જાતે બાઇબલનો અભ્યાસ કરીને આનંદ માણો
“હું તારા સર્વ કામોનું મનન કરીશ, અને તારાં કૃત્યો વિષે વિચાર કરીશ.”—ગીતશાસ્ત્ર ૭૭:૧૨.
આપણે ઈસુ ખ્રિસ્તના શિષ્યો હોવાથી, યહોવાહ સાથે મિત્રતા બાંધવી એ આપણા જીવનમાં સૌથી મહત્ત્વનું હોવું જોઈએ. પરંતુ, આજે મોટા ભાગના લોકો નોકરીધંધા અને પૈસા પાછળ મંડ્યા રહે છે. તેમ જ સમયને આમ જ વેડફી દેતા હોવાથી, તેઓ પાસે મનન કરવાનો સમય હોતો નથી. તો પછી, આપણે કઈ રીતે મનન કરવા સમય કાઢી શકીએ? આપણે ખાવા-પીવા અને સૂવા માટે સમય કાઢીએ છીએ તેમ, યહોવાહે આપણા માટે જે કર્યું છે એના પર મનન કરવા પણ દરરોજ સમય કાઢવો જોઈએ.—પુનર્નિયમ ૮:૩; માત્થી ૪:૪.
૨ શું તમે કદી મનન કરવા સમય કાઢો છો? મનન કરવાનો શું અર્થ થાય છે? ભગવદ્રોમંડલ મનન કરવા વિષે વ્યાખ્યા આપે છે: ‘વિચાર્યા કરવું, ચિંતન કરવું અથવા મન પરોવવું.’ આનો આપણા માટે શું અર્થ થાય છે?
૩ પ્રેષિત પાઊલે તીમોથીને જે લખ્યું એમાંથી આપણે એક બાબત ભૂલવી ન જોઈએ: ‘હું આવું ત્યાં સુધી શાસ્ત્રવાચન પર, બોધ કરવા પર તથા શિક્ષણ આપવા પર ખાસ લક્ષ રાખજે. એ વાતોની ખંત રાખજે; તેઓમાં તલ્લીન રહેજે, કે તારી પ્રગતિ સર્વેના જાણવામાં આવે.’ આ સલાહ પ્રમાણે આપણે પ્રગતિ કરવી જ જોઈએ. પાઊલે બતાવ્યું કે પરમેશ્વરના શિક્ષણ પર મનન કરીને આપણે પ્રગતિ કરીએ એ ખૂબ જ મહત્ત્વનું છે. એ આજે પણ લાગુ પડે છે. આપણે પરમેશ્વરના શિક્ષણમાં વધીને ખુશી મેળવવી હોય તો, બાઇબલ અને એને લગતા સાહિત્યો વાંચીને એના પર મનન કરવું જોઈએ અને એને જીવનમાં લાગુ પાડવું જોઈએ.—૧ તીમોથી ૪:૧૩-૧૫.
૪ મનન કરવા માટે સૌથી સારો સમય કયો છે, એ તમે કુટુંબ તરીકે નક્કી કરી શકો. ઘણા લોકો વહેલી સવારે દરરોજ શાસ્ત્રવચનો તપાસવા પુસ્તિકામાંથી વાંચીને એના પર મનન કરે છે. દુનિયાભરના બેથેલમાં લગભગ ૨૦,૦૦૦ ભાઈબહેનો સવારે દૈનિક વચન વાંચીને દિવસનું કામ શરૂ કરે છે. બેથેલ કુટુંબમાંથી જુદી જુદી ચાર વ્યક્તિઓ દિવસના શાસ્ત્રવચન પર ટીકા આપતી હોય છે. એ સમયે બાકીના ભાઈબહેનો જે કહેવામાં અને વાંચવામાં આવે એના પર મનન કરે છે. આમ તેઓ ફક્ત ૧૫ મિનિટ એની ચર્ચા કરતા હોય છે. બીજા ઘણા ભાઈબહેનો નોકરી પર જતા હોય ત્યારે યહોવાહના વચનો પર મનન કરે છે. તેઓ બાઇબલ અને ચોકીબુરજ તથા સજાગ બનો!ની કૅસેટ સાંભળતા હોય છે. આ કૅસેટો અમુક ભાષાઓમાં મળે છે. ઘણી બહેનો ઘરકામ કરતી વખતે એ સાંભળતી હોય છે. આમ કરીને તેઓ ગીતશાસ્ત્રના એક લેખક, આસાફને અનુસરે છે. તેમણે લખ્યું: “હું યહોવાહનાં કૃત્યોનું સ્મરણ કરીશ; તારા પુરાતન કાળના ચમત્કાર હું સંભારીશ. વળી હું તારા સર્વ કામોનું મનન કરીશ, અને તારાં કૃત્યો વિષે વિચાર કરીશ.”—ગીતશાસ્ત્ર ૭૭:૧૧, ૧૨.
ખરું વલણ રાખો—લાભ મેળવો
૫ આજે ટીવી, વિડીયો અને કોમ્પ્યુટરનો યુગ હોવાથી ઘણા લોકોને વાંચવાનો કંટાળો આવે છે. પરંતુ, આવું યહોવાહના સાક્ષીઓમાં હોવું ન જોઈએ. બાઇબલ વાંચીને મનન કરવાથી યહોવાહ સાથેનો આપણો સંબંધ વધે છે. મુસા પછી ઈસ્રાએલીઓની આગેવાની લેનાર યહોશુઆને પણ એ જ કહેવામાં આવ્યું હતું. યહોવાહનો આશીર્વાદ મેળવવા માટે તેમણે પણ પરમેશ્વરના વચનો વાંચીને એના પર મનન કરવાનું હતું. (યહોશુઆ ૧:૮; ગીતશાસ્ત્ર ૧:૧, ૨) આજે આપણે પણ પરમેશ્વરના વચનો વાંચવાની જરૂર છે. જોકે, અમુક લોકો ખૂબ ઓછું ભણેલા હોવાથી તેઓને વાંચવાનો કંટાળો આવે છે અથવા, તેઓને એ ખૂબ મુશ્કેલ લાગે છે. તેથી, બાઇબલ વાંચીને એનો અભ્યાસ કરવા માટે આપણને શું મદદ કરી શકે? એનો જવાબ આપણને નીતિવચનો ૨:૧-૬માં લખવામાં આવેલા રાજા સુલેમાનના શબ્દોમાં જોવા મળે છે. આપણે એની ચર્ચા કરીએ તેમ, તમારું બાઇબલ ખુલ્લું રાખો.
૬ નીતિવચનો ૨:૧, ૨ કહે છે: “મારા દીકરા, જો તું મારાં વચનોનો અંગીકાર કરશે, અને મારી આજ્ઞાઓને તારી પાસે સંઘરી રાખીને, જ્ઞાન તરફ તારો કાન ધરશે, અને બુદ્ધિમાં તારૂં મન પરોવશે; . . .” આ સલાહમાંથી આપણે શું શીખી શકીએ? એ બતાવે છે કે બાઇબલનો અભ્યાસ કરવાની જવાબદારી આપણી પોતાની છે. આ કલમ શું કહે છે એની નોંધ કરો: “જો તું મારાં વચનોનો અંગીકાર કરશે.” મોટા ભાગના લોકો પરમેશ્વરના વચનને ધ્યાન આપતા ન હોવાથી, અહીં “અંગીકાર” શબ્દ વાપરવામાં આવ્યો છે. આપણે પરમેશ્વરના વચનમાંથી આનંદ મેળવવો હોય તો, યહોવાહ જે કહે છે એમ ખુશીથી કરવું જોઈએ. તેમ જ, આપણે એને એક ખજાના તરીકે જોવું જોઈએ. આપણે પોતાના જીવનમાં એટલા ન ડૂબી જઈએ કે, બાઇબલ વાંચવાની ફુરસદ જ ન મળે. જો એમ થશે તો, સમય જતાં બાઇબલ વાંચવાનો ઉત્સાહ ઠંડો પડી જશે.—રૂમીઓને પત્ર ૩:૩, ૪.
૭ સભાઓમાં પરમેશ્વરનું શિક્ષણ આપવામાં આવે છે ત્યારે, શું આપણે ‘કાન ધરીને’ સાંભળીએ છીએ? (એફેસી ૪:૨૦, ૨૧) શું આપણે બુદ્ધિ મેળવવા ‘મન પરોવીએ’ છીએ? કદાચ ટોક આપનાર ભાઈ અનુભવી ન હોય તોપણ, તે શીખવતા હોય ત્યારે શું આપણે ધ્યાન દઈને સાંભળીએ છીએ? યહોવાહનું શિક્ષણ લેવા માટે, શક્ય હોય ત્યાં સુધી આપણે સભાઓમાં ધ્યાનથી સાંભળવું જોઈએ. (નીતિવચનો ૧૮:૧) ઈ.સ. ૩૩માં પેન્તેકોસ્તના દિવસે, યરૂશાલેમમાં એક ઘરના ઉપલા માળે જે સભા ભરાઈ હતી એનો વિચાર કરો. એ સભામાં જેઓ આવ્યા ન હતા તેઓ કેવા નિરાશ થયા હશે! જોકે, એવા ચમત્કારો આજે થતા નથી. પરંતુ આજે પણ આપણી સભાઓમાં બાઇબલમાં મળી આવતા યહોવાહના વચનોની ચર્ચા કરવામાં આવે છે. તેથી, સભાઓમાં આપણે ધ્યાનથી સાંભળીશું અને સાથે બાઇબલ ખોલીને વાંચીશું તો, આપણને જરૂર લાભ થશે.—પ્રેરિતોનાં કૃત્યો ૨:૧-૪; હેબ્રી ૧૦:૨૪, ૨૫.
૮ સુલેમાન રાજા આગળ કહે છે: “જો તું વિવેકબુદ્ધિને માટે ઘાંટો પાડશે, અને સમજણ મેળવવાને માટે ખંત રાખશે; . . .” (નીતિવચનો ૨:૩) આ શબ્દો આપણને શું કરવાનું ઉત્તેજન આપે છે? એ આપણને પરમેશ્વરના વચનોને દિલમાં ઉતારવા પ્રેરે છે. એ બતાવે છે કે આપણે વિવેકબુદ્ધિ મેળવવા આતુર હોવા જોઈએ. એમ કરીને આપણે યહોવાહની ઇચ્છા પારખી શકીશું. એ માટે આપણે સખત મહેનત કરવી જોઈએ. સુલેમાન હવે પછી જે સલાહ અને ઉદાહરણો આપે છે એને ધ્યાનમાં લો.—એફેસી ૫:૧૫-૧૭.
૯ તે કહે છે: “જો તું રૂપાની પેઠે તેને ઢૂંઢશે, અને દાટેલા દ્રવ્યની પેઠે તેની શોધ કરશે; . . .” (નીતિવચનો ૨:૪) એ આપણને એવા માણસોની યાદ કરાવે છે જેઓ વર્ષોથી સોના-રૂપાની શોધ કરે છે. અરે, સોના માટે લોકો ખૂન કરતા પણ અચકાતા નથી. ઘણા લોકોએ સોનું શોધવામાં આખું જીવન કાઢી નાખ્યું છે. પરંતુ, સોનાની શું કિંમત છે? કલ્પના કરો કે તમે રણમાં ભૂલા પડ્યા છો. તમે પાણી વગર મરવા પડ્યા છો ત્યારે શાની શોધ કરશો: સોનું કે પાણી? તેમ છતાં, માણસો શું જોઈને સોના પાછળ પડ્યા છે? શું એ જીવન આપી શકે? જ્યારે કે એના ભાવ તો રોજ વધઘટ થતા હોય છે!a શું આપણે પણ પરમેશ્વરનું ડહાપણ, બુદ્ધિ, સમજણ અને તેમની ઇચ્છા જાણવા ઉત્સાહી ન હોવું જોઈએ? એ શોધવાથી આપણને કયા લાભો થઈ શકે?—ગીતશાસ્ત્ર ૧૯:૭-૧૦; નીતિવચનો ૩:૧૩-૧૮.
૧૦ સુલેમાન આગળ કહે છે: “તો તને યહોવાહના ભયની સમજણ પડશે, અને દેવનું જ્ઞાન તારે હાથ લાગશે.” (નીતિવચનો ૨:૫) આપણે અપૂર્ણ માનવીઓ હોવા છતાં, વિશ્વના રાજા યહોવાહ “દેવનું જ્ઞાન” મેળવી શકીએ છીએ, એ કેવી ખુશીની વાત છે! (ગીતશાસ્ત્ર ૭૩:૨૮; પ્રેરિતોનાં કૃત્યો ૪:૨૪) જગતના ફિલોસોફર અને કહેવાતા જ્ઞાનીઓએ સદીઓથી જીવનનો હેતુ અને વિશ્વની શરૂઆત વિષે જાણવા પ્રયત્ન કર્યો છે. તેમ છતાં, તેઓએ ક્યારેય “દેવનું જ્ઞાન” જાણવા પ્રયત્નો કર્યા નથી. શા માટે? કેમ કે તેઓ બાઇબલને એકદમ તુચ્છ ગણે છે, કે જેમાં યહોવાહે સદીઓ પહેલેથી પોતાનું જ્ઞાન જણાવ્યું છે. તેથી, તેઓ બાઇબલનો સંદેશો સમજવામાં નિષ્ફળ ગયા છે.—૧ કોરીંથી ૧:૧૮-૨૧.
૧૧ સુલેમાન રાજા બીજી એક બાબત પર ભાર મૂકે છે: “યહોવાહ જ્ઞાન આપે છે; તેના મુખમાંથી વિદ્યા તથા બુદ્ધિ નીકળે છે.” (નીતિવચનો ૨:૬) જેઓ યહોવાહને શોધે છે તેઓને તે ઉદારતાથી ડહાપણ, જ્ઞાન અને બુદ્ધિ આપે છે. જોકે, બાઇબલનો નિયમિત અભ્યાસ કરવા, આપણે સમય કાઢવો પડે છે અને એ મહેનત માંગી લે છે. પરંતુ એમ કરવાથી ખરેખર આપણને ઘણા જ ફાયદા થાય છે. વિચાર કરો, કે આજે આપણી પાસે તો આખું બાઇબલ છે. જ્યારે પ્રાચીન સમયમાં તો ઘણા લોકોને એ હાથેથી લખવું પડતું હતું!—પુનર્નિયમ ૧૭:૧૮, ૧૯.
યહોવાહના યોગ્ય સેવક બનીએ
૧૨ જાતે બાઇબલનો અભ્યાસ કરવા પાછળ કયો હેતુ હોવો જોઈએ? શું આપણે એવો દેખાડો કરવા માગીએ છીએ કે આપણને તો બાઇબલનું બધું જ જ્ઞાન છે? કે પછી, આપણે બીજાઓથી ચઢિયાતા દેખાવા માગીએ છીએ? બિલકુલ નહીં. આપણો હેતુ ખ્રિસ્તી ધોરણો પ્રમાણે જીવવાનો હોવો જોઈએ. જેથી આપણે ઈસુ ખ્રિસ્તની જેમ હંમેશાં બીજાઓને મદદ કરવા તૈયાર રહીએ અને તેઓને ઉત્તેજન આપીએ. (માત્થી ૧૧:૨૮-૩૦) પ્રેષિત પાઊલે કહ્યું: “જ્ઞાન માણસને ગર્વિષ્ઠ કરે છે, પણ પ્રીતિ તેની ઉન્નતિ કરે છે.” (૧ કોરીંથી ૮:૧) તેથી, આપણે મુસાની જેમ નમ્ર રહેવું જોઈએ. તેમણે યહોવાહને કહ્યું: “કૃપા કરીને મને તારા માર્ગ જણાવજે, કે હું તને ઓળખું, એ માટે કે હું તારી દૃષ્ટિમાં કૃપા પામું.” (નિર્ગમન ૩૩:૧૩) પરમેશ્વરના નમ્ર અને યોગ્ય સેવક બનવાની આપણા દિલમાં ભાવના હોવી જોઈએ. હા, આપણે માણસોને નહિ પણ યહોવાહને પસંદ પડે એવું જ્ઞાન લેવું જોઈએ. આપણે એ કઈ રીતે કરી શકીએ?
૧૩ પરમેશ્વરને પસંદ પડે એવા સેવક થવા માટે પાઊલે તીમોથીને સલાહ આપી: “જેને શરમાવાનું કંઈ કારણ ન હોય એવી રીતે કામ કરનાર સત્યનાં વચન સ્પષ્ટતાથી સમજાવનાર, અને દેવને પસંદ પડે એવો સેવક થવાને પ્રયત્ન કર.” (૨ તીમોથી ૨:૧૫) મૂળ ગ્રીક ભાષામાં “સ્પષ્ટતાથી સમજાવનાર” એટલે “સીધું કાપવું” થાય છે. (કીંગડમ ઈન્ટરલીન્યર) અમુક વિદ્વાનો પ્રમાણે, આ શબ્દો એવું બતાવે છે કે જાણે દરજી માપ પ્રમાણે સીધું કાપડ કાપતો હોય અથવા ખેડૂત સીધી લાઈનમાં જ ખોદતો હોય એમ એકદમ સીધી રીતે સમજાવવું. પાઊલ પણ તીમોથીને એ જ કહેતા હતા કે, પરમેશ્વરને પસંદ પડે એવા સેવક થવા તેમણે બાઇબલ સત્ય પ્રમાણે જીવવાની અને સ્પષ્ટતાથી શીખવવાની જરૂર હતી.—૧ તીમોથી ૪:૧૬.
૧૪ એવી જ રીતે, પાઊલે કોલોસીના ખ્રિસ્તીઓને ‘સર્વ સારાં કામમાં ફળ ઉપજાવવા,’ અને યહોવાહના જ્ઞાનમાં વધીને તેમને પ્રસન્ન પડે એવી રીતે વર્તવા વિનંતી કરી. (કોલોસી ૧:૧૦) અહીં પાઊલે યહોવાહની ઇચ્છા પ્રમાણે ચાલવા માટે ‘સારાં કામમાં ફળ ઉપજાવાનું અને દેવના જ્ઞાનમાં વધતા જવાનું’ ઉત્તેજન આપ્યું. બીજા શબ્દોમાં કહીએ તો, આપણે કેટલું જાણીએ છીએ એ મહત્ત્વનું નથી. પરંતુ, જીવનમાં કેટલું ઉતારીએ છીએ એ યહોવાહની નજરમાં મહત્ત્વનું છે. (રૂમીઓને પત્ર ૨:૨૧, ૨૨) પરમેશ્વરને પસંદ પડે એ રીતે આપણે જીવવા ઇચ્છતા હોય તો, બાઇબલનો અભ્યાસ કર્યા પછી આપણી વાણી અને વર્તનમાં એની ઊંડી અસર પડવી જોઈએ.
૧૫ આજે શેતાન આપણા વિચારોને ભ્રષ્ટ કરીને આપણને વિશ્વાસમાં તોડવા માંગે છે. (રૂમીઓને પત્ર ૭:૧૪-૨૫) તેથી, યહોવાહની ઇચ્છા પ્રમાણે ચાલવા માટે આપણે આપણા વિચારો કાબૂમાં રાખવા જોઈએ. આપણી પાસે ‘દેવનું જ્ઞાન છે,’ જે એક બખ્તર જેવું છે. એ આપણું રક્ષણ કરે છે અને દરેક ભ્રષ્ટ ‘વિચારોને વશ કરીને ખ્રિસ્તની આધીનતામાં લાવે’ છે. તેથી, આપણા મનમાંથી ખોટા અને સ્વાર્થી વિચારો કાઢી નાખવા હોય તો, આપણે દરરોજ બાઇબલનો અભ્યાસ કરીએ એ ખૂબ જ જરૂરી છે.—૨ કોરીંથી ૧૦:૫.
બાઇબલ સમજણ માટે મદદ
૧૬ યહોવાહના શિક્ષણથી આપણને દરેક રીતે લાભ થાય છે. કેમ કે એમાં જીવનમાં મદદ કરે એવી સારી સલાહ આપવામાં આવી છે. તે આપણને કહે છે: “હું યહોવાહ તારો દેવ છું, ને તારા લાભને અર્થે હું તને શીખવું છું; જે માર્ગે તારે જવું જોઈએ તે પર તારો ચલાવનાર હું છું.” (યશાયાહ ૪૮:૧૭) યહોવાહ કઈ રીતે આપણને સત્યના માર્ગે ચાલતા શીખવે છે? આજે આપણી પાસે તેમનું પવિત્ર બાઇબલ છે. એ આપણું મુખ્ય પુસ્તક છે, જેનો આપણે વારંવાર ઉપયોગ કરીએ છીએ. તેથી સભાઓમાં બાઇબલ ખોલીને વાંચવાથી આપણને ઘણો જ લાભ થશે. પ્રેરિતોના કૃત્યોના આઠમા અધ્યાયમાં જે રીતે હબશી ખોજાને બાઇબલ વાંચવાથી લાભ થયો એ રીતે આપણને પણ થઈ શકે.
૧૭ હબશી ખોજો પોતાનો ધર્મ છોડીને યહુદી બન્યો હતો. તે સાચા દિલથી પરમેશ્વરમાં માનતો હતો. તેમ જ તે બાઇબલનો અભ્યાસ પણ કરતો હતો. તે રથમાં મુસાફરી કરતી વખતે યશાયાહનું પુસ્તક વાંચતો હતો. એ સમયે ફિલિપે દોડી આવીને તેને પૂછ્યું: “તું જે વાંચે છે તે શું તું સમજે છે?” ખોજાએ ફિલિપને કહ્યું: “કોઈના સમજાવ્યા સિવાય હું કેમ કરીને સમજી શકું? ત્યારે તેણે ફિલિપને વિનંતી કરી, કે ઉપર ચઢીને મારી પાસે બેસ.” પછી, ફિલિપે પવિત્ર આત્માની મદદથી હબશી ખોજાને યશાયાહની ભવિષ્યવાણી સમજવા મદદ કરી. (પ્રેરિતોનાં કૃત્યો ૮:૨૭-૩૫) આ બતાવે છે કે આપણે એકલા બાઇબલનું વાંચન કરીએ એટલું જ પૂરતું નથી. આજે યહોવાહ પોતાના પવિત્ર આત્માથી વિશ્વાસુ અને શાણા ચાકર દ્વારા, આપણને સમયસર તેમનું સત્ય સમજવા મદદ કરે છે.—માત્થી ૨૪:૪૫-૪૭; લુક ૧૨:૪૨.
૧૮ વિશ્વાસુ અને શાણો ચાકર વર્ગ, “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” તરીકે પણ ઓળખાય છે. પરંતુ, ઈસુએ એવું કહ્યું ન હતું કે તેઓ કદી ભૂલ નહીં કરે. તેઓ પૃથ્વી પર છે ત્યાં સુધી આપણી માફક અપૂર્ણ છે. પ્રથમ સદીના ખ્રિસ્તીઓની જેમ, તેઓ પણ કોઈ વાર અજાણતા ભૂલ કરી બેસે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૯-૧૫; ગલાતી ૨:૮, ૧૧-૧૪) તેમ છતાં યહોવાહ તેઓનો ઉપયોગ કરે છે. તેઓ દ્વારા આપણને બાઇબલ સાહિત્યો પૂરા પાડવામાં આવે છે. આપણે એનો ઉપયોગ કરીશું તો, યહોવાહ અને તેમના વચનોમાં આપણો વિશ્વાસ વધતો રહેશે. એમ કરવા ચાકર વર્ગે આપણા માટે ન્યૂ વર્લ્ડ ટ્રાંસલેશન ઑફ ધ હોલી સ્ક્રિપ્ચર્સ બાઇબલ પૂરું પાડ્યું છે, જેનો આપણે જાતે અભ્યાસ કરવો જોઈએ. આજે આ બાઇબલ આખું કે અડધું ૪૨ ભાષાઓમાં મળી આવે છે અને એની ૧૧૪ કરોડ પ્રતો છપાઈ છે. આપણે એનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ?—૨ તીમોથી ૩:૧૪-૧૭.
૧૯ દાખલા તરીકે, ન્યૂ વર્લ્ડ ટ્રાંસલેશન ઑફ ધ હોલી સ્ક્રિપ્ચર્સ—વીથ રેફરન્સીસમાં ઘણી માહિતી જોવા મળે છે. એમાં માહિતીને એકબીજા સાથે સરખાવવા માટે કોલમ અને ફૂટનોટ પણ છે. તેમ જ, એમાં “બાઇબલ વડ્ર્સ ઇન્ડેક્ષ” અને “ફૂટનોટ વડ્ર્સ ઇન્ડેક્ષ” તથા એપેન્ડીક્ષ પણ છે. એમાં ૪૩ વિષયો પર ચર્ચા કરવામાં આવી છે. આ બાઇબલમાં નકશાઓ અને ચાર્ટ્સ પણ આપવામાં આવ્યા છે. આ બાઇબલ ભાષાંતર કરવામાં બીજા અનેક બાઇબલો અને પુરાવાઓ વાપરવામાં આવ્યા છે, એની સમજણ એની ‘પ્રસ્તાવનામાં’ આપેલી છે. આ બાઇબલ તમે કોઈ પણ ભાષામાં વાંચી શકતા હોવ તો, એનો ઉપયોગ કરો. આપણા દરેક અભ્યાસમાં બાઇબલ સૌથી મહત્ત્વનું છે. ન્યૂ વર્લ્ડ ટ્રાંસલેશન પરમેશ્વરના રાજ્ય પર ભાર મૂકે છે અને તેમના નામનો ઉલ્લેખ કરે છે.—ગીતશાસ્ત્ર ૧૪૯:૧-૯; દાનીયેલ ૨:૪૪; માત્થી ૬:૯, ૧૦.
૨૦ આપણે આ પ્રશ્નો પર વિચાર કરવો જોઈએ: ‘બાઇબલ સમજવા આપણને હજી શાની જરૂર છે? બાઇબલનો અભ્યાસ કરવા કઈ રીતે આપણે સમય કાઢી શકીએ? એના અભ્યાસથી કઈ રીતે આપણને લાભ થઈ શકે? આપણા અભ્યાસની બીજાઓ પર કેવી અસર થવી જોઈએ?’ હવે પછીના લેખમાં આ પ્રશ્નોના જવાબ આપવામાં આવશે.
[ફુટનોટ]
a વર્ષ ૧૯૭૯થી સોનાની કિંમતમાં ઘણી વધઘટ જોવા મળી છે. વર્ષ ૧૯૮૦માં અઢી તોલા સોનાની કિંમત ૮૫૦ ડૉલર હતી અને ૧૯૯૯માં ૨૫૨.૮૦ ડૉલર થઈ ગઈ.
શું તમને યાદ છે?
• “મનન” કરવાનો શું અર્થ થાય?
• બાઇબલનો અભ્યાસ કરવા વિષે આપણું કેવું વલણ હોવું જોઈએ?
• આપણે કયા હેતુથી જાતે અભ્યાસ કરવો જોઈએ?
• આપણે કઈ રીતે બાઇબલની ઊંડી સમજ મેળવી શકીએ?
[અભ્યાસ પ્રશ્નો]
૧, ૨. (ક) શા માટે આપણે મનન કરવા સમય કાઢવો જોઈએ? (ખ) મનન કરવાનો શું અર્થ થાય?
૩. પરમેશ્વરના શિક્ષણમાં પ્રગતિ કરવા આપણે શું કરવું જોઈએ?
૪. તમે યહોવાહનાં વચનો પર મનન કરવા શાનો ઉપયોગ કરશો?
૫. આપણે શા માટે બાઇબલનો જાતે અભ્યાસ કરવો જોઈએ?
૬. પરમેશ્વરનું સત્ય શીખવું હોય તો શું કરવું જોઈએ?
૭. શા માટે આપણે સભાઓમાં ધ્યાનથી સાંભળવું જોઈએ?
૮, ૯. (ક) જાતે અભ્યાસ કરવામાં આપણે શું કરવું જોઈએ? (ખ) પરમેશ્વરના શિક્ષણ સામે સોનાની શું કિંમત છે?
૧૦. બાઇબલનો અભ્યાસ કરવાથી આપણે શું મેળવી શકીશું?
૧૧. જાતે બાઇબલનો અભ્યાસ કરવાથી કયા લાભો થાય છે?
૧૨. બાઇબલનો અભ્યાસ કરવાનો આપણો શું હેતુ હોવો જોઈએ?
૧૩. પરમેશ્વરને પસંદ પડે એવા સેવક બનવા આપણે શું કરવું જોઈએ?
૧૪. જાતે બાઇબલનો અભ્યાસ કરવાથી આપણા પર કેવી અસર થવી જોઈએ?
૧૫. આપણે ખોટા વિચારોને કઈ રીતે કાબૂમાં રાખી શકીએ?
૧૬. યહોવાહના શિક્ષણમાંથી આપણે કઈ રીતે લાભ મેળવી શકીએ?
૧૭. હબશી ખોજાના અનુભવમાંથી આપણે શું શીખી શકીએ?
૧૮. વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકરે આપણા માટે શું પૂરું પાડ્યું છે?
૧૯. ન્યૂ વર્લ્ડ ટ્રાંસલેશનના અમુક ઉપયોગી પાસાઓ કયા છે?
૨૦. બાઇબલનો અભ્યાસ કરવા વિષે પોતાને કયા પ્રશ્નો પૂછવા જોઈએ?
[પાન ૧૫ પર ચિત્ર]
બેથેલમાં ભાઈબહેનો દરરોજ સવારે દૈનિક વચન પર ચર્ચા કરીને દિવસનું કામ શરૂ કરે છે
[પાન ૧૫ પર ચિત્રો]
મુસાફરી કરતી વખતે બાઇબલ કૅસેટ સાંભળીને સમયનો સદુપયોગ કરીએ
[પાન ૧૬ પર ચિત્ર]
માણસોએ વર્ષોથી સોનું મેળવવા ઘણી મહેનત કરી છે. તમે બાઇબલનો અભ્યાસ કરવા કેટલી મહેનત કરો છો?
[ક્રેડીટ લાઈન]
Courtesy of California State Parks, 2002
[પાન ૧૭ પર ચિત્રો]
બાઇબલ એક ખજાનો છે, જે અનંતજીવન તરફ દોરી જાય છે