પ્રકરણ ૪
“ચાર ચહેરાવાળા દૂતો” શાને રજૂ કરે છે?
ઝલક: દૂતો શાને રજૂ કરે છે? તેઓ પાસેથી આપણે શું શીખી શકીએ?
૧, ૨. યહોવાએ પોતાના ભક્તોને મહત્ત્વની વાતો સમજાવવા દૃશ્યો કે ચિત્રો કેમ વાપર્યાં?
કલ્પના કરો કે એક પપ્પા પોતાનાં નાનાં નાનાં બાળકો સાથે બેઠા છે. તે તેઓને બાઇબલ વિશે શીખવે છે. તે ચિત્રો વાપરીને બાળકોને શીખવે છે. એ શીખવાની બાળકોને ખૂબ મજા આવે છે. તેઓ પોતાની મોટી મોટી ચકોર આંખો ફેરવતા જઈને પપ્પાના સવાલોના ફટાફટ જવાબ આપે છે. એનાથી પપ્પાને ખબર પડે છે કે બાળકોને એ સમજાય છે. પપ્પા ચિત્રો વાપરીને બાળકોને યહોવા વિશે શીખવે છે. એનાથી બાળકોને એવી વાતો સમજાય છે, જે કદાચ તેઓના માટે સમજવી અઘરી હોય.
૨ આપણા પિતા યહોવા પણ જાણે છે કે અમુક બાબતો સમજવી આપણા માટે અઘરી છે. એટલે તે ચિત્રો કે દૃશ્યોથી આપણને એ સમજાવે છે. તેમણે પોતાના ભક્તોને અદૃશ્ય વાતો સમજાવવા દૃશ્યો બતાવ્યાં હતાં. દાખલા તરીકે, તેમણે પોતાના વિશે હઝકિયેલને દર્શનથી એવી વાતો સમજાવી હતી, જે માણસો માટે સમજવી અઘરી હોય. ગયા પ્રકરણમાં આપણે એ દર્શનના એક ભાગ વિશે જોયું હતું. હવે આ પ્રકરણમાં આપણે એનો બીજો ભાગ જોઈશું. એનો અર્થ જાણવાથી યહોવા સાથેનો આપણો સંબંધ વધારે મજબૂત થશે.
‘મેં જોયું તો ચાર દૂતો જેવા કોઈક દેખાયા’
૩. (ક) હઝકિયેલ ૧:૪, ૫ પ્રમાણે હઝકિયેલે દર્શનમાં શું જોયું? (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) હઝકિયેલે દર્શન વિશે લખ્યું ત્યારે તેમણે કેવા શબ્દો વાપર્યા?
૩ હઝકિયેલ ૧:૪, ૫ વાંચો. હઝકિયેલને “ચાર દૂતો જેવા કોઈક દેખાયા.” તેઓનો દેખાવ દૂત, માણસ અને પશુ-પંખી જેવો હતો. હઝકિયેલે જે જોયું એનું એવું જ વર્ણન કર્યું. તેમણે જણાવ્યું કે ચાર દૂતો “જેવા કોઈક દેખાયા.” હઝકિયેલના પહેલા અધ્યાયમાં દર્શન વિશે વાંચીએ ત્યારે આપણને ખબર પડે છે કે હઝકિયેલે વારંવાર આવા શબ્દો વાપર્યા છે: “જેવું કંઈક,” “જેવો,” “જેવું.” (હઝકિ. ૧:૧૩, ૨૪, ૨૬) હઝકિયેલ જાણતા હતા કે તેમણે જે જોયું એ તો સ્વર્ગનું એક દૃશ્ય કે ચિત્ર હતું.
૪. (ક) દર્શન જોઈને હઝકિયેલને કેવું લાગ્યું? (ખ) હઝકિયેલ કરૂબો વિશે શું જાણતા હતા?
૪ હઝકિયેલે દર્શનમાં જે જોયું અને સાંભળ્યું એનાથી તેમની નવાઈનો પાર ન રહ્યો. ચાર દૂતોનો દેખાવ “સળગતા અંગારા” જેવો હતો. તેઓ એટલી ઝડપથી આવતાં-જતાં કે જાણે “વીજળીના ચમકારા” થતા હોય. તેઓની પાંખોનો અવાજ “ધસમસતા પાણીના અવાજ જેવો” હતો. તેઓના આગળ વધવાનો અવાજ “સૈન્યના અવાજ જેવો” હતો. (હઝકિ. ૧:૧૩, ૧૪, ૨૪-૨૮; ‘હું દૂતોને જોતો હતો’ બૉક્સ જુઓ.) બીજા એક દર્શનમાં હઝકિયેલે એ શક્તિશાળી દૂતોની ઓળખ “કરૂબો” તરીકે આપી. (હઝકિ. ૧૦:૨) હઝકિયેલ યાજકના કુટુંબમાંથી આવતા હતા. એટલે તે જાણતા હતા કે કરૂબો તો દૂતો છે, જેઓ યહોવાની આસપાસ રહીને તેમની ભક્તિ કરે છે.—૧ કાળ. ૨૮:૧૮; ગીત. ૧૮:૧૦.
“દરેકને ચાર ચહેરા હતા”
૫. (ક) કરૂબો અને તેઓના ચાર ચહેરા યહોવાના ગૌરવ અને તાકાતને કઈ રીતે રજૂ કરે છે? (ખ) એ કરૂબો આપણને ઈશ્વરના નામનો અર્થ કઈ રીતે યાદ અપાવે છે? (ફૂટનોટ જુઓ.)
૫ હઝકિયેલ ૧:૬, ૧૦ વાંચો. હઝકિયેલે જોયું કે દરેક કરૂબને ચાર ચહેરા હતા, એક માણસનો, એક સિંહનો, એક આખલાનો અને એક ગરુડનો. એ ચાર ચહેરા જોઈને હઝકિયેલ દંગ રહી ગયા હશે. તે વિચારમાં પડી ગયા હશે કે યહોવા કેટલા શક્તિશાળી છે અને તેમનું ગૌરવ કેટલું મહાન છે! કરૂબનો દરેક ચહેરો તાકાત અને ગૌરવને રજૂ કરે છે. સિંહ ગૌરવવાન પ્રાણી છે. આખલો જોરાવર પ્રાણી છે. ગરુડ બળવાન પક્ષી છે. માણસ તો યહોવાની એક અનોખી રચના છે અને બીજા બધા પ્રાણીઓ પર તેને અધિકાર છે. (ગીત. ૮:૪-૬) હઝકિયેલે દર્શનમાં જોયું કે શક્તિશાળી માણસ, સિંહ, આખલો અને ગરુડ એ ચારેય યહોવાની રાજગાદી નીચે છે. એ બતાવતું હતું કે બધાના રાજા-મહારાજા તો યહોવા છે! એ કેટલી જોરદાર રીતે બતાવવામાં આવ્યું છે કે યહોવા પોતાનો હેતુ પૂરો કરવા પોતે કરેલા સર્જનનો ઉપયોગ કરે છે.a યહોવા વિશે એક કવિએ લખ્યું: “તેમનો મહિમા ધરતી અને આકાશથી ઘણો વધારે છે.”—ગીત. ૧૪૮:૧૩.
૬. હઝકિયેલ ચાર ચહેરાનો અર્થ કેવી રીતે સમજી શક્યા હશે?
૬ હઝકિયેલે એ દર્શન પર વિચાર કર્યો ત્યારે તેમને કંઈક યાદ આવ્યું હશે. અગાઉના સમયમાં ઈશ્વરભક્તોએ પ્રાણીઓના દાખલા આપીને અમુક લોકોના ખાસ ગુણો બતાવ્યા હતા. જેમ કે, યાકૂબે યહૂદાની સરખામણી સિંહ સાથે કરી હતી. તેમણે બિન્યામીનની સરખામણી વરુ સાથે કરી હતી. (ઉત. ૪૯:૯, ૨૭) યાકૂબે એવી સરખામણી કેમ કરી? યહૂદા અને તેમના વંશજોમાં સિંહ જેવા ગુણો હશે. બિન્યામીન અને તેમના વંશજોમાં વરુ જેવા ગુણો હશે. હઝકિયેલે મૂસાનાં લખાણોમાંથી તેઓના વિશે વાંચ્યું હશે. એટલે હઝકિયેલ સમજી શક્યા હશે કે કરૂબોના ચહેરા કોઈ ખાસ ગુણોને રજૂ કરે છે. એ કયા ગુણો હતા?
યહોવા અને દૂતોના ગુણો
૭, ૮. ચાર ચહેરા કયા ગુણોને રજૂ કરે છે?
૭ હઝકિયેલના જમાના પહેલાં પણ બાઇબલના લેખકોએ અમુક ગુણો વિશે જણાવવા પશુ-પક્ષીઓનાં ઉદાહરણ આપ્યાં હતાં. તેઓએ સિંહ, ગરુડ અને આખલાનાં ઉદાહરણ આપ્યાં હતાં. જેમ કે, “સિંહ જેવો બહાદુર માણસ.” (૨ શમુ. ૧૭:૧૦; નીતિ. ૨૮:૧) ‘ગરુડ આકાશમાં ઊંચે ઊડે છે’ અને “એની નજર દૂર દૂર સુધી પહોંચે છે.” (અયૂ. ૩૯:૨૭, ૨૯) આખલા કે “બળદની તાકાતથી ભરપૂર ફસલ પાકે છે.” (નીતિ. ૧૪:૪) આવી કલમો પરથી આપણા સાહિત્યમાં સમજાવવામાં આવ્યું છે કે સિંહનો ચહેરો હિંમતથી કરેલા ન્યાયને રજૂ કરે છે. ગરુડનો ચહેરો બુદ્ધિને રજૂ કરે છે. આખલાનો ચહેરો પુષ્કળ તાકાતને રજૂ કરે છે.
૮ ‘માણસનો ચહેરો’ શાને રજૂ કરે છે? (હઝકિ. ૧૦:૧૪) એ ચોક્કસ એવા કોઈ ગુણને રજૂ કરે છે, જે પશુ-પક્ષીઓમાં હોતો નથી. એ ગુણ ફક્ત માણસમાં જ છે. ઈશ્વરે માણસને પોતાના જેવો બનાવ્યો છે. (ઉત. ૧:૨૭) પૃથ્વી પર ફક્ત માણસો પાસે જ એ અજોડ ગુણ છે. એ ગુણ કેળવવાની યહોવાએ આવી આજ્ઞાઓ આપી: ‘તું પૂરા દિલથી તારા ઈશ્વર યહોવાને પ્રેમ કર’ અને “તમે જેવો પોતાના પર એવો પોતાના પડોશી પર પ્રેમ રાખો.” (પુન. ૬:૫; લેવી. ૧૯:૧૮) આપણે કોઈ પણ સ્વાર્થ વગર યહોવા અને બીજાઓને પ્રેમ કરીને એ આજ્ઞાઓ પાળીએ. એમ કરીને આપણે યહોવા જેવો પ્રેમ બતાવીએ છીએ. પ્રેરિત યોહાને લખ્યું હતું: “આપણે પ્રેમ કરીએ છીએ, કેમ કે ઈશ્વરે પહેલા આપણને પ્રેમ કર્યો.” (૧ યોહા. ૪:૮, ૧૯) એટલે ‘માણસનો ચહેરો’ પ્રેમના ગુણને રજૂ કરે છે.
૯. કરૂબોના ચહેરા જે ગુણોને રજૂ કરે છે, એ કોનામાં જોવા મળે છે?
૯ એ ગુણો કોનામાં જોવા મળે છે? બધા સ્વર્ગદૂતોમાં. દર્શનમાં જોયેલા ચાર ચહેરા ચાર કરૂબોના છે. એ ચારેય કરૂબો યહોવાના બધા વફાદાર દૂતોને રજૂ કરે છે, જેઓથી યહોવાનું સ્વર્ગનું કુટુંબ બનેલું છે. (પ્રકટી. ૫:૧૧) યહોવા જીવનનો ઝરો છે. તેમણે બધા કરૂબોને જીવન આપ્યું છે. એટલે યહોવામાં જે ગુણો છે, એ કરૂબોમાં પણ છે. (ગીત. ૩૬:૯) હઝકિયેલે દર્શનમાં જોયેલા કરૂબોના ચાર ચહેરા યહોવાના ગુણોને રજૂ કરે છે. (અયૂ. ૩૭:૨૩; ગીત. ૯૯:૪; નીતિ. ૨:૬; મીખા. ૭:૧૮) યહોવા અલગ અલગ રીતે એ ગુણો બતાવે છે. ચાલો એવી અમુક રીતો જોઈએ.
૧૦, ૧૧. યહોવાના ચાર મુખ્ય ગુણોથી કયા આશીર્વાદો મળે છે?
૧૦ ન્યાય. યહોવાને “ઇન્સાફ પસંદ છે.” તે “પક્ષપાત કરતા નથી.” (ગીત. ૩૭:૨૮; પુન. ૧૦:૧૭) ભલે આપણે ગમે એ દેશ કે જાતિના હોઈએ, યહોવાએ આપણને તેમની ભક્તિ કરવાનો લહાવો આપ્યો છે. અરે, તેમણે સોનેરી ભાવિની આશા પણ આપી છે. બુદ્ધિ. યહોવા “ખૂબ જ બુદ્ધિશાળી” છે. તેમણે એવું પુસ્તક આપ્યું છે, જે “બુદ્ધિનો ખજાનો” છે. (અયૂ. ૯:૪; નીતિ. ૨:૭) બાઇબલમાં આપેલી સલાહ એકદમ સરસ છે. એનાથી રોજની ચિંતાઓનો સામનો કરવા મદદ મળે છે. એની સલાહથી આપણે આજે પણ સુખી થઈ શકીએ છીએ. શક્તિ. યહોવા “મહાશક્તિમાન” છે. યહોવા આપણને પોતાની પવિત્ર શક્તિથી એવી તાકાત આપે છે, જે “માણસની તાકાત કરતાં ઘણી ચઢિયાતી છે.” એનાથી આપણે મોટી મોટી તકલીફોનો સામનો કરી શકીએ છીએ. આપણે દુઃખના ડુંગરો પાર કરી શકીએ છીએ.—નાહૂ. ૧:૩; ૨ કોરીં. ૪:૭; ગીત. ૪૬:૧.
૧૧ પ્રેમ. યહોવા “અતૂટ પ્રેમના સાગર” છે. એટલે તે પોતાના વફાદાર ભક્તોને ખૂબ જ પ્રેમ કરે છે. તે તેઓનો સાથ ક્યારેય છોડતા નથી. (ગીત. ૧૦૩:૮; ૨ શમુ. ૨૨:૨૬) કદાચ આપણે કોઈ મોટી બીમારી સામે લડતા હોઈએ કે કદાચ ઘડપણની ચક્કીમાં પીસાતા હોઈએ. એટલે આપણે નિરાશાના પૂરમાં તણાઈ જતા હોઈએ. પણ આપણે યહોવાને ખૂબ પ્રેમ કરીએ છીએ અને તેમની દિલથી સેવા કરીએ છીએ. આપણે અત્યાર સુધી જે કર્યું છે, એ યહોવા ક્યારેય ભૂલશે નહિ. એ યાદ રાખવાથી આપણાં દિલને કેટલી ઠંડક મળે છે! (હિબ્રૂ. ૬:૧૦) યહોવા ન્યાય, બુદ્ધિ, શક્તિ અને પ્રેમ જેવા ગુણો બતાવે છે. એ ચાર મુખ્ય ગુણોથી આપણને હમણાં તો આશીર્વાદ મળે જ છે, ભાવિમાં પણ આશીર્વાદો મળશે!
૧૨. યહોવાના ગુણો સમજવા વિશે શું ભૂલવું ન જોઈએ?
૧૨ એ ભૂલીએ નહિ કે યહોવાના ગુણોને આપણે પૂરેપૂરી રીતે સમજી શકતા નથી. તેમના ગુણો વિશે જેટલું જાણીએ, જેટલું શીખીએ, એટલું ઓછું! એ “તો માત્ર એક ઝલક છે.” (અયૂ. ૨૬:૧૪) “સર્વશક્તિમાનને સમજવા આપણા ગજા બહારની વાત છે” અને “તેમની મહાનતા સમજની બહાર છે.” (અયૂ. ૩૭:૨૩; ગીત. ૧૪૫:૩) યહોવાના ગુણો ગણ્યા ગણાય નહિ એટલા બધા છે. એ એકબીજા સાથે એવા ગૂંથાયેલા છે કે એને છૂટા ન પાડી શકાય. (રોમનો ૧૧:૩૩, ૩૪ વાંચો.) હઝકિયેલના દર્શનથી શીખવા મળે છે કે યહોવાના ગુણો સમુદ્ર કાંઠાની રેતી કરતાંય વધારે છે અને એની કોઈ સીમા નથી. (ગીત. ૧૩૯:૧૭, ૧૮) એ સચ્ચાઈ દર્શનમાં કઈ રીતે જોવા મળે છે?
‘ચાર ચહેરા અને ચાર પાંખો’
૧૩, ૧૪. કરૂબોના ચાર ચહેરા શાને રજૂ કરે છે? એવું શાના પરથી કહી શકાય?
૧૩ હઝકિયેલે દર્શનમાં જોયું કે દરેક કરૂબને એક નહિ, ચાર ચહેરા હતા. એ શાને રજૂ કરે છે? યાદ કરો કે બાઇબલમાં ઘણી વાર ચારની સંખ્યા કશુંક આખું કે પૂરેપૂરું હોય એને રજૂ કરે છે. (યશા. ૧૧:૧૨; માથ. ૨૪:૩૧; પ્રકટી. ૭:૧) ધ્યાન આપો કે હઝકિયેલે આ દર્શનમાં અનેક વાર ચારની સંખ્યા વિશે વાત કરી છે. (હઝકિ. ૧:૫-૧૮) એનાથી આપણે શું સમજી શકીએ છીએ? ચાર કરૂબો બધા વફાદાર સ્વર્ગદૂતોને રજૂ કરે છે. એ જ રીતે, કરૂબોના ચારેય ચહેરાનો એકસાથે વિચાર કરીએ તો, એ યહોવાના બધા ગુણોને રજૂ કરે છે.b
૧૪ કરૂબોના ચાર ચહેરા ફક્ત ચાર ગુણોને બતાવતા નથી. એ સમજવા ચાલો હઝકિયેલના દર્શન વિશે ફરીથી વાત કરીએ. એમાં આપણે ચાર પૈડાં જોયાં. ખરું કે દરેક પૈડું બહુ મોટું છે. પણ એ ચારેય પૈડાં એકસાથે જોઈએ તો, એ પૈડાં રથનો આધાર કે પાયો છે. એવી જ રીતે, કરૂબોના ચાર ચહેરા યહોવાના ચાર મુખ્ય ગુણોને રજૂ કરે છે. પણ એ ચારેય ગુણોને એકસાથે જોઈએ તો, એ યહોવાના બધા ગુણોને રજૂ કરે છે.
યહોવા પોતાના વફાદાર ભક્તોથી દૂર નથી!
૧૫. હઝકિયેલને પહેલા દર્શનમાં કઈ સરસ વાત જાણવા મળી?
૧૫ હઝકિયેલને પહેલા દર્શનમાં પોતાના અને યહોવાના સંબંધ વિશે એક ખાસ વાત જાણવા મળી. એનાથી હઝકિયેલને કેટલી બધી ખુશી થઈ હશે! એ વાત કઈ છે? ધ્યાન આપો કે હઝકિયેલે પુસ્તકની શરૂઆતમાં શું લખ્યું. તે કહે છે કે પોતે “ખાલદીઓના દેશમાં” હતા. “ત્યાં તેના પર યહોવાની શક્તિ ઊતરી આવી.” (હઝકિ. ૧:૩) હઝકિયેલને ત્યાં એટલે કે બાબેલોનમાં દર્શન થયું હતું, નહિ કે યરૂશાલેમમાં.c એ જાણીને તેમને કેવું લાગ્યું હશે? તેમને ઘણો દિલાસો મળ્યો હશે. હઝકિયેલ તો બાબેલોનની ગુલામીમાં હતા. તે યરૂશાલેમ અને એના મંદિરથી ઘણા દૂર હતા. પણ તે યહોવાથી દૂર ન હતા. તે ત્યાં પણ યહોવાની ભક્તિ કરી શકતા હતા. હઝકિયેલને બાબેલોનમાં દર્શન બતાવીને યહોવા તેમની હિંમત બંધાવતા હતા. યહોવાની શુદ્ધ ભક્તિ કરવા જરૂરી ન હતું કે હઝકિયેલ કોઈ ખાસ જગ્યાએ હોય કે તેમના સંજોગો સારા હોય. મહત્ત્વનું તો એ હતું કે હઝકિયેલનું દિલ સારું હોય અને તેમના મનમાં યહોવાની ભક્તિ માટે જોશ હોય.
૧૬. (ક) હઝકિયેલના દર્શનથી આપણને કેવો દિલાસો મળે છે? (ખ) આપણે કેમ પૂરાં દિલથી યહોવાની ભક્તિ કરવા ચાહીએ છીએ?
૧૬ જ્યારે હઝકિયેલને ખબર પડી કે યહોવા તેમનાથી દૂર નથી, ત્યારે તેમને ઘણો દિલાસો મળ્યો. આપણે પણ એવો જ દિલાસો મેળવી શકીએ છીએ. આપણે ગમે ત્યાં રહેતા હોઈએ, ગમે તેટલા દુઃખી હોઈએ કે પછી ગમે તેવા સંજોગોમાં હોઈએ, એ મહત્ત્વનું નથી. જો યહોવાની દિલથી ભક્તિ કરીશું, તો તે આપણાથી દૂર નથી. (ગીત. ૨૫:૧૪; પ્રે.કા. ૧૭:૨૭) યહોવા પોતાના દરેક ભક્તને અતૂટ પ્રેમ કરે છે. આપણે ઘણી ભૂલો કરીએ છીએ છતાં યહોવા આપણી સાથે ધીરજથી વર્તે છે. (નિર્ગ. ૩૪:૬) આપણાં જીવનમાં ગમે તેટલાં તોફાનો આવે, પણ યહોવાના પ્રેમથી આપણને કોઈ જુદા પાડી શકશે નહિ. (ગીત. ૧૦૦:૫; રોમ. ૮:૩૫-૩૯) આ જોરદાર દર્શનથી આપણને એ પણ શીખવા મળે છે કે યહોવા કેટલા પવિત્ર અને શક્તિશાળી છે. ફક્ત તે જ આપણી ભક્તિના હકદાર છે. (પ્રકટી. ૪:૯-૧૧) આવાં દર્શનો માટે આપણે યહોવાના કેટલા આભારી છીએ! એનાથી યહોવા આપણને શીખવે છે કે તે કેવા છે અને તેમના ગુણો કયા છે. તેમના ગુણો વિશે અમુક મહત્ત્વની વાતો પણ તે સમજાવે છે. યહોવાના આવા સરસ સરસ ગુણો વિશે જાણીને તેમની સાથે આપણો સંબંધ વધારે મજબૂત થાય છે. આપણે પૂરાં દિલ અને પૂરા બળથી યહોવાનો જયજયકાર કરીએ છીએ.—લૂક ૧૦:૨૭.
૧૭. હવે પછીનાં પ્રકરણોમાં કયા સવાલોના જવાબ મળશે?
૧૭ દુઃખની વાત છે કે હઝકિયેલના દિવસોમાં શુદ્ધ ભક્તિ અશુદ્ધ થઈ ગઈ હતી. એવું કેમ થયું? એ સમયે યહોવાએ શું કર્યું? એ બનાવોથી આપણને શું શીખવા મળે છે? આ સવાલોના જવાબ હવે પછીનાં પ્રકરણોમાં જોઈશું.
a હઝકિયેલે જે રીતે પ્રાણીઓનું વર્ણન કર્યું, એનાથી આપણને યહોવાના નામનો અર્થ યાદ આવે છે. તેમના નામનો અર્થ છે કે “તે શક્ય બનાવે છે.” તેમના નામનો એ પણ અર્થ થાય કે યહોવા પોતાની ઇચ્છા પૂરી કરવા પોતે કરેલા સર્જનને ચાહે એ બનાવી શકે છે.—નવી દુનિયા ભાષાંતર, વધારે માહિતી ક-૪ જુઓ.
b અત્યાર સુધી આપણા સાહિત્યમાં યહોવાના ૫૦ જેટલા ગુણો વિશે બતાવવામાં આવ્યું છે.—યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા “યહોવા ઈશ્વર” મથાળા નીચે “યહોવાના ગુણો” જુઓ.
c બાઇબલના એક વિદ્વાન આમ જણાવે છે: ‘“ત્યાં” શબ્દ બતાવે છે કે હઝકિયેલને કેટલી નવાઈ લાગી હશે! ઈશ્વર ત્યાં બાબેલોનમાં પણ છે. એનાથી તેમને કેટલો બધો દિલાસો મળ્યો હશે!’