સપ્ટેમ્બર
મંગળવાર, સપ્ટેમ્બર ૧
“તમે શ્રદ્ધાથી જીવો છો કે નહિ, એની પરખ કરતા રહો.”—૨ કોરીં. ૧૩:૫.
આપણે પરિપક્વ બનવા અત્યાર સુધી ઘણી મહેનત કરી હશે. પણ પરિપક્વ બની રહેવા મહેનત કરતા રહેવાનું છે. આપણે ક્યારેય આવું ન વિચારીએ: ‘યહોવા સાથે મારો સંબંધ એકદમ મજબૂત છે. હું પરિપક્વ છું, એટલે હવે મારે કંઈ કરવાની જરૂર નથી.’ (૧ કોરીં. ૧૦:૧૨) એના બદલે, ‘પરખ કરતા રહેવું જોઈએ’ કે શું આપણો યહોવા સાથેનો સંબંધ ગાઢ થઈ રહ્યો છે. કોલોસેનાં ભાઈ-બહેનોને પત્ર લખ્યો ત્યારે પ્રેરિત પાઉલે ફરી એક વાર પરિપક્વ બની રહેવા પર ભાર મૂક્યો. એ ભાઈ-બહેનો પરિપક્વ હતાં. તોપણ પાઉલે તેઓને ચેતવણી આપી કે તેઓ દુનિયાના વિચારોથી છેતરાઈ ન જાય. (કોલો. ૨:૬-૧૦) તેમણે પોતાના પત્રમાં એપાફ્રાસ વિશે જણાવ્યું, જે કદાચ કોલોસેનાં ભાઈ-બહેનોને સારી રીતે ઓળખતા હતા. એપાફ્રાસ સતત પ્રાર્થના કરતા હતા કે ભાઈ-બહેનો ‘પરિપક્વ માણસની જેમ દૃઢ ઊભા રહે.’ (કોલો. ૪:૧૨) પાઉલ અને એપાફ્રાસ પાસેથી આપણે શું શીખી શકીએ? તેઓ સારી રીતે જાણતા હતા કે પરિપક્વ બની રહેવા ઈશ્વરની મદદની જરૂર છે અને દરેકે મહેનત કરતા રહેવાની જરૂર છે. તેઓ ચાહતા હતા કે કોલોસેનાં ભાઈ-બહેનો પણ મુશ્કેલીઓ છતાં પરિપક્વ બની રહેવા પ્રયત્ન કરતા રહે. w૨૪.૦૪ ૬-૭ ¶૧૬-૧૭
બુધવાર, સપ્ટેમ્બર ૨
“યહોવા આપણી સાથે છે. તેઓથી ગભરાશો નહિ.”—ગણ. ૧૪:૯.
યહોવાનો ડર રાખવાનો અર્થ શું થાય? એનો અર્થ થાય કે આપણે યહોવાને એટલો બધો પ્રેમ કરીએ છીએ કે તેમને દુઃખ થાય એવું કંઈ કરવા નથી માંગતા. આપણે ખરા-ખોટા વચ્ચેનો તેમજ સત્ય અને જૂઠાણાં વચ્ચેનો ફરક પારખવાનું શીખવા આતુર છીએ, જેથી યહોવાની કૃપા મેળવી શકીએ. (નીતિ. ૨:૩-૬; હિબ્રૂ. ૫:૧૪) યહોવાથી વધારે માણસોનો ડર રાખીશું તો, આપણે સત્યના માર્ગથી દૂર જતા રહીશું. ધ્યાન આપો કે ૧૨ ઇઝરાયેલી જાસૂસો સાથે શું બન્યું હતું. તેઓ વચનના દેશમાં જાસૂસી કરવા ગયા હતા. તેઓમાંથી દસ જાસૂસો કનાનીઓથી એટલા ડરી ગયા કે તેઓનો યહોવા માટેનો પ્રેમ ફિક્કો પડી ગયો. તેઓએ સાથી ઇઝરાયેલીઓને કહ્યું: “આપણે એ લોકો પર ચઢાઈ કરી શકતા નથી, કેમ કે તેઓ આપણા કરતાં વધારે શક્તિશાળી છે.” (ગણ. ૧૩:૨૭-૩૧) મનુષ્યની નજરે જોઈએ તો, કનાનીઓ ખરેખર શક્તિશાળી હતા. પણ લોકો એ વાત ભૂલી ગયા હતા કે યહોવા ઇઝરાયેલીઓના પક્ષમાં છે, એટલે કનાનીઓ તેઓને હરાવી શકતા નથી. w૨૪.૦૭ ૯ ¶૫-૬
ગુરુવાર, સપ્ટેમ્બર ૩
“શું આખી દુનિયાનો ન્યાયાધીશ જે ખરું છે એ જ નહિ કરે?”—ઉત. ૧૮:૨૫.
આપણને સો ટકા ખાતરી છે કે યહોવા લોકોનો ન્યાય કરે છે ત્યારે, હંમેશાં યોગ્ય નિર્ણય લે છે. ઇબ્રાહિમની જેમ આપણે પણ જાણીએ છીએ કે ‘આખી દુનિયાના ન્યાયાધીશ’ યહોવા બુદ્ધિશાળી અને દયાળુ છે તેમજ જે ખરું હોય એ જ કરે છે. યહોવાએ પોતાના દીકરા ઈસુને પણ એ રીતે ન્યાય કરવાનું શીખવ્યું છે. તેમણે ન્યાય કરવાની બધી જવાબદારી ઈસુને સોંપી છે. (યોહા. ૫:૨૨) યહોવા અને ઈસુ લોકોનાં દિલમાં શું છે એ જોઈ શકે છે, તેઓના વિચારો જાણી શકે છે. (માથ. ૯:૪) એટલે દરેકનો ન્યાય કરતી વખતે તેઓ હંમેશાં ‘એ જ કરશે જે ખરું છે!’ તો ચાલો મનમાં ગાંઠ વાળીએ કે હંમેશાં યહોવા પર અને તેમના નિર્ણયો પર ભરોસો રાખીશું. આપણે સ્વીકારીએ છીએ કે આપણે લોકોનો ન્યાય નથી કરી શકતા, ફક્ત યહોવા કરી શકે છે. (યશા. ૫૫:૮, ૯) એટલે ન્યાય કરવાનું કામ યહોવા અને તેમના દીકરા ઈસુના હાથમાં છોડી દઈએ. આપણા રાજા ઈસુ આબેહૂબ તેમના પિતા જેવા છે. તે પણ સાચો ન્યાય કરશે અને દયા બતાવશે.—યશા. ૧૧:૩, ૪. w૨૪.૦૫ ૭ ¶૧૮-૧૯
શુક્રવાર, સપ્ટેમ્બર ૪
“યહોવા આડા માણસને ધિક્કારે છે, પણ સીધા માણસને પોતાનો જિગરી દોસ્ત બનાવે છે.”—નીતિ. ૩:૩૨.
પોતાના દિલમાં પણ સાચું બોલવું કેમ જરૂરી છે, એ વાત બાઇબલના એક અહેવાલથી સારી રીતે સમજાય છે. જ્યારે ફિલિપ પોતાના મિત્ર નથાનિયેલને ઈસુ પાસે લાવ્યા, ત્યારે શું બન્યું એનો વિચાર કરો. ઈસુ પહેલાં ક્યારેય નથાનિયેલને મળ્યા ન હતા, તોપણ ઈસુએ કહ્યું: “જુઓ! એક સાચો ઇઝરાયેલી, જેનામાં કંઈ કપટ નથી.” (યોહા. ૧:૪૭) ઈસુએ નથાનિયેલમાં કંઈક ખાસ જોયું. નથાનિયેલથી પણ ભૂલો થતી હતી. જોકે, તે ઢોંગ કરતા ન હતા. તે દરેક વાતમાં પ્રમાણિક હતા. ઈસુને તેમની એ વાત ખૂબ ગમી અને એ માટે તેમના વખાણ કર્યા. ગીતશાસ્ત્ર ૧૫માં યહોવાને ખુશ કરવા શું કરવું જોઈએ, એ વિશે જણાવ્યું છે. એટલું જ નહિ, બીજાઓ સાથે કઈ રીતે વર્તવું એ પણ જણાવ્યું છે. કલમ ૩માં લખ્યું છે કે યહોવાનો મહેમાન “પોતાની જીભે નિંદા કરતો નથી, પોતાના પડોશીનું કંઈ જ બૂરું કરતો નથી અને પોતાના દોસ્તોને બદનામ કરતો નથી.” નિંદા કરવાનાં ખરાબ પરિણામો આવી શકે છે. આપણે બીજાઓને નુકસાન પહોંચાડી શકીએ છીએ.—યાકૂ. ૧:૨૬. w૨૪.૦૬ ૧૦ ¶૭, ૯; ૧૧ ¶૧૦
શનિવાર, સપ્ટેમ્બર ૫
“માલિક, તમારા નામથી દુષ્ટ દૂતો પણ અમને આધીન થયા.”—લૂક ૧૦:૧૭.
જો પ્રચારમાં જતા પહેલાં સારી તૈયારી કરીશું, તો લોકો સાથે શાંતિથી વાત કરી શકીશું અને ડર નહિ લાગે. ઈસુએ પોતાના શિષ્યોને પ્રચારમાં મોકલતા પહેલાં સારી તૈયારી કરવા મદદ કરી હતી. તેમણે તેઓને અમુક સલાહ-સૂચનો આપ્યાં હતાં. (લૂક ૧૦:૧-૧૧) શિષ્યોએ ઈસુની વાત માની ત્યારે તેઓને સારાં પરિણામ મળ્યાં અને પ્રચારકામમાં વધારે ખુશી મળી. પણ કઈ રીતે સારી તૈયારી કરી શકીએ? પહેલેથી વિચારી શકીએ કે લોકો સાથે કયા વિષય પર વાત કરીશું અને કઈ રીતે તેઓને સાદા શબ્દોમાં સમજાવીશું. એ વિશે પણ વિચારી શકીએ કે આપણી વાત સાંભળીને લોકો શું કહેશે, કેવા સવાલો પૂછશે અને જવાબમાં આપણે શું કહીશું. પછી પ્રચાર કરતી વખતે ચહેરા પર એક સ્માઈલ રાખીએ, ગભરાઈએ નહિ અને પ્રેમથી વાત કરીએ. w૨૪.૦૪ ૧૫-૧૬ ¶૬-૭
રવિવાર, સપ્ટેમ્બર ૬
“હે યહોવા અમારા ભગવાન! મહિમા, માન અને શક્તિ મેળવવા તમે જ યોગ્ય છો. તમે જ બધી વસ્તુઓ બનાવી.”—પ્રકટી. ૪:૧૧.
લોકોને ખુશખબર જણાવવાનું સૌથી મહત્ત્વનું કારણ છે, યહોવા અને તેમના પવિત્ર નામ માટેનો પ્રેમ. પ્રચાર કરીને આપણે યહોવા ઈશ્વરનો જયજયકાર કરીએ છીએ. આપણે પૂરા દિલથી માનીએ છીએ કે યહોવા ઈશ્વર જ મહિમા, માન અને શક્તિ મેળવવા યોગ્ય છે. જ્યારે લોકોને ઠોસ પુરાવા આપીએ છીએ કે યહોવાએ જ “બધી વસ્તુઓ બનાવી” છે, ત્યારે આપણે તેમને મહિમા અને માન આપીએ છીએ. જ્યારે પ્રચારમાં બનતું બધું કરવા પોતાનાં સમય, તાકાત અને ધનસંપત્તિનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે તેમને શક્તિ આપીએ છીએ. (માથ. ૬:૩૩; લૂક ૧૩:૨૪; કોલો. ૩:૨૩) ટૂંકમાં, આપણે ઈશ્વરને ખૂબ પ્રેમ કરીએ છીએ એટલે તેમના વિશે બીજાઓને જણાવીએ છીએ. તેમના નામ વિશે અને તે કેવા ઈશ્વર છે એ વિશે જણાવવાનું પણ મન થાય છે. w૨૪.૦૫ ૧૭ ¶૧૧
સોમવાર, સપ્ટેમ્બર ૭
“તેમને દિલથી શોધનારાઓને તે ઇનામ આપે છે.”—હિબ્રૂ. ૧૧:૬.
યહોવા આપણને મનની શાંતિ અને અઢળક આશીર્વાદો આપે છે, જેના લીધે આપણે હમણાં ખુશ રહી શકીએ છીએ. તે ભાવિમાં હંમેશ માટેનું જીવન પણ આપશે. આપણને પૂરો ભરોસો છે કે યહોવા આપણને ઇનામ આપવા માંગે છે અને એમ કરવાની તેમની પાસે તાકાત પણ છે. એ કારણને લીધે આપણે અગાઉના વફાદાર સેવકોની જેમ યહોવાની સેવામાં સૌથી સારું કરવા સખત મહેનત કરીએ છીએ. પહેલી સદીના તિમોથીએ એવું જ કર્યું હતું. (હિબ્રૂ. ૬:૧૦-૧૨) તિમોથીને પૂરી શ્રદ્ધા હતી કે યહોવા જીવતા ઈશ્વર છે અને તેમને ઇનામ આપશે. (૧ તિમો. ૪:૧૦) એટલે તેમણે ઘણી મહેનત કરી અને સખત લડત આપી. કઈ રીતે? પ્રેરિત પાઉલે તિમોથીને ઉત્તેજન આપ્યું કે તે સારા શિક્ષક બને, જેથી મંડળમાં અને પ્રચારમાં બધાને સારી રીતે શીખવી શકે. પાઉલે એ પણ કહ્યું કે તિમોથી નાના-મોટા બધા માટે સારો દાખલો બેસાડે. તેમને અમુક અઘરી જવાબદારીઓ પણ સોંપવામાં આવી હતી. જેમ કે, જરૂર પડ્યે તેમણે લોકોને કડક પણ પ્રેમથી ઠપકો આપવાનો હતો. (૧ તિમો. ૪:૧૧-૧૬; ૨ તિમો. ૪:૧-૫) તિમોથીને પાકો ભરોસો હતો કે યહોવા તેમને ઇનામ આપશે.—રોમ. ૨:૬, ૭. w૨૪.૦૬ ૨૨-૨૩ ¶૧૦-૧૧
મંગળવાર, સપ્ટેમ્બર ૮
‘યહોવા પોતાના બધા પ્રબોધકો દ્વારા ઇઝરાયેલને અને યહૂદાને ચેતવણી આપતા રહ્યા.’—૨ રાજા. ૧૭:૧૩.
યહોવાએ ઇઝરાયેલીઓને ચેતવણી આપવા અને સુધારવા ઘણી વાર પોતાના પ્રબોધકો મોકલ્યા. દાખલા તરીકે, તેમણે યર્મિયા દ્વારા ઇઝરાયેલીઓને કહ્યું: “હે બળવાખોર ઇઝરાયેલ, પાછી ફર. હું તને ગુસ્સે થઈને જોઈશ નહિ, કેમ કે હું વફાદાર છું. . . . હું કાયમ ગુસ્સે રહીશ નહિ. તારો અપરાધ કબૂલ કર, કેમ કે તેં તારા ઈશ્વર યહોવા સામે બળવો કર્યો છે.” (યર્મિ. ૩:૧૨, ૧૩) યોએલ દ્વારા તેમણે કહ્યું: “પૂરા દિલથી મારી પાસે પાછા ફરો.” (યોએ. ૨:૧૨, ૧૩) યશાયા દ્વારા તેમણે જાહેર કર્યું: “તમે નાહી-ધોઈને શુદ્ધ થાઓ. મારી નજર સામેથી તમારાં દુષ્ટ કામો દૂર કરો. ખોટાં કામો બંધ કરો.” (યશા. ૧:૧૬-૧૯) હઝકિયેલ દ્વારા તેમણે આ સંદેશો આપ્યો: “શું કોઈ દુષ્ટ માણસના મોતથી મને ખુશી થાય છે? જરાય નહિ! હું તો એવું ચાહું છું કે તે પોતાના માર્ગોથી પાછો ફરે અને જીવતો રહે. મને કોઈના મોતથી જરાય ખુશી થતી નથી. એટલે પાપ કરવાનું છોડી દો અને જીવતા રહો.” (હઝકિ. ૧૮:૨૩, ૩૨) લોકો પોતાનાં પાપનો પસ્તાવો કરે છે, ત્યારે યહોવાને ઘણી ખુશી થાય છે. કારણ કે તે ચાહે છે કે તેઓ હંમેશ માટે જીવે. w૨૪.૦૮ ૯ ¶૫-૬
બુધવાર, સપ્ટેમ્બર ૯
‘આખું પવિત્ર શાસ્ત્ર ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે અને ઉપયોગી છે.’—૨ તિમો. ૩:૧૬.
યહોવા એકેએક સેવકને ભક્તિને લગતો ખોરાક આપે છે, માર્ગદર્શન આપે છે અને તેનું રક્ષણ કરે છે. એક દાખલા પર ધ્યાન આપો, જેનાથી ખબર પડે છે કે યહોવા પક્ષપાત કરતા નથી. આજે દુનિયાના ખૂણે ખૂણે રહેતા લોકો બાઇબલ વાંચી શકે છે. પણ શરૂઆતમાં બાઇબલ હિબ્રૂ, અરામિક અને ગ્રીક ભાષામાં લખવામાં આવ્યું હતું. શું એનો એવો અર્થ થાય કે ફક્ત એ ભાષા જાણતા લોકોનો જ યહોવા સાથેનો સંબંધ મજબૂત છે? જરાય નહિ. (માથ. ૧૧:૨૫) કોઈને મિત્ર બનાવતા પહેલાં યહોવા એ નથી જોતા કે એ વ્યક્તિ કેટલું ભણેલી-ગણેલી છે અથવા તેને હિબ્રૂ, અરામિક અને ગ્રીક ભાષા આવડે છે કે નહિ. યહોવા ચાહે છે કે આખી દુનિયાના લોકો બાઇબલની સલાહથી ફાયદો મેળવે, પછી ભલે તેઓ ભણેલા-ગણેલા હોય કે અભણ. તેમના શબ્દ બાઇબલનું ભાષાંતર હજારો ભાષાઓમાં થયું છે. આમ, આખી દુનિયાના લોકો એના શિક્ષણથી ફાયદો મેળવી શકે છે અને તેમના મિત્ર કઈ રીતે બનવું એ શીખી શકે છે.—૨ તિમો. ૩:૧૬, ૧૭. w૨૪.૦૬ ૬ ¶૧૩-૧૫
ગુરુવાર, સપ્ટેમ્બર ૧૦
‘યરૂશાલેમનો ઉજ્જડ થવાનો સમય પાસે આવ્યો છે.’—લૂક ૨૧:૨૦.
ઈસુએ ભાખ્યું હતું તેમ યરૂશાલેમના વિનાશનો સમય નજીક આવી રહ્યો હતો. એટલે, જરૂરી હતું કે ખ્રિસ્તીઓ એ સમયનો ઉપયોગ કરીને પોતાને તૈયાર રાખે. તેઓએ પોતાની શ્રદ્ધા મક્કમ કરવાની અને વધારે ધીરજ બતાવવાની જરૂર હતી. (હિબ્રૂ. ૧૦:૨૫; ૧૨:૧, ૨) યહૂદિયામાં રહેતા ખ્રિસ્તીઓ પર જે આફત આવી, એના કરતાં વધારે મોટી વિપત્તિ આપણા સમયમાં આવવાની છે. (માથ. ૨૪:૨૧; પ્રકટી. ૧૬:૧૪, ૧૬) હિબ્રૂઓને લખેલા પત્રમાં યહોવાએ એ ખ્રિસ્તીઓને જે સલાહ આપી હતી, એમાંની અમુક સલાહ પર ધ્યાન આપીએ. એનાથી આપણને પણ ખૂબ મદદ મળશે. હિબ્રૂઓને લખેલા પત્રમાં પાઉલે ભાઈ-બહેનોને શાસ્ત્રવચનો વાંચવા અને એના પર મનન કરવાનું ઉત્તેજન આપ્યું. (હિબ્રૂ. ૫:૧૪–૬:૧) હિબ્રૂ શાસ્ત્રવચનોનો ઉપયોગ કરીને પ્રેરિત પાઉલે સમજાવ્યું કે યહોવાની ભક્તિ કરવાની ખ્રિસ્તીઓની રીત કેમ યહૂદીઓની રીત કરતાં વધારે ચઢિયાતી છે. પાઉલ જાણતા હતા કે જો ખ્રિસ્તીઓ પોતાનું જ્ઞાન વધારશે અને શાસ્ત્રવચનોની મદદથી સત્યને સારી રીતે સમજશે, તો ખોટું શિક્ષણ પારખી શકશે અને એનાથી દૂર રહી શકશે. w૨૪.૦૯ ૮-૯ ¶૨-૩; ૧૦ ¶૬
શુક્રવાર, સપ્ટેમ્બર ૧૧
“માલિક ઈસુને સાચે જ મરણમાંથી ઉઠાડવામાં આવ્યા છે!”—લૂક ૨૪:૩૪.
ઈસુના શિષ્યોને ઉત્તેજનની જરૂર હતી. શા માટે? ઈસુ સાથે પૂરો સમય સેવા કરવા અમુક શિષ્યોએ પોતાનાં ઘરબાર, કુટુંબીજનો અને ધંધો છોડ્યાં હતાં. (માથ. ૧૯:૨૭) બીજા અમુક સાથે લોકો ખરાબ રીતે વર્તતા હતા, કેમ કે તેઓ ઈસુના શિષ્યો બન્યા હતા. (યોહા. ૯:૨૨) તેઓ એ બધા ફેરફારો કરવા અને બધું સહેવા તૈયાર હતા, કેમ કે તેઓ માનતા હતા કે ઈસુ જ વચન આપેલા મસીહ છે. (માથ. ૧૬:૧૬) પણ ઈસુને મારી નાખવામાં આવ્યા ત્યારે તેઓ નિરાશ થઈ ગયા. કેમ કે તેઓને લાગ્યું કે હવે તેઓની આશા પૂરી નહિ થાય. શિષ્યો કેમ દુઃખી હતા એ ઈસુ સમજતા હતા. તે જાણતા હતા કે શિષ્યોમાં શ્રદ્ધાની ખામી નથી, પણ તેમને ગુમાવવાને લીધે તેઓ દુઃખી છે. એટલે જીવતા થયા એ જ દિવસથી તેમણે પોતાના મિત્રોને ઉત્તેજન આપવાનું શરૂ કરી દીધું. દાખલા તરીકે, મરિયમ માગદાલેણ ઈસુની કબર આગળ રડતી હતી ત્યારે ઈસુ તેને દેખાયા. (યોહા. ૨૦:૧૧, ૧૬) ઈસુ બે શિષ્યોને પણ દેખાયા જેઓ એમ્મોસ નામના ગામે જઈ રહ્યા હતા. તે પ્રેરિત પિતરને પણ દેખાયા. w૨૪.૧૦ ૧૩ ¶૫-૬
શનિવાર, સપ્ટેમ્બર ૧૨
“તમે જે આશા રાખો છો એ વિશે કોઈ ખુલાસો માંગે તો, તેને જવાબ આપવા હંમેશાં તૈયાર રહો.”—૧ પિત. ૩:૧૫.
માતા-પિતાઓ, બાળકને મદદ કરો, જેથી તે બીજાઓને સમજાવી શકે કે તે કેમ સર્જનહારમાં માને છે. તમે jw.org/gu પરથી એવા લેખોની ચર્ચા કરી શકો, જેમાં સર્જન અને ઉત્ક્રાંતિ વિશે જણાવ્યું છે. પછી બાળકને પૂછી શકો કે તેને કયા મુદ્દા વિશે બીજાઓને જણાવવું સહેલું લાગશે. બાળક સાથે પ્રેક્ટિસ કરો કે એ મુદ્દાના આધારે તે કઈ રીતે બીજાઓને પોતાની માન્યતા સમજાવી શકે. પણ જો કોઈ વિદ્યાર્થી એ વિષય પર તેની સાથે વાત કરવા માંગતો હોય, તો તે સરળ શબ્દોમાં પોતાનો મુદ્દો સમજાવી શકે. ધારો કે, એક વિદ્યાર્થી તેને કહે છે: “હું ફક્ત એ જ વસ્તુઓમાં માનું છું, જેને હું મારી આંખોથી જોઈ શકું છું અને ઈશ્વરને તો મેં કદી જોયા નથી.” એ સમયે તમારું બાળક કદાચ આવો જવાબ આપી શકે: “ધારો કે, તું એક ગાઢ જંગલમાં જઈ રહ્યો છે. ત્યાં કોઈ માણસ રહેતો નથી. તારી નજર એક સરસ બાંધેલા કૂવા પર પડે છે. હવે તું શું વિચારીશ? શું એ કૂવો આપોઆપ આવી ગયો, કે કોઈએ એને બાંધ્યો છે? જો એક કૂવો સાબિતી આપતો હોય કે એને બનાવનાર કોઈ છે, તો શું વિશ્વની વસ્તુઓ સાબિતી નથી આપતી કે એને બનાવનાર એક સર્જનહાર છે?” w૨૪.૧૨ ૧૮ ¶૧૬
રવિવાર, સપ્ટેમ્બર ૧૩
“વૃદ્ધો પાસે બુદ્ધિ હોય છે અને લાંબું જીવનાર પાસે સમજણ હોય છે.”—અયૂ. ૧૨:૧૨.
જીવનમાં મોટા મોટા નિર્ણયો લેવાના થાય ત્યારે બધાને માર્ગદર્શનની જરૂર પડે છે. એ માર્ગદર્શન વડીલો અને અનુભવી ભાઈ-બહેનો પાસેથી મેળવી શકીએ છીએ. જો તેઓ આપણા કરતાં ઉંમરમાં મોટા હોય, તો એવું ન વિચારવું જોઈએ કે તેઓની સલાહ જુનવાણી છે અને આપણને કામ નહિ લાગે. યહોવા ચાહે છે કે આપણે એ વફાદાર સેવકો પાસેથી શીખીએ. તેઓએ આપણા કરતાં વધારે દુનિયા જોઈ છે, એટલે તેઓ પાસે વધારે અનુભવ, સમજણ અને બુદ્ધિ છે. બાઇબલ સમયમાં યહોવાએ મોટી ઉંમરના વફાદાર સેવકો દ્વારા પોતાના લોકોને ઉત્તેજન અને માર્ગદર્શન આપ્યું. દાખલા તરીકે, મૂસા, દાઉદ અને પ્રેરિત યોહાન દ્વારા. તેઓ અલગ અલગ સમયમાં જીવી ગયા હતા. તેઓના સંજોગો પણ જુદા જુદા હતા. જીવનના આખરી પડાવમાં તેઓએ યુવાનોને અમુક સરસ સલાહ આપી. એ દરેક ઈશ્વરભક્તે એ વાત પર ભાર મૂક્યો કે ઈશ્વરની આજ્ઞાઓ પાળવી કેટલી જરૂરી છે. એનાથી આપણને ફાયદો થઈ શકે છે, પછી ભલે યુવાન હોઈએ કે વૃદ્ધ.—રોમ. ૧૫:૪; ૨ તિમો. ૩:૧૬. w૨૪.૧૧ ૮ ¶૧-૨
સોમવાર, સપ્ટેમ્બર ૧૪
“જો તમે માણસના દીકરાનું માંસ નહિ ખાઓ અને તેનું લોહી નહિ પીઓ, તો તમને જીવન મળશે નહિ.”—યોહા. ૬:૫૩.
નૂહના દિવસોમાં યહોવાએ માણસોને લોહી ખાવાની મનાઈ કરી હતી. (ઉત. ૯:૩, ૪) પછીથી તેમણે ઇઝરાયેલીઓને લોહી ન ખાવાની આજ્ઞા આપી હતી. જો કોઈ વ્યક્તિ લોહી ખાતી, તો તેને ‘મારી નાખવામાં’ આવતી હતી. (લેવી. ૭:૨૭) ઈસુએ પોતે નિયમશાસ્ત્ર પાળ્યું અને યહૂદીઓને પણ એમ કરવાનું શીખવ્યું. (માથ. ૫:૧૭-૧૯) એટલે આપણે વિચાર પણ ન કરી શકીએ કે તેમણે યહૂદીઓને પોતાનું માંસ ખાવા અથવા લોહી પીવા કહ્યું હશે. આપણે સાફ જોઈ શકીએ છીએ કે ટોળા સાથે વાત કરતી વખતે ઈસુએ દાખલો વાપર્યો હતો. એવું તેમણે પહેલાં પણ કર્યું હતું. સમરૂની સ્ત્રી સાથે વાત કરતી વખતે તેમણે કહ્યું હતું: “હું જે પાણી આપીશ, . . . એ પાણી હંમેશ માટેનું જીવન આપે છે.” (યોહા. ૪:૭, ૧૪) ઈસુ એવું કહી રહ્યા ન હતા કે કોઈ કૂવાનું પાણી પીવાથી સમરૂની સ્ત્રીને હંમેશ માટેનું જીવન મળી જશે. એવી જ રીતે, ઈસુ કાપરનાહુમમાં લોકોને એવું કહી રહ્યા ન હતા કે હંમેશ માટેનું જીવન મેળવવા તેઓએ તેમનું માંસ ખાવું પડશે અને લોહી પીવું પડશે. w૨૪.૧૨ ૯ ¶૪-૬
મંગળવાર, સપ્ટેમ્બર ૧૫
“પોતાના શરીરનું જીવતું, પવિત્ર અને ઈશ્વરને પસંદ હોય એવું અર્પણ કરો. તમારી સમજશક્તિનો ઉપયોગ કરીને ઈશ્વરની પવિત્ર સેવા કરો.”—રોમ. ૧૨:૧.
આજે દુનિયામાં સ્ત્રી વિશેના ખોટા વિચારો ફેલાયેલા છે. એટલે યહોવાની ભક્તિ કરતા પતિઓએ ધ્યાન રાખવું જોઈએ કે તેઓમાં એવા વિચારો ન આવી જાય. શા માટે? એનું એક કારણ એ છે કે મોટા ભાગે વિચારો કાર્યો તરફ દોરી જાય છે. પ્રેરિત પાઉલે રોમના અભિષિક્ત ખ્રિસ્તીઓને ચેતવણી આપતા કહ્યું હતું, “આ દુનિયાની અસર તમારા પર ન થવા દો.” (રોમ. ૧૨:૧, ૨) પાઉલે જ્યારે રોમનોને પત્ર લખ્યો, ત્યારે મંડળ બન્યાને અમુક વર્ષો થઈ ગયાં હતાં. પણ પાઉલના શબ્દોથી જોવા મળે છે કે મંડળના અમુક લોકોમાં દુનિયાના રીતરિવાજો અને વિચારોની અસર આવી ગઈ હતી. એટલે જ તેમણે સલાહ આપી કે તેઓ પોતાનાં વિચારોમાં અને વર્તનમાં ફેરફાર કરે. એ સલાહ આજે ખ્રિસ્તી પતિઓને પણ લાગુ પડે છે. દુઃખની વાત છે કે અમુક પતિઓમાં દુનિયાના વિચારો આવી ગયા છે અને તેઓએ પોતાની પત્ની પર અત્યાચાર કર્યો છે. w૨૫.૦૧ ૯ ¶૪
બુધવાર, સપ્ટેમ્બર ૧૬
“ઘેટાંપાળક તરીકે ઈશ્વરના ટોળાની સંભાળ રાખો, જે તમને સોંપાયેલું છે.”—૧ પિત. ૫:૨.
આજે વડીલો ઘણાં બધાં કામો કરે છે. તેઓ પ્રચારકો છે. (૨ તિમો. ૪:૫) તેઓ જોરશોરથી પ્રચાર કરીને સારો દાખલો બેસાડે છે. મંડળના વિસ્તારમાં પ્રચાર થાય એની ગોઠવણો કરે છે. તેમ જ, આપણે સારી રીતે પ્રચાર કરી શકીએ અને શીખવી શકીએ એ માટે તાલીમ આપે છે. ન્યાય કરવાની વાત આવે ત્યારે તેઓ દયા બતાવે છે અને કોઈનો પક્ષ લેતા નથી. જ્યારે એક ખ્રિસ્તી મોટી ભૂલ કરી બેસે છે, ત્યારે વડીલો તેને મદદ કરવા મહેનત કરે છે, જેથી યહોવા સાથેનો તેનો સંબંધ ફરીથી બંધાય. તેઓ મંડળ શુદ્ધ રહે એનું પણ ધ્યાન રાખે છે. (૧ કોરીં. ૫:૧૨, ૧૩; ગલા. ૬:૧) સૌથી મહત્ત્વનું તો, વડીલો ઘેટાંપાળકો છે. (૧ પિત. ૫:૧-૩) તેઓ સરસ તૈયારી કરીને બાઇબલની માહિતીને આધારે પ્રવચનો આપે છે. મંડળમાં દરેકને ઓળખવાની કોશિશ કરે છે અને ભાઈ-બહેનોને ઉત્તેજન આપવા તેઓની મુલાકાત લે છે. એ ઉપરાંત, અમુક વડીલો બીજી જવાબદારીઓ પણ નિભાવે છે. જેમ કે, તેઓ પ્રાર્થનાઘરના બાંધકામમાં અને સમારકામમાં તેમજ મહાસંમેલનની ગોઠવણોમાં મદદ કરે છે. અમુક વડીલો હૉસ્પિટલ સંપર્ક સમિતિમાં અને દર્દીની મુલાકાત લેતા જૂથમાં સેવા આપે છે. ખરેખર, આપણા વડીલો તનતોડ મહેનત કરે છે. w૨૪.૧૦ ૨૦ ¶૯
ગુરુવાર, સપ્ટેમ્બર ૧૭
“જેમ આદમને લીધે બધા મરે છે, તેમ ખ્રિસ્તને લીધે બધાને જીવતા કરવામાં આવશે.”—૧ કોરીં. ૧૫:૨૨.
બાઇબલમાં જણાવ્યું છે કે છુટકારાની કિંમત ચૂકવીને આપણને છોડાવવામાં આવ્યા છે અથવા આઝાદ કરવામાં આવ્યા છે. પ્રેરિત પિતરે જણાવ્યું હતું: “તમારા બાપદાદાઓ પાસેથી મળેલા રીતરિવાજોને લીધે તમારું જીવન સાવ નકામું હતું. પણ તમે જાણો છો કે તમને એમાંથી આઝાદ કરવામાં આવ્યા છે. [મૂળ, “કિંમત ચૂકવીને તમને છોડાવવામાં આવ્યા છે.”] એ આઝાદી સોના કે ચાંદી જેવી નાશવંત વસ્તુઓથી નહિ, પણ કલંક વગરના અને નિર્દોષ ઘેટા જેવા ખ્રિસ્તના મૂલ્યવાન લોહીથી મળી છે.” (૧ પિત. ૧:૧૮, ૧૯, ફૂટનોટ) પાપ અને મરણે આપણા પર રાજ કર્યું છે અને એના લીધે આપણે ઘણું વેઠવું પડ્યું છે. પણ ઈસુના બલિદાનથી આપણને પાપ અને મરણની ગુલામીમાંથી આઝાદ કરવામાં આવ્યા છે. (રોમ. ૫:૨૧) આપણા જેવા પાપી માણસોને છોડાવવા ઈસુએ પોતાનું કીમતી લોહી વહેવડાવ્યું છે. સાચે જ, યહોવા અને ઈસુનો એ ઉપકાર આપણે કદી નહિ ભૂલીએ. w૨૫.૦૨ ૫ ¶૧૫-૧૬
શુક્રવાર, સપ્ટેમ્બર ૧૮
“સુખી છે એ માણસ, જે હંમેશાં સાવધ રહે છે.”—નીતિ. ૨૮:૧૪.
આપણે કઈ રીતે સાવધ રહી શકીએ, જેથી પાપ કરી ન બેસીએ? એ માટે ચાલો નીતિવચનો અધ્યાય ૭માં જણાવેલા યુવાનનો દાખલો જોઈએ. તે યુવાન એક વ્યભિચારી સ્ત્રી સાથે વ્યભિચાર કરી બેઠો. કલમ ૨૨માં જણાવ્યું છે કે એ યુવાન “તરત” એ સ્ત્રીની પાછળ ગયો. પણ એની આગળની કલમોથી ખબર પડે છે કે એ બધું અચાનક નહિ, ધીરે ધીરે થયું હતું. એ યુવાને એવા ઘણા મૂર્ખ નિર્ણયો લીધા, જેના લીધે તે એ પાપ કરવા દોરાયો. તે યુવાને કયા મૂર્ખ નિર્ણયો લીધા? સૌથી પહેલા, સાંજના સમયે ‘તે એવા રસ્તા પર થઈને ગયો, જેના નાકે એ વ્યભિચારી સ્ત્રી રહેતી હતી.’ પછી તે એ સ્ત્રીના ઘર તરફ આગળ વધ્યો. (નીતિ. ૭:૮, ૯) ત્યાર બાદ, જ્યારે તેણે એ સ્ત્રીને જોઈ, ત્યારે તે તેનાથી દૂર ન ગયો. એને બદલે, તેણે એ સ્ત્રીને ચુંબન કરવા દીધું. જ્યારે તે જણાવતી હતી કે તેણે શાંતિ-અર્પણો ચઢાવ્યાં છે, ત્યારે તે યુવાને તેની વાત ધ્યાનથી સાંભળી. એવું કહીને કદાચ તે બતાવવા માંગતી હતી કે તે ખરાબ નથી. (નીતિ. ૭:૧૩, ૧૪, ૨૧) શું એ યુવાન એ જોખમથી બચી શક્યો હોત? હા, જો તેણે મૂર્ખ નિર્ણયો ન લીધા હોત અને સાવધ રહ્યો હોત, તો એ લાલચથી બચી શક્યો હોત અને પાપ કરી બેઠો ન હોત. w૨૪.૦૭ ૧૫-૧૬ ¶૮-૯; ૧૮ ¶૧૯
શનિવાર, સપ્ટેમ્બર ૧૯
“તેને દિલથી માફ કરીને દિલાસો આપવો જોઈએ.”—૨ કોરીં. ૨:૭.
યહોવા ખરાબ કામોને ચલાવી લેતા નથી. અમુકને કદાચ લાગે કે યહોવા દયાના સાગર છે, એટલે તે પસ્તાવો ન કરનાર વ્યક્તિને મંડળમાં રહેવા દેશે. પણ યહોવા એ રીતે “દયા” નથી બતાવતા. ખરું કે, યહોવા દયાળુ છે. પણ તે બેશરમ કામોને ચલાવી લેતા નથી. તે ખરાં-ખોટાંનાં પોતાનાં ધોરણો સાથે તડજોડ કરતા નથી. (યહૂ. ૪) જો યહોવા પસ્તાવો ન કરનાર વ્યક્તિને મંડળમાં રહેવા દે, તો એ સાચી દયા નહિ કહેવાય. કેમ કે એનાથી તો આખા મંડળને નુકસાન થઈ શકે છે. (નીતિ. ૧૩:૨૦; ૧ કોરીં. ૧૫:૩૩) છતાં આપણે જાણીએ છીએ કે કોઈનો પણ નાશ થાય એવું યહોવા નથી ચાહતા. તે ઇચ્છે છે કે બને એટલા લોકો બચી જાય. તે એવા લોકોને દયા બતાવે છે, જેઓ પોતાનાં વિચારો અને કામોમાં ફેરફાર કરે છે તેમજ તેમની સાથેનો સંબંધ ફરીથી જોડવા માંગે છે. (હઝકિ. ૩૩:૧૧; ૨ પિત. ૩:૯) એટલે જ્યારે કોરીંથ મંડળના ભાઈએ પસ્તાવો કર્યો અને પોતાનામાં સુધારો કર્યો, ત્યારે યહોવાએ પ્રેરિત પાઉલ દ્વારા મંડળને જણાવ્યું કે એ ભાઈને માફ કરી દે અને તેનો આવકાર કરે. w૨૪.૦૮ ૧૬ ¶૭; ૧૮ ¶૧૪-૧૫
રવિવાર, સપ્ટેમ્બર ૨૦
“તમે મારા આ ભાઈઓમાંના સૌથી નાના માટે જે કંઈ કર્યું, એ તમે મારા માટે કર્યું છે.”—માથ. ૨૫:૪૦.
ઘેટાં અને બકરાંના ઉદાહરણથી જોવા મળે છે કે ઈસુ લોકોનો ન્યાય શાના આધારે કરશે. તે જોશે કે ઈસુના અભિષિક્ત ભાઈઓને તેઓએ સાથ આપ્યો હતો કે નહિ. (માથ. ૨૫:૩૧-૪૬) “મોટી વિપત્તિ” દરમિયાન આર્માગેદન શરૂ થાય એના થોડા જ સમય પહેલાં ઈસુ નક્કી કરશે કે કોણ ઘેટાં છે અને કોણ બકરાં. (માથ. ૨૪:૨૧) જેમ ઘેટાંપાળક ઘેટાંને બકરાંથી અલગ કરે છે, તેમ ઈસુ પણ અભિષિક્તોને સાથ આપનાર લોકોને સાથ ન આપનાર લોકોથી અલગ કરશે. બાઇબલમાં જણાવ્યું છે કે યહોવાએ ઈસુને ન્યાયાધીશ બનાવ્યા છે અને ઈસુ હંમેશાં લોકોનો સાચો ન્યાય કરશે. (યશા. ૧૧:૩, ૪) તે જુએ છે કે લોકો શું કરે છે, શું વિચારે છે અને શું બોલે છે. તે એ પણ જુએ છે કે તેઓ ઈસુના અભિષિક્ત ભાઈઓ સાથે કઈ રીતે વર્તે છે. (માથ. ૧૨:૩૬, ૩૭) ઈસુ જાણતા હશે કે તેમના અભિષિક્ત ભાઈઓને અને તેઓના કામને કોણે સાથ આપ્યો છે. ખ્રિસ્તના અભિષિક્ત ભાઈઓને ટેકો આપવાની એક મહત્ત્વની રીત છે, પ્રચારકામમાં તેઓને મદદ કરીએ. w૨૪.૦૯ ૨૦-૨૧ ¶૩-૪
સોમવાર, સપ્ટેમ્બર ૨૧
“બધી વસ્તુઓની પરખ કરો.”—૧ થેસ્સા. ૫:૨૧.
જો આપણને કોઈ શંકા હોય, તો તપાસવું જોઈએ કે એ વિશે બાઇબલ શું કહે છે. દાખલા તરીકે, યુવાન વ્યક્તિનો વિચાર કરો. તેને લાગે છે કે ઈશ્વર તેની સંભાળ નથી રાખતા. શું તેણે એ વાત સાચી માની લેવી જોઈએ? ના, તેણે “બધી વસ્તુઓની પરખ” કરવી જોઈએ અને જાણવું જોઈએ કે યહોવા તેના વિશે શું વિચારે છે. બાઇબલ વાંચીએ છીએ ત્યારે જાણે યહોવા આપણી સાથે વાત કરે છે. પણ યહોવા પાસેથી આપણા સવાલનો જવાબ મેળવવા ફક્ત બાઇબલ વાંચવું જ પૂરતું નથી, કંઈક વધારે કરવાની જરૂર છે. આપણાં મનમાં જે શંકા ઊભી થઈ છે, એને લગતી કલમો શોધીએ અને એનો અભ્યાસ કરીએ. એ વિશે આપણા સાહિત્યમાં સંશોધન કરી શકીએ. (નીતિ. ૨:૩-૬) યહોવાને પ્રાર્થના કરી શકીએ કે સંશોધન કરીએ ત્યારે તેમના વિચારો જાણવા મદદ કરે. એ પછી આપણે એવાં બાઇબલ સિદ્ધાંતો અને માહિતી શોધી શકીએ, જે આપણા સંજોગોમાં લાગુ પડતાં હોય. w૨૪.૧૦ ૨૫ ¶૪-૫
મંગળવાર, સપ્ટેમ્બર ૨૨
“[પ્રેમ] પોતાનો જ લાભ જોતો નથી.”—૧ કોરીં. ૧૩:૫.
ઘમંડી કે સ્વાર્થી વ્યક્તિના કામ પર યહોવા જરાય આશીર્વાદ નહિ આપે. (૧ કોરીં. ૧૦:૨૪, ૩૩; ૧૩:૪) અમુક વખતે ઈસુના ખાસ મિત્રોએ પણ અમુક ખાસ લહાવાઓ માંગ્યા હતા. પણ તેઓનો ઇરાદો સારો ન હતો. ચાલો ઈસુના બે પ્રેરિતો યાકૂબ અને યોહાનનો વિચાર કરીએ. તેઓ ઈસુના રાજ્યમાં ખાસ પદવી મેળવવા માંગતા હતા, એટલે તેઓએ ઈસુને એ વિશે પૂછ્યું. એવી ઇચ્છા રાખવા માટે ઈસુએ તેઓને શાબાશી ન આપી. એને બદલે, બારેય પ્રેરિતોને સમજાવ્યું: “જે કોઈ તમારામાં મોટો થવા ચાહે, તેણે તમારા સેવક બનવું જોઈએ. જે કોઈ તમારામાં પહેલો થવા ચાહે, તેણે બધાના દાસ બનવું જોઈએ.” (માર્ક ૧૦:૩૫-૩૭, ૪૩, ૪૪) જ્યારે ભાઈઓનો ઇરાદો સારો હોય છે, એટલે કે બીજાઓની સેવા કરવાનો હોય છે, ત્યારે તેઓ મંડળ માટે આશીર્વાદ બને છે.—૧ થેસ્સા. ૨:૮. w૨૪.૧૧ ૧૫-૧૬ ¶૭-૮
બુધવાર, સપ્ટેમ્બર ૨૩
“ઘણા સલાહકારો હોય ત્યાં કામ પાર પડે છે.”—નીતિ. ૧૫:૨૨.
લોકો માટે પ્રેમ હશે તો નિર્ણયો લેતી વખતે “બીજાના ફાયદાનો” વિચાર કરીશું અને કપડાંની પસંદગીમાં મર્યાદા બતાવીશું. (૧ કોરીં. ૧૦:૨૩, ૨૪, ૩૨; ૧ તિમો. ૨:૯, ૧૦) પછી એવો નિર્ણય લઈ શકીશું, જેનાથી દેખાઈ આવે કે આપણે લોકોને પ્રેમ કરીએ છીએ અને માન આપીએ છીએ. જો તમારે કોઈ મોટો નિર્ણય લેવાનો હોય, તો વિચારો કે એ નિર્ણય પ્રમાણે કરવા કયાં પગલાં ભરવાં પડશે. ઈસુએ શીખવ્યું હતું કે ‘પહેલા બેસીને હિસાબ કરો.’ (લૂક ૧૪:૨૮) એટલે વિચારો કે કેટલો સમય આપવો પડશે, કેટલી ધનસંપત્તિ ખર્ચાશે અને કેટલી મહેનત કરવી પડશે. અમુક કિસ્સામાં તમે કુટુંબ સાથે વાત કરી શકો. તમે ચર્ચા કરી શકો કે દરેક સભ્ય કઈ રીતે મદદ કરી શકે. આવી યોજના બનાવવી કેમ જરૂરી છે? કેમ કે એનાથી કદાચ ખ્યાલ આવે કે તમારે નિર્ણયમાં અમુક ફેરફારો કરવાની જરૂર છે અથવા બીજો જ કોઈ નિર્ણય લેવાની જરૂર છે. વધુમાં, જો તમે કુટુંબનો સાથ માંગશો અને તેઓની સલાહ ધ્યાનથી સાંભળશો, તો તેઓ એ નિર્ણયને સફળ બનાવવા રાજીખુશીથી સાથ-સહકાર આપશે. w૨૫.૦૧ ૧૮-૧૯ ¶૧૪-૧૫
ગુરુવાર, સપ્ટેમ્બર ૨૪
“આનંદ કરો, ખુશી મનાવો.”—યશા. ૬૫:૧૮.
યશાયાએ જે કહ્યું એનાથી જોવા મળે છે કે યહોવાના કુટુંબનો ભાગ હોવાને લીધે આપણે ‘આનંદ કરવો જોઈએ અને ખુશી મનાવવી જોઈએ.’ શા માટે? કેમ કે આ કુટુંબની શરૂઆત યહોવાએ પોતે કરી છે. (યશા. ૬૫:૧૮, ૧૯) તે ચાહે છે કે આપણે લોકોને યહોવાના સંગઠનમાં લઈ આવીએ. તેઓને દુનિયાના એવા માહોલમાંથી બહાર નીકળવા મદદ કરીએ, જ્યાં ઈશ્વર વિશે સાચી વાતો શીખવવામાં આવતી નથી. પણ જો આપણી વાત કરીએ, તો યહોવાએ આપેલા સાચા શિક્ષણને લીધે આપણને ઘણા આશીર્વાદો મળ્યા છે. એના લીધે આપણાં દિલમાં કદર વધે છે અને બીજાઓને એ વિશે જણાવવાનો ઉત્સાહ વધે છે. (યર્મિ. ૩૧:૧૨) યહોવા સાથે સારો સંબંધ હોવાને લીધે આપણી પાસે ભાવિની આશા છે. એ કારણે પણ આપણે કદર બતાવીએ છીએ અને બીજાઓને એ વિશે ઉત્સાહથી જણાવીએ છીએ. બાઇબલમાં વચન આપ્યું છે કે, આપણે ‘ઘરો બાંધીશું અને એમાં રહીશું.’ ‘દ્રાક્ષાવાડીઓ રોપીશું અને એનાં ફળ ખાઈશું.’ આપણે ‘નકામી મહેનત નહિ કરીએ,’ કેમ કે ‘યહોવાનો આશીર્વાદ આપણા પર હશે.’ યહોવાએ વચન આપ્યું છે કે આપણે સલામત હોઈશું અને દરેક કામથી સંતોષ મેળવીશું. યહોવાને ખબર છે કે દરેકને શાની જરૂર છે અને તે ‘બધાની ઇચ્છા પૂરી કરશે.’—યશા. ૬૫:૨૦-૨૪; ગીત. ૧૪૫:૧૬. w૨૪.૦૪ ૨૨-૨૩ ¶૧૧-૧૨
શુક્રવાર, સપ્ટેમ્બર ૨૫
“ઈશ્વર મારો મજબૂત ખડક, મારો આશરો છે.”—ગીત. ૬૨:૭.
યહોવા પર પૂરો આધાર રાખીએ છીએ ત્યારે, તેમને આપણા ખડક બનાવીએ છીએ. આપણને પૂરો ભરોસો છે કે મુશ્કેલ સમયમાં પણ તેમની આજ્ઞાઓ પાળવાથી આપણું જ ભલું થશે. (યશા. ૪૮:૧૭, ૧૮) જ્યારે જોઈએ છીએ કે યહોવાએ આપણને કેટલી મદદ કરી છે, ત્યારે તેમના પરનો ભરોસો હજુ વધે છે. આપણને પાકી ખાતરી થાય છે કે ભાવિમાં ભલે ગમે એટલી આકરી મુશ્કેલી આવશે, ફક્ત યહોવા જ આપણને મદદ કરી શકશે. યહોવા એક મોટા ખડકની જેમ સ્થિર અને અડગ છે. તેમનો સ્વભાવ અને હેતુ કદી બદલાતા નથી. (માલા. ૩:૬) જ્યારે આદમ-હવાએ બળવો કર્યો, ત્યારે યહોવાએ મનુષ્યો માટેનો પોતાનો હેતુ બદલ્યો નહિ. પ્રેરિત પાઉલે લખ્યું કે યહોવા “પોતાનો નકાર કરી શકતા નથી.” (૨ તિમો. ૨:૧૩) એનો શું અર્થ થાય? ભલે ગમે એ થાય અથવા કોઈ ગમે એ કરે, યહોવા અડગ રહે છે. તે પોતાના ગુણો, હેતુ અથવા ધોરણો બદલતા નથી. એટલે ખાતરી રાખી શકીએ કે મુશ્કેલ સંજોગોમાં તે આપણને નિભાવી રાખશે અને ભાવિ વિશેનાં વચનો જરૂર પૂરાં કરશે.—ગીત. ૬૨:૬, ૭. w૨૪.૦૬ ૨૭-૨૮ ¶૭-૮
શનિવાર, સપ્ટેમ્બર ૨૬
‘અંદરનો શણગાર ઘણો મૂલ્યવાન છે.’—૧ પિત. ૩:૪.
તમે જેની સાથે સમય વિતાવી રહ્યા છો, તેની સાથે લગ્ન કરવા કે નહિ એ નક્કી કરવા શાનાથી મદદ મળશે? એકબીજાને સારી રીતે ઓળખવાથી. તમે કોઈની સાથે સમય વિતાવવાનું નક્કી કર્યું એ પહેલાં કદાચ તેના વિશે થોડું-ઘણું જાણ્યું હશે. પણ હવે તમારી પાસે એ જાણવાનો સરસ મોકો છે કે એ વ્યક્તિનો ‘અંદરનો શણગાર’ કેવો છે. એટલે કે યહોવા સાથેના તેના સંબંધ વિશે, તેના સ્વભાવ અને વિચારો વિશે વધારે જાણી શકો છો. સમય જતાં, તમારી પાસે આ સવાલોના જવાબ હશે: ‘શું એ વ્યક્તિ મારા માટે યોગ્ય જીવનસાથી સાબિત થશે?’ (નીતિ. ૩૧:૨૬, ૨૭, ૩૦; એફે. ૫:૩૩; ૧ તિમો. ૫:૮) ‘શું અમે એકબીજાને એવાં પ્રેમ અને હૂંફ આપી શકીશું, જેની અમને બંનેને જરૂર છે? શું તેની ખામીઓને નજરઅંદાજ કરવી મારા માટે સહેલું હશે?’ (રોમ. ૩:૨૩) તમે એકબીજાને ઓળખવા લાગો તેમ આ વાત યાદ રાખો: તમારા બંને વચ્ચે શું મળતું આવે છે એ નહિ, પણ એકબીજામાં જે અલગ છે એની સાથે જીવવા તૈયાર છો કે નહિ એ વધારે મહત્ત્વનું છે. w૨૪.૦૫ ૨૭ ¶૫
રવિવાર, સપ્ટેમ્બર ૨૭
“મેં યહોવા વિરુદ્ધ પાપ કર્યું છે.”—૨ શમુ. ૧૨:૧૩.
રાજા દાઉદે મોટી ભૂલ કરી હતી. પણ જ્યારે નાથાન પ્રબોધકે દાઉદને તેમની ભૂલ જણાવી, ત્યારે તેમણે નમ્રતા બતાવી અને પસ્તાવો કર્યો (ગીત. ૫૧:૩, ૪, ૧૭, મથાળું) રાજા હિઝકિયાએ ઘણી ભૂલો કરી હતી અને યહોવાને દુઃખી કર્યા હતા. (૨ કાળ. ૩૨:૨૫) પણ દાઉદની જેમ હિઝકિયા નમ્ર બન્યો અને દિલથી પસ્તાવો કર્યો. (૨ કાળ. ૩૨:૨૬) એટલે યહોવાએ તેને વફાદાર રાજા ગણ્યો. તે “યહોવાની નજરમાં જે ખરું હતું એ જ કરતો રહ્યો.” (૨ રાજા. ૧૮:૩) આપણે શું શીખી શકીએ? જ્યારે આપણાથી કોઈ ભૂલ થઈ જાય, ત્યારે પૂરા દિલથી પસ્તાવો કરવો જોઈએ અને ધ્યાન રાખવું જોઈએ કે એ ભૂલ ફરી ન કરી બેસીએ. પણ જો વડીલો આપણને એવી કોઈ વાત માટે ઠપકો આપે, જે આપણને નાની-સૂની લાગતી હોય, તો શું? એવું થાય ત્યારે એમ ન વિચારવું જોઈએ કે યહોવા અથવા વડીલો આપણને પ્રેમ નથી કરતા. યાદ રાખો કે ઇઝરાયેલના સારા રાજાઓને પણ ઠપકો આપવામાં આવ્યો હતો અને તેઓને સુધારવામાં આવ્યા હતા. (હિબ્રૂ. ૧૨:૬) જ્યારે ઠપકો આપવામાં આવે, ત્યારે આપણે (૧) નમ્રતાથી એ સ્વીકારવો જોઈએ, (૨) જરૂરી ફેરફાર કરવા જોઈએ અને (૩) પૂરા દિલથી યહોવાની સેવા કરતા રહેવું જોઈએ. જો દિલથી પસ્તાવો કરીશું, તો યહોવા જરૂર માફ કરશે.—૨ કોરીં. ૭:૯, ૧૧. w૨૪.૦૭ ૨૧ ¶૮; ૨૨ ¶૯, ૧૧
સોમવાર, સપ્ટેમ્બર ૨૮
“તમારી વચ્ચેથી દુષ્ટ માણસને દૂર કરો.”—૧ કોરીં. ૫:૧૩.
પાપ કરનાર વ્યક્તિને મંડળથી કેમ દૂર કરવામાં આવે છે? કેમ કે વડીલોના ઘણા પ્રયત્નો છતાં તે પસ્તાવો કરવા તૈયાર નથી. (૨ રાજા. ૧૭:૧૨-૧૫) તેણે પોતાનાં કાર્યોથી બતાવી આપ્યું છે કે તે યહોવાની આજ્ઞા પાળવા નથી માંગતી. (પુન. ૩૦:૧૯, ૨૦) એટલે, જાહેરાત કરવામાં આવે છે: ‘એ વ્યક્તિ હવેથી યહોવાની સાક્ષી નથી.’ એ જાહેરાત વ્યક્તિને શરમમાં મૂકવા કરવામાં નથી આવતી. એ જાહેરાતનું કારણ એ છે કે ભાઈ-બહેનો બાઇબલની આ સલાહ પાળી શકે: એવી વ્યક્તિ સાથે “હળવા-મળવાનું બંધ કરો” અને “[તેની] સાથે ખાવું પણ નહિ.” (૧ કોરીં. ૫:૯-૧૧) એ માર્ગદર્શન આપવા પાછળ અમુક સારાં કારણો છે. પ્રેરિત પાઉલે લખ્યું: “થોડું ખમીર બાંધેલા આખા લોટને ફુલાવે છે.” (૧ કોરીં. ૫:૬) જો પસ્તાવો ન કરનાર વ્યક્તિને મંડળમાંથી દૂર કરવામાં ન આવે, તો બીજાઓ પર ખરાબ અસર પડી શકે છે. તેઓને લાગી શકે છે કે તેઓએ યહોવાની આજ્ઞાઓ પાળવાની કોઈ જરૂર નથી.—નીતિ. ૧૩:૨૦; ૧ કોરીં. ૧૫:૩૩. w૨૪.૦૮ ૨૭ ¶૩-૪
મંગળવાર, સપ્ટેમ્બર ૨૯
“કેમ કે ઈશ્વર મને બળ આપે છે અને તેમની મદદથી મને બધું કરવાની શક્તિ મળે છે.”—ફિલિ. ૪:૧૩.
આપણે પોતાની શક્તિ બીજાઓને આપી શકતા નથી. પણ, બીજાઓને મદદ કરવા પોતાની શક્તિ વાપરી શકીએ છીએ. દાખલા તરીકે, વૃદ્ધ કે બીમાર ભાઈ-બહેનોને ઘરના કામકાજમાં મદદ કરી શકીએ અથવા જરૂરી સામાન બજારમાંથી ખરીદી આપી શકીએ. અથવા પ્રાર્થનાઘરની સાફ-સફાઈ અને સમારકામમાં મદદ કરી શકીએ. એ પણ યાદ રાખો કે શબ્દોમાં ઘણી તાકાત હોય છે. શું તમારા ધ્યાનમાં એવી કોઈ વ્યક્તિ છે, જેને પ્રશંસાના બે બોલ સાંભળીને ઉત્તેજન મળી શકે? અથવા શું કોઈને દિલાસાની જરૂર છે? જો એમ હોય, તો તેમને જણાવો કે તમને તેમની ચિંતા છે. તમે રૂબરૂ તેમને મળવા જઈ શકો, ફોન કરી શકો અથવા કાર્ડ, ઈ-મેઈલ કે મૅસેજ મોકલી શકો. જરૂરી નથી કે તમે ભારેખમ શબ્દો વાપરો. બસ પ્રેમથી વાત કરો. શું ખબર કે તમારા પ્રેમાળ શબ્દોથી તેઓને યહોવાને વફાદાર રહેવા અને પોતાના સંજોગો વિશે યોગ્ય વલણ રાખવા મદદ મળે!—નીતિ. ૧૨:૨૫; એફે. ૪:૨૯. w૨૪.૦૯ ૨૮ ¶૮-૧૦
બુધવાર, સપ્ટેમ્બર ૩૦
“જો કોઈ માણસ મંડળની દેખરેખ રાખનાર બનવા માંગતો હોય અને એ માટે મહેનત કરતો હોય, તો તે સારા કામની ઇચ્છા રાખે છે.”—૧ તિમો. ૩:૧.
જો તમે સહાયક સેવક તરીકે સેવા આપી રહ્યા હો, તો કદાચ તમે વડીલ તરીકેની લાયકાતો કેળવવા મહેનત કરતા હશો. શું તમે વડીલ બનીને ભાઈ-બહેનોની વધારે સેવા કરવા ઇચ્છો છો? વડીલો કયાં કયાં કામ કરે છે? તેઓ પૂરા ઉત્સાહથી મંડળ સાથે પ્રચાર કરે છે. તેઓ ભાઈ-બહેનોને ઉત્તેજન આપવા, તેઓની સંભાળ રાખવા અને તેઓને શીખવવા તનતોડ મહેનત કરે છે. તેમ જ, પોતાનાં વાણી-વર્તનથી તેઓની શ્રદ્ધા મજબૂત કરે છે. એ જ કારણે બાઇબલમાં આ મહેનતુ વડીલોને “ભેટ” કહ્યા છે. (એફે. ૪:૮) વડીલ બનવા તમે શું કરી શકો? વડીલ બનવું એ કંઈ નોકરી મેળવવા જેવું નથી. કઈ રીતે? ધારો કે, કોઈ નોકરી માટે ખાસ આવડતની જરૂર છે. જો તમારી પાસે એ આવડત હોય, તો તમને એ નોકરી મળી જશે. પણ વડીલ બનવું સાવ અલગ છે. વડીલ બનવા શીખવવાની અને પ્રચાર કરવાની આવડત હોવી જ પૂરતું નથી. તમારે પહેલો તિમોથી ૩:૧-૭ અને તિતસ ૧:૫-૯માં જણાવેલી લાયકાતો પણ કેળવવી જોઈએ. w૨૪.૧૧ ૨૦ ¶૧-૩