ઝખાર્યા
૭ રાજા દાર્યાવેશના શાસનના ચોથા વર્ષના નવમા મહિનાના, એટલે કે કિસ્લેવ* મહિનાના ચોથા દિવસે યહોવાનો સંદેશો ઝખાર્યા પાસે આવ્યો.+ ૨ બેથેલના લોકોએ શારએસેર, રેગેમ-મેલેખ અને તેના માણસોને યહોવા પાસે દયાની ભીખ માંગવા મોકલ્યા. ૩ તેઓએ સૈન્યોના ઈશ્વર યહોવાના મંદિરના* યાજકોને અને પ્રબોધકોને પૂછ્યું: “શું અમે* પાંચમા મહિનામાં+ વિલાપ અને ઉપવાસ કરીએ, જેમ વર્ષોથી કરતા આવ્યા છીએ?”
૪ સૈન્યોના ઈશ્વર યહોવાનો સંદેશો ફરી મારી પાસે આવ્યો: ૫ “આ દેશના લોકોને અને યાજકોને પૂછ, ‘૭૦ વર્ષો+ દરમિયાન જ્યારે તમે પાંચમા અને સાતમા મહિનામાં+ ઉપવાસ અને વિલાપ કર્યો, ત્યારે શું એ ઉપવાસ ખરેખર મારા માટે હતો? ૬ જ્યારે તમે ખાતાં-પીતાં હતા, ત્યારે શું એ પોતાના માટે કરતા ન હતા? ૭ જ્યારે યરૂશાલેમ અને એની આસપાસનાં શહેરોમાં વસ્તી અને શાંતિ હતી, નેગેબ અને શેફેલાહમાં આબાદી હતી, ત્યારે તમારે યહોવાની વાત સાંભળવાની જરૂર હતી, જે તેમણે અગાઉના પ્રબોધકો દ્વારા જણાવી હતી.’”+
૮ યહોવાનો સંદેશો ફરી ઝખાર્યા પાસે આવ્યો: ૯ “સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘અદ્દલ ઇન્સાફ કરો.+ એકબીજા સાથે પ્રેમ*+ અને દયાથી વર્તો. ૧૦ વિધવાને, અનાથને,*+ પરદેશીને+ કે ગરીબને છેતરશો નહિ.+ તમે એકબીજા વિરુદ્ધ તમારાં દિલમાં કાવતરું ઘડશો નહિ.’+ ૧૧ પણ તેઓએ જરાય ધ્યાન ન આપ્યું+ અને હઠીલા બનીને પોતાની પીઠ ફેરવી દીધી.+ તેઓએ પોતાના કાન બંધ કરી દીધા, જેથી સાંભળવું ન પડે.+ ૧૨ તેઓએ પોતાનાં હૃદય પથ્થર* જેવાં કઠણ કરી દીધાં.+ સૈન્યોના ઈશ્વર યહોવાએ પોતાની શક્તિ મોકલીને અગાઉના પ્રબોધકો દ્વારા તેઓને નિયમો* અને સંદેશાઓ જણાવ્યા, પણ તેઓએ એ પ્રમાણે કર્યું નહિ.+ એટલે સૈન્યોના ઈશ્વર યહોવાનો ક્રોધ તેઓ પર ભડકી ઊઠ્યો.”+
૧૩ “સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘મેં* તેઓને બોલાવ્યા ત્યારે તેઓએ સાંભળ્યું નહિ,+ એટલે તેઓએ મને બોલાવ્યો ત્યારે મેં પણ તેઓનું સાંભળ્યું નહિ.+ ૧૪ મેં તોફાન લાવીને તેઓને અજાણી પ્રજાઓમાં વેરવિખેર કરી દીધા.+ તેઓનો દેશ ઉજ્જડ થઈ ગયો. એ દેશમાંથી કોઈ પસાર થતું નહિ કે પાછું આવતું નહિ.+ કેમ કે તેઓએ એ સુંદર દેશને એવો ઉજ્જડ કરી દીધો કે એને જોઈને લોકોનાં રુવાંટાં ઊભાં થઈ જતાં.’”