આપણી સુંદર રચના
“ભય તથા આશ્ચર્ય પમાડે એવી રીતે મને રચવામાં આવ્યો છે.”—ગીતશાસ્ત્ર ૧૩૯:૧૪.
૧. ઘણા લોકો કેમ એવું માને છે કે પૃથ્વી તો ઈશ્વરની કરામત છે?
સૃષ્ટિ અજાયબી છે. હર ચીજ અજાયબી છે. યે કોન ચિત્રકાર હૈ? ઘણા માને છે કે એ જવાબ આપણે જ શોધી શકીએ, ઈશ્વર જેવું કંઈ જ નથી. અમુક માને છે કે વિશ્વના સર્જનહાર છે. જો ન હોય તો, વિશ્વ કેવી રીતે આવ્યું એ આપણે સમજી જ ન શકીએ. પૃથ્વી પરની દરેક વસ્તુઓ એટલી જટિલ છે કે એ આપમેળે આવી જ ન શકે. ઘણા સાયન્ટિસ્ટ અને અગણિત લોકોનું પણ માનવું છે કે સૃષ્ટિના સર્જનહાર છે. તેમની શક્તિ ને બુદ્ધિનો કોઈ પાર જ નથી. વિશ્વમાં તેમના જેવું મહાન બીજું કોઈ જ નથી!a
૨. શું જોઈને દાઊદે યહોવાહના ગુણ ગાયા?
૨ સદીઓ પહેલાં ઇઝરાએલમાં દાઊદ રાજા થઈ ગયા. તે દિલથી માનતા હતા કે સૃષ્ટિ ઈશ્વરની કરામત છે. તેથી ઈશ્વરને લાખ-લાખ ધન્યવાદ કહેવા જોઈએ. જોકે દાઊદ રાજાના દિવસોમાં સાયન્સ આજના જેટલું આગળ વધ્યું ન હતું. તોપણ તે જાણતા હતા કે રંગ-બે-રંગી સૃષ્ટિ ઈશ્વરની લીલા છે. દાઊદ તો પોતાના શરીરની રચના જોઈને જ મુગ્ધ થઈ ગયા હતા. તેમણે યહોવાહના ગુણ-ગાન ગાયા: “ભય તથા આશ્ચર્ય પમાડે એવી રીતે મને રચવામાં આવ્યો છે, માટે હું તારી ઉપકારસ્તુતિ કરીશ; તારાં કામ આશ્ચર્યકારક છે, એ મારો જીવ સારીપેઠે જાણે છે.”—ગીતશાસ્ત્ર ૧૩૯:૧૪.
૩, ૪. યહોવાહની કરામત વિષે આપણે દરેકે કેમ વિચારવું જ જોઈએ?
૩ દાઊદે સૃષ્ટિ પર મનન કર્યું હોવાથી જાણતા હતા કે યહોવાહ આપણા સર્જનહાર છે. બીજી બાજુ, આપણી શ્રદ્ધા તોડવા સ્કૂલના પુસ્તકો, ટીવી-રેડિયો ને ફિલ્મો એવું શીખવે છે કે માણસ પોતાની મેળે આવ્યો છે. પણ દાઊદની જેમ યહોવાહની કરામતનો વિચાર કરીશું તો, આપણી શ્રદ્ધા મજબૂત થશે. સર્જનહાર છે કે નહિ, એ નક્કી કરવાનો હક્ક આપણો પોતાનો છે.
૪ યહોવાહની કરામત પર વિચાર કરવાથી તેમની ભક્તિ માટે આપણો પ્રેમ વધશે. તેમણે બાઇબલમાં ભાવિ વિષે આપેલાં વચનો પર શ્રદ્ધા વધશે. એનાથી આપણા દિલમાં યહોવાહને ઓળખવાની ને તેમની ભક્તિ કરવાની હોંશ જાગશે. દાઊદે કહ્યું કે ‘આપણને આશ્ચર્ય પમાડે એ રીતે રચવામાં આવ્યા છે.’ આ વાત સાથે સાયન્સ પણ સહમત છે. ચાલો આપણે એના પુરાવા જોઈએ.
આપણી અજોડ રચના
૫, ૬. (ક) આપણા જીવનની શરૂઆત કઈ રીતે થઈ? (ખ) કિડની શું કરે છે?
૫ “મારૂં અંતઃકરણ [કિડની] તેં ઘડ્યું છે; અને મારી માના પેટમાં તેં મારી રચના કરી છે.” (ગીતશાસ્ત્ર ૧૩૯:૧૩) માની કૂખમાં એકદમ નાનકડા કોષથી જીવનની શરૂઆત થાય છે. એ નાનો કોષ નરી આંખે જોઈ પણ ન શકીએ . એ માઇક્રોસ્કૉપથી જ જોઈ શકાય. એ કોષ જાણે નાની લૅબોરેટરીની જેમ કામ કરે છે! થોડા જ સમયમાં એ નાનકડા કોષમાંથી અબજો કોષ થાય છે. બે જ મહિનામાં બાળકના મોટા ભાગના અંગો રચાઈ જાય છે. જેમ કે કિડની. તમે જન્મ્યા ત્યારથી તમારી કિડની સારી રીતે કામ કરે છે. એ તમારા લોહીમાંથી સારા તત્ત્વોનો ઉપયોગ કરે છે અને ઝેરી કચરો તથા વધારાનું પાણી બહાર કાઢે છે. પુખ્ત વ્યક્તિની કિડની સારી રીતે કામ કરતી હોય તો, દર ૪૫ મિનિટે લોહીમાંથી લગભગ પાંચ લિટર પાણી શુદ્ધ કરે છે!
૬ એ જ રીતે લોહીમાં રહેલા મિનરલ્સ, ઍસિડિટી અને બ્લડ-પ્રેસરને કંટ્રોલમાં રાખવા કિડની મદદ કરે છે. તેમ જ બીજા અનેક કામ કરે છે. દાખલા તરીકે, કિડની વિટામિન-ડીને બીજા તત્ત્વમાં બદલે છે. જેમ કે ઈરીથ્રો પૉઈટીન હોર્મોન. એ લાલ રક્તકણો વધારે છે. એનાથી શરીરના હાડકાંનો વિકાસ થાય છે. એટલે જ લોકો કિડનીને બહુ મહત્ત્વની ગણે છે.b
૭, ૮. (ક) માના પેટમાં બાળક કઈ રીતે મોટું થાય છે? (ખ) બાઇબલ કેમ કહે છે કે ‘પૃથ્વીના નીચલા ભાગમાં’ બાળકની રચના થાય છે?
૭ “મને અદ્રશ્ય રીતે રચવામાં આવ્યો, અને પૃથ્વી પર છેક નીચલા ભાગમાં વિવિધ કરામતથી મને ગોઠવવામાં આવ્યો, ત્યારે પણ મારૂં ખોળિયું તને અજાણ્યું ન હતું.” (ગીતશાસ્ત્ર ૧૩૯:૧૫) માની કૂખમાં રહેલા પ્રથમ કોષમાંથી અનેક કોષ બને છે. થોડા જ દિવસોમાં એ કોષનાં જુદાં જુદાં ગ્રૂપ થાય છે. જેમ કે નસ અને સ્નાયુ બનાવતા કોષ, ત્વચા કે ચામડી બનાવતા કોષ, વગેરે વગેરે. એક કોષના ગ્રૂપમાંથી જુદા જુદાં અંગ બનવા લાગે છે. દાખલા તરીકે માની કૂખમાં ગર્ભ ધારણ થાય એના ત્રીજા અઠવાડિયે હાડપિંજર દેખાવા લાગે છે. ગર્ભના સાત અઠવાડિયા પછી બાળકની લંબાઈ લગભગ અંગૂઠાના ટેરવા જેટલી હોય છે. તેમ જ, ૨૦૬ જેટલાં હાડકાંનો આકાર દેખાવા લાગે છે. જેનો પૂરો વિકાસ પામ્યા પછી મજબૂત હાડકાં બની જાય છે.
૮ આ બધું માની કૂખમાં બને છે. એટલે આપણે પોતાની નજરે જોઈ શકતા નથી. તેથી બાઇબલ કવિની ભાષામાં સમજાવે છે કે એ જાણે ‘પૃથ્વીના નીચલા ભાગમાં’ બને છે. એ નાનકડા કોષમાંથી આપણે કેવી રીતે મોટા થઈએ છીએ એ કોઈ જાણતું નથી. કોષમાં રહેલા જીન્સને કઈ રીતે ખબર પડે છે કે એણે શરીરનું કયું ચોક્કસ અંગ બનાવવાનું છે,એ વિષે સાયન્સ કદાચ પછીથી શોધી પણ કાઢે. પણ દાઊદ કહે છે કે યહોવાહ તો એ વિષે પહેલેથી જ જાણે છે!
૯, ૧૦. આપણા અંગની રચના વિષે બાઇબલ શું જણાવે છે?
૯ “મારો ગર્ભ તારી આંખોએ જોયો છે, અને મારૂં એકે અંગ થએલું ન હતું, ત્યારે પણ તેઓ સર્વ, તેમ તેઓના ઠરાવેલા સમયો તારા પુસ્તકમાં લખેલા હતા.” (ગીતશાસ્ત્ર ૧૩૯:૧૬) આપણા પહેલા કોષમાં આખી જિંદગીનો નકશો દોરેલો હોય છે. જેમ કે, નવ મહિના માની કૂખમાં ને જન્મ પછી વીસ વર્ષમાં કઈ રીતે મોટા થઈશું એ માહિતી કોષમાં હોય છે.
૧૦ દાઊદના જમાનામાં માઇક્રોસ્કોપ પણ ન હતું. એટલે તે કોષ અને જીન્સ વિષે કંઈ પણ જાણતા ન હતા. તોપણ પોતાના શરીરની રચના પરથી તે પારખી શક્યા કે એનો નકશો હોવો જ જોઈએ. દાઊદ કદાચ જાણતા હશે કે ગર્ભમાં જીવન કેવી રીતે શરૂ થાય છે. એટલે તે કહી શક્યા કે ઠરાવેલા સમયે શરીરની વૃદ્ધિ થાય છે. એના વિષે તેમણે કવિની ભાષામાં કહ્યું, ‘મારું એકે અંગ થયું એ પહેલાં તે ઈશ્વરના પુસ્તકમાં લખેલું હતું.’
૧૧. આપણા રંગ-રૂપ કોણ નક્કી કરે છે?
૧૧ આપણા જનીન અગાઉથી જ નક્કી કરે છે કે વારસામાં શું મળશે. જેમ કે, કેટલી ઊંચાઈ, રંગ-રૂપ, આંખ ને વાળનો રંગ કેવો હશે જેવી અગણિત બાબતો. આપણા દરેકના કોષમાં હજારો ને હજારો જીન્સ હોય છે. એનાથી ડીએનએ બને છે. આપણા રંગ-રૂપ કેવા હશે એ ડીએનએમાં લખેલું હોય છે. જેમ કે, એક કોષમાંથી બીજા નવા કોષ બને છે ત્યારે પહેલા કોષની માહિતી નવા કોષમાં પણ હોય છે. એનાથી જીવનભર આપણા રંગ-રૂપ બદલાતા નથી. આ બધુ ડીએનએના લીધે થાય છે. ખરેખર, ઈશ્વરની શક્તિ ને બુદ્ધિનો કોઈ પાર જ નથી!
આપણું અજોડ મન
૧૨. આપણે કઈ રીતે પ્રાણીઓથી જુદા છીએ?
૧૨ “હે ઈશ્વર, તારા વિચારો મને કેટલા બધા મૂલ્યવાન લાગે છે! તેઓની સંખ્યા કેટલી બધી મોટી છે! જો હું તેઓને ગણવા જાઉં તો તેઓ રેતીના કણ કરતાં વધારે થાય.” (ગીતશાસ્ત્ર ૧૩૯:૧૭, ૧૮) પ્રાણીઓની રચના પણ અજાયબી છે. અમુક પાસે તો એવી ઇન્દ્રિયો છે જે ઇન્સાન પાસેય નથી. તોપણ ઈશ્વરે ઇન્સાનને બોલવાની શક્તિ ને વિચારવાની બુદ્ધિ આપી છે. તેથી આપણે પ્રાણી કરતાં લાખો દરજ્જે ચઢિયાતા છીએ. એના વિષે વિજ્ઞાનનું એક પુસ્તક કહે છે: ‘આપણા જેવું ભલેને ગમે એ પ્રાણી હોય, તોપણ આપણે તેઓ કરતાં અનેક રીતે અજોડ છીએ. જેમ કે, આપણે વિચારી શકીએ છીએ કે આપણી કેવી રીતે રચના થઈ? કઈ રીતે પેદા થયા?’ દાઊદે પણ કદાચ આવા સવાલો પર વિચાર કર્યો હોઈ શકે.
૧૩. (ક) દાઊદે શાના પર મનન કર્યું? (ખ) દાઊદની જેમ આપણે પણ શું કરવું જોઈએ?
૧૩ ઈશ્વરે ઇન્સાનમાં પોતાના જેવા ગુણો મૂક્યા છે. (ઉત્પત્તિ ૧:૨૭) એટલે આપણે તેમના વિચારો પર મનન કરી શકીએ છીએ.c પ્રાણીઓ એમ કરી શકતા નથી. દાઊદ હંમેશાં યહોવાહની કરામત પર મનન કરતા. તે દરેક વસ્તુમાં યહોવાહના ગુણો જોઈ શકતા. દાઊદ પાસે બાઇબલના અમુક પુસ્તકો હતાં. એમાં યહોવાહે પોતાની ઓળખ ને પોતાના કામો વિષે જણાવ્યું હતું. એનાથી દાઊદ યહોવાહના ગુણો, તેમના વિચારો, તેમનો સ્વભાવ ને હેતુ જાણી શક્યા. દાઊદે ત્રણ બાબતો પર મનન કર્યું: બાઇબલના અમુક પુસ્તકો, ઈશ્વરની કરામત અને પોતાની સાથે યહોવાહનો વર્તાવ. એનાથી દાઊદને યહોવાહની આરાધના કરવા હોંશ જાગી.
શ્રદ્ધાનો શું અર્થ થાય?
૧૪. શું આપણે કદી યહોવાહ વિષે બધું જ જાણી શકીશું? તેમનામાં વિશ્વાસ મૂકવા આપણે શું કરવું જોઈએ?
૧૪ સૃષ્ટિ ને શાસ્ત્ર પર દાઊદ મનન કરતા રહ્યાં. તેમને ખ્યાલ આવ્યો કે યહોવાહની બુદ્ધિ અને જ્ઞાનને સમજવું પોતાના ગજા ઉપરાંત છે. (ગીતશાસ્ત્ર ૧૩૯:૬) આપણા વિષે પણ એ સાચું છે. આપણે પણ ઈશ્વરની બધી જ કરામત વિષે કદી સમજી નહિ શકીએ. (સભાશિક્ષક ૩:૧૧; ૮:૧૭) તોપણ તેમણે સૃષ્ટિ અને શાસ્ત્રમાં પોતાના વિષે પૂરતી માહિતી આપી છે. જેથી જે ચાહે તે બાઇબલ વાંચીને કે સૃષ્ટિ પર મનન કરીને યહોવાહને પોતાના ઈશ્વર માને અને તેમનામાં વિશ્વાસ મૂકે.—રૂમી ૧:૧૯, ૨૦; હેબ્રી ૧૧:૧, ૩.
૧૫. યહોવાહ સાથેનો આપણો નાતો અને વિશ્વાસ વચ્ચે શું સંબંધ છે?
૧૫ અમુક માને છે કે ઈશ્વરે વિશ્વ રચ્યું છે. એટલે તેઓ તેમનામાં વિશ્વાસ રાખે છે. પણ એવો વિશ્વાસ રાખવો પૂરતું નથી. ઈશ્વર યહોવાહને ઓળખવા જોઈએ. તેમના પર ભરોસો રાખવો જોઈએ. તેમની સાથે નાતો બાંધવો જોઈએ. (યાકૂબ ૪:૮) એક દાખલો લઈએ. જો કોઈ બાળકને પૂછે કે તેની તકલીફમાં શું તેના પપ્પા મદદ કરશે? કદાચ બાળક એ સમયે પુરાવો નહિ આપી શકે. પણ તે પપ્પાને સારી રીતે જાણતું હોવાથી તેને સો ટકા ખાતરી છે કે પપ્પા મદદ કરશે. આપણે એ બાળકના જેવાં બનવું જોઈએ. આપણા સર્જનહાર યહોવાહને સારી રીતે જાણવા જોઈએ. કઈ રીતે? સૃષ્ટિ પર મનન કરીને. બાઇબલમાંથી શીખીને. પ્રાર્થના કરીને. આપણી પ્રાર્થનાના જવાબ પરથી તેમનો પ્રેમ અનુભવીશું. આ રીતે આપણને સદા તન-મન-ધનથી તેમની ભક્તિ કરવાની ને ગુણો ગાવાની હોંશ જાગશે. એના જેવું જીવનમાં બીજું કંઈ જ નથી!—એફેસી ૫:૧, ૨.
ઈશ્વરનું માર્ગદર્શન લેતા રહીએ!
૧૬. દાઊદનો યહોવાહ સાથે જે નાતો હતો એમાંથી આપણે શું શીખી શકીએ?
૧૬ “હે ઈશ્વર, મારી પરીક્ષા કર, અને મારૂં અંતઃકરણ ઓળખ; મને પારખ, અને મારા વિચારો જાણી લે; મારામાં કંઈ દુરાચાર હોય તો તે તું જોજે, અને મને સનાતન માર્ગમાં ચલાવજે.” (ગીતશાસ્ત્ર ૧૩૯:૨૩, ૨૪) દાઊદ જાણતા હતા કે યહોવાહ તેમની રગે રગથી વાકેફ છે. તેમના વિચારો, દિલની ભાવના અને તેમણે શું કહ્યું એ પણ યહોવાહ જાણે છે. (ગીતશાસ્ત્ર ૧૩૯:૧-૧૨; હેબ્રી ૪:૧૩) એનાથી દાઊદને જરાય ગભરામણ ન થઈ. જેવી રીતે બાળક મમ્મી-પપ્પાની ગોદમાં પ્રેમ ને શાંતિ અનુભવે છે, એવું દાઊદ પણ અનુભવતા હતા. દાઊદને યહોવાહ સાથેનો નાતો પોતાના જીવથી પણ વહાલો હતો. એ નાતો ટકાવી રાખવા તે ઈશ્વરની કરામત પર મનન કરતા. તેમને દિલથી પ્રાર્થના કરતા. દાઊદે તો યહોવાહને પ્રાર્થનારૂપી અનેક ભજનો લખ્યાં છે. એમાંનું એક ગીતશાસ્ત્ર ૧૩૯, સંગીત સાથે ગાવામાં આવતું. દાઊદની જેમ આપણે પણ યહોવાહની કરામતો ને બાઇબલ વાંચીને એના પર મનન કરવું જોઈએ. એમ કરીશું તો યહોવાહ સાથે આપણો નાતો પાક્કો રહેશે.
૧૭. (ક) દાઊદ કેમ ચાહતા હતા કે યહોવાહ તેમનું દિલ તપાસે? (ખ) આપણી પસંદગીથી આપણે શું લણીશું?
૧૭ યહોવાહે આપણામાં તેમના જેવા ગુણો મૂક્યાં છે. તેમણે આપણને સારું ને ખરાબ કરવાની પસંદગી આપી છે. શું પસંદ કરવું એ આપણા હાથમાં છે. દાઊદને દુષ્ટોની સોબતથી નફરત હતી. (ગીતશાસ્ત્ર ૧૩૯:૧૯-૨૨) તે યહોવાહની અપાર બુદ્ધિ પર ઊંડો વિચાર કરતા. તેમણે યહોવાહને નમ્ર દિલથી પ્રાર્થના કરી કે ‘મારા દિલના વિચારો તપાસો, મને જીવનના માર્ગમાં દોરો.’ જેથી તે ખોટું કામ કરાવે એવા વિચારોને મનમાંથી કાઢી શકે. આપણને પણ ઈશ્વરના દરેક નીતિ-નિયમો લાગુ પડે છે. એટલે દાઊદની જેમ સારી પસંદગી કરવી જોઈએ. કેમ કે જે વાવીશું એ જ લણીશું. યહોવાહ ચાહે છે કે આપણે દરેક તેમના માર્ગમાં ચાલીએ, તો જ તેમની કૃપા ને આશીર્વાદો પામીશું. (યોહાન ૧૨:૫૦; ૧ તીમોથી ૪:૮) આપણે દરરોજ તેમનો હાથ પકડીને ચાલવું જોઈએ. એનાથી દુઃખના સમયે પણ મનની શાંતિ મળશે.—ફિલિપી ૪:૬, ૭.
ઈશ્વરના માર્ગે ચાલીએ!
૧૮. સૃષ્ટિ પર મનન કર્યા પછી દાઊદ શું નિર્ણય પર આવ્યા?
૧૮ દાઊદ નાનપણથી જ મોટે ભાગે ઘરમાં રહેતા નહિ. તે ઘેટાં ચરાવવા જતા ત્યારે આકાશ તરફ જોતા. રાત્રે તે તારા જોતા અને એના સર્જનહારનો વિચાર કરતા. “આકાશો દેવનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે; અને અંતરિક્ષ તેના હાથનું કામ દર્શાવે છે. દહાડો દહાડાને તેના વિષે કહે છે, અને રાત રાતને તેનું જ્ઞાન પ્રગટ કરે છે.” (ગીતશાસ્ત્ર ૧૯:૧, ૨) દાઊદ જાણતા હતા કે તેમને સૃષ્ટિના સર્જનહારના નીતિ-નિયમો શીખવાની ને એ પ્રમાણે જીવવાની જરૂર છે. આપણે પણ એમ જ કરવું જોઈએ.
૧૯. યહોવાહે આપણને જે રીતે બનાવ્યા છે એમાંથી નાના-મોટા શું શીખી શકીએ?
૧૯ દાઊદે સુલેમાન માટે સરસ દાખલો બેસાડ્યો. એના પરથી સુલેમાને વર્ષો પછી પણ યુવાનોને સલાહ આપી: ‘યુવાવસ્થાના દિવસોમાં તારા સરજનહારનું સ્મરણ કર. ઈશ્વરનું ભય રાખ અને તેની આજ્ઞાઓ પાળ; દરેક મનુષ્યની સંપૂર્ણ ફરજ એ છે.’ (સભાશિક્ષક ૧૨:૧, ૧૩) દાઊદ નાનપણથી જાણતા હતા કે ઈશ્વરે તેમને સુંદર રીતે બનાવ્યા છે. તેથી ઈશ્વરના કહેવા પ્રમાણે જીવવાથી તેમને મોટા આશીર્વાદો મળ્યા. આપણે નાના-મોટા દરેક જણ યહોવાહના માર્ગમાં ચાલીશું તો, આપણે આજે અને કાલે પણ સુખી થઈશું. યહોવાહે બાઇબલમાં પોતાના ભક્તોને વચન આપ્યું છે: “તેઓ ઘડપણમાં પણ ફળદાયક થશે, તેઓ રસે ભરેલા તથા લીલા રહેશે.” (ગીતશાસ્ત્ર ૯૨:૧૪, ૧૫) આપણે જો યહોવાહના માર્ગમાં ચાલતા રહીશું તો, તેમની કરામતનો સદા આનંદ માણીશું. (w 07 6/15)
[Footnotes]
a જૂન ૨૨, ૨૦૦૪નું અવૅક! જુઓ. યહોવાહના સાક્ષીઓએ એ બહાર પાડ્યું છે.
b ઑગસ્ટ ૮, ૧૯૯૭નું અવૅક!, યૉર કિડનીઝ—ફિલ્ટર ફૉર લાઇફ જુઓ.
c ગીતશાસ્ત્ર ૧૩૯:૧૮ના બીજા ભાગમાં દાઊદ એમ કહેતા હોઈ શકે કે પોતે રાત્રે સૂવે ત્યાં સુધી યહોવાહના વિચારો ગણ્યા કરે તોય ગણ્યા ગણાય નહિ.
આપણે શું શીખ્યા?
• માની કૂખમાં જે રીતે બાળક મોટું થાય છે એ શું બતાવે છે?
• આપણે કેમ યહોવાહના વિચારો પર મનન કરવું જોઈએ?
• યહોવાહ સાથેનો આપણો નાતો ને વિશ્વાસ વચ્ચે શું સંબંધ છે?
[Pictures on page 17]
ઠરાવેલા સમયે માની કૂખમાં બાળકની વૃદ્ધિ
ડીએનએ