પ્રકરણ ૧૭
‘ઓ ગોગ! હું તારી વિરુદ્ધ છું’
ઝલક: ‘ગોગની’ ઓળખ શું છે? તે જેના પર હુમલો કરશે, એ “દેશ” શાને બતાવે છે?
૧, ૨. (ક) બહુ જલદી કયું મોટું યુદ્ધ થશે? (ખ) આપણાં મનમાં કયા સવાલો ઊભા થઈ શકે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
હજારો વર્ષોથી કંઈ કેટલાંય યુદ્ધ થયાં છે. એમાં લોહીની નદીઓ વહી છે. ૨૦મી સદીમાં બે વિશ્વયુદ્ધો થયાં. એમાં એટલી બધી ખૂનખરાબી થઈ કે એવું તો ક્યારેય થયું નથી. પણ બહુ જલદી જ એટલું મોટું યુદ્ધ થવાનું છે, જે દુનિયામાં આજ સુધી થયું નથી. આ લડાઈ કંઈ બે દેશો વચ્ચેની નથી, જેઓ પોતાનો સ્વાર્થ પૂરો કરવા લડતા હોય છે. એ યુદ્ધ તો “સર્વશક્તિમાન ઈશ્વરના મહાન દિવસની લડાઈ” હશે. (પ્રકટી. ૧૬:૧૪) ઈશ્વરનો જાની દુશ્મન એ યુદ્ધ શરૂ કરશે. કઈ રીતે? તે એક દેશ પર હુમલો કરશે, જે યહોવા માટે બહુ અનમોલ છે. એ વખતે વિશ્વના માલિક યહોવા પોતાના દેશને બચાવવા આગળ આવશે. તે પોતાની શક્તિનો પરચો બતાવીને એવો વિનાશ લાવશે કે એવું તો તેમણે ક્યારેય કર્યું નથી.
૨ કદાચ આપણાં મનમાં આવા સવાલો ઊભા થાય: એ દુશ્મન કોણ છે? એ દેશ શું છે, જેના પર તે હુમલો કરશે? તે આ દેશ પર ક્યારે, કેમ અને કઈ રીતે હુમલો કરશે? ભવિષ્યમાં જે બનાવો બનશે, એની અસર યહોવાના ભક્તોને, એટલે કે આપણને થશે. એટલે એ સવાલોના જવાબ જાણવા બહુ જરૂરી છે. હઝકિયેલ ૩૮ અને ૩૯માં આપેલી જોરદાર ભવિષ્યવાણીમાંથી આપણને એ સવાલોના જવાબ મળશે.
દુશ્મન—માગોગનો ગોગ
૩. માગોગ દેશના ગોગ વિશેની ભવિષ્યવાણી ટૂંકમાં જણાવો.
૩ હઝકિયેલ ૩૮:૧, ૨, ૮, ૧૬, ૧૮; ૩૯:૪, ૧૧ વાંચો. ટૂંકમાં કહીએ તો ભવિષ્યવાણી આ છે: “છેલ્લા દિવસોમાં” એક દુશ્મન ઈશ્વરના લોકોના “દેશ” પર હુમલો કરશે. એ દુશ્મનને ‘માગોગનો ગોગ’ કહેવામાં આવે છે. એ દુશ્મન હુમલો કરશે ત્યારે યહોવાનો “ક્રોધ” ભભૂકી ઊઠશે. એ ‘દેશને’ બચાવવા યહોવા પગલાં ભરશે. તે ગોગને હરાવી દેશે.a યહોવાની જીત થશે. તે હારેલા દુશ્મનને અને તેને સાથ આપનારા બધાને “શિકારી પક્ષીઓ અને જંગલી જાનવરોનો ખોરાક” બનાવી દેશે. છેલ્લે યહોવા એ ગોગને “દાટવાની જગ્યા” આપશે. આપણા સમયમાં જલદી જ આ ભવિષ્યવાણી પ્રમાણે થશે. કઈ રીતે? એ સમજવા પહેલા જાણવું પડશે કે ગોગ કોણ છે.
૪. માગોગ દેશનો ગોગ કોને રજૂ કરે છે?
૪ હઝકિયેલે ગોગ વિશે જે કંઈ જણાવ્યું, એનાથી શું જોવા મળે છે? એ જ કે ગોગ તો ઈશ્વરભક્તોનો દુશ્મન છે. શેતાન યહોવાની ભક્તિનો સૌથી મોટો દુશ્મન છે. શું શેતાન જ ગોગ છે? ઘણાં વર્ષોથી આપણા સાહિત્યમાં એવું જ બતાવવામાં આવતું હતું. પણ હઝકિયેલની ભવિષ્યવાણી પર ધ્યાનથી વિચાર કરવામાં આવ્યો અને આપણી સમજણમાં ફેરફાર કરવામાં આવ્યો. એક ચોકીબુરજમાં બતાવ્યું છે કે માગોગનો ગોગ કોઈ દૂતને નથી રજૂ કરતો. એ તો અમુક દેશોથી બનેલા સમૂહને રજૂ કરે છે. એ સમૂહ યહોવાની ભક્તિને મિટાવી દેવાની કોશિશ કરશે.b આપણે કેમ એવું કહીએ છીએ? ચાલો પહેલા જોઈએ કે ગોગ શા માટે શેતાન ન હોય શકે. હઝકિયેલની ભવિષ્યવાણીમાંથી એના બે પુરાવા જોઈએ.
૫, ૬. શાના પરથી ખબર પડે છે કે ગોગ શેતાન નથી?
૫ ‘હું તમને શિકારી પક્ષીઓનો ખોરાક બનાવી દઈશ.’ (હઝકિ. ૩૯:૪) બાઇબલમાં યહોવાએ ઘણી વાર દુષ્ટ લોકોને સજા ફટકારતી વખતે ચેતવણી આપી હતી કે તેઓને શિકારી પક્ષીઓનો ખોરાક બનાવી દેશે. તેમણે આ ચેતવણી ઇઝરાયેલીઓને અને બીજી પ્રજાના લોકોને આપી હતી. (પુન. ૨૮:૨૬; યર્મિ. ૭:૩૩; હઝકિ. ૨૯:૩, ૫) ધ્યાન આપો કે યહોવાએ આ ચેતવણી દૂતોને આપી ન હતી. તેમણે એ ચેતવણી હાડ-માંસના બનેલા માણસોને આપી હતી. એ સમજવા જેવું છે, કેમ કે શિકારી પક્ષીઓનો અને જંગલી જાનવરોનો ખોરાક માંસ છે, દૂતો નહિ. હઝકિયેલની આ ભવિષ્યવાણીથી પહેલો પુરાવો મળે છે કે ગોગ શેતાન નથી, કેમ કે એ તો એક દૂત છે.
૬ “હું ગોગને માટે ઇઝરાયેલમાં દાટવાની જગ્યા આપીશ.” (હઝકિ. ૩૯:૧૧) બાઇબલમાં એવું ક્યાંય જણાવ્યું નથી કે દૂતોને ધરતી પર દાટવામાં આવશે. બાઇબલ જણાવે છે કે શેતાન અને તેના દુષ્ટ દૂતોને ૧,૦૦૦ વર્ષ માટે અનંત ઊંડાણમાં નાખી દેવામાં આવશે. પછીથી તેઓને આગ અને ગંધકના સરોવરમાં નાખી દેવામાં આવશે. એ બતાવે છે કે તેઓને હંમેશ માટે મિટાવી દેવામાં આવશે. (લૂક ૮:૩૧; પ્રકટી. ૨૦:૧-૩, ૧૦) પણ બાઇબલ બતાવે છે કે ગોગને પૃથ્વી પર “દાટવાની જગ્યા” આપવામાં આવશે. હઝકિયેલની આ ભવિષ્યવાણીથી બીજો પુરાવો મળે છે કે ગોગ શેતાન નથી.
૭, ૮. (ક) ‘ઉત્તરના રાજાનો’ ક્યારે નાશ થશે? (ખ) ઉત્તરના રાજાનો અને ગોગનો અંત કઈ રીતે એકસરખો હશે?
૭ આપણે શીખ્યા કે ગોગ કોઈ દૂત નથી. તો પછી ગોગ કોણ છે અથવા શું છે, જે યહોવાની ભક્તિ કરતા લોકો પર છેલ્લો હુમલો કરશે. એ જાણવા ચાલો બે ભવિષ્યવાણીઓ વિશે જોઈએ.
૮ “ઉત્તરનો રાજા.” (દાનિયેલ ૧૧:૪૦-૪૫ વાંચો.) દાનિયેલે ભવિષ્યવાણી કરી હતી કે તેમના સમયથી લઈને અત્યાર સુધી કઈ કઈ મહાસત્તાઓ આવશે. તેમણે એ પણ કીધું કે “દક્ષિણનો રાજા” અને “ઉત્તરનો રાજા” એકબીજાને હરાવવા લડતા રહેશે. સદીઓથી એ બંને રાજાઓ અલગ અલગ દેશોને બતાવે છે. તેઓ સત્તા મેળવવા માટે લડતા રહે છે. દાનિયેલે જણાવ્યું હતું કે ‘અંતના સમયમાં’ ઉત્તરનો રાજા શું કરશે. “તે ખૂબ ગુસ્સે ભરાઈને ઘણાનો સંહાર અને સર્વનાશ કરવા નીકળી પડશે.” ઉત્તરનો રાજા છેલ્લો હુમલો યહોવાના લોકો પર કરશે. તે તેઓને ખતમ કરવા નીકળી પડશે.c પણ તેના ઇરાદા પર પાણી ફરી વળશે અને “તેનો અંત આવશે.” માગોગના ગોગ વિશે પણ એવું જ બતાવ્યું છે.
૯. માગોગના ગોગનો અંત અને ‘આખી પૃથ્વીના રાજાઓનો’ અંત કઈ રીતે એકસરખો હશે?
૯ “આખી પૃથ્વીના રાજાઓ.” (પ્રકટીકરણ ૧૬:૧૪, ૧૬; ૧૭:૧૪; ૧૯:૧૯, ૨૦ વાંચો.) પ્રકટીકરણ બતાવે છે કે “રાજાઓના રાજા” ઈસુ પર “પૃથ્વીના રાજાઓ” હુમલો કરશે. પણ ઈસુ સ્વર્ગમાં હોવાથી તેઓ તેમના સુધી પહોંચી શકશે નહિ. એટલે ઈશ્વરના રાજ્યને ટેકો આપનારા જે ઈશ્વરભક્તો ધરતી પર છે, તેઓ પર એ રાજાઓ હુમલો કરશે. પણ આર્માગેદનના યુદ્ધમાં પૃથ્વીના રાજાઓની સખત હાર થશે. યહોવાના લોકો પર હુમલો કરશે પછી તેઓ ખતમ થઈ જશે. માગોગના ગોગ જેવી જ હાલત પૃથ્વીના રાજાઓની પણ થશે.d
૧૦. માગોગનો ગોગ કોણ છે?
૧૦ આપણે જે જોઈ ગયા એનાથી બે વાત સાફ સાફ દેખાય આવે છે. એક, ગોગ કોઈ દૂત નથી. બે, ગોગ પૃથ્વી પરના દેશોના સમૂહને બતાવે છે. એ સમૂહ બહુ જલદી યહોવાના લોકો પર હુમલો કરશે. બેશક, એ બધા દેશો એક થઈને યહોવાના લોકો પર હુમલો કરશે. એવું કેમ? યહોવાના લોકો પૃથ્વીના ખૂણે ખૂણે છે. એટલે તેઓ પર હુમલો કરવા આ દેશોએ એક થવું જ પડશે. (માથ. ૨૪:૯) તોપણ ભૂલતા નહિ, આ હુમલો કરાવવા પાછળ બીજા કોઈનો નહિ, દુષ્ટ શેતાનનો હાથ હશે. તેણે તો સદીઓથી દેશોને યહોવાની ભક્તિનો વિરોધ કરવા ઉશ્કેર્યા છે. (૧ યોહા. ૫:૧૯; પ્રકટી. ૧૨:૧૭) પણ હઝકિયેલની ભવિષ્યવાણીમાં જે ગોગની વાત થાય છે, એ શેતાન નથી. એ ગોગ તો પૃથ્વીના દેશોને બતાવે છે, જે યહોવાના લોકો પર હુમલો કરશે.e
“દેશ” શાને બતાવે છે?
૧૧. ભવિષ્યવાણી એ “દેશ” વિશે શું જણાવે છે, જેના પર ગોગ હુમલો કરશે?
૧૧ ફકરા ૩માં જોઈ ગયા તેમ માગોગનો ગોગ એક દેશ પર હુમલો કરશે. એ દેશ યહોવાની નજરમાં બહુ અનમોલ છે. ગોગ એ દેશ પર હુમલો કરશે ત્યારે યહોવાનો ક્રોધ ભભૂકી ઊઠશે. એ દેશ શાને બતાવે છે? એ જાણવા ચાલો આપણે ફરીથી હઝકિયેલની ભવિષ્યવાણી જોઈએ. (હઝકિયેલ ૩૮:૮-૧૨ વાંચો.) ભવિષ્યવાણીમાં બતાવવામાં આવ્યું છે કે ગોગ ‘એવા દેશ પર હુમલો કરશે, જેના લોકોને છોડાવીને ઠરીઠામ કરવામાં આવ્યા છે.’ એ દેશના ‘લોકો ઘણી પ્રજાઓમાંથી આવેલા’ છે. એ પણ જણાવ્યું છે કે એ દેશમાં યહોવાના લોકો “સલામતીમાં રહે છે.” તેઓ એવાં ગામડાઓમાં રહે છે, “જેને નથી દીવાલો, ભૂંગળો કે દરવાજા.” તેઓએ ‘ઘણી ધનદોલત ભેગી કરી છે.’ એ દેશમાં યહોવાના લોકો રહે છે, જે આખી દુનિયામાં ફેલાયેલા છે. એ દેશ શાને બતાવે છે, એ આપણે કઈ રીતે જાણી શકીએ?
૧૨. અગાઉના ઇઝરાયેલ દેશમાં શું થયું હતું?
૧૨ એ સવાલનો જવાબ જાણવા ચાલો અગાઉના ઇઝરાયેલ વિશે જોઈએ. આપણે જોઈએ કે તેઓને કઈ રીતે વતનમાં પાછા લાવવામાં આવ્યા અને કઈ રીતે યહોવાની ભક્તિ ફરી શરૂ થઈ. યહોવાએ પસંદ કરેલા લોકો સદીઓથી એ દેશમાં રહેતા હતા, કામ કરતા હતા અને તેમની ભક્તિ કરતા હતા. પણ સમય જતાં તેઓએ યહોવાની આજ્ઞાઓ તોડી. એટલે યહોવાએ હઝકિયેલ પાસે ભવિષ્યવાણી કરાવી કે તેઓનો દેશ ઉજ્જડ અને વેરાન થઈ જશે. (હઝકિ. ૩૩:૨૭-૨૯) યહોવાએ એમ પણ કીધું કે જે લોકો પસ્તાવો કરશે, તેઓ બાબેલોનની ગુલામીમાંથી પોતાના વતન પાછા ફરશે. ત્યાં તેઓ ફરીથી યહોવાની ભક્તિ કરવા લાગશે. યહોવા એ દેશ પર આશીર્વાદો વરસાવશે. એટલે ઇઝરાયેલ દેશ “એદન બાગ જેવો” સુંદર અને લીલોછમ થઈ જશે. (હઝકિ. ૩૬:૩૪-૩૬) ઈ.સ. પૂર્વે ૫૩૭માં યહૂદીઓ ગુલામીમાંથી યરૂશાલેમ પાછા આવ્યા. એ સમયથી તેઓના વહાલા વતનમાં યહોવાની ભક્તિ ફરીથી શરૂ થઈ.
૧૩, ૧૪. (ક) યહોવાનો વહાલો “દેશ” શું છે? (ખ) યહોવાને એ “દેશ” કેમ બહુ વહાલો છે?
૧૩ આપણા સમયમાં પણ યહોવાના ભક્તો એવા જ આશીર્વાદોનો અનુભવ કરે છે. આપણે ૯મા પ્રકરણમાં શું જોઈ ગયા? એ જ કે યહોવાના ભક્તો એક વખતે લાંબા સમયથી મહાન બાબેલોનની ગુલામીમાં હતા. પણ ૧૯૧૯થી તેઓ એમાંથી આઝાદ થયા. એ વર્ષથી તેઓ જાણે કે પોતાના ‘દેશમાં’ રહેવા લાગ્યા. એનો મતલબ કે તેઓ એટલા શુદ્ધ થયા કે યહોવાની ભક્તિ કરી શકે. એ સમયથી તેઓ ફક્ત યહોવાને જ સાચા ઈશ્વર તરીકે ભજવા લાગ્યા. એટલે યહોવાએ પોતાના લોકો પર પુષ્કળ આશીર્વાદ વરસાવ્યો. પછી તેઓ કોઈ ડર વગર નિરાંતે જીવવા લાગ્યા, સુખચેનથી રહેવા લાગ્યા. તેઓને મનની શાંતિ મળી. (નીતિ. ૧:૩૩) યહોવા પોતાના વિશે આપણને ઘણું શીખવે છે અને એની સમજણ આપે છે. એટલું જ નહિ, યહોવાના રાજ્ય વિશેની ખુશખબર લોકોને જણાવવાનું મનગમતું કામ પણ આપણી પાસે છે. બાઇબલના આ શબ્દો એકદમ સાચા છે: “યહોવાનો આશીર્વાદ માણસને ધનવાન બનાવે છે અને એની સાથે તે કોઈ દુઃખ આપતા નથી.” (નીતિ. ૧૦:૨૨) આપણે ભલે ધરતીના કોઈ પણ ખૂણે રહેતા હોઈએ, આપણે યહોવાના આ વહાલા ‘દેશમાં’ રહીએ છીએ. એમાં રહેવા આપણે યહોવાની ભક્તિને પૂરો ટેકો આપવો જોઈએ. એ આપણાં વાણી-વર્તનમાં દેખાઈ આવવું જોઈએ.
૧૪ આ “દેશ” યહોવાને બહુ વહાલો છે. એનું કારણ એ કે યહોવાની નજરમાં એ દેશમાં રહેનારા ‘બધી પ્રજાઓના’ લોકો “કીમતી” છે. યહોવા તેઓને પોતાની પાસે દોરી લાવ્યા, જેથી તેઓ શુદ્ધ ભક્તિ કરી શકે. (હાગ્ગા. ૨:૭; યોહા. ૬:૪૪) તેઓ નવો સ્વભાવ કેળવવાની કોશિશ કરે છે. તેઓ યહોવા જેવા ગુણો કેળવવાની કોશિશ કરે છે. (એફે. ૪:૨૩, ૨૪; ૫:૧, ૨) યહોવાના લોકો તેમની દિલોજાનથી ભક્તિ કરે છે. તેમને બહુ પ્રેમ કરે છે. તેમનો જયજયકાર કરે છે. (રોમ. ૧૨:૧, ૨; ૧ યોહા. ૫:૩) યહોવાના લોકો એ ‘દેશને’ સુંદર બનાવવા કેટલી મહેનત કરે છે! એ જોઈને યહોવાને ઘણી ખુશી થતી હશે. જરા વિચારો, જ્યારે તમે યહોવાની ભક્તિને જીવનમાં સૌથી પહેલા રાખો છો, ત્યારે તમે એ ‘દેશને’ સુંદર બનાવો છો. એટલું જ નહિ, તમે યહોવાનું દિલ ખુશ કરો છો.—નીતિ. ૨૭:૧૧.
ગોગ ક્યારે, કેમ અને કઈ રીતે દેશ પર હુમલો કરશે?
૧૫, ૧૬. જે ‘દેશમાં’ યહોવાની ભક્તિ થાય છે, એના પર માગોગનો ગોગ ક્યારે હુમલો કરશે?
૧૫ જરા વિચારો, બહુ જલદી એવો સમય આવશે, જ્યારે દેશોનો સમૂહ આપણા વહાલા દેશ પર હુમલો કરશે. યહોવાના ભક્તો તરીકે આપણે બધાએ એ હુમલાનો હિંમતથી સામનો કરવાનો છે. એટલે એ હુમલા વિશે જાણવું જોઈએ. ચાલો એના વિશે ત્રણ સવાલો જોઈએ.
૧૬ જે ‘દેશમાં’ યહોવાની ભક્તિ થાય છે, એના પર માગોગનો ગોગ ક્યારે હુમલો કરશે? ભવિષ્યવાણી બતાવે છે કે ગોગ યહોવાના લોકો પર “છેલ્લા દિવસોમાં” હુમલો કરશે. (હઝકિ. ૩૮:૧૬) એનાથી ખબર પડે છે કે આ દુનિયાના છેલ્લા દિવસોમાં એ હુમલો થશે. ભૂલીએ નહિ કે મોટી વિપત્તિ આ બનાવથી શરૂ થશે: મહાન બાબેલોન, એટલે કે દુનિયાના એવા બધા ધર્મોનો નાશ થશે, જેઓ ખરા ઈશ્વરને ભજતા નથી. એવા ધર્મોના સંગઠનોનો નાશ થાય એ પછી અને આર્માગેદન શરૂ થાય એ પહેલાં, યહોવાના લોકો પર ગોગ ચારે બાજુથી છેલ્લો હુમલો કરશે.
૧૭, ૧૮. મોટી વિપત્તિના સમયે યહોવા શું કરશે?
૧૭ જે ‘દેશમાં’ યહોવાની ભક્તિ ફરી શરૂ થઈ, એના પર ગોગ કેમ હુમલો કરશે? હઝકિયેલની ભવિષ્યવાણી બે કારણો બતાવે છે. પહેલું કારણ, યહોવા પગલાં ભરશે. બીજું કારણ, ગોગના દુષ્ટ ઇરાદા.
૧૮ યહોવા પગલાં ભરશે. (હઝકિયેલ ૩૮:૪, ૧૬ વાંચો.) ધ્યાન આપો, યહોવા ગોગને કહે છે કે ‘હું તારાં જડબાંમાં કડીઓ ભેરવીશ’ અને “હું તને મારા દેશ વિરુદ્ધ લઈ આવીશ.” તો શું એનો અર્થ એવો થાય કે યહોવા દેશો પર જબરજસ્તી કરશે અને પોતાના લોકો પર હુમલો કરાવશે? બિલકુલ નહિ. યહોવા પોતાના લોકોને કદી પણ દુઃખી નહિ કરે. (અયૂ. ૩૪:૧૨) પણ યહોવા પોતાના દુશ્મનોની રગેરગ જાણે છે. તે જાણે છે કે તેઓ ઈશ્વરભક્તોને સખત નફરત કરે છે. તેઓ યહોવાના લોકોને મિટાવી દેવાનો એકેય મોકો હાથમાંથી જવા નહિ દે. (૧ યોહા. ૩:૧૩) યહોવા જાણે કે ગોગનાં જડબાંમાં કડીઓ ભેરવીને તેને ખેંચી લાવશે. યહોવા કંઈક એવું કરશે, જેનાથી તેમની મરજી પૂરી થશે અને એ પણ પોતે નક્કી કરેલા સમયે. મહાન બાબેલોનના નાશ પછી યહોવા શું કરશે? તે દેશોને કદાચ એવું કામ કરવા ઉશ્કેરશે, જે તેઓએ પોતાનાં મનમાં પહેલેથી જ નક્કી કર્યું છે. એ કામ કયું છે? યહોવાના લોકો પર હુમલો કરવાનું. યહોવા એક પછી એક પગલાં ભરશે. પછી ગોગ એ દેશ પર હુમલો કરશે, જે યહોવાને ખૂબ વહાલો છે. ત્યાર બાદ દુનિયાનું સૌથી મોટું યુદ્ધ આર્માગેદન શરૂ થશે. યહોવા પોતાના લોકોને છોડાવશે. ફક્ત યહોવાને જ રાજ કરવાનો હક છે, એ તે સાબિત કરી આપશે. તે પોતાનું નામ પવિત્ર મનાવશે.—હઝકિ. ૩૮:૨૩.
દેશો આપણને યહોવાની ભક્તિ કરતા રોકવાની કોશિશ કરશે, કેમ કે તેઓ યહોવાની ભક્તિને અને એને ટેકો આપનારા લોકોને સખત નફરત કરે છે
૧૯. ગોગ કેમ આપણી ધનદોલત લૂંટી લેવાની કોશિશ કરશે?
૧૯ ગોગના દુષ્ટ ઇરાદા. ભવિષ્યવાણી જણાવે છે કે દુનિયાના દેશો “ખતરનાક કાવતરું” ઘડશે. લાંબા સમયથી યહોવાના ભક્તો તેઓને આંખમાં કણાની જેમ ખૂંચે છે. એટલે એ લોકોને મિટાવી દેવા તેઓ આભ-જમીન એક કરી દેશે. તેઓને લાગશે કે યહોવાના લોકોને કોણ બચાવશે. તેઓ જાણે “એવાં ગામડાઓમાં રહે છે, જેને નથી દીવાલો, ભૂંગળો કે દરવાજા.” તેઓને ખબર પડશે કે યહોવાના લોકોએ ‘ઘણી ધનદોલત ભેગી કરી છે.’ એટલે તેઓનો ઇરાદો “દેશ પર હુમલો કરીને એને લૂંટી લેવાનો છે.” (હઝકિ. ૩૮:૧૦-૧૨) અહીં જણાવેલી “ધનદોલત” શાને બતાવે છે? એ યહોવાની ભક્તિને બતાવે છે. આપણે ફક્ત ને ફક્ત યહોવાની જ ભક્તિ કરીએ છીએ. એ જ આપણી કીમતી ધનદોલત છે. પણ દેશો આપણી આ ધનદોલત લૂંટી લેવાની કોશિશ કરશે, એટલે કે આપણને યહોવાની ભક્તિ કરતા રોકવા માંગશે. એવું નથી કે તેઓ એને કીમતી ગણે છે, એટલે લૂંટી લેવા માંગશે. પણ તેઓ તો એને સખત નફરત કરે છે. તેઓ યહોવાની ભક્તિ કરનારા લોકોને પણ સખત નફરત કરે છે.
૨૦. યહોવાની ભક્તિ કરનારા લોકોના “દેશ” પર ગોગ કઈ રીતે હુમલો કરશે?
૨૦ યહોવાની ભક્તિ કરનારા લોકોના “દેશ” પર ગોગ કઈ રીતે હુમલો કરશે? દેશો કદાચ આપણાં જીવનમાં ઊથલ-પાથલ મચાવે. આપણે યહોવાની ભક્તિ કરીએ, એમાં તેઓ મુસીબતો ઊભી કરે. યહોવાની ભક્તિને લગતાં કોઈ પણ કામ કરવામાં તેઓ રોકટોક કરે. તેઓ કદાચ આપણું સાહિત્ય રોકવાની કોશિશ કરે. આપણી સભાઓ અટકાવે. તેઓ આપણો સંપ તોડવાની કોશિશ કરે અને આપણને પૂરા જોશથી ખુશખબર ફેલાવતા રોકે. શેતાનના હાથની કઠપૂતળી બનીને એ દેશો ધરતી પરથી યહોવાના લોકોનું નામનિશાન મિટાવી દેવાની કોશિશ કરશે. એની સાથે સાથે તેઓ યહોવાની ભક્તિ પણ જડમૂળથી ઉખેડી નાખવાની કોશિશ કરશે.
૨૧. યહોવાએ આવનાર હુમલા વિશે પહેલેથી જ જણાવ્યું છે, એ કેમ સારું કહેવાય?
૨૧ ગોગના હુમલાની યહોવાના બધા ભક્તો પર અસર થશે. કેટલું સારું કે એ હુમલા વિશે યહોવાએ પહેલેથી જ જણાવ્યું છે! મોટી વિપત્તિ બહુ ઝડપથી આવી રહી છે. એટલે આપણે નક્કી કરીએ કે જેમ યહોવાની ભક્તિ જીવનમાં પહેલી રાખી છે અને હમણાં રાખીએ છીએ, તેમ હંમેશાં એને જીવનમાં પહેલી રાખીશું. એમ કરીને આપણે યહોવાના વહાલા દેશને વધારે સુંદર બનાવીશું. એટલું જ નહિ, આપણે ઇતિહાસનો જોરદાર અને અજોડ બનાવ જોઈશું. આર્માગેદનમાં જોઈશું કે યહોવા કઈ રીતે પોતાના લોકોને બચાવશે. ખાસ તો એ જોઈશું કે તે કઈ રીતે પોતાના પવિત્ર નામનો જયજયકાર કરાવશે. હવે પછીના પ્રકરણમાં એના વિશે વધારે જોઈશું.
a હવે પછીના પ્રકરણમાં જોઈશું કે યહોવાનો ક્રોધ ગોગ પર ક્યારે અને કઈ રીતે ભભૂકી ઊઠશે. આપણે એ પણ જોઈશું કે યહોવાના ભક્તો પર એની કેવી અસર પડશે.
b ચોકીબુરજ મે ૧૫, ૨૦૧૫, પાન ૨૯-૩૦ પર “વાચકો તરફથી પ્રશ્નો” જુઓ.
c દાનિયેલ ૧૧:૪૫થી જોવા મળે છે કે ઉત્તરનો રાજા યહોવાના લોકો પર હુમલો કરશે. એમાં લખ્યું છે કે એ રાજા “વિશાળ સમુદ્ર [ભૂમધ્ય સમુદ્ર] અને સુંદર દેશના પવિત્ર પર્વત [જ્યાં એક સમયે યહોવાનું મંદિર હતું અને તેમના લોકો તેમની ભક્તિ કરતા હતા] વચ્ચે પોતાના શાહી તંબુઓ ઊભા કરશે.”
d બાઇબલ આપણા સમયના ‘આશ્શૂરની’ પણ વાત કરે છે, જે ઈશ્વરભક્તોનું નામનિશાન મિટાવી દેવાની કોશિશ કરશે. (મીખા. ૫:૫) એમ બતાવવામાં આવ્યું છે કે યહોવાના લોકો પર આ ચાર હુમલા થશે: માગોગના ગોગનો હુમલો, ઉત્તરના રાજાનો હુમલો, પૃથ્વીના રાજાઓનો હુમલો અને આશ્શૂરનો હુમલો. ભલે આ ચાર અલગ અલગ હુમલા વિશે બતાવવામાં આવ્યું છે, પણ એ ચારેય એક જ હુમલાને બતાવતા હોય શકે.
e પ્રકટીકરણ ૨૦:૭-૯માં ‘ગોગ અને માગોગ’ વિશે બતાવ્યું છે. એ કોણ છે એ જાણવા આ પુસ્તકનું ૨૨મું પ્રકરણ જુઓ.