શું આજે કોઈનો ભરોસો કરાય?
એમ માનવામાં આવતું કે એક ડૉક્ટરે દુઃખ મટાડવાની દવા વિષે મોટી શોધ કરી છે. પણ એવું કશું ન હતું. ૧૯૯૬થી લઈને દસેક વર્ષો સુધી, આ પ્રખ્યાત ડૉક્ટરે જાણીતા મેડિકલ મૅગેઝિનમાં પોતાની શોધ વિષે ખોટા ખોટા રિપોર્ટ આપ્યા હતા.
ડૉક્ટર સ્ટીવન એલ. શાફર કહે છે કે “મને તો એ જ સમજાતું નથી કે કોઈ આવું શું કામ કરે!”—એનેસ્થેસીઓલોજિ ન્યૂઝ પ્રમાણે.
જાણીતા ને માનીતા લોકો શું કામ કોઈને છેતરતા હશે? આ ચાર કારણો હોઈ શકે:
• લોભ. એક જમાનામાં ડૉ. જેરોમ કેસીરર ધ ન્યૂ ઇંગ્લૅન્ડ જરનલ ઑફ મેડિસિનના તંત્રી હતા. તે ન્યૂ યૉર્ક ટાઇમ્સના એક અહેવાલમાં આમ સમજાવે છે: “જ્યારે રિસર્ચ કરનારા દવાની કંપનીઓ પાસેથી કમાતા હોય, ત્યારે કંપનીને ફાયદો થાય એવા રિપોર્ટ આપવા બંધાઈ જાય છે.”
• કોઈ પણ કિંમતે નામ કમાવું. એવું માનવામાં આવે છે કે જર્મનીમાં વિદ્યાર્થીઓ ડૉક્ટરની ડિગ્રી “મેળવવા” શિક્ષકોને હજારો યૂરોની લાંચ આપે છે. એ દેશમાં આ ડિગ્રી મેળવનારને માન અપાય છે. ધ ન્યૂ યોર્ક ટાઇમ્સના એક અહેવાલ પ્રમાણે, એ રીતે ઠગાઈ કરનારા ઘણા વિદ્યાર્થીઓનું કહેવું છે કે એક વાર તેઓને ડિગ્રી મળી જશે પછી, “સચ્ચાઈને માર્ગે ચાલશે.”
• સારો દાખલો બેસાડનાર ન હોય. હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ વિષે એક પ્રોફેસર ધ ન્યૂ યોર્ક ટાઇમ્સમાં આમ કહે છે: ‘આપણે કદાચ કહીશું કે તેઓમાં સારા સંસ્કાર નથી. એને બદલે, એમ કહીએ કે શિક્ષકો, સલાહકારો અને સમાજે તેઓમાં સારા સંસ્કાર કેળવવા અને એ રીતે વર્તવા મદદ કરી નથી.’
● કહે કંઈ ને કરે કંઈ. લગભગ ૩૦,૦૦૦ વિદ્યાર્થીનો સર્વે કરવામાં આવ્યો. એમાંના ૯૮ ટકા માને છે કે સારા સંબંધ બાંધવા, એકબીજા પર ભરોસો રાખવો મહત્ત્વનો છે. તેમ છતાં, એમાંના દસમાંથી આઠ વિદ્યાર્થીઓએ કબૂલ કર્યું કે તેઓ માબાપ સાથે જૂઠું બોલ્યા હતા. એમાંના ૬૪ ટકાએ કબૂલ્યું કે તેઓએ ગયા વર્ષની પરીક્ષામાં ચોરી કરી હતી.
સારા સંસ્કાર
આ પાન પરનું બૉક્સ બતાવે છે તેમ, આપણી રચના એ રીતે થઈ છે કે એકબીજાનો ભરોસો કરીએ. તેમ છતાં, બાઇબલ આ હકીકત જણાવે છે કે “માણસના મનની કલ્પના તેના બાળપણથી ભૂંડી છે.” (ઉત્પત્તિ ૮:૨૧) આજે જ્યાં જુઓ ત્યાં લોકો જૂઠું બોલે છે અને એકબીજાને છેતરે છે. આપણે એવા ન બનીએ માટે શું કરવું જોઈએ? બાઇબલના આ સિદ્ધાંતો મદદ કરી શકે છે:
• “તારો પડોશી તારા ઉપર વિશ્વાસ રાખીને પોતાને સલામત માને છે; તેને નુકસાન કરવાનું કાવતરું કરીશ નહિ.”—નીતિવચનો [સુભાષિતો] ૩:૨૯, સંપૂર્ણ.
પડોશી પર પ્રેમ હશે તો, આપણે તેનું ભલું જ કરીશું, તેને દગો નહિ દઈએ. લોકો આ સિદ્ધાંત પર ચાલે તો કેટલું સારું! જો એમ થાય તો નકલી દવાઓના વેચાણ જેવા ગુનાઓનો અંત આવે, જે વિષે આપણે આગળના લેખની શરૂઆતમાં જોયું. તેમ જ, લોભનો પણ અંત આવે, જેના લીધે લોકોનો ફાયદો ઉઠાવવામાં આવે છે.
• “સત્ય સદા ટકે છે; પણ જૂઠ તરત જ ઉઘાડું પડે છે.”—નીતિવચનો ૧૨:૧૯, IBSI.
ઘણા માને છે કે આજે ઇમાનદાર લોકોને બધા જ ઉલ્લું બનાવી જાય. પણ વિચારો કે ‘શું સારું કહેવાય, તરત જ કંઈક બદલો મળે એ? કે પછી કાયમ લાભ થાય અને પોતાનું માન જળવાય એ?’ કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં ચોરી કરીને પોતાના જ્ઞાન અને આવડત વિષે બીજાને છેતરી શકે. પણ જ્યારે તે નોકરી કરવા લાગશે ત્યારે શું?
• ‘ન્યાયી માણસ પ્રમાણિકતાથી ચાલે છે, તેના પરિવારને ધન્ય છે.’—નીતિવચનો ૨૦:૭.
તમે માબાપ હોવ તો ‘પ્રમાણિક’ અને ઇમાનદાર બનીને, તમારાં બાળકો માટે સારો દાખલો બેસાડો. તેઓને સમજાવો કે એ રીતે જીવવાથી કેવા લાભ થયા છે. બાળકો માબાપને ઇમાનદારીથી જીવતા જુએ તો, તેઓ પણ મોટે ભાગે એ માર્ગે ચાલવાનું પસંદ કરશે.—નીતિવચનો ૨૨:૬.
શું આજની દુનિયામાં બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે જીવી શકાય? શું એવા લોકો છે, જેઓનો ભરોસો કરી શકાય? (g10-E 10)
[પાન ૪ પર બ્લર્બ]
લા ફીગારો ન્યૂઝ પેપર પ્રમાણે, વધારે ને વધારે ફ્રેન્ચ લોકો “માને છે કે રાજકારણ, નાણાંકીય તંત્ર અને સમાજના આગળ પડતા લોકો સિદ્ધાંતો પ્રમાણે જીવતા નથી. તો પછી લોકોએ શું કામ સિદ્ધાંતો પ્રમાણે જીવવું જોઈએ!”
[પાન ૫ પર બોક્સ]
શું આપણે ભરોસો મૂકવા રચાયા છીએ?
જર્મનીના ફ્રૅંકફર્ટ યુનિવર્સિટીના પ્રોફેસર માઈકલ કોસફેલ્ડ ધંધાના વહીવટ વિષે શીખવે છે. સંશોધન કર્યા પછી, તે આવા નિર્ણય પર આવ્યા કે ભરોસો રાખવો “એ મનુષ્યના સ્વભાવમાં છે.” પ્રોફેસર કોસફેલ્ડને જાણવા મળ્યું કે બે વ્યક્તિઓ વાત કરતી હોય ત્યારે, તેઓના મગજમાંથી ઑક્સિટોસિન નામનું હોર્મોન ઝરે છે, જે વ્યક્તિને બીજા પર ભરોસો મૂકવા પ્રેરે છે. તેમણે કહ્યું, ‘ભરોસો મૂકવો એ આપણામાં રહેલો ખાસ ગુણ છે. જો એ ન હોય તો આપણે જાણે મનુષ્ય તરીકેની ઓળખ ગુમાવી બેસીએ છીએ.’