પૂરેપૂરી ખાતરી પામીને તથા સંપૂર્ણ થઈને દૃઢ રહો
નવી દુનિયાનું ભાષાંતર—જગત ફરતે લાખો લોકોએ એની કદર કરી
આ મહેનતુ અને ખંતીલા કાર્યને પૂરું કરતા ૧૨ વર્ષ, ૩ મહિના અને ૧૧ દિવસ લાગ્યા હતા. છેવટે, માર્ચ ૧૩, ૧૯૬૦માં બાઇબલ લખાણના નવા ભાષાંતરનો છેલ્લો ભાગ પૂરો થયો. એને પવિત્ર શાસ્ત્રવચનોનું નવી દુનિયાનું ભાષાંતર (અંગ્રેજી) કહેવામાં આવ્યું.
એક વર્ષ પછી યહોવાહના સાક્ષી ઓએ આ ભાષાંતર એક પુસ્તકરૂપે પ્રકાશિત કર્યું. વર્ષ ૧૯૬૧ની આ આવૃત્તિની દસ લાખ પ્રતો છાપવામાં આવી હતી. આજે, નવી દુનિયાનું ભાષાંતર બાઇબલની દસ કરોડ કરતાં વધારે પ્રતો છાપવામાં આવી છે અને વ્યાપક પ્રમાણમાં એની પ્રતો વહેંચવામાં આવી છે. પરંતુ, કઈ બાબતને લીધે યહોવાહના સાક્ષીઓ આ ભાષાંતરને તૈયાર કરવા પ્રેરાયા?
શા માટે બાઇબલનું નવું ભાષાંતર?
પવિત્ર શાસ્ત્રના સંદેશને સમજવા અને જાહેર કરવા માટે, યહોવાહના સાક્ષીઓએ વર્ષોથી અલગ અલગ અંગ્રેજી ભાષાંતરોનો ઉપયોગ કર્યો છે. આ ભાષાંતરોમાં જુદાં જુદાં ઉપયોગી પાસાઓ છે, પરંતુ એ બધા મોટે ભાગે ધાર્મિક સંપ્રદાયો અને ખ્રિસ્તી ધર્મની માન્યતાઓથી અસર પામેલાં છે. (માત્થી ૧૫:૬) તેથી, મૂળ પ્રેરિત લખાણોને ચોકસાઈપૂર્વક રજૂ કરી શકાય એ માટે યહોવાહના સાક્ષીઓને બાઇબલ ભાષાંતર કરવાની જરૂર જણાઈ.
આ જરૂરિયાતને પૂરી કરવાનું પ્રથમ પગલું ઑક્ટોબર ૧૯૪૬માં ભરવામાં આવ્યું. એ સમયે યહોવાહના સાક્ષીઓના નિયામક જૂથના સભ્ય નાથાન એચ. નોરે બાઇબલનું નવું ભાષાંતર કરવાનો પ્રસ્તાવ મૂક્યો. ડિસેમ્બર ૨, ૧૯૪૭માં નવી દુનિયાનું બાઇબલ ભાષાંતર સમિતિની સ્થાપના કરવામાં આવી કે જે મૂળ લખાણમાંથી સાચું ભાષાંતર કરવાની હતી. વધુમાં, આ ભાષાંતરમાં તાજેતરમાં મળી આવેલી બાઇબલ હસ્તપ્રતોમાંથી વિદ્વાનોને મળેલી નવી જાણકારીનો સમાવેશ કરવાનો હતો અને આજના વાચકો સમજી શકે એવી ભાષાને વાપરવાની હતી.
ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોનું નવી દુનિયાનું ભાષાંતર (અંગ્રેજી)નો પ્રથમ ભાગ ૧૯૫૦માં પ્રકાશિત થયો ત્યારે, ભાષાંતરકારોએ પોતાનો ધ્યેય પૂરો કર્યો એનો એણે પુરાવો આપ્યો. બાઇબલનું લખાણ પહેલાં બહું ઓછું સમજાતું હતું એ હવે એકદમ સ્પષ્ટ બન્યું. દાખલા તરીકે, કેટલીક ગૂંચવણભરી કલમોનો વિચાર કરો. માત્થી ૫:૩ કહે છે, “આત્મામાં જેઓ રાંક છે તેઓને ધન્ય છે.” એનું ભાષાંતર આમ કરવામાં આવ્યું: ‘પોતાની આત્મિક જરૂરિયાતો માટે સજાગ છે તેઓને ધન્ય છે.’ માત્થી ૨૪:૩ કહે છે, “તારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે?” પરંતુ, એનું ભાષાંતર આમ છે: ‘તારી હાજરીની તથા જગતના અંતની શી નિશાની થશે?’ પહેલો તીમોથી ૩:૧૬ કહે છે, “સતધર્મનો મર્મ મોટો છે.” જ્યારે એનું ભાષાંતર આમ છે: ‘દૈવી ભક્તિભાવનો પવિત્ર મર્મ મોટો છે.’ ખરેખર, નવી દુનિયાનું ભાષાંતર બાઇબલે નવી સમજણ આપી છે.
આ ભાષાંતરથી અનેક વિદ્વાનો પ્રભાવિત થયા છે. દાખલા તરીકે, બ્રિટીશ બાઇબલ વિદ્વાન એલેક્ઝાંડર થોમસને નોંધ્યું કે નવી દુનિયાનું ભાષાંતર ગ્રીક વર્તમાનકાળનું એકદમ સ્પષ્ટ રીતે ભાષાંતર કરે છે. ઉદાહરણ તરીકે, એફેસી ૫:૨૫ કહે છે, “પતિઓ . . . પોતાની પત્નીઓ પર પ્રેમ રાખો.” એને બદલે ભાષાંતર કહે છે કે, ‘પતિઓ, તમારી પત્નીઓને પ્રેમ કરતા રહો.’ નવી દુનિયાનું ભાષાંતર વિષે થોમસન કહે છે, “એક પણ ભાષાંતરમાં આ ગ્રીક વર્તમાનકાળ આટલો સ્પષ્ટ જોવા મળ્યો નથી.”
નવી દુનિયાનું ભાષાંતર બાઇબલનું બીજું એક વિશિષ્ટ પાસું એ છે કે પરમેશ્વરના વ્યક્તિગત નામ યહોવાહનો ઉપયોગ હેબ્રી અને ગ્રીક એમ બંને શાસ્ત્રવચનોમાં કરવામાં આવ્યો છે. જૂના કરારમાં પરમેશ્વરનું હેબ્રી નામ લગભગ ૭૦૦૦ વાર જોવા મળે છે. એનાથી સ્પષ્ટ થાય છે કે આપણા ઉત્પન્નકર્તા, તેમના ઉપાસકો તેમના નામનો ઉપયોગ કરે અને તેમને એક વ્યક્તિ તરીકે જાણે એવું ઇચ્છે છે. (નિર્ગમન ૩૪:૬, ૭) એ માટે નવી દુનિયાનું ભાષાંતર બાઇબલે કરોડો લોકોને મદદ કરી છે.
નવી દુનિયાનું ભાષાંતર બાઇબલ ઘણી ભાષાઓમાં
અંગ્રેજીમાં એ પ્રાપ્ય બન્યું છે ત્યારથી વિશ્વવ્યાપી યહોવાહના સાક્ષીઓ નવી દુનિયાનું ભાષાંતર બાઇબલ પોતાની ભાષામાં મેળવવાની ઝંખના રાખતા હતા. એનું કારણ એ હતું કે અમુક દેશોમાં પોતાની ભાષામાં બાઇબલ મેળવવું મુશ્કેલ હતું કેમ કે બાઇબલ સોસાયટીના પ્રકાશકો તકેદારી રાખતા હતા કે પ્રાદેશિક ભાષાનું બાઇબલ યહોવાહના સાક્ષીઓના હાથમાં ન જાય. વધુમાં, પ્રાદેશિક ભાષાના આવા બાઇબલમાં મહત્ત્વના શિક્ષણને ગૂઢ રાખવામાં આવ્યું હતું. એનું એક અજોડ ઉદાહરણ દક્ષિણ યુરોપની એક ભાષાની આવૃત્તિમાં જોવા મળે છે, જેમાં ઈસુના શબ્દોનું, “તારૂં નામ પવિત્ર મનાઓ,” એને બદલે ‘લોકો તમને માન આપે’ એમ ભાષાંતર કરવામાં આવ્યું છે. આમ, પરમેશ્વરના સૌથી મહત્ત્વના નામને તેઓએ છૂપું રાખ્યું છે.—માત્થી ૬:૯.
વર્ષ ૧૯૬૧માં, ભાષાંતરકારોએ નવી દુનિયાના ભાષાંતરનું અંગ્રેજીમાંથી બીજી ભાષાઓમાં અનુવાદ કરવાનું શરૂ કરી દીધું હતું. ફક્ત બે વર્ષમાં ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોનું નવી દુનિયાનું ભાષાંતર બીજી છ ભાષાઓમાં તૈયાર હતું. એ કારણે, જગતવ્યાપી દરેક ચાર સાક્ષીઓમાંથી ત્રણ સાક્ષીઓ પોતાની ભાષામાં બાઇબલ વાંચી શકતા હતા. તોપણ, યહોવાહના સાક્ષીઓએ કરોડો લોકોના હાથમાં આ બાઇબલની પ્રત આપવી હોય તો હજુ ઘણું કાર્ય કરવાનું બાકી હતું.
વર્ષ ૧૯૮૯માં યહોવાહના સાક્ષીઓના મુખ્ય મથકે ભાષાંતર સમિતિ સ્થાપવામાં આવી ત્યારે, એ ધ્યેય વધુ નજીક આવતો ગયો. એ વિભાગે ભાષાંતરની પદ્ધતિ વિકસાવી જેમાં બાઇબલ શબ્દોના અભ્યાસને કૉમ્પ્યુટર ટૅક્નોલોજી સાથે જોડવામાં આવ્યો. આ પદ્ધતિનો ઉપયોગ કરીને એક વર્ષમાં ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોનું બીજી કેટલીક ભાષામાં ભાષાંતર કરવામાં આવ્યું અને હેબ્રી શાસ્ત્રવચનોમાંથી કરતા બે વર્ષ લાગ્યા. આમ, બાઇબલ ભાષાંતરના પ્રૉજેક્ટ કરતાં અમુક ભાગોના આ ભાષાંતર કાર્યને સામાન્ય રીતે ઘણા ઓછા સમયની જરૂર પડી. આ પદ્ધતિ વિકસી હોવાથી નવી દુનિયાનું ભાષાંતર બાઇબલની બીજી ૨૯ આવૃત્તિઓ અંગ્રેજીમાંથી ભાષાંતર કરવામાં આવી અને ૨૦૦ કરોડ કરતાં વધારે લોકોની ભાષાઓમાં પ્રકાશિત થઈ. અત્યારે પણ બીજી ૧૨ ભાષાઓમાં કામ ચાલી રહ્યું છે. આજ સુધીમાં, નવી દુનિયાનું ભાષાંતર આખું કે અમુક ભાગમાં બીજી ૪૧ ભાષાઓમાં અનુવાદ થયો છે.
ઑગસ્ટ ૩, ૧૯૫૦માં ન્યૂ યૉર્ક શહેરમાં યહોવાહના સાક્ષીઓના દેવશાહી વૃદ્ધિ મહાસંમેલનમાં નવી દુનિયાનું ભાષાંતરનો પહેલો ભાગ પ્રકાશિત થયો એને હવે ૫૦ કરતાં વધુ વર્ષ પસાર થઈ ચૂક્યાં છે. એ પ્રસંગે નાથાન એચ. નોરે મહાસંમેલનમાં શ્રોતાઓને કહ્યું હતું: “આ ભાષાંતરને લો. એને વાંચવાથી આનંદ મળશે. એનો અભ્યાસ કરો, કેમ કે એનાથી તમે પરમેશ્વરના શબ્દની સારી સમજણ મેળવી શકશો. એનું બીજાઓને વિતરણ કરો.” અમે તમને દરરોજ બાઇબલ વાંચવાનું ઉત્તેજન આપીએ છીએ, કેમ કે એનો સંદેશો તમને ‘દેવની સર્વ ઇચ્છા વિષે પૂરેપૂરી ખાતરી પામીને તથા સંપૂર્ણ થઈને દૃઢ રહેવા’ મદદ કરશે.—કોલોસી ૪:૧૨.
[ગ્રાફ/પાન ૮, ૯ પર ચિત્રો]
(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)
“નવી દુનિયાનું ભાષાંતર બહાર પડે છે”
એ સૌ પ્રથમ અંગ્રેજીમાં બહાર પડ્યું હતું. પરંતુ, હવે નવી દુનિયાનું ભાષાંતર (અંગ્રેજી) બાઇબલ આખું કે અમુક ભાગમાં ૪૧ ભાષાઓમાં પ્રાપ્ય છે.
ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો આખું બાઇબલ
૧૯૫૦ ૧
૧૯૬૦-૬૯ ૬ ૫
૧૯૭૦-૭૯ ૪ ૨
૧૯૮૦-૮૯ ૨ ૨
૧૯૯૦-વર્તમાન ૨૯ ૧૯