કુટુંબમાં બધા ઈસુ પાસેથી શીખીએ
‘તમે ખ્રિસ્તને પગલે ચાલો, માટે તેમણે નમૂનો આપ્યો છે.’—૧ પીત. ૨:૨૧.
૧. (ક) સૃષ્ટિનું સર્જન કરવામાં ઈસુએ કેવી રીતે મદદ કરી? (ખ) ઈસુને મનુષ્યો માટે કેવી લાગણી હતી?
ઈશ્વર યહોવાહે સૃષ્ટિની રચના કરી ત્યારે, તેમના પહેલા દીકરા ઈસુ તેમની સાથે હતા. ઈસુ “કુશળ કારીગર” હતા. તેઓ બંનેએ મળીને આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું. પૃથ્વી પર પશુ-પંખીઓ, ફૂલછોડ બનાવીને એની સુંદરતા વધારી. એમાં રહેવા મનુષ્યોને પણ ઉત્પન્ન કર્યા. તેઓમાં યહોવાહે પોતાના જેવા ગુણો મૂક્યા. ઈસુને પણ મનુષ્યો માટે લાગણી હોવાથી, ‘તેઓમાં ઘણો આનંદ થતો હતો.’—નીતિ. ૮:૨૭-૩૧; ઉત. ૧:૨૬, ૨૭.
૨. (ક) આપણને પાપમાંથી છોડાવવા અને મુશ્કેલ સંજોગોનો સામનો કરવા યહોવાહે શું કર્યું છે? (ખ) લગ્ન વિષે બાઇબલ કેવી સલાહ આપે છે?
૨ પરંતુ, આદમ અને હવાએ પાપ કર્યું. એટલે માણસજાતને પાપમાંથી છોડાવવાની ગોઠવણ કરવી પડી, જે યહોવાહે ઈસુના બલિદાન દ્વારા કરી. (રૂમી ૫:૮) ત્યાર બાદ તેમણે માણસોને બાઇબલ આપ્યું, જેનાથી તેઓ મુશ્કેલ સંજોગોનો સામનો કરી શકે અને સારું જીવન જીવે. (ગીત. ૧૧૯:૧૦૫) બાઇબલમાં યહોવાહે કુટુંબ માટે પણ ઘણાં સૂચનો આપ્યાં છે, જેથી કુટુંબ સંપથી રહે અને ખુશીથી જીવે. દાખલા તરીકે, લગ્ન વિષે બાઇબલ જણાવે છે કે પતિ ‘પોતાની પત્નીને વળગી રહેશે; અને તેઓ એક થશે.’—ઉત. ૨:૨૪.
૩. (ક) લગ્ન વિષે ઈસુએ શું શીખવ્યું? (ખ) આ લેખમાંથી આપણે શું શીખીશું?
૩ ઈસુએ પણ શીખવ્યું હતું કે લગ્ન બંધન હંમેશ માટેનું બંધન છે. એ માટે તેમણે અમુક સલાહ-સૂચનો પણ આપ્યાં હતાં. એ પાળીને પતિ-પત્ની જીવનમાં સારા ગુણો કેળવી શકતા હતા, જેથી તેઓનું લગ્નજીવન ટકી રહે અને કુટુંબ સુખી થાય. (માથ. ૫:૨૭-૩૭; ૭:૧૨) આ લેખમાં આપણે શીખીશું કે કઈ રીતે પતિ, પત્ની, માતા-પિતા અને બાળકો માટે ઈસુ સરસ દાખલો બેસાડે છે. ઈસુની જેમ જીવવાથી કુટુંબનો પ્રેમ રાત-દિવસ વધતો રહેશે.
પતિ કેવી રીતે પત્નીને માન આપી શકે છે?
૪. ઈસુ અને પતિની જવાબદારીમાં શું સરખાપણું છે?
૪ યહોવાહે ઈસુને મંડળની દેખરેખ રાખવાની જવાબદારી સોંપી છે. એવી જ રીતે પતિને કુટુંબની સંભાળ રાખવાની જવાબદારી સોંપી છે. એ વિષે પાઊલે કહ્યું: “જેમ ખ્રિસ્ત મંડળીનું શિર છે, તેમ પતિ પત્નીનું શિર છે; વળી ખ્રિસ્ત શરીરનો ત્રાતા [રક્ષક] છે. પતિઓ, જેમ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખ્યો, અને તેની ખાતર પોતાનું સ્વાર્પણ કર્યું. તેમ તમે પોતાની પત્નીઓ પર પ્રેમ રાખો.” (એફે. ૫:૨૩, ૨૫) ઈસુ જે રીતે વર્ત્યા, એના પરથી પતિઓ ઘણું શીખી શકે છે. ચાલો જોઈએ કે ઈસુ પોતાના શિષ્યો સાથે કઈ રીતે વર્ત્યા.
૫. ઈસુ કઈ રીતે પોતાના શિષ્યો સાથે વર્ત્યા?
૫ ઈસુ ‘નમ્ર તથા દયાળુ હતા.’ (માથ. ૧૧:૨૯) જ્યારે કોઈ નિર્ણય લેવાની જરૂર પડતી, ત્યારે તરત જ સમજી-વિચારીને નિર્ણય લેતા. તે કદી પણ પોતાની જવાબદારીથી છટકી જતા નહિ. (માર્ક ૬:૩૪; યોહા. ૨:૧૪-૧૭) તેમણે પોતાના શિષ્યોને વારંવાર સલાહ આપવાની જરૂર પડી, તેમ છતાં પ્રેમથી આપી. (માથ. ૨૦:૨૧-૨૮; માર્ક ૯:૩૩-૩૭; લુક ૨૨:૨૪-૨૭) ઈસુએ કદી પણ પોતાના શિષ્યોને નીચા પાડ્યા નહિ. એને બદલે તેમણે હંમેશાં ઉત્તેજન આપ્યું કે તેઓ સોંપેલી જવાબદારી ચોક્કસ પૂરી કરી શકશે. તેમણે શિષ્યોના વખાણ પણ કર્યા. (લુક ૧૦:૧૭-૨૧) ઈસુએ શિષ્યોને આ રીતે ખૂબ જ પ્રેમ બતાવ્યો. એટલે શિષ્યોએ પણ ઈસુ પર ઘણો પ્રેમ રાખ્યો અને તેમને માન આપ્યું.
૬. (ક) ઈસુ જે રીતે શિષ્યો સાથે વર્ત્યા એમાંથી પતિ શું શીખી શકે? (ખ) પીતરે પતિઓને કેવું ઉત્તેજન આપ્યું?
૬ ઈસુ જે રીતે શિષ્યો સાથે વર્ત્યા એમાંથી પતિ શું શીખી શકે? પતિ પોતાની પત્નીની પ્રેમથી કાળજી રાખવાનું શીખી શકે. પત્ની પર જુલમ કરવાને બદલે, માન આપવાનું શીખી શકે. ઈસુ શિષ્યો સાથે જેમ વર્ત્યા, ‘એ જ પ્રમાણે રહેવાનું’ ઉત્તેજન પીતરે પતિને આપ્યું અને પત્નીને ‘માન આપવાનું’ પણ જણાવ્યું. (૧ પીતર ૩:૭ વાંચો.) પણ પ્રશ્ન થાય કે પતિ “શિર” હોવા છતાં, તે કઈ રીતે પત્નીને માન આપી શકે?
૭. કઈ રીતે પતિ પોતાની પત્નીને માન આપી શકે?
૭ પતિ, તમે તમારી પત્નીને ઘણી રીતે માન આપી શકો. જેમ કે કુટુંબમાં કોઈ નિર્ણય લેતા પહેલાં, તમારી પત્નીના વિચારો અને લાગણીઓ ધ્યાનમાં લો. માનો કે તમારે ઘર બદલવું છે, નોકરી બદલવી છે, કે પછી ક્યાંક ફરવા જવું છે, કુટુંબના ખર્ચમાં કાપકૂટ કરવી છે, કે પછી બીજી કોઈ નાની-મોટી બાબત હોય. આ બધામાં નિર્ણય લેતા પહેલાં, તમારી પત્નીના વિચારો પણ ધ્યાનમાં લેવા જોઈએ, કેમ કે એની અસર આખા કુટુંબ પર પડશે. એનાથી તમને વધારે સારો નિર્ણય લેવા મદદ મળી શકે અને તમારી પત્ની પણ એમાં સાથ આપશે. (નીતિ. ૧૫:૨૨) એ રીતે માન આપનાર પતિ પોતાની પત્નીનો પ્રેમ અને માન મેળવે છે, સાથે સાથે યહોવાહના આશીર્વાદ પણ મેળવે છે.—એફે. ૫:૨૮, ૨૯.
પત્ની કઈ રીતે પતિને માન આપી શકે છે?
૮. હવાએ આધીન રહેવામાં કઈ રીતે સારો દાખલો બેસાડ્યો નહિ?
૮ પત્નીઓ માટે પણ ઈસુએ સારો દાખલો બેસાડ્યો. તે બધી રીતે યહોવાહને આધીન રહ્યા. પણ આદમની પત્ની હવાએ એમ ન કર્યું. તેણે યહોવાહની ગોઠવણ પ્રમાણે પોતાના પતિને આધીન રહેવાનું હતું. પણ આદમનું કહેવું ન માનીને, હવાએ એ ગોઠવણને માન આપ્યું નહિ. (ઉત. ૨:૧૬, ૧૭; ૩:૩; ૧ કોરીં. ૧૧:૩) ખરું કે ‘તમે દેવના જેવા થશો’ એમ કહીને, શેતાને હવાને લલચાવી હતી. પણ હવાએ પતિની સલાહ લેવાને બદલે, શેતાનનું કહેવું માની લીધું. એટલું જ નહિ, તેણે પોતાના પતિને પણ યહોવાહની આજ્ઞા તોડવા મનાવી લીધો. (ઉત. ૩:૫, ૬; ૧ તીમો. ૨:૧૪) હવા પોતાના પતિને આધીન ન રહી. આમ તેણે પત્નીઓ માટે સારો દાખલો બેસાડ્યો નહિ.
૯. ઈસુએ આધીનતા બતાવવામાં કઈ રીતે સારો દાખલો બેસાડ્યો?
૯ પત્નીઓ માટે આધીનતાનો સૌથી સારો દાખલો ઈસુએ બેસાડ્યો છે. એ તેમના જીવનમાંથી દેખાઈ આવે છે. ઈસુ ‘પોતે ઈશ્વરના રૂપમાં છતાં, તેમણે ઈશ્વર સમાન હોવાનું પકડી રાખવાને ઇચ્છયું નહિ, પણ તેમણે દાસનું રૂપ ધારણ કરીને પોતાને ખાલી કર્યા.’ (ફિલિ. ૨:૫-૭) આજે ઈસુ સ્વર્ગમાં રાજા છે. તેમ છતાં તે બધી બાબતોમાં યહોવાહને જ આધીન રહે છે અને પૂરો સાથ આપે છે.—માથ. ૨૦:૨૩; યોહા. ૫:૩૦; ૧ કોરીં. ૧૫:૨૮.
૧૦. પત્ની કેવી રીતે પતિને આધીન રહી શકે એનો દાખલો આપો.
૧૦ ઈસુની જેમ પત્નીએ પોતાના પતિને આધીન રહેવું જોઈએ. (૧ પીતર ૨:૨૧; ૩:૧, ૨ વાંચો.) ચાલો એનો એક દાખલો લઈએ. એક છોકરો પોતાની મમ્મીને પૂછે છે કે ‘શું હું દોસ્તો સાથે ફરવા જાઉં?’ જો એની ચર્ચા માતા-પિતા તરીકે થઈ ના હોય, તો માતા શું કરશે? તે પોતાના દીકરાને પૂછી શકે કે ‘તેં પપ્પાને પૂછ્યું છે?’ જો છોકરો ના કહે તો પત્નીએ પોતાના પતિ સાથે વાત કરીને પછી જ નિર્ણય લેવો જોઈએ. બીજું કે જો પત્નીના વિચારો પતિના જેવા જ ન હોય, તો એની ચર્ચા બાળકો સામે ના કરવી જોઈએ.—એફે. ૬:૪.
ઈસુ પાસેથી માતા-પિતા શું શીખી શકે છે?
૧૧. ઈસુએ માતા-પિતા માટે કઈ રીતે સારો દાખલો બેસાડ્યો?
૧૧ ખરું કે ઈસુએ લગ્ન નʼતા કર્યા કે તેમને કોઈ બાળકો પણ ન હતાં. તેમ છતાં, તેમણે માતા-પિતા માટે સારો દાખલો બેસાડ્યો. કેવી રીતે? શિષ્યોને પોતાનાં કાર્યો અને શબ્દોથી શીખવીને. તેમણે ધીરજ અને પ્રેમથી એમ કર્યું. આ રીતે શિષ્યોને શીખવા મળ્યું કે તેમને સોંપાયેલું ઈશ્વરનો સંદેશો ફેલાવવાનું કામ તેઓ કેવી રીતે પૂરું કરી શકે. (લુક ૮:૧) ઈસુના વર્તન પરથી શિષ્યો જોઈ શક્યા કે બીજાઓ સાથે કઈ રીતે વર્તવું જોઈએ.—યોહાન ૧૩:૧૪-૧૭ વાંચો.
૧૨, ૧૩. બાળકો યહોવાહની દિલથી ભક્તિ કરે એ માટે માબાપે શું કરવું જોઈએ?
૧૨ મોટા ભાગે બાળકો માબાપની જેમ કરે છે. જો માબાપ ચાહે કે પોતાનાં બાળકો દિલથી યહોવાહની ભક્તિ કરે, તો પહેલા તેઓએ પોતે યહોવાહની દિલથી ભક્તિ કરવી જોઈએ. (પુન. ૬:૬) જો માબાપ એમ કરશે તો એની અસર તેઓનાં બાળકો પર ચોક્કસ પડશે. એટલે માબાપે આવા સવાલોનો વિચાર કરવો જોઈએ: ‘હું ટીવી અને મોજશોખ પાછળ કેટલો સમય કાઢું છું? બાઇબલ સ્ટડી કરવા અને ઈશ્વરનો સંદેશો જણાવવા હું કેટલો સમય કાઢું છું? કુટુંબમાં શું ઈશ્વરની ભક્તિ પહેલા આવે છે? એમ કરીને અમે બાળકો માટે સારો દાખલો બેસાડીએ છીએ?’
૧૩ આ રીતે વિચારવાથી માબાપ જોઈ શકશે કે પોતે બાળકો માટે કેવો દાખલો બેસાડે છે. જો તેઓ જીવનમાં બાઇબલનાં સલાહ-સૂચનો લાગુ પાડતા હશે, તો બાળકો પણ એમ કરવા પ્રેરાશે. પણ જો માબાપ એમ નહિ કરતા હોય તો એની અસર બાળક પર પડશે. બાળકને લાગશે કે બાઇબલનાં સલાહ-સૂચનો એટલાં જરૂરી નથી. એના લીધે કદાચ બાળક ખોટી સંગતમાં પડીને ખોટા રસ્તે ચડી જશે.
૧૪, ૧૫. માબાપે બાળકોને જીવનમાં શું પ્રથમ રાખવા શીખવવું જોઈએ? એ પ્રમાણે કરવાની એક રીત જણાવો.
૧૪ માબાપે બાળકોને જીવન જરૂરી ચીજો પૂરી પાડવી, એ જ પૂરતું નથી. પણ ઈશ્વરની ભક્તિમાં આગળ વધારતા રહેવું એ વધારે મહત્ત્વનું છે. તેથી બાળકોને એવું શિક્ષણ ન આપવું, જેનાથી તેઓ ધનદોલત પાછળ પડી જાય. (સભા. ૭:૧૨) ઈસુની જેમ માબાપે બાળકોને શીખવવું જોઈએ કે ઈશ્વરનું રાજ્ય અને ભક્તિ જીવનમાં પહેલી હોવી જોઈએ.—માથ. ૬:૩૩.
૧૫ આમ કરવા માબાપ શું કરી શકે? એક રીત છે કે બાળકોને સારી સંગત મળે એવી ગોઠવણ કરે. પાયોનિયરો, સરકીટ ઓવરશીયર અને તેમની પત્ની સાથે હળવા-મળવાથી બાળકોને ઘણું ઉત્તેજન મળશે. મિશનરિઓ, બેથેલના ભાઈ-બહેનો અને ઇન્ટરનેશનલ કન્સ્ટ્રક્શન વોલંટિયરોને મળવાથી બાળકો જોઈ શકશે કે યહોવાહની ભક્તિમાં કેટલી મજા આવે છે. એવા ભાઈ-બહેનો પાસેથી બાળકો સારા અનુભવો સાંભળી શકશે. તેઓએ જે રીતે ભોગ આપીને યહોવાહની ભક્તિ જીવનમાં પ્રથમ મૂકી છે, એનાથી બાળકોને સારા નિર્ણય લેવા મદદ મળશે. એ રીતે બાળકો પોતાના પગ પર ઊભા રહીને, ઈશ્વરની ભક્તિને જીવનમાં પ્રથમ રાખવાનો ધ્યેય બાંધતા શીખી શકશે.
બાળકો ઈસુ પાસેથી શું શીખી શકે છે?
૧૬. ઈસુ કઈ રીતે યુસફ અને મરિયમને આધીન રહ્યા? કઈ રીતે યહોવાહનું કહેવું માન્યું?
૧૬ ઈસુએ બાળકો માટે પણ સૌથી સારો દાખલો બેસાડ્યો. યહોવાહે પૃથ્વી પર ઈસુને મોટા કરવાની જવાબદારી યુસફ અને મરિયમને સોંપી. ઈસુ જાણતા હતા કે યુસફ અને મરિયમ અપૂર્ણ હતા. તોપણ ઈસુએ તેઓના કહેવા પ્રમાણે કર્યું અને આધીન રહ્યા. (લુક ૨:૫૧ વાંચો; પુન. ૫:૧૬; માથ. ૧૫:૪) ઈસુએ મોટા થયા પછી ઘણાં પરીક્ષણો સહન કરીને પણ હંમેશાં તેમના પિતા યહોવાહનું કહેવું માન્યું. (માથ. ૪:૧-૧૦) ઈસુની જેમ જ આજે ઘણા યુવાનો પર પરીક્ષણો આવે છે. એવા સંજોગોમાં પણ માબાપ અને યહોવાહને આધીન રહેવા યુવાનો શું કરી શકે?
૧૭, ૧૮. (ક) યુવાનોને મિત્રો તરફથી કેવાં દબાણો આવી શકે? (ખ) એવાં દબાણોમાં યુવાનોએ શું યાદ રાખવું જોઈએ?
૧૭ યુવાનો, સ્કૂલમાં કદાચ તમારા દોસ્ત કોઈ ખોટા કામમાં ભાગ લેવા તમને જબરદસ્તી કરે. જો ના પાડો તો મજાક પણ ઉડાવે. એવા સંજોગોમાં તમે શું કરશો? તમે જાણો છો કે બધા જ દોસ્તો બાઇબલના નીતિ-નિયમો પ્રમાણે જીવતા નથી. પણ તમે તેઓ સાથે ખોટા કામમાં જોડાશો તો ખોટા માર્ગે ચડી જશો. માતા-પિતા અને યહોવાહને દુઃખી કરશો. તમારા ધ્યેયો પર એની ખરાબ અસર પડશે. જેમ કે તમે કદાચ પાયોનિયર કે મિનિસ્ટ્રિયલ સર્વન્ટ બનવાનું વિચાર્યું હોય, અથવા જરૂર છે ત્યાં ઈશ્વરનો સંદેશો જણાવવાનો કે બેથેલમાં જવાનો વિચાર કર્યો હોય. એટલે વિચારો કે એવા દોસ્તો તમને યહોવાહની ભક્તિમાં આગળ વધવા મદદ કરશે કે પછી તેમનાથી દૂર લઈ જશે.
૧૮ મંડળમાં અમુક યુવાનોને આવા અનુભવ થયા છે. તેઓએ એ કિસ્સામાં શું કર્યું? શું તેઓ ઈસુની જેમ જ વર્ત્યા? ઈસુએ બધી બાબતમાં યહોવાહના કહેવા પ્રમાણે જ કર્યું. તેમણે હંમેશાં યહોવાહના નીતિ-નિયમો પાળ્યા અને તેમની ભક્તિ પ્રથમ રાખી. તમારા મિત્રો જ્યારે તમને દબાણ કરે ત્યારે આ યાદ રાખો. એનાથી તેઓને સાફ જવાબ આપી શકશો કે જે ખોટું છે એમાં તમે કદી તેઓને સાથ નહિ આપો. આ રીતે તમે યહોવાહને પ્રથમ રાખશો.—હેબ્રી ૧૨:૨.
સુખી કુટુંબ માટે માર્ગદર્શન
૧૯. કુટુંબ સુખી બનાવવા શું કરવું જોઈએ?
૧૯ યહોવાહ અને ઈસુ આપણું જ ભલું ઇચ્છે છે. તેઓના માર્ગદર્શન પ્રમાણે જીવીશું તો સુખી થઈશું. (યશા. ૪૮:૧૭, ૧૮; માથ. ૫:૩) ઈસુએ શિષ્યોને શીખવ્યું કે કઈ રીતે વ્યક્તિ સુખી થઈ શકે. ઈસુએ ફક્ત શીખવ્યું જ નહિ, પણ એ રીતે જીવી બતાવ્યું. આજે પણ પતિ, પત્ની, માતા-પિતા અને બાળકો, બધાય ઈસુ પાસેથી ઘણું શીખી શકે છે. તેમનાં સલાહ-સૂચનો પ્રમાણે જીવીશું તો, કુટુંબમાં પ્રેમભાવ વધશે. આપણું કુટુંબ સુખી થશે. (w09 7/15)
તમે કેવો જવાબ આપશો?
• ઈશ્વરે આપેલી જવાબદારી પતિ કઈ રીતે નિભાવશે?
• પત્ની કઈ રીતે ઈસુની જેમ આધીનતા બતાવી શકે?
• ઈસુ જે રીતે શિષ્યો સાથે વર્ત્યા એમાંથી માતા-પિતા શું શીખી શકે?
• ઈસુના દાખલામાંથી યુવાનો શું શીખી શકે?
[પાન ૧૪ પર ચિત્ર]
કુટુંબ માટે કોઈ નિર્ણય લેતા પહેલાં સારો પતિ પત્નીની સલાહ લે છે
[પાન ૧૫ પર ચિત્ર]
આવા સંજોગમાં પત્ની કેવી રીતે પતિને આધીન રહેશે?
[પાન ૧૬ પર ચિત્ર]
બાળકો પોતાનાં માબાપ જેવું જ કરશે