પહેલો રાજાઓ
૨૦ સિરિયાના+ રાજા બેન-હદાદે+ પોતાનું આખું સૈન્ય ભેગું કર્યું. તેણે બીજા ૩૨ રાજાઓ, તેઓના ઘોડાઓ અને રથો ભેગા કર્યા. તેણે સમરૂન+ સામે લડાઈ કરવા એને ઘેરી લીધું.+ ૨ તેણે ઇઝરાયેલના રાજા આહાબને+ આ સંદેશો આપવા શહેરમાં માણસો મોકલ્યા: “બેન-હદાદ આમ કહે છે, ૩ ‘તારાં સોના-ચાંદી મારાં છે. તારી પત્નીઓ અને તારા દીકરાઓમાંથી જે દેખાવડા છે, એ મારા છે.’” ૪ ઇઝરાયેલના રાજાએ જવાબ આપ્યો: “મારા માલિક, મારા રાજા, જેવી તમારી મરજી. હું તમારો છું, મારું જે કંઈ છે એ તમારું જ છે.”+
૫ સંદેશો આપનારા માણસો પાછા આવ્યા અને ઇઝરાયેલના રાજાને કહ્યું: “બેન-હદાદ આમ કહે છે, ‘મેં સંદેશો મોકલ્યો હતો કે, “તારાં સોના-ચાંદી, તારી પત્નીઓ અને તારા દીકરાઓ મને આપ.” ૬ પણ કાલે આશરે આ સમયે હું મારા સેવકોને મોકલીશ. તેઓ તારા મહેલ અને તારા સેવકોનાં ઘરોમાં ફરી વળશે. તારી નજરે જે કંઈ અનમોલ હોય એ બધું તેઓ ઝૂંટવી લેશે.’”
૭ ઇઝરાયેલના રાજાએ દેશના બધા વડીલોને ભેગા કરીને કહ્યું: “તમે જુઓ છો ને, આ માણસ આપણને કેવા બરબાદ કરવા માંગે છે! તેણે મારી પત્નીઓ, મારા દીકરાઓ, મારાં સોના-ચાંદી માંગ્યાં ત્યારે મેં તેને ના પાડી નહિ.” ૮ બધા વડીલોએ અને લોકોએ તેને કહ્યું: “તેનું માનતા નહિ, તેની માંગણી પૂરી કરતા નહિ.” ૯ આહાબે બેન-હદાદનો સંદેશો લાવનારા માણસોને કહ્યું: “મારા માલિક અને રાજાને કહેજો, ‘તમે તમારા સેવક પાસે અગાઉ જે માંગણી કરી હતી એ હું પૂરી કરીશ. પણ આ હું કરી શકતો નથી.’” એ સંદેશો લઈને માણસો બેન-હદાદ પાસે પાછા ગયા.
૧૦ બેન-હદાદે તેને આ સંદેશો મોકલ્યો: “તને ખબર છે મારું સૈન્ય કેટલું મોટું છે! હું સમરૂનને એવું ખેદાન-મેદાન કરી નાખીશ કે મારા દરેક સૈનિકને ભાગે એની મુઠ્ઠીભર ધૂળ પણ નહિ આવે. જો હું એમ ન કરું તો દેવતાઓ મને આકરી સજા કરે!” ૧૧ ઇઝરાયેલના રાજાએ જવાબ આપ્યો: “તેમને કહેજો કે, ‘યુદ્ધ શરૂ થયા પહેલાં જ જીતી ગયા હોય, એવી બડાઈ ન મારો.’”+ ૧૨ બેન-હદાદને સંદેશો મળ્યો ત્યારે તે બીજા રાજાઓ સાથે માંડવાઓમાં* દારૂ પીતો હતો. એ સાંભળતાં જ તેણે પોતાના માણસોને કહ્યું: “હુમલો કરવા તૈયાર થાઓ!” તેઓ શહેર પર હુમલો કરવા તૈયાર થઈ ગયા.
૧૩ ઇઝરાયેલના રાજા આહાબ+ પાસે એક પ્રબોધકે આવીને કહ્યું: “યહોવા કહે છે, ‘તેં આ મોટી સેના જોઈ? આજે હું એ તારા હાથમાં સોંપી દઈશ. પછી તને ખાતરી થશે કે હું યહોવા છું.’”+ ૧૪ આહાબે પૂછ્યું: “કોના દ્વારા?” પ્રબોધકે કહ્યું: “યહોવા કહે છે કે ‘પ્રાંતોના* આગેવાનોના સહાયકો દ્વારા.’” આહાબે પૂછ્યું: “લડાઈ કોણ શરૂ કરશે?” તેણે કહ્યું: “તું!”
૧૫ આહાબે પ્રાંતોના આગેવાનોના સહાયકોની ગણતરી કરી તો તેઓ ૨૩૨ હતા. પછી તેણે ઇઝરાયેલી સૈનિકોની ગણતરી કરી તો તેઓ ૭,૦૦૦ હતા. ૧૬ તેઓ ભરબપોરે નીકળી પડ્યા. બેન-હદાદ માંડવાઓમાં* દારૂ પીને ચકચૂર થયો હતો. તેને મદદ કરનારા ૩૨ રાજાઓ પણ તેની સાથે હતા. ૧૭ સૌથી પહેલા પ્રાંતોના આગેવાનોના સહાયકો સમરૂનમાંથી બહાર નીકળ્યા. બેન-હદાદે તપાસ કરવા તરત માણસો મોકલ્યા. તેઓએ આવીને જાણ કરી: “સમરૂનમાંથી માણસો બહાર આવી રહ્યા છે.” ૧૮ બેન-હદાદે કહ્યું: “જો તેઓ સુલેહ-શાંતિ કરવા આવ્યા હોય તો તેઓને જીવતા પકડી લાવો. તેઓ લડવા આવ્યા હોય તોપણ તેઓને જીવતા પકડી લાવો.” ૧૯ પ્રાંતોના આગેવાનોના સહાયકો શહેરની બહાર આવ્યા અને તેઓની પાછળ પાછળ સૈન્ય પણ બહાર આવ્યું. ૨૦ તેઓ પોતાના દુશ્મનોને મારી નાખવા લાગ્યા. સિરિયાના માણસો ભાગ્યા+ અને ઇઝરાયેલીઓએ તેઓનો પીછો કર્યો. સિરિયાનો રાજા બેન-હદાદ ઘોડા પર બેસીને અમુક ઘોડેસવારો સાથે નાસી છૂટ્યો. ૨૧ ઇઝરાયેલના રાજાએ તેઓની પાછળ પડીને તેઓના ઘોડા અને રથોનો નાશ કર્યો. સિરિયાના લશ્કરની ભારે કતલ* થઈ.
૨૨ પછીથી પ્રબોધકે+ ઇઝરાયેલના રાજા પાસે આવીને કહ્યું: “જા, તારું લશ્કર બળવાન કર. તું જે કંઈ કરે એ સમજી-વિચારીને કરજે,+ કેમ કે આવતા વર્ષની શરૂઆતમાં* સિરિયાનો રાજા તારા પર ફરી હુમલો કરશે.”+
૨૩ સિરિયાના રાજાના સલાહકારોએ તેને કહ્યું: “તેઓનો ઈશ્વર પર્વતોનો ઈશ્વર છે. એટલે તેઓ આપણા પર જીત મેળવે છે. જો તેઓ સામે ખુલ્લા મેદાનમાં લડીએ, તો આપણે જીતી જઈશું. ૨૪ બધા રાજાઓને લશ્કરમાંથી હટાવી દો+ અને તેઓની જગ્યાએ રાજ્યપાલો રાખો. ૨૫ જેટલી સેના* તમે ગુમાવી છે એટલી પાછી ભેગી કરો, ઘોડાને બદલે ઘોડો અને રથને બદલે રથ. પછી આપણે ખુલ્લા મેદાનમાં જંગ લડીશું અને તેઓ સામે ચોક્કસ જીતી જઈશું.” રાજાએ તેઓની સલાહ માની અને એમ જ કર્યું.
૨૬ બેન-હદાદે વર્ષની શરૂઆતમાં* સિરિયાનું લશ્કર બળવાન કર્યું અને ઇઝરાયેલ સામે લડવા છેક અફેક શહેર સુધી ગયો.+ ૨૭ ઇઝરાયેલના લોકો પણ ભેગા થયા. એ લોકો સરસામાન લઈને દુશ્મનો સામે લડવા નીકળી પડ્યા અને તેઓની સામે છાવણી નાખી. સિરિયાના લોકો આખા વિસ્તારમાં છવાઈ ગયા હતા,+ જ્યારે કે ઇઝરાયેલના લોકો તો બકરાંનાં બે નાનકડાં ટોળાં જેવાં લાગતાં હતાં. ૨૮ ઈશ્વરભક્તે ઇઝરાયેલના રાજા પાસે આવીને કહ્યું: “યહોવા જણાવે છે, ‘સિરિયાના લોકોનું કહેવું છે કે, “યહોવા પર્વતોનો ઈશ્વર છે, ખુલ્લાં મેદાનોનો નથી.” હું આ મોટા સૈન્યને તારા હાથમાં સોંપી દઈશ.+ પછી તને ખાતરી થશે કે હું યહોવા છું.’”+
૨૯ તેઓ સાત દિવસ સામસામે છાવણી નાખીને રહ્યા. સાતમા દિવસે યુદ્ધ શરૂ થયું. ઇઝરાયેલના લોકોએ સિરિયાના ૧,૦૦,૦૦૦ પાયદળ સૈનિકોને મારી નાખ્યા. ૩૦ બચી ગયેલા સૈનિકો અફેક શહેરમાં નાસી છૂટ્યા.+ તેઓમાંથી ૨૭,૦૦૦ પર દીવાલ તૂટી પડી. બેન-હદાદ પણ નાસી છૂટ્યો અને શહેરના છેક અંદરના એક ઓરડામાં ભરાઈ ગયો.
૩૧ બેન-હદાદના સેવકોએ તેને કહ્યું: “અમે સાંભળ્યું છે કે ઇઝરાયેલના રાજાઓ બહુ દયાળુ* હોય છે. કૃપા કરીને અમને કમરે કંતાન અને માથે દોરડાં વીંટાળીને ઇઝરાયેલના રાજા પાસે જવા દો. કદાચ તે તમને જીવતદાન આપે.”+ ૩૨ તેઓએ કમરે કંતાન અને માથે દોરડાં વીંટાળ્યાં. તેઓએ ઇઝરાયેલના રાજા પાસે જઈને કહ્યું: “તમારો સેવક બેન-હદાદ કહે છે કે ‘મારા પર રહેમ કરો, મને જીવતદાન આપો.’” ઇઝરાયેલના રાજાએ જવાબ આપ્યો: “શું તે હજુ જીવે છે? તે મારો ભાઈ છે.” ૩૩ એ માણસોએ એને શુકન માનીને તરત તેના શબ્દો પકડી લીધા અને કહ્યું: “હા, બેન-હદાદ તમારો ભાઈ છે.” ત્યારે રાજાએ કહ્યું: “જાઓ, તેને લઈ આવો.” આહાબ રાજા પાસે બેન-હદાદ આવ્યો અને રાજાએ તેને પોતાના રથમાં બેસાડ્યો.
૩૪ બેન-હદાદે તેને કહ્યું: “જે શહેરો મારા પિતાએ તમારા પિતા પાસેથી પડાવી લીધાં હતાં, એ હું પાછાં આપીશ. જેમ મારા પિતાએ સમરૂનમાં બજારો ખોલ્યાં હતાં,* તેમ તમે દમસ્કમાં ખોલજો.”
આહાબે જવાબ આપ્યો: “એ શરતે* હું તને જવા દઈશ.”
પછી આહાબે તેની સાથે કરાર કર્યો અને તેને છોડી મૂક્યો.
૩૫ યહોવાના કહેવાથી, પ્રબોધકોના દીકરાઓમાંથી*+ એકે પોતાના સાથીને કહ્યું: “મને ઘાયલ કર.” પણ તેણે તેને મારવાની ના પાડી. ૩૬ તેણે પોતાના સાથીને કહ્યું: “તેં યહોવાનો હુકમ માન્યો નથી, એટલે જેવો તું મારી પાસેથી જઈશ કે તરત સિંહ તને મારી નાખશે.” તે તેની પાસેથી ગયો કે તરત સિંહે તેના પર હુમલો કર્યો અને તેને મારી નાખ્યો.
૩૭ પ્રબોધકને બીજો એક માણસ મળ્યો. તેણે તેને કહ્યું: “મને ઘાયલ કર.” એ માણસે તેને માર્યો અને ઘાયલ કર્યો.
૩૮ પછી પ્રબોધક રસ્તા પર ગયો અને ઇઝરાયેલના રાજાની રાહ જોવા લાગ્યો. તેણે પોતાની ઓળખ છુપાવવા આંખો પર પાટો બાંધ્યો હતો. ૩૯ રાજા ત્યાંથી પસાર થયો ત્યારે પ્રબોધકે બૂમ પાડી: “તમારો આ સેવક ઘમાસાણ યુદ્ધમાં ગયો હતો. એવામાં એક માણસ મારી પાસે બીજા એક માણસને લઈ આવ્યો અને કહ્યું: ‘આ માણસની ચોકી કરજે. જો એ છટકી ગયો તો તેના જીવને બદલે તારો જીવ જશે+ અથવા તારે એક તાલંત* ચાંદી આપવી પડશે.’ ૪૦ તમારો સેવક બીજા કામમાં રોકાયેલો હતો એવામાં પેલો માણસ છટકી ગયો.” ઇઝરાયેલના રાજાએ તેને કહ્યું: “તારા કહેવા પ્રમાણે તને સજા થશે, તેં પોતે જ ફેંસલો આપ્યો છે.” ૪૧ પ્રબોધકે ઝડપથી આંખો પરનો પાટો છોડી નાખ્યો. ઇઝરાયેલનો રાજા તરત ઓળખી ગયો કે આ તો પ્રબોધકોમાંનો એક છે.+ ૪૨ તેણે રાજાને કહ્યું: “યહોવા કહે છે કે, ‘જે માણસનો નાશ કરવાનું મેં જણાવ્યું હતું, તેને તેં તારા હાથમાંથી છટકી જવા દીધો છે.+ તેના જીવને બદલે તારો જીવ જશે+ અને તેના લોકોને બદલે તારા લોકો માર્યા જશે.’”+ ૪૩ ઇઝરાયેલનો રાજા ઊતરેલા મોઢે નિરાશ થઈને સમરૂન+ પોતાના ઘરે ચાલ્યો ગયો.