યહોવાહમાં તમારો ભરોસો કેટલો મજબૂત છે?
‘તમે પહેલાં રાજ્યને શોધો.’—માત્થી ૬:૩૩.
૧, ૨. નોકરી વિષે એક યુવાન ભાઈએ શું કર્યું? અને શા માટે?
એક યુવાન ભાઈ મંડળમાં વધારે સેવા કરવા ચાહતા હતા. પણ તેમને એક તકલીફ હતી. ભાઈની નોકરીનો સમય વધારે હોવાથી, તે નિયમિત મિટિંગોમાં આવી શકતા ન હતા. તેમણે આ તકલીફને કઈ રીતે હલ કરી? તેમણે સાદી રીતે જીવવા પોતાના જીવનમાં ઘણા ફેરફારો કર્યા. તેમણે એ નોકરી છોડી દીધી. યહોવાહની સેવામાં નિયમિત રીતે ભાગ લઈ શકે એ માટે તેમણે બીજી નોકરી પસંદ કરી. જોકે, તે પહેલાની નોકરી કરતાં ઘણું ઓછું કમાય છે. તોપણ, તેમના કુટુંબની રોજી રોટી પૂરી પાડી શકે છે. હવે તે મંડળમાં વધારે સેવા કરી શકે છે.
૨ યહોવાહની સેવામાં વધારે કરવા એ યુવાન ભાઈએ જીવનમાં ઘણા ફેરફાર કર્યા. તમે આવા સંજોગોમાં આમ કર્યું હોત? આજે ઘણા ભાઈ-બહેનો ભોગ આપીને યહોવાહની ભક્તિમાં વધારે કરે છે. આપણે તેઓની કદર કરીએ છીએ. તેઓ જીવનમાં બતાવે છે કે તેઓને ઈસુના શબ્દોમાં પૂરી ખાતરી છે. ઈસુએ કહ્યું: “તમે પહેલાં તેના રાજ્યને તથા તેના ન્યાયીપણાને શોધો, એટલે એ બધાં વાનાં પણ તમને અપાશે.” (માત્થી ૬:૩૩) તેઓ સલામતી માટે નોકરીમાં નહિ પણ યહોવાહમાં ભરોસો રાખે છે.—નીતિવચનો ૩:૨૩, ૨૬.
૩. યહોવાહના રાજ્યને જીવનમાં પ્રથમ મૂકવું શું યોગ્ય છે? એવું શા માટે અમુક વિચારે છે?
૩ અમુક લોકોને લાગે કે શું એ યુવાન ભાઈએ નોકરી વિષે યોગ્ય નિર્ણય લીધો કહેવાય? તેઓ એમ પૂછે છે કેમ કે આજે આપણે મુશ્કેલીઓના સમયમાં જીવી રહ્યાં છીએ. આજે દુનિયાના એક ખૂણામાં લોકો કારમી ગરીબી ભોગવે છે. જ્યારે બીજા ખૂણામાં લોકો આજ સુધી જોઈ ન હોય એવી સુખ-સગવડ અને સાહેબીમાં જીવે છે, એટલે કે તેઓ બહુ અમીર છે. ગરીબી દેશોમાં લોકો સારી રીતે જીવી શકે એ માટે કોઈ પણ તક ઝડપી લે છે. પણ અમીર દેશોમાં લોકો હંમેશા અમીરીમાં કઈ રીતે જીવી શકે એવા દબાણ હેઠળ જીવતા હોય છે. જોકે, અમીરીમાં જીવવું કંઈ સહેલું નથી. શા માટે? એક તો, તેઓના વેપાર-ધંધામાં મુશ્કેલીઓ આવી શકે. નોકરી સહેલાઈથી ન મળે. નોકરી હોય તેઓના શેઠ ઘણો સમય અને શક્તિ માંગી લેતા હોય છે. બીજું, આજે જીવન જીવવા લોકોને અનેક દબાણો સહન કરવા પડે છે. તેથી, અમુક વિચારે છે કે, ‘યહોવાહના રાજ્યને મારા જીવનમાં પ્રથમ મૂકવું શું એ યોગ્ય છે?’ એ સવાલના જવાબ માટે આપણે જાણવાની જરૂર છે કે ઈસુએ રાજ્ય વિષેની વાત કરી ત્યારે, તેમણે કેવા લોકો સાથે વાત કરી.
“ચિંતા ન કરો”
૪, ૫. ઈસુએ કેવી રીતે સમજાવ્યું કે આપણે રોજબરોજની ચિંતાઓમાં ડૂબી જવું ન જોઈએ?
૪ એ વખતે ઈસુ ગાલીલમાં હતા. તે ઘણા શહેરોમાંથી આવેલા લોકોના ટોળા સાથે વાત કરતા હતા. (માત્થી ૪:૨૫) એમાં થોડા લોકો અમીર હતા. પણ મોટા ભાગના લોકો ગરીબ હતા. તોપણ ઈસુએ તેઓને વિનંતી કરી કે ધનદોલત પાછળ પડવાને બદલે યહોવાહની ભક્તિને જીવનમાં પહેલા મૂકો. (માત્થી ૬:૧૯-૨૧, ૨૪) ઈસુએ તેઓને કહ્યું, “એ માટે હું તમને કહું છું કે તમારા જીવને સારૂ ચિંતા ન કરો, કે અમે શું ખાઈશું અથવા શું પીઈશું; અને તમારા શરીરને સારૂ ચિંતા ન કરો, કે અમે શું પહેરીશું. શું, જીવ ખોરાક કરતાં, ને શરીર લૂગડાં કરતાં અધિક નથી?”—માત્થી ૬:૨૫.
૫ ઘણાને કદાચ ઈસુની વાત બરાબર લાગી નહિ હોય. તેઓ જાણતા હતા કે મહેનત નહિ કરે તો, કુટુંબને રોજી રોટી કેવી રીતે પૂરી પાડશે. જો કે, ઈસુએ તેઓને પક્ષીઓનો દાખલો આપ્યો. તેમણે સમજાવ્યું કે પક્ષીઓ દિવસે દૂર દૂર સુધી ખોરાક અને ઘરની શોધમાં જાય છે. તેમ છતાં યહોવાહ તેઓની સંભાળ રાખે છે. ઈસુએ ફૂલ-ઝાડનો પણ દાખલો આપ્યો. તેમણે કહ્યું કે ફૂલ-ઝાડ સુલેમાનના કપડાંથી પણ વધારે સુંદર છે. યહોવાહ ફૂલ-ઝાડની સંભાળ રાખે છે. જો યહોવાહ પક્ષીઓ અને ફૂલોની સંભાળ રાખે તો, તે આપણી સંભાળ પણ ચોક્કસ રાખશે. (માત્થી ૬:૨૬-૩૦) ઈસુએ કહ્યું તેમ, યહોવાહે આપણને જીવન અને શરીર આપ્યું છે તો, તે ખરેખર આપણને રોજી-રોટી પણ પૂરી પાડશે. જીવવા માટે જીવન જરૂરિયાત વસ્તુઓ પણ તે ચોક્કસ પૂરી પાડશે. પરંતુ આપણે રોટી-કપડાં મેળવવા પાછળ ડૂબી જઈશું તો, યહોવાહની સેવા માટેનો સમય નહિ રહે. પછી આપણને જીવન આપનારની સેવા કરવાનો આપણો મુખ્ય ધ્યેય ચૂકી જઈશું.—સભાશિક્ષક ૧૨:૧૩.
ઈસુની વાત સમજી વિચારીને જીવનમાં લાગુ પાડો
૬. (ક) આપણી શું જવાબદારી છે? (ખ) આપણી શ્રદ્ધા કોનામાં હોવી જોઈએ?
૬ જોકે ઈસુના કહેવાનો અર્થ એમ ન હતો કે લોકોએ નોકરી ન કરવી જોઈએ. તે એમ પણ કહેતા ન હતા કે લોકો હાથ જોડીને રાહ જુએ કે યહોવાહ રોજી-રોટી પૂરી પાડે. આપણે જાણીએ છીએ કે પક્ષીઓ પણ પોતા અને બચ્ચાં માટે ખોરાક શોધવા જાય છે. તેથી પહેલી સદીના ભાઈ-બહેનો પણ રોજી-રોટી માટે નોકરી કે કંઈ કામ કરતા હતા. કુટુંબની સંભાળ રાખતા હતા. એ સમયે દાસ કે નોકર તરીકે કામ કરતા હતા એ ભાઈ-બહેનોએ પણ માલિક માટે તન-મનથી કામ કર્યું હતું. (૨ થેસ્સાલોનીકી ૩:૧૦-૧૨; ૧ તીમોથી ૫:૮; ૧ પીતર ૨:૧૮) ઘણી વાર ઈશ્વરભક્ત પાઊલે પોતાની રોજી-રોટી માટે તંબુઓ બનાવીને વેચ્યા હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૮:૧-૪; ૧ થેસ્સાલોનીકી ૨:૯) જોકે એ ભાઈ-બહેનોએ સલામતી માટે કંઈ કામ-ધંધા પર જ આધાર રાખ્યો ન હતો. એને બદલે તેઓને યહોવાહમાં પૂરેપૂરી શ્રદ્ધા હતી. એમ કરવાથી તેઓને મનની શાંતિ મળી. જેઓએ એમ ન કર્યું તેઓને મનની શાંતિ ન મળી. એના લીધે ગીતકર્તાએ કહ્યું: “યહોવાહ પર ભરોસો રાખનારાઓ સિયોન પહાડ જેવા છે, કે જે કદી ખસનાર નથી, પણ સદાકાળ ટકી રહે છે.”—ગીતશાસ્ત્ર ૧૨૫:૧.
૭. યહોવાહમાં પૂરી શ્રદ્ધા રાખતા નથી તેઓ કેવું વિચારી શકે?
૭ આજે યહોવાહમાં પૂરી શ્રદ્ધા રાખતા નથી તેઓના વિચાર જુદા હોઈ શકે. મોટા ભાગના લોકો માટે પૈસા અથવા માલ-મિલકત જ સલામતી છે. તેથી અમુક માબાપ પોતાના બાળકોને વધારે ને વધારે આગળ ભણવાનું ઉત્તેજન આપે છે. એમ કરવાથી માબાપને લાગે કે બાળકો સારી કારકિર્દી મેળવશે અને પુષ્કળ પૈસા કમાશે. અફસોસની વાત છે કે અમુક ભાઈ-બહેનોએ એવું વિચારીને પોતાનાં બાળકોને વધારે ભણાવવા પાછળ સમય-શક્તિ વેડફ્યા છે. તેથી તેઓનાં બાળકો સત્યમાં ઠંડા પડી ગયા છે. એટલું જ નહિ, તેઓ માલ-મિલકત કમાવવા પાછળ દોડે છે.
૮. યહોવાહમાં પૂરી શ્રદ્ધા રાખે છે તેઓ ઈસુની સલાહ કઈ રીતે લે છે?
૮ યહોવાહમાં પૂરી શ્રદ્ધા છે તેઓ જાણે છે કે ઈસુની સલાહ ફક્ત પહેલી સદીના ભાઈ-બહેનો માટે ન હતી. આજે પણ એ સલાહને જીવનમાં લાગુ પાડવાની જરૂર છે. તેઓ એ સલાહ સમજી વિચારીને દિલમાં ઉતારે છે. જોકે, બાઇબલમાં માબાપને અમુક જવાબદારીઓ સોંપવામાં આવી છે. એ નિભાવવા તેઓએ ઘણો સમય માંગી લે એવી નોકરી કરવી પડી શકે. પણ તેઓ પૈસો જ પરમેશ્વર છે એમ માનતા નથી. તેથી પૈસા કમાવવા માટે યહોવાહની સેવામાં ઠંડા પડતા નથી, કેમ કે તેઓ જાણે છે કે યહોવાહની ભક્તિ કરવી બહુ જરૂરી છે.—સભાશિક્ષક ૭:૧૨.
“ચિંતા ન કરો” વિષે વધારે સલાહ
૯. યહોવાહમાં વિશ્વાસ રાખે છે તેઓને ઈસુએ શું કહ્યું?
૯ પહાડ પરના ઉપદેશમાં ઈસુએ લોકોને અરજ કરી કે, “વસ્ત્રો અને ખોરાક માટે ચિંતા ન કરો. દુન્યવી લોકો જેવા શા માટે થાઓ છો? તેઓ આ બાબતોમાં ગૌરવ સમજે છે, અને તે પ્રાપ્ત કરવા સતત પરિશ્રમ કરે છે. પણ સ્વર્ગમાંના તમારા પિતા જાણે છે કે આ બાબતોની તમારે જરૂર છે.” (માથ્થી ૬:૩૧, ૩૨, IBSI) આ સાંભળીને ખરેખર આપણને કેટલો દિલાસો મળે છે! આપણે પૂરા દિલથી યહોવાહમાં ભરોસો રાખીશું તો, તે કાયમ આપણને સાથ આપશે. જોકે, ઈસુએ એ કલમોમાં બીજી જે બાબત કહી એ વિચારવા જેવી છે. ઈસુએ કહ્યું કે આપણે માલમિલકત મેળવવા પાછળ “સતત પરિશ્રમ” કરીશું તો, આપણા વિચારો “દુન્યવી લોકો જેવા” થશે. અને દુન્યવી લોકો યહોવાહના ભક્તો નથી.
૧૦. યુવાન માણસ અને ઈસુની વાતચીતથી યુવાન વિષે શું જાણવા મળે છે?
૧૦ એક વાર એક અમીર યુવાન માણસે ઈસુને પૂછ્યું કે, ‘કાયમ માટે જીવવા મારે શું કરવું જોઈએ?’ ઈસુએ તેને જણાવ્યું કે યહોવાહે ઈસ્ત્રાએલીઓને આપેલા નિયમો પાળ. યુવાને ઈસુને કહ્યું, ‘એ બધું તો હું પાળતો આવ્યો છું; હજી મારામાં શું અધુરૂં છે? ઈસુએ તેને કહ્યું, કે જો તું સંપૂર્ણ થવા ચાહે છે, તો જઈને તારૂં જે છે તે વેચી નાખ, ને દરિદ્રીઓને આપી દે, એટલે આકાશમાં તને દ્રવ્ય મળશે; અને આવીને મારી પાછળ ચાલ.’ (માત્થી ૧૯:૧૬-૨૧) એ યુવાનનું મોં ઊતરી ગયું અને તે ત્યાંથી જતો રહ્યો. શા માટે? તેને પોતાની માલમિલકત બહુ જ પ્યારી હતી. આ બતાવે છે કે યહોવાહ કરતાં તેને માલમિલકત વધારે વહાલી હતી.
૧૧, ૧૨. (ક) ઈસુએ અમીરો વિષે શું કહ્યું? (ખ) માલમિલકતના મોહથી યહોવાહની ભક્તિમાં કેવી અસર પડી શકે?
૧૧ ઈસુએ એ બનાવ પરથી કહ્યું: ‘દ્રવ્યવાનને આકાશના રાજ્યમાં પેસવું કઠણ છે. વળી દ્રવ્યવાનને દેવના રાજ્યમાં પેસવા કરતાં સોયના નાકામાં થઈને ઊંટને જવું સહેલ છે.’ (માત્થી ૧૯:૨૩, ૨૪) શું ઈસુ ખરેખર એમ કહેતા હતા કે દ્રવ્યવાન અથવા અમીરને યહોવાહના રાજ્યના આશીર્વાદો નહિ મળે? ના. એના પછી ઈસુએ કહ્યું કે “દેવને સર્વ શક્ય છે.” (માત્થી ૧૯:૨૫, ૨૬) એ જમાનામાં યહોવાહની મદદથી અમુક અમીરો પણ અભિષિક્ત ખ્રિસ્તીઓ બન્યા હતા. (૧ તીમોથી ૬:૧૭) તો પછી, શા માટે ઈસુએ કહ્યું કે ‘અમીર વ્યક્તિને આકાશના રાજ્યમાં પેસવું કઠણ છે?’ તે લોકોને ચેતવણી આપતા હતા.
૧૨ જો કોઈ વ્યક્તિને પેલા યુવાન માણસની જેમ પોતાની માલમિલકતનો મોહ હોય તો શું બની શકે? તેઓ પૂરા દિલથી યહોવાહની ભક્તિ નહિ કરી શકે. અમીર અથવા “જેઓ ધનવાન થવાની ઇચ્છા રાખે છે” તેઓ માલમિલકતના મોહમાં ફસાઈ શકે છે. (૧ તીમોથી ૬:૯, ૧૦) માલમિલકતમાં ભરોસો રાખવાથી વ્યક્તિ યહોવાહની સેવામાં ઠંડી પડી શકે. (માત્થી ૫:૩) આખરે, તેને યહોવાહની મદદની કોઈ જરૂર જ ન લાગે. (પુનર્નિયમ ૬:૧૦-૧૨) એટલું જ નહિ, તેને લાગે કે પોતે મંડળમાં આવે ત્યારે ભાઈ-બહેનો તેને વધારે ધ્યાન આપે અને તેના જ ગુણગાન ગાયા કરે. (યાકૂબ ૨:૧-૪) છેવટે તે યહોવાહની ભક્તિ કરવાને બદલે પોતાનો મોટા ભાગનો સમય ધનદોલતથી મજા માણવામાં કાઢી શકે.
માલમિલકત માટે યોગ્ય વિચાર કેળવો
૧૩. લાઓદીકિયાનું મંડળ માલમિલકત વિષે શું વિચારતું હતું?
૧૩ પહેલી સદીમાં લાઓદીકિયાના મંડળમાં અમુક ભાઈ-બહેનો માલમિલકતના ફાંદામાં પડી ગયા હતા. ઈસુએ તેઓને કહ્યું કે, “તું કહે છે, કે હું ધનવાન છું, મેં સંપત્તિ મેળવી છે, અને મને કશાની ગરજ નથી; પણ તું જાણતો નથી, કે તું કંગાળ, બેહાલ, દરિદ્રી, આંધળો તથા નગ્ન છે.” એ ભાઈ-બહેનો યહોવાહની ભક્તિમાં ઠંડા પડી ગયા. શું તેઓ પોતાની પાસે બહુ માલમિલકત હતી એના લીધે ઠંડા પડી ગયા? ના. તેઓને હવે યહોવાહ કરતાં પોતાની ધનદોલતમાં વધારે ભરોસો હતો. તેથી તેઓ યહોવાહની ભક્તિમાં નરમ-ગરમ હતા. એ માટે ઈસુએ કહ્યું, “હું તને મારા મોંમાંથી થૂંકી નાખીશ.”—પ્રકટીકરણ ૩:૧૪-૧૭.
૧૪. શા માટે પાઊલે હિબ્રૂ ભાઈ-બહેનોના વખાણ કર્યા?
૧૪ હિબ્રૂ ભાઈ-બહેનો સતાવણીમાં હતા ત્યારે માલમિલકત વિષે તેઓના વલણ માટે પાઊલે વખાણ કર્યા. તેમણે તેઓને કહ્યું, “જેઓ બંધનમાં હતા તેઓની પ્રત્યે તમે સહાનુભૂતિ દર્શાવી, અને તમારી માલમિલકત લૂંટી લેવામાં આવી ત્યારે તમે આનંદથી તે સહન કર્યું, કેમ કે એ કરતાં વિશેષ સારૂં અને અક્ષય ધન તમારે માટે સ્વર્ગમાં છે, એ તમે જાણતા હતા.” (હેબ્રી ૧૦:૩૪) તેઓની માલમિલકત લૂંટી લેવામાં આવી તોપણ તેઓ ખુશ હતા. શા માટે? તેઓના મનમાં સૌથી મોટો આશીર્વાદ એ હતો કે, તેઓ “સ્વર્ગમાં” જવાના હતા. ઈસુએ એક વેપારીનો દાખલો આપીને કહ્યું હતું કે તેણે એક મોતી માટે બધું જતું કર્યું. એવી જ રીતે, હિબ્રૂ ભાઈ-બહેનોએ પોતે સ્વર્ગની આશા ન ગુમાવે એ માટે બધું જતું કર્યું. (માત્થી ૧૩:૪૫, ૪૬) તેઓએ કેવું સરસ વલણ બતાવ્યું!
૧૫. લાઇબીરિયામાં એક બહેને કઈ રીતે યહોવાહના રાજ્યને જીવનમાં પહેલું મૂક્યું?
૧૫ આજે મંડળમાં ઘણાનું વલણ એ હિબ્રૂ ભાઈ-બહેનો જેવું છે. લાઇબીરિયામાંથી એક બહેનનો દાખલો લો. તેને એક યુનિવર્સિટીમાં ભણવાની ઑફર આવી. એ દેશના રિવાજ પ્રમાણે આવી ઑફરથી વ્યક્તિ આગળ જઈને સારું કમાઈ શકે. તેમ જ, તેનું ભવિષ્ય સલામત કહેવાય. પણ આ બહેન ત્યારે પાયોનિયર હતી. અને એ વખતે બહેનને અમુક સમય માટે ખાસ પાયોનિયર બનવાનો લહાવો મળ્યો હતો. તો પછી, બહેને શાની પસંદગી કરી? તેણે યહોવાહના રાજ્યને જીવનમાં પ્રથમ મૂક્યું અને ખાસ પાયોનિયર બની. એ માટે તેણે બીજી જગ્યાએ રહેવા જવાનું હતું. ત્રણ મહિના બીજી જગ્યાએ રહીને તેણે ૨૧ બાઇબલ સ્ટડી શરૂ કરી હતી. એ બહેન અને આપણામાંના ઘણા ભાઈ-બહેનોએ યહોવાહના રાજ્યને જીવનમાં પહેલું મૂકવા ઘણા મોકા ગુમાવ્યા છે જેનાથી તેઓ વધારે માલમિલકત મેળવી શક્યા હોત. એ નિર્ણય લેવો સહેલું નથી, કેમ કે આજે આખી દુનિયા ધન-દોલત કમાવવા પાછળ પડી છે. તો સવાલ થાય છે કે કઈ રીતે આપણે દુનિયાના વલણથી દૂર રહી શકીએ છીએ? અમુક સારા ગુણો કેળવીને. ચાલો આપણે જોઈએ કે એ ગુણો કયા છે.
૧૬, ૧૭. (ક) યહોવાહમાં ભરોસો રાખવા શા માટે નમ્ર બનવું જોઈએ? (ખ) શા માટે આપણે યહોવાહનાં વચનોમાં પૂરો ભરોસો રાખવો જોઈએ?
૧૬ નમ્રતા કેળવીને. બાઇબલ કહે છે, “તારા ખરા હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં તેની આણ સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ પાધરા કરશે. તું પોતાની નજરમાં જ્ઞાની ન થા.” (નીતિવચનો ૩:૫-૭) આપણે કયા માર્ગમાં ચાલીશું એ નક્કી કરવાની જરૂર છે. દુનિયાની નજરે આપણને કોઈ રસ્તો સારો લાગી શકે. (યિર્મેયાહ ૧૭:૯) પણ આપણામાં નમ્રતા હશે તો આપણે પ્રાર્થનામાં યહોવાહને ખરો માર્ગ પૂછીશું. (ગીતશાસ્ત્ર ૪૮:૧૪) આપણે નમ્રતાથી ‘સર્વ માર્ગોમાં’ એટલે મંડળ, સ્કૂલ, નોકરી કે આરામને લગતી બાબતે બાઇબલમાં યહોવાહે કેવી સલાહ આપી છે એના વિષે તપાસ કરવી જોઈએ.—ગીતશાસ્ત્ર ૭૩:૨૪.
૧૭ યહોવાહના વચનોમાં પૂરો ભરોસો મૂકીને. ઈશ્વરભક્ત પાઊલે કહ્યું, “દેવની પાસે જે કોઈ આવે, તેણે તે છે, અને જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે એવો વિશ્વાસ કરવો જોઈએ.” (હેબ્રી ૧૧:૬) જો આપણને યહોવાહનાં વચનો પર શંકા હોય તો શું? કદાચ આપણે ‘જગતમાં તલ્લીન થવા’ વિષે વિચારવા લાગીશું. (૧ કોરીંથી ૭:૩૧) પણ યહોવાહનાં વચનોમાં આપણને પાક્કો ભરોસો હશે તો, આપણે જીવનમાં યહોવાહના રાજ્યને પહેલું મૂકીશું. કઈ રીતે આપણે યહોવાહનાં વચનોમાં પાક્કો ભરોસો રાખી શકીએ? યહોવાહ સાથે નાતો બાંધીને પૂરા દિલથી તેમને પ્રાર્થના કરવાથી. તેમ જ, બાઇબલ અને બીજા સાહિત્યમાંથી નિયમિત સ્ટડી કરવાથી આપણે યહોવાહનાં વચનોમાં ભરોસો રાખી શકીએ છીએ. (ગીતશાસ્ત્ર ૧:૧-૩; ફિલિપી ૪:૬, ૭; યાકૂબ ૪:૮) આપણે રાજા દાઊદની જેમ પ્રાર્થના કરી શકીએ, ‘હે પ્રભુ હું તમારા પર ભરોસો રાખું છું. મેં કહ્યું, “મારા ઈશ્વર તમે જ છો.” તમારી ભલાઈ કેટલી બધી છે!’—ગીતશાસ્ત્ર ૩૧:૧૪, ૧૯, IBSI.
૧૮, ૧૯. (ક) પૂરા દિલથી યહોવાહની ભક્તિ કરવાથી શું પરિણામ આવે છે? (ખ) શા માટે આપણે ભોગ આપવા તૈયાર હોવું જોઈએ?
૧૮ પૂરા દિલથી યહોવાહની ભક્તિ કરીને. પાઊલે જણાવ્યું કે યહોવાહનાં વચનોમાં ભરોસો રાખવા આપણે પૂરા દિલથી તેમની ભક્તિ કરવી જોઈએ. તેમણે લખ્યું: ‘અમે ઇચ્છા રાખીએ છીએ કે તમારામાંનો દરેક તમારી આશા પરિપૂર્ણ થવાને માટે, એવો જ ઉત્સાહ અંત સુધી દેખાડે.’ (હેબ્રી ૬:૧૧) આપણે યહોવાહની સેવામાં લાગુ રહીશું તો, તે ચોક્કસ આપણને સાથ આપશે. આપણે દરેક વખતે યહોવાહનો સાથ અનુભવીએ છીએ તેમ, આપણી શ્રદ્ધા તેમનામાં મજબૂત થાય છે. વળી આપણે ‘સ્થિર તથા દૃઢ થઈએ’ છીએ. (૧ કોરીંથી ૧૫:૫૮) તો ચાલો આપણે યહોવાહની ભક્તિમાં વધારે સમય આપીએ. એનાથી આપણો વિશ્વાસ મક્કમ થશે. અને યહોવાહે આપેલી આશા જરૂર પૂરી થશે એવી ખાતરી થશે.—એફેસી ૩:૧૬-૧૯.
૧૯ જીવનમાં ભોગ આપવા તૈયાર રહીને. ઈસુના પગલે ચાલવા પાઊલે સારી કેરીયર જતી કરી. ખરું કે એમ કરવાથી અમુક વખતે તેમને પૈસાની તંગી સહન કરવી પડી. પણ તેમણે ખરો નિર્ણય લીધો હતો. (૧ કોરીંથી ૪:૧૧-૧૩) યહોવાહ વચન આપતા નથી કે તેમના ભક્ત બનવાથી આપણે રાજાની જેમ એશ-આરામમાં જીવી શકીશું. અમુક વખતે આપણે જીવનમાં મુશ્કેલીઓ પણ સહન કરવી પડશે. આપણે સાદી રીતે જીવવા જીવનમાં ફેરફાર કરીશું અને દિલથી ભોગ આપવા તૈયાર હોઈશું તો, એ બતાવે છે કે આપણે યહોવાહને જ ભજવાનું નક્કી કર્યું છે!—૧ તીમોથી ૬:૬-૮.
૨૦. યહોવાહના રાજ્યને જીવનમાં પહેલું મૂકવા શા માટે આપણે ધીરજ કેળવવી જોઈએ?
૨૦ ધીરજ કેળવીને. યાકૂબે સાથી ભાઈ-બહેનોને અરજ કરી, “ભાઈઓ, પ્રભુના આવતાં સુધી તમે ધીરજ રાખો.” (યાકૂબ ૫:૭) જોકે આજની ઝડપી દુનિયામાં ધીરજ રાખવી કંઈ સહેલી વાત નથી. આપણે ચાહીએ છીએ કે કોઈ પણ કામ ફટાફટ થઈ જાય. પણ પાઊલે ઉત્તેજન આપ્યું કે “જેઓ વિશ્વાસ તથા ધીરજથી વચનોના વારસ છે તેઓનું અનુકરણ કરો.” (હેબ્રી ૬:૧૨) આપણે યહોવાહમાં ધીરજ રાખવી જોઈએ. શા માટે? સુંદર પૃથ્વી પર કાયમ સુખ-શાંતિમાં જીવવા માટે ધીરજ રાખવી યોગ્ય છે.
૨૧. (ક) યહોવાહના રાજ્યને જીવનમાં પહેલું રાખવાથી આપણે શું બતાવીએ છીએ? (ખ) હવે પછીના લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
૨૧ યહોવાહના રાજ્યને જીવનમાં પહેલું મૂકવાની ઈસુની સલાહ ખરેખર આપણે જીવનમાં લાગુ પાડવી જોઈએ. એમ કરવાથી આપણે બતાવીએ છીએ કે આપણને યહોવાહમાં પૂરો ભરોસો છે અને આપણે ખરા માર્ગમાં ચાલીએ છીએ. ઈસુએ આપણને એ પણ સલાહ આપી કે ‘પહેલાં યહોવાહના ન્યાયીપણાને શોધો.’ હવે પછીના લેખમાં આપણે જોઈશું કે શા માટે આજે એ બહુ જરૂરી છે.
શું તમે જણાવી શકો?
• ઈસુએ માલમિલકત વિષે કેવી સલાહ આપી હતી?
• સોયના નાકામાં થઈને ઊંટને જવું સહેલ છે, ઈસુએ આપેલા આ દાખલામાંથી આપણે શું શીખી શકીએ?
• કયા ગુણો આપણને યહોવાહના રાજ્યને જીવનમાં પહેલું મૂકવા મદદ કરશે?
[પાન ૨૧ પર ચિત્ર]
ઈસુની વાત સાંભળનારા મોટા ભાગના ગરીબ હતા
[પાન ૨૩ પર ચિત્ર]
યુવાન માણસે યહોવાહ કરતાં પોતાની માલમિલકતને વધારે પ્રેમ કર્યો
[પાન ૨૩ પર ચિત્ર]
ઈસુએ જણાવેલા દાખલામાં વેપારીએ મોતી શોધવા માટે બનતું બધું કર્યું
[પાન ૨૪ પર ચિત્ર]
યહોવાહની ભક્તિમાં લાગુ રહીશું તો યહોવાહ આપણને સાથ આપશે