ઓસ્ટ્રેલિયાનો “ગાતો બુરજ”
સજાગ બનો!ના ઓસ્ટ્રેલિયામાંના ખબરપત્રી તરફથી
ઘણીવાર સંગતીના ક્ષેત્રમાં નોંધપાત્ર ગુણવત્તાવાળા વિવિધ વાદ્યો બનાવવા માટે કલા, ટેકનોલોજી, અને વિજ્ઞાનને ભેગાં કરવામાં આવ્યાં છે. પરંતુ અન્તોનિયસ સ્ટ્રાડિવેરીસનાં વાયોલિન અને ટેઓબોલ્ડ બોએમની વાંસળીઓ જાણીતી હશે છતાં, સામાન્ય રીતે આપણે ભવ્ય કેરિલોન વિષે થોડું જ જાણીએ છીએ.
પરંતુ કેરિલોન શું છે, અને એને કઈ રીતે વગાડવામાં આવે છે? દુનિયાના મુખ્ય કેરિલોનમાંના એકની મુલાકાત માહિતીપ્રદ બની શકે અને કદાચ એના અજોડ સંગીત માટે આપણી કદર ઊંડી બનાવી શકે.
વિશાળ વાદ્ય
કેરિલોન સંગીતનું દુનિયાના સૌથી મોટા વાદ્યોમાંનું એક છે અને એનો ઉદ્ભવ પ્રાચીન છે. એ સામાન્ય રીતે ઘંટવાળા બુરજમાં ગોઠવવામાં આવે છે અને તેથી યોગ્યપણે જ એને “ગાતો બુરજ” તરીકે ઉલ્લેખવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના પાટનગર કેન્બરા ખાતેના કેરિલોન અને ઘંટવાળો બુરજ ૧૯૬૩માં ગ્રેટ બ્રિટનની સરકાર તરફથી કેનબરાની સ્થાપના અને એને નામ આપવાની ૫૦મી સંવત્સરીની ઊજવણી માટેની ભેટ હતી. કેરિલોન રળિયામણા લેક બર્લી ગ્રિફિનના કેન્દ્રમાં આવેલા એસ્પન આઇલેન્ડ પર આવેલું છે.
એ ૫૦ મીટર ઊંચો બુરજ તેની મધ્યમાં આવેલા સમભુજ ત્રિકોણની દરેક બાજુ સાથે જોડેલા ત્રણ ત્રિકોણાકાર દાંડાનું ઝૂમખું ધરાવે છે. ત્રણ દાંડાની વચ્ચમાં ઊંચે અદ્ધર લટકાવેલી ફરસબંધી છે જેમાં ખુદ કેરિલોન છે.
બુરજમાંનું એલીવેટર આપણને પ્રથમ ફરસબંધી પર લઈ જાય છે, જ્યાં આપણને હાર્મોનિયમની ચાંપ જેવા બે મોટા ક્લેવિયર, અથવા કીબોર્ડ, જોવા મળે છે. પ્રથમ કીબોર્ડ, કેરિલોનરના, અર્થાત્ એના વગાડનારના, મહાવરા માટે હોય છે. એ કીબોર્ડમાંની હથોડીઓ સૂરના તાર પર ફક્ત અથડાય છે.
મહાવરા માટેના કીબોર્ડની પાછળ જ કેરિલોનનું ખરું ક્લેવિયર આવેલું હોય છે. પરંતુ એ સામાન્ય કીબોર્ડ હોતું નથી, કેમ કે ઓકના લાકડામાંથી બનાવેલી એની મોટી, ગોળ ચાંપનો વ્યાસ લગભગ ૨ સેન્ટિમીટર હોય છે. ચાવીઓની ઉપરની હરોળ પિયાનો કે હાર્મોનિયમની પરિચિત કાળી ચાંપને દર્શાવે છે. એ કંઈક ૯ સેન્ટિમીટર જેટલી નીચે જાય છે, જ્યારે કે નીચેની હરોળ (જે પિયાનોની સફેદ ચાંપને દર્શાવે છે) લગભગ ૧૭ સેન્ટિમીટર જેટલી નીચે જાય છે. જોકે, પિયાનો કે હાર્મોનિયમ વગાડનારથી ભિન્ન, કેરિલોનર પોતાની આંગળીઓથી નહિ પરંતુ મૂઠ્ઠીથી વગાડે છે. એટલા માટે ચાંપ વચ્ચે અંતર હોય છે—જેથી વગાડનાર વગાડતી વખતે બીજી ચાંપને અડકવાનું નિવારી શકે.
સાચે જ પ્રભાવકારી યાંત્રિક રચના
મુખ્ય ક્લેવિયરમાંથી તાર ઉપરની ફરસબંધીમાં જાય છે, અને સંગીતના સાડા ચાર સૂરની દરેક ચાંપ સ્ટીલના ભિન્ન તાર સાથે જોડાયેલી હોય છે જે તારનો તણાવ પ્રમાણસર ગોઠવેલો હોય છે. એ બધા તાર ક્યાં જાય છે એ શોધી કાઢવા માટે, આપણે એલીવેટરમાં ઉપલી ફરસબંધી પર જઈએ. અહીં છ ટન વજનનો એક એવા બે ઘંટ લટકાવેલા છે. પછી, એ ઘંટ વચ્ચે જોતાં, આપણે બીજા ૫૧ ઘંટ લટકાવેલા જોઈએ છીએ જેનું કદ ધીમે ધીમે નાનું થતું જાય છે, જેમાં સૌથી નાના ઘંટનું વજન ફક્ત ૭ કિલો છે.
કેટલાક ઘંટના પ્રખર રણકારને લીધે પ્રસંગોપાત થતી પડઘાની દખલ નિવારવા માટે બધા ઘંટ કાળજીપૂર્વક ગોઠવવામાં આવ્યા હોય છે. અંદર નરમ ધાતુના દંડાવાળો દરેક ઘંટ સ્ટીલના તારથી ક્રિયાશીલ થાય છે જે નીચે આવેલા ક્લેવિયરની દરેક ચાંપ સાથે જોડેલા હોય છે. દરેક કેરિલોનર તેમ જ પ્રવર્તમાન આબોહવાની પરિસ્થિતિને અનુરૂપ તણાવ સારી રીતે ગોઠવવામાં આવેલો હોય છે.
કેટલીક રસપ્રદ હકીકતો
કેન્બરાના કેરિલોનનાં ઘંટ ઇંગ્લેન્ડની જોન ટેલર એન્ડ કંપનીએ બનાવ્યા છે અને એ પ્રાચીન કલાનો ૨૦મી સદીનો સુંદર નમૂનો છે. એ ઘંટનું સંગીત તળાવના પાણી અને બાજુના બગીચા તથા પાર્કના આસપાસના ૩૦૦ મીટરના વિસ્તાર સુધી પહોંચે છે.
આ દુનિયાનું સૌથી મોટું કેરિલોન નથી, પરંતુ ૫૩ ઘંટ ધરાવતું હોવાથી એ યાદીમાં ઉપર છે, કેમ કે મોટા ભાગના કેરિલોનમાં ૨૩થી ૪૮ જેટલા ઘંટ હોય છે. જોકે, સૌથી મોટું કેરિલોન ન્યૂ યોર્ક સિટીમાં આવેલું છે. એમાં ૭૪ ઘંટ છે. એમાં સૂર પ્રમાણે ગોઠવેલો દુનિયાનો સૌથી મોટો ઘંટ પણ છે. એ ઘંટનું વજન ૧૮ ટન છે અને નિમ્ન C (સી) ચાંપનો અવાજ પેદા કરે છે, જ્યારે કે સરખામણીમાં કેનબરા કેરિલોન ફક્ત નિમ્ન તીવ્ર F (એફ) ચાંપનો અવાજ પેદા કરે છે.
તો પછી ચાલો આપણે કેરિલોનરે પૂરા પાડેલા સંગીતજલસાનો આનંદ માણીએ. શું આપણે નીચે આવેલા બગીચામાં બેસીશું? અહીં આપણે “ગાતા બુરજ”નું ભવ્ય સંગીત સાંભળી શકીએ છીએ એટલું જ નહિ પરંતુ તે જ સમયે આપણી આસપાસની સૃષ્ટિની અદ્ભુતતાનો આનંદ પણ માણી શકીએ છીએ. સંધ્યાકાળની નિરવ લહેર અને ઘંટની પ્રભાવકારી ઊંચાઈ ભેગાં થઈ દેખીતી રીતે જ સુમધુર સંગીત પેદા કરે છે, જે સંગીતની દૈવી ભેટ માટેની કૃતજ્ઞતાથી આપણું હૃદય ભરે છે. (g96 6/22)
બુરજમાંના ઘંટ