બાઇબલનું દૃષ્ટિબિંદુ
જકડી રાખતો પ્રેમ
ઉત્તર એટ્લાન્ટિકમાં ૧૯૭૮માં એક મોટા તોફાને લક્ઝરી જહાજ ક્વીન એલિઝાબેથ ૨ને હચમચાવ્યું. દસ માળના મકાન જેટલા ઊંચા મોજાઓ વહાણ પર પછડાયા, જેણે એને બૂચની જેમ ફંગોળ્યું. જહાજ હિંસકપણે આમતેમ અફડાયું તેમ ફર્નિચર અને મુસાફરો આજુબાજુ ફંગોળાયા. નોંધપાત્રપણે, ૧,૨૦૦ મુસાફરોને ફક્ત નજીવી જ ઈજા થઈ. સારી ઇજનેરી વિદ્યા, સામગ્રી, અને બાંધકામે વહાણને ભાંગી જતાં અટકાવ્યું.
સદીઓ અગાઉ બીજું એક વહાણ ઝંઝાવાતી તોફાનની પકડમાં આવ્યું હતું. એમાં પ્રેષિત પાઊલ અને બીજી ૨૭૫ વ્યક્તિઓ હતાં. તોફાનની તીવ્રતાને લીધે વહાણના ભાંગીને કટકા થશે એવી બીકથી, ખલાસીઓએ લાકડાના બનેલા એ વેપારી વહાણના કાંઠાને જકડી રાખવા માટે દેખીતી રીતે જ “સહાયકો”—સાંકળો કે દોરડાં—વહાણની એક બાજુથી બીજી બાજુ પસાર કર્યા. વહાણ બચ્યું નહિ છતાં, બધા મુસાફરોને બચાવવામાં આવ્યા.—પ્રેરિતોનાં કૃત્યો, અધ્યાય ૨૭.
કેટલીકવાર જીવનમાંની કસોટીઓને લીધે આપણને એવું લાગી શકે કે જાણે આપણે તોફાની સમુદ્રમાંના એક વહાણમાં છીએ. ચિંતા, નિરાશા, અને ઉદાસીનતાનાં મોજાં આપણા પર ફરી વળીને આપણા પ્રેમની હદપર્યંત કસોટી કરી શકે. એવા તોફાનોનો સામનો કરવા અને ભાંગી પડવાનું નિવારવા, આપણે પણ કેટલાક સહાયકોની જરૂર છે.
તોફાન ઊભું થાય ત્યારે
પ્રેષિત પાઊલનાં વિશ્વાસ અને સહનશીલતા બાઇબલમાં સારી રીતે નોંધવામાં આવ્યાં છે. તેણે શરૂઆતના ખ્રિસ્તી મંડળો માટે ઘણી મહેનત કરી. (૨ કોરીંથી ૧૧:૨૪-૨૮) પ્રભુના કામમાંની તેની સિદ્ધિઓ પોતાના પડોશીઓ માટેના તેના તીવ્ર પ્રેમ અને દેવ સાથેના તેના મજબૂત સંબંધની સ્પષ્ટ સાક્ષી આપે છે. તોપણ, પાઊલનું જીવન હંમેશા સહેલાયથી વિતી રહ્યું ન હતું. શાબ્દિક અને રૂપકાત્મક એમ બન્ને રીતે, પ્રેષિતે ઘણાં તોફાનોનો સામનો કર્યો.
પાઊલના દિવસોમાં, વહાણ ઝંઝાવાતી તોફાનમાં આવી પડતું ત્યારે, ઉતારુઓ અને વહાણના બચાવનો આધાર ખલાસીઓની આવડત તેમ જ વહાણ કેટલી સારી રીતે જકડાઈ રહે છે એના પર રહેતો. પ્રેષિતે રૂપકાત્મક તોફાનોનો સામનો કર્યો ત્યારે પણ એમ જ હતું. પાઊલે શારીરિક અછત, કેદ, અને રિબામણી સહન કર્યાં હતાં છતાં, તેની આત્મિક અને લાગણીમય સ્થિરતા તથા પ્રેમ કરતા રહેવાની તેની ક્ષમતાને પડકારરૂપ સૌથી ઉગ્ર તોફાન ખ્રિસ્તી મંડળ મધ્યેથી આવ્યાં.
દાખલા તરીકે, પાઊલે કોરીંથ શહેરમાં મંડળ સ્થાપવા માટે દોઢ વર્ષ અથાગપણે મહેનત કરી. કોરીંથીઓ સાથેના તેના અનુભવોને લીધે તેણે ટોળા માટે કોમળ લાગણી વિકસાવી. પાઊલે પોતાને તેઓનો પિતા પણ કહ્યો. (૧ કોરીંથી ૪:૧૫) તોપણ, મંડળ માટેનાં તેનાં પ્રેમ અને સખત મહેનત છતાં, કોરીંથમાંના કેટલાક પાઊલ વિષે ભૂંડું બોલ્યા. (૨ કોરીંથી ૧૦:૧૦) તેણે આત્મત્યાગી રીતે જે સર્વ કર્યું એની દૃષ્ટિએ, એ કેટલું બધું નિરુત્સાહ કરનારું હશે!
પાઊલનો ઉદાર પ્રેમ મેળવનારાઓ કઈ રીતે આટલા ક્રૂર અને ટીકાત્મક બની શકે? પાઊલને લાગ્યું હશે કે તોફાનની પકડમાંના વહાણની જેમ તે પણ ભાંગી જઈ રહ્યો છે. તેને માટે પડતું મૂકવું, ભૂતકાળમાંના તેના બધા પ્રયત્નો વ્યર્થ હતા એમ માનવું, કે કડવાશ અનુભવવી કેટલું સહેલું હતું! પાઊલને કઈ બાબતે ભેગો જકડી રાખ્યો? કઈ બાબતે તેને નિરાશાને લીધે ભાંગી પડતા અટકાવ્યો?
આપણને ભેગાં જકડી રાખતો પ્રેમ
પાઊલે તેના સામર્થ્ય અeને તેના પ્રેરણાબળના ઉદ્ભવ વિષે તેના વાચકોના મનમાં કોઈ શંકા રહેવા દીધી નહિ. તેણે લખ્યું: “ખ્રિસ્તની પ્રીતિ અમને ફરજ પાડે છે.” (૨ કોરીંથી ૫:૧૪) પાઊલે સામર્થ્ય અને પ્રેરણાબળના આગવા ઉદ્ભવ તરફ નિર્દેશ કર્યો. ફરજ પાડતું બળ “ખ્રિસ્તની પ્રીતિ” છે. (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) આ શાસ્ત્રવચન વિષે બાઇબલના એક વિદ્વાને નીચે પ્રમાણે અવલોકન કર્યું: “પાઊલે એમ ન કહ્યું કે ખ્રિસ્ત માટેનો આપણો પ્રેમ આપણને આપણા સેવાકાર્ય સાથે જકડી રાખે છે . . . એ તો અડધે રસ્તે અટકવા જેવું થાય. ખ્રિસ્ત માટેનો આપણો પ્રેમ આપણે માટેના તેમના પ્રેમથી પ્રજ્વલિત થાય છે અને સતત પોષણ પામે છે.”—અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.
ખ્રિસ્તે વધસ્તંભ પર પીડાભર્યા મરણને પોતાને આધીન કરીને જે પ્રેમ પ્રદર્શિત કર્યો—અને એમ સર્વ વિશ્વાસી માણસજાતને બચાવવા ખંડણી તરીકે પોતાનું સંપૂર્ણ જીવન આપ્યું—એણે ખ્રિસ્ત અને ભ્રાતૃત્વના હિતમાં સેવા કરવાનું ચાલુ રાખવા પાઊલને પ્રેરણાબળ આપ્યું, ફરજ પાડી, અને નિયંત્રિત કર્યો. આમ, ખ્રિસ્તના પ્રેમે પાઊલનું નિયંત્રણ કરી તેને સ્વાર્થીપણાથી અટકાવ્યો, અને તેના ધ્યેયો દેવ તથા સાથી માનવીઓની સેવા પૂરતા મર્યાદિત કર્યા.
ખરેખર, ખ્રિસ્તના વિશ્વાસુ જીવનમાર્ગ પાછળના પ્રેરણાબળનો ઉદ્ભવ ખ્રિસ્તનો પ્રેમ છે. આપણે શારીરિક, લાગણીમય, અને આત્મિક રીતે નબળા પાડી શકતી કસોટીઓનો સામનો કરીએ છીએ ત્યારે, ખ્રિસ્તના પ્રેમનું ફરજ પાડતું બળ ઓછા પ્રેરણાબળવાળી વ્યક્તિ પડતું મૂકશે એ હદની પાર જવા આપણને શક્તિમાન કરે છે. એ આપણને સહનશક્તિ આપે છે.
આપણે પોતાને ટકાવવા અને પ્રેરવા આપણી અપૂર્ણ લાગણીઓ પર આધાર રાખી શકતા નથી. આપણી કસોટીઓ નિરાશા કે ચિંતાને પરિણામે આવે ત્યારે એ વિશેષ સાચું હોય છે. બીજી તર્ફે, આપણી વ્યક્તિગત કસોટી ગમે તે હોય છતાં, ખ્રિસ્તના પ્રેમમાં આપણને આપણા સેવાકાર્ય સાથે જકડી રાખવાની, આપણને ટકાવવાની તથા પ્રેરવાની, શક્તિ છે. ખ્રિસ્તનો પ્રેમ ખ્રિસ્તીને બીજાઓની અપેક્ષાઓથી જ નહિ પરંતુ કદાચ તેની પોતાની અપેક્ષાઓથી પણ વધુ સહન કરવા શક્તિમાન કરે છે.
તદુપરાંત, ખ્રિસ્તનો પ્રેમ ટકાઉ હોવાથી, એની અસર અવિરત હોય છે. એ ફરજ પાડતું બળ છે જે ઢચુપચુ કે ઓછું થતું નથી. “પ્રીતિ કદી ખૂટતી નથી.” (૧ કોરીંથી ૧૩:૮) એ ગમે તે થાય છતાં, તેમને વિશ્વાસુપણે અનુસરવા આપણને શક્તિમાન કરે છે.
લાગણીમય કસોટીઓ એવું દબાણ કરે છે જે આપણને ભાંગી નાખી શકે. તેથી, એ કેટલું અગત્યનું છે કે, આપણે ખ્રિસ્તે આપણે માટે પ્રદર્શિત કરેલા પ્રેમ પર મનન કરીએ. ખ્રિસ્તનો પ્રેમ આપણને ભેગાં જકડી રાખશે. તેમનો પ્રેમ આપણા વિશ્વાસનું વહાણ ભાંગતું અટકાવવું શક્ય બનાવે છે. (૧ તીમોથી ૧:૧૪-૧૯) વધુમાં, ખ્રિસ્તનો પ્રેમ આપણને યહોવાહ દેવને, અર્થાત્ જેમણે ખ્રિસ્તના પ્રેમનું વક્તવ્ય શક્ય બનાવ્યું, તેમને મહિમા આપવા આપણાથી બનતું બધું કરવાની આપણને ફરજ પાડે છે.—રૂમી ૫:૬-૮.