બીજાઓના સારા ગુણો પારખો
મુસીબતનું મૂળ
અભિમાની વ્યક્તિ પોતાને બીજાઓ કરતાં ચઢિયાતી ગણે છે. સાવધ ન રહીએ તો આપણે પણ એવા ફાંદામાં ફસાઈ જઈશું. એક પુસ્તકમાં લખ્યું છે: ‘મોટા ભાગના સમાજના લોકો માને છે કે તેઓનાં રીતભાત, ખાણીપીણી, સંસ્કાર, માન્યતાઓ, પહેરવેશ, આદતો અને નિયમો બીજા સમાજ કરતાં ચઢિયાતા છે.’ આપણે એવા ફાંદામાં ન ફસાઈએ માટે શું કરી શકીએ?
પવિત્ર શાસ્ત્રની સલાહ
“નમ્રતાથી બીજાઓને તમારા કરતાં ચઢિયાતા ગણો.”—ફિલિપીઓ ૨:૩.
આપણે શું શીખી શકીએ? આપણે નમ્રતાનો ગુણ કેળવવો જોઈએ. એનાથી સ્વીકારવા મદદ મળશે કે આપણા કરતાં બીજાઓ કોઈને કોઈ રીતે ચઢિયાતા છે. આજે એવો કોઈ પણ સમાજ નથી જેના લોકોમાં ફક્ત સારા ગુણો હોય અને સારી આવડતો હોય.
સ્તેફન નામના એક વ્યક્તિનો વિચાર કરો. તે સામ્યવાદી દેશમાં મોટો થયો હતો. સામ્યવાદી દેશોના ન હોય એવા લોકોને તે નફરત કરતો હતો. પછી તે પોતાના દિલમાંથી ભેદભાવની લાગણી દૂર કરી શક્યો. તે કહે છે: ‘હું માનું છું કે જો આપણે બીજાઓને ચઢિયાતા ગણીશું તો ભેદભાવ નહિ રાખીએ. મને કંઈ બધું જ નથી આવડતું. હું દરેક પાસેથી કંઈને કંઈ શીખું છું.’
આપણે શું કરી શકીએ?
યાદ રાખો, આપણા બધામાં કોઈને કોઈ ખામી હોય છે. બની શકે કે જે કામ કરવું આપણા માટે અઘરું હોય એ બીજાઓ માટે સહેલું હોય. આપણે એવું ધારી ન લેવું જોઈએ કે કોઈ સમાજના લોકોમાં એકસરખી ખામીઓ હોય છે.
કોઈ પણ સમાજની વ્યક્તિ વિશે ખોટી ધારણા બાંધતા પહેલાં આનો વિચાર કરો:
બની શકે કે જે કામ કરવું આપણને અઘરું લાગતું હોય એ બીજાઓ સહેલાઈથી કરી શકતા હોય
‘શું એ વ્યક્તિ સાચે જ ખરાબ છે કે પછી મારાથી થોડી અલગ છે?‘
‘શું તેને પણ મારી અમુક આદતો ખરાબ લાગતી હશે?’
‘એવાં કયાં કામો છે જે મારા કરતાં તે વધારે સારી રીતે કરી શકે છે?’
જો તમે એના પર વિચાર કરશો તો જોઈ શકશો કે બીજાઓમાં ઘણી સારી બાબતો હોય છે. પછી તમારા મનમાં તેઓ પ્રત્યે ભેદભાવ નહિ રહે.