‘માણસોના કરતાં ઈશ્વરનું અમારે વધારે માનવું જોઈએ’
“લડાઈ તો યહોવાહની છે”
બે લશ્કરો ખીણની બંને બાજુ સામ-સામે ઊભાં હતાં. પલિસ્તીઓનો કદાવર ગોલ્યાથ ચાળીસ દિવસથી સવાર-સાંજ ઈસ્રાએલીઓને મહેણાં મારતો હતો. ઈસ્રાએલીઓ તો ગોલ્યાથ સાથે લડવાના વિચારથી જ થર-થર કાંપતા હતા.—૧ શમૂએલ ૧૭:૧-૪, ૧૬.
ગોલ્યાથ મોટે મોટેથી બૂમો પાડીને ઈસ્રાએલીઓને પડકાર ફેંકે છે: ‘મારી સાથે લડવા તમારામાંથી કોઈને મોકલો. જો તે લડીને મને મારી નાખે, તો અમે તમારા તાબેદાર થઈશું; પણ જો હું તેને મારી નાખું, તો તમારે અમારા દાસ થવું પડશે. હું આજે ઈસ્રાએલનાં સૈન્યનો તિરસ્કાર કરું છું; મને એક માણસ આપો કે અમે લડીએ!’—૧ શમૂએલ ૧૭:૮-૧૦.
પહેલાના જમાનામાં એક દેશનો શૂરવીર કે ચૅમ્પિયન બીજા દેશના શૂરવીર સાથે લડે, એમાં કંઈ નવાઈ ન હતી. એ બંનેમાંથી જે કોઈ જીતે તેનો દેશ વિજયી ગણાતો. પણ ઈસ્રાએલને ચેલેંજ કરનાર આ કોઈ જેવો-તેવો સૈનિક ન હતો. એ તો રાક્ષસ હતો રાક્ષસ. તે દુશ્મનને જોઈને જ ઈસ્રાએલીઓનાં હાંજા ગગડી ગયા હતા. પણ તે પલિસ્તીએ યહોવાહના લશ્કરને મહેણાં મારીને પોતાનું મોત નોતર્યું હતું!
એ કંઈ બે દેશો વચ્ચેની જ લડાઈ ન હતી. એ તો ઈશ્વર યહોવાહ અને પલિસ્તીઓના દેવો વચ્ચેની લડાઈ હતી. ઈશ્વરના દુશ્મન સામે લડાઈમાં પોતાના લશ્કરને હિંમતથી લઈ જવાને બદલે, ઈસ્રાએલનો રાજા શાઊલ બીકનો માર્યો થથરી ઊઠ્યો હતો.—૧ શમૂએલ ૧૭:૧૧.
યહોવાહમાં અતૂટ શ્રદ્ધા રાખતો યુવાન
આ બધું બની રહ્યું હતું એવામાં એક યુવાન, દાઊદ ત્યાં આવી પહોંચ્યો. તે તેના ભાઈઓને મળવા આવ્યો, જેઓ શાઊલના લશ્કરમાં હતા. યહોવાહે તે યુવાનને ઈસ્રાએલનો રાજા થવા પસંદ કર્યો હતો. ગોલ્યાથના કડવાં વેણ સાંભળીને દાઊદે પૂછ્યું: ‘આ બેસુન્નત પલિસ્તી કોણ કે તે જીવતા ઈશ્વરનાં સૈન્યનું અપમાન કરે?’ (૧ શમૂએલ ૧૭:૨૬) દાઊદની નજરમાં ગોલ્યાથ પલિસ્તીઓના દેવો માટે લડી રહ્યો હતો. યહોવાહનું અપમાન થતું જોઈને દાઊદના દિલમાં જાણે આગ લાગી ગઈ. એટલે પોતે ઈસ્રાએલના કટ્ટર દુશ્મન સામે લડવા તૈયાર થઈ ગયો. પણ શાઊલ રાજાએ દાઊદને કહ્યું: “તે પલિસ્તીની સામે જઈને તેની સાથે લડવાને તું શક્તિમાન નથી; કેમ કે તું તો કેવળ જુવાન છે.”—૧ શમૂએલ ૧૭:૩૩.
શાઊલ અને દાઊદના વિચારોમાં કેવો આભ-જમીનનો ફરક! શાઊલની નજરે તો દાઊદ ફક્ત ઘેટાં-બકરાં ચરાવતો યુવાનિયો! તે આ લોહી તરસ્યા રાક્ષસ સામે કેવી રીતે લડી શકે? જ્યારે દાઊદની નજરે ગોલ્યાથ જેવો મામૂલી માણસ, વિશ્વના રાજા યહોવાહનું અપમાન કરી જ કેમ શકે! જો કોઈ ઇન્સાન, યહોવાહ અને તેમના લોકોની નિંદા કરે તો, તે તેમના હાથમાંથી બચશે નહિ. દાઊદને યહોવાહમાં એવી અતૂટ શ્રદ્ધા હતી. ગોલ્યાથને પોતાની શક્તિમાં ભરોસો હતો. જ્યારે કે દાઊદ યહોવાહની નજરે આખો બનાવ જોતો હતો. એટલે તેને યહોવાહમાં પૂરેપૂરો ભરોસો હતો.
‘હું યહોવાહને નામે તારી સામે આવું છું’
દાઊદ ભૂલ્યો ન હતો કે સિંહ અને રીંછના મોંમાંથી ઘેટાંને છોડાવવા યહોવાહે જ તેને મદદ કરી હતી. હવે તેને પૂરી ખાતરી હતી કે આ પલિસ્તી રાક્ષસને પાઠ ભણાવવા, યહોવાહ ચોક્કસ તેને મદદ કરશે. (૧ શમૂએલ ૧૭:૩૪-૩૭) દાઊદ પાંચ સુંવાળા કે લીસા પથ્થર અને ગોફણ લઈને ગોલ્યાથ સામે લડવા ગયો.
યુવાન દાઊદ યહોવાહને ભરોસે આ રાક્ષસ સામે ગયો. તેણે હિંમતથી પલિસ્તીને કહ્યું: ‘તું તરવાર, ભાલો ને બરછી લઈને મારી સામે આવે છે; પણ હું સૈન્યોનો યહોવાહ, ઈસ્રાએલનાં સૈન્યોનો ઈશ્વર, જેનું તેં અપમાન કર્યું છે, તેને નામે તારી સામે આવું છું. આજે યહોવાહ તને મારા હાથમાં સોંપશે. આખી દુનિયા જાણશે કે ઈસ્રાએલમાં ઈશ્વર છે. આ સર્વ લોકો જાણશે કે તરવાર ને બરછી વડે યહોવાહ બચાવ કરતો નથી. કેમ કે લડાઈ તો યહોવાહની છે.’—૧ શમૂએલ ૧૭:૪૫-૪૭.
પછી શું થયું? બાઇબલ આમ કહે છે: “દાઊદે ગોફણ તથા પથ્થર વડે તે પલિસ્તી પર જીત મેળવી, ને તે પલિસ્તીને મારીને તેનો સંહાર કર્યો; પણ દાઊદના હાથમાં તરવાર ન હતી.” (૧ શમૂએલ ૧૭:૫૦) ખરું કે દાઊદના હાથમાં તરવાર ન હતી. પણ તેને યહોવાહનો સાથ હતો.a
આ લડાઈથી દાઊદની શ્રદ્ધા હજુ કેટલી વધી હશે! આપણે પણ યહોવાહના ભક્તો તરીકે ઘણી વાર આકરા નિર્ણયો લેવા પડે છે. એવા સમયે માણસનો ડર રાખવો કે યહોવાહનું જ કહેવું માનવું? આપણે દિલથી માનીએ છીએ કે ‘માણસોના કરતાં ઈશ્વરનું આપણે વધારે માનવું જોઈએ.’ (પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૯) જીવનમાં અઘરા સંજોગો ઊભા થાય ત્યારે શું? એને પણ યહોવાહની નજરે જોઈશું તો આપણે હિંમત નહિ હારીએ. પણ તેમની મદદથી એમાં ખરા નિર્ણયો લઈ શકીશું. (w06 5/1)
[ફુટનોટ]
a યહોવાહના સાક્ષીઓનું કૅલેન્ડર ૨૦૦૬ (અંગ્રેજી) મે/જૂન જુઓ.
[પાન ૨૦ પર બોક્સ/ચિત્ર]
ગોલ્યાથ કેવો દેખાતો હતો?
પહેલો શમૂએલ ૧૭:૪-૭ કહે છે કે ગોલ્યાથ નવ ફૂટથી પણ ઊંચો હતો. તેના બખતર પરથી દેખાઈ આવે છે કે તે કેટલો પહેલવાન હતો. તે પિત્તળનું બખતર પહેરતો, જેનું વજન ૫૭ કિલો હતું. તેના ભાલાનો હાથો લાકડાના થાંભલા જેવો હતો. એના ઉપરનું લોખંડનું અણીદાર પાનું કે બ્લેડ સાત કિલોનું હતું. અરે, ગોલ્યાથના બખ્તરનું વજન દાઊદના વજન કરતાં વધારે હોય તો કંઈ નવાઈ નહિ!