‘સત્યના પાયાʼમાંથી શીખીએ
“જ્ઞાનનું તથા સત્યનું સ્વરૂપ [પાયો, NW ] નિયમશાસ્ત્રમાં મને પ્રાપ્ત થયું છે.”—રોમ. ૨:૨૦.
૧. પાઊલે મુસાના નિયમ વિષે જે લખ્યું એ સમજવું શા માટે કીમતી છે?
પ્રેરિત પાઊલે જો ઈશ્વરની પ્રેરણાથી પત્રો લખ્યા ના હોત, તો મુસાના નિયમોનું મહત્ત્વ સમજવું ખૂબ જ અઘરું હોત. દાખલા તરીકે, હિબ્રૂઓને પત્રમાં તેમણે જણાવ્યું કે ઈસુ “વિશ્વાસુ પ્રમુખયાજક” છે. તેમણે ચોખવટ કરી કે ઈસુના બલિદાન દ્વારા આપણા “પાપનું પ્રાયશ્ચિત્ત” કાયમ માટે થાય છે. જે કોઈ એ બલિદાનમાં વિશ્વાસ મૂકે તેનો “સનાતન ઉદ્ધાર” થાય છે. (હિબ્રૂ ૨:૧૭; ૯:૧૧, ૧૨) પાઊલે સમજાવ્યું કે મુલાકાતમંડપ તો ‘આકાશમાંની વસ્તુઓની પ્રતિછાયા’ હતો. મુસા તો ફક્ત નિયમ કરારના મધ્યસ્થ હતા, જ્યારે કે ઈસુ તો એના કરતાં પણ ચઢિયાતા કરારના મધ્યસ્થ બન્યા. (હિબ્રૂ ૭:૨૨; ૮:૧-૫) પાઊલના સમયના ખ્રિસ્તીઓ માટે નિયમ કરાર વિષેની આ સમજણ ખૂબ જ કીમતી હતી. એ આપણા માટે પણ કીમતી છે, કારણ કે એના દ્વારા ઈશ્વરે કરેલી ગોઠવણને આપણે સારી રીતે સમજી શકીએ છીએ.
૨. શા માટે યહુદી ખ્રિસ્તીઓ યહોવા અને તેમના નિયમો વિષે બીજાઓ કરતાં વધુ જાણતા હતા?
૨ પાઊલે રોમના મંડળને પત્ર લખ્યો ત્યારે, કેટલીક બાબતો એવા ભાઈ-બહેનો માટે લખી, જેઓ પહેલાં યહુદી હતા. પાઊલે જણાવ્યું કે તેઓ પાસે મુસાનો નિયમ હતો, એટલે યહોવા અને તેમના નિયમો તેઓ જાણતા હતા. આમ, તેઓ પાસે પહેલેથી જ ‘જ્ઞાન તથા સત્યનો પાયો’ હતો. તેઓ એની કદર કરતા હતા. એ કારણે તેઓ ઈસ્રાએલીઓની જેમ યહોવા વિષે પાયાનું સત્ય બીજાઓને શીખવી શકતા હતા.—રોમનો ૨:૧૭-૨૦ વાંચો.
ઈસુના બલિદાનની પ્રતિછાયા
૩. ઈસ્રાએલીઓ જે બલિદાન ચઢાવતા હતા, એ વિષે જાણવાથી આપણને શું ફાયદો થશે?
૩ પાઊલે સત્યના જે પાયા વિષે વાત કરી, એનું મહત્ત્વ આપણા માટે પણ ઘણું રહેલું છે. એની મદદથી જ આપણે યહોવાના હેતુ વિષે સમજી શકીએ છીએ. મુસાના નિયમ પાછળના સિદ્ધાંતોનું મહત્ત્વ આજે પણ ઓછું થયું નથી. આ લેખમાં આપણે મુસાના નિયમ મુજબ ચઢાવવા પડતાં બલિદાનો અને અર્પણો વિષે જોઈશું. એ અર્પણોએ નમ્ર યહુદીઓને ઈસુને મસીહ તરીકે સ્વીકારવા મદદ કરી. તેમ જ, ઈશ્વર તેઓ પાસેથી શું ઇચ્છે છે એ સમજવા પણ મદદ કરી. યહોવા પોતાના ભક્તો પાસેથી જે ઇચ્છે છે એ કદી બદલાતું નથી. તેથી, બલિદાન વિષે મુસાનો નિયમ તપાસવાથી પારખી શકીએ છીએ કે આપણે યહોવાની કેવી ભક્તિ કરીએ છીએ.—માલા. ૩:૬.
૪, ૫. (ક) મુસાના નિયમો ઈસ્રાએલીઓને શું યાદ કરાવતા? (ખ) ચઢાવવામાં આવતા બલિદાનો શાની તરફ ધ્યાન દોરતાં?
૪ મુસાના નિયમમાં ઘણી બાબતો વ્યક્તિને યાદ કરાવતી કે તે પાપી છે. દાખલા તરીકે, જો કોઈ વ્યક્તિ લાશને અડકે તો તેણે શુદ્ધ થવા અમુક બાબતો કરવી પડતી. તેણે તંદુરસ્ત લાલ ગાયને બલિદાન માટે આપવી પડતી. પછી યાજક એ ગાયને મારીને અગ્નિમાં બાળતા. એની રાખને પાણીમાં ભેળવીને ‘શુદ્ધિનું પાણી’ બનાવવામાં આવતું. પછી એ પાણી વ્યક્તિને શુદ્ધ કરવા ત્રીજા અને સાતમા દિવસે તેની પર છાંટવામાં આવતું. (ગણ. ૧૯:૧-૧૩) બીજા એક દાખલામાં, સ્ત્રી જ્યારે બાળકને જન્મ આપે ત્યારે તે અમુક સમય માટે અશુદ્ધ ગણાતી. શુદ્ધ થવા તેણે માફીનું બલિદાન ચઢાવવું પડતું. ઈસ્રાએલીઓને આ યાદ અપાવતું કે જન્મ દ્વારા બાળકને વારસામાં પાપ મળે છે.—લેવી. ૧૨:૧-૮.
૫ રોજબરોજના જીવનમાં થતાં પાપોની માફી માંગવા ઈસ્રાએલીઓએ બલિદાન ચઢાવવા પડતાં. આવાં બલિદાનો પહેલાં મંડપમાં અને પછી મંદિર બંધાયા બાદ એમાં ચઢાવવામાં આવતાં. ભલે વ્યક્તિને ખ્યાલ હોય કે ન હોય, એ બલિદાનો ઈસુના બલિદાનની “પ્રતિછાયા” હતાં.—હિબ્રૂ ૧૦:૧-૧૦.
બલિદાન ચઢાવવા પાછળનું વલણ
૬, ૭. (ક) અર્પણની પસંદગી કરતી વખતે ઈસ્રાએલીઓએ શું યાદ રાખવાનું હતું? ઉત્તમ અર્પણો શાને રજૂ કરતાં? (ખ) આપણે પોતાને કેવા સવાલો પૂછવા જોઈએ?
૬ ઈસ્રાએલીઓએ યહોવાને “એબરહિત” બલિદાન ચઢાવવાનું હતું. એટલે કે બલિદાન માટેનું પ્રાણી આંધળું, લંગડું કે બીમાર ન હોવું જોઈએ. (લેવી. ૨૨:૨૦-૨૨) તેઓ જ્યારે અનાજ અને ફળના અર્પણ ચઢાવતાં ત્યારે “પ્રથમ ફળ” અને ‘સૌથી ઉત્તમ’ પાક ચઢાવવાના હતા. (ગણ. ૧૮:૧૨, ૨૯) જો અર્પણ ઉત્તમ ના હોય તો યહોવા એ માન્ય કરતા નહિ. ઉત્તમ અર્પણો શાને રજૂ કરતાં? એ ઈસુના ખામી વગરના બલિદાનને રજૂ કરતાં. એ પણ બતાવતું હતું કે યહોવા સૌથી ઉત્તમ અને સૌથી કીમતી બલિદાન આપવાના હતા. ઈસુના બલિદાનથી મનુષ્યને પાપમાંથી છુટકારો મળવાનો હતો.—૧ પીત. ૧:૧૮, ૧૯.
૭ જે ઈસ્રાએલી વ્યક્તિ યહોવાની ભલાઈની કદર કરતી, તે સૌથી સારું અર્પણ ખુશી ખુશી ચઢાવતી. વ્યક્તિ જાતે નક્કી કરતી કે તે કેવું અર્પણ ચઢાવશે. તેને ખબર હતી કે ખામીવાળું અર્પણ ચઢાવશે તો, યહોવા એનાથી ખુશ નહિ થાય. જો તે ઉત્તમ અર્પણ ન ચઢાવે, તો એ બતાવતું કે તે એને ફક્ત એક વિધિ કે બોજો ગણે છે. (માલાખી ૧:૬-૮, ૧૩ વાંચો.) આ વિગતો ધ્યાનમાં રાખીને આ સવાલો પોતાને પૂછવા જોઈએ: ‘યહોવાની ભક્તિ કરવા પાછળ મારું વલણ કેવું છે? શું મારે એમાં કંઈ સુધારો કરવાની જરૂર છે? શું હું પૂરા દિલથી ભક્તિ કરું છું, જેથી યહોવાને સૌથી ઉત્તમ આપી શકું?’
૮, ૯. ઈસ્રાએલીઓ જે વલણથી બલિદાનો ચઢાવતાં, એમાંથી આપણે શું શીખી શકીએ?
૮ યહોવાની કદર કરવા ઈસ્રાએલીઓ સ્વેચ્છાએ બલિદાનો ચઢાવી શકતા હતા. તેમ જ, યહોવાની કૃપા મેળવવા પણ તેઓ દહનીયાર્પણ ચઢાવી શકતા હતા. આવા કિસ્સામાં તેઓ ખુશી ખુશી ઉત્તમ પ્રાણીનું બલિદાન આપતા. ખરું કે આજે આપણે મુસાના નિયમ પ્રમાણે બલિદાનો ચઢાવતા નથી, પરંતુ આપણે બીજી રીતે બલિદાન આપીએ છીએ. જેમ કે, પોતાનો સમય, શક્તિ અને ચીજ-વસ્તુઓ યહોવાની ભક્તિ માટે આપીએ છીએ. આપણે કેવાં બલિદાનોથી યહોવાને ખુશ કરી શકીએ? પાઊલે કહ્યું કે જાહેરમાં આશાની ‘કબૂલાત’ કરીને તથા ‘ઉપકાર કરીને તથા દાન વહેંચી આપીને’ યહોવાને ખુશ કરી શકીએ. (હિબ્રૂ ૧૩:૧૫, ૧૬) યહોવાની ભક્તિ માટેના વલણથી દેખાઈ આવશે કે તેમણે કરેલી ગોઠવણ માટે આપણને કેટલી કદર છે. તેથી, ઈસ્રાએલીઓની જેમ જ આપણે પણ તપાસ કરવાની જરૂર છે કે યહોવાની ભક્તિ વિષે આપણને કેવું લાગે છે અને શા માટે ભક્તિ કરીએ છીએ.
૯ મુસાના નિયમ પ્રમાણે જો વ્યક્તિ પાપ કરે, તો તેણે પાપ માટે (પાપાર્થાર્પણ) અને દોષ માટે (દોષાર્થાર્પણ) અર્પણ ચઢાવવું પડતું. શું તમને લાગે છે કે ઈસ્રાએલીઓ માટે એ અર્પણ ચઢાવવાં અઘરાં હતાં? (લેવી. ૪:૨૭, ૨૮) જો તેઓ ખરેખર યહોવા સાથે સારો સંબંધ જાળવી રાખવા માંગતા હોય, તો તેઓ માટે એ જરાય અઘરું ન હતું.
૧૦. આપણે કોઈ ભૂલ કરીએ ત્યારે શું કરવા તૈયાર રહેવું જોઈએ?
૧૦ આજે પણ કદાચ આપણે જાણે-અજાણે કોઈ ભાઈ કે બહેનને ખોટું લગાડી બેસીએ. જ્યારે તમને એનો અહેસાસ થાય ત્યારે તમારું દિલ ડંખે. જો આપણે ખરેખર યહોવાને ખુશ કરવા ચાહતા હોઈશું, તો આપણે સુલેહ-શાંતિ કરવા બનતું બધું જ કરીશું. એ માટે આપણે દિલથી ભાઈ કે બહેનની માફી માંગીશું. જો કોઈ ગંભીર ભૂલ થઈ હોય તો આપણે વડીલોની મદદ પણ મેળવીશું. (માથ. ૫:૨૩, ૨૪; યાકૂ. ૫:૧૪, ૧૫) યહોવા કે આપણા ભાઈ સામે કરેલી ભૂલ સુધારવા આપણે પગલાં ભરવા પડે છે. જેમ ઈસ્રાએલીઓએ બલિદાન ચઢાવવા માટે કંઈક જતું કરવું પડતું, એમ આપણે પણ શાંતિ જાળવવા કંઈક જતું કરવું પડે. એમ કરીએ છીએ ત્યારે યહોવા અને આપણા ભાઈ-બહેનો સાથે સારો સંબંધ જાળવી રાખીએ છીએ. ઉપરાંત, આપણું અંતઃકરણ પણ સાફ રાખીએ છીએ. આ સારાં પરિણામો સાબિત કરે છે કે યહોવાનું કહ્યું કરવું આપણા ભલા માટે છે.
૧૧, ૧૨. (ક) શાંતિ માટેનું અર્પણ એટલે શું? (ખ) એ અર્પણમાંથી આપણે શું શીખી શકીએ?
૧૧ મુસાના નિયમમાં શાંતિ માટે અર્પણો (શાંત્યર્પણ) ચઢાવવામાં આવતા. એ અર્પણો યહોવા સાથેની શાંતિને દર્શાવતા. એમ કરવા વ્યક્તિ અર્પણ માટેનું પ્રાણી યાજકને આપતી. બલિદાન કર્યા પછી માંસનો અમુક હિસ્સો એ યાજક અને મંદિરના બીજા યાજકોને મળતો. એ પછી ચઢાવેલા અર્પણમાંથી વ્યક્તિ પોતાના કુટુંબ સાથે મંદિરના કોઈ ઓરડામાં બેસીને માંસ ખાતા. (લેવી. ૩:૧; ૭:૩૧-૩૩) વ્યક્તિ આ બલિદાન ફક્ત એટલા માટે આપતી જેથી યહોવા સાથેના સારા સંબંધનો આનંદ માણી શકે. આ અર્પણથી જાણે વ્યક્તિ, તેનું કુટુંબ, યાજકો અને યહોવા ભેગા મળીને શાંતિમાં ભોજનનો આનંદ માણતા.
૧૨ શાંતિના અર્પણ દ્વારા ઈસ્રાએલીઓ યહોવાને જાણે ભોજન કરવા માટે આમંત્રણ આપતા. યહોવા એ સ્વીકારતા ત્યારે તેઓ માટે કેટલો અનમોલ લહાવો ગણાતો! ચોક્કસ, એ માટે વ્યક્તિ ઈશ્વરને સૌથી સારું આપવા ચાહતી. શાંતિ માટેનાં અર્પણો, મુસાના નિયમમાં જણાવેલા સત્યના પાયાનો ભાગ હતાં. એ અર્પણો દર્શાવતાં કે જે કોઈ ઈશ્વર સાથે શાંતિમય સંબંધ જાળવી રાખવા ઇચ્છે છે, તેઓ ઈસુના મહાન બલિદાન દ્વારા એમ કરી શકે. આજે પણ આપણે સાધન-સંપત્તિ અને શક્તિ યહોવાની ભક્તિમાં અર્પણ કરીનેં તેમની સાથે મિત્રતા કેળવી શકીએ છીએ.
બલિદાનો જે યહોવાએ ન સ્વીકાર્યાં
૧૩, ૧૪. રાજા શાઊલ જે બલિદાનો ચઢાવવા ચાહતા હતા એ શા માટે યહોવાની નજરે યોગ્ય ન હતાં?
૧૩ એ સ્વાભાવિક છે કે ખરા દિલથી ચઢાવેલાં અર્પણો જ યહોવા સ્વીકારે છે. જોકે બાઇબલમાં અમુક લોકોના દાખલા છે, જેઓનાં બલિદાનો યહોવાએ સ્વીકાર્યાં નહિ. શા માટે યહોવા તેઓનાં બલિદાનોથી ખુશ ન હતા? ચાલો બે કિસ્સાઓનો વિચાર કરીએ.
૧૪ પ્રબોધક શમૂએલે, રાજા શાઊલને જણાવ્યું કે અમાલેકીઓનો નાશ કરવાનો યહોવાનો સમય આવી ગયો છે. તેથી શાઊલે દુશ્મન રાજ્યના લોકોનો અને પ્રાણીઓનો નાશ કરવાનો હતો. પરંતુ, શાઊલે દુશ્મન રાજ્ય પર જીત મેળવ્યા પછી સૈનિકોને અમાલેકીઓના રાજા અગાગને જીવતો રાખવા જણાવ્યું. તેમ જ, અમુક સારાં પ્રાણીઓ પણ જીવતાં રાખ્યાં, જેથી યહોવાને બલિદાન કરી શકે. (૧ શમૂ. ૧૫:૨, ૩, ૨૧) આ જોઈને યહોવાએ શું કર્યું? શાઊલે આજ્ઞા પાળી ન હોવાથી યહોવાએ તેનો ઈસ્રાએલના રાજા તરીકે નકાર કર્યો. (૧ શમૂએલ ૧૫:૨૨, ૨૩ વાંચો.) એમાંથી આપણે શું શીખી શકીએ? યહોવા આપણાં બલિદાનો સ્વીકારે એ માટે તેમની આજ્ઞાઓ પાળવી જરૂરી છે.
૧૫. ઈસ્રાએલીઓએ ખોટાં કામો કરતાં રહીને બલિદાનો ચઢાવ્યાં એ શું બતાવતું હતું?
૧૫ યશાયાના પુસ્તકમાં બીજો એક દાખલો જોવા મળે છે. યશાયાના સમયમાં પણ ઈસ્રાએલીઓ માફી માટે યહોવાને બલિદાનો ચઢાવતાં. જોકે, તેઓનાં ખરાબ કામોને લીધે તેઓનાં બલિદાનો માન્ય થતાં નહિ. યહોવાએ તેઓને કહ્યું: ‘મારી આગળ તમે પુષ્કળ યજ્ઞો કરો છો તે શા કામના? હું ઘેટાનાં દહનીયાર્પણથી તથા માતેલાં જાનવરોના મેદથી ધરાઈ ગયો છું; અને ગોધા, હલવાન તથા બકરાનું રક્ત મને ભાવતું નથી. બીજાં વ્યર્થ ખાદ્યાર્પણ લાવશો મા; ધૂપ તો મને ધિક્કારપાત્ર લાગે છે.’ શા માટે યહોવાએ તેઓના બલિદાનો સ્વીકાર્યાં નહિ? તેમણે એનું કારણ આપતા જણાવ્યું કે “તમે ઘણી પ્રાર્થનાઓ કરશો, પણ તે હું સાંભળનાર નથી; તમારા હાથ રક્તથી ભરેલા છે. સ્નાન કરો, શુદ્ધ થાઓ; તમારાં ભૂંડાં કર્મો મારી આંખ આગળથી દૂર કરો; ભૂંડું કરવું મૂકી દો.”—યશા. ૧:૧૧-૧૬.
૧૬. યહોવા બલિદાન સ્વીકારશે કે નહિ એ શાના પરથી નક્કી થાય છે?
૧૬ જે લોકો ખોટું કરતા રહે છે તેઓના અર્પણો યહોવા સ્વીકારતા નથી. પરંતુ ખરા દિલથી યહોવાની આજ્ઞાઓ માનનાર લોકોના અર્પણો અને પ્રાર્થના તે સ્વીકારે છે. મુસાના નિયમમાં સત્યનો પાયો હતો, એ તેઓને શીખવતું કે તેઓ પાપી છે અને તેઓને માફીની જરૂર છે. (ગલા. ૩:૧૯) જ્યારે વ્યક્તિ આ બાબત સ્વીકારતી ત્યારે પોતાનાં પાપ માટે પસ્તાવાનું વલણ કેળવતી. એવી જ રીતે, આજે આપણે પણ સ્વીકારવાની જરૂર છે કે ખ્રિસ્તના બલિદાનથી પાપોની માફી મેળવી શકીએ છીએ. ખ્રિસ્તના બલિદાનને સમજીએ અને દિલથી એની કદર બતાવીએ. આમ, ભક્તિમાં આપણે જે પણ કરીશું એનાથી યહોવાને “આનંદ” થશે.—ગીતશાસ્ત્ર ૫૧:૧૭, ૧૯ વાંચો.
ઈસુના બલિદાનમાં વિશ્વાસ બતાવો
૧૭-૧૯. (ક) યહોવાએ આપણા માટે ઈસુનું બલિદાન આપ્યું એની કદર કેવી રીતે બતાવી શકીએ? (ખ) આવતા લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
૧૭ ઈસ્રાએલીઓએ તો ફક્ત યહોવાના હેતુની “પ્રતિછાયા” કે ઝલક જ જોઈ હતી. પરંતુ આપણા માટે તો એ હકીકત છે. (હિબ્રૂ ૧૦:૧) ઈસ્રાએલીઓને બલિદાનો ચઢાવવા માટેના નિયમો આપવામાં આવ્યા હતા. એનાથી તેઓને ખબર પડતી કે યહોવા સાથે સારો સંબંધ જાળવી રાખવા તેઓએ શું કરવાની જરૂર છે. તેઓએ ઈશ્વર માટે કદર બતાવવાની હતી. ઈશ્વર માટે તેઓ સૌથી સારું કરવા ચાહે છે એ બતાવવાનું હતું. તેમ જ, તેઓને પાપ માટે માફીની જરૂર છે એ સમજવાનું હતું. ગ્રીક શાસ્ત્રવચનો જણાવે છે કે યહોવાએ આપણા માટે ઈસુના બલિદાનની ગોઠવણ કરી છે. એના દ્વારા યહોવા ટૂંક સમયમાં પાપ અને મરણને હંમેશ માટે કાઢી નાખશે. ઈસુના બલિદાન દ્વારા ઈશ્વર આપણાં પાપોને માફ કરી શકે છે, જેથી હમણાં પણ આપણે સારું અંતઃકરણ રાખી શકીએ. ઈસુનું બલિદાન યહોવાએ આપેલી અદ્ભુત ભેટ છે!—ગલા. ૩:૧૩; હિબ્રૂ ૯:૯, ૧૪.
૧૮ ઈસુના બલિદાન વિષે ઉપરછલ્લી માહિતી મેળવવાથી લાભ નહિ થાય. પ્રેરિત પાઊલે લખ્યું: “આપણે વિશ્વાસથી ન્યાયી ઠરીએ, માટે એ રીતે આપણને ખ્રિસ્તની પાસે લાવવા માટે નિયમશાસ્ત્ર આપણો બાળશિક્ષક હતું.” (ગલા. ૩:૨૪) એ વિશ્વાસ આપણે પોતાનાં કાર્યોથી બતાવી શકીએ છીએ. (યાકૂ. ૨:૨૬) પહેલી સદીના યહુદી ખ્રિસ્તીઓ પાસે મુસાનો નિયમ હતો, તેથી તેઓ સત્યના પાયાને સમજી શકતા હતા. એટલે જ પાઊલે તેઓને ઉત્તેજન આપ્યું કે તેઓ જે શીખ્યા છે એ પ્રમાણે કરે. એનો અર્થ કે તેઓ જે સત્ય બીજાઓને શીખવે છે એને પોતાના જીવનમાં પણ લાગુ પાડે.—રોમનો ૨:૨૧-૨૩ વાંચો.
૧૯ ખરું કે આપણને મુસાના નિયમો પાળવા પડતા નથી. પરંતુ આજે પણ યહોવાને ખુશ કરવા આપણે અર્પણો ચઢાવવા જોઈએ. એ કેવી રીતે કરી શકીએ એના વિષે આવતા લેખમાં જોઈશું. (w12-E 01/15)
[પાન ૧૯ પર બ્લર્બ]
યહોવા પોતાના ભક્તો પાસેથી જે ચાહે છે એમાં કદી બદલાણ આવતું નથી
[પાન ૨૦ પર ચિત્ર]
આમાંથી તમે કયા પ્રાણીનું બલિદાન યહોવાને આપ્યું હોત?
[પાન ૨૧ પર ચિત્ર]
યહોવાને પસંદ પડે એવાં બલિદાનો જેઓ આપે છે તેઓ પર તેમની કૃપા રહે છે