તમારી ઈશ્વરભક્તિ સાથે ધીરજમાં વધો
‘તમે પોતાના વિશ્વાસની સાથે ધીરજ, ને ધીરજની સાથે ભક્તિભાવ જોડી દો.’—૨ પીતર ૧:૫, ૬.
બધાં બાળકો મોટાં થાય એ મહત્ત્વનું છે. તેઓ છોકરમત કરવાને બદલે હોંશિયાર અને ડાહ્યા થાય એ વધુ મહત્ત્વનું છે. પછી તે બધી બાબતમાં એક સારી વ્યક્તિ બને છે. પાઊલ એ વિષે વાત કરતા જણાવે છે: “જ્યારે હું બાળક હતો, ત્યારે બાળકની પેઠે બોલતો હતો, બાળકની પેઠે વિચારતો હતો, બાળકની પેઠે સમજતો હતો; પણ હવે મોટો થયા પછી મેં બાળકની વાતો મૂકી દીધી છે.”—૧ કોરીંથી ૧૩:૧૧
૨ પાઊલનાં એ શબ્દો ભક્તિભાવમાં પ્રૌઢ થવા વિષે ખાસ બોધ આપે છે. તેથી ખ્રિસ્તીઓ ભક્તિભાવમાં બાળક જ ન રહે, પણ “સમજણમાં પ્રૌઢ” થતા જાય એ મહત્ત્વનું છે. (૧ કોરીંથી ૧૪:૨૦) તેઓએ “ઈશ્વરપુત્ર ખ્રિસ્ત વિશેના વિશ્વાસમાં સંપૂર્ણતાથી ભરપૂર” થવાની કોશિશ કરવી જોઈએ. આમ કરવાથી તેઓ “બાળક જેવા” રહેશે નહિ “અને વિશ્વાસમાંથી ડગી” જશે નહિ.—એફેસી ૪:૧૩, ૧૪, IBSI.
૩ આપણે કઈ રીતે ધાર્મિક રીતે પ્રૌઢ બની શકીએ? આપણે સમય જતા આપોઆપ મોટા થઈ જઈએ છીએ પરંતુ, આધ્યાત્મિક રીતે એમ બનતું નથી. આધ્યાત્મિકતામાં પીઢ બનવા માટે પ્રયત્ન કરવો પડે છે. એ માટે આપણે પહેલાં બાઇબલનું ખરું જ્ઞાન લેવાની અને જે શીખ્યા હોય એને લાગુ પાડવાની જરૂર છે. (હેબ્રી ૫:૧૪; ૨ પીતર ૧:૩) આમ કરવાથી, આપણે પરમેશ્વરને પસંદ પડે, એવા ગુણો કેળવી શકીશું. આપણા શરીરનો વિકાસ એક સાથે થાય છે તેમ, પરમેશ્વરને પસંદ પડે એવા અનેક ગુણો એક સાથે વિકસે છે. પ્રેષિત પીતરે લખ્યું: “તમે પોતાના વિશ્વાસની સાથે ચારિત્ર, ને ચારિત્રની સાથે જ્ઞાન, ને જ્ઞાનની સાથે સંયમ, ને સંયમની સાથે ધીરજ, ને ધીરજની સાથે ભક્તિભાવ, ને ભક્તિભાવની સાથે બંધુપ્રીતિ, ને બંધુપ્રીતિની સાથે પ્રેમ જોડી દો.”—૨ પીતર ૧:૫-૭.
૪ પીતરે બતાવેલા દરેક ગુણો મહત્ત્વનાં છે તેથી, એમાંના કોઈ પણ ગુણને આપણે નકામો ગણવો જોઈએ નહિ. પીતર પછી જણાવે છે: “જો એ સઘળાં તમારામાં હોય તથા તેઓની વૃદ્ધિ થાય, તો તેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જ્ઞાન વિષે તમને આળસુ તથા નિષ્ફળ થવા દેશે નહિ.” (૨ પીતર ૧:૮) તો ચાલો હવે આપણે ધીરજની સાથે ભક્તિભાવ વિકસાવવા વિષે શીખીએ.
ધીરજની જરૂર
૫ પીતર અને પાઊલ જણાવે છે કે ભક્તિ, ધીરજ સાથે જોડાયેલી છે. (૧ તીમોથી ૬:૧૧) ધીરજ રાખવાનો અર્થ ફક્ત મુંગે મોઢે બેસી રહીને સહન કરવું થતો નથી. એમાં કોઈ પણ સંજોગોમાં હિંમત ન હારવી, મક્કમ રહેવું અને સહનશીલતા બતાવવાનો સમાવેશ થાય છે. કારણ કે આપણે “ખ્રિસ્ત ઈસુમાં ભક્તિભાવથી ચાલવા” ઇચ્છીએ છીએ તેથી આપણા પર સતાવણી આવશે જ. (૨ તીમોથી ૩:૧૨) તેથી, જો આપણે સહન કરતા રહીશું તો જ, આપણા પિતા યહોવાહ પ્રત્યેના પ્રેમની સાબિતી આપી શકીશું. તેમ જ, તારણ માટે જરૂરી ગુણો વિકસાવી શકીશું. (રૂમીઓને પત્ર ૫:૩-૫; ૨ તીમોથી ૪:૭, ૮; યાકૂબ ૧:૩, ૪, ૧૨) ધીરજ વગર આપણે અનંતજીવન મેળવી શકીશું નહિ.—રૂમીઓને પત્ર ૨:૬, ૭; હેબ્રી ૧૦:૩૬.
૬ આપણે યહોવાહ વિષે સત્ય શીખ્યા ત્યારે કેટલા ઉત્સાહી હતા! પરંતુ અંત સુધી સત્યમાં વિશ્વાસુ રહેવા આપણે ધીરજ રાખવાની જરૂર પડશે. ઈસુએ જણાવ્યું: “અંત સુધી જે કોઈ ટકશે તેજ તારણ પામશે.” (માત્થી ૨૪:૧૩) હા, આપણે અંત સુધી સહન કરવું જ પડશે, પછી ભલે એ આપણા જીવનનો અથવા આ કળિયુગનો અંત હોય. ગમે તે હોય, આપણે પૂરા દિલથી પરમેશ્વરને વળગી રહીએ. આપણી ધીરજમાં ભક્તિ ન હોય તો એ નકામી કહેવાશે, કારણ કે ભક્તિ વગર આપણે યહોવાહને ખુશ કરી શકતા નથી. એના વગર આપણને અનંતજીવન પણ નહિ મળે. તો પછી ઈશ્વરભક્તિ શું છે?
ઈશ્વરભક્તિ એટલે શું?
૭ ઈશ્વરભક્તિનો અર્થ, વફાદારીથી સર્વોપરી યહોવાહની સેવા, આરાધના અથવા ઉપાસના કરવી થાય છે. યહોવાહની ભક્તિ કરવી હોય તો સૌથી પહેલાં તેમના વિષે ખરું જ્ઞાન લેવું જોઈએ અને તેમના વિચારો જાણવા જોઈએ. આપણે પરમેશ્વરને સારી રીતે ઓળખવામાં તલ્લીન થઈ જવું જોઈએ. એમ કરવાથી આપણે તેમને પૂરા દિલથી વળગી રહીશું અને એની અસર આપણા જીવનનાં બધા જ માર્ગો પર પડશે. આપણે યહોવાહ જેવા ગુણો અને વિચારો કેળવવાની કોશિશ કરવી જોઈએ. (એફેસી ૫:૧) આપણે જે કંઈ કરીએ છીએ એમાં, ઈશ્વરભક્તિથી યહોવાહને હંમેશાં ખુશ રાખી શકીશું.—૧ કોરીંથી ૧૦:૩૧.
૮ ખરી ઈશ્વરભક્તિ કરવી હોય તો આપણે ફક્ત યહોવાહની જ ભક્તિ કરવી જોઈએ. યહોવાહ આપણા સર્જનહાર હોવાથી, તેમને આપણી પાસે અનન્ય ભક્તિ અને પ્રેમ માંગવાનો પૂરો હક્ક છે. (પુનર્નિયમ ૪:૨૪; યશાયાહ ૪૨:૮) તેમ છતાં, યહોવાહ આપણને મારી મચકોડીને તેમની ભક્તિ કરવાનું કહેતા નથી. પરંતુ તે ઇચ્છે છે કે આપણે પૂરા દિલથી અને પોતાની મરજીથી તેમની ભક્તિ કરીએ. એવી ભક્તિમાં ઈશ્વરના ખરા જ્ઞાનથી આપણી રગેરગમાં તેમના પ્રત્યે પ્રેમ ભરેલો હોય છે. આવો પ્રેમ આપણને જીવનમાં સુધારો કરવા મદદ કરે છે. એનાથી પ્રેરાઈને આપણે હંમેશ માટે ફક્ત યહોવાહની જ ભક્તિ કરીશું.
યહોવાહના મિત્ર બનો
૯ આપણે પોતાનું જીવન યહોવાહને સોંપીને બાપ્તિસ્મા લીધું હોય તોપણ, આપણે યહોવાહ સાથે એક ખાસ મિત્ર જેવો સંબંધ બાંધવાનો છે. તેથી આપણે યહોવાહ વિષે સતત શીખતા રહીએ છીએ અને પૂરી શ્રદ્ધાથી તેમની સેવામાં મંડ્યા રહીએ છીએ. યહોવાહની પવિત્ર શક્તિને આપણા દિલ પર અસર કરવા દઈએ છીએ તેમ, આપણો ઈશ્વર પ્રત્યેનો પ્રેમ ખૂબ વધે છે. આપણા જીવનમાં તેમની મિત્રતા સૌથી મહત્ત્વની રહે છે. યહોવાહ આપણા ખાસ મિત્ર જેવા છે, તેથી તેમને ન ગમે એવું આપણે કંઈ નહિ કરીએ. (૧ યોહાન ૫:૩) પરમેશ્વરની મિત્રતા આપણને ખૂબ જ આનંદ આપે છે. તે આપણને પ્રેમથી શિક્ષણ આપે અથવા આપણું જીવન સુધારે ત્યારે, આપણે ખરેખર તેમનો આભાર માનીએ છીએ.—પુનર્નિયમ ૮:૫
૧૦ યહોવાહ સાથે આપણી મિત્રતા ખીલે એ માટે આપણે હંમેશાં મહેનત કરવી જોઈએ. એમ નહિ કરીએ તો, એ ફૂલની જેમ કરમાઈ જશે. જો એ કરમાઈ જાય તો એ પરમેશ્વરનો વાંક નથી કેમ કે તે “આપણામાંના કોઈથી દૂર નથી.” (પ્રેષિતોનાં કાર્યો ૧૭:૨૭, IBSI) યહોવાહ સાથે સહેલાઈથી વાત કરી શકાય છે એ જાણીને આપણને કેટલો આનંદ થાય છે! (૧ યોહાન ૫:૧૪, ૧૫) હા, આપણી મિત્રતા જાળવી રાખવા માટે સખત મહેનત કરવી જ જોઈએ. યહોવાહ પણ આપણને મદદ કરે છે જેથી, આપણે તેમની ભક્તિ કરી શકીએ. (યાકૂબ ૪:૮) યહોવાહ જે મદદ આપે છે એનો આપણે કઈ રીતે પૂરો ફાયદો ઉઠાવી શકીએ?
સત્યમાં મક્કમ બનો
૧૧ પરમેશ્વર માટે આપણને જેટલો ઊંડો પ્રેમ છે એટલી જ તેમની ઊંડી ભક્તિ કરવી જોઈએ. પાઊલ સલાહ આપે છે કે “જેને શરમાવાનું કંઈ કારણ ન હોય એવી રીતે કામ કરનાર સત્યનાં વચન સ્પષ્ટતાથી સમજાવનાર, અને દેવને પસંદ પડે એવો સેવક થવાને પ્રયત્ન કર.” (૨ તીમોથી ૨:૧૫) આ પ્રમાણે ભક્તિ કરવા માટે આપણે નિયમિત બાઇબલનો અભ્યાસ કરવાની, સભામાં જવાની અને પ્રચાર કામમાં ભાગ લેવાની જરૂર છે. તેમ જ આપણે યહોવાહને ‘પ્રાર્થના’ કરવાનું કદી પડતું ન મૂકવું જોઈએ, જેથી આપણે તેમને ભૂલી ન જઈએ. (૧ થેસ્સાલોનીકી ૫:૧૭) આ આપણી ભક્તિ કરવાની અનેક રીતો છે. તેઓમાંની એક પણ રીતને જો આપણે ભૂલી જઈશું કે ચૂકી જઈશું તો, આપણે ભક્તિભાવમાં ઢીલા પડી જઈશું અને કદાચ શેતાનના કબજામાં આવી જઈશું.—૧ પીતર ૫:૮.
૧૨ સત્યમાં મક્કમ રહીને યહોવાહની સેવામાં લાગુ રહેવાથી, આપણે જીવનની અનેક કસોટીઓનો સામનો કરી શકીશું. ઘણી કસોટીઓ એવી હોય છે જે આપણને હેરાન-પરેશાન કરી મૂકે છે. દાખલા તરીકે, યહોવાહના સાક્ષી નથી એવા કુટુંબીજનો, સગાંઓ કે બીજા કોઈ ઓળખીતા તરફથી કસોટી આવે છે ત્યારે, એને સહન કરવી અઘરી પડે છે. કામ પર અથવા સ્કૂલમાં આપણને ધીરે ધીરે ફોસલાવીને, આપણા ખ્રિસ્તી ધોરણોને મૂકી દેવા માટે લોકો દબાણ લાવી શકે છે. એમાં પણ આપણે બીમાર કે હતાશ હોઈએ અથવા ડીપ્રેશન આવી ગયું હોય તો શરીર નબળું થઈ જાય છે. એવા સમયે દબાણોનો સામનો કરવો સહેલું નથી. ગમે તે હોય, આપણે “પવિત્ર અને ઈશ્વરમય જીવન” જીવીએ અને ‘પ્રભુના આગમનના એ દિવસની આતુરતાથી રાહ’ જોઈએ તો, કસોટીઓ સહન કરી શકીએ છીએ. (૨ પીતર ૩:૧૧, ૧૨, IBSI) અને આપણે એમ ખુશીથી કરી શકીએ છીએ કારણ કે આપણને પરમેશ્વરના આશીર્વાદોનો પૂરો ભરોસો છે.—નીતિવચનો ૧૦:૨૨.
૧૩ જેઓ યહોવાહની ભક્તિ કરે છે તેઓ પર શેતાન હુમલો કરે છે. તેમ છતાં આપણે ગભરાવાની જરૂર નથી. શા માટે? કારણ કે યહોવાહ તેમના “ભક્તોને પરીક્ષણમાંથી છોડાવવાનું જાણે છે.” (૨ પીતર ૨:૯) કસોટી સહન કરીને એમાંથી બચવા માટે, આપણે “અધર્મી જીવન અને સાંસારિક વાસનાથી દૂર જઈ ભક્તિભાવ અને ઈશ્વરની બીકવાળું જીવન” જીવવું જોઈએ. (તિતસ ૨:૧૨, IBSI) ખ્રિસ્તીઓ તરીકે આપણે છૂટછાટવાળા જીવનથી દૂર રહેવું જોઈએ જે આપણી ભક્તિને ભ્રષ્ટ કરી શકે છે. કઈ બાબતોથી આપણી ભક્તિ ભ્રષ્ટ થઈ શકે? ચાલો આપણે જોઈએ.
ઈશ્વરભક્તિને શું જોખમમાં મુકી શકે?
૧૪ ધનદોલતની લાલચમાં ઘણા લોકો ફસાય જાય છે. ઘણી વખત આપણે પોતાને છેતરીને એવું સમજી શકીએ કે ‘ધર્મ પૈસા બનાવવાનું એક સાધન જ છે.’ પછી આપણે આપણા ભાઈઓનો ગેરલાભ ઉઠાવી શકીએ છીએ. (૧ તીમોથી ૬:૫) આપણે કદાચ એવું પણ વિચારીએ કે કોઈ ધનવાન ભાઈ પાસેથી ઉછીના પૈસા માગવામાં કંઈ ખોટું નથી, પછી ભલેને આપણી પાસે એ પાછા આપવાની ત્રેવડ ન હોય. (ગીતશાસ્ત્ર ૩૭:૨૧) પરંતુ યાદ રાખો કે ‘હમણાંના તથા હવે પછીના જીવનનું વચન’ ધનદોલતમાં નહિ, પણ ‘ઇશ્વરભક્તિમાં સમાએલું છે.’ (૧ તીમોથી ૪:૮) આપણે “આ જગતમાં કંઈ લાવ્યા નથી, અને તેમાંથી કંઈ પણ લઈ જઈ શકતા નથી.” તેથી આપણે “સંતોષસહિતનો ભક્તિભાવ” કરીએ અને આપણી પાસે ‘જે કંઈ છે તેનાથી સંતોષી રહીએ.’—૧ તીમોથી ૬:૬-૧૧.
૧૫ ફક્ત મોજશોખ કરવાથી ઈશ્વરભક્તિ ઓછી થઈ જાય છે. શું તમારે એ બાબતમાં હમણાં કોઈ ફેરફાર કરવાની જરૂર છે? એ સાચું છે કે, મોજમજા કે કસરત કરવાથી થોડો ઘણો લાભ થાય છે ખરો. પરંતુ એ મોજમજા કે લાભો અનંતજીવન સાથે સરખાવીએ તો કંઈ જ નથી. (૧ યોહાન ૨:૨૫) આજકાલ ઘણા લોકો “ઈશ્વરની ભક્તિને બદલે વિલાસ પર પ્રેમ રાખનારા થશે. તેઓ ધાર્મિક હોવાનો ડોળ કરશે પણ ઈશ્વર પર વિશ્વાસ રાખશે નહિ.” આપણે એવા લોકોથી દૂર રહેવું જોઈએ. (૨ તિમોથી ૩:૪, ૫, IBSI) જેઓ ઈશ્વરભક્તિને જીવનમાં પહેલી મૂકે છે તેઓ, “ભવિષ્ય માટે મજબૂત પાયારૂપી સારી સંપત્તિ પોતાને માટે એકઠી કરશે, તેથી તેઓ જે ખરેખરૂં જીવન છે તે પ્રાપ્ત કરી શકશે.”—૧ તીમોથી ૬:૧૯, પ્રેમ સંદેશ.
૧૬ દારૂની લત, ડ્રગ્સ, અનૈતિક જીવન અને ગંદા વિચારો આપણી ઈશ્વરભક્તિનો નાશ કરે છે. એમાં ફસાઈ જઈશું તો, આપણે ઈશ્વરના સાચા માર્ગમાં ચાલી શકીશું નહિ. (૧ કોરીંથી ૬: ૯, ૧૦; ૨ કોરીંથી ૭:૧) પાઊલે પણ આવા આચાર-વિચારો સામે કાયમ લડત આપવી પડી હતી. (રૂમીઓને પત્ર ૭:૨૧-૨૫) ગંદા વિચારો કાઢી નાખવા માટે સખત મહેનત કરવી પડે છે. પરંતુ આપણે નૈતિક રીતે શુદ્ધ રહેવા મહેનત કરીએ એ ખૂબ મહત્ત્વનું છે. પાઊલ સમજાવે છે, “તમારામાં રહેલી ભૂંડી ઈચ્છાઓને મારી નાખો. વ્યભિચાર, અશુદ્ધતા અને વાસનાને સ્થાન ન આપો. જગતનાં સારાં વાનાંનો લોભ ન રાખો કારણ કે તે મૂર્તિપૂજા છે.” (કોલોસી ૩:૫, IBSI) આપણી ‘ભૂંડી ઇચ્છાઓને મારી નાખવાનો’ અર્થ એ થાય છે કે એને મગજમાંથી સાવ જ કાઢી નાખીએ. એમ કરવા માટે, આપણે દિલથી પરમેશ્વરને પ્રાર્થના કરવી જોઈએ. એ આપણને મનમાંથી ગંદા વિચારો કાઢી નાખવા અને આ કળિયુગમાં, ઈશ્વરભક્તિમાં ટકી રહેવા મદદ કરશે.
૧૭ નિરાશ થઈ જવાથી આપણી ધીરજ ખૂટી શકે અને આપણી ઈશ્વરભક્તિ બરબાદ થઈ શકે છે. યહોવાહના ઘણા સેવકોને નિરાશ થવાનો અનુભવ છે. (ગણના ૧૧:૧૧-૧૫; એઝરા ૪:૪; યૂના ૪:૩) જો કોઈએ આપણને ખોટું લગાડ્યું હોય અથવા ઠપકો આપ્યો હોય તો, આપણે કોઈ વાર બહુ જ નિરાશ થઈ જઈ શકીએ. પરંતુ એ નિરાશાની આપણા પર બહુ જ ખરાબ અસર પડી શકે છે. આપણને સીધે રસ્તે ચલાવવા માટે જે ઠપકો અપાય છે એ ખરેખર બતાવે છે કે યહોવાહ આપણું ધ્યાન રાખે છે અને તે આપણને પ્રેમ કરે છે. (હેબ્રી ૧૨:૫-૭, ૧૦, ૧૧) આપણે ઠપકાને એક શિક્ષા તરીકે જોવી ન જોઈએ પણ એના દ્વારા આપણને સાચા રસ્તે ચાલવાની તાલીમ મળે છે. આપણે નમ્ર રહીશું તો, ઠપકાની કદર કરી શકીશું કારણ કે ‘શિખામણ આપણને સારું જીવન આપી જાય છે.’ (નીતિવચનો ૬:૨૩, IBSI) એ આપણને ઈશ્વરભક્તિમાં વધવા સહાય કરે છે.
૧૮ ગેરસમજ અને એકબીજાથી ખોટું લાગી ગયું હોય તો, એનાથી પણ આપણે ઈશ્વરભક્તિમાં ધીમા પડી શકીએ છીએ. જો એમ થયું હોય તો, આપણું મગજ શાંત રહેશે નહિ. અમુક જણાં તો ખોટાં પગલાં લેશે અને ભાઈ-બહેનો પાસે આવવાનું પણ બંધ કરી દેશે. (નીતિવચનો ૧૮:૧) પણ જો આપણે બીજાઓ પ્રત્યે ખાર રાખીએ તો, યહોવાહ સાથે જે મિત્રતા છે એને ખૂબ નુકસાન પહોંચશે. (લેવીય ૧૯:૧૮) હકીકતમાં, “પોતાનો ભાઈ જેને તેણે જોયો છે તેના પર જો તે પ્રેમ રાખતો નથી, તો દેવ જેને તેણે જોયો નથી તેના પર તે પ્રેમ રાખી શકતો નથી.” (૧ યોહાન ૪:૨૦) ઈસુએ પહાડ પરના પોતાના પ્રખ્યાત પ્રવચનમાં લોકોને જણાવ્યું: “એ માટે જો તું તારૂં અર્પણ વેદી પાસે લાવે, ને ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારે વિરૂદ્ધ કંઈ છે, તો ત્યાં વેદી આગળ તારૂં અર્પણ મૂકીને જા, પહેલાં તારા ભાઈની સાથે સલાહ કર, ને ત્યાર પછી આવીને તારૂં અર્પણ ચઢાવ.” (માત્થી ૫:૨૩, ૨૪) વગર વિચાર્યું બોલવાથી કોઈને માઠું લાગી ગયું હોય તો, માફી માંગવાથી તેના દુઃખ પર રુઝ આવી શકે છે. આપણે માફી માંગતી વખતે ભૂલ કર્યાનો ખુલાસો આપીએ છીએ ત્યારે સંબંધો પાછા સારી રીતે બંધાય શકે. સંબંધોમાં બીજી તકલીફો ઊભી થાય તો શું કરવું જોઈએ એ વિષે પણ ઈસુએ સલાહ આપી. (માત્થી ૧૮:૧૫-૧૭) સંબંધો સુધારવાની આપણી મહેનત પાણીમાં ગઈ નથી એ જાણીએ છીએ ત્યારે, આપણે કેટલા ખુશ થઈએ છીએ!—રૂમીઓને પત્ર ૧૨:૧૮; એફેસી ૪:૨૬, ૨૭.
ઈસુને પગલે ચાલો
૧૯ કસોટીઓ આપણને હેરાન કરી નાખી શકે. તોપણ અનંતજીવન તરફ લઈ જતા માર્ગમાં આપણે ચાલતા રહેવું જોઈએ, પછી ભલે એમાં ગમે એવી તકલીફો આવે. “માટે આપણે પણ દરેક જાતનો બોજો . . . નાખી દઈએ, અને આપણે સારૂ ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ. આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ રાખીએ.” (હેબ્રી ૧૨:૧-૩) ઈસુના જીવનને બરાબર જોયા પછી, આપણે તેમના પગલે-પગલે ચાલવા બનતી મહેનત કરવી જોઈએ. એમ કરવાથી આપણે ઈશ્વરભક્તિ કેળવી શકીશું અને એના સારા ગુણો બતાવી શકીશું.
૨૦ ધીરજ અને ઈશ્વરભક્તિ, આ બે ગુણો આપણા જીવનમાં સાથે કામ કરે છે અને આપણું જીવન બચાવી શકે છે. એ સુંદર ગુણોથી આપણે પૂરી શ્રદ્ધા રાખીને પરમેશ્વરની સેવા કરી શકીશું. કસોટીઓ આવે તોપણ આપણે એને રાજીખુશીથી સહન કરીશું, અને યહોવાહનો કોમળ પ્રેમ અને આશીર્વાદ અનુભવીશું. કારણ કે આપણે ઈશ્વરભક્તિ અને ધીરજ બતાવ્યા છે. (યાકૂબ ૫:૧૧) ખુદ ઈસુ આપણને ખાતરી આપે છે: “તમારી ધીરજથી તમે તમારા જીવને બચાવશો.”—લુક ૨૧:૧૯.
તમારો જવાબ શું છે?
• ધીરજ શા માટે મહત્ત્વની છે?
• ઈશ્વરભક્તિ શું છે, અને એ કઈ રીતે કરી શકાય છે?
• આપણે યહોવાહ સાથે કેવી રીતે કાયમ મિત્રતા બાંધી શકીએ?
• આપણી ઈશ્વરભક્તિને શું ભ્રષ્ટ કરી શકે અને એનાથી કઈ રીતે સાવધ રહી શકીએ?
[અભ્યાસ પ્રશ્નો]
૧, ૨. (ક) બાળકો મોટા થાય તેમ, તેઓ પાસે કઈ અપેક્ષા રાખવામાં આવે છે? (ખ) ભક્તિભાવમાં પ્રૌઢ બનવું કેટલું મહત્ત્વનું છે?
૩, ૪. (ક) આધ્યાત્મિકતામાં પ્રૌઢ બનવું હોય તો આપણે શું કરવું જોઈએ? (ખ) આપણામાં પરમેશ્વરનાં કયા ગુણો હોવા જોઈએ અને એ કેટલા મહત્ત્વનાં છે?
૫. આપણને શા માટે ધીરજની જરૂર છે?
૬. અંત સુધી વિશ્વાસુ રહેવા માટે શું કરવું જરૂરી છે?
૭. ઈશ્વરભક્તિ એટલે શું, અને એ આપણને શું કરવા પ્રેરે છે?
૮. ઈશ્વરભક્તિમાં યહોવાહની જ અનન્ય ભક્તિ શા માટે કરવી જોઈએ?
૯, ૧૦. આપણે પરમેશ્વર સાથે કઈ રીતે ગાઢ મિત્રતા બાંધી શકીએ?
૧૧. આપણે પરમેશ્વરની કઈ રીતોએ ભક્તિ કરવી જોઈએ?
૧૨. જીવનની કસોટીઓને આપણે કઈ રીતે સહન કરી શકીએ?
૧૩. આપણે હંમેશાં યહોવાહની ભક્તિ કરતા રહેવા શું કરવાની જરૂર છે?
૧૪. આપણે ધનદોલતની લાલચમાં ફસાઈ ન જઈએ એ માટે શું યાદ રાખવું જોઈએ?
૧૫. ઈશ્વરભક્તિને બદલે મોજશોખમાં ડુબી ન જઈએ એ માટે આપણે શું કરવું જોઈએ?
૧૬. કયા પાપો આપણને ઈશ્વરભક્તિ કરવાને રોકી શકે અને એનાથી દૂર રહેવા આપણે શું કરવું જોઈએ?
૧૭. આપણે ઠપકાને કઈ રીતે જોવો જોઈએ?
૧૮. કોઈ સાથે વાંધો પડે તો આપણે શું કરવું જોઈએ?
૧૯. ઈસુના પગલે ચાલવું શા માટે મહત્ત્વનું છે?
૨૦. ધીરજ અને ઈશ્વરભક્તિ કયા આશીર્વાદો લાવે છે?
[પાન ૧૨, ૧૩ પર ચિત્રો]
ઈશ્વરભક્તિ અનેક રીતે કરી શકાય છે
[પાન ૧૪ પર ચિત્રો]
જે કંઈ ઈશ્વરભક્તિને ભ્રષ્ટ કરે, એનાથી સાવધ રહો