બીજો કાળવૃત્તાંત
૮ સુલેમાનને યહોવાનું મંદિર અને પોતાનો રાજમહેલ બાંધતાં ૨૦ વર્ષ લાગ્યાં.+ ૨ પછી હીરામે+ આપેલાં શહેરો સુલેમાને ફરીથી બાંધ્યાં અને એમાં ઇઝરાયેલીઓને* વસાવ્યા. ૩ સુલેમાન હમાથ-સોબાહ પણ ગયો અને એને જીતી લીધું. ૪ તેણે વેરાન પ્રદેશમાં તાદમોર ફરીથી બાંધ્યું. તેણે હમાથમાં બાંધેલા+ ભંડારો માટેનાં બધાં શહેરો પણ ફરીથી બાંધ્યાં.+ ૫ તેણે ઉપલું બેથ-હોરોન+ અને નીચલું બેથ-હોરોન+ ફરીથી બાંધ્યું. તેણે એ શહેરોને દીવાલો, દરવાજાઓ અને ભૂંગળોથી મજબૂત કર્યાં. ૬ સુલેમાને બાઅલાથ,+ પોતાના બધા ભંડારો માટે શહેરો, રથો માટે શહેરો+ અને ઘોડેસવારો માટે શહેરો બાંધ્યાં. યરૂશાલેમમાં, લબાનોનમાં અને પોતાના આખા રાજમાં સુલેમાન જે કંઈ બાંધવા ચાહતો હતો, એ બધું જ તેણે બાંધ્યું.
૭ તેના રાજમાં હિત્તીઓ, અમોરીઓ, પરિઝ્ઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓમાંથી+ બચેલા લોકો હતા. તેઓ ઇઝરાયેલીઓનો ભાગ ન હતા.+ ૮ ઇઝરાયેલીઓએ તેઓનો પૂરેપૂરો વિનાશ કર્યો ન હોવાથી, તેઓના વંશજો એ દેશમાં રહેતા હતા.+ મજૂરી કરાવવા સુલેમાને તેઓને ગુલામ બનાવ્યા જે આજ સુધી છે.+ ૯ સુલેમાને પોતાના કામ માટે ઇઝરાયેલીઓમાંથી કોઈને પણ ગુલામ બનાવ્યા નહિ.+ તેઓ તો તેના સૈનિકો, મદદનીશોના મુખીઓ અને રથો તથા ઘોડેસવારોના ઉપરીઓ હતા.+ ૧૦ સુલેમાન રાજાના અમલદારોના ૨૫૦ ઉપરી હતા અને તેઓ મજૂરો પર મુકાદમ હતા.+
૧૧ સુલેમાન ઇજિપ્તના રાજાની દીકરીને+ દાઉદનગરમાંથી પોતાના મહેલમાં લઈ આવ્યો, જે સુલેમાને તેના માટે બાંધ્યો હતો.+ તેણે વિચાર્યું: “ભલે તે મારી પત્ની છે, પણ તે ઇઝરાયેલના રાજા દાઉદના મહેલમાં નહિ રહે. એ જગ્યા પવિત્ર છે, ત્યાં યહોવાનો કરારકોશ આવ્યો છે.”+
૧૨ પછી સુલેમાને યહોવાની વેદી+ પર યહોવાને અગ્નિ-અર્પણો ચઢાવ્યાં.+ એ વેદી તેણે મંદિરની પરસાળની આગળ બાંધી હતી.+ ૧૩ મૂસાએ આજ્ઞા આપી હતી એ પ્રમાણે સુલેમાન બલિદાનો ચઢાવતો. તે દરરોજ, સાબ્બાથે,+ ચાંદરાતે+ અને વર્ષમાં ઉજવાતા આ ત્રણ તહેવારોએ બલિદાનો ચઢાવતો:+ બેખમીર રોટલીનો તહેવાર,*+ અઠવાડિયાઓનો તહેવાર*+ અને માંડવાનો તહેવાર.+ ૧૪ સુલેમાને પોતાના પિતા દાઉદની આજ્ઞા પ્રમાણે સેવાના કામ માટે યાજકોના સમૂહો ઠરાવ્યા.+ તેણે લેવીઓને જવાબદારી સોંપી, જેથી તેઓ દરરોજ યાજકો આગળ આવીને ઈશ્વરની સ્તુતિ અને ભક્તિ કરે.+ તેણે જુદા જુદા દરવાજાઓ માટે દરવાનોના સમૂહો પણ પસંદ કર્યા,+ કેમ કે સાચા ઈશ્વરના ભક્ત દાઉદનો એવો હુકમ હતો. ૧૫ રાજાએ દરેક કામ વિશે અને ભંડારો વિશે યાજકોને અને લેવીઓને જે આજ્ઞા આપી હતી, એનાથી તેઓ આડે-અવળે ગયા નહિ. ૧૬ યહોવાના મંદિરનો પાયો નંખાયો+ એ દિવસથી એનું બાંધકામ પૂરું થયું ત્યાં સુધીનાં બધાં કામોની ગોઠવણ સુલેમાને સારી રીતે કરી હતી.* આ રીતે યહોવાના મંદિરનું બાંધકામ પૂરું થયું.+
૧૭ પછી સુલેમાન એસ્યોન-ગેબેર+ અને એલોથ+ ગયો, જે અદોમ દેશમાં સમુદ્ર કિનારે આવેલાં હતાં.+ ૧૮ હીરામે+ પોતાના સેવકો દ્વારા સુલેમાન પાસે વહાણોનો કાફલો અને અનુભવી નાવિકો મોકલ્યા. તેઓ સુલેમાનના સેવકો સાથે ઓફીર*+ ગયા અને ત્યાંથી ૪૫૦ તાલંત* સોનું+ રાજા સુલેમાન પાસે લાવ્યા.+