પાઠ ૩૫
આપણે સારા નિર્ણયો કઈ રીતે લઈ શકીએ?
આપણે બધા અનેક નિર્ણયો લઈએ છીએ. અમુક નિર્ણયો આપણું આખું જીવન બદલી નાખે છે. એવા નિર્ણયોથી યહોવા સાથેના સંબંધ પર પણ અસર થાય છે. જેમ કે, ઘર કઈ રીતે ચલાવવું, લગ્ન કરવું કે નહિ, ક્યાં રહેવું, વગેરે. જો સમજી-વિચારીને સારા નિર્ણયો લઈશું, તો પોતે ખુશ રહી શકીશું અને યહોવાનું દિલ પણ ખુશ કરી શકીશું.
૧. સારા નિર્ણયો લેવા બાઇબલ કઈ રીતે મદદ કરે છે?
કોઈ પણ નિર્ણય લેતા પહેલાં પ્રાર્થનામાં યહોવા પાસે મદદ માંગવી જોઈએ. પછી બાઇબલમાંથી સંશોધન કરવું જોઈએ, જેથી યહોવાના વિચારો જાણી શકીએ. (નીતિવચનો ૨:૩-૬ વાંચો.) અમુક કિસ્સાઓમાં, યહોવાએ બાઇબલમાં સીધેસીધી આજ્ઞા આપી છે કે શું કરવું અને શું ન કરવું. એવામાં સૌથી સારો નિર્ણય એ જ રહેશે કે તમે યહોવાની વાત માનો.
જો કોઈ સંજોગ વિશે બાઇબલમાં સીધેસીધી આજ્ઞા આપી ન હોય તો શું? એવા સંજોગોમાં પણ યહોવા તમારી મદદ કરશે અને “તમારે જે માર્ગે ચાલવું જોઈએ” એ માર્ગ બતાવશે. (યશાયા ૪૮:૧૭) કઈ રીતે? સારો નિર્ણય લેવા મદદ મળે માટે યહોવાએ બાઇબલમાં અમુક સિદ્ધાંતો લખાવ્યા છે. સિદ્ધાંત એટલે કે બાઇબલનું શિક્ષણ, જે યહોવાનાં વિચારો અને લાગણીઓ સમજવા મદદ કરે છે. ઘણી વાર બાઇબલમાં નોંધેલા અહેવાલો વાંચવાથી આપણે જાણી શકીએ છીએ કે યહોવા શું વિચારે છે અને તેમને કેવું લાગે છે. એનાથી આપણે એવા નિર્ણયો લઈ શકીશું, જેનાથી યહોવા ખુશ થાય છે.
૨. નિર્ણય લેતા પહેલાં શું ધ્યાનમાં રાખવું જોઈએ?
બાઇબલમાં લખ્યું છે: “ચતુર માણસ દરેક પગલું સમજી-વિચારીને ભરે છે.” (નીતિવચનો ૧૪:૧૫) એનો અર્થ થાય કે નિર્ણય લેતા પહેલાં થોડો સમય કાઢીને એ વિશે વિચાર કરવો જોઈએ. તમે આવા સવાલો પર વિચાર કરી શકો: ‘બાઇબલનો કયો સિદ્ધાંત મને મદદ કરશે? શું કરવું વધારે સારું રહેશે? શું મારા નિર્ણયની બીજાઓ પર સારી અસર પડશે કે ખરાબ અસર પડશે? સૌથી મહત્ત્વનું તો, શું મારા નિર્ણયથી યહોવા ખુશ થશે?’—પુનર્નિયમ ૩૨:૨૯.
યહોવા આપણને હકથી કહી શકે છે કે સારું શું અને ખરાબ શું. ખરા-ખોટા વચ્ચેનો ફરક પારખવા યહોવાએ નિયમો અને સિદ્ધાંતો આપ્યા છે. તેમણે આપણને અંતઃકરણ પણ આપ્યું છે. એ આપણા દિલનો અવાજ છે જે આપણને ખરા-ખોટા વચ્ચેનો ફરક બતાવે છે. (રોમનો ૨:૧૪, ૧૫) અંતઃકરણ માટે કોઈ વાર અંતર, મન, હૃદય અને દિલ જેવા શબ્દો પણ વપરાય છે. જો આપણે યહોવાના નિયમો અને સિદ્ધાંતો જાણીશું અને દરેક સંજોગમાં એ પ્રમાણે કરીશું, તો આપણા અંતઃકરણને યહોવાના વિચારો પ્રમાણે કેળવી શકીશું. પછી એ અંતઃકરણ આપણને સારા નિર્ણયો લેવા મદદ કરશે.
વધારે જાણો
ચાલો જોઈએ કે બાઇબલના સિદ્ધાંતો અને આપણું અંતઃકરણ આપણને નિર્ણયો લેવા કેવી રીતે મદદ કરે છે.
૩. બાઇબલ સારો નિર્ણય લેવા મદદ કરે છે
નિર્ણયો લેવા બાઇબલ સિદ્ધાંતો આપણને કઈ રીતે મદદ કરે છે? વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલોની ચર્ચા કરો.
યહોવાએ આપણને શું કરવાની છૂટ આપી છે?
તેમણે આપણને જાતે નિર્ણય લેવાની છૂટ કેમ આપી છે?
સારો નિર્ણય લેવા યહોવાએ આપણને શું આપ્યું છે?
ચાલો બાઇબલનો એક સિદ્ધાંત જોઈએ. એફેસીઓ ૫:૧૫, ૧૬ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો: તમે કઈ રીતે “તમારા સમયનો સૌથી સારો ઉપયોગ” કરી શકો, જેથી . . .
રોજ બાઇબલ વાંચી શકો?
સારાં પતિ, પત્ની, મમ્મી, પપ્પા, દીકરા અથવા દીકરી બની શકો?
સભાઓમાં જઈ શકો?
૪. સારા નિર્ણયો લેવા અંતઃકરણ કેળવો
જો બાઇબલમાં સીધેસીધો નિયમ આપ્યો હોય, તો નિર્ણય લેવો સહેલું હોય છે. પણ જો સીધેસીધો નિયમ આપ્યો ન હોય, તો કઈ રીતે નિર્ણય લઈ શકીએ? વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલની ચર્ચા કરો.
વીડિયોમાં જોયું તેમ, બહેને બાઇબલ પ્રમાણે અંતઃકરણ કેળવવા અને યહોવા ખુશ થાય એવો નિર્ણય લેવા કેવાં પગલાં ભર્યાં?
આપણે કેમ બીજાઓને એવું ન કહેવું જોઈએ કે તેઓ આપણા માટે નિર્ણયો લે? હિબ્રૂઓ ૫:૧૪ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
બીજાઓને પૂછીને નિર્ણય લેવો સહેલું લાગે, પણ આપણને શું પારખતા આવડવું જોઈએ?
વીડિયોમાં જોયું તેમ, અંતઃકરણ કેળવવા અને સારા નિર્ણયો લેવા શાનાથી મદદ મળે છે?
૫. બીજાઓના અંતઃકરણનો વિચાર કરો
કોઈ કિસ્સામાં એક વ્યક્તિ જે નિર્ણય લે એ બીજી વ્યક્તિના નિર્ણયથી અલગ હોય શકે. તો નિર્ણય લેતી વખતે આપણે કઈ રીતે બીજાઓના અંતઃકરણનો વિચાર કરી શકીએ? નીચે આપેલા બે સંજોગોનો વિચાર કરો:
સંજોગ ૧: એક બહેને બીજા મંડળમાં જવાનું શરૂ કર્યું છે. બહેનને એવાં કપડાં પહેરવાનું ગમે છે, જે મંડળની બીજી બહેનોને નથી ગમતાં.
રોમનો ૧૫:૧ અને ૧ કોરીંથીઓ ૧૦:૨૩, ૨૪ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
આ કલમો પ્રમાણે બહેન કદાચ શું કરવાનું વિચારે? જો કંઈ કરવામાં તમારું અંતઃકરણ ડંખતું ન હોય પણ બીજાઓનું અંતઃકરણ ડંખતું હોય, તો તમે શું કરશો?
સંજોગ ૨: એક ભાઈ જાણે છે કે બાઇબલ પ્રમાણે માંસ-મચ્છીની વાનગીઓ ખાવી ખોટું નથી. પણ તે એવી વાનગીઓ ન ખાવાનો નિર્ણય લે છે. હવે તેમને કોઈક જમવા બોલાવે છે. ત્યાં જઈને તે જુએ છે કે મંડળના બીજા ભાઈઓ માંસ-મચ્છીની વાનગીઓ ખાઈ રહ્યા છે.
સભાશિક્ષક ૭:૧૬ અને રોમનો ૧૪:૧, ૧૦ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
આ કલમો પ્રમાણે ભાઈ કદાચ શું કરવાનું વિચારે? જો તમે કોઈને એવું કંઈક કરતા જુઓ જે તમારા અંતઃકરણ પ્રમાણે ખોટું છે, તો તમે શું કરશો?
સારા નિર્ણયો લેવા શું કરી શકો?
૧. પ્રાર્થના કરો. યહોવા પાસે મદદ માંગો જેથી તમે સારા નિર્ણયો લઈ શકો.—યાકૂબ ૧:૫.
૨. સંશોધન કરો. બાઇબલ અને બાઇબલ આધારિત સાહિત્યમાંથી એવા સિદ્ધાંત શોધો, જે તમને નિર્ણય લેવામાં મદદ કરે. તમે અનુભવી ભાઈ-બહેનો સાથે પણ વાત કરી શકો.
૩. મનન કરો. વિચારો કે તમારા નિર્ણયની તમારા અંતઃકરણ પર અને બીજાઓના અંતઃકરણ પર કેવી અસર પડશે.
અમુક લોકો કહે છે: “જો, આપણે જે કરવું હોય એ કરવાનું, બીજાઓને જે વિચારવું હોય એ વિચારે! આપણે શું?”
આપણે કેમ ઈશ્વરની અને બીજાઓની લાગણીઓનું ધ્યાન રાખવું જોઈએ?
આપણે શીખી ગયા
સારા નિર્ણયો લેવા જરૂરી છે કે યહોવાને કેવું લાગે છે એ વિચારીએ. પછી એ પણ વિચારીએ કે આપણા નિર્ણયની બીજાઓ પર સારી અસર પડશે કે ખરાબ.
તમે શું કહેશો?
યહોવા ખુશ થાય એવા નિર્ણયો લેવા તમે શું કરી શકો?
અંતઃકરણ કેળવવા તમે શું કરી શકો?
નિર્ણય લેતી વખતે તમે કઈ રીતે બીજાઓના અંતઃકરણનો વિચાર કરી શકો?
વધારે માહિતી
ઈશ્વર સાથેનો સંબંધ પાકો થાય એવા નિર્ણયો લેવા શું કરી શકો? આ લેખમાં વાંચો.
“ઈશ્વરને મહિમા મળે એવા નિર્ણય લઈએ” (ચોકીબુરજ, એપ્રિલ ૧, ૨૦૧૧)
યહોવા આપણને કઈ રીતે માર્ગદર્શન આપે છે, એ વિશે વધારે જાણો.
એક માણસે અઘરો નિર્ણય લેવાનો હતો. ચાલો જોઈએ કે એ નિર્ણય લેવા તેને શાનાથી મદદ મળી.
જ્યારે સીધેસીધી આજ્ઞા આપી ન હોય, ત્યારે પણ કઈ રીતે યહોવાના દિલને ખુશ કરી શકીએ? ચાલો જોઈએ.
“શું આપણને હંમેશાં બાઇબલ નિયમોની જરૂર છે?” (ચોકીબુરજ, ડિસેમ્બર ૧, ૨૦૦૩)