જીવનમાં તમને શું કરવું છે?
‘જે માણસને તેની મંજિલ ખબર નથી, તે પવનથી આમ-તેમ ઊછળતા દરિયાનાં મોજાં જેવો છે.’ માનવામાં આવે છે કે આ શબ્દો પહેલી સદીના રોમન ફિલસૂફે કહ્યા હતા. પણ એ શબ્દો એક સચ્ચાઈ રજૂ કરે છે, કે જીવનમાં સફળ થવા માટે આપણી મંજિલ ખબર હોવી જ જોઈએ.
બાઇબલ એવા ઈશ્વર ભક્તોના અનુભવો જણાવે છે જેઓએ જીવન સફળ બનાવ્યું અને ઈશ્વરના આશીર્વાદો મેળવ્યા. કઈ રીતે? નુહે આશરે પચાસેક વર્ષ વહાણ બાંધવામાં કાઢ્યા, જેથી પોતાના કુટુંબને બચાવી શકે. મુસાએ ‘જે ફળ મળવાનું હતું તે તરફ જ લક્ષ રાખ્યું.’ (હેબ્રી ૧૧:૭, ૨૬) મુસા પછી યહોશુઆ આવ્યો. તેને ઈશ્વરે ધ્યેય આપ્યો હતો, કે કનાન દેશ પર જીત મેળવવી.—પુનર્નિયમ ૩:૨૧, ૨૨, ૨૮; યહોશુઆ ૧૨:૭-૨૪.
“રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે,” આ ઈસુના શબ્દોએ પહેલી સદીમાં ઈશ્વરભક્ત પાઊલના જીવનને નવો જ વળાંક આપ્યો. (માત્થી ૨૪:૧૪) ઈસુએ પોતે પાઊલને સંદેશા આપ્યા અને દર્શન દીધું. ઈસુએ તેમને ઉત્તેજન આપ્યું કે ‘વિદેશીઓમાં મારું નામ પ્રગટ કર.’ પાઊલને એશિયા માઇનોર અને યુરોપમાં મંડળો શરૂ કરવાનો મોટો આશીર્વાદ મળ્યો.—પ્રેરિતોનાં કૃત્યો ૯:૧૫; કોલોસી ૧:૨૩.
યહોવાહના ભક્તોએ મોટા મોટા ધ્યેયો બાંધ્યા છે ને પૂરા પણ કર્યા છે. આ રીતે તેઓએ યહોવાહનું નામ રોશન કર્યું છે. આજે આપણે કઈ રીતે એવા ધ્યેયો બાંધી શકીએ? એ પૂરા કરવા શું કરવું જોઈએ?
તમે શા માટે ધ્યેયો બાંધો છો?
આજ-કાલ જીવનમાં દરેક વાતનો ધ્યેય બાંધી શકાય છે. આજની દુનિયામાં એવા ઘણા લોકો છે, જેઓ મોટા મોટા ધ્યેયો બાંધે છે. આપણે એવા ધ્યેયોની વાત કરતા નથી. આજે દુનિયામાં લોકોને ક્યાં તો ધનદોલતનો મોહ હોય છે, અથવા સત્તાની ભૂખ હોય છે. આપણે એવા ધ્યેયોનો પણ વિચાર કરવો નથી. આપણે તો એવા ધ્યેયો બાંધવા છે, જેનાથી યહોવાહનું નામ ચમકી ઊઠે અને આપણી ભક્તિ ફળે. (માત્થી ૬:૩૩) એવા ધ્યેયો પાછળ આપણા દિલમાંથી વહેતી ઈશ્વરની પ્રીત છે, લોકો માટેનો આપણા દિલમાંનો પ્રેમ છે.—માત્થી ૨૨:૩૭-૩૯; ૧ તીમોથી ૪:૭.
ચાલો આપણે ચોખ્ખા મનથી ધ્યેયો બાંધીએ. ભલે પછી એ યહોવાહની ભક્તિ વધારે સારી રીતે કરવાનો હોય, કે પછી એમાં વધારે સમય આપવાનો હોય. સાથે સાથે એવું પણ નથી કે બધા જ ધ્યેયો પૂરા થાય છે. ચાલો આપણે જોઈએ કે કઈ રીતે ધ્યેયો બાંધી શકાય અને એને પૂરા કરી શકાય.
જે શરૂ કરો એ ચોક્કસ પૂરું કરો
યહોવાહે કઈ રીતે વિશ્વ બનાવવાનો ધ્યેય પૂરો કર્યો? “સાંજ થઈ તથા સવાર થઈ,” એમ કહીને યહોવાહે એક પછી બીજી ઉત્પત્તિ પૂરી થવાના સમયની નોંધ લીધી. (ઉત્પત્તિ ૧:૫, ૮, ૧૩, ૧૯, ૨૩, ૩૧) દરેક દિવસની શરૂઆતમાં, તેમની નજર સામે પોતાનો ધ્યેય નક્કી હતો. ઈશ્વરે બરાબર એ જ પ્રમાણે ઉત્પત્તિ કરીને પોતાનો ધ્યેય પૂરો કર્યો. (પ્રકટીકરણ ૪:૧૧) ઈશ્વરભક્ત અયૂબે કહ્યું, કે ‘યહોવાહ જે ઇચ્છે છે તે જ તે કરે છે.’ (અયૂબ ૨૩:૧૩) યહોવાહે ‘જે સર્વ ઉત્પન્ન કર્યું તે જોયું’ અને એ ખૂબ સુંદર હતું. એનાથી ઈશ્વરને કેટલો સંતોષ મળ્યો હશે!—ઉત્પત્તિ ૧:૩૧.
આપણે પણ ધ્યેય બાંધીએ પછી, ઊઠીએ, જાગીએ અને એ પૂરો ન થાય ત્યાં સુધી જંપીને બેસીએ નહિ. આપણને એવી પ્રેરણા કઈ રીતે મળી શકે? યહોવાહે બધું ઉત્પન્ન કર્યું એ પહેલાં, પૃથ્વી પર ન તો કંઈ હતું કે ન તો કોઈ આકાર હતો. તોપણ યહોવાહ પોતાનો ધ્યેય પૂરો થાય પછીની, સુંદર રત્ન જેવી પૃથ્વીની કલ્પના કરી શકતા હતા. એ જ રીતે આપણો ધ્યેય પૂરો કરવાની પ્રેરણા મેળવવા આપણે એના આશીર્વાદોનો વિચાર કરીએ. ટોની ૧૯ વર્ષનો છે, જેને એવો જ અનુભવ થયો. યુરોપમાં યહોવાહના સાક્ષીઓની બ્રાંચ ઑફિસ કે બેથેલમાં તે પહેલી વાર ગયો, ત્યારનો અનુભવ તે કદી ભૂલ્યો નહિ. ટોનીના મનમાં એક જ સવાલ રમતો હતો, ‘એવી જગ્યાએ રહેવાનું અને યહોવાહની સેવા કરવાનું હોય તો કેવું સારું?’ ટોની એનો વિચાર કરતો જ રહ્યો. એટલું જ નહિ, એ ધ્યેય પૂરો કરવા પોતાના જીવનમાં એક પછી એક ફેરફાર કરતો રહ્યો. અમુક વર્ષો પછી, તેણે બેથેલમાં સેવા આપવા અરજી કરી, એનો સ્વીકાર થયો. ટોનીના આનંદનો કોઈ પાર ન રહ્યો!
જેઓએ ધ્યેયો બાંધીને પૂરા કર્યા છે, તેઓ પાસેથી પણ આપણને પ્રેરણા મળી શકે. ત્રીસ વર્ષના જેસનનો અનુભવ લો. તે નાનો હતો ત્યારે તેને પ્રચારમાં જવાનું જરાય ગમતું નહિ. હાઇસ્કૂલ પૂરી કર્યા પછી તે પાયોનિયર બન્યો અને ઘણો પ્રચાર કરવા લાગ્યો. આ ચમત્કાર કઈ રીતે થયો? જેસન કહે છે: “મેં પાયોનિયરો સાથે વાતચીત કરી. તેઓ સાથે હું વારંવાર પ્રચારમાં ગયો. એટલે જેવો સંગ તેવો રંગ લાગ્યો.”
ધ્યેયો લખી લેવા
ભલે મનમાં કોઈ આઇડિયા હોય, પણ એને પેપર પર પેનથી લખી લેવાથી એ ચોખ્ખો દેખાઈ આવે છે. રાજા સુલેમાને કહ્યું હતું કે બળદને જેમ આરથી દોરવામાં આવે છે, તેમ યોગ્ય શબ્દો જીવનની સફરનો માર્ગ ચીંધી શકે છે. (સભાશિક્ષક ૧૨:૧૧) જ્યારે એ શબ્દો લખી લઈએ, ત્યારે જાણે એ આપણા દિલોદિમાગ પર કોતરાઈ જાય છે. એટલે જ તો યહોવાહે ઈસ્રાએલના રાજાઓને આજ્ઞા આપી કે તેઓ પોતે નિયમશાસ્ત્રની નકલ ઉતારે. (પુનર્નિયમ ૧૭:૧૮) તેથી, આપણે પણ આપણા ધ્યેયો લખી લઈએ; એમાં આવનારી મુશ્કેલીઓ અને એનો જવાબ પણ લખી લઈ શકીએ. વળી, એ ધ્યેય પૂરો કરવા કઈ માહિતી જાણવાની જરૂર છે, કેવી આવડત કેળવવી જોઈએ અને કોની પાસેથી મદદ લઈ શકાય, એ બધાનો પણ વિચાર કરીએ.
એશિયામાં લાંબા સમયથી સ્પેશિયલ પાયોનિયર સેવા આપનાર જેફરીનો વિચાર કરો. યહોવાહની સેવામાં ધ્યેયો બાંધવાથી તેમને ખૂબ જ મદદ મળી. તેમની વહાલી પત્ની અચાનક જ ગુજરી ગઈ ત્યારે, તેમનું જીવન સૂનું સૂનું થઈ ગયું. એ દુઃખમાંથી માંડ માંડ બહાર આવ્યા પછી, જેફરીએ નક્કી કર્યું કે પોતે ધ્યેયો બાંધશે જેથી પાયોનિયર સેવામાં પૂરેપૂરા ડૂબી જઈ શકે. તેમણે ધ્યેયો લખી લીધા અને ઈશ્વરને મદદ માટે વિનંતી કરી. પહેલો ધ્યેય હતો કે મહિનાને અંતે એવી ત્રણ વ્યક્તિઓને શોધી કાઢવી, જેઓ બાઇબલ શીખવા માંગતી હોય. એ ભાઈ દરરોજ પોતાની સેવા પર નજર નાખતા. દર દસ દિવસે જોતા કે પોતે કેવી પ્રગતિ કરી છે. શું તેમણે પોતાનો ધ્યેય પૂરો કર્યો? હા, તેમની ખુશીનો કોઈ પાર ન હતો, જ્યારે તેમણે એવી ચાર વ્યક્તિનો રિપોર્ટ આપ્યો!
નાના નાના ધ્યેયો બાંધો
અમુક ધ્યેયો જાણે દસમે માળે પગથિયાં ચઢીને જવાનું હોય એવા લાગે. આગળ આપણે ટોનીનો અનુભવ જોયો. તેને યહોવાહના સાક્ષીઓની બ્રાંચમાં સેવા આપવાનું સપના જેવું લાગ્યું. તેણે જીવનમાં ઘણા ફેરફારો કરવાની જરૂર હતી. અરે, હજુ તે બાપ્તિસ્મા પણ પામ્યો ન હતો. ટોનીએ ધ્યેય બાંધ્યો કે પોતે ચોક્કસ જીવનમાં ફેરફારો કરીને યહોવાહની ભક્તિ કરશે. બાપ્તિસ્મા પામ્યા પછી, તેણે સહાયક અને રેગ્યુલર પાયોનિયર સેવાના ધ્યેય બાંધ્યા. દરેક ધ્યેય શરૂ કરવાની તારીખ તેણે નક્કી કરી. થોડો સમય પાયોનિયર સેવા આપ્યા પછી, તેણે બેથેલમાં સેવા આપવાનો ધ્યેય બાંધ્યો.
આપણે પણ મોટા ધ્યેયોને નાના નાના ધ્યેયોમાં વહેંચી નાખીએ. એનાથી કોઈ મોટો ધ્યેય પૂરો કરવા ઉત્તેજન મળે છે. આ રીતે આપણી પ્રગતિ પર નજર રાખી શકાય છે અને આપણું ધ્યાન પણ ધ્યેય પર જડાઈ જાય છે. આપણો ધ્યેય પૂરો કરવા માટે વારંવાર યહોવાહને મદદ માટે કાલાવાલા પણ કરીએ. એટલે જ ઈશ્વરભક્ત પાઊલે કહ્યું કે “નિત્ય પ્રાર્થના કરો.”—૧ થેસ્સાલોનીકી ૫:૧૭.
ધારેલું કામ પૂરું કરવા એને વળગી રહો
ખરું કે અમુક ધ્યેયો માટે આપણે બધું જ બરાબર કરીએ છતાં પણ પૂરા થતા નથી. પહેલી સદીના શિષ્ય યોહાન માર્કનો વિચાર કરો. ઈશ્વરભક્ત પાઊલ ફરીથી ભાઈ-બહેનોને ઉત્તેજન આપવા ગયા ત્યારે, તેને સાથે લઈ જવાની ના પાડી ત્યારે તે કેટલો નિરાશ થઈ ગયો હશે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૩૭-૪૦) માર્કે આના પરથી શીખવાની જરૂર હતી, જેથી પોતાનામાં ફેરફારો કરીને યહોવાહની ભક્તિ પૂરા દિલથી કરી શકે. માર્કે એમ જ કર્યું. પાઊલે માર્કના બહુ વખાણ કર્યા અને ઈશ્વરભક્ત પીતર સાથે પણ બાબેલોનમાં તેણે સેવા આપી. (૨ તીમોથી ૪:૧૧; ૧ પીતર ૫:૧૩) માર્કને સૌથી મોટો આશીર્વાદ તો ત્યારે મળ્યો, જ્યારે તેને ઈસુ વિષેનો અહેવાલ લખવાની પ્રેરણા મળી.
આપણા ધ્યેયો વિષે પણ એમ થઈ શકે છે. પણ આપણે હિંમત ન હારીએ. આપણે જોઈએ કે એ સમય સુધીમાં કેટલી પ્રગતિ કરી છે, શું એ ધ્યેય હજુ પૂરો કરી શકાય એમ છે, અને જો એમ ન હોય તો બીજો ધ્યેય બાંધીએ. આપણે આપણા ધ્યેય પાછળ મંડ્યા જ રહેવું જોઈએ, હારી ન જઈએ. રાજા સુલેમાને કહ્યું કે “તારાં કામો યહોવાહને સ્વાધીન કર, એટલે તારા મનોરથ પૂરા કરવામાં આવશે.”—નીતિવચનો ૧૬:૩.
જોકે, અમુક સંજોગો આપણા ધ્યેયો પૂરા કરવાનું અશક્ય બનાવી દે છે. જેમ કે, આપણી તબિયત બગડે અથવા કુટુંબની કોઈ જવાબદારી આવી પડે. પણ નિરાશ ન થઈએ. આખરે આપણને અમર જીવનનું ઇનામ તો મળવાનું જ છે, ભલે પછી એ સ્વર્ગમાં હોય કે પૃથ્વી પર. (લુક ૨૩:૪૩; ફિલિપી ૩:૧૩, ૧૪) એ આપણે કઈ રીતે પામી શકીએ? ઈશ્વરભક્ત યોહાને લખ્યું: “જે દેવની ઇચ્છા પૂર્ણ કરે છે તે સદા રહે છે.” (૧ યોહાન ૨:૧૭) ભલે આપણા સંજોગોને લીધે આપણા બધા જ ધ્યેયો પૂરા ન થઈ શકે. છતાં પણ આપણે ‘ઈશ્વરનો ભય રાખીએ અને તેમની આજ્ઞાઓ તો પાળી’ શકીએ. (સભાશિક્ષક ૧૨:૧૩) યહોવાહની સેવામાં નાના-મોટા ધ્યેયો આપણને તેમની જ ઇચ્છા પૂરી કરવા મદદ કરે છે. ચાલો આપણે એવા ધ્યેયોથી યહોવાહ આપણા ઈશ્વરનો જયજયકાર કરતા રહીએ!
[પાન ૨૨ પર બોક્સ]
હું કયા ધ્યેયો રાખું?
○ દરરોજ બાઇબલ વાંચવું
○ ચોકીબુરજ અને સજાગ બનો!ના દરેક અંકો વાંચવા
○ દિલથી પ્રાર્થના કરતા રહેવું
○ પવિત્ર આત્મા કે શક્તિનાં ફળ કેળવવા
○ યહોવાહની વધારે સેવા કરવી
○ પ્રચાર કરવામાં અને શીખવવામાં કુશળ બનવું
○ ટેલિફોન પર, દુકાનો ને ઑફિસોમાં, જ્યાં પણ લોકો હોય ત્યાં પ્રચાર કરતા શીખવું