બીજો કાળવૃત્તાંત
૩૩ મનાશ્શા+ રાજા બન્યો ત્યારે ૧૨ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં ૫૫ વર્ષ રાજ કર્યું.+
૨ યહોવાની નજરમાં જે ખરાબ હતું એ જ મનાશ્શાએ કર્યું. યહોવાએ જે પ્રજાઓને ઇઝરાયેલ આગળથી હાંકી કાઢી હતી તેઓના રીતરિવાજો તેણે પાળ્યા. એ પ્રજાઓ એવા રિવાજો પાળતી હતી જેનાથી સખત નફરત થાય.+ ૩ તેના પિતા હિઝકિયાએ જે ભક્તિ-સ્થળો તોડી પાડ્યાં હતાં,+ એ મનાશ્શાએ ફરીથી બાંધ્યાં. તેણે બઆલ દેવો માટે વેદીઓ બાંધી અને ભક્તિ-થાંભલા ઊભા કર્યા. આકાશમાં જે કંઈ છે એ બધાને* તેણે નમન કર્યું અને તેઓની પૂજા કરી.+ ૪ તેણે યહોવાના મંદિરમાં પણ વેદીઓ બાંધી,+ જે વિશે યહોવાએ કહ્યું હતું, “યરૂશાલેમમાં મારું નામ કાયમ રહેશે.”+ ૫ આકાશમાં જે કંઈ છે એ બધાને ભજવા માટે તેણે યહોવાના મંદિરનાં બે આંગણાંમાં વેદીઓ બાંધી.+ ૬ તેણે હિન્નોમની ખીણમાં*+ પોતાના દીકરાઓને આગમાં બલિ ચઢાવી દીધા.*+ તે જાદુટોણાં કરતો+ અને જોષ જોતો. મરેલા સાથે વાત કરનાર ભૂવાઓને અને ભવિષ્ય ભાખનારાઓને તે દેશમાં રાખતો.+ તેણે યહોવાની નજરમાં જે કંઈ ખરાબ હતું એ બધું કરવામાં હદ વટાવી દીધી અને તેમને ભારે રોષ ચઢાવ્યો.
૭ તેણે કોતરેલી મૂર્તિ ઘડી અને સાચા ઈશ્વરના મંદિરમાં મૂકી.+ એ મંદિર વિશે ઈશ્વરે દાઉદ અને તેના દીકરા સુલેમાનને કહ્યું હતું: “આ મંદિરમાં અને યરૂશાલેમમાં હું મારું નામ કાયમ માટે રાખીશ. એ જગ્યા મેં ઇઝરાયેલનાં બધાં કુળોમાંથી પસંદ કરી છે.+ ૮ મેં ઇઝરાયેલીઓના બાપદાદાઓને જે દેશ આપ્યો છે, એમાંથી હું તેઓને કદી કાઢી મૂકીશ નહિ. પણ મૂસાએ તેઓને આપેલું આખું નિયમશાસ્ત્ર તેઓએ પાળવું પડશે. મારી બધી આજ્ઞાઓ તેઓએ પાળવી પડશે, મારા આદેશો અને કાયદા-કાનૂન તેઓએ પાળવા પડશે.” ૯ મનાશ્શા યહૂદાના અને યરૂશાલેમના લોકોને ખોટા માર્ગે દોરી ગયો. ઇઝરાયેલીઓ આગળથી યહોવાએ જે પ્રજાઓનો વિનાશ કર્યો હતો, તેઓ કરતાં પણ વધારે દુષ્ટ કામો મનાશ્શાએ લોકો પાસે કરાવ્યાં.+
૧૦ યહોવાએ મનાશ્શા અને તેના લોકોને વારંવાર ચેતવણી આપી, પણ તેઓએ જરાય ધ્યાન આપ્યું નહિ.+ ૧૧ એટલે યહોવા તેઓ વિરુદ્ધ આશ્શૂરના રાજાના લશ્કરના મુખીઓને લઈ આવ્યા. તેઓ મનાશ્શાને આંકડીઓથી પકડીને* તાંબાની બે બેડીઓ પહેરાવીને બાબેલોન લઈ ગયા. ૧૨ આ આફતમાં તેણે પોતાના ઈશ્વર યહોવા પાસે દયાની ભીખ માંગી. તે પોતાના બાપદાદાઓના ઈશ્વર આગળ એકદમ નમ્ર બની ગયો. ૧૩ તે ઈશ્વરને કાલાવાલા કરતો રહ્યો. તેની અરજોથી ઈશ્વરનું દિલ પીગળી ગયું અને તેમણે દયા માટેની તેની વિનંતી સાંભળી. તેમણે યરૂશાલેમની રાજગાદી તેને પાછી આપી.+ પછી મનાશ્શાને ખાતરી થઈ કે ફક્ત યહોવા જ સાચા ઈશ્વર છે.+
૧૪ તેણે દાઉદનગર બહાર દીવાલ બાંધી.+ એ દીવાલ ગીહોનની+ પશ્ચિમ તરફની ખીણમાંથી છેક માછલી દરવાજા+ સુધી હતી. એ દીવાલ તે ઓફેલ+ સુધી લઈ ગયો અને એને ખૂબ ઊંચી બનાવી. તેણે યહૂદાનાં બધાં કોટવાળાં શહેરોમાં લશ્કરના મુખીઓ ઠરાવ્યા. ૧૫ તેણે જૂઠા દેવો હટાવી દીધા અને યહોવાના મંદિરમાં મૂકેલી કોતરેલી મૂર્તિ કાઢી નાખી.+ યહોવાના મંદિરના પર્વત પર અને યરૂશાલેમમાં તેણે બાંધેલી બધી વેદીઓ પણ કાઢી નાખી.+ એ બધું તેણે શહેરની બહાર નાખી દીધું. ૧૬ તેણે યહોવાની વેદીનું સમારકામ પણ કરાવ્યું.+ તે એના પર શાંતિ-અર્પણો અને આભાર-અર્પણો ચઢાવવા લાગ્યો.+ તેણે યહૂદાના લોકોને જણાવ્યું કે ફક્ત ઇઝરાયેલના ઈશ્વર યહોવાની ભક્તિ કરવી. ૧૭ એટલે લોકો ફક્ત પોતાના ઈશ્વર યહોવાને જ બલિદાનો ચઢાવવા લાગ્યા, પણ એ ચઢાવવા તેઓ ભક્તિ-સ્થળોએ જતા.
૧૮ મનાશ્શાનો બાકીનો ઇતિહાસ ઇઝરાયેલના રાજાઓના ઇતિહાસમાં લખેલો છે. એમાં ઈશ્વરને કરેલી તેની પ્રાર્થના વિશે જણાવ્યું છે. દર્શન જોનારાઓએ તેની સાથે ઇઝરાયેલના ઈશ્વર યહોવાના નામે જે વાત કરી, એ વિશે પણ જણાવ્યું છે. ૧૯ તેના માટે દર્શન જોનારાઓનાં લખાણોમાં આ વિશે પણ જોવા મળે છે: તેની પ્રાર્થના+ અને તેની અરજોનો જવાબ, તેનાં બધાં પાપ અને તેની બેવફાઈ.+ તે નમ્ર બન્યો એ પહેલાં તેણે કઈ જગ્યાઓએ ભક્તિ-સ્થળો બાંધ્યાં, ભક્તિ-થાંભલાઓ ઊભા કર્યા+ અને મૂર્તિઓ બેસાડી એ પણ જણાવ્યું છે. ૨૦ પછી મનાશ્શાનું મરણ થયું. લોકોએ તેને તેના ઘર પાસે દફનાવ્યો. તેનો દીકરો આમોન તેની જગ્યાએ રાજા બન્યો.+
૨૧ આમોન+ રાજા બન્યો ત્યારે ૨૨ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં બે વર્ષ રાજ કર્યું.+ ૨૨ આમોન પોતાના પિતા મનાશ્શાની જેમ કરતો રહ્યો. તેણે યહોવાની નજરમાં જે ખરાબ હતું એ જ કર્યું.+ તેના પિતા મનાશ્શાએ બનાવેલી બધી કોતરેલી મૂર્તિઓ આગળ તેણે બલિદાનો ચઢાવ્યાં.+ તે તેઓની પૂજા કરતો રહ્યો. ૨૩ પણ જેમ તેનો પિતા મનાશ્શા યહોવા આગળ નમ્ર બન્યો હતો,+ તેમ આમોન નમ્ર બન્યો નહિ.+ એના બદલે, તે વધારે ને વધારે પાપ કરતો ગયો. ૨૪ આમોનના સેવકોએ તેની વિરુદ્ધ કાવતરું ઘડ્યું+ અને રાજાને તેના મહેલમાં જ મારી નાખ્યો. ૨૫ જેઓએ આમોન રાજા વિરુદ્ધ કાવતરું ઘડ્યું હતું, એ બધાને દેશના લોકોએ મારી નાખ્યા.+ લોકોએ આમોનની જગ્યાએ તેના દીકરા યોશિયાને+ રાજા બનાવ્યો.