દેવે અમને તેમને શોધવા દીધા
દાઊદ રાજા રાજગાદી પોતાના પુત્ર સુલેમાનને આપવાની તૈયારીમાં હતો ત્યારે, તેણે તેને આ સલાહ આપીઃ “તારા પિતાના દેવને ઓળખ, ને સંપૂર્ણ અંતઃકરણથી તથા રાજીખુશીથી તેની સેવા કર; કેમકે યહોવાહ સર્વના અંતઃકરણોને તપાસે છે, ને વિચારોની સર્વ કલ્પનાઓ તે સમજે છે; જો તું તેને શોધશે તો તે તને જડશે; પણ જો તું તેનો ત્યાગ કરશે તો તે તને સદાને માટે તજી દેશે.”—૧ કાળવૃત્તાંત ૨૮:૯.
અમને અમારા કિસ્સામાં એ સાચું લાગ્યું. અમે દેવને શોધ્યા, અને તે અમને જરૂરથી મળ્યા—પરંતુ ઘણા જૂઠા માર્ગોમાં ફંટાયા પછી જ. અમે માનીએ છીએ કે યહોવાહે પારખ્યું કે અમારા વિચારો કેવા શક્તિશાળી રીતે તેમના પર અને તેમની સેવા પર કેન્દ્રિત થયેલા છે, અને અમે તેમને શોધી કાઢી શકીએ એવું તેમણે થવા દીધું. બાબત આ પ્રમાણે બની.
અમે ચાર ભાઈઓ, ફ્લોરિડા, યુ.એસ.એ.માં ઉછર્યા હતા. કુટુંબનું ભરણપોષણ કરવા પપ્પા રસોઈયા તરીકે લાંબી પાળીઓમાં કામ કરતા, મમ્મી ઘર સંભાળતી, અને અમે ચાર છોકરાઓને ઘાસ કાપવાનું, છાપા વહેંચવાનું—કુટુંબની આવકમાં ઉમેરો કરે એવું કંઈ પણ—કામ મળ્યું હતું. મમ્મી કેથલિક હતી, અને પપ્પા બાપ્ટિસ્ટ હતા. અમે બધા દેવ અને બાઇબલમાં માનતા પરંતુ એ વિષે કંઈ કરતા ન હતા, અમે ભાગ્યે જ ચર્ચમાં જતા. એ ’૭૦ના દાયકાની શરૂઆતનો, સમય હતો જ્યારે શાંતિ, બેલ-બોટમ જીન્સ, લાંબા વાળ, અને રોક સંગીત બહુ લોકપ્રિય હતાં. એ બધાની અમારા પર અસર પડી હતી.
છેક ૧૯૮૨ સુધી અમારામાંથી બે જણા, સ્કોટ અને સ્ટીવ—ક્રમ પ્રમાણે ૨૪ અને ૧૭ વર્ષ વય—એ બાઇબલમાં ગંભીર રસ લીધો ન હતો અને જગતની બગડતી જતી પરિસ્થિતિ સંબંધી વધતી જતી ચિંતા કરી ન હતી. સ્કોટનો પોતાનો બાંધકામનો ધંધો હતો. એ સારો ચાલતો હતો, તેથી અમે ભેગા એક એપાર્ટમેન્ટમાં રહેવા ગયા. અમે તે જૂના ઓરડાથી અને એ જીવનમાર્ગથી થાકી ગયા અને જાણતા હતા કે ક્યાંક તો વધારે સારી પરિસ્થિતિ હોવી જ જોઈએ. અમને આત્મિક બાબતોની ભૂખ લાગવા માંડી. અમારું બાઇબલ નિયમિત વાંચવાથી અમને દેવના શબ્દનું વધુ જ્ઞાન અને અંતર્દૃષ્ટિ મેળવવાની ઇચ્છા જાગી.
અમે દર રવિવારે જુદા જુદા ચર્ચમાં જવું શરૂ કર્યું. અમે લેક વર્થ, ફ્લોરિડામાં અમારા ઘરની પાસે એક ચર્ચમાં ગયા જ્યાં, રવિવારનો ૨૫ મિનિટનો બોધપાઠ પૈસા આપવા વિષે રહેતો. “ઉદારતાથી આપો, તમારા ખિસ્સા ખાલી કરો,” એમ પાદરી કહેતા ત્યારે તે વક્તાના સ્ટેન્ડ પર અર્ધા આગળ નમી જતા. તેઓ ઘણી વાર એક સભામાં પૈસાની થાળી ત્રણ વખત ફેરવતા, જેને પરિણામે ઘણા પોતાનાં ખિસ્સા ખાલી કરીને પાછા ફરતા. અમે ઘણા ચર્ચોમાં ગયા, પરંતુ અમને ફક્ત ઉઘરાણાની વધુ થાળીઓ પસાર થતી તથા સામાજિક મેળાવડાઓ જ જોવા મળ્યા.
યહોવાહના સાક્ષીઓ વિષે ચેતવણી આપવામાં આવી
અમને સિદ્ધાંતો શીખવવામાં આવ્યા હતા જેને અમે પાયારૂપ બાઇબલ શિક્ષણ ગણતા હતા, અને અમે એ સ્વીકાર્યા કારણ કે શિક્ષકો વ્યવસાયી ધર્મવેત્તાઓ હતા. એક પાઠ અમેરિકામાંના પંથો વિષે હતો, અને યાદીના મથાળે યહોવાહના સાક્ષીઓ હતા. અમને ચેતવણી આપવામાં આવી કે તેઓ ઈસુમાં માનતા નથી, તેઓનું પોતાનું બાઇબલ છે, તેઓ સ્વર્ગમાં જવાના નથી, અને તેઓ માને છે કે નર્ક જેવું કંઈ નથી. અલબત્ત, આ બધું, અમને માનવા દોરી ગયું કે સાક્ષીઓ ખોટા હતા.
અદ્યપિ અમને તીવ્ર ધગશ હતી પરંતુ ચોકસાઈભર્યા જ્ઞાન પ્રમાણે ન હતી. (રૂમી ૧૦:૨) અમે ઈસુએ માત્થી ૨૮:૧૯, ૨૦માં જે કહ્યું હતું તે જરૂર જાણતા હતા—અમારે સુસમાચારનો પ્રચાર કરવો જ જોઈએ અને શિષ્યો બનાવવા જ જોઈએ. તે સમયે અમે બાઇબલ ટાઉન નામના ૨,૦૦૦ સભ્યોના ચર્ચમાં હાજરી આપતા હતા, જ્યાં અમે ૧૭ અને ૩૦ વર્ષ વય વચ્ચેના આશરે ૧૦૦ યુવાનોના વૃંદનો ભાગ હતા. સ્કોટે તેઓ પાસે કોઈક પ્રકારનું પ્રચારકાર્ય કરાવવા પ્રયાસ કર્યો—પરંતુ સફળતા મળી નહિ.
તેથી અમે અમારી પોતાની પ્રચાર ઝુંબેશ શરૂ કરી. સ્કોટને સ્થાનિક બજારમાં હાટડી ખોલવાનો અને પત્રિકાઓ અને બાઇબલ આપવાનો વિચાર આવ્યો. તેથી અમે એમ કર્યું. અમે એક સ્થાનિક “ખ્રિસ્તી” પુસ્તકભંડારે ગયા અને પત્રિકા અને બાઇબલનો સારો જથ્થો ખરીદ્યો, બજાર ગયા, બે ઘોડીઓ ઊભી કરી, મથાળે પ્લાયવુડનું પાટિયું મૂક્યું, અમારી પત્રિકા અને બાઇબલ એના પર મૂક્યાં, અને “વચનના પાળનારા . . કેવળ સાંભળનારા જ નહિ” થવા પ્રયાસ કર્યો.—યાકૂબ ૧:૨૨.
દરેક સપ્તાહ પસાર થયું તેમ, કહેવાતા બજારના સેવકો વધ્યા, અંગ્રેજી તેમ જ સ્પેનિશ સાહિત્ય આપવા લાગ્યા. વળી, અમારી પાસે બાઇબલ હતાં, જુદી જુદી જાતની ૩૦ પત્રિકાઓ હતી, અને ટોપી પર જડવાની તકતીવાળી પીન પણ હતી જે કહેતી હતી “દેવ તમને પ્રેમ કરે છે.” થોડા સમય પછી, સ્કોટે ટી-શર્ટ પર ટૂંકા બાઇબલ સંદેશા છાપવા માટે એક યંત્ર ખરીદ્યું—તે આમ વંચાતા: “શું તમે આજે તમારું બાઇબલ વાંચ્યું છે?,” “શું તમને આશ્ચર્ય થાય છે કે શા માટે હું સ્મિત કરું છું? ઈસુ મારા હૃદયમાં છે,” અને એવા ઘણા. એક કહેતું હતું “પ્રકટીકરણ” અને સાથે ચાર ઘોડેસવારોનું ચિત્ર હતું.
અમે વિચાર્યું કે આ શર્ટ સર્વત્ર પહેરવાથી, અમે મૂક સાક્ષી આપી રહ્યા હતા. દર શનિવારે અને રવિવારે, સવારે ૮ વાગ્યેથી બપોરે ૧ વાગ્યા સુધી, બજારનું આ સેવાકાર્ય નજરે પડતું હતું. તમે પાર્કિંગમાંથી ચાલી જતા હો અને કાર પર પત્રિકા જુઓ તો, જાણવું કે અમે ત્યાં પહોંચી ગયા છીએ. બધું સાહિત્ય દાન આધારિત હતું, જો કે બહુ થોડા જ પૈસા મળતા. એક વર્ષે અમે વર્ષનો ખર્ચ ગણ્યો, અને એ $૧૦,૦૦૦ કરતાં વધારે થયો.
અમે એક યહોવાહના સાક્ષીને મળીએ છીએ
એક વખત, અમે બોનેટ સ્પ્રીંગ્સના દરિયાકાંઠે તરી રહ્યા હતા ત્યારે, એક વૃદ્ધ અમારી પાસે આવ્યો અને જણાવ્યું કે તેણે અમારી ટ્રકના બમ્પર પર અને ટી-શર્ટ પર સ્ટીકર જોયાં. તેણે બાઇબલ વિષે વાત કરવા માંડી અને શાસ્ત્રવચનોમાંથી વિચારદલીલ કરી. તેણે પ્રેરિતોનાં કૃત્યો ૨:૩૧માંનો મુદ્દો ઉઠાવી પૂછ્યું: “અગ્નિમય નર્ક હોય અને ફક્ત ખરાબ લોકો જ ત્યાં જતા હોય તો, શા માટે બાઇબલ એમ કહે કે ઈસુ ત્યાં હતા?” તેણે અન્ય ઘણાં શાસ્ત્રવચનોની ચર્ચા ચાલુ રાખી. છેવટે, સ્કોટે કહ્યું: “તમે યહોવાહના સાક્ષી જ હોવા જોઈએ.” તેણે જવાબ આપ્યોઃ “હા, હું છું.” ત્યારે સ્કોટે કહ્યું: “તમે લોકો ઈસુમાં માનતા નથી.” ત્યાર પછીની ૨૦ મિનિટ, સાક્ષીએ ઈસુ વિષે વાત કરી, પરંતુ એની અમારા પર કોઈ છાપ પડી નહિ.
અમે બજારનું સેવાકાર્ય સપ્તાહઅંતોએ ચાલુ રાખ્યું. આ અમે ત્રણ વર્ષ કરતા રહ્યા—સર્વ સમયે માનતા હતા કે અમારી પાસે સત્ય છે અને અમે ખરું કરી રહ્યા છીએ. અમે હજુ, દર રવિવારે રાત્રે કોઈ એક ચર્ચમાં જતા, અને અમે જેમાં હાજરી આપી તેમાંથી એકથી પણ અમને સંતોષ થયો નહિ. મુલાકાત લેવા અમારી પાસે ચર્ચો ખલાસ થઈ ગયા, તેથી એક રાત્રે, અમે જેને “યહોવાહના સાક્ષીઓનું ચર્ચ” કહેતા હતા, ત્યાં જવાનું નક્કી કર્યું. અમે તેઓને ઈસુ વિષે પ્રચાર કરવાના હતા. અમને ટેલિફોન ડિરેક્ટરીમાંથી સરનામું મળ્યું અને ત્યાં રવિવારની એક સાંજે ગયા. તેઓની સભા રવિવારે સાંજે થતી નથી એ જાણી, અમે એવા નિષ્કર્ષ પર આવ્યા કે તેઓ ખરેખર ઈસુમાં માનતા નથી. અમે સભાના સમયોમાંની યાદીમાં સોમવારે રાત્રે પુસ્તક અભ્યાસની માહિતી જોઈ. તેથી અમે અમારા બાઇબલો લઈને અને અમારા ટી-શર્ટ પહેરીને પાછા આવ્યા. અમને યાદ છે અમારે કયું ટી-શર્ટ પહેરવું—કયું સારી સાક્ષી આપશે—નક્કી કરવામાં થોડીક મિનિટો લીધી. અમે ત્યાં થોડાક વહેલા પહોંચ્યા, અને થોડાક ભાઈઓ અમારી પાસે આવ્યા. તેઓ ઉષ્માભર્યા અને મૈત્રીપૂર્ણ હતા. અમે તરત જ પ્રકટીકરણ વિષે ઊંડી ચર્ચામાં ઊતરી ગયા. તેઓએ અમને સભામાં રહેવા જણાવ્યું. તેઓએ અમને ઉપાસનામાં એક થયેલા પુસ્તક આપ્યું, તેથી અમે બેઠા.a એક ભાઈએ પ્રાર્થનાથી અભ્યાસ શરૂ કર્યો.
a વોચટાવર બાઇબલ એન્ડ ટ્રેક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત.
અમે ખંતપૂર્વક ધ્યાનથી સાંભળ્યું. પ્રાર્થનાની સમાપ્તિમાં, તેણે કહ્યું: “ઈસુના નામમાં, આમેન.” અમે આશ્ચર્યસહિત એકબીજા તરફ જોવા લાગ્યા. “શું અમે બરાબર સાંભળ્યું? તેણે ઈસુના નામે પ્રાર્થના કરી!” તે સમયે જાણે અમારી આંખો ખુલી ગઈ અને મોટા છાલા જેવું ખરી પડ્યું. અમારાં હૃદય ખરાં હોય તો, એમ જ સાંભળવાનો સમય હતો. ભાઈએ બધાને ઉપાસનામાં એક થયેલા પુસ્તકનું ૨૧મું પ્રકરણ ખોલવા જણાવ્યું, જે ઈસુ વિષે અને જગતનો કોઈ ભાગ ન બનવા વિષે હતું. હાજરી આપી હોય એવો આનાથી વધારે સારો અભ્યાસ બીજો કોઈ ન હતો. એ ઈસુના જીવન અને સેવાકાર્ય, છેલ્લા દિવસો, અને તટસ્થતા વિષે હતો. અમે નાનેરાઓને એવા ઘણા મુદ્દાઓ વિષે વિવેચન કરતા સાંભળ્યા જે અમે કદી જાણતા ન હતા. વળી પછી, સભાની સમાપ્તિમાં, ભાઈએ ઈસુના નામમાં પ્રાર્થના કરી!
અમને આત્મિક ખોરાક મળ્યો
અમે સત્યની તરસ માટે ગૃહમાં આવ્યા હતા, અને એ અહીં જ, બહુ દૂર ન હતું. અમે આત્મિક ખોરાક લીધો હતો એવું જાણીને ત્યાંથી નીકળ્યા, અને ફરી કદી ચર્ચમાં પગ મૂક્યો નહિ. બીજી રાત્રે, કપડાં ધોવાના મશીને ગયા ત્યારે, સોડા મશીનની બાજુમાં ચોકીબુરજ અને સજાગ બનો! સામયિકોનો મોટો ઢગલો અમારા ધ્યાન પર આવ્યો—ઓછામાં ઓછા ૧૫૦ જેટલાં હતાં. અમે અગાઉ કદી એ વાંચ્યા ન હોત, પરંતુ હવે ઘણા વિષયોમાં રસ હોવાથી અમે એને ગોઠવીને બાંધી દીધાં.
એક લેખ પૂછતો હતો, “શું તમે ત્રૈક્યમાં માનો છો?” બીજો, “શું ખરેખર નર્ક છે?” એક સજાગ બનો!માં મૂર્તિઓ પર લેખ હતો. એ રાત્રે સ્ટીવે ત્રૈક્ય વિષે એક લેખ વાંચ્યો, ઘણું બધું સંશોધન કર્યું, બધાં શાસ્ત્રવચનો જોયાં, અને પોતે જે જાણ્યું હતું એને કારણે રાતે ૧૨:૩૦ વાગ્યે સ્કોટને જગાડ્યો. બીજે દિવસે, બુધવારે, કામ પરથી આવ્યા પછી, સ્ટીવે નર્ક પરનો લેખ વાંચ્યો. એ યોહાન ૧૧:૧૧ પર વિચારદલીલ કરતો હતો, જ્યાં ઈસુએ કહ્યું કે લાઝરસ ઊંઘી ગયો હતો. સ્ટીવ સ્કોટને મળ્યો ત્યારે, તેણે કહ્યું: “મારું બાઇબલ શીખવતું નથી કે અગ્નિમય નર્ક છે.” મૂર્તિઓ અને ક્રોસના જુદા જુદા રૂપો પર સજાગ બનો! વાંચ્યા પછી, અમે અમારા ભિન્ન પ્રકારના ક્રોસ અને મૂર્તિઓ કચરો લઈ જતી ટ્રકમાં નાખી દીધા અને તેઓ લઈ જતા હતા ત્યારે અમે જોઈ રહ્યા. અમે એકબીજા સામે જોયું, અમારું માથું હલાવ્યું, અને સ્મિત કર્યું. અમે જાણતા હતા કે અમને કંઈક અતિશય ખાસ બાબત મળી છે—સત્ય.
એક દિવસ પછી બે બોક્ષ આવ્યાં. એમાં ૫,૦૦૦ પત્રિકાઓ હતી જે કહેતી હતી કે તમે પસ્તાવો નહિ કરો તો, તમે નર્કમાં જશો. હવે અમે જાણતા હતા કે આમાંની ઘણી પત્રિકાઓ બાઇબલ શિક્ષણ અનુસાર સાચી ન હતી. થોડુંક ગૂંચવાયા પછી, અમે ફરી સોમવારે રાત્રે પુસ્તક અભ્યાસમાં હાજરી આપી અને અમારી ઘણી પત્રિકાઓ લઈ ગયા. અમે પૂછ્યું, “શું આ બરાબર છે?” એક રાત્રે અમે બધી તપાસી. તરત જ પત્રિકાઓનો ઢગલો ભોંયતળિયે નાખ્યો; એમાંની એક પણ બાઇબલ શિક્ષણ સામે ટકી શકે એમ ન હતી. અમે એ બધી દૂર કરી. અમે જાણ્યું કે અમારા નવા સાંપડેલા વિશ્વાસનો અર્થ અમારું અને અમે જેઓને પ્રચાર કર્યો તેઓનું જીવન થતો હતો. અમે કોઈ પણ જાતની ખલેલ વગર બાઇબલનો અભ્યાસ કરવા બહાર નીકળી આવવા માંગતા હતા.
અમે અલાસ્કા રહેવા ગયા. ત્યાં અમારી પ્રથમ સભામાં, અમે એક વડીલને પૂછ્યું કે તે અમારી સાથે રોજ અભ્યાસ કરશે કે કેમ. મને લાગે છે હાજર રહેલા સર્વેએ અમને કહેતા સાંભળ્યા. અમે સારી પ્રગતિ કરી, હંમેશ માટે જીવી શકો પુસ્તક પૂરું કર્યું, અને બે-દિવસીય એક સંમેલનમાં બાપ્તિસ્મા લેવા માંગતા હતા.b પરંતુ અમારે થોડીક રાહ જોવાની હતી. અમારો ધ્યેય પાયોનિયર કાર્ય કરવાનો હતો. ઓચિંતા, અમારા પપ્પા માંદા પડ્યા, અને મદદ કરવા અમારે ફ્લોરિડા પાછા જવું પડ્યું.
b વોચટાવર બાઇબલ એન્ડ ટ્રેક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત.
અમે આત્મિક પરિપક્વતા તરફ પ્રગતિ કરી
ફ્લોરિડામાં અમે સારી પ્રગતિ કરી, ઉપાસનામાં એક થયેલા પુસ્તક પૂરું કર્યું, અને પછી ૧૯૮૭માં બાપ્તિસ્મા પામ્યા. અમે પ્રથમ શરૂઆત કરી પછી ૧૧ મહિના વિત્યા. તરત જ અમે છ માસ માટે સહાયક પાયોનિયર અને પછી નિયમિત પાયોનિયર બન્યા. માત્ર દોઢ વર્ષ પછી જ, અમને બંનેને સેવકાઈ ચાકર નીમવામાં આવ્યા. બાપ્તિસ્મા પછી બે વર્ષે, અમે બ્રૂકલીન બેથેલમાં સેવા કરી રહ્યા હતા, જ્યાં સ્કોટ આજે પણ સેવા કરે છે અને બે વર્ષથી ચીની ભાષા શીખે છે. સ્ટીવ હવે નિયમિત પાયોનિયર તરીકે મોસ્કો, રશિયામાં સેવા કરે છે. અમને બંનેને સત્ય મળ્યું અને એની શોધ નીતિવચન ૨:૧-૫માં વર્ણવ્યા મુજબ બનીઃ “મારા દીકરા, જો તું મારાં વચનોનો અંગીકાર કરશે, અને મારી આજ્ઞાઓને તારી પાસે સંઘરી રાખીને, જ્ઞાન તરફ તારો કાન ધરશે, અને બુદ્ધિમાં તારૂં મન પરોવશે; જો તું વિવેકબુદ્ધિને માટે ઘાંટો પાડશે, અને સમજણ મેળવવાને માટે ખંત રાખશે; જો તું રુપાની પેઠે તેને ઢૂંઢશે, અને દાટેલા દ્રવ્યની પેઠે તેની શોધ કરશે; તો તને યહોવાહના ભયની સમજણ પડશે, અને દેવનું જ્ઞાન તારે હાથ લાગશે.”
સ્ટીવ મોસ્કો કઈ રીતે પહોંચ્યો
ન્યૂ યોર્કમાં રહેતા, જ્યાં વધારાની ભાષા જાણવાથી પ્રચારકાર્ય વધારે રસપ્રદ બનશે—અને એવું વિચારીને કે કદાચ યહોવાહ રશિયાનું બારણું જલદી જ ખોલશે—મેં રશિયન શીખવાનું નક્કી કર્યું. તે સમયે, બ્રૂકલીન બેથેલમાં સેવા કરતી વખતે, મેં રશિયન પુસ્તક અભ્યાસમાં હાજરી આપવી શરૂ કર્યું. ફક્ત એક જ રશિયન પુસ્તક અભ્યાસ વૃંદ હતું જે શુક્રવારે મળતું હતું. સમય પસાર થયો તેમ, હું રશિયન વૃંદમાં વધુ સામેલ થતો ગયો. હું તેઓ સાથે પ્રચાર પ્રવૃત્તિમાં જોડાયો, જે રશિયનોની ઉષ્માને કારણે અતિ આનંદદાયક હતું. મેં રશિયન વૃંદમાં મારી બદલી કરવા સેવા વિભાગને લખ્યું. તેઓ એ સાથે સહમત થયા ત્યારે મને આનંદ થયો.
એક દિવસ બેથેલમાં સવારની ઉપાસનામાં, વોચ ટાવર બાઇબલ એન્ડ ટ્રેક્ટ સોસાયટીના પ્રમુખ, મિલ્ટન જી. હેન્શલે બેથેલ કુટુંબને જણાવ્યું કે એક ખાસ અહેવાલ છે. પછી તેમણે જાહેરાત કરી કે યહોવાહના સાક્ષીઓને રશિયામાં કાયદેસર માન્યતા મળી છે અને હવે આપણા ભાઈઓને ઉપાસનાની સ્વતંત્રતાનો આનંદ મળશે. મને લાગતું નથી કે તે સવારે બેથેલ ખાતે કોઈ પણ અમને આવા અદ્ભુત સમાચાર સાંભળી જે આનંદ થયો તે ભૂલશે. મેં તે જ ઘડીએ વિચાર્યું કે એ વિશાળ નવા પ્રચાર વિસ્તારનો ભાગ બની શકવું એક મોટો લહાવો છે.
મેં ક્રસ્નોદર, રશિયામાં રહેતા વ્લોદય નામના રશિયન બ્રધર સાથે પત્ર વ્યવહાર શરૂ કર્યો. તેમણે મને રશિયાની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું. તેથી જૂન ૧૯૯૨માં, મેં મારો સામાન બાંધ્યો અને મોસ્કો તરફ રવાના થયો. ત્યાં પહોંચતા, બ્રધર વ્લોદયને હવાઈ મથકે રાહ જોતા જોઈને મને ઘણો જ આનંદ થયો. હું બ્રધર સ્તેફન લેવિન્સ્કી સાથે રહ્યો—જે ૪૫ વર્ષથી સત્યમાં હતા. મોસ્કોમાં હું મળ્યો હોઉં એવા તે પ્રથમ સાક્ષી હતા, અને તેમણે સત્યના પોતાના સ્થાન માટે જેલમાં ઘણાં વર્ષો વિતાવ્યા હતા. બ્રધરોની પરોણાગત સાચે જ અદ્ભુત હતી.
આમ હું મોસ્કો પહોંચી ગયો, મને ભાષા પણ બહુ આવડતી ન હતી. તે સમયે, ફક્ત ચાર મંડળો હતાં, અને બધા ભાઈઓ એકબીજાને ઓળખતા હોય એમ અમને લાગ્યું. ત્યારથી માંડીને, પ્રયત્ન અજમાવીને હું મારો વીઝા લંબાવી શક્યો છું. હું મારો ખર્ચ કાઢવા વખતોવખત કામ કરી શકું છું. મારી સૌથી મોટી મુશ્કેલી પૂરતી રશિયન ભાષા શીખવી હતી જેથી હું સંચાર કરી શકું અને સભાઓમાંથી આત્મિક ખોરાક મેળવી શકું. એ ધીમે ધીમે થયું, અને અલબત્ત, હું હજુ એ માટે મહેનત કરી રહ્યો છું.
મને ઘણાં મહાસંમેલનોમાં હાજરી આપવાનો અને આશ્ચર્યજનક વૃદ્ધિ તથા સૌથી વધુ થયેલા બાપ્તિસ્માઓનો સાક્ષી બનવાનો લહાવો મળ્યો. અહીંના આપણા ભાઈઓનો શુદ્ધ ઉત્સાહ જોવાથી, વિશ્વાસ પ્રચંડપણે દૃઢ બનાવનારો અનુભવ થયો છે. હું એના બદલે કંઈ પણ સ્વીકારીશ નહિ. ઘણા ભાઈઓ અને બહેનો જેઓને હું મળ્યો જેઓ ફક્ત અભ્યાસ કરી રહ્યા હતા અથવા હું આવ્યો ત્યારે જ બાપ્તિસ્મા પામ્યા હતા, તેઓ હવે પૂરા સમયના પાયોનિયરો કે સેવકાઈ ચાકરો કે સેન્ટ પીટર્સબર્ગ, રશિયા, પાસે સોલનેકનોય ખાતે બેથેલાઈટ તરીકે સેવા કરી રહ્યા છે.
હું જે મંડળમાં હાજરી આપું છું તે દર રવિવારે ૫૩૦ જણાથી ખીચોખીચ થઈ રહ્યું છે, અને દર મહિને સરેરાશ ૧૨ નવા બાપ્તિસ્મા ન પામેલા પ્રકાશકો થાય છે. છેલ્લી ગણતરી પ્રમાણે, ૩૮૦ પ્રકાશકો, ૩ વડીલો, અને ૭ સેવકાઈ ચાકરો હતા. અમારું મંડળ ૪૮૬ કરતાં વધુ ગૃહ બાઇબલ અભ્યાસો ચલાવે છે. ફેબ્રુઆરી ૧૯૯૫માં, સેવા વાર્તાલાપ આપવા મને ૨૯ પુસ્તક અભ્યાસોની મુલાકાત લેવાનો લહાવો મળ્યો. મેં એક સપ્તાહમાં ચાર વૃંદોની મુલાકાત લીધી. અમે બાપ્તિસ્માના ઉમેદવારોના પ્રશ્નો લેવા માટે દરેક મહાસંમેલન પહેલાં પણ ઘણા વ્યસ્ત હોઈએ છીએ. મે ૧૯૯૫માં, અમારો ખાસ સંમેલન દિન હતો જ્યાં અમારા મંડળમાંથી ૩૦ જણાંએ બાપ્તિસ્મા લીધું. આશરે ૧૦,૦૦૦ની હાજરીમાંથી કુલ ૬૦૭ જણાંએ બાપ્તિસ્મા લીધું. ઉનાળાના ડિસ્ટ્રીક્ટ મહાસંમેલનમાં, ૮૭૭ બાપ્તિસ્મા પામનારાઓમાંના ૨૪ અમારા મંડળમાંથી હતા! અમારા મંડળમાં ૧૩ પાયોનિયરો અને ૩ ખાસ પાયોનિયરો છે. તેઓ કુલ મળી કંઈક ૧૧૦ અભ્યાસોનો અહેવાલ આપે છે! હમણાં, અમારી પાસે ૧૩૨ બાપ્તિસ્મા ન પામેલા પ્રકાશકો છે.
અમારા ૧૯૯૫ના સ્મરણપ્રસંગમાં, ૧,૦૧૨ની હાજરી હતી! સંસ્થાએ હમણાં જ એક પોલીશ બ્રધર, મતેશને અમારા મંડળમાં મોકલ્યા છે. તે સેવકાઈ તાલીમ શાળામાંથી સ્નાતક થયા છે અને અમને ઘણા જ મદદરૂપ નીવડશે. હવે અમારી પાસે ત્રણ વડીલો છે. તેથી એક વધારાનું મંડળ રચવામાં આવશે, અને અમારો પ્રચાર વિસ્તાર—જેની વસ્તી દસ લાખ જેટલી થવા જાય છે—તેના બે ભાગ કરવામાં આવશે. બે મંડળમાંથી દરેકમાં આશરે ૨૦૦ પ્રકાશકો હશે. એક મંડળમાં બે વડીલો હશે, અને બીજામાં એક વડીલ. અમારું બીજું એક સંમેલન આવી રહ્યું છે, તેથી અમે ૪૪ જણાંના પ્રશ્નો જોઈ રહ્યા છીએ જેઓ ત્યાં સુધીમાં બાપ્તિસ્મા માટે તૈયાર થશે. અસંભવ લાગે છે! ખરેખર આત્મિક પારા3દેશ! એ આશ્ચર્યમુગ્ધ કરી નાખનારું છે! ખરેખર યહોવાહનો હાથ કામ કરે છે. આ સમયે તો તેમનો રથ રશિયામાં પૂરપાટ દોડી રહ્યો છે. ઓક્ટોબર ૧૯૯૫ મુજબ, મોસ્કોમાં કંઈક ૪૦ મંડળો છે. પૂરતા વડીલો હોય તો, એ સહેલાયથી બમણા બની શકે.
બજારમાં સેવાકાર્ય કરવાના અમારા પેલા દિવસો વિત્યાને ઘણો વખત થયો. સ્કોટ બ્રૂકલીન બેથેલમાં છે, સ્ટીવ મોસ્કોના એક મંડળમાં વડીલ તરીકે સેવા કરે છે—અમે બંને કેટલા બધા આભારી છીએ કે દેવે અમને તેમને શોધવા દીધા છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે હજુ લાખો તેમને શોધશે અને દેવ તેઓને પણ તેમને શોધવા દેશે.—સ્કોટ અને સ્ટીવ ડેવીસે જણાવ્યા પ્રમાણે.
(g96 3/22)
સ્કોટ
સ્ટીવ
મોસ્કોના એક મંડળમાં દર રવિવારે ૫૩૦થી વધારે હાજરી હોય છે