શા માટે માણસ દુ:ખી છે?
“હેપરમેશ્વર, શા માટે?” એશિયા માઇનોરમાં આવેલા ભયંકર ધરતીકંપ પછી, પ્રખ્યાત છાપાનાં પહેલાં જ પાન પર આ મથાળું મોટા અક્ષરોમાં જોવા મળ્યું. સામેના ચિત્રમાં, ભાંગી પડેલા પિતા પોતાના તારાજ થઈ ગયેલા ઘરમાંથી ઘવાયેલી દીકરીને લઈને ઊભેલા દેખાય છે.
યુદ્ધ, ભૂખમરો, મરકી અને કુદરતી આફતોના લીધે અતિશય દુઃખ, બેસુમાર આંસુ અને વિપુલ પ્રમાણમાં મરણ જોવા મળે છે. એ ઉપરાંત લોકો બળાત્કાર, બાળકો પર અત્યાચાર અને બીજા ગુનાઓના ભોગ બને છે. અકસ્માતોથી ઘવાતા અને મરણ પામતા અસંખ્ય લોકોનો વિચાર કરો. વળી, માંદગી, વૃદ્ધાવસ્થા અને પ્રિયજનના મરણના કારણે કરોડો લોકો દુઃખ અનુભવે છે.
વીસમી સદીમાં લોકોએ સૌથી વધારે પ્રમાણમાં દુઃખ, તકલીફો અનુભવી છે. પ્રથમ વિશ્વયુદ્ધ ૧૯૧૪થી ૧૯૧૮ દરમિયાન લગભગ એક કરોડ સૈનિકો માર્યા ગયા. કેટલાક ઇતિહાસકારો કહે છે કે યુદ્ધના કારણે નાગરિકો પણ એટલી જ સંખ્યામાં મરણ પામ્યા હતા. બીજા વિશ્વયુદ્ધમાં લગભગ પાંચ કરોડ સૈનિકો અને નાગરિકો માર્યા ગયા જેમાં લાખો નિઃસહાય વૃદ્ધ સ્ત્રીઓ, પુરુષો અને બાળકોનો સમાવેશ થતો હતો. ગઈ આખી સદી દરમિયાન, કરોડો લોકો જાતિ સંહાર, ક્રાંતિ, કોમી હિંસા, ભૂખમરો અને ગરીબીનો ભોગ બન્યા છે. વીસમી સદીનો ઐતિહાસિક એટલાસ (અંગ્રેજી) અનુસાર અંદાજે ૧૮ કરોડ કરતાં વધારે લોકો “મહાદુઃખના” કારણે મરણ પામ્યા છે.
સ્પેનિશ ફ્લુથી ૧૯૧૮/૧૯માં બે કરોડ લોકો મરી ગયા. છેલ્લા બે દાયકાઓમાં, લગભગ ૧.૯ કરોડ લોકો એઈડ્સના કારણે મરણ પામ્યા છે. કંઈક ૩.૫ કરોડ લોકોને હમણાં એનો ચેપ લાગ્યો છે. લાખો બાળકો અનાથ બની ગયા છે કારણ કે તેઓના માબાપ એઈડ્સના લીધે મરણ પામ્યા છે. અસંખ્ય શીશુઓ એઈડ્સના કારણે મરણ પામી રહ્યા છે. કેમ કે તેઓની માતાને એઈડ્સ થયો હોવાથી એનો ચેપ તેઓ ગર્ભમાં હતા ત્યારે જ લાગી ગયો હતો.
બીજી ઘણી રીતે બાળકો દુઃખ ભોગવી રહ્યા છે. યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન ફંડ (યુનિસેફ)એ આપેલી માહિતીનો ઉલ્લેખ કરતાં, ૧૯૯૫ના અંતમાં ઇંગ્લૅંન્ડના માંચેસ્ટર ગાર્ડિયન વિકલીએ બતાવ્યું: “ગયા દાયકાના યુદ્ધોમાં ૨૦ લાખ બાળકો મરી ગયા, ૪૦થી ૫૦ લાખ અપંગ બની ગયા, ૧.૨ કરોડ ઘરબાર વિનાના થઈ ગયા, ૧૦ લાખ કરતાં વધારે બાળકો અનાથ કે પોતાના માબાપથી વિખૂટાં પડી ગયા અને ૧ કરોડ માનસિક રીતે બીમાર થઈ ગયા છે.” એ ઉપરાંત જગતવ્યાપી દર વર્ષે લગભગ ૪થી ૫ કરોડ ગર્ભપાત કરવામાં આવે છે!
ભવિષ્ય વિષે શું?
ઘણા લોકો માને છે કે ભવિષ્યમાં કંઈક ભયંકર બાબત બનવાની છે. વૈજ્ઞાનિકોના એક ગ્રુપે કહ્યું: ‘માનવ પ્રવૃત્તિઓએ જગત પરિસ્થિતિને એટલી હદે બદલી નાખી છે કે અમે જાણીએ છીએ એ પ્રમાણે હવે જીવન લાંબુ ટકી શકશે નહિ.’ તેઓએ ઉમેર્યું: “અત્યારની ઘડીએ પણ પાંચમાંથી એક વ્યક્તિ અતિશય ગરીબાઈમાં રહે છે કે જેઓને પૂરતું ખાવાનું નથી, અને દસમાંથી એક વ્યક્તિને પોષણયુક્ત ખોરાક મળતો નથી.” વૈજ્ઞાનિકોએ “માણસજાત માટે ભવિષ્યમાં શું રહેલું છે એ વિષે ચેતવણી” આપતા કહ્યું: “મોટા ભાગની માણસજાતની કંગાળ અવસ્થા ટાળવી હોય અને આ પૃથ્વી, આપણા ઘરને કાયમી ધોરણે થતા નુકસાનને અટકાવવું હોય તો, લોકોની જીવન ઢબમાં અને પૃથ્વીની દેખરેખમાં મોટા ફેરફારો લાવવાની જરૂર છે જેથી આપણી પૃથ્વી હંમેશ માટે નાશ ન પામે.”
તો પછી, શા માટે પરમેશ્વર અનહદ દુઃખ અને દુષ્ટતાને ચાલવા દે છે? તે કઈ રીતે આ પરિસ્થિતિ સુધારશે? અને ક્યારે?
[પાન ૩ પર ચિત્રની ક્રેડીટ લાઈન્સ]
ઉપર, વ્હીલચેર: UN/DPI Photo 186410C by P.S. Sudhakaran; વચ્ચે, ભૂખ્યા બાળકો: WHO/OXFAM; નીચે, ભૂખે મરતો માણસ: FAO photo/B. Imevbore