકને આશીર્વાદ આપ્યા હતા. એ માટે પ્રથમ ફળ અર્પણ કરીને યહોવાનો આભાર માનવાની તેઓ પાસે સુંદર તક હતી. (પુનર્નિયમ ૮:૬-૧૦) આ અર્પણ રજૂ કરતું હતું કે ભાવિમાં ‘આવનારા આશીર્વાદોનો એ ફક્ત પડછાયો છે.’ (હિબ્રૂઓ ૧૦:૧) એટલે જ ઈસુ ખ્રિસ્તને નીસાન ૧૬ના રોજ, ૩૩ની સાલમાં જીવતા કરવામાં આવ્યા હતા. આ એ જ દિવસ હતો જ્યારે પ્રથમ ફળ યહોવાને અર્પણ કરવામાં આવ્યું હતું. ઈસુ વિશે પ્રેરિત પાઊલે લખ્યું: ‘ખ્રિસ્તને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા છે અને મરણની ઊંઘમાં છે એ લોકોમાંથી તેમને પ્રથમ જીવતા કરવામાં આવ્યા છે. પણ દરેકને પોતાના યોગ્ય ક્રમમાં ઉઠાડવામાં આવે છે: પ્રથમ ખ્રિસ્તને, પછી ખ્રિસ્તના છે તેઓને ખ્રિસ્તની હાજરી દરમિયાન ઉઠાડવામાં આવશે.’ (૧ કોરીંથીઓ ૧૫:૨૦-૨૩) પ્રથમ ફળ જે મુખ્ય યાજક યહોવાની આગળ-પાછળ હલાવતા એ સજીવન થયેલા ઈસુને રજૂ કરતું. ગુજરી ગયેલા બધા લોકોમાંથી ઈસુને પ્રથમ જીવતા કરવામાં આવ્યા હતા. ઈસુએ પોતાનું બલિદાન આપીને પાપ અને મરણમાંથી સર્વ મનુષ્યને છુટકારો મેળવવા માટે માર્ગ ખોલ્યો.
જાન્યુઆરી ૨૫-૩૧
બાઇબલમાં રહેલો ખજાનો | લેવીય ૨૪-૨૫
“ઇઝરાયેલમાં છુટકારાનું વર્ષ અને ભાવિમાં છુટકારો”
આપણી આઝાદી માટે યહોવાની ગોઠવણ
ઈસુએ જે આઝાદી વિશે વાત કરી, એ સમજવા ચાલો પહેલા જોઈએ કે યહોવાએ પહેલાંના સમયમાં પોતાના લોકો માટે કઈ ગોઠવણ કરી હતી. યહોવાએ ઇઝરાયેલીઓને કહ્યું હતું: ‘પચાસમું વર્ષ તમારે પવિત્ર પાળવું, ને આખા દેશમાં એના સર્વ રહેવાસીઓને માટે છુટકારાનો ઢંઢેરો પિટાવવો. એ તમારા માટે જુબિલીનું વર્ષ થાય: અને તમારામાંથી દરેક માણસે પોતપોતાનાં વતનમાં પાછા આવવું, ને તમારામાંથી દરેક માણસે પોતપોતાનાં કુટુંબમાં પાછા આવવું.’ (લેવીય ૨૫:૮-૧૨ વાંચો.) આગલા લેખમાં આપણે જોયું કે દર અઠવાડિયે સાબ્બાથ પાળવાથી ઇઝરાયેલીઓને ફાયદો થતો હતો. જુબિલીના વર્ષથી ઇઝરાયેલીઓને કેવો ફાયદો થતો હતો? દાખલા તરીકે, જો ઇઝરાયેલી વ્યક્તિના માથે દેવું વધી જાય, તો તેણે એ દેવું ચૂકવવા પોતાની જમીન વેચવી પડતી. પચાસમા વર્ષે તેને એ જમીન પાછી મળી જતી. એટલે એ વ્યક્તિ ‘પોતાના વતનમાં પાછી’ આવતી. તેના વંશજોએ વારસો ગુમાવવો પડતો નહિ. બીજો એક દાખલો જોઈએ. જો કોઈ વ્યક્તિ દેવામાં ડૂબી ગઈ હોય, તો એ ચૂકવવા તેણે ગુલામ તરીકે વેચાઈ જવું પડતું અથવા પોતાના એકાદ બાળકને ગુલામ તરીકે વેચી દેવું પડતું. જુબિલીના વર્ષે તેઓ ‘પોતપોતાનાં કુટુંબમાં પાછા આવતા.’ એટલે કોઈ પણ વ્યક્તિએ આખી જિંદગી ગુલામ રહેવું પડતું નહિ. સાચે જ, યહોવા પોતાના લોકોનું કેટલું ધ્યાન રાખે છે!
it-૧-E ૧૨૦૦ ¶૨
વારસો
ઇઝરાયેલીઓ નિયમ પ્રમાણે પોતાની જમીન પેઢી દર પેઢી પોતાના વંશજોને વારસામાં આપતા. એ જમીન કાયમ માટે વેચવાનો કોઈને હક ન હતો. કોઈ ઇઝરાયેલી ચાહે તો પોતાની જમીન અમુક મુદત સુધી કોઈને વેચી શકે. એટલે કે જે વ્યક્તિએ એ જમીન અમુક મુદત સુધી ખરીદી હોય ત્યાં સુધી તે વાપરી શકે. પણ એ જમીન તે હંમેશાં માટે વેચી ન શકે. પરંતુ જો કોઈની પાસેથી કોઈ જમીન ખરીદે તો જમીનની કિંમત આંકવા છુટકારાના વર્ષને કેટલાં વર્ષો વીત્યાં છે, એના આધારે જમીનની કિંમત નક્કી કરાતી. પછી વેચનાર માણસ જુએ કે છુટકારાનું વર્ષ આવવામાં કેટલાં વર્ષો બાકી છે અને એ દરમિયાન થનાર પાકની કિંમતને આધારે જમીનની કિંમત નક્કી કરે. જો કોઈ ઇઝરાયેલીની પરિસ્થિતિ સારી હોય તો તે છુટકારાના વર્ષ પહેલાં પણ પોતાની જમીન પાછી ખરીદી લઈ શકતો. (લેવી ૨૫:૧૩, ૧૫, ૨૩, ૨૪) કોઈનું ઘર ખુલ્લી જગ્યામાં હોય તો એ ખેતરનો ભાગ ગણાતો. એટલે આવું ઘર વેચવામાં આવ્યું હોય તો છુટકારાના વર્ષે એના માલિકને પાછું મળી જતું. માની લો કે, એક ઇઝરાયેલીનું ઘર કોટવાળા શહેરમાં છે. પણ તે એ ઘર વેચી નાખે છે ત્યારે શું? એવા સંજોગમાં, મૂળ માલિક પાસે એક વર્ષની મુદત સુધી પોતાનું ઘર પાછું ખરીદવાનો હક હતો. જો મૂળ માલિક એક વર્ષની અંદર તેનું ઘર પાછું ખરીદી ન શકે, તો છુટકારાના વર્ષે તેને પોતાનું ઘર પાછું ન મળતું અને હવે તે ખરીદનારનું થઈ જતું. આ બાબતમાં લેવીઓ માટે નિયમ અલગ હતો. જો શહેરમાં તેનું કોઈ ઘર હોય અને તે એને વેચે તો એને કોઈ પણ સમયે પાછું ખરીદી શકતો. ઇઝરાયેલમાં લેવીઓને જમીનનો વારસો મળતો ન હતો. એ માટે તેમને આ હક આપવામાં આવ્યો હતો.—લેવી ૨૫:૨૯-૩૪.
it-૨-E ૧૨૨-૧૨૩
છુટકારાનું વર્ષ
ઇઝરાયેલીઓ છુટકારાના વર્ષનો ઈશ્વરનો નિયમ પાળતા ત્યારે દેશનું ભલું થતું. કોઈને તંગી ન પડતી. આજે ઘણા દેશમાં અમુક લોકો ખૂબ ધનવાન છે તો અમુક ખૂબ ગરીબ. પણ છુટકારાના વર્ષનો નિયમ પાળવાથી ઇઝરાયેલ દેશની આવી હાલત ન થતી. કોઈ ગરીબ કે બેરોજગાર ન રહેતું, બધાને પૂરતું કામ મળતું. તેમની મહેનતને લીધે દેશની આર્થિક હાલત સારી રહેતી. યહોવાના આશીર્વાદથી પુષ્કળ અનાજ પાકતું. લોકોને ઈશ્વરના નિયમો શીખવવામાં આવતા. તેઓ નિયમો પાળતા ત્યારે એ દેશમાં સુખ-શાંતિ રહેતી. ઇઝરાયેલમાં ઈશ્વરના નિયમ પ્રમાણે રાજ ચાલતું ત્યારે બધા સુખી થતા.—યશા ૩૩:૨૨.
કીમતી રત્નો શોધીએ
w૦૯-E ૯/૧ ૨૨ ¶૪
તમને ખોટું લાગે ત્યારે
માની લો કે બે ઇઝરાયેલીઓ વચ્ચે મારપીટ થાય. એક વ્યક્તિ બીજાની આંખ ફોડી નાખે તો શું થતું? નિયમ પ્રમાણે જેણે આંખ ફોડી હોય તેની આંખ પણ ફોડી દેવામાં આવતી. એ નિર્ણય ઇજા પામેલા વ્યક્તિ કે તેનું કુટુંબ ન લઈ શકતું. તો પછી કોણ એ નિર્ણય લઈ શકતું? બંને વ્યક્તિને ન્યાયાધીશ પાસે લાવવામાં આવતા અને તે તેઓનો ન્યાય કરતા, જેથી ઝઘડાનો સારી રીતે ઉકેલ લાવી શકાય. એનાથી લોકો જોઈ શકતા કે જાણીજોઈને બીજાને ઇજા પહોંચાડવાથી પોતાને પણ એવી જ સજા કરવામાં આવશે. આ નિયમથી તેઓમાં ડર રહેતો અને તેઓ બીજાઓને નુકસાન પહોંચાડતા નહિ. એમાં બીજું પણ કંઈક સમાયેલું હતું.
ફેબ્રુઆરી ૧-૭
બાઇબલમાં રહેલો ખજાનો | લેવીય ૨૬-૨૭
“યહોવાના આશીર્વાદો મેળવવા શું કરવું જોઈએ?”
‘નકામી વાતોને’ નફરત કરીએ
૮ ‘પૈસો’ કઈ રીતે પરમેશ્વર બને છે એ સમજવા માટે એક દાખલો લઈએ. ઈસ્રાએલના સમયમાં લોકો પથ્થરની દીવાલ બાંધતા. પથ્થરનાં ઘર બાંધતા. પણ જો એ જ પથ્થરમાંથી મૂર્તિ કે ‘કોરેલો સ્તંભ’ બનાવે તો શું? એ ખોટું કહેવાય, કેમ કે હવે તેઓ યહોવાહને બદલે એ પથ્થરને પરમેશ્વર માનશે. (લેવી. ૨૬:૧) એ જ રીતે પૈસો જીવવા માટે જરૂરી છે. એને યહોવાહની ભક્તિમાં પણ વાપરી શકીએ. (સભા. ૭:૧૨; લુક ૧૬:૯) પણ જો આપણે યહોવાહની ભક્તિને બદલે પૈસા પાછળ પડી જઈએ, તો પૈસો આપણો પરમેશ્વર બની જશે. (૧ તિમોથી ૬:૯, ૧૦ વાંચો.) આજે દુનિયામાં લોકો માટે પૈસો જ પરમેશ્વર છે, પણ આપણા માટે યહોવાહ જ પરમેશ્વર છે.—૧ તિમો. ૬:૧૭-૧૯.
it-૧-E ૨૨૩ ¶૩
ઊંડો આદર
યહોવા મુસા સાથે અજોડ રીતે વર્ત્યા અને તેમને અમુક ખાસ જવાબદારીઓ સોંપી. એટલે ઈશ્વરના લોકો મુસાનો ઊંડો આદર (હિબ્રૂ, મોહરા) કરતા હતા. (પુન ૩૪:૧૦, ૧૨; નિર્ગ ૧૯:૯) તેઓને વિશ્વાસ હતો કે યહોવાએ મુસાને અધિકાર આપ્યો છે. એ કારણથી તેઓ મુસાને આધીન રહેતા હતા. તેઓ જાણતા હતા કે યહોવા તેઓની સાથે મુસા દ્વારા જ વાત કરે છે. ઇઝરાયેલીઓને જણાવવામાં આવ્યું હતું કે યહોવાના પવિત્ર સ્થાન માટે પણ તેઓના દિલમાં ઊંડો આદર હોવો જોઈએ. (લેવી ૧૯:૩૦; ૨૬:૨) પવિત્ર સ્થાનનો આદર બતાવવા યહોવાએ જે રીતે કહ્યું હતું એ જ રીતે તેઓએ ભક્તિ કરવાની હતી. યહોવાની આજ્ઞા વિરુદ્ધનું કોઈ પણ કામ તેઓએ પવિત્ર સ્થાનમાં કરવાનું ન હતું.
w૯૨ ૧/૧ ૧૮ ¶૧૦
“દેવની શાંતિ” તમારા હૃદયની સંભાળ રાખો
૧૦ યહોવાહે પ્રજાને જણાવ્યું: “તમે મારા વિધિઓમાં ચાલશો, અને મારી આજ્ઞાઓ પાળશો અને એ પ્રમાણે વર્તશો તો, હું પણ નિશ્ચે તમને એનાં યોગ્ય સમયે વરસાદ આપીશ, અને ભૂમિ પોતાની ઊપજ આપશે, અને ખેતરનું વૃક્ષ એનું ફળ આપશે. અને હું દેશમાં શાંતિ સ્થાપીશ, અને તમે ખરેખર સૂઈ જશો, અને કોઈ તમને બીવડાવશે નહિ; અને હું હાનિકારક જંગલી પશુઓને દેશમાંથી નષ્ટ કરીશ, અને તરવાર તમારા દેશમાં ચાલશે નહિ. અને હું ખરેખર તમારી મધ્યે ચાલીશ અને પોતાને તમારો દેવ સાબિત કરીશ.” (લેવીય ૨૬:૩, ૪, ૬, ૧૨) ઇસ્રાએલીઓ એ અર્થમાં શાંતિનો આનંદ માણી શક્યાં કે તેઓને તેઓનાં દુશ્મનોથી સલામતી હતી, ભૌતિક અઢળકતા હતી, અને યહોવાહ સાથે ગાઢ સંબંધ હતો. પરંતુ એનો આધાર, તેઓ યહોવાહનો નિયમ પાળે તેના પર રહેલો હતો.—ગીતશાસ્ત્ર ૧૧૯:૧૬૫.
કીમતી રત્નો શોધીએ
it-૨-E ૬૧૭
બીમારી
ઈશ્વરના નિયમો તોડવાથી થયેલી બીમારી. ઇઝરાયેલ દેશને પહેલેથી ચેતવણી આપવામાં આવી હતી કે જો તેઓ જાણીજોઈને ઈશ્વરના નિયમો તોડશે તો યહોવા તેઓ પર ‘બીમારી મોકલશે.’ (લેવી ૨૬:૧૪-૧૬, ૨૩-૨૫; પુન ૨૮:૧૫, ૨૧, ૨૨) બાઇબલની ઘણી કલમોમાંથી જાણવા મળે છે કે સારી તબિયત અને ઈશ્વર સાથેનો સારો સંબંધ તેમના આશીર્વાદથી જ શક્ય છે. (પુન ૭:૧૨, ૧૫; ગી ૧૦૩:૧-૩; ની ૩:૧, ૨, ૭, ૮; ૪:૨૧, ૨૨; પ્રક ૨૧:૧-૪) બીમારીનું બીજું કારણ છે આદમથી વારસામાં મળેલું પાપ અને મરણ. (નિર્ગ ૧૫:૨૬; પુન ૨૮:૫૮-૬૧; યશા ૫૩:૪, ૫; માથ ૯:૨-૬, ૧૨; યોહ ૫:૧૪) ખરું કે બાઇબલ સમયમાં ઈશ્વરની આજ્ઞા વિરુદ્ધ કામ કરનાર પર ઈશ્વરે તરત જ બીમારી મોકલી હતી. જેમ કે મરિયમ, ઉઝ્ઝિયા અને ગેહઝી પર તેમણે કોઢની બીમારી મોકલી હતી. (ગણ ૧૨:૧૦; ૨કા ૨૬:૧૬-૨૧; ૨રા ૫:૨૫-૨૭) પણ મોટા ભાગે જોવા મળ્યું છે કે લોકો કે દેશમાં બીમારી ફેલાઈ ત્યારે એ યહોવા તરફથી સજા ન હતી. ખોટું કામ કરવાને લીધે તેઓ પર બીમારી આવી. એટલે કે તેઓનાં ખરાબ કામનું પરિણામ તેઓએ ભોગવ્યું. આમ તેઓએ જે વાવ્યું એ જ લણ્યું. (ગલા ૬:૭, ૮) પાઉલે જણાવ્યું કે જે લોકોએ વ્યભિચાર જેવાં ગંદાં કામો કર્યાં તેઓને ઈશ્વરે ‘અશુદ્ધ કામો કરવા છોડી દીધા, જેથી તેઓ પોતાના શરીરોને ભ્રષ્ટ કરે. તેઓ પોતાનાં ખોટાં કામોને લાયક પૂરેપૂરી સજા ભોગવવા લાગ્યા.’—રોમ ૧:૨૪-૨૭.
ફેબ્રુઆરી ૮-૧૪
બાઇબલમાં રહેલો ખજાનો | ગણના ૧-૨
“યહોવાએ પોતાના લોકો માટે ગોઠવણ કરી”
w૯૪ ૧૨/૧ ૮ ¶૪
આપણા જીવનમાં યહોવાહની ઉપાસનાનું યોગ્ય સ્થાન
૪ તમે અરણ્યમાં ઈસ્રાએલની છાવણીનું વિહંગાવલોકન કરો તો, તમને શું દેખાશે? વિશાળ, પરંતુ વ્યવસ્થિત તંબુઓની ગોઠવણ, જેમાં ત્રણ કુળના વૃંદમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ, અને પશ્ચિમમાં, કદાચ ૩૦થી ૪૦ લાખ લોકો રહેતા હોય. વધુ નજીકથી જોતા, તમને છાવણીની મધ્યમાં બીજા વૃંદો પણ દેખાશે. તંબુઓના એ નાના ચાર ઝુમખામાં લેવીઓના કુટુંબો રહેતા હતા. છાવણીની બિલકુલ મધ્યમાં, કપડાની દીવાલથી ઘેરેલા વિસ્તારમાં, અજોડ ઇમારત હતી. એ “મુલાકાતમંડપ,” અથવા મંડપ હતો, જે બુદ્ધિવાન ઈસ્રાએલીઓએ યહોવાહના નકશા પ્રમાણે બનાવ્યો હતો.—ગણના ૧:૫૨, ૫૩; ૨:૩, ૧૦, ૧૭, ૧૮, ૨૫; નિર્ગમન ૩૫:૧૦.
it-૧-E ૩૯૭ ¶૪
છાવણી
ઇઝરાયેલીઓની છાવણી ખૂબ મોટી હતી. સેનામાં જે પુરુષોના નામ લખવામાં આવ્યાં હતાં, તેઓની સંખ્યા ૬,૦૩,૫૫૦ હતી. એ ઉપરાંત, તેઓની છાવણીમાં સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધો અને અપંગ લોકો પણ હતા. તેમજ ૨૨,૦૦૦ લેવીઓ અને બીજી પ્રજાના લોકોનું ‘ટોળું’ પણ હતું. એ છાવણીમાં ૩૦,૦૦,૦૦૦ કે એનાથી પણ વધારે લોકો હશે. (નિર્ગ ૧૨:૩૮, ૪૪; ગણ ૩:૨૧-૩૪, ૩૯) આપણે નથી જાણતા કે તેઓએ કેટલા મોટા વિસ્તારમાં છાવણી નાખી હતી. બાઇબલ જણાવે છે કે તેઓ યરીખો સામે મોઆબના ઉજ્જડ પ્રદેશમાં પહોંચ્યા ત્યારે “બેથ-યશીમોથથી આબેલ-શિટ્ટીમ સુધી” છાવણી નાખી.—ગણ ૩૩:૪૯.
કીમતી રત્નો શોધીએ
it-૨-E ૭૬૪
નોંધણી
ઇઝરાયેલીઓના કુળ અને કુટુંબ પ્રમાણે તેઓના નામ અને વંશાવળી લખવામાં આવતાં. બાઇબલમાં વસ્તી-ગણતરી માટે જ નોંધણી કરવામાં આવતી એવું ન હતું. એનાં બીજાં કારણો પણ હતાં. જેમ કે, કર ઉઘરાવવા, સેનામાં લોકોને ભરતી કરવા અને લેવીઓને પવિત્ર જગ્યાએ કામ સોંપવા.
w૦૮-E ૭/૧ ૨૧
ઇઝરાયેલમાં ૧૩ કુળો હતા તો પછી કેમ બાઇબલમાં ફક્ત ૧૨ કુળો વિશે જણાવ્યું છે?
ઈશ્વરે યાકૂબને આશીર્વાદ આપ્યો અને તેમનું નામ ઇઝરાયેલ પાડ્યું. યાકૂબને ૧૨ દીકરાઓ થયા: રૂબેન, શિમયોન, લેવી, યહૂદા, દાન, નફતાલી, ગાદ, આશેર, ઇસ્સાખાર, ઝબુલોન, યૂસફ અને બિન્યામીન હતા. (ઉત્પત્તિ ૨૯:૩૨–૩૦:૨૪; ૩૫:૧૬-૧૮) યાકૂબના અગિયાર દીકરાઓનાં નામ પરથી અગિયાર કુળોનાં નામ પડ્યાં. પણ યૂસફના નામ પરથી કોઈ કુળનું નામ પડ્યું ન હતું. એના બદલે તેમના બે દીકરાઓ, એફ્રાઈમ અને મનાશ્શાના નામ પરથી બે કુળોનાં નામ પડ્યાં હતાં. આમ ઇઝરાયેલમાં કુલ ૧૩ કુળો હતાં. એટલે સવાલ થાય કે કેમ બાઇબલમાં ફક્ત ૧૨ કુળો વિશે જણાવ્યું છે?
પહેલું કારણ, ઇઝરાયેલીઓમાંથી લેવી કુળના પુરુષોને યહોવાની સેવા કરવા માટે અલગ કરવામાં આવ્યા હતા. તેથી, તેઓને સેનામાં ભરતી કરવામાં આવતા ન હતા. તેઓ પ્રથમ પવિત્ર મંડપમાં અને પછી સમય જતા મંદિરમાં સેવા આપતા. યહોવાએ મુસાને કહ્યું, ‘કેવળ લેવીના કુળની ગણતરી તું ન કર, ને ઇઝરાયેલ પુત્રોમાં તેઓની કુલ સંખ્યા તું ન કાઢ; પણ તું લેવીઓને સાક્ષ્યના મંડપ પર તથા તેના સઘળા સરસામાન પર, તથા તેને લગતી સર્વ બાબતો પર ઠરાવ; તેઓ મંડપને તથા તેના સર્વ સરસામાનને ઊંચકી લે; અને તેઓ તેની સંભાળ રાખે, ને મંડપની આસપાસ છાવણી કરે.’—ગણના ૧:૪૯, ૫૦.
બીજું કારણ, લેવીઓના કુળને વચનના દેશમાં કોઈ અલગ જમીન આપવામાં આવી ન હતી. એના બદલે તેઓ આખા ઇઝરાયેલમાં ૪૮ શહેરોમાં રહી શકતા હતા.—ગણના ૧૮:૨૦-૨૪; યહોશુઆ ૨૧:૪૧.
એ બે કારણને લીધે લેવીનું કુળ મોટે ભાગે ઇઝરાયેલીના કુળોમાં ગણવામાં આવતું નહિ. એટલે મોટા ભાગે બાઇબલમાં ઇઝરાયેલના ૧૨ કુળોની બાઇબલમાં વાત કરવામાં આવે છે.—ગણના ૧:૧-૧૫.
ફેબ્રુઆરી ૧૫-૨૧
બાઇબલમાં રહેલો ખજાનો | ગણના ૩-૪
“લેવીઓની સેવા”
it-૨-E ૬૮૩ ¶૩
યાજક
નિયમ કરાર. યહોવાએ દસમી આફતમાં ઇજિપ્તના દરેક પ્રથમ જન્મેલા છોકરાને મારી નાખ્યા હતા. તેમણે કહ્યું હતું કે ઇઝરાયેલીઓના બધા પ્રથમ જન્મેલા દીકરાઓને તેમની સેવા માટે અલગ કરવામાં આવે. (નિર્ગ ૧૨:૨૯; ગણ ૩:૧૩) એટલે ઇઝરાયેલીઓના સર્વ પ્રથમ જન્મેલા પર હવે યહોવાનો હક હતો અને તેઓએ યહોવાની સેવા કરવાની હતી. યહોવાએ ચાહ્યું હોત તો બધા પ્રથમ જન્મેલાને પવિત્ર સ્થાનની દેખરેખ રાખવાનું અને ત્યાં યાજકો તરીકે સેવા કરવાનું કામ સોંપી શક્યા હોત. પણ એના બદલે એ ખાસ કામ માટે તેમણે લેવીના કુળને પસંદ કર્યું. આમ ઇઝરાયેલના બાકીના ૧૨ કુળના પ્રથમ જન્મેલાઓને બદલે લેવી પુરુષોને પસંદ કરવામાં આવ્યા. (યુસફના દીકરા એફ્રાઈમ અને મનાશ્શાના વંશને બે કુળ માનવામાં આવતા, એટલે લેવીઓ ઉપરાંત બીજા ૧૨ કુળ હતા.) વસ્તી-ગણતરી કરવામાં આવી ત્યારે લેવીઓ કરતાં ૧૨ કુળના પ્રથમ જન્મેલા વધારે હતા. તેઓની સંખ્યા ૨૭૩ હતી. એટલે ઈશ્વરે કહ્યું કે ૨૭૩માંના દરેક પ્રથમ જન્મેલાને છોડાવવા માટે પાંચ શેકેલ (લગભગ ૮૦૦ રૂપિયા) ચૂકવવામાં આવે. તેઓએ એ પૈસા હારૂન અને તેમના દીકરાઓને આપવાના હતા. (ગણ ૩:૧૧-૧૬, ૪૦-૫૧) ઈશ્વરે આ ગોઠવણ કરતા પહેલાં જ જણાવી દીધું હતું કે હારૂન અને તેમના કુટુંબના પુરુષોને યાજકનું કામ કરવા પસંદ કરવામાં આવ્યા છે.—ગણ ૧:૧; ૩:૬-૧૦.
it-૨-E ૨૪૧
લેવીઓ
તેઓનું કામ. લેવીનું કુળ તેમના ત્રણ દીકરા ગેર્શોન, કહાથ અને મરારીના કુટુંબથી બનેલું હતું. (ઉત ૪૬:૧૧; ૧કા ૬:૧, ૧૬) વેરાન પ્રદેશમાં આ ત્રણ કુટુંબોને મુલાકાતમંડપ પાસે છાવણી કરવાનું કહેવામાં આવ્યું હતું. ગેર્શોનનાં કુટુંબો મંડપની પાછળ પશ્ચિમ બાજુએ છાવણી કરતા. કહાથનાં કુટુંબો મંડપની પાસે દક્ષિણ બાજુએ છાવણી કરતા. મરારીનાં કુટંબો મંડપની પાસે ઉત્તર બાજુએ છાવણી કરતા. (ગણ ૩:૨૩, ૨૯, ૩૫, ૩૮) મુલાકાતમંડપને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવતો. એ માટે એના ભાગોને છૂટા કરવાનું, ઊંચકીને લઈ જવાનું અને પાછું ગોઠવવાનું કામ લેવીઓનું હતું. મંડપ ઉઠાવવાનો સમય આવે ત્યારે હારૂન અને તેમના દીકરા પવિત્ર અને પરમ પવિત્ર ભાગની વચ્ચેના પડદાને ઉતારી દેતા. પછી તે સાક્ષીકોશ, વેદીઓ, બીજી પવિત્ર વસ્તુઓ અને વાસણોને ઢાંકી દેતા. ત્યાર બાદ કહાથના દીકરાઓ આ બધું ઊંચકીને લઈ જતા. ગેર્શોનના દીકરાઓ મુલકતમંડપના અને આંગણાંનાં પડદા અને દોરડાં (બની શકે કે દોરડાં પવિત્ર સ્થાનનાં હતાં) ઊંચકીને લઈ જતા. મરારીના દીકરાઓ ચોકઠાં, થાંભલા, કૂંભીઓ, ખીલા અને દોરડાં (મંડપને ફરતે આંગણાંનાં દોરડાં) ઊંચકીને લઈ જતા.—ગણ ૧:૫૦, ૫૧; ૩:૨૫, ૨૬, ૩૦, ૩૧, ૩૬, ૩૭; ૪:૪-૩૩; ૭:૫-૯.
it-૨-E ૨૪૧
લેવીઓ
મુસાના દિવસોમાં લેવી કુળના પુરુષો ૩૦ વર્ષની ઉંમરે મુલાકાતમંડપમાં સેવા કરવાનું શરૂ કરી શકતા હતા. જેમ કે, મંડપના ભાગો અને એનો સામાન એક જગ્યાએથી બીજી જગ્યા લઈ જવાનું કામ. (ગણ ૪:૪૬-૪૯) કેટલાક પુરુષો મંડપના અમુક કામ ૨૫ વર્ષની ઉંમરે શરૂ કરી શકતા, પણ તેઓએ ભારે કામ કરવાના ન હતા. જેમ કે, મુલાકાતમંડપના ભાગોને ઊંચકીને લઈ જવા. (ગણ ૮:૨૪) રાજા દાઉદના સમયે સેવા શરૂ કરવાની ઉંમર ૨૦ વર્ષ કરી દેવામાં આવી હતી. કેમ કે હવે મંડપને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવાનો ન હતો. જલદી મુલાકાતમંડપમાંની જગ્યાએ મંદિર બનવાનું હતું. લેવીઓએ ૫૦ વર્ષની ઉંમર સુધી કામ કરવાનું હતું. (ગણ ૮:૨૫, ૨૬; ૧કા ૨૩:૨૪-૨૬) જો કોઈ વધારે સમય સુધી સેવા આપવા માંગે તો એ તેની મરજી હતી. લેવીઓને ઘણી વાર લોકોની સામે નિયમો વાંચી સંભળાવવાનું અને શીખવવાનું કામ સોંપવામાં આવતું. એ માટે તેઓને નિયમનું સારું જ્ઞાન હોવું જરૂરી હતું.—૧કા ૧૫:૨૭; ૨કા ૫:૧૨; ૧૭:૭-૯; નહે ૮:૭-૯.
કીમતી રત્નો શોધીએ
ઈશ્વરનો ડર રાખો!
૧૩ યહોવાહે દાઊદની ચડતી-પડતીમાં તેમને સાથ આપ્યો. દાઊદ ઈશ્વરનો ડર રાખીને ચાલનાર બન્યા. (ગીતશાસ્ત્ર ૩૧:૨૨-૨૪) પણ દુઃખની વાત છે કે અમુક વખતે દાઊદ યહોવાહનો માર્ગ છોડી ખોટે માર્ગે ચડી ગયા, જેના કારણે તેમણે બહુ ભોગવવું પડ્યું. ત્રણ પ્રસંગોનો વિચાર કરો. પહેલો પ્રસંગ કરારકોશ વિષેનો છે. યહોવાહના નિયમ પ્રમાણે કરારકોશને એકથી બીજે ખસેડવા, લેવીઓ એને પોતાના ખભા પર ઊંચકતા. પણ દાઊદે એને નવા ગાડામાં યરૂશાલેમ લઈ જવાની ગોઠવણ કરી. ઉઝ્ઝાહ ગાડું હાંકતો હતો. પણ બળદોએ ઠોકર ખાધી એટલે તેણે કરારકોશ પકડી લીધો. તેના એ “અપરાધને લીધે” ઉઝ્ઝાહ ત્યાંને ત્યાં જ મરણ પામ્યો. ખરું કે ઉઝ્ઝાહે ઘોર પાપ કર્યું, પણ એમાં વાંક કોનો હતો? દાઊદનો. તેમણે યહોવાહનો નિયમ પાળ્યો નહિ, જેના લીધે ઉઝ્ઝાહ માર્યો ગયો. જો આપણે યહોવાહનો ડર રાખીશું તો, તેમના નિયમો પાળીશું. એ જીવન-મરણનો સવાલ છે.—૨ શમુએલ ૬:૨-૯; ગણના ૪:૧૫; ૭:૯.
ફેબ્રુઆરી ૨૨-૨૮
બાઇબલમાં રહેલો ખજાનો | ગણના ૫-૬
“તમે કઈ રીતે નાજીરીઓને અનુસરી શકો?”
ગણનાના મુખ્ય વિચારો
૬:૧-૭. નાજીરીએ દારૂની જેમ નશો કરાવે એવી કોઈ પણ વસ્તુથી દૂર રહેવાનું હતું. તેઓએ પોતાના વાળ વધવા દેવાના હતા. એ યહોવાહને આધીન રહેવાનું ચિહ્ન હતું, જેમ સ્ત્રીઓ પોતાના પતિ અને પિતાને આધીન રહેતી હતી. નાજીરીઓએ શબથી પણ દૂર રહીને શુદ્ધ રહેવાનું હતું, પછી ભલેને એ તેમના પોતાના કુટુંબીજનનું શબ કેમ ન હોય. આજે પૂરા સમયના સેવકો પણ યહોવાહ અને તેમની ગોઠવણોને આધીન રહેવાની વાત આવે છે ત્યારે, તેમની સેવા કરવા ઘણું જતું કરે છે. તેઓ યહોવાહની ઇચ્છા પ્રમાણે કરવા જીવનમાં ઘણા ભોગ આપે છે. દાખલા તરીકે, ઘણા દૂર બીજા દેશોમાં સેવા આપવા જાય છે. જ્યારે તેમનું કોઈ સ્વજન ગુજરી જાય, ત્યારે અંતિમ સંસ્કાર માટે પાછા પોતાના દેશ જવું તેમના માટે મુશ્કેલ કે અશક્ય હોય છે.
કીમતી રત્નો
વાચકો તરફથી પ્રશ્નો
જોકે, શામશૂને કંઈ પોતે નાઝીરી બનવાની પ્રતિજ્ઞા લીધી ન હતી. પરંતુ, પરમેશ્વરે તેમને નાઝીરી બનાવ્યા હતા. તેમના જન્મ પહેલાં, યહોવાહના દૂતે તેમની માતાને કહ્યું: “જો તને હમેલ રહેશે, ને પુત્રનો પ્રસવ થશે; અસ્ત્રો તેના માથા પર કદી ન ફરે; કેમકે તે છોકરો ગર્ભાધાનથી દેવને સારૂ નાઝીરી થશે; અને તે પલિસ્તીઓના હાથમાંથી ઈસ્રાએલને ઉગારવા માંડશે.” (ન્યાયાધીશો ૧૩:૫) આમ, શામશૂને કંઈ પોતે નાઝીરી બનવાની પ્રતિજ્ઞા લીધી ન હતી. પરંતુ, પરમેશ્વરે તેમને નાઝીરી બનાવ્યા હતા. કેમ કે તે જીવનભર નાઝીરી રહેવાના હતા. તેમના કિસ્સામાં શબને નહિ અડકવાની આજ્ઞા લાગુ પડતી ન હતી. જો તેમને પણ એ લાગુ પડતી હોય અને તે અચાનક શબને અડકે તો, જન્મથી જ નાઝીરી વ્યક્તિ કેવી રીતે ફરીથી નાઝીરી બની શકે? દેખીતી રીતે જ, જે વ્યક્તિ જનમથી જ નાઝીરી હોય અને જે વ્યક્તિ પોતાની મરજીથી નાઝીરી બને એ બેય માટે અલગ નિયમો હતા.