એઝરા
૬ દાર્યાવેશ રાજાના હુકમથી તેઓએ બાબેલોનના ભંડારમાં લખાણોની તપાસ કરાવી, જ્યાં ખજાનો અને ઇતિહાસનાં પુસ્તકો રાખવામાં આવતાં હતાં. ૨ માદાય પ્રાંતમાં આવેલા એકબાતાના શહેરના કિલ્લામાંથી એક વીંટો* મળી આવ્યો. એમાં આપેલા હુકમને આધારે આ પત્ર લખવામાં આવ્યો:
૩ “રાજા કોરેશે પોતાના રાજના પહેલા વર્ષે, યરૂશાલેમમાં આવેલા ઈશ્વરના મંદિર વિશે આવો હુકમ બહાર પાડ્યો હતો:+ ‘લોકો બલિદાનો ચઢાવી શકે એ માટે ત્યાં ફરીથી મંદિર બાંધવામાં આવે. એ મંદિરના પાયા નાખવામાં આવે. મંદિરની ઊંચાઈ ૬૦ હાથ* અને એની પહોળાઈ ૬૦ હાથ હોય.+ ૪ એમાં ગબડાવી લાવેલા પથ્થરના ત્રણ થર અને લાકડાનું એક થર હોય.+ એનો ખર્ચો રાજવી ભંડારમાંથી ચૂકવવામાં આવે.+ ૫ યરૂશાલેમમાં આવેલા ઈશ્વરના મંદિરમાંથી સોના-ચાંદીનાં જે વાસણો રાજા નબૂખાદનેસ્સાર બાબેલોન લઈ આવ્યા હતા,+ એ પણ પાછાં આપી દેવાં. એ વાસણો યરૂશાલેમ લઈ જઈને ઈશ્વરના મંદિરમાં એની જગ્યાએ પાછાં મૂકવાં.’+
૬ “નદીની પેલે પારના વિસ્તારના* રાજ્યપાલ તાત્તનાય, નદીની પેલે પારના વિસ્તારના ઉપરાજ્યપાલો+ શથાર-બોઝનાય અને તમારા સાથીદારો, સાંભળો! તમે એ જગ્યાથી દૂર રહેજો! ૭ ઈશ્વરના મંદિરના બાંધકામને આડે આવશો નહિ. યહૂદીઓનો રાજ્યપાલ અને યહૂદીઓના વડીલો ઈશ્વરનું મંદિર ચોક્કસ એની અગાઉની જગ્યાએ ફરીથી બાંધશે. ૮ હું હુકમ આપું છું કે ઈશ્વરનું મંદિર ફરીથી બાંધવામાં યહૂદીઓના એ વડીલો માટે તમારે આમ કરવું: રાજવી ભંડારમાંથી,+ એટલે કે નદીની પેલે પારના વિસ્તારના કરવેરામાંથી તરત જ આ માણસોને ખર્ચો પૂરો પાડવો. કોઈ પણ હિસાબે એ કામ અટકવું ન જોઈએ.+ ૯ યરૂશાલેમના યાજકોના કહેવા પ્રમાણે, જે કંઈ જરૂર હોય એ બધું પૂરું પાડવું. એટલે કે, સ્વર્ગના ઈશ્વરને અગ્નિ-અર્પણો ચઢાવવા આખલાઓ,+ નર ઘેટા+ અને ઘેટાંનાં બચ્ચાં+ આપવાં; ઘઉં,+ મીઠું,+ દ્રાક્ષદારૂ+ અને તેલ+ પણ આપવાં. આ બધું દરરોજ અચૂક પૂરું પાડવું. ૧૦ તેઓ સ્વર્ગના ઈશ્વરને ખુશી આપતાં અર્પણો ચઢાવતા રહે. રાજા અને રાજકુમારોને લાંબું જીવન મળે, એ માટે પ્રાર્થના કરતા રહે.+ ૧૧ હું એવો પણ હુકમ કરું છું કે જે કોઈ આ નિયમ તોડશે, તેના ઘરનો એક મોભ ખેંચી કાઢવામાં આવશે અને તેને એના પર લટકાવી દેવાશે. તેના ઘરને જાજરૂ* બનાવી દેવાશે. ૧૨ યરૂશાલેમના મંદિર સાથે ઈશ્વરનું નામ જોડાયેલું છે.+ જે કોઈ રાજા કે પ્રજા આ નિયમ તોડે અને ઈશ્વરના એ મંદિરનો નાશ કરે, તેને ઈશ્વર ઊથલાવી નાખે. હું રાજા દાર્યાવેશ આ હુકમ આપું છું, જેનો તાબડતોબ અમલ કરવો.”
૧૩ નદીની પેલે પારના વિસ્તારના રાજ્યપાલ તાત્તનાયે, શથાર-બોઝનાયે+ અને તેઓના સાથીદારોએ દાર્યાવેશ રાજાના હુકમ પ્રમાણે બધું જ ફટાફટ કર્યું. ૧૪ હાગ્ગાય+ પ્રબોધક અને ઈદ્દોના પૌત્ર ઝખાર્યાએ+ આપેલા સંદેશાથી હિંમતવાન થઈને યહૂદીઓના વડીલોએ બાંધકામ ચાલુ રાખ્યું અને આગળ ધપાવ્યું.+ ઇઝરાયેલના ઈશ્વરની+ આજ્ઞા પ્રમાણે અને કોરેશ,+ દાર્યાવેશ+ તથા ઈરાનના રાજા આર્તાહશાસ્તાના*+ હુકમ પ્રમાણે, તેઓએ એ બાંધકામ પૂરું કર્યું. ૧૫ તેઓએ એ મંદિરનું બાંધકામ રાજા દાર્યાવેશના રાજને છઠ્ઠે વર્ષે, અદાર* મહિનાના ત્રીજા દિવસે પૂરું કર્યું.
૧૬ પછી ઇઝરાયેલીઓ, યાજકો, લેવીઓ+ અને ગુલામીમાંથી પાછા આવેલા બાકીના લોકોએ આનંદથી ઈશ્વરના મંદિરનું ઉદ્ઘાટન* કર્યું. ૧૭ તેઓએ ઈશ્વરના મંદિરના ઉદ્ઘાટન માટે ૧૦૦ આખલાઓ, ૨૦૦ નર ઘેટા અને ઘેટાંનાં ૪૦૦ બચ્ચાં આપ્યાં. તેઓએ ઇઝરાયેલનાં કુળોની સંખ્યા પ્રમાણે, આખા ઇઝરાયેલ માટે પાપ-અર્પણ* તરીકે ૧૨ બકરા પણ આપ્યા.+ ૧૮ મૂસાના પુસ્તકમાં લખ્યું છે એ પ્રમાણે,+ તેઓએ યરૂશાલેમમાં ઈશ્વરની સેવા માટે યાજકોના સમૂહ બનાવ્યા+ અને લેવીઓને અલગ અલગ વિભાગમાં વહેંચી દીધા.
૧૯ ગુલામીમાંથી પાછા ફરેલા લોકોએ પહેલા મહિનાના ૧૪મા દિવસે પાસ્ખાનો* તહેવાર ઊજવ્યો.+ ૨૦ એ માટે બધા યાજકો અને લેવીઓએ પોતાને શુદ્ધ કર્યા હતા.+ તેઓમાંથી કોઈ અશુદ્ધ ન હતો. તેઓએ ગુલામીમાંથી પાછા ફરેલા બધા લોકો માટે, સાથી યાજકો માટે અને પોતાના માટે પાસ્ખાનું બલિદાન કાપ્યું. ૨૧ ગુલામીમાંથી પાછા ફરેલા ઇઝરાયેલીઓએ એમાંથી ખાધું. તેઓની સાથે એવા લોકોએ પણ ખાધું, જેઓએ ઇઝરાયેલના ઈશ્વર યહોવાની ભક્તિ કરવા બીજી પ્રજાનાં અશુદ્ધ કામો છોડી દીધાં હતાં.+ ૨૨ યહોવાએ તેઓનાં દિલ આનંદથી ભરી દીધાં હોવાથી, તેઓએ ખુશીથી સાત દિવસ બેખમીર રોટલીનો તહેવાર* પણ ઊજવ્યો.+ ઈશ્વરે જ આશ્શૂરના રાજાનું મન તેઓ તરફ વાળ્યું હોવાથી,+ તેણે ઇઝરાયેલના સાચા ઈશ્વરનું મંદિર બાંધવામાં પૂરો સાથ આપ્યો.