ગણના
૫ યહોવાએ મૂસાને આગળ કહ્યું: ૨ “ઇઝરાયેલીઓને આજ્ઞા કર કે, તેઓ એવી દરેક વ્યક્તિને છાવણી બહાર મોકલી દે, જેને રક્તપિત્ત* થયો હોય,+ જેને સ્રાવ વહેતો હોય+ અને જે શબને અડકવાથી અશુદ્ધ હોય.+ ૩ ભલે સ્ત્રી હોય કે પુરુષ, તમે તેને છાવણી બહાર મોકલી દો, જેથી જે છાવણીમાં હું તમારી વચ્ચે રહું છું+ એને તેઓ અશુદ્ધ ન કરે.”+ ૪ તેથી ઇઝરાયેલીઓએ એવી બધી વ્યક્તિઓને છાવણી બહાર મોકલી દીધી. યહોવાએ મૂસાને કહ્યું હતું, એવું જ ઇઝરાયેલીઓએ કર્યું.
૫ યહોવાએ મૂસાને આમ પણ કહ્યું: ૬ “ઇઝરાયેલીઓને કહે, ‘જો કોઈ પુરુષ કે સ્ત્રી પાપ કરે અને યહોવા પ્રત્યે બેવફા બને, તો તે વ્યક્તિ દોષિત છે.+ ૭ તે* પોતાનું પાપ કબૂલ કરે+ અને પોતાના અપરાધ માટે કિંમત ચૂકવી આપે. તેણે* જેનું નુકસાન કર્યું છે તેને પૂરેપૂરી નુકસાની ચૂકવી આપે. એ ઉપરાંત તે કિંમતનો પાંચમો ભાગ વધારે ચૂકવે.+ ૮ પણ જો એ વ્યક્તિ મરણ પામી હોય અને એ કિંમત મેળવવા તેનું કોઈ નજીકનું સગું ન હોય, તો એ કિંમત યહોવાને આપે. એ કિંમત યાજકની થાય. પોતાના પ્રાયશ્ચિત્ત* માટે તે જે નર ઘેટો ચઢાવે, એ પણ યાજકનો થાય.+
૯ “‘ઇઝરાયેલીઓ જે પવિત્ર દાનો+ યાજક પાસે લાવે, એ યાજકનાં થાય.+ ૧૦ દાનમાં આપેલી બધી પવિત્ર વસ્તુઓ યાજકની થાય. દરેક વ્યક્તિ જે કંઈ યાજક પાસે લાવે, એ યાજકનું થાય.’”
૧૧ પછી યહોવાએ મૂસાને કહ્યું: ૧૨ “ઇઝરાયેલીઓને કહે: ‘બની શકે કે, કોઈ માણસની પત્ની આડે રસ્તે ચઢી ગઈ હોય અને તેને બેવફા બની હોય ૧૩ અને બીજા પુરુષે એ સ્ત્રી સાથે જાતીય સંબંધ બાંધ્યો હોય,+ પણ તેનો પતિ એનાથી અજાણ હોય અને એ વાત તેનાથી છૂપી રહી હોય; તેમજ એ સ્ત્રીએ પોતાને ભ્રષ્ટ કરી હોવા છતાં તેની વિરુદ્ધ કોઈ સાક્ષી ન હોય અને તે પકડાઈ ગઈ ન હોય. ૧૪ ભલે તે સ્ત્રીએ પોતાને ભ્રષ્ટ કરી હોય કે ન કરી હોય, પણ જો પતિને પત્ની પર ઈર્ષા જાગે અને તેની વફાદારી પર શંકા ઊઠે, ૧૫ તો એ કિસ્સામાં, પતિ પોતાની પત્નીને યાજક પાસે લાવે. તે પોતાની સાથે એફાહનો દસમો ભાગ* જવનો લોટ પણ લાવે, જે પત્ની તરફથી આપેલું અર્પણ ગણાશે. પતિએ એ અર્પણ પર તેલ રેડવું નહિ કે લોબાન* મૂકવો નહિ, કેમ કે એ ઈર્ષાને લીધે ચઢાવવામાં આવતું અનાજ-અર્પણ છે. એ અર્પણથી સ્ત્રીનો અપરાધ યાદ કરવામાં આવશે અને જો તે દોષિત હોય તો તેને સજા ફટકારવામાં આવશે.
૧૬ “‘યાજક તે સ્ત્રીને આગળ લાવે અને તેને યહોવા સામે ઊભી રાખે.+ ૧૭ પછી યાજક માટીના વાસણમાં પવિત્ર પાણી લે અને મંડપની જમીન પરથી થોડી ધૂળ લઈને એમાં નાખે. ૧૮ યાજક તે સ્ત્રીને યહોવા સામે ઊભી રાખે, તેના વાળ છોડી નાખે અને તેના હાથમાં યાદગીરીનું અનાજ-અર્પણ, એટલે કે ઈર્ષાને લીધે ચઢાવવામાં આવતું અનાજ-અર્પણ મૂકે.+ યાજક પોતાના હાથમાં કડવું પાણી રાખે, જે શ્રાપ લાવે છે.+
૧૯ “‘પછી યાજક તે સ્ત્રીને સમ ખવડાવતા કહે, “તું તારા પતિના અધિકાર નીચે હતી ત્યારે,+ જો બીજા કોઈ પુરુષે તારી સાથે જાતીય સંબંધ બાંધ્યો ન હોય અને તું આડે રસ્તે ચઢી ગઈ ન હોય અને તેં પોતાને ભ્રષ્ટ કરી ન હોય, તો આ કડવું પાણી તને કોઈ નુકસાન નહિ પહોંચાડે. ૨૦ પણ તું તારા પતિના અધિકાર નીચે હતી ત્યારે, જો તેં પોતાને ભ્રષ્ટ કરી હોય અને પતિ સિવાય બીજા કોઈ પુરુષ સાથે જાતીય સંબંધ બાંધ્યો હોય, તો—”+ ૨૧ પછી યાજક તે સ્ત્રીને શ્રાપ લાવનાર સમ ખવડાવે અને તેને કહે: “યહોવા તારું ગર્ભાશય સંકોચી દે* અને તારું પેટ સુજાવી દે. યહોવા એવું થવા દે કે તારા લોકો સમ ખાતી વખતે અને શ્રાપ આપતી વખતે તારું નામ લે. ૨૨ શ્રાપવાળું આ પાણી તારાં આંતરડાંમાં જશે અને તારા પેટને સુજાવી દેશે અને તારું ગર્ભાશય સંકોચી દેશે.” ત્યારે તે સ્ત્રી કહે: “આમેન! આમેન!”*
૨૩ “‘પછી યાજક એક પુસ્તકમાં એ બધા શ્રાપ લખે અને કડવા પાણીમાં એ શ્રાપ ધોઈ નાખે. ૨૪ ત્યાર બાદ, યાજક તે સ્ત્રીને શ્રાપવાળું કડવું પાણી પિવડાવે. એ પાણી તેના શરીરમાં જશે અને એનું પરિણામ પીડા આપનારું હશે. ૨૫ યાજક તે સ્ત્રીના હાથમાંથી ઈર્ષાને લીધે ચઢાવવામાં આવતું અનાજ-અર્પણ લે+ અને એને યહોવા સામે આગળ-પાછળ હલાવે અને વેદી પાસે લાવે. ૨૬ યાજક એ અનાજ-અર્પણમાંથી મુઠ્ઠીભર લઈને એને વેદી પર યાદગીરી* તરીકે આગમાં ચઢાવે.*+ ત્યાર બાદ, યાજક તે સ્ત્રીને એ પાણી પિવડાવે. ૨૭ જો સ્ત્રીએ પોતાને ભ્રષ્ટ કરી હશે અને પોતાના પતિને બેવફા બની હશે, તો યાજક તેને પાણી પિવડાવશે ત્યારે, એ પાણી તેના શરીરમાં જશે અને કડવું થઈ જશે. તેનું પેટ સૂજી જશે અને તેનું ગર્ભાશય સંકોચાઈ જશે અને તેના લોકો શ્રાપ આપતી વખતે તેનું નામ લેશે. ૨૮ પણ જો એ સ્ત્રીએ પોતાને ભ્રષ્ટ નહિ કરી હોય અને તે શુદ્ધ હશે, તો તે એ સજામાંથી બચી જશે. તે ગર્ભ ધરી શકશે અને બાળકો પેદા કરી શકશે.
૨૯ “‘ઈર્ષા વિશેનો નિયમ આ કિસ્સામાં લાગુ પડે છે:+ કોઈ સ્ત્રી પોતાના પતિના અધિકાર નીચે હોય ત્યારે આડે રસ્તે ચઢી ગઈ હોય અને તેણે પોતાને ભ્રષ્ટ કરી હોય ૩૦ અથવા પતિને પોતાની પત્ની પર ઈર્ષા જાગી હોય અને તેની વફાદારી પર શંકા થઈ હોય. એવા કિસ્સામાં, પતિ પોતાની પત્નીને યહોવા સામે ઊભી રાખે અને યાજક એ નિયમ પ્રમાણે એ સ્ત્રી માટે બધું કરે. ૩૧ તે પતિ નિર્દોષ ગણાશે, પણ જો પત્ની દોષિત ઠરે, તો પત્નીએ પોતાના અપરાધની સજા ભોગવવી પડશે.’”