પ્રકરણ ૨૦
વિરોધ છતાં ‘યહોવાના સંદેશાનો પ્રભાવ વધતો ગયો’
વધારે ને વધારે લોકો સુધી ખુશખબર ફેલાવવા અપોલોસ અને પાઉલે શું કર્યું?
પ્રેરિતોનાં કાર્યો ૧૮:૨૩–૧૯:૪૧ના આધારે
૧, ૨. (ક) એફેસસમાં પાઉલ અને તેમના સાથીઓ કયા અઘરા સંજોગોનો સામનો કરે છે? (ખ) આ પ્રકરણમાં આપણે શાની ચર્ચા કરીશું?
એફેસસના રસ્તાઓ પર લોકોનું ટોળું ભેગું થઈ રહ્યું છે. તેઓ જોરજોરથી બૂમો પાડી રહ્યા છે. ચારે બાજુ નાસભાગ થઈ રહી છે. ગુસ્સે ભરાયેલા લોકો બે માણસોને ઘસડીને ક્યાંક લઈ જઈ રહ્યા છે. એ બે માણસો પ્રેરિત પાઉલના સાથીઓ છે. લોકોનું ટોળું શહેરના મુખ્ય રસ્તા પર પહોંચે છે. જેમ જેમ ટોળું દુકાનો આગળથી પસાર થાય છે, તેમ તેમ એ ટોળામાં લોકો ઉમેરાતા જાય છે. બધા લોકો શહેરના નાટ્યગૃહમાં ધસી આવે છે, જેમાં એકસાથે ૨૫,૦૦૦ દર્શકો બેસી શકતા હતા. જોતજોતામાં આખો રસ્તો સૂમસામ થઈ જાય છે. નવાઈની વાત તો એ છે કે અડધાથી વધારે લોકોને એ ખબર જ નથી કે શહેરમાં કેમ આટલી ધમાલ મચી છે. તેઓએ બસ એટલું સાંભળ્યું છે કે મહાન દેવી આર્તિમિસ અને તેના મંદિર સામે ખતરો ઊભો થયો છે. એટલે તેઓ મોટે મોટેથી નારા લગાવે છે: “એફેસીઓની મહાન દેવી આર્તિમિસની જય હો!”—પ્રે.કા. ૧૯:૩૪.
૨ અહીંયા શેતાન ફરી એક વાર પોતાની જૂની અને જાણીતી ચાલાકી વાપરે છે. તે ટોળાને ઉશ્કેરે છે અને ખુશખબર ફેલાવવાના કામને રોકવાની કોશિશ કરે છે. આ શેતાનની ઘણી ચાલાકીઓમાંની એક છે. આ પ્રકરણમાં આપણે જોઈશું કે શેતાને પહેલી સદીમાં પ્રચારકામને રોકવા અને ભાઈ-બહેનોની એકતા તોડવા કઈ ચાલાકીઓ વાપરી. એ પણ જોઈશું કે કઈ રીતે તેની બધી ચાલાકીઓ પર પાણી ફરી વળ્યું અને કઈ રીતે “યહોવાનો સંદેશો જોરદાર રીતે ફેલાતો ગયો અને એનો પ્રભાવ વધતો ને વધતો ગયો.” (પ્રે.કા. ૧૯:૨૦) પહેલી સદીના એ ખ્રિસ્તીઓ વિરોધ છતાં પ્રચાર કરતા રહ્યા. કેમ કે યહોવાનો હાથ તેઓના માથે હતો. યહોવા આજે આપણને પણ મદદ કરે છે. જોકે, એ ખ્રિસ્તીઓની જેમ આપણે પણ કંઈક કરવાની જરૂર છે. આપણે પવિત્ર શક્તિની મદદથી એવા ગુણો કેળવવાની જરૂર છે, જેથી પ્રચારકામ કરતા રહી શકીએ. પણ ચાલો સૌથી પહેલા આપણે અપોલોસ પાસેથી કંઈક શીખીએ.
‘તે શાસ્ત્રવચનોના સારા જાણકાર હતા’ (પ્રે.કા. ૧૮:૨૪-૨૮)
૩, ૪. અપોલોસની વાતો સાંભળીને આકુલા અને પ્રિસ્કિલા શું સમજી ગયાં? તેઓએ કઈ રીતે અપોલોસને મદદ કરી?
૩ પાઉલ પોતાના પ્રચારકાર્યની ત્રીજી મુસાફરીમાં એફેસસ જઈ રહ્યા હતા. પણ એ પહેલાં અપોલોસ નામના એક યહૂદી માણસ એફેસસ આવ્યા. તે ઇજિપ્તના પ્રખ્યાત શહેર એલેકઝાંડ્રિયાના વતની હતા. અપોલોસમાં ઘણા સારા ગુણો હતા. તેમની પાસે વાતચીતની સારી આવડત હતી. તે કુશળ વક્તા હતા અને ‘શાસ્ત્રવચનોના સારા જાણકાર હતા.’ એટલું જ નહિ, ‘તે પવિત્ર શક્તિને લીધે ઘણા જોશીલા હતા.’ તે એફેસસના સભાસ્થાનમાં પૂરા ઉત્સાહથી અને હિંમતથી યહૂદીઓને પ્રચાર કરતા હતા.—પ્રે.કા. ૧૮:૨૪, ૨૫.
૪ સભાસ્થાનમાં આકુલા અને પ્રિસ્કિલા પણ હતાં. અપોલોસ ‘ઈસુ વિશેની વાતો ચોકસાઈથી શીખવતા હતા’ એ જોઈને તેઓને ઘણી ખુશી થઈ હશે. તે ઈસુ વિશે બધું બરાબર શીખવતા હતા. પણ આકુલા અને પ્રિસ્કિલા તરત સમજી ગયાં કે અપોલોસ અમુક મહત્ત્વની વાતો વિશે અજાણ હતા. ‘તે ફક્ત યોહાને પ્રચાર કરેલા બાપ્તિસ્મા વિશે જાણતા હતા.’ આ નમ્ર યુગલ આવું વિચારી શક્યું હોત: ‘અપોલોસ તો એક કુશળ વક્તા છે, તે ખૂબ ભણેલા-ગણેલા છે અને અમે તો મામૂલી તંબુ બનાવનાર લોકો. હવે અમારાં જેવાં લોકો તેમને શું સમજાવી શકે?’ ના, તેઓએ એવું ન વિચાર્યું. ‘તેઓ તેમને પોતાની સાથે લઈ ગયા. તેઓએ તેમને ઈશ્વરના માર્ગ વિશે વધારે ચોકસાઈથી સમજાવ્યું.’ (પ્રે.કા. ૧૮:૨૫, ૨૬) અપોલોસે શું કર્યું? તેમણે નમ્રતા બતાવી. બધા ખ્રિસ્તીઓએ એ મહત્ત્વનો ગુણ બતાવવો જોઈએ.
૫, ૬. અપોલોસ કેમ યહોવાની વધારે સારી રીતે સેવા કરી શક્યા? તેમની પાસેથી આપણને શું શીખવા મળે છે?
૫ અપોલોસે આકુલા અને પ્રિસ્કિલાની મદદ સ્વીકારી. એટલે તે વધારે સારી રીતે યહોવાની ભક્તિ કરી શક્યા. અમુક સમય પછી તે અખાયા પ્રાંત ગયા અને ભાઈ-બહેનોને “ઘણી મદદ કરી.” ત્યાંના યહૂદીઓ દાવો કરતા હતા કે ઈસુ વચન પ્રમાણેના મસીહ નથી. અપોલોસે તેઓને પણ જોરદાર સાક્ષી આપી. લૂકે લખ્યું: “ઈસુ એ જ ખ્રિસ્ત છે, એમ શાસ્ત્રવચનોમાંથી બતાવીને [અપોલોસે] જાહેરમાં પૂરા જોશથી યહૂદીઓને તદ્દન ખોટા સાબિત કર્યા.” (પ્રે.કા. ૧૮:૨૭, ૨૮) સાચે જ, અપોલોસ ખ્રિસ્તી મંડળ માટે એક આશીર્વાદ હતા. તેમના લીધે ઘણા લોકોને “યહોવાનો સંદેશો” સાંભળવાની તક મળી. અપોલોસ પાસેથી આપણને શું શીખવા મળે છે?
૬ ખ્રિસ્તીઓમાં નમ્રતાનો ગુણ હોવો ખૂબ જરૂરી છે. આપણા બધા પાસે અલગ અલગ આવડતો અથવા અનુભવ હોય શકે છે. પણ યહોવા આપણો ઉપયોગ કરી શકે, એ માટે નમ્ર હોવું ખૂબ જરૂરી છે. જો ધ્યાન નહિ રાખીએ, તો આપણી આવડતોને લીધે આપણામાં ઘમંડ આવી શકે છે. (૧ કોરીં. ૪:૭; યાકૂ. ૪:૬) જો આપણે ખરેખર નમ્ર હોઈશું તો બીજાઓને પોતાના કરતાં ચઢિયાતા ગણીશું. (ફિલિ. ૨:૩) બીજાઓ આપણી ભૂલ બતાવે ત્યારે ખોટું નહિ લગાડીએ. બીજાઓ પાસેથી શીખવા તૈયાર રહીશું. જ્યારે યહોવા આપણને સંગઠન તરફથી કોઈ માર્ગદર્શન આપે, ત્યારે પોતાના વિચારોમાં ફેરફાર કરીશું અને પોતાની વાત પકડી નહિ રાખીએ. જ્યાં સુધી આપણે નમ્ર રહીશું, ત્યાં સુધી યહોવા અને તેમના દીકરા ઈસુ આપણો ઉપયોગ કરતા રહેશે.—લૂક ૧:૫૧, ૫૨.
૭. પાઉલ અને અપોલોસે કઈ રીતે નમ્રતા બતાવવામાં સારો દાખલો બેસાડ્યો?
૭ નમ્ર હોવાનો બીજો પણ એક ફાયદો છે. નમ્ર લોકો બીજાઓની ઈર્ષા કરતા નથી. શેતાન તો બસ એ જ ચાહતો હતો કે પહેલી સદીના ખ્રિસ્તીઓ વચ્ચે ભાગલા પડે. પાઉલ અને અપોલોસનો વિચાર કરો. તેઓ બંને કુશળ શિક્ષકો હતા. જો તેઓએ એકબીજાની ઈર્ષા કરી હોત અને મંડળમાં પોતાને ચઢિયાતા સાબિત કરવાની કોશિશ કરી હોત, તો વિચારો કે શેતાનને કેટલી ખુશી થઈ હોત! તેઓમાં એવી લાગણી આવવી સહેલું હતું. કેમ કે કોરીંથ મંડળમાં અમુક કહેતા હતા: “હું પાઉલનો છું,” તો બીજા અમુક કહેતા હતા: “હું અપોલોસનો છું.” શું પાઉલ અને અપોલોસ ચાહતા હતા કે ભાઈ-બહેનોમાં ભાગલા પડી જાય? બિલકુલ નહિ! પાઉલે તો અપોલોસની મહેનતના વખાણ કર્યા. તેમણે અપોલોસને બીજી અમુક જવાબદારીઓ આપી અને અપોલોસે પાઉલનું માર્ગદર્શન પાળ્યું. (૧ કોરીં. ૧:૧૦-૧૨; ૩:૬, ૯; તિત. ૩:૧૨, ૧૩) એ ભાઈઓ ખૂબ નમ્ર હતા અને તેઓએ સાથે મળીને કામ કર્યું. તેઓએ આપણા માટે કેટલો સરસ દાખલો બેસાડ્યો છે!
પાઉલે ‘ઈશ્વરના રાજ્ય વિશે સમજાવવા ચર્ચા કરી’ (પ્રે.કા. ૧૮:૨૩; ૧૯:૧-૧૦)
૮. પાઉલ કયા રસ્તે એફેસસ ગયા અને કેમ?
૮ પાઉલે એફેસસનાં ભાઈ-બહેનોને વચન આપ્યું હતું કે તે ફરી તેઓને મળવા આવશે.a તેમણે પોતાનું વચન પાળ્યું. (પ્રે.કા. ૧૮:૨૦, ૨૧) પણ ધ્યાન આપો કે તે કયા રસ્તે એફેસસ ગયા. પાઉલે પોતાની મુસાફરી સિરિયાના અંત્યોખથી શરૂ કરી હતી. જો તેમણે ચાહ્યું હોત તો એક ટૂંકો માર્ગ લઈને અંત્યોખથી સલૂકિયા બંદર પહોંચી શક્યા હોત અને ત્યાંથી વહાણમાં બેસીને સીધા એફેસસ જઈ શક્યા હોત. પણ તેમણે એવું ના કર્યું. તે ‘અંદરના વિસ્તારોમાં ફરતાં ફરતાં’ એફેસસ ગયા. પ્રેરિતોનાં કાર્યો ૧૮:૨૩ અને ૧૯:૧ના આધારે આપણે કહી શકીએ કે પાઉલે આશરે ૧,૬૦૦ કિલોમીટરની મુસાફરી કરી. પાઉલે કેમ આટલો લાંબો અને અઘરો રસ્તો પસંદ કર્યો? કેમ કે તે એ વિસ્તારોમાં “બધા શિષ્યોને ઉત્તેજન” આપવા માંગતા હતા. (પ્રે.કા. ૧૮:૨૩) પાઉલ જાણતા હતા કે અગાઉની બે મુસાફરીઓની જેમ પ્રચારકાર્યની આ ત્રીજી મુસાફરી પણ સહેલી નહિ હોય. જોકે, તે એ પણ જાણતા હતા કે તેમની મહેનત રંગ લાવશે. આજે સરકીટ નિરીક્ષકો અને તેઓની પત્નીઓ પણ એટલી જ મહેનત કરે છે. આપણે તેઓના પ્રેમ અને ત્યાગની દિલથી કદર કરીએ છીએ.
૯. અમુક શિષ્યોએ કેમ ફરીથી બાપ્તિસ્મા લેવું પડ્યું? તેઓ પાસેથી આપણને શું શીખવા મળે છે?
૯ પાઉલ એફેસસ પહોંચ્યા. એ પછી તે બાપ્તિસ્મા આપનાર યોહાનના આશરે ૧૨ શિષ્યોને મળ્યા. યોહાને જે બાપ્તિસ્મા વિશે પ્રચાર કર્યો હતો, એ બાપ્તિસ્મા તેઓએ લીધું હતું. પણ હવે એ બાપ્તિસ્માનું કોઈ મહત્ત્વ ન હતું. વધુમાં તેઓ પવિત્ર શક્તિ વિશે પણ ખાસ કંઈ જાણતા ન હતા. એટલે પાઉલે તેઓને સમજાવ્યું કે ઈસુના નામમાં બાપ્તિસ્મા લેવું કેમ જરૂરી છે. એ ૧૨ શિષ્યો અપોલોસની જેમ નમ્ર હતા અને પાઉલ પાસેથી શીખવા આતુર હતા. જ્યારે તેઓએ ઈસુના નામમાં બાપ્તિસ્મા લીધું, ત્યારે તેઓને પવિત્ર શક્તિ અને અમુક વરદાન મળ્યાં. એ શિષ્યો પાસેથી આપણને શું શીખવા મળે છે? યહોવાના સંગઠન પાસેથી નવું માર્ગદર્શન મળે ત્યારે એને તરત પાળવાથી આશીર્વાદો મળે છે.—પ્રે.કા. ૧૯:૧-૭.
૧૦. પાઉલ કેમ સભાસ્થાનને બદલે શાળાના સભાખંડમાં શીખવવા લાગ્યા? આપણે તેમની પાસેથી શું શીખી શકીએ?
૧૦ ચાલો, એફેસસમાં કઈ રીતે યહોવાનો સંદેશો ફેલાતો ગયો એનો બીજો એક બનાવ જોઈએ. ત્રણ મહિના સુધી પાઉલે હિંમતથી સભાસ્થાનમાં પ્રચાર કર્યો. તેમણે ‘ઈશ્વરના રાજ્ય વિશે સમજાવવા ચર્ચા કરી,’ પણ અમુક લોકોએ હઠીલા બનીને તેમનો વિરોધ કર્યો. તેઓએ “સત્યના માર્ગની નિંદા કરી.” એટલે ત્યાં સમય બગાડવાને બદલે પાઉલ બીજી જગ્યાએ જઈને પ્રચાર કરવા લાગ્યા. તેમણે એક શાળાના સભાખંડમાં શીખવવાનું ચાલુ રાખ્યું. (પ્રે.કા. ૧૯:૮, ૯) હવે લોકોએ ઈશ્વરના રાજ્ય વિશે વધારે શીખવા એ સભાખંડમાં આવવાનું હતું. આપણે પાઉલ પાસેથી શું શીખી શકીએ? પ્રચારમાં જો કોઈ વ્યક્તિ સાંભળવા માંગતી ન હોય અથવા દલીલો કરતી હોય, તો આપણે વાતચીત અટકાવી દઈએ. આપણે એવા લોકોને મળવું જોઈએ, જેઓ સંદેશો જાણવા માંગે છે. હજી એવા ઘણા નમ્ર લોકો છે, જેઓ બાઇબલનું સત્ય સાંભળવા તરસે છે.
૧૧, ૧૨. (ક) પાઉલે મહેનત કરવામાં અને સંજોગો પ્રમાણે ફેરફાર કરવામાં કઈ રીતે સારો દાખલો બેસાડ્યો? (ખ) યહોવાના સાક્ષીઓ કઈ રીતે પાઉલ જેવું કરે છે?
૧૧ પાઉલ સભાખંડમાં આશરે સવારના ૧૧:૦૦થી સાંજના ૪:૦૦ વાગ્યા સુધી શીખવતા હતા. (પ્રે.કા. ૧૯:૯) એ સમયે સખત ગરમી પડતી. લોકો જમવા અને આરામ કરવા પોતપોતાનો કામધંધો બંધ રાખતા. જોકે, એવી કાળઝાળ ગરમીમાં પણ પાઉલ મહેનત કરવામાં જરાય પાછા ન પડ્યા. જો તેમણે બે વર્ષ સુધી દરરોજ આ રીતે શીખવ્યું હોય, તો તેમણે ૩,૦૦૦ કરતાં વધારે કલાકો શીખવવામાં વિતાવ્યા હતા.b યહોવાનો સંદેશો ફેલાતો ગયો અને એનો પ્રભાવ વધતો ગયો એનું બીજું કારણ કયું હતું? પાઉલ ખૂબ મહેનતુ હતા. તેમણે લોકોના સંજોગો પ્રમાણે ફેરફાર કર્યો. તેમણે એવી જગ્યાએ અને સમયે સંદેશો જણાવ્યો, જેથી વધારે લોકો મળી શકે. એનું શું પરિણામ આવ્યું? “આસિયા પ્રાંતમાં રહેતા બધા યહૂદીઓ અને ગ્રીકોએ ઈશ્વરનો સંદેશો સાંભળ્યો.” (પ્રે.કા. ૧૯:૧૦) સાચે જ, પાઉલે ઈશ્વરના રાજ્ય વિશે પૂરેપૂરી સાક્ષી આપી!
૧૨ આજે યહોવાના સાક્ષીઓ પણ પ્રચારમાં ઘણી મહેનત કરે છે અને લોકોના સંજોગો પ્રમાણે ફેરફાર કરે છે. આપણે ચાહીએ છીએ કે વધારે ને વધારે લોકોને ખુશખબર જણાવીએ. એ માટે આપણે કોઈ પણ સમયે અને કોઈ પણ જગ્યાએ ખુશખબર જણાવવા તૈયાર રહીએ છીએ. આપણે રસ્તાઓ પર અને બજારોમાં સાક્ષી આપીએ છીએ. ફોન કે પત્રો દ્વારા સંદેશો જણાવીએ છીએ. એટલું જ નહિ, ઘર ઘરનો પ્રચાર પણ એવા સમયે કરીએ છીએ, જ્યારે લોકો ઘરે મળે.
દુષ્ટ દૂતો હોવા છતાં ‘યહોવાનો સંદેશો ફેલાતો ગયો’ (પ્રે.કા. ૧૯:૧૧-૨૨)
૧૩, ૧૪. (ક) યહોવાની મદદથી પાઉલ શું કરી શક્યા? (ખ) સ્કેવાના દીકરાઓએ કઈ ભૂલ કરી? આજે લાખો લોકો કઈ રીતે એવી જ ભૂલ કરે છે?
૧૩ પ્રેરિતોનાં કાર્યો પુસ્તકમાં આગળ જણાવ્યું છે કે પાઉલના હાથે યહોવાએ “અસાધારણ પરાક્રમી કામો” કરાવ્યાં. પાઉલે વાપરેલાં કપડાં અને રૂમાલ બીમાર લોકો પાસે લઈ જવામાં આવતાં હતાં અને તેઓ સાજા થતા હતા. અરે, એનાથી લોકો દુષ્ટ દૂતોના કાબૂમાંથી પણ આઝાદ થતા હતા.c (પ્રે.કા. ૧૯:૧૧, ૧૨) લોકોને દુષ્ટ દૂતોના કાબૂમાંથી આઝાદ થતા જોઈને ઘણાને નવાઈ લાગી, પણ અમુકને જરાય ન ગમ્યું.
૧૪ “અમુક યહૂદીઓ બધી બાજુ જઈને લોકોને દુષ્ટ દૂતોના વશમાંથી છોડાવતા” હતા. તેઓ પાઉલના ચમત્કારની નકલ કરવા માંગતા હતા. તેઓમાંથી કેટલાકે ઈસુ અને પાઉલના નામે લોકોમાંથી દુષ્ટ દૂતો કાઢવાની કોશિશ કરી. અહેવાલમાં જણાવ્યું છે કે સ્કેવા નામના માણસના સાત દીકરાઓ હતા, જેઓ યાજક કુટુંબમાંથી હતા. તેઓએ પણ એવું કર્યું. જ્યારે તેઓ એક માણસમાંથી દુષ્ટ દૂત કાઢવા ગયા ત્યારે એ દૂતે કહ્યું: “હું ઈસુને જાણું છું અને પાઉલને ઓળખું છું. પણ તમે લોકો કોણ છો?” એવું કહીને એ દુષ્ટ દૂત વળગેલા માણસે એ સાતેય ઢોંગીઓ પર જંગલી જાનવરની જેમ હુમલો કર્યો. એ પછી તેઓ નગ્ન અને ઘાયલ હાલતમાં ત્યાંથી નાસી છૂટ્યા. (પ્રે.કા. ૧૯:૧૩-૧૬) આ બનાવથી સાફ દેખાઈ આવ્યું કે યહોવાએ પાઉલને દુષ્ટ દૂતો કાઢવાની શક્તિ આપી હતી, એ ઢોંગી માણસોને નહિ. આજે લાખો લોકો એવું વિચારે છે કે ફક્ત ઈસુનું નામ લેવાથી અથવા પોતાને “ખ્રિસ્તી” કહેવડાવવાથી ઈશ્વર ખુશ થાય છે. પણ એવા વિચારો તદ્દન ખોટા છે. ઈસુએ જણાવ્યું હતું કે પિતા એવા લોકોથી ખુશ થાય છે, જેઓ તેમની ઇચ્છા પ્રમાણે જીવે છે. તેઓ પાસે જ ભાવિની ખરી આશા છે.—માથ. ૭:૨૧-૨૩.
૧૫. એફેસસના શિષ્યોની જેમ આપણે શું કરવું જોઈએ?
૧૫ સ્કેવાના દીકરાઓના જે હાલ થયા એ વિશે લોકોને ખબર પડી ત્યારે ઘણા લોકોએ ઈશ્વરમાં શ્રદ્ધા મૂકી. તેઓએ મેલીવિદ્યા છોડી દીધી. હકીકતમાં એફેસસના લોકો મેલીવિદ્યામાં ડૂબેલા હતા. જેમ કે, તેઓ તાવીજ પહેરતા, મંત્ર ફૂંકતા અને ઘરમાં જાદુવિદ્યાનાં પુસ્તકો રાખતા. જોકે ઘણા લોકોએ જાદુવિદ્યાનાં પુસ્તકો જાહેરમાં બાળી નાખ્યાં. એ પુસ્તકો ઘણાં મોંઘાં હતાં, તોપણ તેઓ એમ કરતા અચકાયા નહિ. આજના હિસાબે ગણીએ તો એ પુસ્તકોની કિંમત લાખોમાં હતી.d લૂકે જણાયું: “આમ, યહોવાનો સંદેશો જોરદાર રીતે ફેલાતો ગયો અને એનો પ્રભાવ વધતો ને વધતો ગયો.” (પ્રે.કા. ૧૯:૧૭-૨૦) જૂઠા શિક્ષણ અને દુષ્ટ દૂતો સામે યહોવા અને તેમના ભક્તોની કેટલી જોરદાર જીત! એફેસસના એ વફાદાર શિષ્યોએ આપણા માટે સરસ દાખલો બેસાડ્યો છે. આજે આપણે પણ એવી દુનિયામાં જીવીએ છીએ, જ્યાં લોકો મેલીવિદ્યામાં ડૂબેલા છે. જો આપણને ખબર પડે કે આપણી પાસે મેલીવિદ્યા સાથે જોડાયેલી કોઈ વસ્તુ છે, તો એફેસસના એ શિષ્યોની જેમ તરત એનો નાશ કરી દઈએ. ચાલો આપણે દરેક દુષ્ટ કામથી દૂર રહીએ, પછી ભલેને એ માટે નુકસાન વેઠવું પડે.
“ઘણું તોફાન ફાટી નીકળ્યું” (પ્રે.કા. ૧૯:૨૩-૪૧)
૧૬, ૧૭. (ક) દેમેત્રિયસે કઈ રીતે એફેસસમાં એક તોફાન શરૂ કર્યું? (ખ) કઈ રીતે ખબર પડે છે કે એફેસસના લોકો ખૂબ ઝનૂની હતા?
૧૬ હવે ધ્યાન આપો કે શેતાને ટોળાને ઉશ્કેરીને કઈ રીતે પ્રચારકામ રોકવાની કોશિશ કરી. લૂકે લખ્યું: “સત્યના માર્ગને લીધે ઘણું તોફાન ફાટી નીકળ્યું.” સંજોગો ખૂબ વણસી ગયા હતા.e (પ્રે.કા. ૧૯:૨૩) દેમેત્રિયસ નામના એક માણસે આ તોફાન શરૂ કર્યું હતું. તે એક સોની હતો અને તે ચાંદીનાં નાનાં મંદિર બનાવતો હતો. તેણે પોતાના સાથી કારીગરોને ભેગા કર્યા અને જણાવ્યું કે મૂર્તિઓ વેચવાથી ઘણી કમાણી થાય છે. પછી તેણે કહ્યું કે પાઉલ જે સંદેશાનો પ્રચાર કરી રહ્યા છે એના લીધે તેઓનો ધંધો ચોપટ થઈ જશે. કેમ કે એ સંદેશો સાંભળીને લોકો ખ્રિસ્તી બની રહ્યા હતા અને મૂર્તિપૂજા કરવાનું છોડી રહ્યા હતા. દેમેત્રિયસ જાણતો હતો કે ત્યાંના લોકો પોતાના દેશ અને શહેર પર ઘમંડ કરતા હતા. એટલે તેણે તેઓને વધારે ઉશ્કેર્યા. તેનું કહેવું હતું કે જો પાઉલ આ રીતે પ્રચાર કરવાનું ચાલુ રાખશે તો તેઓની મહાન દેવી આર્તિમિસનો મહિમા ધૂળમાં મળી જશે અને દુનિયાભરમાં એવા પ્રખ્યાત મંદિરની “કંઈ કિંમત નહિ રહે.”—પ્રે.કા. ૧૯:૨૪-૨૭.
૧૭ દેમેત્રિયસે બધા કારીગરોને પોતાની તરફ કરી લીધા. તેઓ ગુસ્સામાં મોટે મોટેથી બૂમો પાડવા લાગ્યા: “એફેસીઓની મહાન દેવી આર્તિમિસની જય હો!” તેઓ સાથે બીજા ઘણા ઝનૂની લોકો જોડાયા. જોતજોતામાં આખા શહેરમાં તોફાન ફાટી નીકળ્યું.f એ વિશે આપણે પ્રકરણની શરૂઆતમાં જોઈ ગયા. જ્યારે ટોળું નાટ્યગૃહમાં ધસી આવ્યું ત્યારે પાઉલ તેઓને સમજાવવા અંદર જવા માંગતા હતા. તેમને લાગ્યું કે એમ કરવાથી તે પોતાના સાથીઓને બચાવી શકશે. પાઉલને હંમેશાં પોતાના કરતાં બીજાઓની વધારે ચિંતા રહેતી. એટલે તે પોતાનો જીવ જોખમમાં મૂકવા તૈયાર હતા. જોકે, શિષ્યોએ તેમને અંદર જવા ન દીધા. એવામાં એલેકઝાંડર નામનો એક માણસ ઊભો થયો. તે યહૂદી હતો અને કદાચ ટોળાને સમજાવવા ખૂબ આતુર હતો કે યહૂદીઓ અને ખ્રિસ્તીઓ વચ્ચે ફરક છે. પણ લોકો જરાય સાંભળવા તૈયાર ન હતા. અરે, જ્યારે તેઓને ખબર પડી કે તે યહૂદી છે ત્યારે તેઓએ આશરે બે કલાક સુધી નારાબાજી કરી: “એફેસીઓની મહાન દેવી આર્તિમિસની જય હો!” આજે ઘણાં વર્ષો પછી પણ લોકો બદલાયા નથી. અમુક લોકો પોતાની ધાર્મિક માન્યતાને લઈને ખૂબ ઝનૂની છે. તેઓ કંઈ પણ સમજવા તૈયાર હોતા નથી.—પ્રે.કા. ૧૯:૨૮-૩૪.
૧૮, ૧૯. (ક) એફેસસમાં શહેરના પ્રમુખે કઈ રીતે ટોળાને શાંત પાડ્યું? (ખ) સરકારી અધિકારીઓ કઈ રીતે સાક્ષીઓને મદદ કરે છે? આપણે શું કરી શકીએ જેથી એવી મદદ મળતી રહે?
૧૮ આખરે શહેરના પ્રમુખે ટોળાને શાંત પાડ્યું. તે એક સમજદાર માણસ હતો. તેણે શાંત મગજે સંજોગોને હાથ ધર્યા. તેણે ટોળાને ભરોસો અપાવ્યો કે ખ્રિસ્તીઓને લીધે આર્તિમિસ દેવી અને તેના મંદિરને કોઈ ખતરો નથી. તેણે એમ પણ કહ્યું કે પાઉલ અને તેમના સાથીઓએ આર્તિમિસ દેવીના મંદિર વિરુદ્ધ કોઈ ગુનો કર્યો નથી. તોપણ જો લોકોને કોઈ ફરિયાદ હોય તો અદાલતના દરવાજા તેઓ માટે ખુલ્લા છે. તેણે કડક શબ્દોમાં ચેતવણી આપી કે રોમન નિયમ પ્રમાણે આ રીતે ટોળું ભેગું કરવું અને ધાંધલ-ધમાલ કરવી ગેરકાયદેસર છે. એ પછી તેણે ટોળાને વિખેરી નાખ્યું. તેણે લોકો સાથે સમજી-વિચારીને વાત કરી હોવાથી તોફાન જેટલું ઝડપથી ફાટી નીકળ્યું હતું, એટલું જ ઝડપથી શમી ગયું.—પ્રે.કા. ૧૯:૩૫-૪૧.
૧૯ અધિકારીઓએ ઈસુના શિષ્યોને મદદ કરી હોય એવો આ પહેલો અને છેલ્લો કિસ્સો નથી. પ્રેરિત યોહાને છેલ્લા દિવસો વિશે એક દર્શનમાં જોયું હતું કે પૃથ્વી નદીને પી ગઈ. અહીંયા “પૃથ્વી” અમુક સરકારી અથવા કાયદાકીય ગોઠવણોને અને “નદી” શેતાન તરફથી આવતી સતાવણીને રજૂ કરે છે. ઈસુના શિષ્યો પર શેતાન સતાવણીનું પૂર લાવે છે ત્યારે અમુક અધિકારીઓ તેઓને મદદ કરે છે. (પ્રકટી. ૧૨:૧૫, ૧૬) આજના સમયમાં એ શબ્દો સાચા પડ્યા છે. ઘણી વાર યહોવાના સાક્ષીઓના મુકદ્દમા વખતે અમુક સમજદાર ન્યાયાધીશોએ તેઓના પક્ષમાં ચુકાદો આપ્યો છે. એના લીધે ભક્તિ માટે ભેગા મળવાના હકનું અને ખુશખબર જાહેર કરવાના હકનું રક્ષણ થયું છે. એમાં કોઈ શંકા નથી કે આપણાં સારાં વાણી-વર્તનની સારી અસર થાય છે. પાઉલે પોતાનાં સારાં વાણી-વર્તનથી એફેસસના અમુક અધિકારીઓનું દિલ જીતી લીધું હતું. એટલે તેઓ તેમનો આદર કરતા હતા અને તેમનું ભલું ઇચ્છતા હતા. (પ્રે.કા. ૧૯:૩૧) ચાલો આપણે પણ હંમેશાં પ્રમાણિક રહીએ અને લોકોનો આદર કરીએ. એનાથી તેઓ પર સારી છાપ પડશે. યાદ રાખીએ કે સારાં વાણી-વર્તન રાખીશું તો સારાં પરિણામ મળશે.
૨૦. (ક) યહોવાનો સંદેશો હંમેશાં ફેલાતો જાય છે અને એનો પ્રભાવ વધતો ને વધતો જાય છે, એ વિશે તમને કેવું લાગે છે? (ખ) તમે શું કરવાનો દૃઢ નિર્ણય લીધો છે?
૨૦ પહેલી સદીમાં “યહોવાનો સંદેશો જોરદાર રીતે ફેલાતો ગયો અને એનો પ્રભાવ વધતો ને વધતો ગયો.” એ વિશે વાંચીને આપણો ઉત્સાહ ઘણો વધી ગયો. યહોવા આજે પણ આપણને અલગ અલગ રીતે જીત અપાવે છે, જેથી તેમનો સંદેશો ફેલાતો રહે. એ જોઈને આપણી ખુશી બમણી થઈ જાય છે. શું તમે પણ એ જીતનો ભાગ બનવા માંગો છો? એમ હોય તો આ પ્રકરણમાં આપેલા સારા દાખલા પર વિચાર કરો, એમાંથી શીખો, નમ્ર રહો, યહોવાના સંગઠન પાસેથી મળતું માર્ગદર્શન તરત પાળો, મહેનત કરતા રહો અને મેલીવિદ્યાથી દૂર રહો. એટલું જ નહિ, તમારાં સારાં વાણી-વર્તનથી લોકોને સાક્ષી મળે એ માટે પ્રમાણિક રહો અને બીજાઓ સાથે આદરથી વર્તો.
a “એફેસસ—આસિયાની રાજધાની” બૉક્સ જુઓ.
b પાઉલે એફેસસથી કોરીંથીઓને પહેલો પત્ર પણ લખ્યો હતો.
c પાઉલ એ કપડું કદાચ પોતાના કપાળ પર બાંધતા હતા, જેથી પસીનો આંખો પર ન આવે. કલમમાં રૂમાલનો પણ ઉલ્લેખ થયો છે. એના માટે જે ગ્રીક શબ્દ વપરાયો છે એનો અર્થ એક એવું મોટું કપડું થઈ શકે જેને કામ કરતી વખતે કમરે બાંધવામાં આવતું. એવું લાગે છે કે એફેસસમાં પાઉલ નવરાશની પળોમાં, કદાચ વહેલી સવારે તંબુ બનાવવાનું કામ કરતા હતા. એ સમયે તે એવો રૂમાલ બાંધતા હતા.—પ્રે.કા. ૨૦:૩૪, ૩૫.
d લૂક જણાવે છે કે એ પુસ્તકોની કિંમત ૫૦,૦૦૦ ચાંદીના સિક્કા હતી. જો એ કલમમાં એક ચાંદીના સિક્કાનો અર્થ એક દીનાર હોય તો ૫૦,૦૦૦ ચાંદીના સિક્કા કમાવા એક વ્યક્તિએ ૫૦,૦૦૦ દિવસો કામ કરવું પડે. એટલે કે તેણે આશરે ૧૩૭ વર્ષ કામ કરવું પડે અને એ પણ અઠવાડિયાના સાતેસાત દિવસ.
e અમુક લોકોનું કહેવું છે કે જ્યારે પાઉલે કોરીંથીઓને પત્રમાં લખ્યું: “અમે જીવવાની આશા પણ છોડી દીધી હતી,” ત્યારે તે આ જ બનાવની વાત કરી રહ્યા હતા. (૨ કોરીં. ૧:૮) પણ બની શકે કે તે એનાથી પણ વધારે ખતરનાક બનાવની વાત કરી રહ્યા હતા. કેમ કે તેમણે ૧ કોરીંથીઓ ૧૫:૩૨માં લખ્યું હતું: ‘હું એફેસસમાં જંગલી પ્રાણીઓ સાથે લડ્યો.’ એનો અર્થ થાય કે પાઉલ કદાચ અખાડામાં જંગલી જાનવર સાથે લડ્યા હોય શકે અથવા તેમણે જંગલી જાનવર જેવા ખૂંખાર વિરોધીઓનો સામનો કર્યો હોય શકે.
f આવા કારીગરના સંઘ ખૂબ ખતરનાક હતા. આ બનાવના આશરે ૧૦૦ વર્ષ પછી એફેસસમાં બેકરીમાં કામ કરતા લોકોના સંઘે એવું જ મોટું તોફાન શરૂ કર્યું હતું.