પવિત્ર શાસ્ત્રનો અભ્યાસ—કઈ રીતે?
‘જો તું તેને ઢૂંઢશે, તો દેવનું જ્ઞાન તારે હાથ લાગશે.’—નીતિવચન ૨:૪, ૫.
ઘણા લોકોને વાંચવાનો શોખ હોય છે. યોગ્ય માહિતી હોય તો, વાંચન તાજગી આપી શકે. યહોવાહના સેવકો નિયમિત બાઇબલ વાંચનનો આનંદ માણે છે. તેમ જ, બાઇબલના અમુક પુસ્તકો જેમ કે ગીતશાસ્ત્ર, નીતિવચનો, માત્થી, માર્ક, લુક, યોહાન કે બીજા ભાગો વારંવાર વાંચે છે. એમાં ભાષાની સુંદરતા અને વિચારો તેઓને ખૂબ આનંદ આપે છે. બીજા ભાઈ-બહેનો યહોવાહના સાક્ષીઓનું વાર્ષિક પુસ્તક (અંગ્રેજી), સજાગ બનો! મેગેઝીન, એમાંના અનુભવો, ઇતિહાસને લગતી માહિતી, ભૂગોળ અને કુદરતી વિષયના લેખો પણ વાંચતા હોય છે.
૨ નવરાશનું વાંચન તાજગી આપી શકે છે. પરંતુ, સારી રીતે અભ્યાસ કરવા મગજ કસવું પડે છે. અંગ્રેજ ફિલસૂફ ફ્રાંસિસ બેકને લખ્યું: “અમુક પુસ્તકો ચાખવા માટે, અમુક ગળી જવા માટે, અને બહુ થોડા જ ચાવીને પચાવવા જેવા હોય છે.” કોઈ શંકા નથી કે, બાઇબલ ચાવીને પચાવવા જેવા પુસ્તકોમાં આવે છે. પ્રેષિત પાઊલે લખ્યું: “આ મેલ્ખીસેદેક [ખ્રિસ્તની પૂર્વછાયા તરીકે રાજા અને યાજક] વિષે અમારે ઘણું કહેવાનું છે, પણ એનો અર્થ સમજાવવો કઠણ છે, કેમકે તમે સાંભળવામાં મંદ થયા છો. . . . પણ જેઓ પુખ્ત ઉમ્મરના છે, એટલે જેઓની ઇંદ્રિયો ખરૂંખોટું પારખવામાં કેળવાએલી છે, તેઓને સારૂ ભારે ખોરાક છે.” (હેબ્રી ૫:૧૧, ૧૪) ભારે ખોરાક ગળતા પહેલાં ચાવવો જ જોઈએ, જેથી પચી શકે. એ જ રીતે પરમેશ્વરના ઊંડા જ્ઞાન પર પણ મનન કરવું જોઈએ, જેથી યાદ રહી શકે.
૩ એક ડિક્શનરી “અભ્યાસ” વિષે કહે છે: “મન લગાડીને, એટલે કે વાંચન અને સંશોધન કરીને જ્ઞાન તથા સમજણ મેળવવી.” એ બતાવે છે કે ફક્ત વાંચવા ખાતર વાંચી જવું, અને વાંચતી વખતે શબ્દો નીચે લીટી દોરવી જ પૂરતું નથી. અભ્યાસ કરવા મહેનત કરવી પડે છે. મનન કરીને ખરું-ખોટું પારખતા શીખવું પડે છે. જો કે એનો અર્થ એમ નથી કે એનો આનંદ માણી ન શકાય, અને અભ્યાસ કરતા કંટાળો આવે.
અભ્યાસ આનંદી બનાવો
૪ બાઇબલનો અભ્યાસ આનંદ અને તાજગી આપી શકે છે. ગીતશાસ્ત્રના લેખકે કહ્યું: “યહોવાહનો નિયમ સંપૂર્ણ છે, તે આત્માને તાજો કરે છે; યહોવાહની સાક્ષી વિશ્વાસપાત્ર છે, તે અબુદ્ધને બુદ્ધિમાન કરે છે. યહોવાહના વિધિઓ યથાર્થ છે, તેઓ હૃદયને આનંદ આપે છે; યહોવાહની આજ્ઞા નિર્મળ છે, તે આંખોને પ્રકાશ આપે છે.” (ગીતશાસ્ત્ર ૧૯:૭, ૮) યહોવાહના નિયમો અને સૂચનો આપણને નવજીવન આપે છે. એનાથી આપણું ભલું થાય છે, હૃદયને આનંદ મળે છે, અને યહોવાહના હેતુની સમજણ આંખોને જાણે પ્રકાશ આપે છે!
૫ આપણી મહેનતનાં ફળ મળે ત્યારે, કામ કરવાનો આનંદ વધી જાય છે. તેથી, આપણો અભ્યાસ આનંદી બનાવવા માટે, જે શીખીએ એનો તરત જ ઉપયોગ કરવો જોઈએ. યાકૂબે લખ્યું: “જે છૂટાપણાના સંપૂર્ણ નિયમમાં નિહાળીને જુએ છે, અને તેમાં રહે છે, જે સાંભળીને ભૂલી જનાર નહિ, પણ કામ કરનાર થાય છે, તે જ માણસ પોતાના વ્યવહારમાં ધન્ય થશે.” (યાકૂબ ૧:૨૫) જે શીખીએ એ પોતાના જીવનમાં તરત જ લાગુ પાડવાથી ઘણો સંતોષ મળે છે. પ્રચાર અને શીખવવાના કાર્યમાં ઘણીવાર પ્રશ્નો પૂછવામાં આવે છે. એના જવાબ માટે સંશોધન કરવાથી પણ ખૂબ જ આનંદ મળી શકે.
પરમેશ્વરનાં વચન પ્રિય બનાવો
૬ ગીતશાસ્ત્ર ૧૧૯ કદાચ હિઝકીયાહે લખ્યું હતું. તે હજુ તો યુવાન હતા. છતાં, પરમેશ્વર યહોવાહના વચનો તેમને કેટલા પ્રિય હતાં! તેમણે કવિની ભાષામાં કહ્યું: “તારા વિધિઓ પાળવામાં મને આનંદ થશે; હું તારૂં વચન વિસરીશ નહિ. વળી તારાં સાક્ષ્યોથી મને હર્ષ થાય છે, . . . હું આનંદ પામીશ; તેઓ પર મેં પ્રેમ કર્યો છે. હું જીવતો રહું માટે તારી દયા મારી પાસે આવવા દે; કેમકે તારો નિયમ એજ મારો આનંદ છે. હે યહોવાહ, હું તારા તારણને માટે અભિલાષી છું; તારો નિયમ મારો આનંદ છે.”—ગીતશાસ્ત્ર ૧૧૯:૧૬, ૨૪, ૪૭, ૭૭, ૧૭૪.
૭ ગીતશાસ્ત્ર ૧૧૯માં “આનંદ થશે” ભાષાંતર થયેલો શબ્દ સમજાવતા, એક હિબ્રુ ડિક્શનરી કહે છે: “સોળમી કલમમાં વપરાયેલા [ક્રિયાપદો] . . . આનંદ અને મનન ક્રિયાપદો જેવા જ છે. . . . એને ક્રમવાર ગોઠવીએ તો, આનંદ કરવો, મનન કરવું, અને એમાં હર્ષ પામવો. . . . એ બધું બતાવે છે કે યહોવાહના વચનોનો હેતુ સહિત અભ્યાસ કરવાથી આનંદ વધી શકે. . . . એને સમજવાથી લાગણી પર અસર થાય છે.”a
૮ હા, યહોવાહના શબ્દનો પ્રેમ આપણા હૃદયમાંથી આવવો જોઈએ. અમુક ભાગો વાંચ્યા પછી એના પર મનન કરવામાં આપણને આનંદ મળવો જોઈએ. આપણે ઊંડા સત્ય પર વધારે ચિંતન કરવું જોઈએ, મનન કરવું જોઈએ અને એમાં તલ્લીન થઈ જવું જોઈએ. એ માટે શાંતિથી મનન અને પ્રાર્થના કરવી જોઈએ. બાઇબલનો અભ્યાસ કરતા પહેલાં એઝરાની જેમ આપણું હૃદય તૈયાર કરવું જોઈએ. એઝરા વિષે બાઇબલ કહે છે: “યહોવાહના નિયમનું સંશોધન કરીને તેને પાળવામાં, તથા ઈસ્રાએલીઓને વિધિઓ તથા હુકમો શીખવવામાં એઝરાએ પોતાનું મન લગાડેલું હતું.” (એઝરા ૭:૧૦) એઝરાએ ત્રણ હેતુથી મન લગાડયું હતું: અભ્યાસ કરવો, પોતે લાગુ પાડવું, અને બીજાને શીખવવું. આપણે પણ તેમની જેમ જ કરીએ.
અભ્યાસ અને યહોવાહની ભક્તિ
૯ ગીતશાસ્ત્રના લેખક કહે છે કે, પરમેશ્વર યહોવાહના નિયમો, આજ્ઞાઓ અને સૂચનાઓ પર તે મનન કરતા હતા. તેમણે કહ્યું: “હું તારા શાસનોનું મનન કરીશ; અને તારા માર્ગોને માનપૂર્વક જોઈશ. તારી આજ્ઞાઓ પાળવા પણ હું મારા હાથ ઊંચા કરીશ, તેમના પર મેં પ્રેમ કર્યો છે; અને હું તારા વિધિઓનું મનન કરીશ. હું તારા નિયમ પર કેટલો બધો પ્રેમ રાખું છું! આખો દિવસ તેનું જ મનન કરૂં છું. મારા સર્વ શિક્ષકો કરતાં હું વધુ સમજું છું; કેમકે હું તારાં સાક્ષ્યોનું ધ્યાન ધરૂં છું.” (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૫, ૪૮, ૯૭, ૯૯) યહોવાહના શબ્દ પર ‘મનન કરવાનો’ અર્થ શું થાય?
૧૦ હિબ્રુ ક્રિયાપદ ‘મનન કરવાનો’ અર્થ “ચિંતન કરવું, ધ્યાનથી વિચારવું,” અને “મનમાં ઊંડો વિચાર કરવો” પણ થાય છે. “એનો અર્થ થાય કે, પરમેશ્વરના કામો . . . અને પરમેશ્વરના શબ્દ પર મનમાં વિચાર કરવો.” (જૂના કરારના ધાર્મિક શબ્દોનું પુસ્તક [અંગ્રેજી]) “મનન” શબ્દની સંજ્ઞા સૂચવે છે કે ગીતશાસ્ત્રના લેખક જાણે કે “ભક્તિ કરતા હોય,” એ રીતે પરમેશ્વરના નિયમોનું મનન, અને અભ્યાસ કરે છે. બાઇબલનો અભ્યાસ આપણી ભક્તિનો ભાગ છે, એટલે એ ખૂબ મહત્ત્વનો છે. તેથી, એ મન લગાડીને એને પ્રાર્થનાપૂર્વક કરવો જોઈએ. અભ્યાસ આપણી ભક્તિનો ભાગ છે, અને એનાથી આપણી ભક્તિ વધશે.
બાઇબલનો ઊંડો અભ્યાસ કરો
૧૧ ગીતશાસ્ત્રના લેખકે કદર વ્યક્ત કરી: “હે યહોવાહ, તારાં કૃત્યો કેવાં મહાન છે! તારા વિચારો બહુ ગહન છે.” (ગીતશાસ્ત્ર ૯૨:૫) વળી, પ્રેષિત પાઊલે ‘દેવના ઊંડા વિચારો,’ ઊંડા સત્ય વિષે જણાવ્યું, જે યહોવાહ પોતાના “આત્માથી” પોતાના વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકર દ્વારા પ્રગટ કરે છે. (૧ કોરીંથી ૨:૧૦; માત્થી ૨૪:૪૫) વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકર સર્વને પરમેશ્વરનું સત્ય શીખવવા ખૂબ જ મહેનત કરે છે. જેથી, નવા સેવકોને “દૂધ,” પણ અનુભવી સેવકોને “ભારે ખોરાક” મળી રહે.—હેબ્રી ૫:૧૧-૧૪.
૧૨ “દેવના ઊંડા વિચારો” સમજવા પ્રાર્થનાપૂર્વક બાઇબલનો અભ્યાસ કરીને એના પર મનન કરવું જોઈએ. દાખલા તરીકે, યહોવાહ પરમેશ્વર ન્યાયી છતાં દયાળુ છે, એ વિષે ઘણી સુંદર માહિતી પૂરી પાડવામાં આવી છે. તે દયા બતાવે છે એનો અર્થ એમ નહિ કે, તે ન્યાયી નથી; એને બદલે પરમેશ્વરની દયા તેમનો ન્યાય અને પ્રેમ દર્શાવે છે. એક પાપીનો ન્યાય કરતી વખતે, યહોવાહ પ્રથમ વિચારે છે કે, પોતાના પુત્રના બલિદાનના આધારે દયા બતાવી શકે કે નહિ. જો પાપી પસ્તાવો ન કરે અને બંડખોર હોય તો, પરમેશ્વર દયા બતાવ્યા વિના ન્યાય થવા દે છે. બંને રીતે તે પોતાના ઉચ્ચ સિદ્ધાંતો પાળે છે.b (રૂમી ૩:૨૧-૨૬) ‘આહા! દેવની બુદ્ધિ . . . કેવી અગાધ છે!’—રૂમી ૧૧:૩૩.
૧૩ ગીતશાસ્ત્રના લેખકની જેમ, આપણે ખરેખર આભારી છીએ કે, યહોવાહ પરમેશ્વર પોતાના વિચારો જણાવે છે. દાઊદે લખ્યું: “હે ઈશ્વર, તારા વિચારો મને કેટલા બધા મૂલ્યવાન લાગે છે! તેઓની સંખ્યા કેટલી બધી મોટી છે! જો હું તેઓને ગણવા જાઉં તો તેઓ રેતીના કણ કરતાં વધારે થાય.” (ગીતશાસ્ત્ર ૧૩૯:૧૭, ૧૮) જો કે યહોવાહ પરમેશ્વર અનંતકાળ સુધી આપણને જે જણાવશે, એની સરખામણીમાં આજે આપણે જે જાણીએ છીએ એ તો કંઈ જ નથી. છતાં, હમણાં સુધી તેમણે જે મૂલ્યવાન સત્ય પ્રગટ કર્યું છે, એની આપણે ખૂબ જ કદર કરીએ છીએ. તેથી, પરમેશ્વરના વચનોમાં આપણે હજુ વધારે ઊંડો અભ્યાસ કરતા રહીએ.—ગીતશાસ્ત્ર ૧૧૯:૧૬૦.
મહેનત અને યોગ્ય સાધનો
૧૪ બાઇબલના ઊંડા અભ્યાસ માટે મહેનત કરવી પડે છે. નીતિવચન ૨:૧-૬ ધ્યાન આપીને વાંચવાથી એ જોવા મળે છે. પરમેશ્વર યહોવાહનું જ્ઞાન, ડહાપણ અને સમજણ મેળવવા કેવી મહેનત કરવી પડે છે, એના પર શાણા રાજા સુલેમાને કઈ રીતે ભાર મૂક્યો, એની નોંધ લો. તેમણે લખ્યું: “મારા દીકરા, જો તું મારાં વચનોનો અંગીકાર કરશે, અને મારી આજ્ઞાઓને તારી પાસે સંઘરી રાખીને, જ્ઞાન તરફ તારો કાન ધરશે, અને બુદ્ધિમાં તારૂં મન પરોવશે; જો તું વિવેકબુદ્ધિને માટે ઘાંટો પાડશે, અને સમજણ મેળવવાને માટે ખંત રાખશે; જો તું રુપાની પેઠે તેને ઢૂંઢશે, અને દાટેલા દ્રવ્યની પેઠે તેની શોધ કરશે; તો તને યહોવાહના ભયની સમજણ પડશે, અને દેવનું જ્ઞાન તારે હાથ લાગશે. કેમકે યહોવાહ જ્ઞાન આપે છે; તેના મુખમાંથી વિદ્યા તથા બુદ્ધિ નીકળે છે.” હા, દાટેલો ખજાનો શોધીએ તેમ, બાઇબલના અભ્યાસનો આનંદ માણવા સંશોધન, અને મહેનત જરૂરી છે.
૧૫ બાઇબલ અભ્યાસનો પૂરો લાભ ઉઠાવવા એ સારી રીતે કરવાની જરૂર છે. સુલેમાને લખ્યું: “જો કોઈ બુઠ્ઠા લોઢાને ઘસીને તેની ધાર ન કાઢે, તો તેને અધિક બળ વાપરવું પડશે.” (સભાશિક્ષક ૧૦:૧૦) જો કોઈ બુઠ્ઠા સાધનો વાપરે અથવા સારી રીતે એનો ઉપયોગ ન કરે તો, તે મહેનત નકામી જશે અને એનાથી કરેલું કામ પણ બરાબર નહિ હોય. એ જ પ્રમાણે અભ્યાસના લાભોનો આધાર આપણે એ કઈ રીતે કરીએ છીએ, એના પર રહેલો છે. અભ્યાસ કરવાની આપણી રીત સુધારવાના સુંદર સૂચનો દેવશાહી સેવા શાળા માટેની ગાઈડબુકના સાતમા પ્રકરણમાં આપવામાં આવ્યાં છે.c
૧૬ કારીગર કામ શરૂ કરતા પહેલાં જરૂરી સાધનો લઈને એની પાસે રાખે છે. એ જ રીતે, અભ્યાસ શરૂ કરતા પહેલાં આપણે પણ સંસ્થાના જરૂરી પુસ્તકો લઈને પાસે જ રાખવા જોઈએ. યાદ રાખો કે અભ્યાસ એ કામ છે, અને મગજ વાપરવાની જરૂર છે. તેથી, યોગ્ય રીતે બેસવાની ટેવ રાખો. આપણે સારી રીતે મગજ વાપરવા ચાહતા હોઈએ તો, પથારીમાં કે આરામખુરશી પર બેસીને અભ્યાસ કરવો નહિ. એને બદલે ટેબલ-ખુરશી પર બેસીને અભ્યાસ કરવો વધુ લાભ કરશે. થોડી વાર અભ્યાસ કર્યા પછી હરફર કરવી, અથવા તાજી હવા માટે બહાર જવાથી લાભ થશે.
૧૭ આપણી પાસે ઘણા ઉપયોગી સાધનો છે. એ બધામાંથી સૌથી સારું સાધન છે, બાઇબલનું ન્યૂ વર્લ્ડ ટ્રાંસલેશન જે હવે આખું કે અમુક ભાગમાં ૩૭ ભાષામાં પ્રાપ્ય છે. વચલી સાઇઝના ન્યૂ વર્લ્ડ ટ્રાંસલેશન બાઇબલમાં કલમોને લગતી બીજી કલમો પણ છે. તેમ જ, “બાઇબલનાં પુસ્તકોની યાદી” છે, જેમાં પુસ્તકના લેખકનું નામ, એ ક્યાં અને ક્યારે લખવામાં આવ્યું, એની નોંધ આપવામાં આવી છે. એમાં બાઇબલ શબ્દોની યાદી, અમુક શબ્દોની ઊંડી સમજણ, અને નક્શા પણ છે. અમુક ભાષામાં, આ બાઇબલ મોટા અક્ષરોમાં છે, જેને રેફરન્સ બાઇબલ કહેવાય છે. એમાં ઉપર જણાવેલી બધી જ માહિતી ઉપરાંત, બીજી ઘણી મદદ અને ફૂટનોટની યાદી પણ છે. બાઇબલનો ઊંડો અભ્યાસ કરવા તમારી ભાષામાં જે સાધનો પ્રાપ્ય હોય, એનો શું તમે ઉપયોગ કરો છો?
૧૮ બાઇબલ સમજવા બીજું એક અમૂલ્ય સાધન છે, ઇન્સાઈટ ઓન ધ સ્ક્રિપ્ચર્સના બે ગ્રંથ. જો એ તમારી ભાષામાં હોય તો, અભ્યાસ કરવામાં એને તમારા સાથી બનાવો. એમાંથી તમને બાઇબલને લગતા મોટા ભાગના વિષયો પર માહિતી મળી રહેશે. આવું જ એક બીજું પુસ્તક છે “ઑલ સ્ક્રીપ્ચર્સ ઈઝ ઈનસ્પાયર્ડ ઑફ ગૉડ ઍન્ડ બેનીફીશીયલ.” બાઇબલનું કોઈ પણ પુસ્તક વાંચવાનું શરૂ કરતા પહેલાં, એમાંથી એ પુસ્તક વિષેની માહિતી વાંચો. તેમ જ, એમાંથી એ પુસ્તકમાં શું સમાયેલું છે, અને આપણને કઈ રીતે લાભ કરી શકે એ પણ વાંચી શકો. વળી, હવે અભ્યાસ માટે આપણી પાસે કૉમ્પ્યુટર પર વાપરી શકાય એવી વૉચટાવર લાયબ્રેરી પણ છે, જે ૯ ભાષામાં મળી શકે છે.
૧૯ યહોવાહ પરમેશ્વરે આ બધા સાધનો “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” દ્વારા પૂરાં પાડ્યાં છે. જેથી, પૃથ્વી પર તેમના સેવકો એનો ઉપયોગ કરીને તેમનું જ્ઞાન મેળવી શકે. (નીતિવચન ૨:૪, ૫) અભ્યાસની સારી ટેવથી આપણે યહોવાહ પરમેશ્વરનું જ્ઞાન લઈ શકીશું, અને તેમની સાથે ગાઢ મિત્રતા બાંધવાનો આનંદ માણી શકીશું. (ગીતશાસ્ત્ર ૬૩:૧-૮) હા, અભ્યાસ એટલે કામ, પણ એમાંથી આનંદ અને લાભ મળે છે. જો કે એ માટે સમય જોઈએ. તમે વિચારશો કે, ‘મને ક્યાં સમય છે કે, હું બાઇબલ વાંચું, અને વધારે અભ્યાસ કરી શકું?’ હવે પછીના લેખમાં એની ચર્ચા કરવામાં આવશે.
[ફુટનોટ્સ]
a જૂના કરારના ધર્મશાસ્ત્ર અને સમજણની નવી આંતરરાષ્ટ્રીય ડિક્શનરી (અંગ્રેજી) ગ્રંથ ૪, પાન ૨૦૫-૭.
b ચોકીબુરજ, ઑગસ્ટ ૧, ૧૯૯૮, પાન ૧૩, ફકરો ૭ જુઓ. તમે એ બંને અભ્યાસના લેખો ફરીથી જોવાનો પ્રોજેકટ બનાવી શકો. તેમ જ, વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત ઈન્સાઈટ ઓન ધ સ્ક્રિપ્ચર્સ પુસ્તકમાંથી “ન્યાય,” “દયા,” અને “ન્યાયીપણા” વિષે અભ્યાસ કરી શકો.
c વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત. આ પુસ્તક તમારી ભાષામાં ન હોય તો, ચોકીબુરજ ઑગસ્ટ ૧, ૧૯૯૩, પાન ૨૦-૨૫, અને જૂન ૧, ૧૯૮૭, પાન ૧૦-૧૫ પર અભ્યાસની રીત માટેના સુંદર સૂચનો આપવામાં આવ્યાં છે.
ફરીથી યાદ કરો
• કઈ રીતે અભ્યાસ કરવાથી આનંદ અને તાજગી મળી શકે?
• ગીતશાસ્ત્રના લેખકની જેમ આપણે કઈ રીતે બાઇબલનો “આનંદ” માણીને “મનન” કરી શકીએ?
• નીતિવચન ૨:૧-૬ પ્રમાણે કઈ રીતે કહી શકાય કે, બાઇબલનો અભ્યાસ કરવા મહેનત જરૂરી છે?
• યહોવાહે અભ્યાસ માટે કયાં સુંદર સાધનો આપ્યાં છે?
[અભ્યાસ પ્રશ્નો]
૧. કઈ રીતે નવરાશનું વાંચન આનંદ આપી શકે?
૨, ૩. (ક) કઈ રીતે પરમેશ્વરનું ઊંડું જ્ઞાન ભારે ખોરાક જેવું છે? (ખ) અભ્યાસ કરવાનો શું અર્થ થાય?
૪. કઈ રીતે બાઇબલનો અભ્યાસ તાજગી અને આનંદ આપી શકે?
૫. કઈ રીતે અભ્યાસ આનંદ આપી શકે?
૬. ગીતશાસ્ત્ર ૧૧૯ના લેખકે કઈ રીતે યહોવાહના વચનો પ્રત્યે પ્રેમ બતાવ્યો?
૭, ૮. (ક) એક ડિક્શનરી પ્રમાણે, પરમેશ્વરના શબ્દમાં ‘આનંદ’ માણવાનો અર્થ શું થાય છે? (ખ) કઈ રીતે આપણે યહોવાહના શબ્દને પ્રિય બનાવી શકીએ? (ગ) યહોવાહના નિયમો વાંચતા પહેલાં એઝરાએ શું કર્યું?
૯, ૧૦. (ક) ગીતશાસ્ત્રના લેખક કઈ રીતે યહોવાહના શબ્દ પર મનન કરતા હતા? (ખ) ‘મનન કરવું,’ એ માટેના હેબ્રી ક્રિયાપદનો શું અર્થ થાય છે? (ગ) શા માટે બાઇબલના અભ્યાસને આપણી ભક્તિનો ભાગ ગણવો જોઈએ?
૧૧. યહોવાહ પરમેશ્વર કઈ રીતે પોતાના ભક્તોને ઊંડુ સત્ય પ્રગટ કરે છે?
૧૨. ચાકર વર્ગે “દેવના ઊંડા વિચારો” વિષે આપેલી સમજણનાં ઉદાહરણ આપો.
૧૩. યહોવાહ પરમેશ્વરે હમણાં સુધી જે સત્ય પ્રગટ કર્યું છે, એની કઈ રીતે કદર બતાવીએ?
૧૪. કઈ રીતે નીતિવચન ૨:૧-૬ ભાર મૂકે છે કે, બાઇબલનો અભ્યાસ કરવા મહેનત જરૂરી છે?
૧૫. બાઇબલનું કયું ઉદાહરણ ભાર મૂકે છે કે, અભ્યાસની સારી ટેવ હોવી જોઈએ?
૧૬. ઊંડો અભ્યાસ કરવા કયા ઉપયોગી સૂચનો આપવામાં આવ્યાં છે?
૧૭, ૧૮. તમે અભ્યાસ માટેનાં સાધનોનો કઈ રીતે ઉપયોગ કરી શકો?
૧૯. (ક) શા માટે યહોવાહે બાઇબલ અભ્યાસના સુંદર સાધનો આપ્યાં છે? (ખ) સારી રીતે બાઇબલ વાંચન અને અભ્યાસ કરવા શાની જરૂર છે?
[પાન ૧૪ પર ચિત્ર]
શાંતિથી મનન અને પ્રાર્થનાથી પરમેશ્વરના વચનો માટેનો આપણો પ્રેમ વધશે
[પાન ૧૭ પર ચિત્રો]
બાઇબલનો ઊંડો અભ્યાસ કરવા શું તમે પ્રાપ્ય સાધનોનો પૂરેપૂરો ઉપયોગ કરો છો?