પાપ વિષે સત્ય
માની લો કે કોઈ વ્યક્તિને તાવ છે. જો તે તાવ માપવાનું થર્મોમીટર ભાંગી નાખે તો શું એવો અર્થ થાય કે તેને તાવ નથી? જરાય નહિ! એવી જ રીતે ઘણા લોકો પાપ વિષે ઈશ્વરના વિચારો જાણવાનો નકાર કરે તો, એનો અર્થ એ નથી કે પાપ જેવું કંઈ નથી. ઈશ્વરે પાપ વિષે બાઇબલમાં ઘણું જણાવ્યું છે. ચાલો જોઈએ કે બાઇબલ એ વિષે શું શીખવે છે.
બધા ભૂલો કરે છે
આજથી લગભગ બે હજાર વર્ષ પહેલાં પ્રેરિત પાઊલે પોતાની હાલત વિષે અકળાઈને આમ કહ્યું: “જે સારૂં હું ઇચ્છું છું તે હું કરતો નથી; પણ જે ભૂંડું હું ઇચ્છતો નથી તે હું કર્યા કરૂં છું.” (રૂમી ૭:૧૯) ખરું કહીએ તો આપણી હાલત પણ તેમના જેવી જ છે. કદાચ આપણે બાઇબલમાં આપેલી દસ આજ્ઞાઓ કે બીજા કોઈ ધોરણો પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરતા હોઈશું. તોપણ એવું કોઈ નથી જે પોતે ભૂલ નહિ કરતું હોય. એવું પણ નથી કે આપણે જાણી જોઈને આજ્ઞા તોડીએ છીએ. પણ આપણામાં નબળાઈ હોવાથી એમ કરી બેસીએ છીએ. એનું કારણ શું છે? પ્રેરિત પાઊલ એનો જવાબ આપે છે: “હવે જો હું જે ઇચ્છતો નથી તે હું કરૂં છું, તો તે કરનાર હું નથી, પણ મારામાં જે પાપ વસે છે તે છે.”—રૂમી ૭:૨૦.
પાઊલની જેમ સર્વ મનુષ્યમાં આદમના પાપની અસર છે. એટલે આપણે ઈશ્વરની જેમ વિચારી શકતા નથી, ભૂલો કરીએ છીએ, બીમાર થઈએ છીએ અને મરણ પામીએ છીએ. પાઊલે કહ્યું: “એક માણસથી [આદમથી] જગતમાં પાપ પેઠું, ને પાપથી મરણ; અને સઘળાંએ પાપ કર્યું, તેથી સઘળાં માણસોમાં મરણનો પ્રસાર થયો.”—રૂમી ૩:૨૩; ૫:૧૨.
ભલે આજે ઘણા લોકો એ હકીકતનો નકાર કરતા હોય, પણ બાઇબલ એ જ શીખવે છે. એ જણાવે છે કે આપણા પ્રથમ માબાપે જાણીજોઈને ઈશ્વરની આજ્ઞા તોડી. એટલે મનુષ્યનો ઈશ્વર સાથેનો નાતો કપાઈ ગયો. પરિણામે ઈશ્વરે મનુષ્યને શરૂઆતમાં જે રીતે બનાવ્યો હતો એ પ્રમાણે આજે આપણે નથી. ઈસુએ પણ ઉત્પત્તિના પહેલા અધ્યાયનો ઉલ્લેખ કરતા એ સત્ય જણાવ્યું કે આદમ અને હવાનો અહેવાલ એકદમ સાચો છે.—ઉત્પત્તિ ૧:૨૭; ૨:૨૪; ૫:૨; માત્થી ૧૯:૧-૫.
ઈસુ ધરતી પર એટલા માટે આવ્યા કે જે કોઈ તેમના પર શ્રદ્ધા રાખે તેઓને તે પાપ અને મોતમાંથી આઝાદ કરે. એ બાઇબલનું એક મુખ્ય શિક્ષણ છે. (યોહાન ૩:૧૬) યહોવાહ ઈશ્વરે મનુષ્યને પાપ અને મોતમાંથી આઝાદ કરવાની જે ગોઠવણ કરી છે એને રાજીખુશીથી સ્વીકારીશું તો આપણે આ દુઃખી હાલતમાંથી છૂટી શકીશું. એ સિવાય એમાંથી આઝાદ થવા મનુષ્ય કાંઈ જ કરી શકે એમ નથી. પણ પહેલાં આપણે એ જાણવાની જરૂર છે કે યહોવાહની નજરમાં પાપ શાને કહેવાય. જો એની બરાબર સમજણ નહિ હોય તો, પાપ અને મોતમાંથી છોડાવવા યહોવાહે કરેલી ગોઠવણની આપણે પૂરેપૂરી કદર નહિ બતાવી શકીએ.
ઈસુની કુરબાનીની કેમ જરૂર પડી?
યહોવાહે આદમને કાયમ માટે જીવવાનો આશીર્વાદ આપ્યો હતો. પણ જો આદમ તેમની આજ્ઞા તોડે તો એ આશીર્વાદ ગુમાવી બેસે. તોય તેણે જાણીજોઈને એ આજ્ઞા તોડી અને પાપી બન્યો. (ઉત્પત્તિ ૨:૧૫-૧૭; ૩:૬) આદમે યહોવાહની ઇચ્છા પ્રમાણે કર્યું ન હોવાથી તેમની સાથે નાતો તોડી બેઠો. ઈશ્વરની આજ્ઞા તોડીને પાપ કર્યું હોવાથી તેનામાં ઘડપણ આવ્યું. છેવટે તે મરણ પામ્યો. આમ આદમથી આવતા સર્વ મનુષ્ય એટલે કે આપણને વારસામાં પાપ મળ્યું છે. કેટલા દુઃખની વાત કે એના લીધે આપણે પણ છેવટે મરણ પામીશું. પણ શા માટે?
એનું કારણ સાદું છે. પાપી મા-બાપ પાપ વગરનાં બાળકોને જન્મ આપી ન શકે. આદમને લીધે સર્વ મનુષ્યમાં પાપની અસર આવી છે. એના વિષે પ્રેરિત પાઊલે કહ્યું: ‘પાપનું વેતન મરણ છે.’ (રૂમી ૬:૨૩) પરંતુ એ જ કલમનો બીજો ભાગ આપણને આશા આપે છે: ‘પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે ઈશ્વરનું કૃપાદાન અનંતજીવન છે.’ એટલે હવે જે કોઈ યહોવાહ ઈશ્વરના માર્ગે ચાલવા ચાહે છે તેઓ માટે સુંદર આશીર્વાદ રહેલો છે. ઈસુની કુરબાની દ્વારા તેઓ આદમથી વારસામાં મળેલા પાપની અસરથી મુક્ત થઈ શકે છે.a (માત્થી ૨૦:૨૮; ૧ પીતર ૧:૧૮, ૧૯) હવે આ જાણીને તમને કેવું લાગવું જોઈએ?
ખ્રિસ્તનો પ્રેમ આપણને ‘ફરજ પાડે છે’
ઈશ્વરની પ્રેરણાથી પ્રેરિત પાઊલે ઉપર જણાવેલા સવાલનો જવાબ આપ્યો. તેમણે લખ્યું: ‘ખ્રિસ્તનો પ્રેમ અમને ફરજ પાડે છે; કારણ કે અમે એવું ચોક્કસ સમજીએ છીએ, કે એક સર્વને વાસ્તે મર્યો. અને જેઓ જીવે છે તેઓ હવેથી પોતાને અર્થે નહિ, પણ જે તેઓને વાસ્તે મર્યો તથા પાછો ઊઠ્યો તેને અર્થે જીવે.’ (૨ કોરીંથી ૫:૧૪, ૧૫) જો કોઈ વ્યક્તિ ઈસુની કુરબાનીમાં વિશ્વાસ મૂકીને પાપની અસરથી મુક્ત થવા ચાહતી હોય તો શું કરવું જોઈએ? તેણે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે જીવવા બનતું બધું જ કરીને આ ગોઠવણ માટે કદર બતાવવી જોઈએ. એમ કરવા તેણે શીખવું જોઈએ કે ઈશ્વર આપણી પાસેથી શું ચાહે છે. તેમ જ, બાઇબલના શિક્ષણથી પોતાનું અંતર ઘડવું જોઈએ અને એ પ્રમાણે જીવવું જોઈએ.—યોહાન ૧૭:૩, ૧૭.
પાપ કરવાથી યહોવાહ સાથેનો નાતો નબળો પડી જાય છે. દાઊદ રાજાએ બાથશેબા સાથે વ્યભિચાર કર્યો અને તેના પતિનું ખૂન કરાવ્યું પછી તેમને એ પાપનું ભાન થયું. શરમથી તેમનું માથું ઝૂકી ગયું. પરંતુ તેમને સૌથી મોટું દુઃખ તો એ થયું કે તેમના પાપથી યહોવાહનું નામ બદનામ થયું હતું. યહોવાહ આગળ પસ્તાવો કરીને તેમણે પ્રાર્થનામાં કહ્યું: “તારી, હા, તારી જ વિરૂદ્ધ મેં પાપ કર્યું છે, અને જે તારી દૃષ્ટિમાં ભૂંડું છે તે મેં કર્યું છે.” (ગીતશાસ્ત્ર ૫૧:૪) એવી જ રીતે યુસફ સામે વ્યભિચાર કરવાની લાલચ આવી ત્યારે તેમનું અંતર પોકારી ઊઠ્યું: ‘આવું મોટું કુકર્મ કરીને, હું ઈશ્વરનો અપરાધી કેમ થાઉં?’—ઉત્પત્તિ ૩૯:૯.
હવે સવાલ થાય કે ઈશ્વરની નજરમાં પાપ શાને કહેવાય? કંઈક ખોટું કર્યા પછી પકડાઈ જવાથી આપણું માથું શરમથી ઝૂકી જાય એને પાપ ન કહેવાય. સમાજની અપેક્ષા પ્રમાણે જીવવામાં નિષ્ફળ ગયા હોવાથી પોતાની ભૂલ કબૂલ કરવી પડે એને પણ પાપ ન કહેવાય. આપણા ખોટાં કામનો બીજાઓને જવાબ આપવો પડે એને પણ પાપ ન કહેવાય. પણ ઈશ્વરના નિયમો તોડીએ એને પાપ કહેવાય. જેમ કે, કોઈને છેતરવું, જૂઠું બોલવું કે બીજાઓને માન ન આપવું વગેરે. તેમ જ, જાતીય સંબંધો અને ઈશ્વરની ભક્તિને લઈને તેમના નિયમો તોડવાથી પણ આપણે પાપ કરીએ છીએ. એનાથી ઈશ્વર સાથેનો નાતો નબળો પડી શકે. જો આપણે જાણીજોઈને પાપ કરવામાં મંડ્યા રહીશું તો ઈશ્વરના દુશ્મન બની જઈશું. આ હકીકત પર આપણે ગંભીર રીતે વિચારવું જોઈએ.—૧ યોહાન ૩:૪, ૮.
હવે તમને શું લાગે છે? શું પાપ વિષે ઈશ્વરના વિચારો બદલાયા છે? ના. પાપની સમજણ જરાય બદલાઈ નથી. એ તો લોકો પાપને અલગ અલગ નામથી ઓળખવા લાગ્યા છે, જેથી એની ગંભીરતા ઓછી થઈ જાય. ઘણા લોકો પોતાના અંતરના અવાજને દબાવી દે છે અથવા એનું જરાય સાંભળતા નથી. આપણે જો ઈશ્વરની કૃપા પામવી હોય તો એમ કરવાનું ટાળવું જોઈએ. આપણે જોઈ ગયા તેમ, પાપનું પરિણામ સ્વમાન ગુમાવવું કે શરમથી ઝૂકી જવું નથી, પણ મરણ છે. પાપ ગંભીર બાબત છે, એમાં જીવન-મરણનો સવાલ રહેલો છે.
આનંદની વાત એ છે કે આપણે સાચા દિલથી પાપનો પસ્તાવો કરીએ અને ખોટાં કામો કરવાનું છોડી દઈએ તો, ઈસુની કુરબાની દ્વારા આપણને એની માફી મળી શકે છે. પ્રેરિત પાઊલે લખ્યું: “જેના અપરાધ માફ થયા છે અને જેનાં પાપ ઢંકાઈ ગયા છે તેને ધન્ય છે! જે માણસનાં પાપને ઈશ્વર તેના ખાતે ગણતો નથી તેને ધન્ય છે!”—રોમન ૪:૭, ૮, IBSI. (w10-E 06/01)
[ફુટનોટ્સ]
a ઈસુની કુરબાનીથી મનુષ્ય કઈ રીતે પાપ અને મરણની પકડથી મુક્ત થઈ શકે, એ વિષે વધારે જાણવા માટે પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકના પાન ૪૭-૫૪ જુઓ. યહોવાહના સાક્ષીઓએ આ પુસ્તક બહાર પાડ્યું છે.
[પાન ૧૦ પર ચિત્રનું મથાળું]
ચર્ચે પોતાની માન્યતા બદલી નાખી
કૅથલિક ચર્ચમાં જનારા મોટા ભાગના લોકો પહેલેથી જ લીમ્બોના શિક્ષણને લીધે ગૂંચવણમાં હતાં. થોડા દાયકાઓથી એ શિક્ષણ ધીમે ધીમે ઝાંખું પડતું ગયું છે. એ હદ સુધી કે હવે તેઓની માન્યતાના પુસ્તકોમાંથી પણ એ શિક્ષણ કાઢી નાખવામાં આવ્યું છે. ૨૦૦૭માં કૅથલિક ચર્ચે લીમ્બોના શિક્ષણને દફનાવી દીધું. એનું કારણ આપતા તેઓએ પોતાની ‘માન્યતાના પુસ્તકમાં જણાવ્યું કે બાપ્તિસ્મા લીધા વગર બાળક મરી જાય તોપણ તેનો ઉદ્ધાર થઈ શકે છે અને કાયમ માટે સુખચેનમાં રહી શકે છે.’—ઇન્ટરનેશનલ થીઓલોજીકલ કમીશન.
કૅથલિક ચર્ચે પોતાની માન્યતા કેમ બદલી? ફ્રાન્સના એક કટાર લેખક એનરી ટીન્કે લખ્યું તેમ, કૅથલિક ચર્ચે એ માન્યતાના બોજાથી છૂટવા એને બદલી નાખી: ‘મધ્ય કાળથી વીસમી સદી સુધી ચર્ચ લીમ્બોની માન્યતા ફેલાવતું રહ્યું. તેઓ ચાલાકીથી લીમ્બોની બીક બતાવીને માબાપ પર દબાણ મૂકતા કે નાનાં બાળકને જેમ બને એમ જલદી બાપ્તિસ્મા અપાવે. હવે એ જ શિક્ષણ તેઓ માટે બોજરૂપ હતું.’ પરંતુ લીમ્બો વિષે માન્યતા બદલવાથી હવે અનેક સવાલો ઊભા થાય છે.
શું આ માન્યતા બાઇબલને આધારે છે? બારમી સદીમાં ધર્મગુરુઓ પરગેટરી (કૅથલિક માન્યતા પ્રમાણે, આધ્યાત્મિક શુદ્ધિનું સ્થાન) વિષે કોઈ ચર્ચા કરવા ભેગા થયા હતા ત્યારે, લીમ્બોની માન્યતાનો જન્મ થયો. કૅથલિક ચર્ચ શીખવતું કે વ્યક્તિ મરી જાય ત્યારે આત્મા બીજે ક્યાંક જાય છે. એમ હોય તો, એવાં ગુજરી ગયેલાં બાળકો વિષે શું, જેઓનું બાપ્તિસ્મા થયું નથી? કૅથલિક માન્યતા પ્રમાણે, તેઓ સ્વર્ગમાં જઈ શકતા નથી, તેમ જ એટલા ખરાબ પણ નથી કે નરકમાં જાય. એટલે તેઓ માટે કોઈ જગ્યા શોધવા લીમ્બોની માન્યતા ઘડાઈ.
બાઇબલ એવું જરાય શીખવતું નથી કે આત્મા જેવું કંઈક છે, જે વ્યક્તિના મર્યા પછી બીજે કંઈક જાય છે. એ સાફ જણાવે છે કે જે કોઈ પાપ કરશે તે “પૂરેપૂરો નાશ” પામશે અને “માર્યો જશે.” (પ્રેરિતોનાં કૃત્યો ૩:૨૩; હઝકીએલ ૧૮:૪) આત્મા જેવું કંઈ જ નથી, એટલે લીમ્બો જેવી પણ કોઈ જગ્યા નથી. એ ઉપરાંત, બાઇબલ મરણને ઊંઘ સાથે સરખાવે છે. મર્યા પછી વ્યક્તિ જાણે બેહોશ હાલતમાં હોય છે.—સભાશિક્ષક ૯:૫, ૧૦; યોહાન ૧૧:૧૧-૧૪.
બાઇબલ જણાવે છે કે જે માબાપ ઈસુને પગલે ચાલે છે, તેઓનાં નાનાં બાળકો ઈશ્વરની નજરમાં પવિત્ર છે. (૧ કોરીંથી ૭:૧૪) જો નાનાં બાળકોના ઉદ્ધાર માટે બાપ્તિસ્મા જરૂરી હોય તો, બાઇબલનું આ શિક્ષણ સાવ ખોટું ઠરે છે.
લીમ્બોનું શિક્ષણ સાચે જ ઈશ્વરનું ઘોર અપમાન કરે છે. ઈશ્વર તો ન્યાયી અને પ્રેમાળ પિતા છે. પણ લીમ્બોનું શિક્ષણ એવું બતાવે છે કે ઈશ્વર ક્રૂર હોવાથી તે નિર્દોષ બાળકોને રિબાવે છે. (પુનર્નિયમ ૩૨:૪; માત્થી ૫:૪૫; ૧ યોહાન ૪:૮) આ શિક્ષણ બાઇબલને આધારે નથી. એટલે સમજી શકાય કે બાઇબલમાં દિલથી માનનારા લોકો શા માટે શરૂઆતથી જ લીમ્બોના શિક્ષણથી મૂંઝવણમાં હતા.
[પાન ૯ પર ચિત્રનું મથાળું]
બાઇબલના શિક્ષણ પ્રમાણે જીવીશું તો ઈશ્વર અને તેમના ભક્તો સાથે આપણો નાતો મજબૂત થશે