એપ્રિલ
બુધવાર, એપ્રિલ ૧
“મારા પિતાની ઇચ્છા છે કે જે કોઈ દીકરાને સ્વીકારે છે અને તેનામાં શ્રદ્ધા મૂકે છે, તેને હંમેશ માટેનું જીવન મળે.”—યોહા. ૬:૪૦.
ઈસુનાં માંસ અને લોહીથી ફાયદો મેળવવા તેમના બલિદાનમાં શ્રદ્ધા મૂકવાની જરૂર છે. એમ કરીશું તો જ હંમેશ માટેનું જીવન મળશે. (એફે. ૧:૭) ઈસુએ જે લોકોને “બીજાં ઘેટાં” કહ્યા, તેઓ ઈસુના સાંજના ભોજનના પ્રસંગે રોટલી અને દ્રાક્ષદારૂ ખાવા-પીવામાં ભાગ લેતા નથી. (યોહા. ૧૦:૧૬) તેઓએ એવું કરવું પણ ન જોઈએ. તેમ છતાં, તેઓ ઈસુ ખ્રિસ્તનાં માંસ અને લોહીથી ફાયદો મેળવી શકે છે. એ માટે તેઓએ ઈસુના બલિદાનમાં અને એના લીધે જે અદ્ભુત બાબતો શક્ય બની એમાં શ્રદ્ધા મૂકવાની જરૂર છે. (યોહા. ૬:૫૩) ખાવા-પીવામાં ફક્ત એ લોકો જ ભાગ લે છે, જેઓ નવા કરારનો ભાગ છે અને જેઓ પાસે સ્વર્ગમાં રાજ કરવાની આશા છે. એટલે ભલે આપણે અભિષિક્ત ખ્રિસ્તી હોઈએ કે બીજાં ઘેટાંનો ભાગ હોઈએ, આપણે બધા જ લોકોએ હંમેશ માટેનું જીવન મેળવવા ઈસુમાં શ્રદ્ધા મૂકવી ખૂબ જ જરૂરી છે. w૨૪.૧૨ ૧૨ ¶૧૪; ૧૩ ¶૧૬
સ્મરણપ્રસંગનું બાઇબલ વાંચન: (દિવસના બનાવો: નીસાન ૧૨) માથ્થી ૨૬:૧-૫, ૧૪-૧૬; લૂક ૨૨:૧-૬
આજે સ્મરણપ્રસંગ
સૂર્ય આથમ્યા પછી છે
ગુરુવાર, એપ્રિલ ૨
“ઓ નાની ટોળી, બીશો નહિ. તમારા પિતાએ તમને રાજ્ય આપવાનું મંજૂર કર્યું છે.”—લૂક ૧૨:૩૨.
ઈસુના સાંજના ભોજન વખતે ઈસુએ પ્રેરિતોને બેખમીર રોટલી આપી અને કહ્યું કે એ તેમના શરીરને રજૂ કરે છે. પછી તેમણે તેઓને દ્રાક્ષદારૂ આપ્યો અને કહ્યું: “એ મારા લોહીને રજૂ કરે છે જે કરારને પાકો કરે છે.” (માર્ક ૧૪:૨૨-૨૫; લૂક ૨૨:૨૦; ૧ કોરીં. ૧૧:૨૪) એ કરાર ‘ઈશ્વરના ઇઝરાયેલના’ લોકો સાથે કરવામાં આવ્યો હતો, જેઓ ઈશ્વરના રાજ્યમાં ઈસુ સાથે રાજ કરવાના હતા. (હિબ્રૂ. ૮:૬, ૧૦; ૯:૧૫) ઈસુએ સાંજના ભોજન વખતે જે કહ્યું એ ‘નાની ટોળીને’ લાગુ પડતું હતું. એ નાના સમૂહની શરૂઆત ઈસુના વફાદાર પ્રેરિતોથી થઈ, જેઓ એ પ્રસંગે તેમની સાથે હતા. ઈસુ સાથે સ્વર્ગમાં રાજ કરવાનો મોકો ફક્ત નાની ટોળીને મળશે. w૨૪.૧૨ ૧૧ ¶૯-૧૦
સ્મરણપ્રસંગનું બાઇબલ વાંચન: (દિવસના બનાવો: નીસાન ૧૩) માથ્થી ૨૬:૧૭-૧૯; માર્ક ૧૪:૧૨-૧૬; લૂક ૨૨:૭-૧૩ (સૂર્યાસ્ત પછીના બનાવો: નીસાન ૧૪) યોહાન ૧૩:૧-૫; ૧૪:૧-૩
શુક્રવાર, એપ્રિલ ૩
“ઈશ્વરે દુનિયાને એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો, જેથી જે કોઈ તેનામાં શ્રદ્ધા મૂકે તેનો નાશ ન થાય, પણ હંમેશ માટેનું જીવન મેળવે.”—યોહા. ૩:૧૬.
ઈસુના એક ખાસ મિત્રએ તેમને દગો આપ્યો. પછી દુશ્મનોએ તેમની ધરપકડ કરી, તેમનું અપમાન કર્યું, તેમની નિંદા કરી અને તેમના પર એ ગુનાના આરોપો મૂક્યા, જે તેમણે કદી કર્યા જ ન હતા. ત્યાર બાદ, સૈનિકોએ તેમને ખીલાથી વધસ્તંભે જડી દીધા, જેથી તેમને મારી નાખી શકે. ઈસુએ વફાદારીથી એ બધાં દુઃખ અને પીડા સહન કર્યાં. પણ હજી કોઈક હતું, જેને ઈસુ કરતાં પણ વધારે દુઃખ થયું હતું. એ હતા, યહોવા ઈશ્વર. તેમની પાસે એટલી બધી શક્તિ છે કે તે એ બધું થતા રોકી શક્યા હોત, જેથી તેમના દીકરાએ દુઃખો સહેવાં ન પડતાં. પણ તેમણે એવું ન કર્યું. શા માટે? પ્રેમને લીધે. ઈસુનું બલિદાન, એ સૌથી મોટી સાબિતી છે કે યહોવા તમને કેટલો બધો પ્રેમ કરે છે. તમને પાપ અને મરણમાંથી છોડાવવા યહોવાએ કોઈ કસર બાકી ન રાખી, પોતાનો સૌથી વહાલો દીકરો આપી દીધો અને કલ્પના પણ ન કરી શકાય એવી કારમી વેદના સહી. (૧ યોહા. ૪:૯, ૧૦) પાપ સામેની આ લડાઈ લડવા અને એના પર જીત મેળવવા યહોવા આપણને દરેકને મદદ કરવા માંગે છે. w૨૪.૦૮ ૬ ¶૧૩-૧૪
સ્મરણપ્રસંગનું બાઇબલ વાંચન: (દિવસના બનાવો: નીસાન ૧૪) યોહાન ૧૯:૧-૪૨
શનિવાર, એપ્રિલ ૪
‘ખ્રિસ્તે તમારા માટે દુઃખ વેઠ્યું.’—૧ પિત. ૨:૨૧.
જો આપણે યાદ રાખીશું કે ઈસુનું બલિદાન આપવા યહોવાએ કેટલી મોટી કિંમત ચૂકવી છે, તો સમજી શકીશું કે તે આપણને અનહદ પ્રેમ કરે છે. શેતાને દાવો કર્યો છે કે મુશ્કેલ ઘડીઓમાં ઈશ્વરનો કોઈ પણ સેવક તેમને વફાદાર રહેશે નહિ. શેતાનનો એ દાવો જૂઠો છે, એ સાબિત કરવા યહોવાએ પોતાના દીકરાને મરણ પહેલાં દુઃખો સહેવા દીધાં. (અયૂ. ૨:૧-૫) લોકોએ ઈસુની મજાક ઉડાવી, સૈનિકોએ તેમને કોરડાથી માર્યા અને વધસ્તંભે ખીલાથી જડી દીધા, એ યહોવા જોઈ રહ્યા હતા. પછી યહોવાએ પોતાના કાળજાના ટુકડાને રિબાઈ રિબાઈને મરતા જોયો. (માથ. ૨૭:૨૮-૩૧, ૩૯) જરા વિચારો, યહોવા પાસે એટલી બધી તાકાત છે કે તે એમ થતા અટકાવી શક્યા હોત. (માથ. ૨૭:૪૨, ૪૩) પણ જો યહોવા વચ્ચે પડ્યા હોત, તો છુટકારાની કિંમત કદી ચૂકવવામાં આવી ન હોત અને આપણી પાસે કોઈ આશા ન હોત. એટલે યહોવાએ પોતાના વહાલા દીકરાને જીવનના છેલ્લા શ્વાસ સુધી દુઃખો સહેવા દીધાં. w૨૫.૦૧ ૨૨ ¶૭
સ્મરણપ્રસંગનું બાઇબલ વાંચન: (દિવસના બનાવો: નીસાન ૧૫) માથ્થી ૨૭:૬૨-૬૬ (સૂર્યાસ્ત પછીના બનાવો: નીસાન ૧૬) યોહાન ૨૦:૧
રવિવાર, એપ્રિલ ૫
“તે તેઓને ૪૦ દિવસ સુધી દેખાયા.”—પ્રે.કા. ૧:૩.
ઈસવીસન ૩૩, નીસાન ૧૬નો દિવસ છે. ઈસુના શિષ્યો ખૂબ દુઃખી છે. તેઓ પર ડર છવાઈ ગયો છે. તેઓમાંથી બે શિષ્યો યરૂશાલેમથી નીકળીને એમ્મોસ નામના ગામે જઈ રહ્યા છે. રસ્તામાં એક અજાણ્યો માણસ તેઓને મળે છે અને તેઓની સાથે ચાલવા લાગે છે. એ બે શિષ્યો તેને જણાવે છે કે ઈસુ સાથે કેટલું ખરાબ બન્યું હતું. પછી એ અજાણ્યો માણસ તેઓને એવું કંઈક જણાવે છે, જે તેઓ આજીવન ભૂલ્યા નહિ હોય. “મૂસા અને બધા પ્રબોધકોનાં લખાણોથી શરૂ કરીને” તે તેઓને સમજાવે છે કે મસીહ માટે દુઃખો સહેવાં અને મરવું કેમ જરૂરી હતું. પછી એ ત્રણેય માણસો એમ્મોસ ગામ પહોંચે છે. ત્યાં એ બે શિષ્યોને ખ્યાલ આવે છે કે તેઓની સાથે જે માણસ હતો એ બીજું કોઈ નહિ પણ ઈસુ હતા, જેમને ઈશ્વરે જીવતા કર્યા હતા. (લૂક ૨૪:૧૩-૩૫) ઈસુ પૃથ્વી પરના પોતાના જીવનના છેલ્લા ૪૦ દિવસો દરમિયાન ઘણી વાર શિષ્યોને મળ્યા. એ સમયે તેમણે પોતાના દુઃખી અને ડરી ગયેલા શિષ્યોને ઉત્તેજન આપ્યું. એનાથી તેઓનું દિલ આનંદથી ભરાઈ ગયું અને તેઓને ઈશ્વરના રાજ્યની ખુશખબરનો પ્રચાર કરવા અને એ વિશે શીખવવા હિંમત મળી. w૨૪.૧૦ ૧૨ ¶૧-૩
સ્મરણપ્રસંગનું બાઇબલ વાંચન: (દિવસના બનાવો: નીસાન ૧૬) યોહાન ૨૦:૨-૧૮
સોમવાર, એપ્રિલ ૬
“તમે તમારી પરમ પવિત્ર શ્રદ્ધામાં પોતાને દૃઢ કરતા જાઓ.”—યહૂ. ૨૦.
સમય વીતતો જાય છે તેમ બાળકો આપોઆપ મોટાં થતાં જાય છે. પણ ઈશ્વરભક્તો આપોઆપ પરિપક્વ બનતા નથી. યહોવા સાથેનો સંબંધ મજબૂત કરવા તેઓએ મહેનત કરવી પડે છે. કોરીંથનાં ભાઈ-બહેનોનો વિચાર કરો. તેઓએ સંદેશો સ્વીકાર્યો અને બાપ્તિસ્મા લીધું. પછી તેઓને ઈશ્વરની પવિત્ર શક્તિ મળી. તેઓ પ્રેરિત પાઉલ પાસેથી ઘણું શીખ્યાં. (પ્રે.કા. ૧૮:૮-૧૧) પણ દુઃખની વાત છે કે બાપ્તિસ્માનાં અમુક વર્ષો પછી પણ ઘણાં ભાઈ-બહેનો પરિપક્વ ન બન્યાં. (૧ કોરીં. ૩:૨) પરિપક્વ બનવા સૌથી પહેલા શાની જરૂર છે? પરિપક્વ બનવાની ઇચ્છા હોવી. પણ અમુક લોકો ‘મૂર્ખાઈને વળગી રહેવા’ માંગે છે, એટલે પરિપક્વ બની શકતા નથી. (નીતિ. ૧:૨૨) તેઓ મોટા તો થઈ ગયા છે, પણ જવાબદારીથી છટકવા માંગે છે. તેઓ મમ્મી-પપ્પા વગર એક ડગલું પણ ભરી શકતા નથી. આપણે એવા લોકો જેવા બનવા માંગતા નથી. આપણે સારી રીતે સમજીએ છીએ કે યહોવા સાથેનો સંબંધ મજબૂત કરવાની જવાબદારી આપણી પોતાની છે. જો તમે પરિપક્વ બનવા મહેનત કરી રહ્યા હો, તો યહોવાને પ્રાર્થના કરો કે તે તમને “ઇચ્છા અને બળ આપે.”—ફિલિ. ૨:૧૩. w૨૪.૦૪ ૪ ¶૯-૧૦
મંગળવાર, એપ્રિલ ૭
‘યહોવા ચાહે છે કે કોઈનો નાશ ન થાય.’—૨ પિત. ૩:૯.
યહોવા જણાવે છે કે માણસોનો ન્યાય કરવા વિશે તેમને કેવું લાગે છે. (હઝકિ. ૩૩:૧૧) યહોવા કારણ વગર વ્યક્તિનો હંમેશ માટે નાશ નથી કરતા. યહોવા દયાના સાગર છે. જ્યાં સુધી શક્ય હોય, ત્યાં સુધી તે દયા બતાવે છે. કોને જીવતા કરવામાં નહિ આવે એ વિશે આપણે શું જાણીએ છીએ? બાઇબલમાં અમુક જ લોકો વિશે જણાવ્યું છે કે તેઓને જીવતા કરવામાં નહિ આવે. ઈસુની વાતોથી ખબર પડે છે કે યહૂદા ઇસ્કારિયોતને જીવતો કરવામાં નહિ આવે. (માર્ક ૧૪:૨૧; યોહા. ૧૭:૧૨) કેમ કે તેણે જાણીજોઈને અને પોતાની ઇચ્છાથી યહોવા ઈશ્વર અને તેમના દીકરા વિરુદ્ધ પાપ કર્યું હતું. (માર્ક ૩:૨૯) ઈસુએ અમુક ધર્મગુરુઓ વિશે પણ કહ્યું હતું કે તેઓને જીવતા કરવામાં નહિ આવે. કેમ કે એ ધર્મગુરુઓએ ઈસુનો વિરોધ કર્યો હતો. (માથ. ૨૩:૩૩) પ્રેરિત પાઉલે પણ જણાવ્યું કે પસ્તાવો ન કરનાર ઈશ્વર-વિરોધીઓને જીવતા કરવામાં નહિ આવે.—હિબ્રૂ. ૬:૪-૮; ૧૦:૨૯. w૨૪.૦૫ ૪ ¶૧૦-૧૧
બુધવાર, એપ્રિલ ૮
“યહોવા વિશ્વાસુ ભક્તોની રક્ષા કરે છે.”—ગીત. ૩૧:૨૩.
યહોવાની નજીક રહીએ છીએ ત્યારે શેતાન એવું કંઈ કરી શકતો નથી, જેનાથી આપણને કાયમ માટે નુકસાન થાય. (૧ યોહા. ૩:૮) નવી દુનિયામાં પણ યહોવા પોતાના વફાદાર મિત્રોનું રક્ષણ કરતા રહેશે. તે આપણને એવા દરેક જોખમથી બચાવશે, જેનાથી યહોવા સાથેનો સંબંધ બગડી શકે છે. તે મરણથી પણ આપણું રક્ષણ કરશે. (પ્રકટી. ૨૧:૪) યહોવાના તંબુમાં મહેમાન બનીને રહેવું, એ સાચે જ બહુ મોટું સન્માન છે. આપણે યહોવા સાથે પાકી મિત્રતા બાંધી શકીએ છીએ, જે હંમેશ માટે રહેશે. (હઝકિ. ૩૭:૨૭) પણ એ માટે આપણે શું કરવાની જરૂર છે? ધારો કે તમારા મિત્રએ તમને તેના ઘરે બોલાવ્યો છે, તો તમે જાણવા માગશો કે તે તમારી પાસેથી શું ચાહે છે. એવી જ રીતે, આપણે જાણવા માંગીએ છીએ કે યહોવા પોતાના મહેમાનો પાસેથી શું ચાહે છે. યહોવા માટેના પ્રેમને લીધે આપણે એ બધું જ કરીશું, જેથી “તેમને પૂરેપૂરા ખુશ” કરી શકીએ. (કોલો. ૧:૧૦) યહોવા કોણ છે એ વાત આપણે કદી ભૂલવી ન જોઈએ અને હંમેશાં તેમને ઊંડો આદર આપતા રહેવું જોઈએ. જો એવો આદર રાખીશું, તો યહોવાને દુઃખ પહોંચે એવું કોઈ કામ નહિ કરીએ અને “મર્યાદામાં રહીને” આપણા ઈશ્વર સાથે ચાલતા રહીશું.—મીખા. ૬:૮. w૨૪.૦૬ ૪ ¶૮-૯
ગુરુવાર, એપ્રિલ ૯
‘તેણે ગુનેગારો માટે સમાધાન કરાવ્યું.’—યશા. ૫૩:૧૨.
ઇબ્રાહિમે પોતાના દીકરા ઇસહાકનું બલિદાન યહોવાને ચઢાવવાનું હતું. શું તમે એ બાપની વેદનાનો વિચાર કરી શકો છો, જેણે પોતાના દીકરાનો જીવ લેવાનો છે? એવું કરવું તો દૂરની વાત, એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તેમ છતાં ઇબ્રાહિમ યહોવાની આજ્ઞા પાળવા તૈયાર હતા. તે પોતાના દીકરાનો જીવ લેવાના જ હતા, પણ છેલ્લી ઘડીએ ઈશ્વરે તેમને રોકી દીધા. એ દાખલાથી શું શીખવા મળે છે? એ જ કે આગળ જતાં યહોવા વફાદાર લોકો માટે રાજીખુશીથી પોતાના સૌથી વહાલા દીકરાનું બલિદાન ચઢાવવાના હતા. શું તમે એ જોઈ શકો છો કે યહોવા તમને કેટલો બધો પ્રેમ કરે છે? (ઉત. ૨૨:૧-૧૮) સદીઓ પછી યહોવાએ ઇઝરાયેલી પ્રજાને નિયમશાસ્ત્ર આપ્યું. એમાં જણાવ્યું હતું કે તેઓએ પોતાનાં પાપોની માફી મેળવવા ઘણાં બલિદાનો ચઢાવવાનાં હતાં. (લેવી. ૪:૨૭-૨૯; ૧૭:૧૧) એ બલિદાનો એક ચઢિયાતા બલિદાનને રજૂ કરતા હતા, જેનાથી માણસજાતમાંથી કાયમ માટે પાપ દૂર થવાનું હતું. યહોવાએ પોતાના પ્રબોધકોને એ વચન આપેલા વંશજ વિશે લખવા કહ્યું. તેઓએ સમજાવ્યું કે ઈશ્વરના જિગરનો ટુકડો દુઃખો વેઠશે અને મરણનું દુઃખ સહેશે. એના લીધે માણસજાતને, હા તમને પાપ અને મરણમાંથી આઝાદ કરી શકાય!—યશા. ૫૩:૧-૧૨. w૨૪.૦૮ ૪ ¶૭-૮
શુક્રવાર, એપ્રિલ ૧૦
“મને તમારા નિયમ પર કેટલો બધો પ્રેમ છે! હું આખો દિવસ એના પર મનન કરું છું.”—ગીત. ૧૧૯:૯૭.
તમે બાઇબલ વાંચો ત્યારે, એ વિચારવું જરૂરી છે કે એને જીવનમાં કઈ રીતે લાગુ પાડી શકો. બાઇબલનો કોઈ અહેવાલ વાંચતી વખતે પોતાને પૂછો: ‘હું આ માહિતીને હમણાં અથવા આવનાર દિવસોમાં કઈ રીતે લાગુ પાડી શકું?’ એ સમજવા ચાલો એક કસરત કરીએ. ધારો કે તમે પહેલો થેસ્સાલોનિકીઓ ૫:૧૭, ૧૮ વાંચી રહ્યા છો. એ બે કલમો વાંચ્યા પછી થોડી વાર થોભો અને વિચારો કે તમે કેટલી વાર અને હૃદયના કેટલા ઊંડાણથી પ્રાર્થના કરો છો. તમે એ વાતોનો પણ વિચાર કરી શકો, જેના માટે તમે યહોવાનો આભાર માનવા માંગો છો. તમે નક્કી કરો છો કે તમે કોઈ ત્રણ ખાસ વાત માટે યહોવાનો આભાર માનશો. આવું કરવામાં થોડી જ મિનિટો લાગી. તેમ છતાં તમે કેટલું બધું શીખી શક્યા, ખરું ને? એનાથી તમને સંદેશો સાંભળવા જ નહિ, એ પ્રમાણે ચાલવા પણ મદદ મળી. હવે વિચારો, જો તમે આ રીતે દરરોજ થોડું થોડું બાઇબલ વાંચશો, તો તમને કેટલો ફાયદો થશે! હા, તમે સંદેશા પ્રમાણે ચાલીને યહોવાના વહાલા ભક્ત બની શકશો. w૨૪.૦૯ ૪-૫ ¶૯-૧૦
શનિવાર, એપ્રિલ ૧૧
“તમે સાવધ રહો, જેથી જે મેળવવા અમે મહેનત કરી છે એ તમે ગુમાવી ન દો, પણ તમે પૂરેપૂરું ઇનામ મેળવો.”—૨ યોહા. ૮.
યહોવાએ આપણને એ રીતે બનાવ્યા છે કે જ્યારે બીજાઓને કંઈક આપીએ છીએ, ત્યારે ખુશી મળે છે. આપણે ભાઈ-બહેનોને મદદ કરી શકીએ છીએ એ વિચારથી જ દિલમાં સારું લાગે છે. બીજાઓ આભાર માને છે ત્યારે ખુશી થાય છે. પણ કોઈ આભાર માને કે ન માને, આપણે ખુશ રહી શકીએ છીએ. કારણ કે આપણે જાણીએ છીએ કે આપણે યહોવાને ગમે એવું જ કરીએ છીએ. કદી ન ભૂલો, ભલે તમે કંઈ પણ આપશો, “યહોવા પાસે તમને એનાથી પણ ઘણું વધારે આપવાની શક્તિ છે.” (૨ કાળ. ૨૫:૯) જેટલું બીજાઓને આપીએ છીએ, એનાથી વધારે યહોવા આપણને આપે છે. શું યહોવા કરતાં મોટું ઇનામ બીજું કોઈ આપી શકે? તો ચાલો સ્વર્ગમાંના પિતાની જેમ ઉદારતાથી આપતા રહીએ. w૨૪.૦૯ ૩૧ ¶૨૦-૨૧
રવિવાર, એપ્રિલ ૧૨
“હે યહોવા મારા ઈશ્વર, હું પૂરા દિલથી તમારી સ્તુતિ કરીશ. હું સદા તમારા નામનો મહિમા ગાઈશ.”—ગીત. ૮૬:૧૨.
યહોવા દયા અને કરુણાના સાગર છે. (ગીત. ૧૦૩:૧૩; યશા. ૪૯:૧૫) આપણને દુઃખમાં જોઈને તે દુઃખી થાય છે. (ઝખા. ૨:૮) આપણે તેમને ઓળખી શકીએ અને તેમના મિત્ર બની શકીએ એ માટે તે આપણને મદદ કરે છે. (ગીત. ૨૫:૧૪; પ્રે.કા. ૧૭:૨૭) તે નમ્ર છે. “તે નીચા નમીને આકાશ અને પૃથ્વીને જુએ છે. તે દીન-દુખિયાને ધૂળમાંથી ઉઠાવે છે.” (ગીત. ૧૧૩:૬, ૭) આવા મહાન ઈશ્વરને મહિમા આપવાનું કોને ન ગમે! આપણે યહોવાને મહિમા આપીએ છીએ, કેમ કે ચાહીએ છીએ કે બીજાઓ તેમને ઓળખે. આજે ઘણા લોકો યહોવા ઈશ્વર વિશેનું સત્ય જાણતા નથી. કેમ? કેમ કે શેતાને યહોવા વિશે જૂઠાણાં ફેલાવીને લોકોનાં મન આંધળાં કરી દીધાં છે. (૨ કોરીં. ૪:૪) શેતાને લોકોનાં મનમાં ઠસાવી દીધું છે કે યહોવા બહુ ગુસ્સાવાળા છે, તેમને લોકોની કંઈ પડી નથી અને દુનિયાની મોટા ભાગની મુશ્કેલીઓ પાછળ તેમનો જ હાથ છે. પણ આપણે જાણીએ છીએ કે સાચું શું છે. આપણી પાસે તક છે કે લોકો આગળ યહોવા ઈશ્વરની સાચી ઓળખ છતી કરીએ અને તેઓને યહોવાનો મહિમા ગાવા મદદ કરીએ.—યશા. ૪૩:૧૦. w૨૫.૦૧ ૩-૪ ¶૬-૭
સોમવાર, એપ્રિલ ૧૩
“[શેતાન] આખી દુનિયાને ખોટે માર્ગે દોરે છે.”—પ્રકટી. ૧૨:૯.
પહેલી સદીમાં શેતાને અમુક લોકો દ્વારા ઈશ્વરના દીકરા વિરુદ્ધ એક પછી એક જૂઠાણાં ફેલાવ્યાં. ઈસુમાં કોઈ ખામી ન હતી અને તે ઈશ્વરની શક્તિની મદદથી અદ્ભુત ચમત્કારો કરતા હતા. પણ ધાર્મિક આગેવાનો દાવો કરતા કે “તે દુષ્ટ દૂતોના રાજાની મદદથી દુષ્ટ દૂતો કાઢે છે.” (માર્ક ૩:૨૨) ઈસુ પર મુકદ્દમો ચાલતો હતો ત્યારે તેઓએ તેમના પર ઈશ્વરની નિંદા કરવાનો આરોપ મૂક્યો અને લોકોને ઉશ્કેર્યા કે તેઓ ઈસુ માટે મોતની સજા માંગે. (માથ. ૨૭:૨૦) સમય જતાં, ઈસુના શિષ્યો પ્રચાર કરતા હતા ત્યારે વિરોધીઓએ એવું જ કંઈક કર્યું. તેઓએ લોકોને “ઉશ્કેર્યા અને તેઓનાં મનમાં ઝેર ભર્યું,” જેથી તેઓ શિષ્યોની સતાવણી કરે. (પ્રે.કા. ૧૪:૨, ૧૯) પ્રેરિતોનાં કાર્યો ૧૪:૨ વિશે ડિસેમ્બર ૧, ૧૯૯૮ના ચોકીબુરજમાં સમજાવ્યું હતું: ‘યહૂદી વિરોધીઓએ પોતે તો સંદેશાને તરછોડ્યો, પરંતુ તેઓને ફક્ત એટલાથી જ સંતોષ ન થયો, તેઓ ખ્રિસ્તીઓ પર જૂઠા આરોપો મૂકવામાં સામેલ થયા અને બીજી પ્રજાના લોકોમાં તેઓ વિરુદ્ધ પૂર્વગ્રહ પેદા કરવા માટે પ્રયત્ન કર્યો.’ શેતાન આજે પણ “આખી દુનિયાને ખોટે માર્ગે દોરે છે.” w૨૪.૦૪ ૧૦-૧૧ ¶૧૫-૧૬
મંગળવાર, એપ્રિલ ૧૪
“શું આખી દુનિયાનો ન્યાયાધીશ જે ખરું છે એ જ નહિ કરે?”—ઉત. ૧૮:૨૫.
કોઈ વ્યક્તિનું મરણ ક્યારે થાય છે એના આધારે નક્કી નથી થતું કે તેને હંમેશ માટેનું જીવન મળશે કે નહિ. યહોવા સાચા ન્યાયાધીશ છે. તેમના નિર્ણયો હંમેશાં ખરા અને યોગ્ય હોય છે. (ગીત. ૩૩:૪, ૫) આપણે પૂરી ખાતરી રાખી શકીએ કે ‘આખી દુનિયાના ન્યાયાધીશ’ જે ખરું છે, એ જ કરશે. એ માનવું પણ યોગ્ય છે કે વ્યક્તિ ક્યાં રહે છે એના આધારે નક્કી નથી થતું કે તેને હંમેશ માટેનું જીવન મળશે કે નહિ. એ બની જ ન શકે કે યહોવા એવા લોકોને “બકરાં” ગણે જેઓ એવા દેશોમાં રહે છે, જ્યાં તેઓને કદી પણ રાજ્યની ખુશખબર સાંભળવાની તક મળી નથી. (માથ. ૨૫:૪૬) એટલે આપણે તેઓની ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આખી દુનિયાના સાચા ન્યાયાધીશ આપણા કરતાં પણ તેઓની વધારે ચિંતા કરે છે. ખરું કે, આપણે નથી જાણતા કે મોટી વિપત્તિ દરમિયાન યહોવા કઈ રીતે ઘટનાઓમાં વળાંક લાવશે. પણ બની શકે કે યહોવા બધી પ્રજાઓ આગળ પોતાનું નામ પવિત્ર મનાવશે ત્યારે, તેઓમાંથી કદાચ અમુક લોકોને યહોવા વિશે શીખવાની, તેમનામાં શ્રદ્ધા મૂકવાની અને તેમના પક્ષે જોડાવાની તક મળશે.—હઝકિ. ૩૮:૧૬. w૨૪.૦૫ ૧૨ ¶૧૪-૧૫
બુધવાર, એપ્રિલ ૧૫
“એકબીજાને પ્રેમ કરો.”—યોહા. ૧૫:૧૨.
યહોવાના લોકોને બીજાઓને મદદ કરવી ખૂબ ગમે છે. (૨ કોરીં. ૮:૪) જોકે અમુક વખતે એમ કરવા હિંમત બતાવવી પડે છે. દાખલા તરીકે, યુદ્ધ ફાટી નીકળે ત્યારે વડીલો જાણે છે કે ભાઈ-બહેનોને ઉત્તેજનની, સાથ-સહકારની, બાઇબલની, સાહિત્યની અથવા ખોરાક-પાણી અને રહેવાની જગ્યાની જરૂર હોય છે. તેઓ ભાઈ-બહેનોને ખૂબ જ પ્રેમ કરે છે. એટલે પોતાનું જીવન જોખમમાં મૂકીને પણ તેઓની જરૂરિયાતો પૂરી કરવા તૈયાર હોય છે. એ સંજોગોમાં બહુ જ જરૂરી છે કે તમને જે કહેવામાં આવે એ જ તમે કરો, જેથી એકતા જળવાઈ રહે. શાખા કચેરી તરફથી મળતું માર્ગદર્શન પાળો. (હિબ્રૂ. ૧૩:૧૭) વડીલોએ શું કરવું જોઈએ? આફત માટે પહેલેથી તૈયાર થવા વિશેના અને આફત આવી પડે ત્યારે શું કરવું એ વિશેના માર્ગદર્શન પર નિયમિત રીતે વિચાર કરવો જોઈએ. (૧ કોરીં. ૧૪:૩૩, ૪૦) હિંમત બતાવો, પણ સાવધ રહો. (નીતિ. ૨૨:૩) કોઈ પગલું ભરતા પહેલાં બે વાર વિચારો. કોઈ જોખમ ખેડી ન લો. યહોવા પર ભરોસો રાખો. તે તમને જરૂર મદદ કરશે, જેથી તમે ભાઈ-બહેનોને સલામત રીતે સહાય કરી શકો. w૨૪.૦૭ ૪ ¶૮; ૫ ¶૧૧
ગુરુવાર, એપ્રિલ ૧૬
‘સંકટ સમયે મેં યહોવાને હાંક મારી અને મારી અરજ તેમના કાને પડી.’—ગીત. ૧૮:૬.
રાજા દાઉદ યહોવાને ખૂબ જ સારી રીતે જાણતા હતા. તેમને યહોવા પર પૂરો ભરોસો હતો. જ્યારે રાજા શાઉલ અને બીજા દુશ્મનો દાઉદનો જીવ લેવા માંગતા હતા, ત્યારે તેમણે મદદ માટે યહોવાને પ્રાર્થના કરી. યહોવાએ તેમની પ્રાર્થનાનો જવાબ આપ્યો અને તેમને બચાવ્યા. એ પછી દાઉદે કહ્યું: “યહોવા જીવતા-જાગતા ઈશ્વર છે!” (ગીત. ૧૮:૪૬) એ શબ્દોથી દાઉદ શું કહેવા માંગતા હતા? એ શબ્દો વિશે એક લેખકે પોતાના પુસ્તકમાં લખ્યું કે અહીં દાઉદ ભાર આપી રહ્યા હતા કે યહોવા જ સાચા ઈશ્વર છે અને તે પોતાના સેવકોને મદદ કરવા હંમેશાં તૈયાર હોય છે. પોતાના અનુભવોથી દાઉદને પાકી ખાતરી હતી કે યહોવા જ જીવતા-જાગતા ઈશ્વર છે અને તે હંમેશાં તેમની પડખે રહેશે. એ ખાતરીના લીધે દાઉદ યહોવાની સેવા અને સ્તુતિ કરતા રહી શક્યા. (ગીત. ૧૮:૨૮, ૨૯, ૪૯) જો પૂરી ખાતરી હશે કે યહોવા જ જીવતા ઈશ્વર છે, તો પૂરા ઉત્સાહથી તેમની ભક્તિ કરતા રહેવા મદદ મળશે. આપણને મુશ્કેલીઓનો સામનો કરવા હિંમત મળશે. તેમ જ, યહોવાની સેવામાં સખત મહેનત કરતા રહેવાનો ઉત્સાહ વધતો જશે. એટલું જ નહિ, હંમેશાં યહોવાની નજીક રહેવાનો ઇરાદો મક્કમ થતો જશે. w૨૪.૦૬ ૨૦-૨૧ ¶૩-૪
શુક્રવાર, એપ્રિલ ૧૭
“ધ્યાન રાખજો, કોઈ માણસ તમને કોઈ પણ રીતે છેતરી ન જાય.”—૨ થેસ્સા. ૨:૩.
પ્રેરિત પાઉલે થેસ્સાલોનિકીઓને જે લખ્યું એનાથી શું શીખી શકીએ? જ્યારે એવી કોઈ વાત સાંભળવા મળે જે બાઇબલના શિક્ષણ સાથે મેળ ખાતી ન હોય, કે પછી કોઈ અફવા સાંભળવા મળે, ત્યારે સમજશક્તિ વાપરવી જોઈએ. ધ્યાન આપો કે અગાઉના સોવિયેત યુનિયનમાં આપણા ભાઈઓ સાથે શું બન્યું હતું. એકવાર સરકારના લોકોએ આપણા ભાઈઓને એક પત્ર મોકલ્યો. એવું લાગતું હતું કે એ પત્ર જાણે જગત મુખ્યમથકેથી આવ્યો હોય. એ પત્રમાં અમુક ભાઈઓને કહેવામાં આવ્યું હતું કે તેઓ એક જુદું સંગઠન બનાવે. એ પત્ર આમ તો સાચો લાગતો હતો, પણ વફાદાર ભાઈઓ છેતરાયા નહિ. તેઓ સમજી ગયા કે એમાં લખેલી વાતો બાઇબલના શિક્ષણની સુમેળમાં નથી. આજે પણ દુશ્મનો અમુક વાર ઇન્ટરનેટ કે સોશિયલ મીડિયા દ્વારા આપણને મૂંઝવણમાં મૂકવાનો કે આપણી વચ્ચે ભાગલા પાડવાનો પ્રયત્ન કરે છે. એમ થાય ત્યારે આપણે ‘સમજશક્તિ તરત ગુમાવવી ન જોઈએ.’ એને બદલે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે જે વાંચ્યું કે સાંભળ્યું એ બાઇબલ પ્રમાણે યોગ્ય છે કે નહિ. એમ કરીશું તો છેતરાઈશું નહિ.—૨ થેસ્સા. ૨:૨, ફૂટનોટ; ૧ યોહા. ૪:૧. w૨૪.૦૭ ૧૧-૧૨ ¶૧૪-૧૫
શનિવાર, એપ્રિલ ૧૮
‘જો કોઈ પાપ કરે, તો આપણી પાસે સહાયક છે.’—૧ યોહા. ૨:૧.
જીવનનો સૌથી સારો નિર્ણય કયો હોય શકે? યહોવાને પોતાનું જીવન સમર્પિત કરવાનો અને તેમના કુટુંબનો ભાગ બનવાનો. યહોવા ચાહે છે કે બધા જ લોકો એવું કરે. શા માટે? કેમ કે તે બધાને પ્રેમ કરે છે અને તેઓને ખુશ જોવા માંગે છે. તે ચાહે છે કે તેઓ તેમના મિત્રો બને અને હંમેશ માટે જીવે. (પુન. ૩૦:૧૯, ૨૦; ગલા. ૬:૭, ૮) પણ યહોવા કોઈને તેમની ભક્તિ કરવા જબરજસ્તી કરતા નથી. તેમની ભક્તિ કરવી કે નહિ, એ નિર્ણય તેમણે દરેક વ્યક્તિ પર છોડ્યો છે. પણ જો બાપ્તિસ્મા પામેલી વ્યક્તિ ઈશ્વરનો નિયમ તોડે અને ગંભીર પાપ કરે, તો શું? જો તે પસ્તાવો ન કરે, તો તેને મંડળમાંથી દૂર કરવામાં આવે છે. (૧ કોરીં. ૫:૧૩) તેમ છતાં, યહોવા આશા રાખે છે કે એ વ્યક્તિ તેમની પાસે પાછી ફરશે. હકીકતમાં, યહોવાએ ઈસુના બલિદાનની ગોઠવણ કરી એનું એક મહત્ત્વનું કારણ એ જ હતું કે પસ્તાવો કરનાર પાપીને માફી મળે. આપણા ઈશ્વર યહોવા ખૂબ જ પ્રેમાળ છે. તે પાપીઓને અરજ કરે છે કે તેઓ પસ્તાવો કરે.—ઝખા. ૧:૩; રોમ. ૨:૪; યાકૂ. ૪:૮. w૨૪.૦૮ ૧૪ ¶૧-૨
રવિવાર, એપ્રિલ ૧૯
“જો તું બુદ્ધિમાન બનીશ, તો મારું દિલ ખુશીથી ઝૂમી ઊઠશે.”—નીતિ. ૨૩:૧૫.
પ્રેરિત યોહાને પોતાનો ત્રીજો પત્ર લખ્યો, એ સમયે અમુક લોકો ખોટું શિક્ષણ ફેલાવી રહ્યા હતા. એના લીધે મંડળમાં ભાગલા પડી રહ્યા હતા. પણ બીજા અમુક લોકો ‘સત્યના માર્ગે ચાલી રહ્યા હતા.’ તેઓ યહોવાનું કહ્યું કરતા હતા અને ‘તેમની આજ્ઞાઓ પ્રમાણે ચાલતા હતા.’ (૨ યોહા. ૪, ૬) એ વફાદાર ઈશ્વરભક્તોએ ફક્ત યોહાનના દિલને જ નહિ, યહોવાના દિલને પણ ખુશી આપી હતી. (નીતિ. ૨૭:૧૧) આપણે શું શીખી શકીએ? વફાદાર રહેવાથી ખુશી મળે છે. (૧ યોહા. ૫:૩) દાખલા તરીકે, આપણે યહોવાનું દિલ ખુશ કરીએ છીએ, એ જાણવાથી આપણને ખુશી મળે છે. જ્યારે આ દુનિયાની લાલચોને ઠોકર મારીએ છીએ અને યહોવાની આજ્ઞા પાળીએ છીએ, ત્યારે તે રાજીના રેડ થઈ જાય છે. સ્વર્ગમાં દૂતો પણ આનંદ મનાવે છે. (લૂક ૧૫:૧૦) આપણને એ જોઈને પણ ખુશી થાય છે કે ભાઈ-બહેનો યહોવાને વફાદાર રહે છે. (૨ થેસ્સા. ૧:૪) આ દુષ્ટ દુનિયાનો નાશ થઈ જશે ત્યારે એ જાણીને ખુશી થશે કે આપણે શેતાનની દુનિયામાં પણ યહોવાને વફાદાર રહ્યા. w૨૪.૧૧ ૧૨ ¶૧૭-૧૮
સોમવાર, એપ્રિલ ૨૦
“દરેકે પોતાનો જ નહિ, બીજાના ફાયદાનો પણ વિચાર કરવો જોઈએ.”—૧ કોરીં. ૧૦:૨૪.
જો તમને કોઈ ગમી જાય અને તેને વધારે ઓળખવા માંગતા હો, તો તમારે ક્યારે પોતાની લાગણીઓ જણાવવી જોઈએ? જો પોતાની લાગણીઓ તરત જણાવી દેશો, તો તેને લાગી શકે કે તમે ઉતાવળે નિર્ણય લો છો. (નીતિ. ૨૯:૨૦) બીજી બાજુ, જો સામેવાળી વ્યક્તિને તમારી લાગણીઓ વિશે ખ્યાલ આવી જાય અને તમે એ વિશે જણાવવામાં મોડું કરો, તો તેને લાગી શકે કે તમે નિર્ણય લેતા બહુ અચકાઓ છો. (સભા. ૧૧:૪) યાદ રાખજો, કોઈને પોતાની લાગણીઓ જણાવતા પહેલાં એવું મન ન બનાવી લેતા કે તમે તેની સાથે જ લગ્ન કરશો. બસ તમને ખાતરી હોવી જોઈએ કે તમે લગ્ન કરવા તૈયાર છો અને એ વ્યક્તિ તમારા માટે યોગ્ય જીવનસાથી બની શકે છે. ધારો કે તમને ખ્યાલ આવે છે કે કોઈ તમને પસંદ કરે છે. હવે તમે શું કરશો? જો તમને તેનામાં રસ ન હોય, તો એ તમારાં વાણી-વર્તનથી સાફ બતાવી આપો. નહિતર સામેવાળી વ્યક્તિને લાગશે કે તમને તેનામાં રસ છે.—એફે. ૪:૨૫. w૨૪.૦૫ ૨૨-૨૩ ¶૯-૧૦
મંગળવાર, એપ્રિલ ૨૧
‘હું પાછો આવીશ અને તમને મારા ઘરમાં લઈ જઈશ.’—યોહા. ૧૪:૩.
જે ખ્રિસ્તીઓ સાચે જ અભિષિક્ત છે અને વફાદાર છે, ફક્ત તેઓને જ ઈસુ સ્વર્ગના રાજ્યમાં પોતાની સાથે લઈ જશે. જે અભિષિક્તો જાગતા નહિ રહે, તેઓને ‘ઈશ્વરના પસંદ કરાયેલા લોકો’ સાથે ભેગા કરવામાં નહિ આવે. (માથ. ૨૪:૩૧) એ ચેતવણી પૃથ્વી પર હંમેશ માટે જીવવાની આશા રાખતા યહોવાના સેવકોને પણ લાગુ પડે છે. તેઓએ પણ ઈસુની ચેતવણીને ધ્યાન આપીને જાગતા રહેવું જોઈએ અને વફાદાર રહેવું જોઈએ. આપણે યહોવાને એકદમ સારી રીતે ઓળખીએ છીએ. એટલે આપણને ભરોસો છે કે તે હંમેશાં સાચો ન્યાય કરશે. જો યહોવાએ હાલનાં વર્ષોમાં અમુક વફાદાર સેવકોનો અભિષેક કર્યો હોય, તો આપણે યહોવાના નિર્ણય પર સવાલ ઉઠાવતા નથી. આપણે ઈસુનું એ ઉદાહરણ યાદ રાખીએ છીએ, જેમાં જણાવ્યું છે કે અમુક મજૂરોને અગિયારમા કલાકે દ્રાક્ષાવાડીમાં કામ કરવા બોલાવવામાં આવ્યા હતા. (માથ. ૨૦:૧-૧૬, ફૂટનોટ) તેઓને પણ એટલી જ મજૂરી મળી, જેટલી સવારથી કામ કરનાર મજૂરોને મળી હતી. એવી જ રીતે, અભિષિક્તોને ક્યારે પસંદ કરવામાં આવે છે એ મહત્ત્વનું નથી, પણ જો તેઓ વફાદાર રહેશે તો જ તેઓને સ્વર્ગમાં ઇનામ મળશે. w૨૪.૦૯ ૨૪ ¶૧૫-૧૭
બુધવાર, એપ્રિલ ૨૨
‘ખ્રિસ્તે તમારા માટે દુઃખ વેઠ્યું અને દાખલો બેસાડ્યો, જેથી તમે તેમના પગલે ચાલો.’—૧ પિત. ૨:૨૧.
અન્યાય સહેવામાં ઈસુએ સૌથી સારો દાખલો બેસાડ્યો છે. ચાલો જોઈએ કે તેમના કુટુંબીજનોએ અને બીજાઓએ તેમની સાથે કેવા કેવા અન્યાય કર્યા. તેમના કુટુંબીજનોએ તેમના વિશે કહ્યું: “તેનું મગજ ફરી ગયું છે.” ધર્મગુરુઓએ આરોપ મૂક્યો કે તે દુષ્ટ દૂતોની શક્તિથી ચમત્કારો કરે છે. રોમન સૈનિકોએ તેમની મજાક ઉડાવી, તેમની સતાવણી કરી અને આખરે તેમને મારી નાખ્યા. (માર્ક ૩:૨૧, ૨૨; ૧૪:૫૫; ૧૫:૧૬-૨૦, ૩૫-૩૭) છતાં ઈસુએ એ બધું સહન કર્યું અને બદલો લેવાનો વિચાર ન કર્યો. તેમના દાખલામાંથી શું શીખી શકીએ? (૧ પિત. ૨:૨૧-૨૩) અન્યાય થાય ત્યારે કઈ રીતે વર્તવું એ વિશે ઈસુએ સૌથી સારો દાખલો બેસાડ્યો છે. તે જાણતા હતા કે ક્યારે ચૂપ રહેવું અને ક્યારે બોલવું. (માથ. ૨૬:૬૨-૬૪) તેમના પર ખોટા આરોપ મૂકવામાં આવ્યા ત્યારે તે અમુક વખત ચૂપ રહ્યા. (માથ. ૧૧:૧૯) પણ સતાવણી કરનારાઓને જવાબ આપ્યો ત્યારે, તેમણે તેઓનું અપમાન કર્યું નહિ કે તેઓને ધમકી આપી નહિ. w૨૪.૧૧ ૪-૫ ¶૯-૧૦
ગુરુવાર, એપ્રિલ ૨૩
“ખ્રિસ્ત ઈસુ પાપીઓને બચાવવા આ દુનિયામાં આવ્યા હતા.”—૧ તિમો. ૧:૧૫.
ધારો કે તમે એક મિત્રને ખાસ ભેટ આપો છો. એ ભેટ બહુ સુંદર અને કામ લાગે એવી છે. હવે તમને જાણવા મળે છે કે તેણે એ ભેટ માળિયા પર ચઢાવી દીધી છે. તેને એ ભેટ યાદ પણ નથી. તમને દુઃખ લાગશે, ખરું ને? પણ જો તમને જાણવા મળે કે એ મિત્ર તમારી ભેટનો સારો ઉપયોગ કરી રહ્યો છે અને એ માટે તમારો આભાર માને છે, તો તમને કેવું લાગશે? તમને ચોક્કસ ઘણી ખુશી થશે. આ દાખલાથી શું શીખવા મળે છે? યહોવાએ આપણને બધાને એક અમૂલ્ય ભેટ આપી છે. એ છે, તેમના એકના એક દીકરાનું બલિદાન. એ ભેટ યહોવાએ પ્રેમને લીધે આપી છે. એ ભેટની અને તેમના પ્રેમની કદર કરીએ છીએ ત્યારે, તેમનું દિલ ખુશ થઈ જાય છે. (યોહા. ૩:૧૬; રોમ. ૫:૭, ૮) વર્ષો વીતતાં જાય તેમ ઈસુના બલિદાન માટે આપણાં દિલમાં કદર ઓછી થઈ શકે છે. એ તો એવું કહેવાશે કે જાણે આપણે ઈશ્વરે આપેલી કીમતી ભેટને માળિયા પર ચઢાવી દઈએ છીએ અને ફરી કદી એનો વિચાર કરતા નથી. એવું ન થાય માટે શું કરી શકીએ? યહોવા અને ઈસુ ખ્રિસ્તે આપણા માટે જે કર્યું છે, એના પર નિયમિત રીતે મનન કરીએ. w૨૫.૦૧ ૨૬ ¶૧-૨
શુક્રવાર, એપ્રિલ ૨૪
“આ વાતો પર વિચાર કરજે અને એમાં મન પરોવેલું રાખજે, જેથી તારી પ્રગતિ બધા લોકોને સાફ દેખાઈ આવે.”—૧ તિમો. ૪:૧૫.
જે ભાઈ વડીલ બનવા લાયક ઠરે છે, તે ‘શ્રદ્ધામાં નવા ન હોવા જોઈએ.’ ખરું કે, તમને બાપ્તિસ્મા લીધે વર્ષો થયાં હોય એ જરૂરી નથી, પણ અનુભવી ખ્રિસ્તી બનવા તમને સમયની જરૂર છે. વડીલ તરીકેની જવાબદારી મળે એ પહેલાં તમારે બતાવવું જોઈએ કે તમે ઈસુની જેમ નમ્ર છો અને કોઈ પણ રીતે યહોવાની સેવા કરવા તૈયાર છો. તમારે ધીરજ બતાવવી જોઈએ અને યહોવા તમને વધારે જવાબદારી સોંપે એ સમયની રાહ જોવી જોઈએ. (માથ. ૨૦:૨૩; ફિલિ. ૨:૫-૮) તમે યહોવાને અને તેમનાં ધોરણોને વળગી રહો છો અને સંગઠનનું માર્ગદર્શન પાળો છો. આમ, સાબિત કરો છો કે તમે વફાદાર છો. બાઇબલમાં સ્પષ્ટ જોવા મળે છે કે દેખરેખ રાખનાર ભાઈ શીખવી શકે એવો હોવો જોઈએ. શું એનો એવો અર્થ થાય કે તમે જોરદાર પ્રવચનો આપતા હોવા જોઈએ? ના. ઘણા અનુભવી વડીલો સારા વક્તા નથી. પણ પ્રચારમાં અને ઉત્તેજન આપતી મુલાકાતોમાં તેઓ બાઇબલનો સારો ઉપયોગ કરી શકે છે. w૨૪.૧૧ ૨૩-૨૪ ¶૧૪-૧૫
શનિવાર, એપ્રિલ ૨૫
‘મને તમારી આજ્ઞાઓ વહાલી છે. સોના કરતાં, હા, ચોખ્ખા સોના કરતાં પણ વધારે વહાલી છે.’—ગીત. ૧૧૯:૧૨૭.
જો તમને બાઇબલમાં આપેલો કોઈ અહેવાલ પૂરી રીતે ન સમજાય, તો સંશોધન કરો. પછી તમે અભ્યાસ કર્યો હોય એ માહિતી પર તેમજ યહોવા, તેમના દીકરા અને તેઓના પ્રેમ વિશે તમને જે શીખવા મળ્યું, એના પર આખો દિવસ મનન કરો. (ગીત. ૧૧૯:૯૭, ફૂટનોટ) બની શકે કે દરેક વાર બાઇબલ વાંચતી વખતે અથવા સંશોધન કરતી વખતે તમને નવી કે જોરદાર વાત જાણવા ન મળે. જો એવું થાય તો નિરાશ ન થતા. એક રીતે તમે સોનું શોધનાર માણસ જેવા છો. તે ઘણા બધા કલાકો અથવા દિવસો વિતાવે એ પછી જરાક જેટલું સોનું તેને હાથ લાગે છે. પણ તે હિંમત હારતો નથી અને ધીરજથી સોનું શોધતો રહે છે, કેમ કે સોનાનો એકેએક કણ તેના માટે બહુ કીમતી છે. શું એ સોનાની સરખામણીમાં બાઇબલનું સત્ય વધારે કીમતી નથી? (નીતિ. ૮:૧૦) એટલે ધીરજ રાખજો, બાઇબલ વાંચતા રહેજો અને કીમતી રત્નો શોધતા રહેજો.—ગીત. ૧:૨. w૨૫.૦૧ ૨૫ ¶૧૪-૧૫
રવિવાર, એપ્રિલ ૨૬
“જેમ યહોવાએ તમને દિલથી માફ કર્યા, તેમ તમે પણ કરો.”—કોલો. ૩:૧૩.
યહોવા ઇચ્છે છે કે આપણે એવા લોકોને માફ કરીએ જેઓએ આપણું દિલ દુભાવ્યું હોય. (ગીત. ૮૬:૫; લૂક ૧૭:૪; એફે. ૪:૩૨) કદાચ કોઈ વ્યક્તિનાં વાણી-વર્તનથી આપણને દુઃખ પહોંચે. ખાસ કરીને દોસ્ત અથવા કુટુંબીજન એવું કરે ત્યારે દિલ વીંધાઈ જાય છે. (ગીત. ૫૫:૧૨-૧૪) અમુક વાર એટલો ગુસ્સો આવે અથવા દુઃખ થાય કે કોઈએ ચપ્પુ ભોંકી દીધું હોય એવું લાગે. (નીતિ. ૧૨:૧૮) આપણે કદાચ એ લાગણીને દબાવવાની કે એની અવગણના કરવાની કોશિશ કરીએ. એ તો એવું થશે કે જાણે ચપ્પુ ભોંકીને અંદર જ રહેવા દીધું છે. એવી જ રીતે, લાગણીઓ દબાવી રાખવાથી આપણું દુઃખ ઓછું નહિ થાય. કોઈ આપણને દુઃખ પહોંચાડે ત્યારે શરૂઆતમાં ગુસ્સો આવી શકે. બાઇબલ પણ કહે છે કે આપણને ગુસ્સો આવી શકે. પણ એમાં ચેતવણી આપી છે કે લાંબા સમય માટે ગુસ્સે ન રહીએ. (ગીત. ૪:૪; એફે. ૪:૨૬) શા માટે? કારણ કે ગુસ્સો કરવાથી ભાગ્યે જ સારાં પરિણામ આવે છે. (યાકૂ. ૧:૨૦) યાદ રાખીએ કે ગુસ્સો આવવો સ્વાભાવિક છે, પણ ગુસ્સામાં રહેવું કે નહિ એ આપણા હાથમાં છે. w૨૫.૦૨ ૧૫ ¶૪-૬
સોમવાર, એપ્રિલ ૨૭
‘બુદ્ધિ પોતાના માલિકનો જીવ બચાવે છે.’—સભા. ૭:૧૨.
ઈસુએ એક ઉદાહરણમાં જણાવ્યું હતું કે પોતાના માટે ધનદોલત ભેગી કરવી, પણ “ઈશ્વરની નજરમાં ધનવાન” ન હોવું મૂર્ખતા છે. (લૂક ૧૨:૧૬-૨૧) કાલે શું થશે એ કોઈ જાણતું નથી. (નીતિ. ૨૩:૪, ૫; યાકૂ. ૪:૧૩-૧૫) ખ્રિસ્તના શિષ્યો હોવાને લીધે આપણે એક ખાસ મુશ્કેલીનો સામનો કરીએ છીએ. ઈસુએ કહ્યું હતું કે તેમના શિષ્ય બનવા પોતાની સંપત્તિનો “ત્યાગ” કરવા તૈયાર રહેવું જોઈએ. (લૂક ૧૪:૩૩) પહેલી સદીમાં યહૂદિયાના ખ્રિસ્તીઓ જોડે એવું જ બન્યું હતું. તેઓએ રાજીખુશીથી પોતાની માલ-મિલકત લુટાવા દીધી. (હિબ્રૂ. ૧૦:૩૪) હાલના સમયમાં ઘણા ભાઈઓએ રાજકીય પક્ષોને ટેકો ન આપવાને લીધે પોતાની ધનસંપત્તિ કે નોકરી જવા દીધી છે. (પ્રકટી. ૧૩:૧૬, ૧૭) એમ કરવા તેઓને શાનાથી મદદ મળી છે? તેઓને યહોવાના આ વચનમાં એકદમ પાકો ભરોસો છે: “હું તને કદી છોડી દઈશ નહિ અને હું તને કદી ત્યજી દઈશ નહિ.” (હિબ્રૂ. ૧૩:૫) એ વાત સાચી છે કે ભાવિની યોજનાઓ બનાવવા આપણે પોતાનાથી થાય એટલું કરીએ છીએ. પણ અણધાર્યા સંજોગો આવી પડે ત્યારે આપણે યહોવામાં ભરોસો રાખીએ છીએ. w૨૫.૦૩ ૨૯-૩૦ ¶૧૩-૧૪
મંગળવાર, એપ્રિલ ૨૮
“હવે આપણે ખ્રિસ્ત વિશેનું મૂળ શિક્ષણ શીખી લીધું છે, એટલે ચાલો આપણે પરિપક્વ બનવા પ્રગતિ કરતા રહીએ. આપણે મૂળ શિક્ષણ ફરીથી શીખવા ન બેસીએ જે આપણે શરૂઆતમાં શીખ્યા હતા.”—હિબ્રૂ. ૬:૧.
યહોવા જાણે છે કે આપણે પોતાની રીતે પરિપક્વ નહિ બની શકીએ. એટલે તેમણે મંડળમાં ઘેટાંપાળકો અને શિક્ષકો નીમ્યા છે. તેઓ આપણને યહોવા સાથેનો સંબંધ મજબૂત કરવા મદદ કરે છે. તેઓની મદદથી આપણે “પૂરેપૂરી વૃદ્ધિ” મેળવી શકીએ છીએ અને “ખ્રિસ્તની જેમ પરિપક્વ” થઈ શકીએ છીએ. (એફે. ૪:૧૧-૧૩) યહોવા આપણને પવિત્ર શક્તિ પણ આપે છે, જેથી આપણે ‘ખ્રિસ્ત ઈસુ જેવું મન’ કેળવી શકીએ. (૧ કોરીં. ૨:૧૪-૧૬) યહોવાએ બીજી પણ એક મદદ પૂરી પાડી છે. એ છે, ઈસુના સેવાકાર્ય વિશે જણાવતાં ખુશખબરનાં ચાર પુસ્તકો. એમાં ઈસુનાં વિચારો, શબ્દો અને કામો વિશે જણાવ્યું છે. જો આપણે તેમની જેમ વિચારીશું અને કામો કરીશું તો પરિપક્વ બનીશું. પણ પરિપક્વ બનવા જરૂરી છે કે આપણે “ખ્રિસ્ત વિશેનું મૂળ શિક્ષણ” લઈને બેસી ન રહીએ, પણ વધારે શીખતા રહીએ. w૨૪.૦૪ ૪-૫ ¶૧૧-૧૨
બુધવાર, એપ્રિલ ૨૯
“ત્યારે સમજશક્તિ તારી ચોકી કરશે અને પારખશક્તિ તારું રક્ષણ કરશે.”—નીતિ. ૨:૧૧.
આપણે દરરોજ કંઈ કેટલાય નિર્ણયો લેવા પડે છે. અમુક નિર્ણયો લેવા સહેલું હોય છે. જેમ કે, નાસ્તામાં શું બનાવીશું અથવા ક્યારે ઊંઘી જઈશું? પણ બીજા અમુક નિર્ણયો લેવા અઘરું હોય છે. એની અસર આપણી તંદુરસ્તી, ખુશીઓ, સ્નેહીજનો અથવા યહોવાની ભક્તિ પર પડી શકે છે. એટલે આપણે એવા નિર્ણયો લેવા માંગીએ છીએ, જેનાથી આપણને અને કુટુંબને ફાયદો થાય. પણ સૌથી મહત્ત્વનું તો, યહોવાને ખુશ કરવા માંગીએ છીએ. (રોમ. ૧૨:૧, ૨) સારો નિર્ણય લેવા માટે મહત્ત્વનું પગલું છે, માહિતી મેળવવી. એ કેમ જરૂરી છે? આ દાખલાનો વિચાર કરો: એક વ્યક્તિ બહુ બીમાર છે, એટલે ડૉક્ટર પાસે જાય છે. શું ડૉક્ટર તેને તપાસ્યા વગર અથવા સવાલો પૂછ્યા વગર જ તેની સારવારનો નિર્ણય લઈ લેશે? ના, તે એવું નહિ કરે. જો તમે પણ સૌથી પહેલા તમારા સંજોગોને લાગુ પડતી માહિતી ભેગી કરશો, તો સારા નિર્ણયો લઈ શકશો. w૨૫.૦૧ ૧૪ ¶૧-૩
ગુરુવાર, એપ્રિલ ૩૦
“યહોવાએ તમારું પાપ માફ કર્યું છે. તમે માર્યા નહિ જાઓ.”—૨ શમુ. ૧૨:૧૩.
યહોવા દયાના સાગર છે અને “તે ચાહે છે કે કોઈનો નાશ ન થાય.” (૨ પિત. ૩:૯) પણ ચાલો જોઈએ કે મોટાં મોટાં પાપ કરનારને તે કઈ રીતે દયા બતાવે છે. દાઉદ રાજાએ અમુક મોટાં પાપ કર્યાં હતાં, જેમ કે વ્યભિચાર અને ખૂન. પણ પછીથી તેમણે પસ્તાવો કર્યો. એટલે યહોવાએ તેમને દયા બતાવી અને માફ કર્યા. (૨ શમુ. ૧૨:૧-૧૨) મનાશ્શા રાજાએ મોટા ભાગના જીવન દરમિયાન ઘણાં ખોટાં કામ કર્યાં હતાં. પણ તેમણે પસ્તાવો કર્યો ત્યારે, યહોવાએ દયા બતાવી અને માફી આપી. (૨ કાળ. ૩૩:૯-૧૬) એનાથી ખબર પડે છે કે દયા બતાવવાનું કોઈ કારણ હોય ત્યારે યહોવા જરૂર દયા બતાવે છે. તે એવા ઈશ્વરભક્તોને જીવતા કરશે, કેમ કે તેઓએ પોતાનાં પાપ સ્વીકાર્યાં હતાં અને પસ્તાવો કર્યો હતો. w૨૪.૦૫ ૪ ¶૧૨