પવિત્ર જનો માટે પાઊલે રાહત ફંડની વ્યવસ્થા કરી
સાચા ખ્રિસ્તીઓ માટે આત્મિક બાબતો સૌથી મહત્ત્વની છે. એની સાથે, ભૌતિક રીતે જરૂરિયાતવાળાઓને મદદ કરવી પણ તેઓ માટે એટલું જ મહત્ત્વનું છે. તેથી જ, મુશ્કેલીઓ વેઠી રહેલા ભાઈબહેનોને તેઓએ ઘણી વખત મદદ પૂરી પાડી છે. ખ્રિસ્તી ભાઈબહેનો પ્રત્યે સાચો પ્રેમ હોવાથી તેઓ મુશ્કેલીઓમાં આવી પડેલા સાથી વિશ્વાસીઓને મદદ કરે છે.—યોહાન ૧૩:૩૪, ૩૫.
પોતાના આત્મિક ભાઈબહેનો પ્રત્યે પ્રેમ હોવાથી, તેઓને મદદ પૂરી પાડવા પ્રેષિત પાઊલે આખાયા, ગલાતીઆ, મકદોનિયા અને આશિયાના મંડળોમાંથી ફંડ ફાળો ઉઘરાવવાની વ્યવસ્થા કરી. શા માટે ફંડની જરૂર હતી? કઈ રીતે રાહત કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો? ભાઈઓએ કેવો ફાળો આપ્યો? અને ફાળા બાબતમાં જે કંઈ બન્યું એમાં આપણે શા માટે રસ ધરાવવો જોઈએ?
યરૂશાલેમ મંડળના સંજોગો
બહારથી યરૂશાલેમ આવેલા યહુદીઓ અને ધર્માંતર પામેલા બિન-યહુદીઓ પેન્તેકોસ્ત ૩૩ સી.ઈ.ના રોજ ઈસુના અનુયાયીઓ બની ગયા. તેઓ સાચા વિશ્વાસ વિષે વધુ શીખવા માટે યરૂશાલેમમાં રોકાઈ ગયા. તેથી તેઓને બની શકે એટલી મદદ કરવા યરૂશાલેમના સાથી ઉપાસકોએ તેઓનો ભાર આનંદથી ઉઠાવી લીધો. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૭-૧૧, ૪૧-૪૪; ૪:૩૨-૩૭) વળી જ્યારે રાષ્ટ્રવાદી યહુદીઓએ બળવો પોકાર્યો અને હિંસા આચરવાનું શરૂ કર્યું એનાથી સામાજિક તણાવ ઊભો થયો, પરિણામે અનુયાયીઓને વધુ મદદની જરૂર પડી. ખ્રિસ્તનો કોઈ અનુયાયી તેમ જ વિધવાઓ ભૂખી ન રહે માટે દરરોજ ખોરાક વહેંચવામાં આવતો હતો. (પ્રેરિતોનાં કૃત્યો ૬:૧-૬) પછી હેરોદે મંડળને સતાવવાનું શરૂ કર્યું અને ૪૦ સી.ઈ.ના મધ્યમાં યહુદામાં ભારે દુકાળે ભરડો લીધો. પાઊલે કહ્યું તેમ, ઈસુના અનુયાયીઓએ આ બધાને કારણે “દુઃખોનો મોટો હુમલો સહન કર્યો,” “સંકટથી તમાશારૂપ” થયા અને તેઓની “માલમિલકત લૂંટી લેવામાં આવી.”—હેબ્રી ૧૦:૩૨-૩૪; પ્રેરિતોનાં કૃત્યો ૧૧:૨૭-૧૨:૧.
લગભગ ૪૯ સી.ઈ.માં પરિસ્થિતિ હજુ પણ ગંભીર હતી. પાઊલ પોતાના પ્રચારમાં વિદેશીઓ પર વધુ ધ્યાન આપશે એની સાથે સહમત થયા પછી, પીતર, યાકૂબ અને યોહાને તેમને અરજ કરી કે “દરિદ્રીઓને સંભારજો.”—ગલાતી ૨:૭-૧૦.
ફંડફાળાની વ્યવસ્થા
પાઊલે યહુદાના ગરીબ ખ્રિસ્તીઓ માટે ફંડફાળાની વ્યવસ્થા કરવા આગેવાની લીધી. લગભગ ૫૫ સી.ઈ.માં તેમણે કોરીંથીઓને કહ્યું: “હવે સંતોને સારૂ ઉઘરાણા વિષે લખું છું: જેમ મેં ગલાતીઓની મંડળીઓને આજ્ઞા આપી તેમ જ તમે પણ કરો. હું આવું ત્યારે તમારે ઉઘરાણાં કરવાં ન પડે, માટે દર અઠવાડીઆને પહેલે દિવસે તમારામાંના દરેકે પોતાની કમાણી પ્રમાણે કંઈક રાખી મૂકવું. જ્યારે હું આવીશ ત્યારે જેઓને તમે પસંદ કરશો, તેઓને પત્રો આપીને હું તમારૂં દાન યરૂશાલેમ લઈ જવાને મોકલીશ.” (૧ કોરીંથી ૧૬:૧-૩) એક વર્ષ પછી પાઊલે કહ્યું કે મકદોનિયા અને આખાયાના લોકો પણ ફાળો આપી રહ્યા હતા. પછી ફાળો યરૂશાલેમ મોકલવામાં આવ્યો ત્યારે, આસીયાથી પણ પ્રતિનિધિઓ આવ્યા હતા, એના પરથી એવું લાગે છે કે તેઓનાં મંડળોએ પણ ફાળો આપ્યો હતો.—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૪; ૨ કોરીંથી ૮:૧-૪; ૯:૧, ૨.
કોઈને પણ પોતે આપી શકે એના કરતાં વધુ દાન આપવાનું દબાણ કરવામાં આવ્યું ન હતું. એને બદલે, યરૂશાલેમ અને યહુદામાં, પવિત્ર જનોએ તંગી હોય ત્યારે એકબીજાને મદદ કરીને બાબતો સમાનતાને ધોરણે કરી. (૨ કોરીંથી ૮:૧૩-૧૫) “જેમ દરેકે પોતાના હૃદયમાં અગાઉથી ઠરાવ્યું છે, તે પ્રમાણે તેણે આપવું; ખેદથી નહિ, કે ફરજિયાત નહિ; કેમકે ખુશીથી આપનારને દેવ ચાહે છે.”—૨ કોરીંથી ૯:૭.
પ્રેષિત પાઊલે, કોરીંથીઓને ઉદારતાથી આપવાનું સારું કારણ જણાવ્યું. એ કારણ હતું કે ઈસુ ‘ધનવાન છતાં તેઓને લીધે દરિદ્રી થયો, એ માટે તેઓએ તેની દરિદ્રતાથી [આત્મિક રીતે] ધનવાન થવું.’ (૨ કોરીંથી ૮:૯) ચોક્કસ, તેઓ પણ ઈસુની જેમ ઉદાર બનવા માંગતા હતા. વધુમાં, દેવે ‘સર્વ પ્રકારે પૂરી ઉદારતાથી’ તેઓને ભરપૂર આપ્યું હતું, તેથી એ યોગ્ય છે કે તેઓ પણ જરૂરતવાળા પરમેશ્વરના સેવકોને મદદ કરે.—૨ કોરીંથી ૯:૧૦-૧૨.
ફાળો આપનારાનું વલણ
પ્રથમ સદીમાં પવિત્ર જનો માટે ફાળો આપનારા ભાઈબહેનોનું કેવું વલણ હતું એનો વિચાર કરવાથી, આપણે પણ સ્વેચ્છાથી દાન આપવાનું શીખી શકીએ. યહોવાહની ઉપાસના કરનારા ગરીબ ખ્રિસ્તી ભાઈબહેનો માટે ધાર્યા કરતા વધારે ફાળો આવ્યો. એ જ બતાવે છે કે યહુદીઓ અને વિદેશી ખ્રિસ્તીઓ વચ્ચે ભાઈચારાનું બંધન મજબૂત હતું. લોકો ફાળો આપતા અને સ્વીકારતા એનાથી જ ખબર પડે છે કે આ યહુદીઓ અને વિદેશીઓ વચ્ચે કેવી એકતા અને મિત્રતા હતી. તેઓ ભૌતિક રીતે અને આત્મિક રીતે પણ એકબીજાને મદદ કરતા હતા.—રૂમી ૧૫:૨૬, ૨૭.
કદાચ પાઊલે શરૂઆતમાં મકદોનિયાના ખ્રિસ્તીઓને ફાળો આપવા ઉત્તેજન ન પણ આપ્યું હોય, કેમ કે તેઓ પોતે પણ ગરીબ હતા. છતાં પણ, તેઓએ પોતાની ખુશીથી આપવા ઘણી આજીજીઓ અને વિનંતીઓ કરી હતી. “વિપત્તિથી તેઓની ભારે કસોટી” થઈ હતી તોપણ, અને “ભારે દરિદ્રતા છતાં” તેઓએ ખુશીથી આપ્યું. (૨ કોરીંથી ૮:૧-૪) તેઓ પર આવી પડેલી મોટી કસોટીનું એક કારણ એ પણ હતું કે તેઓ જે ધર્મ પાળી રહ્યા હતા એ રોમનોની નજરે ગેરકાયદેસર હતો. તેથી એ સમજી શકાય છે કે તેઓને યહુદી ભાઈબહેનો પ્રત્યે કેમ સહાનુભુતિ હતી કારણ કે યહુદી ભાઈબહેનો પણ તેઓના જેવી જ મુશ્કેલીઓ સહન કરી રહ્યા હતા.—પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૨૦, ૨૧; ૧૭:૫-૯; ૧ થેસ્સાલોનીકી ૨:૧૪.
જોકે પાઊલે દાન આપવામાં કોરીંથીઓનો શરૂઆતનો ઉત્સાહ કેવો હતો એ જણાવી મકદોનિયાને ઉત્તેજન આપ્યું હતું. તેમ છતાં, સમય જતા કોરીંથીઓનો ઉત્સાહ ઠંડો પડી ગયો હતો. હવે પ્રેષિત પાઊલે મકદોનિયાની ઉદારતા વિષે જણાવીને કોરીંથીઓને ઉત્તેજન આપ્યું. તેમને લાગ્યું કે હવે તેઓને યાદ કરાવવું જોઈએ કે જે કામ તેઓએ એક વર્ષ પહેલા શરૂ કર્યું હતું એને પૂરું કરવાનો સમય આવી પહોંચ્યો છે. પછી શું થયું?—૨ કોરીંથી ૮:૧૦, ૧૧; ૯:૧-૫.
તીતસે કોરીંથમાં ફાળો ઉઘરાવવા માટે પહેલ કરી, પરંતુ કેટલીક સમસ્યાઓ ઊભી થઈ જેના કારણે તેમના પ્રયત્નો નિષ્ફળ ગયા. તેથી તેમણે મકદોનિયા જઈને એ વિષે પાઊલને વાત કરી. પછી તીતસ કોરીંથ મંડળનો ઉત્સાહ વધારવા બીજા બે ભાઈઓ સાથે પાછા ફર્યા અને ફાળો ઉઘરાવવાનું કામ પૂરું કર્યું. કેટલાકે પાઊલ પર કદાચ એવું તહોમત મૂક્યું હતું કે તે કોરીંથીઓ પાસેથી પૈસા પડાવવાનો પ્રયત્ન કરે છે. તેથી તેમણે દાન લેવાનું કામ પૂરું કરવા ત્રણ માણસોને મોકલ્યા હોય શકે અને તેઓ દરેકને ભલામણ કરી હોય શકે. પાઊલે કહ્યું, “આ દાનનો અમે વહીવટ કરીએ છીએ, તે વિષે કોઈ અમારા પર દોષ ન મૂકે, તે બાબત અમે સંભાળ રાખીએ છીએ; માત્ર પ્રભુની જ નજરમાં નહિ, પરંતુ માણસની નજરમાં પણ જે યોગ્ય છે, તે વિષે કાળજી રાખીએ છીએ.”—૨ કોરીંથી ૮:૬, ૧૮-૨૩; ૧૨:૧૮.
દાન પહોંચાડવું
વર્ષ ૫૬ સી.ઈ.ની વસંત સુધીમાં તો દાનમાં મળેલા નાણા યરૂશાલેમ લઈ જવા તૈયાર હતા. પછી દાન આપનારા મંડળોએ યરૂશાલેમ મોકલવા પોતાના અમુક પ્રતિનિધિઓને પસંદ કર્યા જેમાં પાઊલ પણ હતા. પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૪ કહે છે: “પુર્હસનો દીકરો બેરીઆનો સોપાતર; થેસ્સાલોનીકીઓમાંના આરીસ્તાર્ખસ, સેકુંદસ; દેર્બેનો ગાયસ, તીમોથી; આસિયાના તુખીકસ તથા ત્રોફીમસ, એઓ તેની સાથે આસિયા સુધી ગયા.” દેખીતી રીતે, તેઓ સાથે લુક પણ હતો જે ફિલિપી મંડળના પ્રતિનિધિ તરીકે હોય શકે. આ રીતે આ કામગીરી માટે નવ માણસો ગયા હતા.
વિદ્વાન ડાયટર જ્યોર્જિ કહે છે, “ભેગા કરેલાં નાણાની રકમ બહુ મોટી હોવી જોઈએ, નહિ તો પાઊલ અને તેની સાથેના ઘણા પ્રતિનિધિઓએ એ માટે જે મુશ્કેલીઓ સહી અને ખર્ચો કર્યો એનો કંઈ જ અર્થ ન રહે.” બીજા ભાઈઓએ ફક્ત રક્ષણ જ પૂરું પાડ્યું ન હતું, પરંતુ પાઊલને અપ્રમાણિક હોવાના આરોપથી પણ બચાવી લીધા. યરૂશાલેમમાં પવિત્ર જનો સમક્ષ જેઓને મોકલવામાં આવ્યા હતા તેઓ સર્વ, વિદેશી મંડળોના પ્રતિનિધિઓ થઈને ગયા હતા.
આ પ્રતિનિધિઓ કોરીંથથી સીરિયાના જળમાર્ગે જવા નીકળ્યા હોત તો, પાસ્ખા પર્વ સુધી યરૂશાલેમ પહોંચી જાત. પરંતુ, દુશ્મનોએ પાઊલને મારી નાખવાનું કાવતરું ઘડ્યું હતું એની ખબર પડવાથી તેઓએ માર્ગ બદલી નાખ્યો હતો. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩) કદાચ તેમના દુશ્મનોનો ઇરાદો તેમને દરિયામાં જ મારી નાખવાનો હતો.
એ સાથે પાઊલને બીજી ચિંતાઓ પણ હતી. જતા પહેલાં, તેમણે રોમના ખ્રિસ્તીઓને પોતાના માટે પ્રાર્થના કરવાનું કહ્યું હતું કે તે ‘યહુદાહમાંના અવિશ્વાસીઓના હુમલાથી બચી જાય, અને યરૂશાલેમ જઈને સંતોને સારૂ જે સેવા બજાવે, એ તેમને પસંદ પડે.’ (રૂમી ૧૫:૩૦, ૩૧) જોકે પવિત્ર જનો એ દાનો માટે ઊંડી કદર તો બતાવશે જ છતાં, પાઊલને બીજી એક ચિંતા હતી કે તેમના ત્યાં પહોંચવાથી યહુદીઓ મુશ્કેલીઓ ઊભી કરી શકે.
પ્રેષિત પાઊલ ગરીબો વિષે હંમેશા ચિંતા કરતા હતા. જોકે શાસ્ત્રવચનો એ જણાવતા નથી કે તેઓને ક્યારે દાન આપવામાં આવ્યું. પરંતુ એ દાન તેઓને મળ્યું ત્યારે, તેઓમાં એકતા આવી અને વિદેશી ખ્રિસ્તીઓએ પણ પોતાના યહુદી ખ્રિસ્તી ભાઈબહેનો તરફથી જે આત્મિક દાન મેળવ્યું એ માટે તેઓની કદર વ્યક્ત કરી. પાઊલ યરૂશાલેમ ગયા પછી, થોડા જ સમયમાં મંદિરમાં ગયા અને યહુદીઓની નજરે પડી ગયા. યહુદીઓએ તરત જ હુલ્લડ મચાવી દીધું અને પાઊલની ધરપકડ કરવામાં આવી. પરંતુ એને કારણે તેમને હાકેમો અને રાજાઓને સાક્ષી આપવાની ઘણી તકો મળી.—પ્રેરિતોનાં કૃત્યો ૯:૧૫; ૨૧:૧૭-૩૬; ૨૩:૧૧; ૨૪:૧–૨૬:૩૨.
આજે આપણું દાન
આજે પ્રથમ સદીથી માંડીને બધું જ બદલાઈ ગયું છે. પરંતુ એની પાછળ રહેલો સિદ્ધાંત હજુ પણ બદલાયો નથી. નાણાકીય જરૂર હોય ત્યારે, ખ્રિસ્તીઓને યોગ્ય રીતે જણાવવામાં આવે છે. તેથી, ખ્રિસ્તીઓ જરૂરતવાળાઓને મદદ કરવા માટે જે કંઈ દાન આપે એ સ્વેચ્છાએ અને ખુશીથી આપવું જોઈએ અને એ પરમેશ્વર તથા સાથી ભાઈઓ માટેના પ્રેમથી પ્રેરાઈને આપેલું હોવું જોઈએ.—માર્ક ૧૨:૨૮-૩૧.
પ્રથમ સદીમાં પવિત્ર જનો માટે ઉઘરાવવામાં આવેલ રાહત ફંડ બતાવતું હતું કે આવા ફંડ ઉઘરાવવાની વ્યવસ્થા બહુ વ્યવસ્થિત હતી અને નાની બાબતમાં પણ પ્રમાણિક રીતે સાવધાની રાખવામાં આવી હતી. ચોક્કસ, યહોવાહ આપણી જરૂરિયાતો જાણે છે અને તે પોતાના સેવકો માટે જોગવાઈ પણ કરે છે. જેથી તેઓ મુશ્કેલીઓમાં હોવા છતાં બીજાઓને સુસમાચાર જણાવવામાં લાગુ રહી શકે. (માત્થી ૬:૨૫-૩૪) તોપણ, આપણે બધા આપણી આર્થિક પરિસ્થિતિ પ્રમાણે શક્ય હોય એટલું દાન આપી શકીએ. એ રીતે, ‘જેની પાસે ઘણું હશે તેને વધી પડશે નહિ; અને જેની પાસે થોડું હશે તેને ખૂટી પડશે નહિ.’—૨ કોરીંથી ૮:૧૫.