વધારે માહિતી
શું આપણામાં આત્મા જેવું કંઈ છે?
ઘણા લોકો માને છે કે આપણામાં આત્મા છે. માણસ મરી જાય ત્યારે એ શરીરમાંથી નીકળીને જીવતો રહે છે. આ માન્યતા દુનિયાના ચારે ખૂણે પહોંચી ગઈ છે. જ્યારે લોકોને ખબર પડે કે બાઇબલ એવું કંઈ શીખવતું નથી, ત્યારે તેઓ માની જ નથી શકતા. ચાલો જોઈએ કે બાઇબલ મુજબ, મરણ વખતે વ્યક્તિનું શું થાય છે.
બાઇબલ શું શીખવે છે?
ઘણા ગુજરાતી બાઇબલમાં તમને ‘આત્મા’ શબ્દ જોવા મળશે. એ શબ્દ બાઇબલના મૂળ હિબ્રૂ શબ્દ રુઆખ અને ગ્રીક શબ્દ નેફમાનો અનુવાદ છે. પણ ગુજરાતીમાં એ હિબ્રૂ ને ગ્રીક શબ્દોનો ખોટો અનુવાદ થયો છે. બાઇબલનાં મૂળ લખાણો બતાવે છે કે રુઆખ અને નેફમાનો એક અર્થ શ્વાસ કે જીવનનો શ્વાસ થાય છે. એ સર્વ મનુષ્ય અને પશુ-પંખીઓમાં હોય છે. પણ એ શ્વાસનો અર્થ એ નથી કે આપણામાં આત્મા જેવું કંઈ છે. દાખલા તરીકે, મોટા ભાગના ગુજરાતી બાઇબલમાં યાકૂબ ૨:૨૬ આમ કહે છે: “શરીર આત્મા [નેફમા] વગર નિર્જીવ છે.” લોકોને આ વાંચીને લાગે કે આપણામાં આત્મા છે. પણ મૂળ લખાણ પ્રમાણે, આ કલમનો ખરો અનુવાદ આમ હોવો જોઈએ: “શ્વાસ વગર શરીર એક લાશ જ છે.” ગુજરાતી બાઇબલના અનુવાદકોએ નેફમા અને રુઆખને માટે અમુક જગ્યાએ ‘જીવનનો શ્વાસ’ મૂકીને ખરો અનુવાદ કર્યો છે. દાખલા તરીકે, નૂહના જમાનામાં આવેલા જળપ્રલય પહેલાં ઈશ્વરે ઉત્પત્તિ ૬:૧૭માં કહ્યું: “સર્વ જીવ જેમાં જીવનનો શ્વાસ [રુઆખ] છે, તેઓનો સંહાર આકાશ તળેથી કરવા માટે હું પૃથ્વી પર જળપ્રલય લાવીશ.” (ઉત્પત્તિ ૭:૧૫, ૨૨) આ બતાવે છે કે રુઆખ અને નેફમા શ્વાસને રજૂ કરે છે, જે સર્વ મનુષ્ય અને પ્રાણીઓને જીવંત રાખે છે.
એ વધારે સમજવા એક નાના રેડિયોનો દાખલો લો. રેડિયોનો પ્લગ વીજળીના જોડાણમાં મૂકો ત્યારે, રેડિયોમાં જાણે જીવ આવી જાય છે. એ તરત કામ કરવા લાગે છે. પણ રેડિયોનો પ્લગ કાઢી નાખો તો એ તરત બંધ થઈ જશે. વીજળીની માફક જીવનનો શ્વાસ પણ એક એવું બળ છે, જે શરીરને જીવતું રાખે છે. બાઇબલના એક લેખકે કહ્યું કે આ શ્વાસ વગર આપણું શરીર ‘મરી જાય છે, અને પાછું ધૂળમાં મળી જાય છે.’ (ગીતશાસ્ત્ર ૧૦૪:૨૯) જેમ રેડિયોને ચલાવવા વીજળીની જરૂર પડે છે, તેમ શરીરને ચલાવવા, જીવંત રાખવા શ્વાસની જરૂર પડે છે. પણ એ શ્વાસ નથી વિચારી શકતો, નથી કંઈ અનુભવી શકતો.
માણસના મરણ વિશે ગુજરાતી બાઇબલ સભાશિક્ષક ૧૨:૭માં કહે છે: “[તેના શરીરની] જેવી અગાઉ ધૂળ હતી તેવી જ પાછી ધૂળ થઈ જશે, અને ઈશ્વરે જે આત્મા [રુઆખ] આપ્યો તે તેની પાસે પાછો જશે.” આપણે જોઈ ગયા કે આપણામાં આત્મા જેવું કંઈ નથી. આ કલમમાં અનુવાદકોએ હિબ્રૂ શબ્દ રુઆખનો ‘આત્મા’ તરીકે ખોટો અનુવાદ કર્યો છે. પણ એ આત્મા નહિ, જીવનનો શ્વાસ છે. તો શું આ કલમ એમ કહે છે કે જીવનનો શ્વાસ પાછો ઈશ્વર પાસે જતો રહે છે? ના, એ શ્વાસ સફર કરીને સ્વર્ગમાં ચાલ્યો જતો નથી. એનો અર્થ એમ થાય કે વ્યક્તિ ગુજરી જાય ત્યારે બધું ખતમ થઈ જાય છે. પણ જ્યારે યહોવા અબજો ગુજરી ગયેલાને જીવતા કરશે, ત્યારે એ વ્યક્તિને જીવતી કરશે કે નહિ, એ તેમના હાથમાં છે.—ગીતશાસ્ત્ર ૩૬:૯.
કેવું સારું કે ઈશ્વરે જેઓને યાદ રાખ્યા છે, એ સર્વ ગુજરી ગયેલાને તે બેઠા કરશે. તેઓને જીવનનું વરદાન આપશે! (યોહાન ૫:૨૮, ૨૯) એ સમયે યહોવા તેઓને માટે પહેલાં જેવું જ નવું શરીર બનાવશે. પણ એમાં ન તો કોઈ ખોટ હશે, ન કોઈ બીમારી! પછી યહોવા એ શરીરમાં જીવનનો શ્વાસ ફૂંકશે. એ વ્યક્તિ જીવતી થશે. એ કેવો મોટો ચમત્કાર હશે!