પ્રકરણ ૧૬
દુનિયાભરનાં ભાઈ-બહેનો વચ્ચેની એકતા
આશરે ૧,૫૦૦ વર્ષ સુધી ઇઝરાયેલી પ્રજા યહોવાના નામથી ઓળખાતી હતી. પછી યહોવાએ “બીજી પ્રજાઓ તરફ ધ્યાન આપ્યું, જેથી તેઓમાંથી એવા લોકોને બહાર કાઢી લાવે, જેઓ તેમના નામે ઓળખાય.” (પ્રે.કા. ૧૫:૧૪) યહોવાના નામે ઓળખાવા જરૂરી હતું કે લોકો તેમના સાક્ષી બને. ભલે તેઓ દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેતા હોય, તેઓએ વાણી-વર્તન અને વિચારોમાં એક થવાનું હતું. ઈસુએ પોતાના શિષ્યોને આપેલી આજ્ઞાને લીધે ઈશ્વરના નામે ભેગા થવું શક્ય બન્યું. તેમણે આજ્ઞા આપી હતી: “એ માટે જાઓ, બધા દેશના લોકોને શિષ્યો બનાવો. તેઓને પિતા અને દીકરા અને પવિત્ર શક્તિના નામે બાપ્તિસ્મા આપો. મેં તમને જે આજ્ઞાઓ આપી છે, એ બધી પાળવાનું તેઓને શીખવો.”—માથ. ૨૮:૧૯, ૨૦.
તમે આખી દુનિયામાં ફેલાયેલાં ભાઈ-બહેનોના કુટુંબનો ભાગ બન્યા છો. એ ભાઈ-બહેનો વચ્ચે દેશ, જાતિ કે અમીરી-ગરીબીનો કોઈ ભેદભાવ નથી, પણ ફક્ત એકતાનું બંધન છે
૨ તમે યહોવાને સમર્પણ કરીને અને બાપ્તિસ્મા લઈને ઈસુ ખ્રિસ્તના શિષ્ય બન્યા છો. તમે આખી દુનિયામાં ફેલાયેલાં ભાઈ-બહેનોના કુટુંબનો ભાગ બન્યા છો. એ ભાઈ-બહેનો વચ્ચે દેશ, જાતિ કે અમીરી-ગરીબીનો કોઈ ભેદભાવ નથી, પણ ફક્ત એકતાનું બંધન છે. (ગીત. ૧૩૩:૧) એટલે તમે મંડળનાં ભાઈ-બહેનોને પ્રેમ કરો છો અને માન આપો છો. તેઓમાંથી અમુક અલગ અલગ દેશ કે જાતિના હોય શકે અથવા વધારે કે ઓછું ભણેલા હોય શકે. એ બધા ભેદભાવને લીધે કદાચ પહેલાં તમે એવા લોકો સાથે હળતા-મળતા ન હતા. પણ હવે તમે ભાઈ-બહેનોને સાચો પ્રેમ કરો છો. સમાજ, ધર્મ કે કુટુંબ વચ્ચેના સંબંધ કરતાં પણ પ્રેમનું આ બંધન વધારે મજબૂત છે.—માર્ક ૧૦:૨૯, ૩૦; કોલો. ૩:૧૪; ૧ પિત. ૧:૨૨.
વિચારોમાં ફેરફાર કરીએ
૩ કદાચ કોઈના મનમાં નાત-જાત, રાજકારણ, સમાજ કે બીજા કારણને લીધે ભેદભાવ હોય અને એ દિલમાંથી કાઢી નાખવું અઘરું લાગતું હોય. જો એમ હોય તો તેણે પહેલી સદીના ખ્રિસ્તી બનેલા યહૂદીઓનો વિચાર કરવો જોઈએ. યહૂદીઓ પોતાના ધર્મને લીધે બીજી બધી પ્રજાઓના લોકો સાથે ભેદભાવ રાખતા હતા. પણ યહૂદીમાંથી ખ્રિસ્તી બનેલાં ભાઈ-બહેનોએ ભેદભાવ જડમૂળથી કાઢી નાખવાનો હતો. જ્યારે પિતરને રોમન લશ્કરના અધિકારી કર્નેલિયસના ઘરે જવાનું કહેવામાં આવ્યું, ત્યારે યહોવાએ પિતરની લાગણીઓનો વિચાર કર્યો અને પ્રેમથી તેમને એ કામ માટે તૈયાર કર્યા.—પ્રે.કા. અધ્યાય ૧૦.
૪ એક દર્શનમાં પિતરને કહેવામાં આવ્યું કે તે અમુક પ્રાણીઓને મારીને ખાય. એ એવાં પ્રાણીઓ હતા જે યહૂદીઓ માટે નિયમ પ્રમાણે અશુદ્ધ ગણાતાં હતાં. પિતરે એ ખાવાની ના પાડી ત્યારે આકાશમાંથી અવાજ સંભળાયો: “ઈશ્વરે જેને શુદ્ધ કર્યું છે એને અપવિત્ર કહીશ નહિ.” (પ્રે.કા. ૧૦:૧૫) આમ યહોવાની મદદથી પિતરે પોતાના વિચારોમાં ફેરફાર કર્યો અને તે બીજી પ્રજાના માણસને મળવા જવા તૈયાર થયા. પિતર યહોવાની વાત માનીને એ માણસના ઘરે ગયા અને ત્યાં ભેગા થયેલા લોકોને કહ્યું: “તમે સારી રીતે જાણો છો કે એક યહૂદી માટે બીજી જાતિના લોકોની સંગત રાખવી કે હળવું-મળવું નિયમ વિરુદ્ધ છે. છતાં, ઈશ્વરે મને દેખાડ્યું કે મારે કોઈ માણસને અપવિત્ર કે અશુદ્ધ કહેવો નહિ. એટલે મને બોલાવવામાં આવ્યો ત્યારે, કોઈ આનાકાની કર્યા વગર હું આવ્યો.” (પ્રે.કા. ૧૦:૨૮, ૨૯) પછી પિતરે પોતાની નજરે જોયું કે યહોવાએ કઈ રીતે કર્નેલિયસ અને તેમના ઘરના લોકોનો સ્વીકાર કર્યો.
૫ તાર્સસના શાઉલ ખૂબ ભણેલા-ગણેલા હતા અને એક ફરોશી હતા. જેઓને સમાજમાં નીચા ગણવામાં આવતા હતા તેઓ સાથે તે સંગત રાખતા ન હતા. પણ ઈસુના શિષ્ય બન્યા પછી તે નમ્ર બન્યા અને એવા લોકો સાથે સંગત રાખવા લાગ્યા. અરે, શાઉલે તેઓની સલાહ પણ સ્વીકારી! (પ્રે.કા. ૪:૧૩; ગલા. ૧:૧૩-૨૦; ફિલિ. ૩:૪-૧૧) બીજા અમુક લોકો પણ ખુશખબર સ્વીકારીને ઈસુ ખ્રિસ્તના શિષ્યો બન્યા હતા, જેમ કે સર્ગિયુસ પાઉલ, દિયોનુસિયસ, દામરિસ, ફિલેમોન અને ઓનેસિમસ. આપણે કલ્પના કરી શકીએ કે તેઓએ પોતાના વિચારોમાં કેટલા બધા ફેરફાર કર્યા હશે!—પ્રે.કા. ૧૩:૬-૧૨; ૧૭:૨૨, ૩૩, ૩૪; ફિલે. ૮-૨૦.
દુનિયા ફરતેનાં ભાઈ-બહેનો વચ્ચેની એકતા જાળવીએ
૬ એમાં કોઈ શંકા નથી કે મંડળમાં ભાઈ-બહેનોના પ્રેમને લીધે તમે યહોવા અને તેમના સંગઠનની નજીક આવ્યા હશો. તમે મંડળમાં એવો પ્રેમ જોયો હશે જે ઈસુ ખ્રિસ્તના સાચા શિષ્યોની ઓળખ છે. એ વિશે ઈસુએ કહ્યું હતું: “હું તમને એક નવી આજ્ઞા આપું છું કે તમે એકબીજા પર પ્રેમ રાખો. મેં તમારા પર જેવો પ્રેમ રાખ્યો છે, એવો જ પ્રેમ તમે પણ એકબીજા પર રાખો. જો તમે એકબીજા પર પ્રેમ રાખશો, તો એનાથી બધા જાણશે કે તમે મારા શિષ્યો છો.” (યોહા. ૧૩:૩૪, ૩૫) મંડળમાં જોવા મળતો પ્રેમ, દુનિયાભરનાં ભાઈ-બહેનો વચ્ચે જોવા મળતા પ્રેમની એક ઝલક જ છે. એ જાણીને યહોવા અને તેમના સંગઠન માટેની તમારી કદર હજીયે વધી હશે. બાઇબલમાં ભવિષ્યવાણી કરવામાં આવી છે કે છેલ્લા દિવસોમાં લોકોને ભેગા કરવામાં આવશે, જેથી તેઓ એક થઈને અને શાંતિથી યહોવાની ભક્તિ કરી શકે. તમે એ ભવિષ્યવાણી પૂરી થતા નજરોનજર જોઈ રહ્યા છો.—મીખા. ૪:૧-૫.
૭ આજે ઘણાં કારણોને લીધે લોકોમાં ભાગલા જોવા મળે છે. કોઈએ વિચાર્યું પણ નહિ હોય કે “દરેક દેશ, કુળ, પ્રજા અને બોલીમાંથી” આવેલા લોકોને ભેગા કરી શકાય. (પ્રકટી. ૭:૯) જરા વિચારો અમુક લોકો ટેક્નોલોજીનો રોજબરોજના જીવનમાં ભરપૂર ઉપયોગ કરે છે, જ્યારે કે અમુક લોકો હજી પણ જૂના રીતરિવાજોને વળગી રહે છે. આ બંને પ્રકારના લોકો વચ્ચે ઘણો ફરક છે. એક જ જાતિ અને દેશના લોકો વચ્ચે ધર્મને લઈને ઘણાં લડાઈ-ઝઘડા થાય છે. લોકો પર દેશભક્તિનું ઝનૂન સવાર છે એટલે રાજકારણને લઈને તેઓ વચ્ચે ભાગલા પડ્યા છે. તેમ જ, અમીરી-ગરીબી અને એના જેવાં બીજાં કેટલાંય કારણોને લીધે લોકો વચ્ચે ભાગલા પડ્યા છે. એટલે બધા દેશો, ભાષાઓ, સમૂહો અને વર્ગોના લોકોને પ્રેમ અને શાંતિના અતૂટ બંધનમાં જોડવા, એ તો એક ચમત્કાર કહેવાય. એવો ચમત્કાર ફક્ત સર્વશક્તિમાન ઈશ્વર જ કરી શકે છે!—ઝખા. ૪:૬.
૮ આજે એવી એકતા ભાઈ-બહેનો વચ્ચે જોવા મળે છે. જ્યારે તમે સમર્પણ કર્યું, બાપ્તિસ્મા લીધું અને યહોવાના સાક્ષી બન્યા, ત્યારે તમે યહોવાના સંગઠનનો ભાગ બન્યા. ભાઈ-બહેનો વચ્ચેની એકતાથી તમને પણ ફાયદો થાય છે. એટલે એ એકતા જાળવી રાખવાની જવાબદારી તમારી પણ છે. એમ કરવા તમે ગલાતીઓ ૬:૧૦માં પ્રેરિત પાઉલે આપેલી સલાહ પાળી શકો: “આપણી પાસે તક છે ત્યાં સુધી ચાલો, આપણે સર્વનું અને ખાસ કરીને આપણાં સાથી ભાઈ-બહેનોનું ભલું કરીએ.” આપણે આ સલાહ પણ પાળીએ છીએ: “અદેખાઈને લીધે કે અભિમાનને લીધે કંઈ ન કરો, પણ નમ્ર બનો અને બીજાઓને તમારા કરતાં ચઢિયાતા ગણો. તમે ફક્ત પોતાનો જ વિચાર ન કરો, પણ બીજાઓની ભલાઈનો પણ વિચાર કરો.” (ફિલિ. ૨:૩, ૪) આપણે ભાઈ-બહેનોનો બહારનો દેખાવ ન જોઈએ, પણ તેઓને યહોવાની નજરે જોતા શીખીએ. જો એમ કરતા રહીશું, તો તેઓ સાથે શાંતિ અને સંબંધોમાં મીઠાશ જળવાઈ રહેશે.—એફે. ૪:૨૩, ૨૪.
એકબીજાની સંભાળ રાખીએ
૯ પ્રેરિત પાઉલે ઉદાહરણ આપીને સમજાવ્યું કે મંડળનાં ભાઈ-બહેનો વચ્ચે ભાગલા નથી, પણ બધાં એકબીજાની સંભાળ રાખે છે. (૧ કોરીં. ૧૨:૧૪-૨૬) ભલે આપણે દુનિયા ફરતેનાં અમુક ભાઈ-બહેનોથી ઘણા દૂર રહીએ છીએ, તોપણ આપણને તેઓની બહુ ચિંતા છે. જો અમુક ભાઈ-બહેનોની સતાવણી થાય, તો આપણે બધા દુઃખી થઈએ છીએ. અમુક ભાઈ-બહેનોને પૈસાની કે બીજી ચીજવસ્તુઓની તંગી પડે છે અથવા તેઓ આફતો, યુદ્ધો કે દેશમાં ચાલતી લડાઈનો શિકાર બને છે. એવા સમયે આપણે બધા તેઓને ભક્તિ વિશે મદદ કરવા અને ખોરાક, કપડાં તેમજ જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડવા આતુર હોઈએ છીએ.—૨ કોરીં. ૧:૮-૧૧.
૧૦ આપણે બધાએ ભાઈ-બહેનો માટે રોજ પ્રાર્થના કરવી જોઈએ. અમુક ભાઈ-બહેનોએ ખોટું કરવાની લાલચોનો સામનો કરવો પડે છે. અમુક ભાઈ-બહેનો એવી મુશ્કેલીઓનો સામનો કરે છે જે વિશે બધા જાણે છે. પણ અમુક ભાઈ-બહેનોએ તેઓ સાથે કામ કરનારા અને કુટુંબના સભ્યોના વિરોધનો સામનો કરવો પડે છે, જે વિશે બહુ ઓછા લોકોને ખબર હોય છે. (માથ. ૧૦:૩૫, ૩૬; ૧ થેસ્સા. ૨:૧૪) આપણને એ ભાઈ-બહેનોની ચિંતા છે, કેમ કે આપણે બધા દુનિયા ફરતે ફેલાયેલા એક જ કુટુંબનો ભાગ છીએ. (૧ પિત. ૫:૯) આપણી વચ્ચે અમુક એવા ભાઈઓ પણ છે, જેઓ પ્રચારમાં અને મંડળોમાં આગેવાની લઈને યહોવાની સેવામાં સખત મહેનત કરે છે. અમુક એવા પણ ભાઈઓ છે, જેઓ આખી દુનિયામાં ચાલતા કામની દેખરેખ રાખે છે. એ બધા ભાઈઓ માટે આપણે પ્રાર્થના કરવી જોઈએ. એમ કરીને બતાવીએ છીએ કે આપણને તેઓની ચિંતા છે અને તેઓને બહુ પ્રેમ કરીએ છીએ. ભલે આપણે તેઓને બીજી કોઈ રીતે મદદ ન કરી શકીએ, પણ પ્રાર્થના તો કરી જ શકીએ.—એફે. ૧:૧૬; ૧ થેસ્સા. ૧:૨, ૩; ૫:૨૫.
૧૧ આ છેલ્લા દિવસોમાં જ્યાં જુઓ ત્યાં લોકો મુશ્કેલીઓથી ઘેરાયેલા છે. એટલે યહોવાના લોકોએ એકબીજાને મદદ કરવા હંમેશાં તૈયાર રહેવું જોઈએ. અમુક વાર ધરતીકંપ અને પૂર જેવી આફતો આવી પડે છે. એવા સમયે મોટા પાયે રાહતકામ કરવા અને જીવન-જરૂરી વસ્તુઓ પૂરી પાડવા મદદની જરૂર પડે છે. એ બાબતે પહેલી સદીના ખ્રિસ્તીઓએ સરસ દાખલો બેસાડ્યો. અંત્યોખના શિષ્યોએ ઈસુની સલાહ યાદ રાખીને યહૂદિયાનાં ભાઈ-બહેનોને રાજીખુશીથી ચીજવસ્તુઓ મોકલી આપી. (પ્રે.કા. ૧૧:૨૭-૩૦; ૨૦:૩૫) પછી પ્રેરિત પાઉલે કોરીંથનાં ભાઈ-બહેનોને ઉત્તેજન આપ્યું કે તેઓ દાન આપીને એ રાહતકામ આગળ વધારે, જે વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું હતું. (૨ કોરીં. ૯:૧-૧૫) આજે પણ જો ભાઈ-બહેનો એવા સંજોગોમાં આવી પડે અને તેઓને પૈસાની તંગી પડે, તો સંગઠન અને ભાઈ-બહેનો તરત જ તેઓને મદદ કરવા આગળ આવે છે અને તેઓ સુધી જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડે છે.
યહોવાની ઇચ્છા પૂરી કરવા પસંદ કરાયેલા લોકો
૧૨ દુનિયા ફરતે ફેલાયેલાં આપણાં ભાઈ-બહેનો વચ્ચે એકતા છે અને આપણે યહોવાની ઇચ્છા પૂરી કરવા સંગઠિત છીએ. અત્યારે યહોવા ચાહે છે કે રાજ્યની ખુશખબર આખી દુનિયામાં ફેલાય, જેથી બધી પ્રજાઓને સાક્ષી મળે. (માથ. ૨૪:૧૪) તેમની ઇચ્છા છે કે આપણે એ કામ કરીએ તેમ, હંમેશાં પોતાનાં વાણી-વર્તન તેમનાં ઊંચાં ધોરણો પ્રમાણે રાખીએ. (૧ પિત. ૧:૧૪-૧૬) આપણે એકબીજાને ખુશીથી આધીન રહીએ અને ખુશખબર ફેલાવવાનું કામ આગળ વધારવા તૈયાર રહીએ. (એફે. ૫:૨૧) આ સમય કંઈ પોતાની ઇચ્છાઓ પૂરી કરવાનો નથી. પણ પહેલાં કરતાં આજે વધારે મહત્ત્વનું છે કે આપણે ઈશ્વરના રાજ્યને જીવનમાં પહેલા રાખીએ. (માથ. ૬:૩૩) એ વાત યાદ રાખીને ખુશખબર ફેલાવવા ભાઈ-બહેનો સાથે સંપીને કામ કરીએ છીએ ત્યારે, આપણને આનંદ અને સંતોષ મળે છે. તેમ જ, ભવિષ્યમાં હંમેશ માટેના આશીર્વાદો મેળવી શકીશું.
૧૩ આપણે યહોવાના સાક્ષીઓ તરીકે દુનિયાના લોકો કરતાં એકદમ અલગ છીએ. આપણને શુદ્ધ કરવામાં આવ્યા છે, એટલે આપણે પૂરા ઉત્સાહથી યહોવાની ભક્તિ કરીએ છીએ. (તિત. ૨:૧૪) આપણે યહોવાના ભક્તો હોવાથી બીજાઓ કરતાં અલગ દેખાઈ આવીએ છીએ. દુનિયા ફરતેનાં આપણાં ભાઈ-બહેનો સાથે ખભેખભા મિલાવીને કામ કરીએ છીએ. એટલું જ નહિ, આપણે બધા એક જ ભાષા બોલીએ છીએ, સત્યની શુદ્ધ ભાષા અને એ સત્ય પ્રમાણે આપણાં વાણી-વર્તન પણ રાખીએ છીએ. યહોવાએ પોતાના પ્રબોધક સફાન્યા દ્વારા એ વિશે ભવિષ્યવાણી કરી હતી: “હું લોકોને શુદ્ધ ભાષા શીખવીશ, જેથી તેઓ બધા યહોવાના નામે પોકાર કરે અને ખભેખભા મિલાવીને તેમની સેવા કરે.”—સફા. ૩:૯.
૧૪ પછી યહોવાએ સફાન્યાને દુનિયા ફરતેનાં ભાઈ-બહેનો વિશે આ ભવિષ્યવાણી કરવા પ્રેરણા આપી: “ઇઝરાયેલના બાકી રહેલા લોકો દુષ્ટ કામો કરશે નહિ, તેઓ જૂઠું બોલશે નહિ, તેઓની જીભ કપટી વાતો કરશે નહિ, તેઓ ખાશે અને નિરાંતે સૂઈ જશે, તેઓને કોઈ ડરાવશે નહિ.” (સફા. ૩:૧૩) આજે એ ભવિષ્યવાણી પૂરી થઈ રહી છે. આપણે બાઇબલનું સત્ય શીખ્યા, વિચારોમાં ફેરફાર કર્યા અને યહોવાનાં ધોરણો પ્રમાણે જીવવા લાગ્યા, એટલે આપણે સંપીને કામ કરી શકીએ છીએ. માણસોની નજરે અશક્ય લાગતાં કામો પણ આપણે કરી શક્યા છીએ. ખરેખર, આપણે બીજાઓ કરતાં એકદમ અલગ છીએ! આપણે યહોવાના લોકો છીએ અને આખી પૃથ્વી પર તેમના નામનો મહિમા કરીએ છીએ.—મીખા. ૨:૧૨.