ગણના
૧૫ યહોવાએ વધુમાં મૂસાને કહ્યું: ૨ “ઇઝરાયેલીઓને કહે: ‘જે દેશ હું તમને વસવા માટે આપું છું,+ એ દેશમાં જ્યારે તમે જાઓ ૩ અને તમારાં ઘેટાં-બકરાં કે ઢોરઢાંકમાંથી કોઈ પ્રાણીને આગમાં બાળીને યહોવા માટે અર્પણ ચઢાવો, જેથી એની સુવાસથી યહોવા ખુશ* થાય,+ પછી ભલે એ અગ્નિ-અર્પણ+ કે ખાસ માનતા માટેનું અર્પણ કે સ્વેચ્છા-અર્પણ+ કે તહેવાર વખતે ચઢાવવાનું અર્પણ+ હોય, ૪ ત્યારે પ્રાણીના અર્પણ સાથે તમે યહોવાને અનાજ-અર્પણ પણ ચઢાવો. અનાજ-અર્પણ તરીકે તમે એક ઓમેર* મેંદો આપો,+ જેમાં પા હીન* તેલ મેળવેલું હોય. ૫ જ્યારે પણ તમે અગ્નિ-અર્પણ ચઢાવો+ અથવા ઘેટાના નર બચ્ચાનું અર્પણ ચઢાવો, ત્યારે એની સાથે તમે દ્રાક્ષદારૂ-અર્પણ તરીકે પા હીન દ્રાક્ષદારૂ પણ ચઢાવો. ૬ અથવા જો તમે નર ઘેટો ચઢાવો, તો એની સાથે અનાજ-અર્પણ માટે બે ઓમેર* મેંદો ચઢાવો, જેમાં પોણો હીન તેલ મેળવેલું હોય. ૭ એની સાથે તમે દ્રાક્ષદારૂ-અર્પણ તરીકે પોણો હીન દ્રાક્ષદારૂ પણ ચઢાવો, જેથી એની સુવાસથી યહોવા ખુશ થાય.
૮ “‘પણ જો તમે અગ્નિ-અર્પણ માટે+ કે ખાસ માનતા પૂરી કરવા માટે+ અથવા શાંતિ-અર્પણ માટે યહોવાને નર પ્રાણી ચઢાવો,+ ૯ તો પ્રાણીના અર્પણ સાથે તમે અનાજ-અર્પણ પણ ચઢાવો.+ અનાજ-અર્પણ તરીકે તમે ત્રણ ઓમેર* મેંદો આપો, જેમાં અડધો હીન તેલ મેળવેલું હોય. ૧૦ એની સાથે તમે દ્રાક્ષદારૂ-અર્પણ તરીકે+ અડધો હીન દ્રાક્ષદારૂ પણ ચઢાવો. એને આગમાં ચઢાવવાના અર્પણ તરીકે રજૂ કરો, જેથી એની સુવાસથી યહોવા ખુશ થાય. ૧૧ જ્યારે પણ તમે આખલો કે નર ઘેટો કે ઘેટાનું નર બચ્ચું કે બકરો ચઢાવો, ત્યારે એમ જ કરો. ૧૨ ભલે તમે ગમે તેટલાં પ્રાણીઓ ચઢાવો, પણ એની સંખ્યા પ્રમાણે તમે અનાજ-અર્પણ અને દ્રાક્ષદારૂ-અર્પણ ચઢાવો. ૧૩ દરેક ઇઝરાયેલીએ એ પ્રમાણે આગમાં ચઢાવવાનું અર્પણ આપવું, જેથી એની સુવાસથી યહોવા ખુશ થાય.
૧૪ “‘તમારી વચ્ચે રહેનાર કોઈ પરદેશી અથવા પેઢીઓથી તમારી સાથે રહેતો કોઈ માણસ જો આગમાં ચઢાવવાનું અર્પણ ઈશ્વરને આપે, તો તેણે ઇઝરાયેલીઓની જેમ જ અર્પણ ચઢાવવું,+ જેથી એની સુવાસથી યહોવા ખુશ થાય. ૧૫ તમારા માટે અને તમારી વચ્ચે રહેતા પરદેશીઓ માટે એક જ નિયમ છે. તમને અને તમારા વંશજોને એ નિયમ હંમેશ માટે લાગુ પડે છે. યહોવા આગળ તમે અને પરદેશી બંને સરખા જ છો.+ ૧૬ તમારા માટે અને તમારી વચ્ચે રહેતા પરદેશી માટે એક જ નિયમ અને એક જ કાયદા-કાનૂન છે.’”
૧૭ યહોવાએ મૂસાને આગળ કહ્યું: ૧૮ “ઇઝરાયેલીઓને કહે, ‘જે દેશમાં હું તમને લઈ જાઉં છું, એમાં જ્યારે તમે જાઓ ૧૯ અને એ દેશની ઊપજ ખાઓ,+ ત્યારે તમે યહોવાને અર્પણ ચઢાવો. ૨૦ તમારી પ્રથમ ઊપજના*+ કકરા દળેલા લોટમાંથી રોટલી* બનાવીને અર્પણ તરીકે ચઢાવો. જેવી રીતે તમે ખળીના* અનાજનું અર્પણ ચઢાવો છો, એવી જ રીતે તમે આ રોટલીનું અર્પણ કરો. ૨૧ આમ, તમારી પ્રથમ ઊપજના અમુક અનાજને કકરું દળો અને એને પેઢી દર પેઢી યહોવાને અર્પણ કરો.
૨૨ “‘હવે જો તમે ભૂલ કરો અને યહોવાએ મૂસા દ્વારા આપેલી બધી આજ્ઞાઓ પાળવાનું ચૂકી જાઓ, ૨૩ હા, એ સર્વ આજ્ઞાઓ જે યહોવાએ મૂસા દ્વારા આપી છે અને યહોવાએ આપી એ દિવસથી જ તમને અને તમારી આવનારી પેઢીઓને લાગુ પડે છે, તો આમ કરજો: ૨૪ જો વ્યક્તિથી થયેલી ભૂલ વિશે મંડળ કંઈ જાણતું ન હોય, પણ પછી એ વિશે જાણ થાય, તો આખું મંડળ અગ્નિ-અર્પણ તરીકે એક આખલો ચઢાવે, જેથી એની સુવાસથી યહોવા ખુશ થાય. મંડળ એની સાથે નિયમ પ્રમાણે અનાજ-અર્પણ અને દ્રાક્ષદારૂ-અર્પણ પણ ચઢાવે.+ તેમ જ, પાપ-અર્પણ માટે એક બકરો ચઢાવે.+ ૨૫ આ રીતે, યાજક ઇઝરાયેલીઓના આખા મંડળ માટે પ્રાયશ્ચિત્ત કરે અને તેઓની ભૂલ માફ કરવામાં આવશે,+ કેમ કે એ અજાણતાં થઈ હતી. તેમ જ, તેઓએ યહોવા માટે આગમાં ચઢાવવાનું અર્પણ અને પોતાની ભૂલ માટે યહોવા આગળ પાપ-અર્પણ રજૂ કર્યાં છે. ૨૬ ઇઝરાયેલીઓના આખા મંડળને અને તેઓ વચ્ચે રહેતા પરદેશીઓને માફ કરવામાં આવશે, કેમ કે તેઓથી એ ભૂલ અજાણતાં થઈ હતી.
૨૭ “‘જો કોઈ વ્યક્તિ ભૂલથી કોઈ પાપ કરી બેસે, તો તે પાપ-અર્પણ માટે એક વર્ષની બકરી ચઢાવે.+ ૨૮ પછી તે વ્યક્તિએ યહોવા સામે અજાણતાં કરેલા પાપ માટે યાજક પ્રાયશ્ચિત્ત કરશે અને તેનું પાપ માફ કરવામાં આવશે.+ ૨૯ અજાણતાં પાપ થયું હોય એ કિસ્સામાં ઇઝરાયેલી માટે અને તમારી વચ્ચે રહેતા પરદેશી માટે એક જ નિયમ છે.+
૩૦ “‘પણ જો કોઈ ઇઝરાયેલી કે પરદેશી જાણીજોઈને પાપ કરે,+ તો તે યહોવાની નિંદા કરે છે. તે માણસને તમે ચોક્કસ મારી નાખો. ૩૧ તેણે યહોવાના વચનને તુચ્છ ગણ્યું છે અને તેમનો નિયમ તોડ્યો છે. એટલે તેને ચોક્કસ મારી નાખો.+ તેણે પોતાના પાપની સજા ભોગવવી પડશે.’”+
૩૨ ઇઝરાયેલીઓ વેરાન પ્રદેશમાં હતા ત્યારે, તેઓએ એક માણસને સાબ્બાથના* દિવસે+ લાકડાં વીણતો જોયો. ૩૩ જેઓએ તેને લાકડાં વીણતાં જોયો હતો, તેઓ તેને મૂસા, હારુન અને આખા મંડળ પાસે લઈ આવ્યા. ૩૪ તેઓએ તેને પહેરા હેઠળ રાખ્યો,+ કેમ કે તેની સાથે શું કરવું એ વિશે નિયમમાં સાફ સાફ જણાવ્યું ન હતું.
૩૫ યહોવાએ મૂસાને કહ્યું: “એ માણસ ચોક્કસ માર્યો જાય.+ બધા લોકો તેને છાવણીની બહાર પથ્થરે મારી નાખે.”+ ૩૬ તેથી બધા લોકો તેને છાવણીની બહાર લઈ ગયા અને તેને પથ્થરે મારી નાખ્યો. યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી એ પ્રમાણે જ તેઓએ કર્યું.
૩૭ યહોવાએ વધુમાં મૂસાને કહ્યું: ૩૮ “ઇઝરાયેલીઓને કહે કે, તેઓ પેઢી દર પેઢી પોતાનાં વસ્ત્રોની કિનારીએ ઝાલર લગાવે અને એ ઝાલરની ઉપર ભૂરા રંગનો દોરો ગૂંથે.+ ૩૯ ‘તમે એ ઝાલર જરૂર લગાવો, જેથી તમે એને જુઓ ત્યારે યહોવાની બધી આજ્ઞાઓ યાદ કરો અને એને પાળો.+ તમે તમારાં હૃદયો અને આંખોની ઇચ્છા પ્રમાણે ન ચાલો, કેમ કે એ તમને બેવફા બનવા* તરફ દોરી જશે.+ ૪૦ મેં તમને એ આજ્ઞા આપી છે, જેથી તમે મારા નિયમો યાદ રાખી શકો અને એને પાળી શકો તેમજ તમારા ઈશ્વર માટે પોતાને પવિત્ર રાખી શકો.+ ૪૧ હું યહોવા તમારો ઈશ્વર છું. હું તમને ઇજિપ્ત દેશમાંથી બહાર લાવ્યો છું, જેથી સાબિત કરું કે હું તમારો ઈશ્વર છું.+ હું યહોવા તમારો ઈશ્વર છું.’”+