યહોવાહના હાથની રચના સુંદર છે
‘પર્વતો કરતાં તમે ઘણા મહાન છો’
ફૂજી પર્વત પર પ્રભાતના સૂર્યનાં કુમળાં કિરણોની છાપ કદી ભૂલાય નહિ એવી હોય છે. સૂર્યના સોનેરી રંગો હિમપર્વત પર ઢોળાય છે ત્યારે, એ દૃશ્ય ખરેખર યાદ રહી જાય એવું હોય છે. જેમ જેમ દિવસ ઊગતો જાય છે, તેમ તેમ પર્વતોનો પડછાયો પણ ડુંગરો અને ખીણોમાં પાથરતો જાય છે.
ફૂજી પર્વતનો અર્થ થાય, ‘એના જેવો કોઈ પર્વત નથી.’ ખરેખર, આપણે જ્યારે ઊંચા ઊંચા પર્વતો જોઈએ છીએ ત્યારે મોંમા આંગળા નાખી જઈએ છીએ. એને જોઈને આપણને એમ થાય કે, અરે! આની સરખામણીમાં તો આપણે કંઈ જ નથી! ઘણા પર્વતોના શિખરો તો વાદળોને પણ ટપી જાય એવા હોય છે. એક જમાનામાં લોકો એવું માનતા હતા કે એવા પર્વતોની ટોચ પર દેવ-દેવીઓ રહે છે.
પરમેશ્વર યહોવાહ જ સર્વ “પર્વતોનો રચનાર” છે. (આમોસ ૪:૧૩) પૃથ્વીનો પચીસ ટકા ભાગ લગભગ પર્વતોથી બનેલો છે. પર્વતમાળાઓની સુંદર રચના ફક્ત યહોવાહે જ કરી છે. યહોવાહે તેમની શક્તિથી આ મહાન પર્વતો બનાવ્યા છે. (ગીતશાસ્ત્ર ૯૫:૪) દાખલા તરીકે હિમાલયની અને એન્ડીઝની પર્વતમાળાઓ ધરતીના ઊંડાણમાં હલનચલન થાય છે એનાથી રચાયેલા છે.
પર્વતો કઈ રીતે બન્યા અને શા માટે બનાવવામાં આવ્યા, એ હજુ પણ આપણે પૂરેપૂરી રીતે સમજી શકતા નથી. યહોવાહે અયૂબને જે પ્રશ્નો પૂછ્યા એનો જવાબ આપણે જાણી શકતા નથી: ‘મેં પૃથ્વીનો પાયો નાખ્યો ત્યારે તું ક્યાં હતો? એના મજબૂત પાયા શાની ઉપર નાખવામાં આવ્યા છે?’—યોબ ૩૮:૪-૬, IBSI.
આપણે એ જાણીએ છીએ કે આપણું જીવન પર્વતો પર નભે છે. પર્વતોને પાણીના ગોદામ પણ કહેવામાં આવે છે. મોટા ભાગની નદીઓનું પાણી પર્વતોમાંથી વહે છે. (ગીતશાસ્ત્ર ૧૦૪:૧૩) ન્યૂઝ સાયંટિસ્ટ મૅગેઝિનનું કહેવું છે કે ‘અનાજના મુખ્ય ૨૦ જાતના છોડમાંથી, ૬ જાતના છોડ પર્વતો પર ઊગે છે.’ પરમેશ્વર જ્યારે આ પૃથ્વીને સુંદર બનાવી દેશે, ત્યારે તો “પર્વતોનાં શિખરો પર પણ પુષ્કળ ધાન્ય પાકશે.”—ગીતશાસ્ત્ર ૭૨:૧૬; ૨ પીતર ૩:૧૩.
પર્વતોની વાત થાય છે ત્યારે યૂરોપના આલ્પનો પણ વિચાર આવે છે. ખાસ કરીને સીવેટા પર્વતની શિખર કે જે આ મોટા ચિત્રમાં બતાવવામાં આવી છે, એ આપણને પરમેશ્વર યાદ અપાવે છે. (ગીતશાસ્ત્ર ૯૮:૮) હા, પર્વતો યહોવાહની સ્તુતિ કરે છે, કેમ કે તેમણે “પોતાને બળે પર્વતો સ્થાપ્યા છે.”—ગીતશાસ્ત્ર ૬૫:૬.a
આલ્પ પર્વતોની સુંદરતા આપણે જોતા જ રહી જઈએ છીએ. જામી ગયેલા બરફ, હિમથી ઢંકાયેલા પર્વતોના મુગટ. એ ઉપરાંત આજુબાજુની ઊંડી ખીણો અને ખળખળ વહેતી નદીઓ. તેમ જ ચારે બાજુ લીલાંછમ ઝાડપાન જોવા મળે છે. આ બધાના રચનાર યહોવાહ, “પહાડો પર ઘાસ ઉગાવે છે.”—ગીતશાસ્ત્ર ૧૪૭:૮.
ચીનમાં આવેલા કૂઈલિન પહાડો, કદાચ આલ્પના પર્વતો જેવા અજોડ નહિ લાગે. પણ એનીયે સુંદરતા છે. લાઈ નદીના કિનારે આ સુંદર પર્વતમાળા આવેલી છે. આ પહાડો પરથી ચાંદી જેવા ચોખ્ખા પાણીના ઝરણા વહેતા જોઈને, બાઇબલના શબ્દો યાદ આવે છે, કે યહોવાહ “ખીણોમાં ઝરા ફોડે છે; તેઓ ડુંગરોની વચ્ચે વહે છે.”—ગીતશાસ્ત્ર ૧૦૪:૧૦.
ખરેખર, પર્વતો જોઈને આપણે મોંમા આંગળા નાખી જઈએ છીએ. આપણને ખબર છે કે પરમેશ્વરે આપણા ભલા માટે એને બનાવ્યા છે. પર્વતો ભલે ગમે એટલા મહાન હોય, તોપણ એ પરમેશ્વર યહોવાહની સરખામણીમાં તો કંઈ જ નથી. યહોવાહ ‘મહિમાવાન ઈશ્વર છે, અવિચળ પર્વતો કરતાં અધિક મહિમા તેમનો છે.’—ગીતશાસ્ત્ર ૭૬:૪, IBSI.
[ફુટનોટ]
a યહોવાહના સાક્ષીઓના ૨૦૦૪ના કૅલેન્ડરમાં માર્ચ અને એપ્રિલ મહિનાઓ જુઓ.
[પાન ૯ પર બોક્સ/ચિત્ર]
પૃથ્વીના દસ ટકા લોકો પહાડી જગ્યાઓમાં રહે છે. તેમ છતાં તેઓને મળીને શુભસંદેશો જણાવી શકાય છે. યહોવાહના સેવકો પહાડો પર પ્રચાર કામ કરવા માટે સખત મહેનત કરે છે. “જે વધામણી લાવે છે, જે શાંતિની વાત સંભળાવે છે, જે કલ્યાણની વધામણી લાવે છે, જે તારણની વાત સંભળાવે છે, જે સિયોનને કહે છે, કે તારો દેવ રાજ કરે છે, તેના પગ પર્વતો પર કેવા શોભાયમાન છે!”—યશાયાહ ૫૨:૭.
“ઊંચા પર્વતો રાની બકરાઓનો અને ખડકો સસલાંનો આશરો છે,” એવું ગીતશાસ્ત્રના એક કવિએ કહ્યું. (ગીતશાસ્ત્ર ૧૦૪:૧૮) પર્વતો પર આ સુંદર શિંગડાવાળી બકરીઓ રહે છે. બધા જાનવરો કરતાં ચાલવામાં ચપળ હોય છે. માનવામાં નહિ આવે, પણ તેઓ પર્વતના કિનારાની ધારે ધારે પણ ચાલી શકે છે. કોઈ પહોંચી ન શકે એવી જગ્યાએ આ બકરીઓ જઈ શકે છે. તેઓના પગના તળિયાની રચનાને કારણે એવી રીતે ચાલી શકે છે. આ બકરીના વજનથી પગ પહોળા પણ થઈ શકે જેથી એ પથ્થરની ધારે ઊભી હોય તોપણ ડગુમગુ ન થાય. ખરેખર આ બકરીઓની રચના પણ સુંદર છે!
[પાન ૯ પર ચિત્ર]
જાપાનનો ફૂજી પર્વત