સત્યમાં નથી એવાં સ્નેહીજનોનાં દિલ સુધી પહોંચીએ
ઈસુએ કહ્યું કે, ‘તારા ઘરે તારાં સગાંઓની પાસે જા અને ઈશ્વરે તારા માટે જે બધું કર્યું છે અને તારા પર દયા રાખી એની ખબર તેઓને આપ.’ એ સમયે ઈસુ કદાચ ગેરાસીનીઓના દેશમાં હતા, જે ગાલીલ સમુદ્રના દક્ષિણ-પૂર્વમાં આવેલું હતું. તેમના શિષ્ય બનવા માંગતા એક માણસ સાથે વાત કરતી વખતે ઈસુએ એ શબ્દો કહ્યા હતા. ઈસુના શબ્દોથી જોવા મળે છે કે, માનવ સ્વભાવનું એક ખાસ પાસું તે સારી રીતે જાણતા હતા. એ છે કે મહત્ત્વની અને જરૂરી બાબતો પોતાનાં સગાંઓને જણાવવાની ઇચ્છા.—માર્ક ૫:૧૯.
માનવ સ્વભાવનું એ પાસું આજે પણ લોકોમાં જોવા મળે છે. ખરું કે, એ બાબત કોઈક સમાજમાં વધુ તો કોઈક સમાજમાં ઓછી જોવા મળે. કોઈ પણ વ્યક્તિ જ્યારે સાચા ઈશ્વર યહોવાની ભક્ત બને, ત્યારે તે એ નવી શ્રદ્ધા વિશે પોતાનાં સ્નેહીજનોને જણાવવા ઇચ્છે છે. પરંતુ, તેણે એવું કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ? બીજા ધર્મના અથવા નાસ્તિક સ્નેહીજનોનાં દિલ સુધી તે કઈ રીતે પહોંચી શકે? બાઇબલ એ વિશે સારી સલાહ આપે છે.
‘મસીહ અમને મળ્યા છે’
પહેલી સદીમાં ઈસુને મસીહ તરીકે પહેલ-વહેલા ઓળખી કાઢનાર લોકોમાંના એક આંદ્રિયા હતા. તે એ વિશે તરત કોને જઈને જણાવે છે? ‘આંદ્રિયા પ્રથમ પોતાના ભાઈ સીમોનને મળીને કહે છે કે, મસીહ (જેનો અર્થ ખ્રિસ્ત થાય) અમને મળ્યા છે.’ આંદ્રિયા પછી પીતરને ઈસુ પાસે લઈ જાય છે, જેથી પીતરને પણ ઈસુના શિષ્ય બનવાની તક મળે.—યોહા. ૧:૩૫-૪૨.
આશરે ૬ વર્ષ પછી પીતર જોપ્પામાં હતા. એ વખતે તેમને સેના અધિકારી કરનેલ્યસના ઘરે જવાનું આમંત્રણ મળ્યું, જે ઉત્તરમાં આવેલા કાઈસારીઆમાં રહેતા હતા. પીતર ત્યાં પહોંચ્યા ત્યારે એ ઘરમાં કોણ-કોણ હતું? “તે વખતે કરનેલ્યસ પોતાનાં સગાંને તથા પ્રિય મિત્રોને એકઠાં કરીને પીતર અને તેમના સાથીઓની રાહ જોતા હતા.” આમ, કરનેલ્યસે પોતાનાં સગાંઓને પણ તક આપી કે તેઓ પીતરની વાત સાંભળે અને પછી યોગ્ય નિર્ણય લે.—પ્રે.કૃ. ૧૦:૨૨-૩૩.
આંદ્રિયા અને કરનેલ્યસે પોતાનાં સગાંઓ માટે જે કર્યું એનાથી આપણને શું શીખવા મળે છે?
આંદ્રિયા અને કરનેલ્યસ રાહ જોઈને બેસી રહ્યા નહિ કે મોકો મળશે ત્યારે સગાંઓને સત્ય જણાવીશું. આંદ્રિયા પોતે પીતરને ઈસુ પાસે લઈ ગયા અને કરનેલ્યસે પણ એવી ગોઠવણ કરી કે તેમનાં સગાંઓ પીતરને સાંભળી શકે. પરંતુ, આંદ્રિયા અને કરનેલ્યસ પોતાનાં સગાંઓ પર દબાણ લાવ્યા નહિ અથવા તેઓને ફોસલાવીને ઈસુના શિષ્યો બનાવવાની કોશિશ કરી નહિ. એ પરથી આપણે શું શીખી શકીએ? આપણે પણ એવી જ રીતે વર્તવું જોઈએ. આપણે સ્નેહીજનોને અમુક વિચારો જણાવીએ અને એવી તક ઊભી કરીએ જેથી તેઓ બાઇબલ સત્યો જાણી શકે અને ભાઈ-બહેનોનાં સંપર્કમાં આવે. જોકે, તેઓની પસંદગી કરવાની છૂટને માન આપીએ અને તેઓ પર દબાણ ન લાવીએ. સ્નેહીજનોને કઈ રીતે મદદ આપવી, એ સમજવા ચાલો આપણે જર્મનીના યુગલ યોરગન અને પેટ્રાનો દાખલો લઈએ.
પેટ્રાએ યહોવાના સાક્ષીઓ જોડે બાઇબલનો અભ્યાસ કર્યો અને સમય જતાં બાપ્તિસ્મા લીધું. તેમના પતિ યોરગન, સેના અધિકારી હતા. શરૂઆતમાં યોરગન પોતાની પત્નીના નિર્ણયથી ખુશ ન હતા. પરંતુ, સમય જતાં તેમને સમજાયું કે સાક્ષીઓ બાઇબલમાંથી સત્ય શીખવે છે. તેથી, તેમણે પણ યહોવાને સમર્પણ કર્યું અને આજે તે એક મંડળમાં વડીલ છે. બીજો ધર્મ પાળતાં સ્નેહીજનોનાં દિલ સુધી પહોંચવા યોરગન કઈ સલાહ આપે છે?
યોરગન જણાવે છે: ‘આપણે સત્યને લગતી કોઈ બાબત માટે સ્નેહીજનો પર દબાણ ન લાવીએ અથવા ઢગલાબંધ માહિતી તેઓ પર લાદી ન દઈએ. એમ કરીશું તો તેઓ સત્ય સાંભળવાની આનાકાની કરશે. એને બદલે તક જોઈને સમયે સમયે તેઓને થોડી થોડી માહિતી આપીએ. આપણાં સ્નેહીજનોની ઉંમરનાં અને તેઓ જેવો જ શોખ રાખતાં ભાઈ-બહેનો સાથે તેઓની મુલાકાત કરાવીએ. એમ કરીને આપણે તેઓને મદદ કરી શકીશું.’
પ્રેરિત પીતર અને કરનેલ્યસનાં સગાંઓએ બાઇબલના સંદેશાને તરત સ્વીકાર્યો હતો. જ્યારે કે, પ્રથમ સદીમાં કેટલાક લોકોને સત્ય જાણ્યા પછી નિર્ણય લેવામાં સમય લાગ્યો હતો.
ઈસુના ભાઈઓ વિશે શું?
ઈસુના સેવાકાર્ય દરમિયાન તેમના ઘણાં સગાંઓએ તેમનામાં વિશ્વાસ બતાવ્યો હતો. દાખલા તરીકે, પ્રેરિત યાકૂબ અને યોહાન જેઓ ઈસુના માસીના દીકરાઓ હતા. લાગે છે કે એ માસીનું નામ કદાચ સાલોમી હતું. બની શકે કે સાલોમી એવી ઘણી સ્ત્રીઓમાંના એક હતાં, ‘જેઓ પોતાની પૂંજીમાંથી ઈસુ અને તેમના શિષ્યોની સેવા કરતા હતાં.’—લુક ૮:૧-૩.
જોકે ઈસુના અમુક કુટુંબીજનોએ તેમના પર વિશ્વાસ કર્યો નહિ. દાખલા તરીકે, ઈસુના બાપ્તિસ્માના આશરે સવાએક વર્ષ પછી કોઈક પ્રસંગે ઈસુ એક ઘરમાં ટોળાને બોધ આપી રહ્યા હતા. ‘એ સાંભળીને તેમનાં સગાંઓ તેમને પકડવા બહાર નીકળ્યાં કેમ કે તેઓએ કહ્યું કે તે ઘેલો છે.’ થોડા સમય બાદ, ઈસુના અમુક ભાઈઓએ તેમને મુસાફરી વિશે પૂછ્યું ત્યારે, તેમણે કંઈ ખાસ જણાવ્યું નહિ. શા માટે? ‘કેમ કે તેમના ભાઈઓએ પણ તેમના પર વિશ્વાસ કર્યો ન હતો.’—માર્ક ૩:૨૧; યોહા. ૭:૫.
ઈસુ પોતાનાં સગાંઓ સાથે જે રીતે વર્ત્યા એનાથી ઘણું શીખવા મળે છે. અમુકે દાવો કર્યો કે ઈસુ ઘેલા છે ત્યારે તેમણે ખોટું લગાડ્યું નહિ. ઈસુએ સજીવન થયા પછી પણ પોતાનાં સગાંઓને ઉત્તેજન આપવા ચાહ્યું. એ માટે પોતાના ભાઈ યાકૂબને તેમણે દર્શન આપ્યું. એનાથી યાકૂબની સાથે સાથે ઈસુના બીજા ભાઈઓને પણ ખાતરી થઈ કે ઈસુ સાચે જ મસીહ છે. આમ, યરૂશાલેમમાં ઉપલી મેડીમાં તેઓ પણ બીજા શિષ્યો સાથે હાજર હતાં, જ્યાં તેઓને પણ પવિત્ર શક્તિ આપવામાં આવી. સમય જતાં, ઈસુના ભાઈઓ યાકૂબ અને યહુદાને અદ્ભુત લહાવાઓ પણ મળ્યા.—પ્રે.કૃ. ૧:૧૨-૧૪; ૨:૧-૪; ૧ કોરીં. ૧૫:૭.
અમુકને વધુ સમય લાગી શકે
પ્રથમ સદીની જેમ આજે પણ અમુક સગાંઓને જીવનના માર્ગ પર આવવામાં સમય લાગી શકે. દાખલા તરીકે, બહેન રોસવિટા પહેલાં ચુસ્ત રોમન કેથલિક હતાં. એ કારણે, જ્યારે તેમના પતિએ ૧૯૭૮માં યહોવાના સાક્ષી તરીકે બાપ્તિસ્મા લીધું ત્યારે તેમણે વિરોધ કર્યો. પરંતુ વર્ષો વીત્યાં તેમ તેમનો વિરોધ ઓછો થતો ગયો અને તે જોઈ શક્યાં કે સાક્ષીઓ સત્ય શીખવે છે. અને સાલ ૨૦૦૩માં તેમણે બાપ્તિસ્મા લીધું. તેમનામાં કઈ બાબતને લીધે પરિવર્તન આવ્યું? બહેન રોસવિટા શરૂ શરૂમાં વિરોધ કરતા ત્યારે તેમના પતિ ખોટું લગાડવાને બદલે પત્નીને વિચાર બદલવાની તક આપતા. બહેન રોસવિટા શી સલાહ આપે છે? ‘ધીરજ, ધીરજ અને હજી વધારે ધીરજથી ઘણું હાંસલ કરી શકાય છે!’
હવે, બહેન મોનિકાનો વિચાર કરીએ, જેમણે સાલ ૧૯૭૪માં બાપ્તિસ્મા લીધું અને આશરે ૧૦ વર્ષ પછી તેમનાં બે દીકરાઓ સાક્ષી બન્યા. મોનિકાના પતિ હાન્સે કદી તેમનો વિરોધ કર્યો નહિ. છતાં, હાન્સે છેક ૨૦૦૬માં બાપ્તિસ્મા લીધું. પોતાના અનુભવમાંથી એ કુટુંબ કઈ સલાહ આપે છે? ‘યહોવાને વફાદારીથી વળગી રહો અને કસોટી વખતે વિશ્વાસમાં કદી તડજોડ ન કરો.’ ભાઈ હાન્સને તેમનું કુટુંબ વાણી-વર્તનથી ખાતરી અપાવતું કે તેમને ખૂબ પ્રેમ કરે છે. તે સત્યમાં આવશે એવી આશા તેમના કુટુંબે કદી છોડી નહિ.
સત્યના પાણીથી તાજગી મળી
ઈસુએ સત્યના સંદેશાને, કાયમનું જીવન આપતાં પાણી સાથે સરખાવ્યો હતો. (યોહા. ૪:૧૩, ૧૪) આપણે પણ ચાહીએ છીએ કે સ્નેહીજનોને સત્યના ઠંડા અને શુદ્ધ પાણીથી તાજગી મળે. જોકે, આપણે કદી નહિ ઇચ્છીએ કે તેઓ પર પાણીનો ધોધ રેડીને ગૂંગળાવી નાખીએ. તેઓને તાજગી મળશે કે ગૂંગળામણ એ આપણી શીખવવાની રીત પર નિર્ભર કરે છે. બાઇબલ જણાવે છે કે, “સદાચારી વિચાર કરીને ઉત્તર આપે છે” અને “જ્ઞાનીનું હૃદય તેના મોઢાને શીખવે છે અને તેના હોઠોને વિદ્યાની વૃદ્ધિ કરી આપે છે.” આ સલાહને આપણે કઈ રીતે લાગુ કરી શકીએ?—નીતિ. ૧૫:૨૮; ૧૬:૨૩.
એક પત્ની પોતાની શ્રદ્ધા વિશે પતિને જણાવી શકે છે. પરંતુ, જો તે “વિચાર કરીને ઉત્તર” આપશે, તો સારા શબ્દો પસંદ કરી શકશે અને ઉતાવળમાં નહિ બોલે. તે ક્યારેય એવું નહિ બતાવે કે પોતે વધુ જાણે છે અથવા વધુ ન્યાયી છે. પત્ની સમજી-વિચારીને બોલશે તો તેની વાતોથી કુટુંબને તાજગી મળશે અને ઘરમાં શાંતિ જળવાશે. આવા સવાલો પર વિચાર કરવાથી પત્નીને વાત કરવા અને સમજી-વિચારીને વર્તવા મદદ મળશે: “સહેલાઈથી વાત થઈ શકે માટે પતિની નવરાશની પળો ક્યારે હોય છે? તેમને કયા વિષય પર વાત કરવી કે વાંચવું ગમશે? શું તેમને વિજ્ઞાન, રાજકારણ કે રમતગમતમાં રસ છે? તેમની લાગણીઓ અને વિચારોને ધ્યાનમાં રાખીને બાઇબલમાંથી જાણવાની પતિની જીજ્ઞાસા પોતે કઈ રીતે વધારી શકે?”
સાક્ષી ન હોય એવાં કુટુંબીજનોનાં દિલ સુધી પહોંચવા આપણી શ્રદ્ધા વિશે થોડું થોડું જણાવતા રહેવાની સાથે સાથે આપણાં સારાં વાણી-વર્તન પણ જરૂરી છે. કારણ કે, આપણે જે કંઈ કહીએ એની સુમેળમાં આપણું સારું વર્તન હોવાથી સારી અસર પડે છે.
સારું વલણ બતાવતાં રહીએ
રોજબરોજના જીવનમાં બાઇબલના સિદ્ધાંતો પાળતા રહીએ. ઉપર જેમના વિશે જોઈ ગયા, એ ભાઈ યોરગન જણાવે છે કે ‘આપણાં સ્નેહીજનો ભલે કબૂલે નહિ, પણ આપણને બાઇબલ સિદ્ધાંતો પાળતા જોઈને તેઓ પર સારી અસર થાય છે.’ ભાઈ હાન્સે તેમની પત્નીના બાપ્તિસ્માનાં આશરે ૩૦ વર્ષ પછી બાપ્તિસ્મા લીધું. તે કબૂલે છે કે, ‘ખ્રિસ્તી તરીકે સારો દાખલો બેસાડવો ખૂબ મહત્ત્વનો છે. સ્નેહીજનો આપણા જીવન પર સત્યની સારી અસર જોઈ શકશે.’ આપણે શ્રદ્ધાને લીધે બીજાઓથી ભલે અલગ પડીએ. પરંતુ, તેઓ પારખી શકશે કે એનાથી વ્યક્તિનું ભલું જ થાય છે, નુકસાન નહિ.
પતિ સત્યમાં ન હોય એવી પત્નીઓને પ્રેરિત પીતરે કીમતી સલાહ આપી: ‘સ્ત્રીઓ, તમે તમારા પતિને આધીન રહો; કે જેથી જો કોઈ પતિ સુવાર્તાનાં વચન માનનાર ન હોય, તો તે પોતાની સ્ત્રીનાં આચરણથી, એટલે તમારાં મર્યાદાયુક્ત નિર્મળ આચરણને જોઈને સુવાર્તાનાં વચન વગર મેળવી લેવાય. તમારો શણગાર બહારનો ન હોય, એટલે ગૂંથેલી વેણીનો તથા સોનાનાં ઘરેણાંનો અથવા જાતજાતનાં વસ્ત્ર પહેરવાનો એવો ન હોય; પણ અંતઃકરણમાંથી હોય એટલે કે દીન તથા નમ્ર સ્વભાવનો, જે ઈશ્વરની નજરમાં બહુ મૂલ્યવાન છે.’—૧ પીત. ૩:૧-૪.
પીતરે લખ્યું કે પતિઓ પોતાની પત્નીના સારા દાખલાથી સત્યમાં આવી શકે છે. બહેન ક્રીસ્ટાએ ૧૯૭૨માં બાપ્તિસ્મા લીધું. એ પછી, તે પાઊલની સલાહને ધ્યાનમાં રાખીને પોતાના સારા વલણથી પતિને પણ સત્યમાં લાવવાના પ્રયત્નો કરી રહ્યાં છે. જોકે, તેમનાં પતિએ એક સમયે સાક્ષીઓ સાથે અભ્યાસ કર્યો હતો પણ હજી સત્ય સ્વીકાર્યું નથી. તે અમુક સભાઓમાં પણ જતા અને મંડળનાં ભાઈ-બહેનોની જોડે તેમનું સારું બને છે. ભાઈ-બહેનો પણ તેમની પસંદગીને માન આપીને તેમને સત્ય સ્વીકારવા માટે દબાણ નથી કરતા. બહેન ક્રીસ્ટા પોતાના પતિના દિલ સુધી પહોંચવા શું કરે છે?
બહેન કહે છે, ‘યહોવાએ બતાવેલા માર્ગે જ ચાલવાનો મેં નિર્ણય કર્યો છે. જોકે, મેં મારા પતિને “વચન વગર મેળવી” લેવાનો પ્રયત્ન પણ ચાલુ રાખ્યો છે. બાઇબલનો કોઈ પણ સિદ્ધાંત તૂટતો ન હોય, ત્યાં સુધી તેમની ઇચ્છા પ્રમાણે કરવાનું મેં ચાલુ રાખ્યું છે. ઉપરાંત, મેં મારા પતિને સત્ય સ્વીકારવા ક્યારેય દબાણ કર્યું નથી. તેમની ઇચ્છા હશે ત્યારે તે સત્ય સ્વીકારશે એમ વિચારી મેં બધી બાબતો યહોવાના હાથમાં સોંપી છે.’
બહેન ક્રીસ્ટાનો દાખલો શીખવે છે કે, જ્યાં બાઇબલનો સિદ્ધાંત તૂટતો ન હોય ત્યાં બાંધછોડ કરવાથી કેવા ફાયદા થાય છે. તે ભક્તિને લગતી બાબતો કરવામાં લાગુ રહ્યાં. જેમ કે, નિયમિત સભાઓમાં જવું અને પ્રચારકાર્ય કરવું. ઉપરાંત, બહેન ક્રીસ્ટા જાણતાં હતાં કે તેમણે પોતાનાં પતિને પ્રેમ, સમય અને ધ્યાન આપવાનાં છે. સત્યમાં ન હોય એવાં સ્નેહીજનો સાથે સંજોગો પ્રમાણે વર્તવાથી ફાયદો થાય છે. બાઇબલ જણાવે છે કે, ‘દરેક બાબત માટે વખત હોય છે.’ એમાં, સત્યમાં નથી એવાં કુટુંબીજનો જોડે સમય પસાર કરવાનો સમાવેશ થાય છે અને ખાસ તો જીવનસાથી જોડે. સમય સાથે પસાર કરવાથી વાતચીત-વ્યવહાર સારાં થાય છે. અનુભવ બતાવે છે કે સારાં વાતચીત-વ્યવહારથી એકલા હોવાની કે ઈર્ષાની લાગણી થતી નથી.—સભા. ૩:૧.
આશા કદી ગુમાવીએ નહિ
ભાઈ હોલ્ગરના પિતા કુટુંબના બીજા સભ્યો કરતાં ૨૦ વર્ષ પછી બાપ્તિસ્મા પામ્યા હતા. હોલ્ગર જણાવે છે કે, ‘કુટુંબના સભ્યોને જણાવવું ખૂબ જરૂરી છે કે આપણે તેઓને પ્રેમ અને તેઓના માટે પ્રાર્થના કરીએ છીએ.’ બહેન ક્રીસ્ટા કહે છે કે, ‘હું કદી આશા ગુમાવીશ નહિ કે મારા પતિ એક દિવસ સત્ય સ્વીકારશે અને યહોવાની ભક્તિ કરશે.’ સત્યમાં નથી એવાં સ્નેહીજનો પ્રત્યે હંમેશાં સારું વલણ રાખીએ અને કદી આશા ન ગુમાવીએ.’
તેઓ સાથે સંબંધ મજબૂત રાખવાનો આપણો ધ્યેય હોવો જોઈએ, જેથી તેઓને સત્ય પારખવાની તક મળે અને બાઇબલનો સંદેશો તેઓનાં દિલ સુધી પહોંચી શકે. ઉપરાંત, તેઓ સાથે દરેક બાબતોમાં આપણે “નમ્રતાથી તથા સત્યતાથી” વર્તવું જોઈએ.—૧ પીત. ૩:૧૫.