પ્રકરણ ૧૭
તેમણે “તેઓ સાથે શાસ્ત્રવચનોમાંથી ચર્ચા કરી”
સારા શિક્ષકો શાસ્ત્રવચનોમાંથી શીખવે છે. બેરીઆના લોકો સારો દાખલો બેસાડે છે
પ્રેરિતોનાં કાર્યો ૧૭:૧-૧૫ના આધારે
૧, ૨. ફિલિપીથી થેસ્સાલોનિકાની મુસાફરી કોણ કોણ કરી રહ્યું હતું? તેઓનાં મનમાં શું ચાલી રહ્યું હશે?
પાઉલ અને તેમના સાથીઓ સિલાસ અને તિમોથી, ફિલિપીથી થેસ્સાલોનિકા જઈ રહ્યા છે. તેઓએ કંઈક ૧૩૦ કિલોમીટર લાંબો રસ્તો કાપવાનો છે. રોમનોએ બનાવેલો એ પાકો રસ્તો પહાડોની વચ્ચેથી નીકળે છે. એ રસ્તા પર ઘણા લોકોની અવર-જવર છે. સૈનિકો, વેપારીઓ અને કારીગરોનો કાફલો એ રસ્તા પર જઈ રહ્યો છે. ચારે બાજુથી અલગ અલગ અવાજો કાને પડે છે. જેમ કે, મોટે મોટેથી વાતો કરતા મુસાફરોનો અવાજ, રથનાં પૈડાંનો અવાજ અને પ્રાણીઓનો અવાજ. પાઉલ અને સિલાસ માટે આ મુસાફરી કંઈ સહેલી નથી. કેમ કે ફિલિપીમાં તેઓને જે ફટકા મારવામાં આવ્યા હતા, એના ઘા હજી રુઝાયા નથી.—પ્રે.કા. ૧૬:૨૨, ૨૩.
૨ એ ત્રણેય ભાઈઓએ હજુ ઘણું અંતર કાપવાનું છે. પણ એકબીજા સાથે વાતો કરતાં કરતાં મંજિલે પહોંચવું સહેલું થઈ જાય છે. ચાલતાં ચાલતાં એ ભાઈઓને ચોક્કસ ફિલિપીમાં બનેલો બનાવ યાદ આવ્યો હશે. ત્યાં કેદખાનાના ઉપરી અને તેના કુટુંબના સભ્યોએ સંદેશામાં શ્રદ્ધા મૂકી હતી. એ બનાવથી ભાઈઓનો નિર્ણય વધારે દૃઢ થયો છે કે તેઓ ઈશ્વરનો સંદેશો જણાવતા રહેશે. હવે તેઓ થેસ્સાલોનિકા શહેરની નજીક પહોંચી ગયા છે. કદાચ તેઓનાં મનમાં અમુક સવાલો થતા હશે: ‘અહીંના યહૂદીઓ અમારી સાથે કઈ રીતે વર્તશે? શું ફિલિપીના લોકોની જેમ તેઓ પણ અમને માર મારશે?’
૩. હિંમતથી પ્રચાર કરતા રહેવા પાઉલના દાખલામાંથી શું શીખવા મળે છે?
૩ પાઉલના મનમાં શું ચાલી રહ્યું હતું એ વિશે તેમણે પછીથી થેસ્સાલોનિકાનાં ભાઈ-બહેનોને લખ્યું: “તમે જાણો છો કે અમે ફિલિપીમાં તકલીફો અને ઘોર અપમાન સહન કર્યાં હતાં. તોપણ, આપણા ઈશ્વરની મદદથી અમે હિંમતવાન બન્યા અને સખત વિરોધ છતાં તમને ઈશ્વરની ખુશખબર જણાવી.” (૧ થેસ્સા. ૨:૨) ફિલિપીમાં જે બન્યું હતું, એના લીધે પાઉલ કદાચ થેસ્સાલોનિકા જતા અચકાતા હતા. શું તમે પાઉલની લાગણી સમજી શકો છો? શું તમે પણ ક્યારેક ખુશખબર જણાવતા અચકાઓ છો? જો એમ હોય તો પાઉલનો દાખલો તમને મદદ કરશે. હિંમત માટે તેમણે યહોવા પર આધાર રાખ્યો, તેમની પાસે મદદ માંગી. એટલે તે ડર્યા વગર પ્રચાર કરી શક્યા.—૧ કોરીં. ૪:૧૬.
તેમણે “શાસ્ત્રવચનોમાંથી ચર્ચા કરી” (પ્રે.કા. ૧૭:૧-૩)
૪. કેમ કહી શકીએ કે પાઉલ થેસ્સાલોનિકામાં ત્રણ અઠવાડિયાંથી વધારે રોકાયા હતા?
૪ અહેવાલમાં જણાવ્યું છે કે પાઉલે ત્રણ સાબ્બાથ સુધી થેસ્સાલોનિકાના સભાસ્થાનમાં પ્રચાર કર્યો. શું એનો એવો અર્થ થાય કે તે થેસ્સાલોનિકામાં ફક્ત ત્રણ અઠવાડિયાં રોકાયા હતા? ના, એવું નથી લાગતું. આપણે નથી જાણતા કે પાઉલ થેસ્સાલોનિકા પહોંચ્યા એના કેટલા વખત પછી પહેલી વાર સભાસ્થાન ગયા હતા. વધુમાં, તેમના પત્રોથી જાણવા મળે છે કે તેમણે અને તેમના સાથીઓએ થેસ્સાલોનિકામાં ગુજરાન ચલાવવા કામ કર્યું હતું. (૧ થેસ્સા. ૨:૯; ૨ થેસ્સા. ૩:૭, ૮) એટલું જ નહિ, પાઉલ એ શહેરમાં હતા ત્યારે ફિલિપીના ભાઈઓએ તેમની જરૂરિયાતો પૂરી કરવા બે વાર મદદ મોકલી હતી. (ફિલિ. ૪:૧૬) એટલે કહી શકીએ કે પાઉલ થેસ્સાલોનિકામાં ત્રણ અઠવાડિયાંથી વધારે રોકાયા હતા.
૫. લોકો સંદેશા પર ભરોસો કરી શકે એ માટે પાઉલે શું કર્યું?
૫ પાઉલે હિંમત ભેગી કરીને સભાસ્થાનમાં હાજર લોકોને પ્રચાર કર્યો. તેમણે પોતાની રીત પ્રમાણે ‘તેઓ સાથે શાસ્ત્રવચનોમાંથી ચર્ચા કરી. તેમણે શાસ્ત્રમાંથી સાબિતી આપી અને સમજાવ્યું કે ખ્રિસ્તે દુઃખ સહન કરવું અને મરણમાંથી ઊઠવું જરૂરી હતું. તેમણે કહ્યું: “આ ઈસુ, જેમને હું તમારી આગળ જાહેર કરું છું, એ જ ખ્રિસ્ત છે.”’ (પ્રે.કા. ૧૭:૨, ૩) ધ્યાન આપો કે પાઉલે એ રીતે વાત ન કરી કે લોકો લાગણીમાં વહી જઈને સંદેશા પર ભરોસો કરે. એના બદલે તેમણે એ રીતે વાત કરી કે લોકો તેમના સંદેશા પર ઊંડો વિચાર કરે અને સમજી-વિચારીને એના પર ભરોસો મૂકે. તે જાણતા હતા કે સભાસ્થાનમાં હાજર લોકો પાસે શાસ્ત્રનું સારું જ્ઞાન હતું, તેઓ એનો આદર કરતા હતા. પણ તેઓ પાસે શાસ્ત્રની પૂરી સમજણ ન હતી. એટલે પાઉલે તેઓ સાથે ચર્ચા કરી તેમજ તેઓને સાબિતીઓ આપી અને સમજાવ્યું કે નાઝરેથના ઈસુ જ વચન પ્રમાણેના ખ્રિસ્ત છે.
૬. શિષ્યો શાસ્ત્ર પર ભરોસો કરી શકે એ માટે ઈસુએ શું કર્યું? એનું કેવું પરિણામ આવ્યું?
૬ પાઉલ પણ ઈસુની જેમ શાસ્ત્રના આધારે જ શીખવતા હતા. દાખલા તરીકે, ઈસુએ શિષ્યોને વારંવાર જણાવ્યું કે શાસ્ત્ર પ્રમાણે માણસના દીકરાએ સતાવણી સહેવી પડશે, તેને મારી નાખવામાં આવશે અને પછી જીવતો કરવામાં આવશે. (માથ. ૧૬:૨૧) ઈસુને ઉઠાડવામાં આવ્યા એ પછી તે શિષ્યોને દેખાયા. એનાથી શાસ્ત્ર પર તેઓનો ભરોસો મજબૂત થયો હશે. જોકે, શાસ્ત્ર પર તેઓનો ભરોસો વધારવા ઈસુએ બીજી એક રીતે પણ મદદ કરી. તેમણે અમુક શિષ્યોને “મૂસા અને બધા પ્રબોધકોનાં લખાણોથી શરૂ કરીને બધાં શાસ્ત્રવચનોમાં પોતાના વિશે જે કંઈ લખ્યું હતું એ સમજાવ્યું.” એનું કેવું પરિણામ આવ્યું? શિષ્યોને એટલી નવાઈ લાગી કે તેઓએ કહ્યું: “રસ્તા પર તે આપણી સાથે જે રીતે વાત કરતા હતા, જે રીતે શાસ્ત્રવચનો સમજાવતા હતા, એનાથી આપણાં દિલમાં કેટલો આનંદ છવાઈ ગયો હતો!”—લૂક ૨૪:૧૩, ૨૭, ૩૨.
૭. આપણે લોકોને જે કંઈ શીખવીએ એ કેમ બાઇબલમાંથી હોવું જોઈએ?
૭ ઈશ્વરનો શબ્દ ખૂબ જ શક્તિશાળી છે. (હિબ્રૂ. ૪:૧૨) એટલે આપણે જે કંઈ શીખવીએ છીએ, એ બધું શાસ્ત્રમાંથી હોય છે. ઈસુ, પાઉલ અને બીજા પ્રેરિતોએ એવું જ કર્યું હતું. આપણે પણ પ્રચારમાં લોકો સાથે શાસ્ત્રની વાતો પર ચર્ચા કરીએ છીએ, એમાંથી સમજાવીએ છીએ અને સાબિતીઓ આપીએ છીએ. જ્યારે પણ તક મળે, ત્યારે લોકોને બાઇબલ ખોલીને બતાવીએ છીએ કે આપણો સંદેશો એમાંથી છે. બાઇબલનો છૂટથી ઉપયોગ કરીશું તો લોકો જોઈ શકશે કે આપણે પોતાના વિચારો નહિ, પણ ઈશ્વરના વિચારો જણાવીએ છીએ. વધુમાં, આપણે યાદ રાખીએ કે આપણો સંદેશો બાઇબલમાંથી છે અને એ સોએ સો ટકા સાચો છે. એમ કરવાથી આપણને કયો ફાયદો થશે? આપણે પાઉલની જેમ પૂરી હિંમતથી પ્રચાર કરી શકીશું.
“તેઓમાંથી કેટલાકે શ્રદ્ધા મૂકી” (પ્રે.કા. ૧૭:૪-૯)
૮-૧૦. (ક) થેસ્સાલોનિકાના લોકોએ સંદેશો સાંભળીને શું કર્યું? (ખ) અમુક યહૂદીઓને કેમ ઈર્ષા થઈ? (ગ) એ યહૂદી વિરોધીઓએ શું કર્યું?
૮ પાઉલે પોતાના અનુભવથી જોયું હતું કે ઈસુના આ શબ્દો સાચા પડ્યા છે: “દાસ પોતાના માલિકથી મોટો નથી. જો તેઓએ મારી સતાવણી કરી તો તેઓ તમારી સતાવણી પણ કરશે. જો તેઓએ મારી વાત માની તો તેઓ તમારી વાત પણ માનશે.” (યોહા. ૧૫:૨૦) થેસ્સાલોનિકામાં પાઉલ સાથે એવું જ કંઈક થયું. અમુક લોકોએ તરત તેમનો સંદેશો સ્વીકાર્યો, તો અમુકે વિરોધ કર્યો. જેઓએ સંદેશો સ્વીકાર્યો હતો, તેઓ વિશે લૂકે લખ્યું: “[યહૂદીઓમાંથી] કેટલાકે શ્રદ્ધા મૂકી અને પાઉલ તથા સિલાસની સાથે જોડાયા. ઈશ્વરને ભજતા ગ્રીક લોકોનું મોટું ટોળું અને ઘણી મોભાદાર સ્ત્રીઓ પણ તેઓ સાથે જોડાયાં.” (પ્રે.કા. ૧૭:૪) સાચે જ, નવા શિષ્યો શાસ્ત્રની ખરી સમજણ મેળવીને હરખાઈ ઊઠ્યા હશે!
૯ અમુક યહૂદીઓને ખબર પડી કે ‘ગ્રીક લોકોના મોટા ટોળાએ’ પાઉલનો સંદેશો સ્વીકાર્યો છે ત્યારે તેઓને ખૂબ ઈર્ષા થઈ. શા માટે? કેમ કે એ યહૂદીઓએ આ ગ્રીક લોકોને હિબ્રૂ શાસ્ત્રવચન શીખવ્યું હતું અને પોતાના શિષ્યો બનાવ્યા હતા. પણ પાઉલના આવવાથી બધું અચાનક બદલાઈ ગયું. તેમણે યહૂદીઓના સભાસ્થાનમાં આ ગ્રીક લોકોને શાસ્ત્રમાંથી સમજાવ્યું અને પછી તેઓ ખ્રિસ્તી બની ગયા. એટલે યહૂદીઓને લાગતું હતું કે પાઉલ તેઓના શિષ્યો છીનવી રહ્યા છે. એના લીધે યહૂદીઓનું લોહી ઊકળી ઊઠ્યું.
૧૦ આગળ શું થયું એ વિશે લૂકે જણાવ્યું: “એ જોઈને યહૂદીઓને ઈર્ષા થઈ. તેઓએ બજારમાં રખડતા કેટલાક બદમાશોને ભેગા કર્યા અને તેઓની ટોળકી બનાવીને શહેરમાં ધમાલ મચાવી. તેઓએ યાસોનના ઘર પર હુમલો કર્યો. તેઓ પાઉલ અને સિલાસને શોધવા લાગ્યા, જેથી એ બંનેને બહાર ટોળા પાસે ઘસડી લાવે. જ્યારે પાઉલ અને સિલાસ ન મળ્યા, ત્યારે તેઓ યાસોન અને ભાઈઓમાંથી અમુકને શહેરના અધિકારીઓ પાસે ઘસડી ગયા. તેઓએ બૂમો પાડીને કહ્યું: ‘આખી દુનિયામાં ખળભળાટ મચાવનારા માણસો અહીં પણ આવી પહોંચ્યા છે. યાસોને તેઓને પોતાના મહેમાન બનાવ્યા છે. તેઓ સમ્રાટની આજ્ઞા વિરુદ્ધ વર્તે છે. તેઓનું કહેવું છે કે ઈસુ નામનો બીજો એક રાજા છે.’” (પ્રે.કા. ૧૭:૫-૭) એ હિંસક ટોળાને લીધે પાઉલ અને તેમના સાથીઓ સાથે શું થયું?
૧૧. પાઉલ અને તેમના સાથીઓ પર કયા આરોપ મૂકવામાં આવ્યા? યહૂદીઓએ કદાચ કયા હુકમને આધારે તેઓ પર આરોપ મૂક્યા હતા? (ફૂટનોટ જુઓ.)
૧૧ ગુસ્સે ભરાયેલું ટોળું એકદમ બેકાબૂ હોય છે. નદીમાં આવેલા ઘોડાપૂરની જેમ, એ ચારે બાજુ અફરાતફરી મચાવે છે. એટલે થેસ્સાલોનિકાના યહૂદીઓએ પાઉલ અને સિલાસને પોતાના રસ્તાથી હટાવવા ટોળાને ભડકાવ્યું. તેઓએ આખા શહેરમાં “ધમાલ મચાવી” અને અધિકારીઓ આગળ પાઉલ અને સિલાસ પર ગંભીર આરોપ મૂક્યા. તેઓનો પહેલો આરોપ હતો કે પાઉલ અને તેમના સાથીઓ ‘આખી દુનિયામાં ખળભળાટ મચાવી’ રહ્યા છે. જોકે થેસ્સાલોનિકામાં હમણાં જે ધમાલ મચી હતી, એ માટે પાઉલ અને સિલાસ નહિ પણ યહૂદીઓ જવાબદાર હતા. બીજો આરોપ તો વધારે ગંભીર હતો. યહૂદીઓનું કહેવું હતું કે એ ભાઈઓ ઈસુ નામના બીજા એક રાજાનો પ્રચાર કરે છે અને આમ સમ્રાટના હુકમ વિરુદ્ધ ગયા છે.a
૧૨. કેમ કહી શકીએ કે થેસ્સાલોનિકાનાં ભાઈ-બહેનો પર મૂકેલા આરોપને લીધે તેઓનું જીવન જોખમમાં હતું?
૧૨ યાદ કરો કે ઈસુ પર પણ ધર્મગુરુઓએ એવા જ આરોપ મૂક્યા હતા. તેઓએ પિલાતને કહ્યું હતું: ‘અમને ખબર પડી છે કે આ માણસ અમારી પ્રજાને ઉશ્કેરે છે. તે કહે છે કે પોતે ખ્રિસ્ત અને રાજા છે.’ (લૂક ૨૩:૨) પિલાતને કદાચ ડર હતો કે જો તે ઈસુને છોડી મૂકશે તો સમ્રાટને લાગશે કે તે પણ ઈસુ સાથે મળેલો છે. એટલે તેણે ઈસુને મોતની સજા ફટકારી. એવી જ રીતે, થેસ્સાલોનિકાનાં ભાઈ-બહેનો પર મૂકેલા આરોપને લીધે તેઓનું જીવન જોખમમાં હતું. એક પુસ્તકમાં જણાવ્યું છે: “એ આરોપ ખરેખર બહુ ગંભીર હતા. ‘જો કોઈના પર થોડી પણ શંકા જાય કે તે સમ્રાટને દગો આપી રહ્યો છે, તો તેને મારી નાખવામાં આવતો. મોટા ભાગે તેનું બચવું અશક્ય હતું.’” તો ચાલો જોઈએ કે શું થેસ્સાલોનિકાના યહૂદીઓનું કાવતરું સફળ થયું?
૧૩, ૧૪. (ક) ટોળું કેમ પ્રચારકામ રોકવામાં સફળ ન થયું? (ખ) પાઉલે કઈ રીતે ઈસુની સલાહ પાળી? આપણે કઈ રીતે પાઉલ જેવું કરી શકીએ?
૧૩ ટોળું પ્રચારકામ રોકવામાં સફળ ન થયું. કેમ? એનું એક કારણ હતું કે પાઉલ અને સિલાસ લોકોના હાથમાં ન આવ્યા. ઉપરાંત, શહેરના અધિકારીઓને લાગ્યું કે પાઉલ અને તેમના સાથીઓ પર મૂકેલા આરોપ જૂઠા છે. એટલે જ તેઓએ યાસોન અને બીજાઓ પાસેથી “જામીનની રકમ લઈને” તેઓને છોડી મૂક્યા. (પ્રે.કા. ૧૭:૮, ૯) પાઉલે શું કર્યું? તેમણે સમજી-વિચારીને નિર્ણય લીધો કે તે બીજા વિસ્તારમાં જશે, જેથી પ્રચારકામ ચાલુ રાખી શકે. આમ તેમણે ઈસુની આ સલાહ પાળી: “તમે સાપ જેવા ચાલાક પણ કબૂતર જેવા નિર્દોષ સાબિત થાઓ.” (માથ. ૧૦:૧૬) ખરું કે પાઉલ ખૂબ હિંમતવાન હતા, તોપણ તે સામે ચાલીને જોખમ ઊભું કરવા માંગતા ન હતા. આપણે પાઉલ પાસેથી શું શીખી શકીએ?
૧૪ આજે ચર્ચના પાદરીઓ યહોવાના સાક્ષીઓ વિરુદ્ધ લોકોનાં મનમાં ઝેર ભરે છે. તેઓ ટોળાને ઉશ્કેરે છે. તેઓ અધિકારીઓની કાન ભંભેરણી પણ કરે છે, જેથી આપણી સતાવણી થાય. તેઓનું કહેવું છે કે સાક્ષીઓ સરકારનો વિરોધ કરે છે અને દેશદ્રોહી છે. પહેલી સદીના યહૂદીઓની જેમ વિરોધીઓને આપણી ઈર્ષા થાય છે, કેમ કે વધારે ને વધારે લોકો આપણી સાથે યહોવાની ભક્તિ કરવા જોડાય છે. જોકે પાઉલની જેમ આપણે પણ સામે ચાલીને જોખમોને આમંત્રણ આપતા નથી. જ્યારે પ્રચારમાં લોકો ગુસ્સે થાય અથવા આપણા પર ખોટા આરોપ મૂકે, ત્યારે આપણે તેઓ સાથે દલીલ કરતા નથી. આપણે એ વિસ્તાર છોડી દઈએ છીએ અને બીજે જઈને પ્રચાર કરીએ છીએ. ત્યાં ફરીથી પ્રચાર કરવા માહોલ ઠંડો પડે એની રાહ જોઈએ છીએ.
તેઓ “ખુલ્લા મનના હતા” (પ્રે.કા. ૧૭:૧૦-૧૫)
૧૫. બેરીઆના લોકોએ સંદેશો સાંભળીને શું કર્યું?
૧૫ થેસ્સાલોનિકાના ભાઈઓએ પાઉલ અને સિલાસની સલામતી માટે તેઓને આશરે ૬૫ કિલોમીટર દૂર બેરીઆ મોકલી દીધા. ત્યાં પહોંચીને પાઉલ સભાસ્થાનમાં ગયા અને લોકોને શીખવવા લાગ્યા. લોકો પાઉલનું ધ્યાનથી સાંભળી રહ્યા છે, એ જોઈને તેમને કેટલી ખુશી થઈ હશે! લૂકે એ લોકો વિશે લખ્યું: “થેસ્સાલોનિકાના યહૂદીઓ કરતાં બેરીઆના યહૂદીઓ ખુલ્લા મનના હતા, કેમ કે તેઓએ ઘણી આતુરતાથી સંદેશો સ્વીકાર્યો. પાઉલની વાતો ખરી છે કે નહિ એ જોવા તેઓ ધ્યાનથી દરરોજ શાસ્ત્રવચનો તપાસતા.” (પ્રે.કા. ૧૭:૧૦, ૧૧) શું એનો એવો અર્થ થાય કે થેસ્સાલોનિકામાં જે લોકોએ સંદેશો સ્વીકાર્યો હતો, તેઓ ખુલ્લા મનના ન હતા? ના, એવું ન હતું. પાઉલે પછીથી થેસ્સાલોનિકીઓને લખ્યું: “અમે ઈશ્વરનો સતત આભાર માનીએ છીએ, કેમ કે જ્યારે તમે અમારી પાસેથી ઈશ્વરનો સંદેશો સાંભળ્યો, ત્યારે તમે એને માણસોના સંદેશા તરીકે નહિ, પણ ઈશ્વરના સંદેશા તરીકે સ્વીકાર્યો. સાચે જ, એ સંદેશો ઈશ્વર તરફથી છે. એ સંદેશો તમારાં દિલને અસર કરી રહ્યો છે.” (૧ થેસ્સા. ૨:૧૩) તો પછી બેરીઆના લોકો કયા અર્થમાં ખુલ્લા મનના હતા?
૧૬. બેરીઆના લોકો કેમ “ખુલ્લા મનના હતા”?
૧૬ બેરીઆના લોકોને પાઉલ પાસેથી કંઈ નવું જાણવા મળ્યું. તેઓ એ પહેલી વાર સાંભળી રહ્યા હતા. તોપણ તેઓએ પાઉલ પર શંકા ન કરી, તેમની સાથે દલીલો ન કરી. એવું પણ ન હતું કે તેઓ પાઉલની વાતો આંખ બંધ કરીને માની રહ્યા હતા. એના બદલે તેઓએ સૌથી પહેલા પાઉલનું ધ્યાનથી સાંભળ્યું. પછી પોતે તપાસ કરી કે પાઉલની વાતો શાસ્ત્ર સાથે મેળ ખાય છે કે નહિ. વધુમાં તેઓ ફક્ત સાબ્બાથના દિવસે નહિ, પણ દરરોજ શાસ્ત્રવચનોનો “આતુરતાથી” અભ્યાસ કરતા હતા. તેઓ સમજવાની કોશિશ કરતા હતા કે તેઓ જે શીખી રહ્યા છે એ વિશે શાસ્ત્રમાં શું સમજાવ્યું છે. પછી તેઓએ નમ્રતાથી પોતાના વિચારોમાં ફેરફાર કર્યો. એટલે “તેઓમાંથી ઘણાએ શ્રદ્ધા મૂકી.” (પ્રે.કા. ૧૭:૧૨) એ બધાં કારણોને લીધે લૂકે લખ્યું કે બેરીઆના લોકો “ખુલ્લા મનના હતા.”
૧૭. બેરીઆના લોકોનો ઉત્સાહ કેમ વખાણવા લાયક છે? આપણે વર્ષોથી સત્યમાં હોઈએ તોપણ કઈ રીતે બેરીઆના લોકોને અનુસરી શકીએ?
૧૭ બેરીઆના લોકોએ ગજબનો ઉત્સાહ બતાવ્યો. તેઓએ સપનામાંય વિચાર્યું નહિ હોય કે ઈશ્વર તેઓ વિશે બાઇબલમાં લખાવશે અને તેઓ સદીઓ સુધી ઈશ્વરભક્તો માટે સારો દાખલો બનશે. પાઉલ અને યહોવા ચાહતા હતા કે સંદેશો સ્વીકારનાર લોકો ખુલ્લા મને શાસ્ત્રનો અભ્યાસ કરે અને બેરીઆના લોકોએ એવું જ કર્યું. આપણે પણ ચાહીએ છીએ કે લોકો એવું જ કરે. એટલે લોકોને ઉત્તેજન આપીએ છીએ કે તેઓ આંધળો વિશ્વાસ ન કરે, પણ જાતે શાસ્ત્રવચનો તપાસે અને પછી શ્રદ્ધા મૂકે. આપણા વિશે શું? શું આપણે સત્ય સ્વીકાર્યા પછી ખુલ્લા મને ઊંડો અભ્યાસ કરવાનું છોડી દેવું જોઈએ? ના, જરાય નહિ! આપણે યહોવા પાસેથી વધારે ને વધારે શીખવા આતુર રહીએ, જે શીખીએ એને તરત લાગુ પાડીએ. એમ કરીશું તો યહોવા આપણને તેમની ઇચ્છા પ્રમાણે ઘડશે અને શીખવતા રહેશે. (યશા. ૬૪:૮) આમ, આપણે હંમેશાં પિતા યહોવાના કામમાં આવીશું અને તેમને ખુશ કરી શકીશું.
૧૮, ૧૯. (ક) પાઉલે બેરીઆ છોડીને કેમ જવું પડ્યું? તોપણ તે શું કરતા રહ્યા અને એનાથી આપણે શું શીખી શકીએ? (ખ) પાઉલ બેરીઆથી ક્યાં ગયા અને તેમણે કોને સંદેશો જણાવવાનો હતો?
૧૮ પાઉલ બેરીઆમાં વધારે સમય ન રોકાયા. બાઇબલમાં જણાવ્યું છે: ‘જ્યારે થેસ્સાલોનિકાના યહૂદીઓને ખબર પડી કે પાઉલ બેરીઆમાં પણ ઈશ્વરનો સંદેશો જણાવી રહ્યા છે, ત્યારે તેઓ લોકોને ઉશ્કેરવા અને ધમાલ મચાવવા ત્યાં પણ પહોંચી ગયા. ભાઈઓએ તરત જ પાઉલને દરિયા કિનારે મોકલી દીધા, પણ સિલાસ અને તિમોથી ત્યાં જ રહ્યા. અમુક ભાઈઓ પાઉલને મૂકવા છેક એથેન્સ સુધી ગયા. પાઉલે તેઓને સિલાસ અને તિમોથીને સંદેશો આપવા કહ્યું કે તેઓ બને એટલા જલદી એથેન્સ આવે. પછી એ ભાઈઓએ વિદાય લીધી.’ (પ્રે.કા. ૧૭:૧૩-૧૫) ખુશખબરના દુશ્મનો હાથ ધોઈને પાઉલની પાછળ પડ્યા હતા. તેઓએ પાઉલને થેસ્સાલોનિકામાંથી કાઢી મૂક્યા તોપણ તેઓને જંપ ન વળ્યો. તેઓ બેરીઆ આવી પહોંચ્યા અને ત્યાંના લોકોને ઉશ્કેરવાની કોશિશ કરી. પણ તેઓ સફળ ન થયા. પાઉલ જાણતા હતા કે તેમની પાસે પ્રચાર કરવા ઘણો મોટો વિસ્તાર છે. એટલે જ્યારે બેરીઆમાં અમુક નડતરો ઊભી થઈ, ત્યારે તે બીજી જગ્યાએ જઈને પ્રચાર કરવા લાગ્યા. ચાલો, પાઉલની જેમ પાકો નિર્ણય લઈએ કે લોકો પ્રચારકામ અટકાવવા ભલે ગમે એટલા ધમપછાડા કરે, આપણે પ્રચાર કરતા રહીશું.
૧૯ પાઉલે થેસ્સાલોનિકાના અને બેરીઆના યહૂદીઓને પૂરેપૂરી સાક્ષી આપી. એનાથી તે સારી રીતે સમજી ગયા હશે કે હિંમતથી સંદેશો જણાવવો અને શાસ્ત્રમાંથી સાબિતીઓ આપીને સમજાવવું ખૂબ જરૂરી છે. આપણે પણ એ વાત સારી રીતે સમજી ગયા છીએ, ખરું ને? પાઉલ બેરીઆથી પછી એથેન્સ ગયા. ત્યાંના લોકોની માન્યતા એકદમ અલગ હતી. હવે પાઉલે યહૂદી ન હોય એવા લોકોને સંદેશો જણાવવાનો હતો. એ લોકો પાઉલ સાથે કઈ રીતે વર્ત્યા? એ વિશે આપણે આવતા પ્રકરણમાં જોઈશું.
a એક વિદ્વાનના જણાવ્યા પ્રમાણે એ સમયે સમ્રાટનો હુકમ હતો કે “કોઈએ પણ નવા રાજા કે સરકારના આવવા વિશે” જરાય અનુમાન કરવું નહિ, “ખાસ કરીને એવો રાજા જે હાલના સમ્રાટને દોષિત ઠરાવવાનો હોય અથવા તેની સત્તા ઊથલાવી પાડવાનો હોય.” દુશ્મનોએ કદાચ પાઉલનો સંદેશો મારી-મચકોડીને રજૂ કર્યો હશે, જેથી એવું લાગે કે પાઉલ સમ્રાટના હુકમની વિરુદ્ધ જઈ રહ્યા છે. “પ્રેરિતોના સમયના અમુક રોમન સમ્રાટો” બૉક્સ જુઓ.