ચાલો યહોવાહની સંસ્થાની કદર કરતા રહીએ!
‘અમે તારા ઘરની, એટલે તારા મંદિરની ઉત્તમતાથી તૃપ્ત થઈશું.’—ગીતશાસ્ત્ર ૬૫:૪.
૧, ૨. (ક) યહોવાહના મંદિરમાં જે ભક્તિ થવાની હતી, એની લોકો પર કેવી અસર પડવાની હતી? (ખ) દાઊદે મંદિર બાંધવા માટે કઈ રીતે મદદ કરી?
હેબ્રી શાસ્ત્રમાં અનેક ઈશ્વરભક્તો વિષે લખવામાં આવ્યું છે. એમાંના એક છે, દાઊદ. તે અજોડ હતા. તે ઘેટાંપાળક, સંગીતકાર, પ્રબોધક અને રાજા પણ હતા. દાઊદ રાજાને યહોવાહમાં અતૂટ શ્રદ્ધા. તેમનો યહોવાહ સાથે પાકો નાતો હતો. એ કારણથી તેમના દિલમાં યહોવાહનું મંદિર બાંધવાની ભાવના જાગી. આખા ઈસ્રાએલમાં આ એવું મંદિર બનવાનું હતું જ્યાં ફક્ત યહોવાહની જ ભક્તિ થાય. દાઊદ જાણતા હતા કે મંદિર બંધાઈ ગયા પછી એમાં યહોવાહની ભક્તિને લગતું જે કોઈ કામ કરવામાં આવશે એનાથી લોકોને આનંદ અને આશીર્વાદ મળશે. એટલે જ દાઊદ દિલથી ભજનમાં ગાઈ ઊઠ્યા: “જેને તું [યહોવાહ] પસંદ કરીને પાસે લાવે છે, જે તારાં આંગણાંમાં વસે છે તેને ધન્ય છે. અમે તારા ઘરની, એટલે તારા મંદિરના પવિત્રસ્થાનની ઉત્તમતાથી તૃપ્ત થઈશું.”—ગીતશાસ્ત્ર ૬૫:૪.
૨ યહોવાહે દાઊદને એ મંદિર બાંધવા આપ્યું નહિ. પણ દાઊદના પુત્ર સુલેમાનને એ લહાવો આપ્યો. તોપણ દાઊદે કચકચ કે ફરિયાદ કરી નહિ. તેમને એ પડી ન હતી કે મંદિર કોણ બાંધે. તેમની એ જ તમન્ના હતી કે કોઈ પણ રીતે મંદિર બંધાય. એ જ તેમના માટે સૌથી મહત્ત્વનું હતું. યહોવાહે દાઊદને મંદિરના જે નકશા આપ્યા હતા, એ દાઊદે સુલેમાનને આપ્યા. એમ કરીને તેમણે સુલેમાનને મંદિર બાંધવા માટે પૂરો ટેકો આપ્યો. તેમ જ તેમણે મંદિરમાં અનેક જવાબદારીઓ ઉપાડવા માટે લેવીઓના વર્ગ પાડ્યા. અને મંદિર બાંધવા માટે મોટા પ્રમાણમાં સોનાં-રૂપાનું દાન કર્યું.—૧ કાળવૃત્તાંત ૧૭:૧, ૪, ૧૧, ૧૨; ૨૩:૩-૬; ૨૮:૧૧, ૧૨; ૨૯:૧-૫.
૩. યહોવાહને ભજવાની ગોઠવણો વિષે આપણને કેવું લાગે છે?
૩ યહોવાહને ભજવાની ગોઠવણને વફાદાર ઈસ્રાએલીઓએ દિલથી ટેકો આપ્યો હતો. યહોવાહની સંસ્થા આજે પણ તેમને ભજવા ગોઠવણો કરે છે. ઈસ્રાએલીઓની જેમ આપણે પણ દિલથી એને ટેકો આપીએ છીએ. એમ કરવાથી આપણે કચકચ કર્યા વગર દાઊદની જેમ વર્તીએ છીએ. યહોવાહની સંસ્થાની કદર કરીએ છીએ. શું તમે કદી વિચાર્યું છે કે યહોવાહની સંસ્થાથી તમને કયો લાભ થયો છે? ચાલો આપણે અમુક બાબતો તપાસીએ.
આગેવાની લેતા ભાઈઓની કદર કરીએ
૪, ૫. (ક) ‘વિશ્વાસુ ચાકર’ કઈ રીતે પોતાની જવાબદારી ઉપાડી રહ્યા છે? (ખ) યહોવાહની સંસ્થાએ બહાર પાડેલાં સાહિત્ય વિષે અમુક ભાઈ-બહેનો શું કહે છે?
૪ યહોવાહે ‘વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરને’ અભિષિક્ત કર્યા છે. ઈસુએ તેઓને આખી દુનિયામાં પ્રચાર કરવાનું, યહોવાહની ભક્તિ માટે મિટિંગો ગોઠવવાનું, બાઇબલ અને બાઇબલ વિષે સમજાવતું સાહિત્ય બહાર પાડવાનું કામ સોંપ્યું છે. આજે એ વિશ્વાસુ ચાકર ૪૦૦થી વધુ ભાષાઓમાં સાહિત્ય બહાર પાડે છે. એનાથી કરોડો લોકો યહોવાહનું સત્ય સમયસર જાણી શકે છે. એ માટે આપણે કેટલા આભારી છીએ! (માત્થી ૨૪:૪૫-૪૭) એટલે આપણી પાસે કચકચ કરવાનું કોઈ કારણ નથી.
૫ મોટી ઉંમરના ઍલફી બહેનનો વિચાર કરો. તે ઘણાં વર્ષોથી વિશ્વાસુ ચાકરે બહાર પાડેલું સાહિત્ય વાંચે છે. એમાંથી મળતી સલાહ તેમણે દિલમાં ઉતારી છે. એનાથી તેમને દિલાસો અને મદદ મળી છે. તેથી તેમણે લખ્યું: “યહોવાહની સંસ્થા ન હોત તો હું શું કરત?” પીતર અને તેમની પત્ની ઇરમગાડ પણ ઘણાં વર્ષોથી યહોવાહના સેવકો છે. ઇરમગાડ કહે છે કે ‘યહોવાહ પોતાની સંસ્થા દ્વારા જે સાહિત્ય બહાર પાડે છે એમાં તેમનો પ્રેમ દેખાઈ આવે છે.’ એમાં ઓછું દેખાતા, આંધળા કે મૂંગા-બહેરા લોકો માટેના સાહિત્યનો સમાવેશ થાય છે. એ માટે આપણે કેટલા આભારી છીએ!
૬, ૭. (ક) આખી દુનિયામાં આવેલાં મંડળોની કઈ રીતે દેખરેખ રાખવામાં આવે છે? (ખ) યહોવાહની સંસ્થા વિષે અમુક ભાઈ-બહેનોએ શું કહ્યું?
૬ ન્યૂ યૉર્ક, બ્રુકલિનમાં યહોવાહના સાક્ષીઓની હૅડ ઑફિસ છે. એમાં ‘વિશ્વાસુ ચાકરમાંથી’ અમુક વડીલોની કમિટિ (ગવર્નિંગ બોડી) સેવા આપે છે. યહોવાહે તેઓને પસંદ કર્યા છે. આ ગવર્નિંગ બોડી જુદા જુદા દેશોમાં સેવા આપવા અનુભવી વડીલોથી બનેલી બ્રાંચ કમિટિ પસંદ કરે છે. આવી બ્રાંચ કમિટિઓ આખી દુનિયામાં આવેલા ૯૮,૦૦૦થી વધારે મંડળોની દેખરેખ રાખે છે. મંડળોની દેખરેખ રાખવા બ્રાંચ કમિટિ બાઇબલના ધોરણો પ્રમાણે સેવકાઈ ચાકર અને વડીલો પસંદ કરે છે. (૧ તીમોથી ૩:૧-૯, ૧૨, ૧૩) વડીલો પ્રચાર કામમાં અને મંડળની દેખભાળ રાખવા પ્રેમથી આગેવાની લે છે. આપણે યહોવાહના મંડળમાં હોવાથી પ્રેમ અને સંપ અનુભવીએ છીએ. એ કેટલો મોટો આશીર્વાદ!—૧ પીતર ૨:૧૭; ૫:૨, ૩.
૭ વડીલો બાઇબલમાંથી મંડળને માર્ગદર્શન આપતા રહે છે. ભાઈ-બહેનો એની ફરિયાદ કે કચકચ કરવાને બદલે, તેઓ પાસેથી મળતી સલાહની કદર કરે છે. ત્રીસેક વર્ષની બૅરિઅટ બહેનનો વિચાર કરો. તે પરિણીત છે. તે યુવાન હતી ત્યારે ખરાબ સોબતને કારણે ખોટું કામ કરવાની અણી પર હતી. ત્યારે મંડળના વડીલોએ પ્રેમથી તેને સુધારો કરવા બાઇબલમાંથી સલાહ આપી. તેમ જ ભાઈ-બહેનોએ પણ તેને ખોટાં કામોથી દૂર રહેવા મદદ કરી. એના વિષે બૅરિઅટને હવે કેવું લાગે છે? તે કહે છે: “હું આજે પણ યહોવાહની અજોડ સંસ્થામાં છું. એનો હું ખૂબ ખૂબ પાડ માનું છું.” સત્તર વર્ષના આન્ડ્રિઆસે કહ્યું: “યહોવાહની સંસ્થા જેવી દુનિયામાં બીજી કોઈ સંસ્થા નથી.” યહોવાહની સંસ્થાથી થતા લાભો માટે આપણે તેમનો પાડ માનવો જોઈએ, ખરું ને?
જવાબદાર ભાઈઓથી પણ ભૂલ થાય છે
૮, ૯. દાઊદના જીવનમાં અમુક લોકોએ કેવાં કાવતરાં રચ્યા હતા? દાઊદે શું કર્યું?
૮ ખરું કે આગેવાની લેતા ભાઈઓથી પણ ભૂલ થઈ શકે. અમુક તો પોતાની નબળાઈને પોતાની મુઠ્ઠીમાં રાખવા ખૂબ જ મહેનત કરે છે. શું આપણે તેઓની નબળાઈ જોઈને નિરાશ થઈ જવું જોઈએ? જરાય નહિ. બાઇબલના જમાનામાં ઘણા ઈશ્વરભક્તો પાસે મોટી જવાબદારી હતી. તેઓએ પણ મોટી ભૂલો કરી હતી. શાઊલ રાજાનો વિચાર કરો. યુવાન દાઊદને શાઊલ રાજા પાસે લાવવામાં આવ્યા હતા. જેથી તે સંગીત વગાડીને તેમને મનની શાંતિ આપી શકે. પરંતુ સમય જતાં શાઊલે દાઊદને મારી નાખવાની કોશિશ કરી. છેવટે દાઊદે પોતાનો જીવ બચાવવા ત્યાંથી નાસી છૂટવું પડ્યું.—૧ શમૂએલ ૧૬:૧૪-૨૩; ૧૮:૧૦-૧૨; ૧૯:૧૮; ૨૦:૩૨, ૩૩; ૨૨:૧-૫.
૯ દાઊદના જીવનમાં બીજા ઈસ્રાએલીઓએ પણ અનેક કાવતરાં રચ્યાં હતાં. તોપણ તેમણે બદલો લીધો નહિ. જેમ કે દાઊદના સેનાપતિ યોઆબે શાઊલના સગા આબ્નેરનું ખૂન કર્યું હતું. દાઊદના દીકરા આબ્શાલોમે કાવતરું રચીને દાઊદનું રાજ્ય પચાવી પાડવાની કોશિશ કરી. અહીથોફેલ દાઊદનો વિશ્વાસુ સલાહકાર હતો. તેણે પણ દાઊદને દગો દીધો. (૨ શમૂએલ ૩:૨૨-૩૦; ૧૫:૧-૧૭, ૩૧; ૧૬:૧૫, ૨૧) છતાંય દાઊદે કોઈ જાતની ફરિયાદ કરી નહિ. તેમણે યહોવાહની ભક્તિ છોડી નહિ. એના બદલે તે યહોવાહ સાથે પાકો નાતો બાંધતા રહ્યા. શાઊલ પાસેથી નાસી છૂટ્યા પછી તેમણે ભજનમાં કહ્યું: ‘હે ઈશ્વર, મારા પર દયા રાખ, મારા પર દયા રાખ; કેમ કે હું તારે શરણે આવ્યો છું; આ વિપત્તિઓ થઈ રહે, ત્યાં સુધી હું તારી પાંખોને આશ્રયે રહીશ.’—ગીતશાસ્ત્ર ૫૭:૧.
૧૦, ૧૧. ગરટ્રુડ બહેનને યુવાનીમાં કેવો અનુભવ થયો હતો? ભાઈ-બહેનોની ભૂલો વિષે તેમણે શું કહ્યું?
૧૦ ભલે દાઊદના જમાનામાં લોકોએ કાવતરાં રચ્યાં. આજે યહોવાહની સંસ્થામાં કોઈ કાવતરાં રચતું નથી. કેમ કે એવા દુષ્ટ લોકોને યહોવાહ, તેમના સ્વર્ગદૂતો કે વડીલો મંડળમાં રહેવા દેશે જ નહિ. તેમ છતાં, આપણે દરેક અજાણતા એકબીજાને દુઃખ પહોંચાડીએ છીએ જે આપણે બધાએ સહેવું પડે છે.
૧૧ ગરટ્રુડ બહેનનો વિચાર કરો. યુવાનીમાં તે પૂરો સમય યહોવાહની સેવા કરતા હતા. એ સમયે ભાઈ-બહેનોએ તેમના પર ખોટો આરોપ મૂક્યો કે તે દગાબાજ છે. ત્યારે તેમણે શું કર્યું? શું તેમણે એના વિષે ફરિયાદ કે કચકચ કરી? જરાય નહિ. ૨૦૦૩માં ૯૧ વર્ષની ઉંમરે ગુજરી ગયાં એ પહેલાં તેમણે કહ્યું: “આવા અનુભવોમાંથી મને શીખવા મળ્યું કે બધા ભૂલો કરે છે. તોપણ યહોવાહ તેમનું મહાન કામ પૂરું કરવા આપણા જેવા મામૂલી ઇન્સાનને વાપરે છે.” ગરટ્રુડને ભાઈબહેનો તરફથી આવા અનુભવો થતા ત્યારે તે યહોવાહ આગળ દિલ ખોલીને પ્રાર્થના કરતા.
૧૨. (ક) પહેલી સદીમાં અમુક લોકો શું કરતા હતા? (ખ) આપણે શાની કદર કરવી જોઈએ?
૧૨ આપણે જાણીએ છીએ કે યહોવાહના સૌથી વફાદાર ભક્તોથી પણ ભૂલો થઈ જાય છે. તેઓથી ભૂલ થઈ જાય ત્યારે આપણે કોઈ જાતનો ‘બડબડાટ, તકરાર’ કે કચકચ કર્યા વગર યહોવાહની સેવા કરતા રહેવું જોઈએ. (ફિલિપી ૨:૧૪) પહેલી સદીમાં અમુક ભાઈ-બહેનો આવા સંજોગોમાં કચકચ કરતા હતા. આપણે તેઓની જેમ ન કરીએ. ઈશ્વરભક્ત યહુદાના કહેવા પ્રમાણે મંડળમાં જૂઠા ઉપદેશકો આવીને વડીલોની અને ગવર્નિંગ બોડીના ભાઈઓની નિંદા કરતા હતા. તેઓ પોતાના જીવનથી અસંતોષી હોવાથી કચકચ અને “બડબડ” કરતા. (યહૂદા ૮, ૧૬) આપણે તેઓ જેવા ન બનીએ. એના બદલે ‘વિશ્વાસુ ચાકર’ પાસેથી આવતું યહોવાહનું જ્ઞાન દિલમાં ઉતારતા રહીએ. અને તેમની સંસ્થાની હંમેશાં કદર કરીએ. એમ કરીશું તો આપણને કોઈ જાતની ફરિયાદ કે કચકચ કરવાનું કારણ નહિ મળે.
“એ કોણ સાંભળી શકે?”
૧૩. ઈસુના શિક્ષણ વિષે ઘણાને કેવું લાગ્યું?
૧૩ આપણે જોયું તેમ પહેલી સદીમાં ઘણા લોકો ગવર્નિંગ બોડી અને મંડળના વડીલો વિષે કચકચ કરતા હતા. એ જ રીતે ઘણા લોકોએ ઈસુના શિક્ષણ વિષે પણ ફરિયાદ કરી હતી. યોહાન ૬:૪૮-૬૯માં ઈસુએ કહ્યું: “જે કોઈ મારૂં માંસ ખાય છે અને મારૂં લોહી પીએ છે, તેને અનંતજીવન છે.” એ સાંભળીને ‘તેમના શિષ્યોમાંના ઘણાએ કહ્યું, આ કઠણ વાત છે, એ કોણ સાંભળી શકે?’ ઈસુ જાણતા હતા કે પોતાના “શિષ્યો એ વિષે કચકચ કરે છે.” છેવટે ‘તેમના શિષ્યોમાંના ઘણાએ તેમની સાથે ચાલવાનું’ છોડી દીધું. જોકે ઈસુના શિક્ષણ વિષે બધા શિષ્યો કચકચ કરતા ન હતા. નોંધ કરો કે ઈસુએ ૧૨ શિષ્યોને શું પૂછ્યું: ‘શું તમને પણ નથી જવું?’ ત્યારે પીતરે કહ્યું, “પ્રભુ, અમે કોની પાસે જઈએ? અનંતજીવનની વાતો તો તારી પાસે છે. અમે વિશ્વાસ કર્યો છે અને જાણીએ છીએ, કે દેવનો પવિત્ર તે તું જ છે.”
૧૪, ૧૫. (ક) યહોવાહના શિક્ષણ વિષે આજે કેમ અમુક ભાઈ-બહેનો કચકચ કરે છે. (ખ) ઈમાનુએલના અનુભવમાંથી આપણે શું શીખી શકીએ?
૧૪ આજે પણ યહોવાહની સંસ્થા પાસેથી આવતા શિક્ષણની અમુક બાબતો વિષે થોડા ભાઈ-બહેનો કચકચ કરે છે. એનું કારણ શું છે? યહોવાહ જે રીતે માર્ગદર્શન આપે છે એની તેઓને પૂરી સમજણ ન હોવાથી એવું કરે છે. યહોવાહ આપણા સર્જનહાર છે. તે ધીરે ધીરે આપણને પોતાનું સત્ય જણાવે છે. આમ, યહોવાહ સમયોસમય બાઇબલની કલમો પર વધુ સમજણ આપતા રહે છે. એનાથી મોટા ભાગના ભાઈ-બહેનો ખુશ છે. પરંતુ અમુક ‘ઝાઝા નેક થાય’ છે. તેઓને સુધારો કરવો ગમતું નથી. (સભાશિક્ષક ૭:૧૬) કદાચ અભિમાનને કારણે તેઓ એમ કરતા હોઈ શકે. વળી અમુકનું માનવું છે કે પોતે જે કહે એ જ ખરું છે. ભલેને ફરિયાદ કે કચકચ કરવા પાછળ ગમે તે કારણ હોય. એક વાત સાચી કે એમ કરવાથી પોતાનું જ નુકસાન થાય છે. એવું વર્તન આપણને શેતાની જગતમાં પાછા ખેંચી જશે.
૧૫ ઈમાનુએલ નામના સાક્ષી ભાઈનો વિચાર કરો. તે “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” તરફથી આવતાં પુસ્તકો વાંચતો. (માત્થી ૨૪:૪૫) પણ તેને અમુક બાબતો પસંદ ન હોવાથી એ વાંચવાનું છોડી દીધું. છેવટે તેણે મંડળના વડીલોને જણાવ્યું કે હવેથી તેણે યહોવાહના સાક્ષી તરીકે નથી ઓળખાવું. થોડા સમય પછી તેને ભાન થયું કે યહોવાહની સંસ્થા સાચું જ શીખવે છે. તે પાછો વડીલો પાસે ગયો. પોતાની ભૂલ કબૂલ કરીને કહ્યું કે તેને પાછા યહોવાહના સાક્ષી બનવું છે. વડીલોએ તેને પાછો મંડળમાં લીધો. આજે તે બહુ જ ખુશ છે.
૧૬. યહોવાહ પાસેથી આવતા શિક્ષણ વિષે આપણને અમુક શંકા હોય તો શું કરવું જોઈએ?
૧૬ યહોવાહ પાસેથી આવતા શિક્ષણ વિષે આપણને અમુક શંકા હોય તો શું કરવું જોઈએ? કચકચ? જરાય નહિ. આપણે ધીરજ રાખવી જોઈએ. એવા સમયે આપણે વડીલોની મદદ લેવી જોઈએ. (યહુદા ૨૨, ૨૩) યહોવાહ પોતાના સમયે ‘વિશ્વાસુ ચાકર’ દ્વારા એના વિષે આપણી સમજણ વધારશે. આપણી શંકા દૂર થશે. એ માટે આપણે પ્રાર્થનામાં લાગુ રહેવું જોઈએ. બાઇબલ અને બાઇબલ સમજાવતા પુસ્તકોનો અભ્યાસ કરવો જોઈએ. યહોવાહની ભક્તિમાં અડગ છે તેઓની સોબત રાખવી જોઈએ. એમ કરવાથી આપણી સમજણ અને શ્રદ્ધા વધશે. તેમ જ યહોવાહની સંસ્થા અને તેમના સત્ય માટે કદર વધશે.
બૂરું ન વિચારો
૧૭, ૧૮. કચકચ કરવાને બદલે આપણે શું કરવું જોઈએ? શા માટે?
૧૭ સામાન્ય રીતે આપણે બધા જ અજાણતા ભૂલો કરી બેસીએ છીએ. અમુક તો કારણ વગર ફરિયાદ કે કચકચ કરતા હોય છે. (ઉત્પત્તિ ૮:૨૧; રૂમી ૫:૧૨) આપણે જો કાયમ કચકચ કર્યા જ કરીશું તો છેવટે યહોવાહ સાથેનો આપણો નાતો તૂટી જશે. તેથી આપણે કચકચ કરતા પહેલાં બે વાર વિચાર કરવો જોઈએ.
૧૮ આપણે મંડળ વિષે કચકચ કરવાને બદલે બધા વિષે સારું વિચારવું જોઈએ. એમ કરવા આપણે પ્રાર્થનામાં, જાતે બાઇબલનો અભ્યાસ કરવામાં અને પ્રચાર કરવામાં લાગુ રહેવું જોઈએ. એમ કરીશું તો આપણને જીવનમાં આનંદ મળશે. આપણી શ્રદ્ધા વધશે. (૧ કોરીંથી ૧૫:૫૮; તીતસ ૨:૧-૫) આપણે ભૂલવું ન જોઈએ કે માણસ નહિ, પણ યહોવાહ તેમની સંસ્થા ચલાવે છે. ઈસુ પહેલી સદીમાં જોઈ શકતા હતા કે મંડળોમાં શું ચાલે છે. એ જ રીતે આજે પણ તે જોઈ શકે છે. (પ્રકટીકરણ ૧:૧૦, ૧૧) આપણને જો લાગે કે મંડળમાં કંઈ બરાબર નથી થઈ રહ્યું, તો એ યહોવાહ અને ઈસુના હાથમાં છોડી દેવું જોઈએ. તેઓ મંડળમાં સુધારો કરવા વડીલોનો જરૂર ઉપયોગ કરશે.—ગીતશાસ્ત્ર ૪૩:૫; કોલોસી ૧:૧૮; તીતસ ૧:૫.
૧૯. યહોવાહનું રાજ્ય પૃથ્વી પર રાજ કરે ત્યાં સુધી આપણે શાના પર મન લગાડવું જોઈએ?
૧૯ આપણે જાણીએ છીએ કે થોડા જ સમયમાં દુષ્ટ જગતનો અંત આવશે. ત્યારે યહોવાહનું રાજ્ય બધી જ બાબતો સુધારશે. ત્યાં સુધી આપણે કોઈનું બૂરું ન વિચારવું જોઈએ. એ સૌથી મહત્ત્વનું છે! એમ કરીશું તો આપણે ભાઈ-બહેનોની ભૂલો નહિ, પણ સદ્ગુણો જોઈશું. આપણો આનંદ વધતો રહેશે. કચકચ કરવાથી આપણે પોતે નિરાશ થઈ જઈશું. આપણી પોતાની શક્તિ વેડફાશે. એને બદલે, જો સારું વિચારીશું તો, પોતાની શ્રદ્ધા વધશે. એમ કરવા આપણે બનતું બધું જ કરવું જોઈએ.
૨૦. યહોવાહની સંસ્થા વિષે સારું વલણ રાખવાથી આપણને કેવા આશીર્વાદો મળશે?
૨૦ યહોવાહની સંસ્થા સાથે સંગત રાખવાથી આવતા આશીર્વાદો વિષે વિચારતા રહીશું તો, આપણે એના વિષે કદી ખરાબ નહિ બોલીએ. આજે દુનિયામાં ફક્ત આ જ એવી સંસ્થા છે જે વિશ્વના રાજા યહોવાહને બધી જ રીતે વફાદાર રહે છે. તમે સાચા ઈશ્વર યહોવાહની જ ભક્તિ કરો છો એ કેવો મોટો આશીર્વાદ છે! શું તમે કદી એનો વિચાર કર્યો છે? અમારી પ્રાર્થના છે કે તમે પણ દાઊદની જેમ વિચારો: ‘હે પ્રાર્થનાના સાંભળનાર, તારી પાસે સર્વ લોક આવશે. જેને તું પસંદ કરીને પાસે લાવે છે, જે તારાં આંગણાંમાં વસે છે તેને ધન્ય છે. અમે તારા મંદિરની ઉત્તમતાથી તૃપ્ત થઈશું.’—ગીતશાસ્ત્ર ૬૫:૨, ૪. (w 06 7/15)
તમે શું શીખ્યા?
• મંડળમાં આગેવાની લેતા વડીલોના આપણે શા માટે આભારી હોવું જોઈએ?
• વડીલો ભૂલો કરે તો આપણે શું ન કરવું જોઈએ?
• અમુક કલમોની સમજણમાં સુધારો થાય ત્યારે આપણે શું ન કરવું જોઈએ?
• આપણા મનમાં અમુક શિક્ષણ વિષે શંકા હોય તો શું કરવું જોઈએ?
[પાન ૧૩ પર ચિત્ર]
દાઊદે સુલેમાનને મંદિરનો નકશો આપીને એ બાંધવા દિલથી પૂરો ટેકો આપ્યો
[પાન ૧૬ પર ચિત્ર]
વડીલો ખુશીથી ખરા માર્ગમાં ચાલવા મદદ કરે છે