બીજો કાળવૃત્તાંત
૫ યહોવાના મંદિર માટે સુલેમાને જે કામ કરવાનું હતું, એ બધું જ તેણે પૂરું કર્યું.+ તેના પિતા દાઉદે પવિત્ર કરેલી વસ્તુઓ પણ તે મંદિરમાં લાવ્યો.+ તેણે ચાંદી, સોનું અને ચીજવસ્તુઓ સાચા ઈશ્વરના મંદિરના ભંડારોમાં મૂક્યાં.+ ૨ એ સમયે સુલેમાને ઇઝરાયેલના વડીલોને, એટલે કે ઇઝરાયેલનાં કુળોના બધા વડાઓને અને ઇઝરાયેલના પિતાનાં કુટુંબોના મુખીઓને ભેગા કર્યા. તેઓ યરૂશાલેમ આવ્યા, જેથી દાઉદનગરથી, એટલે કે સિયોનથી યહોવાનો કરારકોશ લઈ આવે.+ ૩ ઇઝરાયેલના બધા માણસો તહેવાર* વખતે, એટલે કે સાતમા મહિનામાં રાજા પાસે ભેગા થયા.+
૪ ઇઝરાયેલના બધા વડીલો આવ્યા અને લેવીઓએ કરારકોશ ઊંચક્યો.+ ૫ તેઓ કરારકોશ, મુલાકાતમંડપ+ અને તંબુમાંનાં બધાં પવિત્ર વાસણો લઈ આવ્યાં. યાજકો અને લેવીઓ* એ બધું લઈ આવ્યાં. ૬ રાજા સુલેમાન અને તેણે બોલાવેલા ઇઝરાયેલના બધા લોકો કરારકોશ આગળ ઊભા રહ્યા. તેઓએ ઘેટાં અને ઢોરઢાંકનાં એટલાં બધાં બલિદાનો ચઢાવ્યાં કે ગણી ન શકાય.+ ૭ પછી યાજકો યહોવાનો કરારકોશ એની જગ્યાએ લઈ આવ્યા. તેઓએ એને મંદિરના અંદરના ઓરડામાં, એટલે કે પરમ પવિત્ર સ્થાનમાં કરૂબોની પાંખો નીચે મૂક્યો.+ ૮ કરૂબોની પાંખો એ જગ્યા ઉપર ફેલાયેલી હતી, જ્યાં કરારકોશ મૂક્યો હતો. કરારકોશ અને એના દાંડાને કરૂબો ઢાંકી દેતા હતા.+ ૯ એના દાંડા એટલા લાંબા હતા કે એના છેડા અંદરના ઓરડા આગળ આવેલા પવિત્ર સ્થાનમાંથી દેખાતા હતા. પણ બહારથી એ દેખાતા ન હતા. એ બધું આજ સુધી એમનું એમ જ છે. ૧૦ ઇઝરાયેલીઓ ઇજિપ્તમાંથી બહાર નીકળ્યા+ પછી યહોવાએ તેઓ સાથે કરાર* કર્યો હતો.+ એ સમયે મૂસાએ હોરેબમાં કરારકોશની અંદર બે પાટીઓ મૂકી હતી.+ એ સિવાય કરારકોશમાં બીજું કંઈ ન હતું.
૧૧ યાજકો પવિત્ર સ્થાનમાંથી બહાર આવ્યા (ભલે ગમે એ સમૂહના હોય,+ ત્યાં હાજર બધા જ યાજકોએ પોતાને પવિત્ર કર્યા હતા).+ ૧૨ બધા જ લેવી ગાયકોએ,+ એટલે કે આસાફ,+ હેમાન,+ યદૂથૂન,+ તેઓના દીકરાઓ અને તેઓના ભાઈઓએ શણનાં કપડાં પહેર્યાં હતાં. તેઓ પાસે ઝાંઝ, તારવાળાં વાજિંત્રો અને વીણા હતાં. તેઓ વેદીની પૂર્વ બાજુએ ઊભા હતા. તેઓની સાથે ૧૨૦ યાજકો રણશિંગડાં* વગાડતા હતા.+ ૧૩ રણશિંગડાં વગાડનારાઓ અને ગાયકો એકરાગે યહોવાનો જયજયકાર કરતા હતા અને આભાર માનતા હતા. તેઓ યહોવાના ગુણગાન ગાતા હતા: “તે ભલા છે; તેમનો અતૂટ પ્રેમ* કાયમ ટકે છે.”+ રણશિંગડાં, ઝાંઝ અને બીજાં વાજિંત્રોનો અવાજ ગુંજતો હતો. એ સમયે મંદિર, હા, યહોવાનું મંદિર વાદળથી ભરાઈ ગયું.+ ૧૪ વાદળને લીધે યાજકો સેવા કરવા માટે ઊભા રહી શક્યા નહિ, કારણ કે સાચા ઈશ્વરનું મંદિર યહોવાના ગૌરવથી ભરાઈ ગયું હતું.+