“યહોવાહનો આશીર્વાદ ધનવાન કરે છે”
આપણે સર્વ આશીર્વાદ મેળવવાનું ઇચ્છીએ છીએ. આશીર્વાદ આનંદ, સુખાકારી કે સમૃદ્ધિમાં વૃદ્ધિ કરે છે. યહોવાહ ‘દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન’ આપનાર છે. તેથી, હંમેશ માટેના દરેક આશીર્વાદ આપણા પ્રેમાળ ઉત્પન્નકર્તા તરફથી આવે છે. (યાકૂબ ૧:૧૭) તે પોતાનાથી પરિચિત કે અજાણ સર્વ માણસજાત પર આશીર્વાદો વરસાવે છે. ઈસુએ પોતાના પિતા વિષે કહ્યું: “એ માટે કે તમે આકાશમાંના તમારા બાપના દીકરા થાઓ; કારણ કે તે પોતાના સૂરજને ભૂંડા તથા ભલા પર ઉગાવે છે, ને ન્યાયી તથા અન્યાયી પર વરસાદ વરસાવે છે.” (માત્થી ૫:૪૫) તેમ છતાં, યહોવાહ પોતાને પ્રેમ કરનારાઓ પ્રત્યે ખાસ કાળજી બતાવે છે.—પુનર્નિયમ ૨૮:૧-૧૪; અયૂબ ૧:૧; અયૂબ ૪૨:૧૨.
ગીતકર્તાએ લખ્યું: “ન્યાયથી વર્તનારને માટે તે કંઈ પણ સારૂં વાનું રોકી રાખશે નહિ.” (ગીતશાસ્ત્ર ૮૪:૧૧) હા, યહોવાહની સેવા કરનારાઓના જીવન હેતુથી ભરપૂર હોય છે. તેઓ જાણે છે કે “યહોવાહનો આશીર્વાદ ધનવાન કરે છે. અને તેની સાથે કંઇ ખેદ મિશ્રિત નથી.” બાઇબલ એમ પણ બતાવે છે, “જેને દેવ [યહોવાહ] આશીર્વાદ આપે છે તે દેશનો વારસો પામશે.” (નીતિવચનો ૧૦:૨૨; ગીતશાસ્ત્ર ૩૭:૨૨, ૨૯) એ કેવો આશીર્વાદ હશે!
આપણે કઈ રીતે યહોવાહનો આશીર્વાદ મેળવી શકીએ? એક રીત એ છે કે, આપણે તેમને આનંદ આપતા ગુણો કેળવવાની જરૂર છે. (પુનર્નિયમ ૩૦:૧૬, ૧૯, ૨૦; મીખાહ ૬:૮) એ આપણે યહોવાહના પ્રાચીન સમયના ત્રણ સેવકોના ઉદાહરણથી જોઈશું.
યહોવાહ તેમના સેવકોને આશીર્વાદ આપે છે
નુહ પરમેશ્વરના વિશ્વાસુ સેવક હતા. ઉત્પત્તિ ૬:૮માં આપણે વાંચીએ છીએ: “નુહ યહોવાહની દૃષ્ટિમાં કૃપા પામ્યો.” શા માટે? કારણ કે તે આજ્ઞાધીન હતા. અહેવાલ કહે છે: “નુહ દેવની સાથે ચાલતો.” નુહ યહોવાહનાં ન્યાયી ધોરણો પ્રમાણે ચાલીને, તેમની આજ્ઞાઓને આધીન રહ્યા. એક સમયે જગત હિંસા અને દુરાચારમાં ડૂબેલું હતું ત્યારે, ‘દેવે નુહને જે સર્વ આજ્ઞા આપી હતી, તે પ્રમાણે તેમણે કર્યું.’ (ઉત્પત્તિ ૬:૯, ૨૨) પરિણામે, યહોવાહે તેમને તેમના “કુટુંબના તારણને સારૂ વહાણ” બાંધવા માર્ગદર્શન આપ્યું. (હેબ્રી ૧૧:૭) આ રીતે, નુહ, તેમનું કુટુંબ અને તેમના દ્વારા આખી માણસજાત એ પેઢીના વિનાશમાંથી બચી ગયા. આથી, નુહ મરી ગયા ત્યારે તેમને સજીવન થઈને બગીચા જેવી પૃથ્વી પર ફરીથી હંમેશ માટે જીવવાની આશા હતી. તેમણે કેવો સમૃદ્ધ આશીર્વાદ મેળવ્યો!
ઈબ્રાહીમની પાસે પણ યહોવાહને ખુશ કરે એવા ગુણો હતા. એવા ગુણોમાં વિશ્વાસ મુખ્ય હતો. (હેબ્રી ૧૧:૮-૧૦) ઈબ્રાહીમે ઉર અને ત્યાર પછી હારાનનું એશઆરામી જીવન છોડ્યું કારણ કે તેમને યહોવાહે આપેલા એ વચનમાં પૂરો વિશ્વાસ હતો કે તેમના સંતાનમાંથી સર્વ રાષ્ટ્રો આશીર્વાદ પામશે. (ઉત્પત્તિ ૧૨:૨, ૩) તેમના વિશ્વાસની લાંબા સમય સુધી થયેલી કસોટી પછી, તેમના દીકરાનો જન્મ થયો ત્યારે તેમને ફળ મળ્યું. તેના દ્વારા ઈબ્રાહીમ, પરમેશ્વરની પસંદ કરેલી પ્રજા, ઈસ્રાએલ અને છેવટે મસીહના પૂર્વજ બન્યા. (રૂમી ૪:૧૯-૨૧) વધુમાં, તેમને ‘વિશ્વાસીઓના પૂર્વજ’ અને ‘દેવના મિત્ર’ કહેવામાં આવ્યા. (રૂમી ૪:૧૧; યાકૂબ ૨:૨૩; ગલાતી ૩:૭, ૨૯) સાચે જ, તે કેવું અર્થસભર જીવન જીવ્યા અને એ માટે તેમને કેવો અદ્ભુત આશીર્વાદ આપવામાં આવ્યો!
વિશ્વાસુ મુસાનો પણ વિચાર કરો. તેમનામાં ઘણા સારા ગુણો હતા જેમાંનો એક ગુણ આત્મિક બાબતો માટેની તેમની કદર હતી. મુસાએ મિસરની સર્વ સંપત્તિનો નકાર કર્યો અને ‘અદૃશ્યને જોતા હોય એમ તે અડગ રહ્યા.’ (હેબ્રી ૧૧:૨૭) મિદ્યાનમાં ૪૦ વર્ષ રહ્યા પછી, તે એક અનુભવી વ્યક્તિ તરીકે મિસરમાં પાછા ફર્યા અને એ સમયના શક્તિશાળી, ફારૂન સામે હિંમતપૂર્વક ઊભા રહીને પોતાના ભાઈઓની સ્વતંત્રતાની માંગણી કરી. (નિર્ગમન ૭:૧-૭) તેમણે દસ મરકીઓ, રાતા સમુદ્રના બે ભાગ અને ફારૂનના સૈન્યનો વિનાશ થતા જોયો. યહોવાહે ઈસ્રાએલીઓને નિયમ આપવા અને નવા રાષ્ટ્ર સાથે કરારના મધ્યસ્થી તરીકે તેમનો ઉપયોગ કર્યો. મુસા ઈસ્રાએલ પ્રજાને ચાળીસ વર્ષ સુધી અરણ્યમાં દોરી ગયા. તેમના જીવનનો ખરેખર હેતુ હતો અને તેમણે પરમેશ્વરની સેવામાં ભરપૂર આશીર્વાદોનો આનંદ માણ્યો.
આધુનિક દિવસના આશીર્વાદો
આ અહેવાલો બતાવે છે કે પરમેશ્વરની સેવા કરનારાઓનાં જીવનો ખરેખર અર્થપૂર્ણ છે યહોવાહના લોકો તરીકે આજ્ઞાધીનતા, વિશ્વાસ અને આત્મિક બાબતો માટેની કદર જેવા ગુણો વિકસાવ્યા છે તેઓને ભરપૂર આશીર્વાદો આપવામાં આવે છે.
આપણને કઈ રીતે આશીર્વાદ આપવામાં આવે છે? આજે કહેવાતા કરોડો ખ્રિસ્તીઓ આત્મિક બાબતોમાં ભૂખે મરી રહ્યા છે ત્યારે, આપણે ‘યહોવાહની કૃપા પામી’ શકીએ છીએ. (યિર્મેયાહ ૩૧:૧૨) ઈસુ ખ્રિસ્ત અને “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” દ્વારા યહોવાહે આપણને ભરપૂર આત્મિક ખોરાક પૂરો પાડ્યો છે કે જે આપણને ‘જીવનના માર્ગમાં’ ચાલવા મદદ કરે છે. (માત્થી ૭:૧૩, ૧૪; માત્થી ૨૪:૪૫; યોહાન ૧૭:૩) આપણા ખ્રિસ્તી ભાઈબહેનોની સંગત, એ એક બીજો આશીર્વાદ છે. સભાઓમાં અને બીજા પ્રસંગોએ, પ્રેમાળ અને આતુરતાપૂર્વક “નવું માણસપણું” પહેરવાનો પ્રયત્ન કરતા આપણા ભાઈબહેનો સાથે રહેવાથી ઘણો આનંદ મળે છે. (કોલોસી ૩:૮-૧૦; ગીતશાસ્ત્ર ૧૩૩:૧) તેમ છતાં, યહોવાહ સાથે વ્યક્તિગત સંબંધ બાંધવો અને તેમના દીકરા ઈસુ ખ્રિસ્તના પગલે ચાલવું એ આપણા માટે સૌથી મૂલ્યવાન લહાવો અને આશીર્વાદ છે.—રૂમી ૫:૧, ૮; ફિલિપી ૩:૮.
આ પ્રકારના આશીર્વાદો પર મનન કરવાથી, આપણને જાણવા મળે છે કે પરમેશ્વરની આપણે જે ઉપાસના કરીએ છીએ એ ખરેખર કેટલી મૂલ્યવાન છે. આપણે ઈસુએ આપેલા વેપારીના દૃષ્ટાંતનો વિચાર કરી શકીએ કે જેને અતિ મૂલ્યવાન મોતી મળ્યું હતું. ઈસુએ તે માણસ વિષે કહ્યું: “તેને એક અતિ મૂલ્યવાન મોતીની શોધ લાગી, ત્યાર પછી જઈને તેણે પોતાનું સર્વસ્વ વેચી નાખીને તે વેચાતું લીધું.” (માત્થી ૧૩:૪૬) સાચે જ, આપણે પણ યહોવાહ સાથેનો આપણો સંબંધ, તેમની સેવા કરવાના લહાવા, આપણા ખ્રિસ્તી ભાઈબહેનોની સંગત, આપણી ખ્રિસ્તી આશા અને આપણા વિશ્વાસ સાથે સંબંધિત બીજા આશીર્વાદો વિષે એવું જ અનુભવીએ છીએ. આપણા જીવનમાં એના કરતાં વધારે મૂલ્યવાન બાબત બીજી કંઈ જ નથી.
યહોવાહને પાછું આપવું
યહોવાહ દરેક સારી ભેટ આપનાર છે એ જાણતા હોવાથી, આપણે જે આશીર્વાદો મેળવીએ છીએ એ બદલ તેમનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આપણે એ કેવી રીતે કરી શકીએ? એક રીત, બીજાઓને એ જ આશીર્વાદોનો આનંદ માણવા મદદ કરવાની છે. (માત્થી ૨૮:૧૯) લગભગ ૨૩૦ કરતાં વધારે દેશોમાં, યહોવાહના સાક્ષીઓ આ આનંદમાં બીજાઓને સહભાગી કરવા પોતાના પડોશીઓની મુલાકાત લેવામાં વ્યસ્ત છે. તેઓ તેમની મુલાકાત લે છે ત્યારે, તેઓને “સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત” કરવામાં મદદ કરવા સમય, શક્તિ અને ભૌતિક બાબતો જેવી પોતાની વ્યક્તિગત સંપત્તિને ઉપયોગમાં લે છે.—૧ તીમોથી ૨:૪.
અમેરિકા, કૅલિફૉર્નિયાના ગ્લેનડેઇલ શહેરમાં રહેતા પાયોનિયરોનો વિચાર કરો. દર શનિવારે સવારે, તેઓ લગભગ ૧૦૦ કિલોમીટર દૂર રાષ્ટ્રીય જેલની મુલાકાત લેવા જાય છે. તેઓ ફક્ત થોડાક જ કલાક કેદીઓની મુલાકાત લઈ શકે છે છતાં, તેઓ નિરુત્સાહ થતા નથી. એક પાયોનિયર કહે છે: આ અજોડ પ્રચાર વિસ્તારમાં કાર્ય કરવું એ ઘણાં ફળ આપનારું છે. અમે આ પ્રમાણે કરીને ઘણો આનંદ મેળવીએ છીએ. અમારી પાસે એટલા બધા રસ ધરાવનારાઓ છે કે બધાને મળવું ઘણું મુશ્કેલ છે. હાલમાં, અમારી પાસે પાંચ બાઇબલ અભ્યાસ છે અને બીજી ચાર વ્યક્તિઓએ તેઓની સાથે અભ્યાસ કરવાની વિનંતી કરી છે.”
ઉત્સાહી ખ્રિસ્તી સેવકો આ જીવન બચાવનાર કાર્ય વિના મૂલ્યે કરવાનો આનંદ માણે છે. તેઓ ઈસુ જેવું વલણ બતાવે છે કે જેમણે કહ્યું: “તમે મફત પામ્યા, મફત આપો.” (માત્થી ૧૦:૮) આખા જગતમાં લાખો લોકો આ નિઃસ્વાર્થ કાર્ય કરવામાં વ્યસ્ત છે. પરિણામે, નમ્ર હૃદયના લોકો એને પ્રત્યુત્તર આપીને શિષ્યો બન્યા છે. ફક્ત છેલ્લા પાંચ વર્ષમાં જ, ૧૭ લાખ લોકોએ યહોવાહને પોતાનાં જીવનો સમર્પણ કર્યાં છે. તેઓના આ વધતા જતા કાર્ય માટે વધારે બાઇબલ અને બાઇબલ આધારિત પ્રકાશનોની, નવા રાજ્યગૃહો અને બીજી સભાઓના હૉલ બાંધવાની જરૂર ઊભી થઈ છે. આ જરૂરિયાતને પહોંચી વળવા માટે પૈસા ક્યાંથી આવે છે? એ સ્વૈચ્છિક પ્રદાનોમાંથી આવે છે.
જગતના અમુક દેશોની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોવાને કારણે, ઘણા લોકોએ પોતાના કુટુંબની સામાન્ય જરૂરિયાતો પૂરી કરવા સખત મહેનત કરવી પડે છે. ન્યૂ સાયન્ટિસ્ટ મેગેઝિન અનુસાર, એક અબજ લોકો પોતાની આવકના ઓછામાં ઓછા ૭૦ ટકા ખોરાક પાછળ ખર્ચે છે. આપણા ઘણા ભાઈબહેનોની પણ આવી જ પરિસ્થિતિ છે. તેથી, બીજા ભાઈબહેનોની મદદ વગર તેઓ ખ્રિસ્તી પ્રકાશનો કે સુઘડ રાજ્યગૃહો જેવી બાબતો મેળવી શકે નહિ.
જોકે, એનો અર્થ એમ થતો નથી કે આવી પરિસ્થિતિમાં રહેનારા ભાઈબહેનોએ, બીજાઓ મદદ કરે છે એમ વિચારીને સંતોષ માની લેવો જોઈએ. પરંતુ, આ મદદ કરનારાઓને પણ મદદની જરૂર હોય છે. યહોવાહે આપેલા આશીર્વાદો માટે આભાર માનવા, ઈસ્રાએલીઓને દાન આપવાનું ઉત્તેજન આપતા મુસાએ કહ્યું: “પ્રત્યેક પુરુષ પોતાની શક્તિ મુજબ, એટલે જે આશીર્વાદ યહોવાહ તારા દેવે તને દીધો છે, તેના પ્રમાણમાં આપે.” (પુનર્નિયમ ૧૬:૧૭) તેથી, ઈસુએ મંદિરમાં એક વિધવાને “બે દમડી નાખતા’ જોઈ ત્યારે, તેમણે પોતાના શિષ્યો સમક્ષ તેની કદર કરી. તે જે કરી શકતી હતી એ તેણે કર્યું. (લુક ૨૧:૨, ૩) એવી જ રીતે, એકદમ ગરીબ પરિસ્થિતિમાં રહેતા ભાઈબહેનોએ પોતાનાથી બનતું બધું જ કરવું જોઈએ. જો એમાં કંઈ ખૂટતું હશે તો, ભૌતિક રીતે ગરીબ નથી એવા ભાઈબહેનોનાં પ્રદાનોમાંથી એ પૂરું કરવામાં આવશે.—૨ કોરીંથી ૮:૧૩-૧૫.
આપણે યહોવાહને આ રીતે પાછું આપીએ છીએ ત્યારે, આપણું વલણ યોગ્ય હોય એ ખૂબ મહત્ત્વનું છે. (૨ કોરીંથી ૮:૧૨) પાઊલે કહ્યું: “જેમ દરેકે પોતાના હૃદયમાં અગાઉથી ઠરાવ્યું છે, તે પ્રમાણે તેણે આપવું; ખેદથી નહિ, કે ફરજિયાત નહિ; કેમકે ખુશીથી આપનારને દેવ ચાહે છે.” (૨ કોરીંથી ૯:૭) હૃદયપૂર્વક ઉદારતાથી આપીને આપણે હમણાં પરમેશ્વરના સંગઠનમાં થઈ રહેલા વધારાને ટેકો આપી શકીએ છીએ અને આપણા પોતાના આનંદમાં વધારો કરી શકીએ છીએ.—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫.
પ્રચાર કાર્યમાં ભાગ લઈને અને સ્વેચ્છાએ પ્રદાનો આપીને આપણે યહોવાહે આપેલા આશીર્વાદના બદલામાં પાછું આપી શકીએ છીએ. એ જાણવું કેટલું ઉત્તેજન આપનારું છે કે યહોવાહ, અત્યારે તેમને જાણતા નથી એવા નમ્ર હદયના લોકોને પણ આશીર્વાદ આપવા ઇચ્છે છે! (૨ પીતર ૩:૯) તેથી, ચાલો આપણે પોતાની સંપત્તિનો યહોવાહની સેવામાં ઉપયોગ કરીએ અને નમ્ર હૃદયની વ્યક્તિઓને શોધીને તેઓને આજ્ઞાધીનતા, વિશ્વાસ અને કદર જેવા ગુણો વિકસાવવા મદદ કરીએ. એ રીતે, આપણે બીજાઓને ‘અનુભવ કરવા અને યહોવાહ ઉત્તમ છે એ જોવા’ મદદ કરવાનો આનંદ મેળવીશું.—ગીતશાસ્ત્ર ૩૪:૮.
[પાન ૨૮, ૨૯ પર બોક્સ]
કેટલાકે પસંદ કરેલી આપવાની રીતો
જગતવ્યાપી કાર્યને પ્રદાનો
ઘણા અમુક રકમ અલગ રાખે છે અથવા “જગતવ્યાપી કાર્ય માટે પ્રદાન—માત્થી ૨૪:૧૪” લેબલવાળી પ્રદાનપેટીમાં નાખવાની યોજના કરે છે.
દર મહિને મંડળો આ રકમ યહોવાહના સાક્ષીઓના મુખ્ય મથક, ન્યૂયૉર્ક, બ્રુકલિનમાં કે સ્થાનિક શાખા કચેરીઓને મોકલે છે. પૈસાના સ્વૈચ્છિક પ્રદાનો સીધેસીધા Watch Tower Bible and Tract Society of Pennsylvania, 25 Columbia Heights, Brooklyn, New York 11201-2483, કે તમારા દેશમાં સેવા આપતી શાખા કચેરીને મોકલી શકાય. ઘરેણાં અથવા અન્ય મૂલ્યવાન ચીજવસ્તુઓ પણ દાનમાં આપી શકાય. એવાં પ્રદાનો સાથે એક ટૂંકો પત્ર મોકલવો જરૂરી છે જે જણાવતો હોય કે એ ભેટ છે.
શરતી-દાન ગોઠવણ
ખાસ ગોઠવણ દ્વારા પણ પૈસા આપી શકાય, જેમાં દાન આપનાર વ્યક્તિને પૈસાની જરૂર હોય ત્યારે, તે પોતાના પૈસા પાછા મેળવી શકે છે. વધુ માહિતી માટે, કૃપા કરીને ઉપર જણાવેલા સરનામા પર ટ્રેઝરરની ઑફિસનો સંપર્ક સાધો.
યોજનાપૂર્વક આપવું
પ્રદાનો અને શરતી દાનો આપવાં ઉપરાંત, જગતવ્યાપી રાજ્ય સેવા માટે દાન આપવાની બીજી રીતો પણ છે. એમાં નીચેનો સમાવેશ થાય છે:
વીમો: જીવન વીમાની પોલિસીમાં કે નિવૃત્તિ-વેતન યોજનામાં લાભાર્થી તરીકે વૉચ ટાવર સોસાયટીનું નામ જણાવી શકાય.
બૅંક ખાતાઓ: બૅંકમાં મૂકેલી રકમ, થાપણોનાં પ્રમાણપત્રો, અથવા વ્યક્તિગત નિવૃત્તિ રકમ, સ્થાનિક બૅન્કની જરૂરિયાતોના સુમેળમાં વૉચ ટાવર સોસાયટી માટે ટ્રસ્ટમાં મૂકી શકાય છે અથવા મરણ બાદ સંસ્થાને મળે એવી ગોઠવણ થઈ શકે.
સ્ટોક્સ અને બૉન્ડ્સ: સ્ટોક્સ અને બૉન્ડ્સ પણ વૉચ ટાવર સોસાયટીને સીધેસીધા દાનમાં આપી શકાય.
સ્થાવર મિલકત: વેચાણ થઈ શકે એવી સ્થાવર જંગમ મિલકત વૉચ ટાવર સોસાયટીને દાન કરી શકાય છે. પરંતુ આ દાન કરનાર દાતા પોતાના જીવનકાળ દરમિયાન ત્યાં રહેવાનું કે ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકે. કોઈ પણ સ્થાવર મિલકત પોતાના દેશની શાખા કચેરીના નામે કરતા પહેલાં વ્યક્તિએ શાખા કચેરીનો સંપર્ક સાધવો.
વાર્ષિકી ગોઠવણ: આ ગોઠવણ હેઠળ, વ્યક્તિ પોતાના પૈસા કે મિલકત વૉચટાવર સોસાયટીને નામે તબદીલ કરે છે. એના બદલામાં દાતા પોતે અથવા તે જેને નિયુક્ત કરે એ વ્યક્તિ જીવનભર દર વર્ષે અમુક રકમ મેળવે છે. જે વર્ષથી આ ગોઠવણ શરૂ થાય છે ત્યારથી દાતાને આવકવેરામાંથી કપાત મળે છે.
વસિયત અને ટ્રસ્ટ: મિલકત કે પૈસા, કાયદેસર તૈયાર કરેલા વસિયતનામાથી વૉચ ટાવર સોસાયટીના નામે કરી શકાય છે, અથવા ટ્રસ્ટ કરારના લાભાર્થી તરીકે સંસ્થાનું નામ લખી શકાય છે. કોઈ ટ્રસ્ટ ધાર્મિક સંસ્થાને કરવેરાના અમુક લાભ પણ આપતું હોય.
“યોજનાપૂર્વક આપવું” એ જ બતાવે છે કે, આ પ્રકારનાં પ્રદાનો કરનારાઓએ સામાન્ય રીતે કેટલીક યોજના કરવી જ જોઈએ. યોજનાપૂર્વક આપવાની કોઈ રીતથી યહોવાહના સાક્ષીઓના જગતવ્યાપી કાર્યના લાભાર્થે પ્રદાનો આપવાનું ઇચ્છનારાઓ માટે અંગ્રેજી અને સ્પેનિશ ભાષામાં એક પુસ્તિકા તૈયાર કરવામાં આવી છે જેનું શિર્ષક છે પ્લાન્ડ ગીવીંગ ટુ બેનીફીટ કિંગડમ સર્વિસ વર્લ્ડવાઈડ. ભેટો, વસિયત અને ટ્રસ્ટ સંબંધી જાણકારી મેળવવા વિષે જે પત્રો મળ્યા હતા એના જવાબરૂપે આ પુસ્તિકા લખવામાં આવી છે. એમાં સ્થાવર મિલકત, નાણાંકીય અને કર માટેની યોજના વિષે પણ જણાવવામાં આવ્યું છે. વળી, એ યુનાઈટેડ સ્ટેટ્સમાં રહેતા એવા લોકો માટે તૈયાર કરવામાં આવી છે જેઓ અત્યારે કંઈક આપવા માંગે છે. અથવા વસિયતમાં પોતાના મરણ બાદ કંઈક આપવાની યોજના કરે છે તેઓને પોતાના કુટુંબ અને વ્યક્તિગત સંજોગોને અનુકૂળ વધુ લાભદાયી અને અસરકારક રીત પસંદ કરવા મદદ કરે છે. આ પુસ્તિકાની પ્રત ચેરીટેબલ પ્લાનીંગ ઑફિસથી સીધેસીધી રીતે મંગાવી શકાય છે.
પુસ્તિકા વાંચ્યા પછી અને ચેરીટેબલ પ્લાનીંગ ઑફિસ સાથે ચર્ચા કર્યા પછી, ઘણા લોકો સંસ્થાને મદદ કરી શક્યા છે. વળી, એ જ સમયે વેરાના લાભો પણ વધારે મળ્યા છે. ચેરીટેબલ પ્લાનીંગ ઑફિસને આ વિષે જાણ કરવી જોઈએ અને આ વ્યવસ્થાને લગતા કોઈ પણ દસ્તાવેજોની નકલ મોકલવી જોઈએ. આપવાની આ રીતોની ગોઠવણમાં રસ હોય તેઓએ નીચે આપેલા સરનામા પર પત્ર કે ટેલિફોન દ્વારા ચેરીટેબલ પ્લાનીંગ ઑફિસનો સંપર્ક સાધવો જોઈએ અથવા તમારા દેશના યહોવાહના સાક્ષીઓની કચેરીને લખવું.
CHARITABLE PLANNING OFFICE
Watch Tower Bible and Tract Society of Pennsylvania
100 Watchtower Drive,
Patterson, New York 12563-9204
Telephone: (845) 306-0707