વાચકો તરફથી પ્રશ્નો
મા કે બાપ યહોવાહના સાક્ષી ન હોય ત્યારે, કોણે બાળકોને ધાર્મિક શિક્ષણ આપવું જોઈએ અને એ વિષે બાઇબલ શું જણાવે છે?
આ કિસ્સામાં બે મહત્ત્વના શાસ્ત્રવચનો માર્ગદર્શન આપે છે. પહેલું એ છે કે ‘માણસોના કરતાં દેવનું વધારે માનવું જોઈએ.’ (પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૯) અને બીજું, “જેમ ખ્રિસ્ત મંડળીનું શિર છે, તેમ પતિ પત્નીનું શિર છે.” (એફેસી ૫:૨૩) એફેસીઓને પત્રમાં ટાંકેલી સલાહ ખાસ કરીને પત્નીને લાગુ પડે છે, પછી ભલેને તેનો પતિ યહોવાહના સાક્ષી હોય કે ન હોય. (૧ પીતર ૩:૧) પતિ-પત્નીમાંથી એક જ સાક્ષી હોય તો, તે કઈ રીતે આ બાઇબલ સલાહને અનુસરીને પોતાના બાળકોને ધાર્મિક શિક્ષણ આપી શકે?
જો પતિ યહોવાહના સાક્ષી હોય તો, તેમની એ ખાસ જવાબદારી છે કે તે તેમના કુટુંબનું સારી રીતે ધ્યાન રાખે, અને ધાર્મિક શિક્ષણ પણ આપે. (૧ તીમોથી ૫:૮) માની લો કે પિતા સાક્ષી છે, પણ તેમના પત્ની નથી. દિવસમાં મોટે ભાગે બાળકો મા સાથે ઘરે હોય છે, પણ તે યહોવાહ વિષે કંઈ ધાર્મિક શિક્ષણ આપતી નથી. એ કિસ્સામાં એ બહુ જ મહત્ત્વનું છે કે પિતા ઘરે આવે ત્યારે, તે બાળકોને બાઇબલમાંથી શીખવે, અને તેઓને મીટીંગમાં પણ લઈ જાય. ત્યાં બાળકોને લાભદાયી શિક્ષણ મળે છે અને તેઓ સારા મિત્રો પણ મેળવી શકે છે.
પરંતુ, જો મા બાળકોને તેનો ધર્મ શીખવવાનું અને પોતાના ધર્મસ્થળે લઈ જવાનું કહે તો શું? બની શકે કે એ દેશના નિયમો તેને એમ કરવા દે છે. પરંતુ ભાવિમાં બાળકો એ ધર્મ પાળશે કે યહોવાહના સાક્ષી બનશે? એ પિતાએ સારી રીતે સત્ય શીખવ્યું છે કે નહિ એના પર આધારિત છે. છોકરાં મોટા થશે તેમ, પિતા તરફથી તેઓને જે બાઇબલ શિક્ષણ મળ્યું છે એનાથી તેઓ યહોવાહની ભક્તિ કરી શકે. જો આ બાળકો યહોવાહના માર્ગે ચાલે તો, પિતાને કેટલી ખુશી થશે!
પરંતુ બીજી બાજુ, મા સાક્ષી હોય અને તેમના પતિ બીજા ધર્મના હોય તો શું? ભલે આ મા હોંશથી બાળકોને ખરું ધાર્મિક શિક્ષણ આપવા માગતી હોય, પરંતુ તેણે હજુ પણ શિરને આધીન રહેવું પડે છે. (૧ કોરીંથી ૧૧:૩) અમુક કિસ્સામાં, પતિ યહોવાહના સાક્ષી ન હોય તોપણ, તેની પત્ની બાળકોને યહોવાહ અને નૈતિકતા વિષે બાઇબલમાંથી શીખવે એમાં વાંધો ઉઠાવતો નથી. તે બાળકોને રાજ્ય ગૃહની સભાઓમાં પણ લઈ જવા દે છે જેથી તેઓ બાઇબલનું વધારે શિક્ષણ લઈ શકે. આમ કરીને પત્ની તેના પતિને બતાવી શકે કે યહોવાહના શિક્ષણમાંથી બાળકોને કેટલા સારાં ફળો મળે છે. પત્ની સારી તક જોઈને તેના પતિને સમજાવી શકે કે બાઇબલ શિક્ષણ આપવાથી, તેઓના બાળકો શા માટે આ દુનિયાની ખરાબ ટેવોથી દૂર રહે છે.
પરંતુ, પતિ એમ પણ કહી શકે કે તે તેમના બાળકોને તેનો ધર્મ શીખવશે અને તેના ધર્મસ્થળે પણ લઈ જશે. કે પછી પતિ મક્કમ રહીને એમ કહે કે તેમના બાળકોને કોઈ પણ ધર્મ વિષે શીખવવું ન જોઈએ, તો શું? પતિ કુટુંબનું શિર છે, અને તે એવો નિર્ણય લઈ શકે છે.a
પત્ની યહોવાહની સાક્ષી હોવાથી, તેણે તેના પતિના શિરપણાને માન આપવું જોઈએ. પરંતુ, પત્નીએ પ્રેષિત પીતર અને યોહાનના વલણને યાદ રાખવું જોઈએ, જ્યારે તેઓએ કહ્યું કે “જે જોયું તથા સાંભળ્યું, તે કહ્યા વિના અમારાથી રહેવાય એમ નથી.” (પ્રેરિતોનાં કૃત્યો ૪:૧૯, ૨૦) આ ખ્રિસ્તી માતા કદાચ બાળકો સાથે કુટુંબમાં ખુલ્લી રીતે સત્ય વિષે વાત નહિ કરી શકે. પરંતુ ઊંડી લાગણીને કારણે, તે તેના બાળકોને સીધે માર્ગે ચલાવવા મળતી કોઈ પણ તકનો લાભ ઉઠાવશે. કારણ કે એક ખ્રિસ્તી તરીકે માતાની જવાબદારી છે કે તે બીજાઓને યહોવાહ વિષે શીખવે અને એમાં તેના બાળકોનો પણ સમાવેશ થાય છે. (નીતિવચનો ૧:૮; માત્થી ૨૮:૧૯, ૨૦) પરંતુ, ખ્રિસ્તી માતા માટે એ સહેલું ન હોય તો, તે શું કરી શકે?
દાખલા તરીકે, બાળકોએ કયા પરમેશ્વરની ભક્તિ કરવી એનો વિચાર કરો. કદાચ માતા બાળકો સાથે બેસીને બાઇબલ અભ્યાસ કરી શકતી નથી, કેમ કે તેના પતિએ ના પાડી છે. તો પછી, શું એનો મતલબ એમ થાય કે તેણે બાળકોને યહોવાહ વિષે કંઈ જ ન શીખવવું જોઈએ? જરાય નહિ! તેના સ્વભાવ અને સારા કામોથી બાળકોને તરત જ ખબર પડી જશે કે તેમની મા પૂરા દિલથી પરમેશ્વરને ભજે છે. પછી તેઓ જિજ્ઞાસુ બનીને એ વિષે પ્રશ્નો પણ પૂછશે. એવા સમયે માતાનો હક્ક છે કે તે બાળકોને સમજાવે કે પરમેશ્વર કોણ છે, અને તે કેવી રીતે તેમને ભજે છે. પછી ભલે તે તેના બાળકો સાથે અભ્યાસ ન કરી શકતી હોય, કે સભાઓમાં લઈ જતી શકતી ન હોય, પરંતુ આ રીતે તે બાળકોને યહોવાહ વિષે કંઈ ને કંઈ શિક્ષણ આપી શકે છે.—પુનર્નિયમ ૬:૭.
પતિ-પત્નીમાંથી એક જ જણ સાક્ષી હોય ત્યારે, યહોવાહ તેઓના લગ્ન સંબંધને કઈ રીતે જુએ છે? પ્રેષિત પીતર લખ્યું કે, “અવિશ્વાસી પતિ વિશ્વાસી પત્નીથી પવિત્ર થએલો છે, અને અવિશ્વાસી સ્ત્રી વિશ્વાસી પતિથી પવિત્ર થએલી છે; નહિ તો તમારાં બાળકો અશુદ્ધ હોત, પણ હવે તેઓ પવિત્ર છે.” (૧ કોરીંથી ૭:૧૪) આમ, યહોવાહની નજરમાં ફક્ત પતિ કે પત્ની તેમને ભજતા હોય તોપણ, તેઓનો લગ્ન સંબંધ પવિત્ર ગણાય છે, અને એમ હોવાથી તેઓના બાળકો પણ પવિત્ર ગણાય છે. ખ્રિસ્તી પત્નીએ તેના બાળકોને યહોવાહ અને સત્ય વિષે શીખવવા બનતું બધું જ કરવું જોઈએ. પરંતુ, ભાવિમાં શું થશે એ તેણે યહોવાહના હાથમાં છોડી દેવું જોઈએ.
બાળકો મોટા થાય ત્યારે, બંન્ને મા-બાપ પાસેથી જે શીખ્યા એના આધારે તેઓ નિર્ણય કરશે કે પોતે કયો ધર્મ પાળશે. કદાચ તેઓ એવો માર્ગ પસંદ કરશે જેના વિષે ઈસુએ કહ્યું કે, “મારા કરતાં જે બાપ અથવા મા પર વત્તી પ્રીતિ કરે છે તે મારે યોગ્ય નથી.” (માત્થી ૧૦:૩૭) બાળકોને આ આજ્ઞા પણ આપવામાં આવી છે: “છોકરાં, પ્રભુમાં તમારાં માબાપની આજ્ઞાઓ માનો.” (એફેસી ૬:૧) બીજા યુવાનોએ સાક્ષી ન હોય એવા મા કે બાપને માનવા ‘કરતાં પરમેશ્વરના માર્ગે ચાલવાનું વધારે પસંદ કર્યું છે.’ પછી ભલેને એ માર્ગ પર ચાલવાથી તેઓએ મા કે બાપ તરફથી ઘણું સહેવું પડ્યું હોય. હા, ગમે તેવી મુસીબતો સહીને પણ, બાળકો મોટા થઈને યહોવાહની સેવા કરવાનું પસંદ કરે છે ત્યારે ખ્રિસ્તી મા કે બાપને કેટલો આનંદ થાય છે!
[ફુટનોટ]
a કાનૂન પ્રમાણે પત્ની પોતાનો ધર્મ પાળીને મીટીંગોમાં જઈ શકે છે. પરંતુ અમુક કિસ્સામાં એવું બન્યું છે કે પિતા બાળકોનું સારું ધ્યાન રાખી ન શક્યા હોવાથી, મા તેઓને મીટીંગોમાં સાથે લઈ ગઈ છે.