જીવનની સફરમાં એકલા પડી જાવ તો?
એકલાઅટૂલા થઈ જઈએ ત્યારે આપણને કેટલું દુઃખ થાય છે. અનેક કારણોને લીધે આપણું જીવન સૂનું થઈ શકે છે. ખાસ કરીને જે સ્ત્રીઓ વિધવા હોય, અથવા જેના છૂટાછેડા થઈ ગયા હોય કે પછી જેણે કદી લગ્ન જ ન કર્યા હોય, તેઓને એકલું જીવવું વસમું લાગી શકે.
દાખલા તરીકે, ફ્રાંસિસ નામની એક યુવતી કહે છે: “હું ૨૩ વર્ષની થઈ ત્યાં સુધીમાં તો મારી બધી જ બહેનપણીઓએ લગ્ન કરી લીધા હતા, અને હું એકલી જ રહી ગઈ.”a આપણે મોટી ઉંમરના થઈએ તેમ, લગ્ન માટે આપણા ભાવ ઓછા પૂછાય. એ કારણથી સૂનું જીવન જીવવું વધુ વસમું લાગી શકે છે. “કુંવારી રહેવાનો મારો બિલકુલ ઇરાદો ન હતો, મને હજુ પણ તક મળે તો લગ્ન કરી લઉં,” એમ ચાળીસેક વર્ષની સાંડ્રા જણાવે છે. પચાસેક વર્ષની એંજલા જણાવે છે કે “જાણીજોઈને કુંવારી રહેવાનો નિર્ણય મેં કર્યો ન હતો, પણ હું એવા સંજોગોમાં આવી ગઈ હતી. ખાસ પાયોનિયર તરીકે હું જ્યાં સેવા કરતી હતી, ત્યાં સત્યમાં કુંવારા ભાઈઓ સાવ ઓછા હતા.”
આપણી ઘણી બહેનો કુંવારી રહેવાનો નિર્ણય કરે છે, કારણ કે તેઓ “કેવળ પ્રભુમાં” લગ્ન કરવાની યહોવાહની સલાહ સાંભળે છે. (૧ કોરીંથી ૭:૩૯) અમુક જણા કુંવારા રહી શકે છે, પણ બીજાઓની ઉંમર વધે છે તેમ લગ્ન કરવાની અને મા-બાપ બનવાની ઇચ્છા વધે છે. “લગ્નસાથી ન હોવાથી, મારું જીવન કાયમ સૂનું સૂનું લાગે છે,” સાંડ્રાએ મનની વાત કરી.
ઘરડાં માબાપનું ધ્યાન રાખવામાં જ જીવન પરોવાયેલું હોય તો, ઘણી વખત જે એકલા જ હોય, તેને અઘરું લાગે છે. “મેં લગ્ન નથી કર્યા, તેથી અમારા ઘરડાં માબાપનું ધ્યાન રાખવાની ફરજ કુટુંબે મારા પર છોડી છે.” સાંડ્રા કહે છે. “અમે છ ભાઈ-બહેનો છીએ તેમ છતાં, ૨૦ વર્ષથી આ જવાબદારી મેં એકલીએ જ ઉપાડી છે. જો મને પતિનો સાથ હોત, તો મારું જીવન ઘણું આસાન હોત.”
ફ્રાંસિસને કોઈનો સથવારો નથી એવું ક્યારે લાગે છે? તે જણાવે છે: “ઘણી વખતે લોકો મને સીધેસીધું પૂછે છે કે ‘તેં હજુ લગ્ન કેમ નથી કર્યા?’ આવું સાંભળીને મને થઈ આવે છે કે હું કુંવારી રહી છું, એમાં મારો જ કંઈક વાંક હશે. જ્યારે હું કોઈ લગ્ન પ્રસંગે જાઉં, ત્યારે કોઈક મને જરૂર પૂછશે, ‘તું હવે ક્યારે લગ્ન કરીશ?’ પછી હું વિચારે ચડી જાઉં છું કે ‘જે ભાઈઓ સત્યમાં મક્કમ હોય, તેઓને કદાચ મારામાં રસ નહિ હોય, અથવા મારામાં ખ્રિસ્તી ગુણો નહિ હોય, કે પછી હું રૂપાળી જ નથી.’”
જીવન સૂનું સૂનું લાગતુ હોય તો, શું મદદ કરશે જેથી આપણે હિંમત ન હારીએ? બીજાઓ કેવી રીતે મદદ કરી શકે?
યહોવાહ પર ભરોસો રાખો
રાજા દાઊદે ગાયું: “તારો બોજો યહોવાહ પર નાખ, એટલે તે તને નિભાવી રાખશે; તે કદી ન્યાયીને ઠોકર ખાવા દેશે નહિ.” (ગીતશાસ્ત્ર ૫૫:૨૨) “બોજ” માટેના હેબ્રી શબ્દમાં, જીવનના બધા જ સુખ-દુઃખનો સમાવેશ થાય છે. યહોવાહ આ બોજા વિષે પૂરેપૂરા જાણકાર હોવાથી આપણને સહન કરવા જોઈતી શક્તિ આપે છે. યહોવાહ પર ભરોસો રાખીને, એંજલા તેની સૂની જિંદગીમાં હિંમત ન હારી. તેના પાયોનિયર કાર્ય વિષે તે કહે છે: “મેં જ્યારે પાયોનિયરીંગ શરૂ કર્યું, ત્યારે હું અને મારી બહેનપણી મંડળથી દૂર રહેતા હતા. અમે યહોવાહ પર પૂરો ભરોસો રાખવાનું શીખ્યા હોવાથી, મને હમેશાં મદદ મળી છે. હું ખોટા વિચારે ચઢી જાઉં ત્યારે, યહોવાહ સાથે વાત કરું છું અને તે મને સહાય કરે છે. ગીતશાસ્ત્ર ૨૩ વારંવાર વાંચવાથી મને દિલાસો મળે છે.”
પ્રેષિત પાઊલે પણ બોજો સહન કરવો પડ્યો. તેમના શરીરમાં જે પીડા થતી હતી, એ વિષે ત્રણ વખત તેમણે પ્રભુને પ્રાર્થના કરી. પાઊલ કોઈ ચમત્કારિક મદદ ન મળી, પણ ઈશ્વરની કૃપા તેમના પર રહેશે એ વચન જરૂર મળ્યું. (૨ કોરીંથી ૧૨:૭-૯) પાઊલને એ પણ શીખ્યા કે જીવનમાં સંતોષ કેવી રીતે જાળવી રાખવો. તેમણે લખ્યું: “ગરીબ થવું હું જાણું છું, તથા ભરપૂર હોવું પણ હું જાણું છું; . . . તેમજ પુષ્કળ પામવાને અને તંગીમાં રહેવાને હું શીખેલો છું. જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું.”—ફિલિપી ૪:૧૨, ૧૩.
જ્યારે એમ થાય કે આપણું કોઈ નથી અથવા નારાજ થઈ જઈએ, ત્યારે કેવી રીતે પરમેશ્વર પાસેથી ઉત્તેજન મેળવી શકીએ? પાઊલે લખ્યું: “કશાની ચિંતા ન કરો; પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે ઉપકારસ્તુતિસહિત તમારી અરજો દેવને જણાવો. અને દેવની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હૃદયોની તથા મનોની સંભાળ રાખશે.” (ફિલિપી ૪:૬, ૭) સાંડ્રા એ પ્રમાણે કરે છે. તે સમજાવે છે: “હું કુંવારી છું તેથી મારી પાસે ટાઈમ ઘણો હોય છે, એટલે હું યહોવાહને ઘણી વખત પ્રાર્થના કરી શકું છું. મને યહોવાહ બહુ જ વહાલા છે. હું તેમની સાથે સુખદુઃખની બધી જ વાત કરી શકું છું.” ફ્રાંસિસ કહે છે: “ખોટા વિચારોને મગજમાંથી કાઢવા આસાન નથી, પણ યહોવાહ પર બધું જ ઢોળી દેવાથી મને ખૂબ જ મદદ મળે છે. મને ખાતરી છે કે યહોવાહ મારી ભક્તિ અને લાગણીઓનું ખૂબ જ ધ્યાન રાખે છે.”—૧ તીમોથી ૫:૫.
એકબીજાને મદદ કરો
ખ્રિસ્તીઓએ સાવ એકલા થઈને મુશ્કેલીઓ સહન કરવી પડતી નથી. પાઊલ સમજાવે છે: “એકબીજાની મુશ્કેલીઓ અને મૂંઝવણોમાં મદદ કરો અને એમ કરીને આપણા પ્રભુની આજ્ઞા પાલન કરો.” (ગલાતી ૬:૨, IBSI) આપણને જીવન સૂનું લાગતું હોય ત્યારે, ખ્રિસ્તી ભાઈ-બહેનો “માયાળુ શબ્દો” દ્વારા મદદ અને ઉત્તેજન આપશે.—નીતિવચન ૧૨:૨૫.
ઈસ્રાએલના ન્યાયાધીશ યિફતાહની દીકરી વિષે જે શાસ્ત્રમાં લખેલું છે, તેનો જરા વિચાર કરો. યિફતાહે તેમના દુશ્મનો પર જીત મેળવી એ પહેલાં, તેમણે યહોવાહને વચન આપ્યું કે તેમના ઘરમાંથી જે સૌ પ્રથમ આવકાર આપવા આવશે, તેને તે યહોવાહની સેવા કરવા સોંપી દેશે. સૌ પ્રથમ તેમની દીકરી ઘર બહાર આવી. (ન્યાયાધીશ ૧૧:૩૦, ૩૧, ૩૪-૩૬) એનો અર્થ એમ થયો કે તે કુંવારી જ રહેશે અને મા બનવાની ઇચ્છાને જતી કરશે. તોપણ, યિફતાહની દીકરીએ વચન સ્વીકાર્યું અને જીવનભર શીલોહમાં યહોવાહની સેવા કરી. તેના આ ભોગની કોઈએ કદર કરી? હા, “વર્ષમાં ચાર દિવસ ગિલઆદી યિફતાહની દીકરીનો શોક પાળવા સારૂ ઈસ્રાએલપુત્રીઓ દર વર્ષે જતી હતી.” (ન્યાયાધીશ ૧૧:૪૦) આ રીતે ઉત્તેજન આપવાથી એકલા હોય તેઓને ખૂબ દિલાસો મળે છે. તેથી, જેઓને જરૂર છે તેઓને સહારો આપવાનું ભૂલવું ન જોઈએ.
આપણે ઈસુનો દાખલો પણ ધ્યાનમાં રાખવો જોઈએ. એ સમયના યહુદી રિવાજ પ્રમાણે પુરુષો સ્ત્રીઓ સાથે વાતચીત કરતા નહિ. તેમ છતાં, ઈસુએ મારથા અને મરિયમ સાથે સમય વીતાવ્યો. મોટે ભાગે તેઓ વિધવા કે કુંવારી સ્ત્રીઓ હતી. ઈસુ ચાહતા હતા કે તેઓ તેમની પાસેથી પરમેશ્વર વિષે શીખવાનો આનંદ માણી શકે. (લુક ૧૦:૩૮-૪૨) આપણે પણ ઈસુની જેમ, કુંવારી બહેનોને મદદ કરી શકીએ અને પ્રચાર કામમાં પણ તેઓને સાથ આપી શકીએ. (રૂમી ૧૨:૧૩) આ રીતે ધ્યાન રાખવાથી તેઓ પર કેવી અસર પડે છે? એક બહેન જણાવે છે: “મને ખબર છે કે ભાઈ-બહેનોએ મને ખૂબ જ ચાહે છે. તેઓ મારી સંભાળ રાખે છે ત્યારે એ મને બહુ જ ગમે છે.”
સાંડ્રા કહે છે: “અમારું કોઈ ન હોવાથી, અમને દેખભાળની અને ભાઈ-બહેનોના કુટુંબ જેવા સાથની જરૂર છે.” એ દેખીતું છે કે યહોવાહ તેઓની કાળજી રાખે છે. જ્યારે આપણે તેઓનું પ્રેમાળ રીતે ધ્યાન રાખીએ છીએ, ત્યારે આપણે યહોવાહને સાથ આપીએ છીએ. (૧ પીતર ૫:૬, ૭) એની નોંધ યહોવાહ લે છે: “ગરીબ પર દયા રાખનાર યહોવાહને ઉછીનું આપે છે, તે [યહોવાહ] તેને તેના સુકૃત્યનો બદલો આપશે.”—નીતિવચન ૧૯:૧૭.
“દરેક માણસે પોતાનો બોજો ઊંચકવો પડશે”
બીજા લોકો મદદ જરૂર કરી શકે અને તેમનો ટેકો આપી શકે, તેમ છતાં, “દરેક માણસને પોતાનો બોજો ઊંચકવો પડશે.” (ગલાતી ૬:૫) સૂનું જીવન બોજારૂપ લાગે ત્યારે, અમુક સંજોગોથી સાવચેત રહેવું જોઈએ. દાખલા તરીકે, આપણે જાણીજોઈને સાવ એકલા જ રહેવાનું પસંદ કરીશું તો, સૂના જીવનનો સામનો કરવો અઘરું લાગશે. પરંતુ પ્રેમ આપણે હિંમત ન હારવામાં મદદ કરશે. (૧ કોરીંથી ૧૩:૭, ૮) બીજાઓને સથવારો આપવાથી આપણને આનંદ મળે છે, ભલે આપણા સંજોગો ગમે તે હોય. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫) એક મહેનતુ પાયોનિયર બહેન કહે છે: “હું બિઝી રહું છું, તેથી મારું જીવન સૂનું નથી લાગતું.”
એ જ સમયે, આપણે સાવચેત રહેવું જોઈએ કે સૂના જીવનથી કંટાળીને, ગમે તેની સાથે પ્રેમ કે રોમાંસમાં ફસાઈ ન જઈએ. દાખલા તરીકે, આપણને લગ્ન કરવાની ઇચ્છા થતી હોય અને જે વ્યક્તિ યહોવાહને ભક્તિ ન કરતી હોય, તેની સાથે લગ્ન કરી લઈએ તો, અનેક મુશ્કેલીઓ આવી પડે છે. જેના વિષે શાસ્ત્રમાં સલાહ આપેલી છે. (૨ કોરીંથી ૬:૧૪) એક ખ્રિસ્તી બહેન, જેના છૂટાછેડા થઈ ગયા હતા, તે સમજાવે છે: “ખોટી વ્યક્તિને પરણવા કરતાં ન પરણવું સારું છે.”
હમણાં જે તકલીફો છે, એનો ઉકેલ ન મળે ત્યાં સુધી એને સહન કરવી પડે છે. ઈશ્વરની સહાયથી, સૂના જીવનને સહન કરી શકાય એમ છે. આપણે યહોવાહની સેવા કરતા રહીએ, તેમ ખાતરી રાખી શકીએ કે એક દિવસ એવો આવશે કે યહોવાહ આપણને છૂટે હાથે મનમાગ્યું આપશે.—ગીતશાસ્ત્ર ૧૪૫:૧૬.
[ફુટનોટ]
a નામ બદલવામાં આવ્યાં છે.
[પાન ૨૮ પર ચિત્રો]
બીજાને મદદ કરતા રહીને, સૂનું જીવન ખુશીઓથી ભરી શકીએ