લાચાર ભાઈ-બહેનોને અપાર કૃપા બતાવો
“દરેક માણસ પોતાના ભાઈ પર કૃપા . . . રાખો.”—ઝખાર્યાહ ૭:૯.
યહોવાહ પરમેશ્વર ચાહે છે કે આપણું જીવન અપાર કૃપાથી ભરપૂર હોય. (મીખાહ ૬:૮) શા માટે? એનું એક કારણ એ છે કે જ્યારે “તું દયાભાવ [અપાર કૃપા] દર્શાવે છે ત્યારે તારો આત્મા તાજગી અનુભવે છે.” (નીતિવચનો ૧૧:૧૭, IBSI) એ સો ટકા સાચું છે! બીજાઓ પર અપાર કૃપા રાખવાથી એવા સંબંધો બંધાય છે, જે જીવનના ગમે એવા તોફાનમાં તૂટતા નથી. આ ખરેખર એક અમૂલ્ય ભેટ છે!—નીતિવચનો ૧૮:૨૪.
૨ એ ઉપરાંત, બાઇબલમાં આપણે શીખીએ છીએ કે “જે માણસ ભલાઈ, પ્રેમ અને દયાથી [અપાર કૃપાથી] વર્તે છે, તેને જીવન . . . મળે છે.” (નીતિવચનો ૨૧:૨૧, IBSI) જો આપણે હંમેશાં આવી અપાર કૃપાથી વર્તીશું, તો યહોવાહ આપણને હજુ પણ વધારે ચાહશે. તેમ જ, આપણા પર પુષ્કળ આશીર્વાદો આવશે, અને આપણે કાયમ જીવતા રહીશું. પરંતુ આ અપાર કૃપા કેવી રીતે અને કોના પર રાખી શકીએ? અપાર કૃપા અને સામાન્ય કૃપામાં શું ફરક છે?
સામાન્ય કૃપા અને અપાર કૃપા
૩ સામાન્ય કૃપા અને અપાર કૃપા વચ્ચે જમીન આસમાનનો ફરક છે. દાખલા તરીકે, લોકો એકબીજાને સામાન્ય કૃપા બતાવે છે, જે મોટે ભાગે પ્રેમભાવ વગરની હોય છે. પરંતુ, જો આપણે કોઈને અપાર કૃપા બતાવીએ, તો તેના સુખ-દુઃખમાં હંમેશાં સાથ આપીશું. બાઇબલ જણાવે છે કે લોકો જ્યારે એકબીજાને સારી રીતે ઓળખતા હોય, ત્યારે જ અપાર કૃપા બતાવી શકાય એમ છે. (ઉત્પત્તિ ૨૦:૧૩; ૨ શમૂએલ ૩:૮; ૧૬:૧૭) કદાચ અગાઉ કોઈને સામાન્ય કૃપા બતાવી હોય તો, એમાંથી પણ એકબીજા સાથે સારા સંબંધો બંધાય છે. (યહોશુઆ ૨:૧, ૧૨-૧૪; ૧ શમૂએલ ૧૫:૬; ૨ શમૂએલ ૧૦:૧, ૨) ચાલો હવે બાઇબલમાંથી અમુક દાખલા જોઈએ અને શીખીએ કે, સામાન્ય કૃપા અને અપાર કૃપામાં શું ફેર છે.
૪ ચાલો હવે સામાન્ય કૃપાનો એક દાખલો જોઈએ. એક વહાણ, જેમાં પાઊલ પણ હતા, એ અથડાઈને માલ્ટા ટાપુએ આવી પહોંચ્યું. (પ્રેરિતોનાં કૃત્યો ૨૭:૩૭–૨૮:૧) માલ્ટાના લોકો, આ વહાણમાંના લોકોને જરાય ઓળખતા ન હતા. તેમ છતાં તેઓએ આ અજાણ્યા લોકો પ્રત્યે “ખૂબ મમતા દર્શાવી.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૮:૨, ૭) જો કે તેઓ બધા જ લોકોને આ રીતે આવકાર આપતા હતા. તેથી તે સામાન્ય કૃપા હતી.
૫ હવે રાજા દાઊદે, યોનાથાનના દીકરા મફીબોશેથને જે અપાર કૃપા બતાવી હતી, એનો વિચાર કરો. દાઊદે તેને કહ્યું: “તું હમેશાં મારી મેજ પર ભોજન કરજે.” પછી એનું કારણ સમજાવતા રાજાએ કહ્યું: “તારા બાપ યોનાથાનની ખાતર હું નક્કી તારા પર કૃપા રાખીશ.” (૨ શમૂએલ ૯:૬, ૭, ૧૩) દાઊદે ખુલ્લે હાથે કરેલા આવકારથી, આપણે જોઈ શકીએ છીએ કે અપાર કૃપાની પાછળ પાક્કી દોસ્તી હતી. (૧ શમૂએલ ૧૮:૩; ૨૦:૧૫, ૪૨) પરમેશ્વરના સેવકો આજે બધા પ્રત્યે સામાન્ય કૃપા બતાવી શકે છે. પરંતુ, ખાસ કરીને તેઓએ યહોવાહના સેવકો પ્રત્યે અપાર કૃપા દર્શાવવી જોઈએ.—માત્થી ૫:૪૫; ગલાતી ૬:૧૦.
૬ અપાર કૃપાના બીજા ખાસ પાસાઓ જોવા માટે આપણે બાઇબલમાંથી ત્રણ દાખલા જોઈશું. એમાંથી અપાર કૃપા રાખવાની ત્રણ રીત શીખીશું: (૧) કોઈ માટે કંઈક કરીને (૨) રાજી-ખુશીથી (૩) ખાસ કરીને જેઓ લાચાર છે, તેઓને એ બતાવવી. ખાસ તો એ જોવું છે કે, આજે આપણે અપાર કૃપા કેવી રીતે બતાવી શકીએ.
એક પિતા અપાર કૃપા દર્શાવે છે
૭ ગયા લેખમાં ઈબ્રાહીમના ચાકર વિષે જે ચર્ચા શરૂ થઈ, એ ઉત્પત્તિ ૨૪:૨૮-૬૭માં પૂરી થાય છે. એ ચાકર રિબકાહને મળે છે. પછી રિબકાહ તેને પોતાના પિતા, બથુએલને ઘરે લઈ જાય છે. (કલમ ૨૮-૩૨) હવે આ ચાકર તેઓને ઈબ્રાહીમના દીકરા માટે કન્યાની શોધ વિષે, વિગતવાર સમજણ આપે છે. (કલમ ૩૩-૪૭) તેમ જ તે જણાવે છે કે આ સફળતા પાછળ યહોવાહનો હાથ છે, અને કહે છે કે “મારા માલિકના ભાઈના કુટુંબમાંથી કન્યા શોધવાને તેમણે મને યોગ્ય માર્ગે દોર્યો.” (કલમ ૪૮, IBSI) ચાકરને પૂરી ખાતરી હતી કે જો આ પુરાવા આપશે, તો બથુએલ અને તેનો દીકરો લાબાન જરૂર માનશે કે, આની પાછળ યહોવાહનો હાથ છે. છેવટે એ ચાકરે જણાવ્યું: “અને હવે જો તમે મારા ધણીની સાથે [અપાર] કૃપાથી તથા સચ્ચાઈથી વર્તવાના હો તો મને કહો; અને જો નહિ, તો મને કહી દો કે, હું જમણી કે ડાબી ગમ ફરું.”—કલમ ૪૯.
૮ યહોવાહે ઈબ્રાહીમને અપાર કૃપા બતાવી હતી. (ઉત્પત્તિ ૨૪:૧૨, ૧૪, ૨૭) પરંતુ શું બથુએલ, આ સગપણ થવા દેશે અને રિબકાહને સાસરિયે મોકલીને અપાર કૃપા બતાવશે? અને શું તે પરમેશ્વરે દેખાડેલી આ અપાર કૃપાને ટેકો આપશે? કે પછી ઈબ્રાહીમના ચાકરની આ મહેનત પાણીમા જશે? લાબાન અને બથુએલે કહ્યું: “આ વાત યહોવાહથી નીકળી છે” ત્યારે, તે ચાકરને હાશ થઈ. (કલમ ૫૦) લાબાન અને બથુએલ જોઈ શકતા હતા કે આ વાત યહોવાહ પાસેથી આવી છે. તેથી તેઓએ તરત જ સગપણ નક્કી કર્યું. પછી અપાર કૃપા દર્શાવતા બથુએલ કહે છે: “જો, રિબકાહ તારી આગળ છે, તેને લઈ જા ને યહોવાહના કહ્યા પ્રમાણે તે તારા ધણીના દીકરાની સ્ત્રી થાય.” (કલમ ૫૧) રિબકાહ રાજીખુશીથી ઈબ્રાહીમના ચાકર સાથે ગઈ અને ઈસ્હાકની પત્ની બની.—કલમ ૪૯, ૫૨-૫૮, ૬૭.
એક દીકરો અપાર કૃપા દર્શાવે છે
૯ ઈબ્રાહીમના પૌત્ર, યાકૂબ પર અપાર કૃપા દર્શાવવામાં આવી હતી. ઉત્પત્તિ અધ્યાય ૪૭ સમજાવે છે કે એ સમયે યાકૂબ ઇજિપ્તમાં રહેતા હતા, અને તેનો “મરણસમય પાસે આવ્યો.” (કલમ ૨૭-૨૯) તેથી તેને ચિંતા થઈ કે ઈબ્રાહીમને આપેલા વચનના દેશની બહાર તે ગુજરી જશે તો? (ઉત્પત્તિ ૧૫:૧૮; ૩૫:૧૦, ૧૨; ૪૯:૨૯-૩૨) યાકૂબ ચાહતા ન હતા કે તેમને ઇજિપ્તમાં દફનાવાય. તેથી, તેમણે અગાઉથી ગોઠવણ કરી રાખી કે પાતાનું શબ કનાનના દેશમાં દફનાવવામાં આવે. તેમની એ આખરી ઇચ્છા, તેમના દીકરા યુસફ સિવાય કોણ પૂરી શકે એમ હતું?
૧૦ એ બનાવ આગળ જણાવે છે: “અને ઈસ્રાએલનો મરણસમય પાસે આવ્યો; અને તેણે પોતાના દીકરા યુસફને બોલાવીને તેને કહ્યું, હવે જો, હું તારી દૃષ્ટિમાં કૃપા પામ્યો હોઉં તો કૃપા કરીને તારો હાથ મારી જાંગ તળે મૂક, ને કૃપાથી તથા ખરા દિલથી મારી સાથે વર્તજે; કૃપા કરી મને મિસરમાં દાટતો ના; પણ જ્યારે હું મારા પિતૃઓ પાસે ઊંઘી જાઉં, ત્યારે તું મને મિસરમાંથી લઇ જજે, ને તેઓના કબરસ્તાનમાં મને દાટજે.” (ઉત્પત્તિ ૪૭:૨૯, ૩૦) યુસફે આમ કરવાનું વચન આપ્યું અને થોડા સમયમાં યાકૂબનું મરણ થયું. યુસફ અને તેના ભાઈઓ, યાકૂબના શબને “કનાન દેશમાં લઇ ગયા,” જ્યાં “ઈબ્રાહીમે વતનનું કબરસ્તાન કરવા સારૂ એફ્રોન હિત્તીની પાસેથી મામરેની સામેની જે ગુફા ખેતર સુદ્ધાં વેચાતી લીધી હતી.” (ઉત્પત્તિ ૫૦:૫-૮, ૧૨-૧૪) આ રીતે યુસફે પોતાના પિતાને અપાર કૃપા બતાવી.
એક વહુ અપાર કૃપા બતાવે છે
૧૧ રૂથ નામના પુસ્તકમાં બાઇબલ એક મોઆબી વહુ વિષે વાત કરે છે, જે વિધવા હતી. તેણે તેની વિધવા સાસુ નાઓમીને અપાર કૃપા બતાવી. જ્યારે નાઓમીએ યહુદાહના બેથલેહેમમાં જવાનું નક્કી કર્યું, ત્યારે રૂથ અપાર કૃપા બતાવીને તેની સાસુને કહે છે: “જ્યાં તું જાય છે ત્યાં જ હું જવાની; અને જ્યાં તું રહેશે ત્યાં જ હું રહેવાની; તારા લોક તે મારા લોક, ને તારો દેવ તે મારો દેવ થશે.” (રૂથ ૧:૧૬) રૂથ જ્યારે તેની સાસુનાં સગામાંના, બોઆઝ સાથે લગ્ન કરવાની હા પાડે છે ત્યારે અપાર કૃપા દર્શાવે છે.a (પુનર્નિયમ ૨૫:૫, ૬; રૂથ ૩:૬-૯) બોઆઝ રૂથને જણાવે છે: “તું કોઈ જુવાન માણસને પસંદ કરી શકી હોત ભલેને પછી તે ગરીબ હોય. . . તેં પહેલાં કરતાં વધુ માયા બતાવી છે.”—રૂથ ૩:૧૦, IBSI.
૧૨ “પહેલાં” રૂથે બતાવેલી અપાર કૃપા એ સમયને બતાવે છે, જ્યારે તે પોતાના માવતરને છોડીને નાઓમી સાથે રહે છે. (રૂથ ૧:૧૪; ૨:૧૧) પરંતુ બીજી વખતની અપાર કૃપા “પહેલાં કરતાં વધુ” હતી. કેમ? કારણ કે રૂથ બોઆઝ સાથે રાજીખુશીથી લગ્ન કરવા તૈયાર થઈ હતી. જેથી રૂથના પેટે તેની સાસુ નાઓમી માટે વારસદાર જન્મે. લગ્ન પછી, રૂથના પેટે બાળક જન્મે છે ત્યારે, બેથલેહેમની સ્ત્રીઓ ખુશીથી ગાઈ ઊઠે છે: “નાઓમીને છોકરો અવતર્યો છે.” (રૂથ ૪:૧૪, ૧૭) રૂથ ખરેખર એક “સદ્ગુણી સ્ત્રી” હતી. યહોવાહની કૃપાથી તેના વારસદાર દ્વારા, છેવટે ઈસુ ખ્રિસ્ત જન્મ્યા હતા.—રૂથ ૨:૧૨; ૩:૧૧; ૪:૧૮-૨૨; માત્થી ૧:૧, ૫, ૬.
કોઈ માટે કંઈક કરીને
૧૩ બથુએલ, યુસફ અને રૂથ કઈ રીતે અપાર કૃપા દર્શાવે છે, એની તમે નોંધ કરી? તેઓ ફક્ત સારું સારું બોલ્યા જ ન હતા, પણ તેઓએ કંઈક કરી બતાવ્યું. બથુએલે રિબકાહને ‘લઈ’ જવાનું જ ન કહ્યું, પરંતુ તેને “વિદાય” પણ કરી હતી. (ઉત્પત્તિ ૨૪:૫૧, ૫૯) યુસફે ફક્ત કહ્યું ન હતું કે “હું તારા કહ્યા પ્રમાણે કરીશ.” પરંતુ તેને યાકૂબે જે “આજ્ઞા આપી હતી તેમ . . . કર્યું.” (ઉત્પત્તિ ૪૭:૩૦; ૫૦:૧૨, ૧૩) રૂથે ફક્ત એમ જ કહ્યું ન હતું કે, “જ્યાં તું જાય છે ત્યાં જ હું જવાની.” પરંતુ તે માવતર છોડીને નાઓમી સાથે રહી, અને “તેઓ બન્ને મુસાફરી કરતા કરતાં બેથલેહેમ પહોંચ્યાં.” (રૂથ ૧:૧૬, ૧૯) તેમ જ યહુદાહમાં પણ રૂથે “તેની સાસુએ તેને જે ફરમાવ્યું હતું તે સર્વ પ્રમાણે તેણે કર્યું.” (રૂથ ૩:૬) ખરેખર બીજાઓની જેમ, રૂથની અપાર કૃપા ફક્ત કહેવા પૂરતી જ ન હતી, પણ જે કહ્યું હોય તે કરી બતાવતી હતી.
૧૪ અરે આજે પણ યહોવાહના ભક્તો એવી જ અપાર કૃપા દર્શાવે છે, એ જાણીને કેવો આનંદ થાય છે. દાખલા તરીકે યહોવાહના સેવકોમાં, જેઓ ડીપ્રેસ, દુઃખી અથવા શરીરે નબળા છે, તેઓને મદદ આપનારાનો વિચાર કરો. (નીતિવચનો ૧૨:૨૫) યહોવાહના બીજા સેવકોનો પણ વિચાર કરો, જેઓ કાયમ ઘરડા સાક્ષીઓને રાજ્ય ગૃહમાં લઈ જાય છે. આન્ના નામની બહેનની ઉંમર ૮૨ વર્ષની છે, અને તેને આરથ્રાઇટિસ કે હાડકાનો દુઃખાવો છે. તે કહે છે કે, “બધી સભાઓમાં મને લઈ જવામાં આવે છે એ ખરેખર યહોવાહના આશીર્વાદ છે. અરે, આવા પ્રેમાળ ભાઈ-બહેનો માટે તો હું તેમનો દિલથી ઉપકાર માનું છું.” શું તમે તમારા મંડળમાં એવો પ્રેમ દેખાડો છો? (૧ યોહાન ૩:૧૭, ૧૮) જો એમ કરતા હો તો, ખાતરી રાખો કે તમારી અપાર કૃપાની ઊંડી કદર કરવામાં આવે છે.
રાજી-ખુશીથી
૧૫ બાઇબલમાં જે દાખલા જોઈ ગયા, તે બતાવે છે કે અપાર કૃપા બળજબરીથી નહિ પણ રાજી-ખુશીથી બતાવાય છે. બથુએલ અને રિબકાહે રાજી-ખુશીથી ઈબ્રાહીમના ચાકરને સાથ આપ્યો. (ઉત્પત્તિ ૨૪:૫૧, ૫૮) કોઈએ ચાવી ચડાવ્યા વગર, યુસફે રાજી-ખુશીથી યાકૂબને અપાર કૃપા દેખાડી. (ઉત્પત્તિ ૫૦:૪, ૫) રૂથે નાઓમી સાથે જવાનો “દૃઢ નિશ્ચય” કર્યો. (રૂથ ૧:૧૮) જ્યારે નાઓમીએ તેને બોઆઝ સાથે લગ્ન કરવા કહ્યું, ત્યારે તેણે કહ્યું: “જે તું કહે છે તે સર્વ હું કરીશ.”—રૂથ ૩:૧-૫.
૧૬ બથુએલ, યુસફ અને રૂથે જે અપાર કૃપા બતાવી એ ખરેખર અજબ હતી. ઈબ્રાહીમ, યાકૂબ અને નાઓમી તેઓને મારી મચકોડીને એ કરાવી શકે એમ ન હતા. બથુએલે તેમની દીકરી પરણાવી દેવાની કંઈ જરૂર ન હતી. તે ઈબ્રાહીમના ચાકરને કહી શક્યા હોત કે ‘ના, મારી દીકરીને આટલે દૂર સાસરિયે મોકલવી નથી.’ (ઉત્પત્તિ ૨૪:૧૮-૨૦) યુસફ તેના પિતાની અંતિમ ઈચ્છા પૂરી કરે કે નહિ, એ તેની મરજીની વાત હતી, કારણ કે તેના પિતા તો ગુજરી ગયા હતા. નાઓમીએ રૂથને કહ્યું હતું કે તે પાછી માવતરે જઈ શકે છે. (રૂથ ૧:૮) તે ઉપરાંત, રૂથ બોઆઝને બદલે, કોઈ પણ “જુવાન” સાથે પરણી શકી હોત.
૧૭ બથુએલ, યુસફ અને રૂથે પોતાની મરજીથી, હા, રાજી-ખુશીથી અપાર કૃપા દર્શાવી હતી. તેઓએ અપાર કૃપા બતાવવાને તેઓનો ધર્મ ગણ્યો. જેમ કે રાજા દાઊદે પણ મફીબોશેથને અપાર કૃપા બતાવવાને પોતાનો ધર્મ ગણ્યો હતો.
૧૮ આજે પણ અપાર કૃપા દર્શાવવી એ યહોવાહના લોકોનો ધર્મ છે. તેઓમાંના વડીલો એમ કરવામાં આગેવાની લે છે. (ગીતશાસ્ત્ર ૧૧૦:૩; ૧ થેસ્સાલોનીકી ૫:૧૨) એ વડીલો યહોવાહના લોકોનું ખૂબ ધ્યાન રાખે છે અને એ જવાબદારીને પોતાનો ધર્મ ગણે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૮) મંડળમાં તેઓ અપાર કૃપા દર્શાવે છે, એ “ફરજ પડ્યાથી નહિ પણ ખુશીથી” કરે છે. (૧ પીતર ૫:૨) ઈસુ ખ્રિસ્તના લોકો પ્રત્યે તેઓએ અપાર કૃપા બતાવવી જોઈએ. તેથી, વડીલો દિલથી ભાઈ-બહેનોનું ધ્યાન રાખે છે. (યોહાન ૨૧:૧૫-૧૭) એક વડીલ જણાવે છે: “મને તો ભાઈ-બહેનોને ઘરે જઈને મળવાનું ખૂબ જ ગમે છે. મને તેઓની યાદ આવે કે હું તેઓને મળવા જાઉં અથવા ફોન કરું છું. ભાઈ-બહેનોને મદદ કરવાનું મને બહુ જ ગમે છે!” આ ભાઈની સાથે બધા જ પ્રેમાળ વડીલો સહમત થાય છે.
લાચાર ભાઈ-બહેનોને અપાર કૃપા બતાવો
૧૯ બાઇબલમાંથી જે દાખલાઓ જોઈ ગયા, એ બતાવે છે કે આપણે ખાસ કરીને લાચાર લોકોને અપાર કૃપા બતાવવી જોઈએ. ઈબ્રાહીમની પેઢી ચાલુ રાખવા માટે તેને બથુએલની મદદની જરૂર હતી. કનાન દેશમા યાકૂબનું શબ લઈ જવા માટે યુસફની જરૂર હતી. નાઓમીને ઘરે વારસદાર થાય એ માટે રૂથે સહાય કરી. ઈબ્રાહીમ, યાકૂબ અને નાઓમી આ બાબતોમાં, બીજાની મદદ વગર લાચાર હતા. એવી જ રીતે આજે પણ લાચાર લોકોને આપણે અપાર કૃપા બતાવવી જોઈએ. (નીતિવચનો ૧૯:૧૭) આપણે અયૂબની જેમ કરવું જોઈએ, જે “રડતા ગરીબોને તથા તદ્દન નિરાશ્રિત અનાથોને પણ . . . દુઃખમાંથી મુક્ત કરતો.” જો કોઈ “નાશ પામવાની અણી પર” હોય, તો તેઓને તે મદદ કરતો હતો. એ ઉપરાંત અયૂબ ‘વિધવાને સહાય’ કરતો, અને ‘આંધળાઓને તથા લંગડાઓને’ પણ મદદ કરતો હતો.—અયૂબ ૨૯:૧૨-૧૫.
૨૦ આજે જગતમાં એવું કોઈ મંડળ નથી, જેમાં આપણા ભાઈ-બહેનો દુઃખી ન હોય. એના કયા કારણો હોય શકે? કોઈ ભાઈ કે બહેન જીવનની સફરમાં એકલા પડી ગયા હોય અથવા નિરાશ થઈ ગયા હોય. અમુકને એમ પણ લાગે કે પોતે સાવ નકામા છે. વળી, કોઈ લાંબા સમયથી બીમાર હોય અથવા કોઈની લાગણી દુભાઈ હોય. તેમ જ કુટુંબમા કોઈ ગુજરી ગયું હોય શકે. કોઈ પણ કારણો હોય, પણ આ દુઃખી ભાઈઓ-બહેનોને આપણી અપાર કૃપા બતાવવી જોઈએ. એ જ આપણો ધર્મ છે.—૧ થેસ્સાલોનીકી ૫:૧૪.
૨૧ તો ચાલો આપણે “કૃપાળુ દેવ” યહોવાહ જેવા બનીએ. તે ખરેખર કૃપાના સાગર છે. (નિર્ગમન ૩૪:૬; એફેસી ૫:૧) ખાસ કરીને જેઓ લાચાર છે તેઓને આપણે રાજી-ખુશીથી મદદ કરીએ. એમ કરીશું તો આપણે ખરેખર યહોવાહને મહિમા આપીશું. વળી, આપણને ખૂબ જ આનંદ થશે કારણ કે આપણે એકબીજા પર “[અપાર] કૃપા તથા દયા” રાખીએ છીએ.—ઝખાર્યાહ ૭:૯.
[ફુટનોટ]
a એ લગ્ન વિષે વધુ માહિતી માટે યહોવાહના સાક્ષીઓએ અંગ્રેજીમાં બહાર પાડેલું ઇન્સાઈટ ઓન ધ સ્ક્રીપ્ચર્સ, ગ્રંથ ૧, પાન ૩૭૦ જુઓ.
તમે શું જવાબ આપશો?
• અપાર કૃપા અને સામાન્ય કૃપામાં શું ફરક છે?
• બથુએલ, યુસફ અને રૂથે અપાર કૃપા કેવી રીતે દર્શાવી?
• આપણે અપાર કૃપા પ્રત્યે કેવું વલણ દેખાડવું જોઈએ?
• અપાર કૃપાની કોને જરૂર હોય છે?
[અભ્યાસ પ્રશ્નો]
૧, ૨. (ક) આપણે શા માટે અપાર કૃપા રાખવી જોઈએ? (ખ) આપણે કયા પ્રશ્નો વિષે વધુ શીખીશું?
૩. સામાન્ય કૃપા અને અપાર કૃપામાં શું ફેર છે?
૪, ૫. અહીં આપેલા દાખલાઓ સામાન્ય કૃપા અને અપાર કૃપામાં શું ફરક દેખાડે છે?
૬. બાઇબલમાં અપાર કૃપાના કયા પાસાઓ દેખાય આવે છે?
૭. ઈબ્રાહીમના ચાકરે બથુએલ અને લાબાનને શું જણાવ્યું, અને પછી કયો સવાલ ઊભો થયો?
૮. રિબકાહની સગાઈ વિષે બથુએલને કેવું લાગ્યું?
૯, ૧૦. (ક) યાકૂબે તેના દીકરા યુસફને શું કરવાનું કહ્યું? (ખ) યુસફે પોતાના પિતાને કઈ રીતે અપાર કૃપા દર્શાવી?
૧૧, ૧૨. (ક) રૂથે નાઓમી પર કેવી રીતે અપાર કૃપા દર્શાવી? (ખ) રૂથે જે બીજી વખત કૃપા દર્શાવી તે કેમ વધુ ચડિયાતી હતી?
૧૩. બથુએલ, યુસફ અને રૂથે કઈ રીતે અપાર કૃપા દેખાડી?
૧૪. (ક) યહોવાહના સેવકો કઈ રીતે અપાર કૃપા દેખાડે છે? (ખ) તમારા મંડળમાં આવી અપાર કૃપા કોણ દેખાડે છે?
૧૫. બાઇબલના ત્રણ દાખલામાંથી, અપાર કૃપાનું બીજું કયું પાસું આપણે જોઈએ છીએ?
૧૬, ૧૭. બથુએલ, યુસફ અને રૂથની અપાર કૃપા કઈ રીતે અજબ હતી, અને તેઓએ શા માટે આ ગુણ દર્શાવ્યો?
૧૮. (ક) ખ્રિસ્તી વડીલો કેવી રીતે ભાઈ-બહેનોનું ધ્યાન રાખે છે? (ખ) એક વડીલે પોતાના ભાઈ-બહેનોને મદદ કરવા વિષે શું કહ્યું?
૧૯. બાઇબલના દાખલાઓ અપાર કૃપાના કયા ખાસ પાસા પર ભાર મૂકે છે?
૨૦, ૨૧. આપણી અપાર કૃપાની ખાસ કરીને કોને જરૂર છે, અને આપણે દરેકે શું કરવું જોઈએ?
[પાન ૧૮ પર ચિત્ર]
બથુએલે અપાર કૃપા કઈ રીતે દર્શાવી?
[પાન ૨૧ પર ચિત્ર]
રૂથનો અતૂટ પ્રેમ નાઓમી માટે એક આશીર્વાદ હતો
[પાન ૨૩ પર ચિત્રો]
અપાર કૃપા રાજી-ખુશીથી, કંઈક કરીને, લાચાર ભાઈ-બહેનોને બતાવી શકાય