તેમની શ્રદ્ધાને અનુસરો | યુસફ
‘શું હું ઈશ્વર છું?’
ઢળતી સાંજે યુસફ પોતાના બાગમાં ઊભા હતા. કદાચ તે ખજૂરીઓને અને બીજા ફળનાં ઝાડને, તળાવમાં રહેલા છોડને જોઈ રહ્યા હતા. કદાચ તેમને ફારૂનનો મહેલ પણ દેખાઈ રહ્યો હતો. તેમના પોતાના ઘરમાંથી અમુક અવાજો આવતા હતા. જેમ કે, મનાશ્શે અને તેના નાના ભાઈ એફ્રાઈમના રમવાનો અવાજ. તેઓને રમતા જોઈને તેમની પત્નીને હસવું આવી ગયું હશે. પોતાના ઘરમાં શું બની રહ્યું છે એ વિચારથી યુસફના ચહેરા પર સ્મિત આવ્યું હશે. તે જાણતા હતા કે પોતાને ભરપૂર આશીર્વાદો મળ્યા છે.
યુસફે પોતાના પ્રથમ જન્મેલા દીકરાનું નામ મનાશ્શે પાડ્યું. એનો અર્થ ભૂલાવી દેવું થાય. (ઉત્પત્તિ ૪૧:૫૧) હાલનાં વર્ષોમાં ઈશ્વરે તેમને આશીર્વાદો આપ્યા હતા. તેથી, કદાચ તેમને પિતા, ઘર અને ભાઈઓની યાદ બહુ સતાવતી નહિ હોય. ખરું કે, તેમના ભાઈઓની નફરતે તેમનું જીવન બદલી નાંખ્યું હતું. તેઓએ તેમના પર હુમલો કર્યો, તેમને મારી નાખવાની કોશિશ કરી અને પછી વેપારીઓને વેચી દીધા. એ પછી, તેમના જીવનમાં એક પછી એક અઘરા સંજોગો આવતા ગયા. બારેક વર્ષ સુધી તેમણે ગુલામી સહન કરી અને કેદમાં રહ્યા. પણ હવે, તે શક્તિશાળી દેશ ઇજિપ્તમાં રાજા પછીના સ્થાને હતા.
યુસફે ઘણાં વર્ષોથી યહોવાની કહેલી વાતો પૂરી થતી જોઈ હતી. ભવિષ્યવાણી પ્રમાણે ઇજિપ્તમાં પુષ્કળતાનાં સાત સારાં વર્ષ ચાલી રહ્યાં હતાં. અને વધારાના અનાજને કોઠારમાં ભરવાની જવાબદારી યુસફની હતી. એ સમય દરમિયાન તેમને પત્ની આસનાથથી બે દીકરા જન્મ્યા હતા. તેમ છતાં, તેમને અમુક વાર ઘણે દૂર રહેતા પોતાના કુટુંબની યાદ આવી જતી. ખાસ કરીને પોતાના નાના ભાઈ બિન્યામીન અને વહાલા પિતા યાકૂબની. યુસફ વિચારતા હશે કે શું તેઓ સહીસલામત છે. તેમ જ, શું તેમના ભાઈઓના હિંસક માર્ગો બદલાયા હશે અથવા શું તે કદી પોતાના કુટુંબ સાથે સુલેહ કરીને ફરી મળી શકશે.
ઈર્ષા, દગો કે નફરતને લીધે તમારા ઘરની શાંતિ છીનવાઈ ગઈ હોય તો, તમારા સંજોગો યુસફ જેવા હશે. યુસફે પોતાના ઘરની કાળજી લીધી એમાંથી આપણે તેમની શ્રદ્ધા વિશે શું શીખી શકીએ?
“યુસફની પાસે જાઓ”
યુસફે ખૂબ મહેનત કરી અને એ વર્ષો પાણીની જેમ વહી ગયાં. યહોવાએ ફારૂનને સ્વપ્નમાં જણાવ્યું હતું એ મુજબ સાત વર્ષ પુષ્કળ અનાજ પાક્યું. પણ, એ પછી ખરાબ પરિસ્થિતિ આવી. પાક નિષ્ફળ ગયો. આસપાસના દેશોમાં પણ દુકાળ પડવા લાગ્યો. જોકે, બાઇબલ જણાવે છે તેમ, “આખા મિસર દેશમાં અન્ન હતું.” (ઉત્પત્તિ ૪૧:૫૪) એમાં કોઈ શંકા નથી કે, ઈશ્વરની પ્રેરણાથી કરેલી ભવિષ્યવાણીથી અને યુસફની સારી વ્યવસ્થાને લીધે ઇજિપ્તના લોકોને ચોક્કસ ફાયદો થયો હશે.
ઇજિપ્તના લોકોએ કદાચ યુસફનો આભાર માન્યો હશે. તેમ જ, એક સારી વ્યવસ્થા કરનાર તરીકે તેમની પ્રશંસા પણ કરી હશે. તેમ છતાં, યુસફે બધો મહિમા પોતાને નહિ, પણ યહોવા ઈશ્વરને આપ્યો. જો આપણી આવડત ઈશ્વરની સેવામાં વાપરીશું, તો ધાર્યું પણ ન હોય એ રીતે ઈશ્વર આપણને એ આવડતનો ઉપયોગ કરવા મદદ કરશે.
સમય જતાં, ઇજિપ્તના લોકોને પણ દુકાળનો કડવો અનુભવ થયો. તેઓ ફારૂનને વિનંતી કરી. ફારૂને તેઓને કહ્યું: “યુસફની પાસે જાઓ; અને તે તમને કહે તે કરો.” તેથી, યુસફે વધારાના અનાજના કોઠારો ખોલ્યા અને લોકોએ પોતાની જરૂરિયાત મુજબ ખરીદ્યું.—ઉત્પત્તિ ૪૧:૫૫, ૫૬.
જોકે, આજુબાજુના દેશની હાલત વધારે ખરાબ હતી. ઘણે દૂર કનાન દેશમાં યુસફના કુટુંબ પાસે પણ અનાજ ન હતું. વૃદ્ધ યાકૂબે સાંભળ્યું કે ઇજિપ્તમાં અનાજ છે. તેથી, તેમણે પોતાના દીકરાઓને ઇજિપ્ત જઈને અનાજ લાવવા જણાવ્યું.—ઉત્પત્તિ ૪૨:૧, ૨.
યાકૂબે પોતાના દસ દીકરાઓને અનાજ લેવા મોકલ્યા. પણ, સૌથી નાના દીકરા બિન્યામીનને પોતાની પાસે રાખ્યો. યાકૂબને એ સમય બરાબર યાદ હતો જ્યારે તેમણે પોતાના સૌથી વહાલા દીકરા યુસફને પોતાના મોટા ભાઈઓને મળવા મોકલ્યો હતો. એ છેલ્લી વખત તેમણે યુસફને જોયા હતા. મોટા દીકરાઓ યુસફનો ફાટેલો અને લોહીવાળો ઝભ્ભો તેમની પાસે લાવ્યા હતા. એ ઝભ્ભો તો યાકૂબના પ્રેમ અને યાદની નિશાની હતી. તેઓએ જણાવ્યું કે કોઈ જંગલી પ્રાણીએ યુસફને ફાડી ખાધો છે. એ સાંભળીને યાકૂબનું દિલ ચિરાઈ ગયું.—ઉત્પત્તિ ૩૭:૩૧-૩૫.
‘યુસફને તરત યાદ આવ્યું’
લાંબી મુસાફરી પછી યાકૂબના દીકરાઓ ઇજિપ્ત પહોંચ્યા. તેઓએ અનાજ ખરીદવા વિશે પૂછપૂરછ કરી. પછી, તેમને મોટા અધિકારી પાસે મોકલવામાં આવ્યા. તે અધિકારીનું નામ સાફનાથ-પાનેઆહ હતું. (ઉત્પત્તિ ૪૧:૪૫) શું તેઓ ઓળખી શક્યા કે એ અધિકારી યુસફ છે? ના. તેઓએ તો ઇજિપ્તના એક મોટા અધિકારીને જોયો, જેની મદદની તેમને જરૂર હતી. એટલે, માન બતાવવા તેઓએ રિવાજ મુજબ આમ કર્યું: “તેઓએ ભોંય લગી માથાં નમાવીને તેને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા.”—ઉત્પત્તિ ૪૨:૫, ૬.
યુસફ વિશે શું? તે પોતાના ભાઈઓને તરત ઓળખી ગયા. ભાઈઓ તેમની આગળ નમ્યા ત્યારે, તેમને પોતાના બાળપણની વાત યાદ આવી ગઈ. અહેવાલ જણાવે છે કે, ‘યુસફને તેઓ વિશે જે સ્વપ્ન આવ્યાં એ તેમને તરત યાદ આવ્યાં.’ તે નાના હતા ત્યારે યહોવાએ તેમને સ્વપ્નમાં બતાવ્યું હતું કે ભાઈઓ પોતાની આગળ નમશે અને અત્યારે તેઓએ એમ જ કર્યું હતું. (ઉત્પત્તિ ૩૭:૨, ૫-૯; ૪૨:૭, ૯) યુસફે શું કર્યું? શું તેઓને પ્રેમથી ગળે લગાડ્યા કે બદલો લીધો?
યુસફ જાણતા હતા કે તેઓ ગમે તેવા હોય પણ, પોતાની લાગણીઓ પર કાબૂ રાખવાની જરૂર છે. બની રહેલા બનાવોમાં યહોવા ચોક્કસ તેમને માર્ગદર્શન આપી રહ્યા હતા. એમાં યહોવાનો હેતુ સમાયેલો હતો. તેમણે વચન આપ્યું હતું કે યાકૂબના સંતાનો એક મહાન પ્રજા બનશે. (ઉત્પત્તિ ૩૫:૧૧, ૧૨) જો યુસફના ભાઈઓ હજી હિંસક, સ્વાર્થી અને દગાખોર હોત, તો એની ખરાબ અસર પડી શકે. તેમ જ, યુસફ લાગણીના આવેશમાં કંઈ કરે તો, એનાથી તેમના કુટુંબને ભોગવવું પડી શકે. કદાચ પોતાના પિતા અને બિન્યામીન પણ ખતરામાં આવી શકે. યુસફ તો એ પણ જાણતા ન હતા કે તેઓ જીવે છે કે નહિ. યુસફે પોતાની ઓળખ છુપાવી અને ભાઈઓની કસોટી કરીને તેઓનો સ્વભાવ હવે કેવો છે એ જાણવાનું નક્કી કર્યું. એ પછી, તે જાણી શક્યા હોત કે યહોવા તેમની પાસે શું ચાહતા હતા.
તમે કદાચ આવી પરિસ્થિતિ સહન નહિ કરી હોય. જોકે, આજે દરેક ઘરમાં ઝઘડા અને ભાગલા જોવા મળે છે. આપણી જોડે એવું બને ત્યારે, આપણે લાગણીઓમાં તણાઈને વગર વિચાર્યું પગલું ભરી શકીએ. તેથી, સારું રહેશે કે આપણે યુસફના દાખલાને અનુસરીએ. તેમ જ, સંજોગો હાથ ધરવા ઈશ્વરનું માર્ગદર્શન સ્વીકારીએ. (નીતિવચનો ૧૪:૧૨) યાદ રાખીએ કે, કુટુંબ સાથે શાંતિ રાખવી ખૂબ જરૂરી છે. યહોવા અને તેમના દીકરા સાથે શાંતિ રાખવી એનાથી પણ વધારે જરૂરી છે.—માથ્થી ૧૦:૩૭.
“તમારી પરીક્ષા કરવામાં આવશે”
યુસફે પોતાના ભાઈઓના હૃદયમાં શું છે એ જાણવા અમુક યોજનાઓ ઘડી. સૌ પ્રથમ તો, તેમણે દુભાષિયાની મદદથી તેઓ સાથે ગુસ્સામાં વાત કરી. તેઓ દેશની જાસૂસી કરવા આવ્યા છે, એવો આરોપ પણ મૂક્યો. તેઓએ પોતાના બચાવમાં યુસફને પોતાના કુટુંબ વિશે અને હજી એક નાનો ભાઈ ઘરે છે એ જણાવ્યું. યુસફે પોતાની લાગણીઓ પર કાબૂ રાખ્યો. તેમને થયું કે શું મારો નાનો ભાઈ હજી જીવે છે? હવે શું કરવું એ યુસફ જાણતા હતા. તેમણે કહ્યું: “તમારી પરીક્ષા કરવામાં આવશે.” એ પણ કહ્યું કે પોતે નાના ભાઈને જોવા માંગે છે. તેમ જ, તેઓમાંનો એક કેદખાનામાં રહે તો, બાકીના ઘરે પાછા જઈને પોતાના નાના ભાઈને લઈ આવે એવી મંજૂરી આપી.—ઉત્પત્તિ ૪૨:૯-૨૦.
વીસ વર્ષ પહેલાં કરેલી ભૂલ વિશે યુસફના ભાઈઓ અંદરોઅંદર વાત કરતા હતા. જોકે, તેઓ જાણતા ન હતા કે યુસફ તેઓની વાત સમજી શકે છે. તેઓએ કહ્યું, “ખરેખર આપણે આપણા ભાઈ વિશે અપરાધી છીએ, કેમ કે જ્યારે તેણે કાલાવાલા કર્યા, ને આપણે તેના જીવનું દુઃખ જોયું, ત્યારે આપણે તેનું સાંભળ્યું નહિ; તે માટે આ સંકટ આપણા પર આવી પડ્યું છે.” યુસફ તેઓની વાત સમજતા હોવાથી પોતાના આંસુ છુપાવવા તેઓથી દૂર જતા રહ્યા. (ઉત્પત્તિ ૪૨:૨૧-૨૪) યુસફ જાણતા હતા કે ખરાબ કામના પરિણામ વિશે પસ્તાવો બતાવવો જ પૂરતો નથી. તેથી, તેમણે કસોટી કરવાની પોતાની યોજના આગળ ધપાવી.
યુસફે બધાને ઘરે મોકલ્યા અને શિમઓનને કેદમાં રાખ્યો. તેમ જ, તેઓ અનાજની જે ગુણો ઘરે લઈ જવાના હતા, એમાં પૈસા સંતાડ્યા. યુસફના ભાઈઓ ઘરે પહોંચ્યા અને બિન્યામીનને પોતાની સાથે ઇજિપ્ત લઈ જવા પોતાના પિતા યાકૂબને બહુ મુશ્કેલીથી સમજાવ્યા. તેઓએ ઇજિપ્ત પાછા આવીને પોતાની ગુણોમાંથી મળેલા પૈસા વિશે યુસફના કારભારીને જણાવ્યું. અને પૂરી કિંમત ફરી ચૂકવવાની તૈયારી પણ બતાવી. તેઓએ જે કર્યું એ પ્રશંસાપાત્ર હતું. પરંતુ, યુસફ તેઓનો ખરો સ્વભાવ જાણવા માંગતા હતા. તેમણે તેઓ માટે એક મિજબાની રાખી. બિન્યામીનને જોઈને પોતાની ખુશી તેમણે માંડમાંડ છુપાવી. પછી, તેમણે તેઓને ફરી અનાજ આપીને ઘરે પાછા મોકલ્યા. પણ, આ વખતે બિન્યામીનની ગુણમાં ચાંદીનો પ્યાલો છુપાવવામાં આવ્યો હતો.—ઉત્પત્તિ ૪૨:૨૬–૪૪:૨.
યુસફે પોતાની યોજના આગળ ધપાવી. યુસફના ભાઈઓનો પીછો કરવામાં આવ્યો, પકડવામાં આવ્યા અને ચાંદીનો પ્યાલો ચોરવાનો આરોપ મૂકવામાં આવ્યો. એ પ્યાલો બિન્યામીનની ગુણમાંથી મળ્યો ત્યારે, તેઓને યુસફની પાસે પાછા લાવવામાં આવ્યા. પોતાના ભાઈઓ બદલાયા છે કે નહિ એ જાણવાની હવે યુસફ પાસે તક હતી. યહુદાહે પોતાના ભાઈઓ વતી વાત કરી. તેણે દયા બતાવવા વિનંતી કરી. તેમ જ, જણાવ્યું કે તેઓ અગિયાર ભાઈઓ ઇજિપ્તમાં દાસ બનીને રહેશે. પણ, યુસફે તેઓની વાત ન માની અને જણાવ્યું કે તેઓ બધા પાછા જઈ શકે. પણ, બિન્યામીન એકલો જ ઇજિપ્તમાં દાસ બનીને રહેશે.—ઉત્પત્તિ ૪૪:૨-૧૭.
યહુદાહે પોતાની લાગણીઓ જણાવતા કહ્યું: ‘તે તેની માનો એકલો જ રહ્યો છે, ને તેના પિતાને તે વહાલો છે.’ એ શબ્દોની યુસફના દિલ પર ચોક્કસ અસર થઈ હશે. કેમ કે, પોતે યાકૂબની વહાલી પત્ની રાહેલના મોટા દીકરા હતા. અને બિન્યામીનને જન્મ આપતી વખતે રાહેલનું મોત થયું હતું. પોતાના પિતાની જેમ યુસફ પણ રાહેલને યાદ કરતા હતા. કદાચ એના લીધે યુસફને બિન્યામીન વધારે વહાલો હતો.—ઉત્પત્તિ ૩૫:૧૮-૨૦; ૪૪:૨૦.
બિન્યામીનને દાસ ન બનાવવા માટે યહુદાહે યુસફને વિનંતી કરી. તેણે એ પણ જણાવ્યું કે બિન્યામીનની જગ્યાએ પોતે દાસ બનશે. પછી, તેણે દુઃખી હૃદયે વિનંતી કરતા કહ્યું કે, ‘જો તે છોકરો મારી સાથે ન હોય, તો હું મારા પિતાની પાસે શી રીતે જાઉં? રખેને જે દુઃખ મારા પિતા પર આવી પડે તે મારે જોવું પડે.’ (ઉત્પત્તિ ૪૪:૧૮-૩૪) એ બતાવતું હતું કે તે બદલાઈ ગયો હતો. તેણે ફક્ત પસ્તાવો ન બતાવ્યો પણ, સહાનુભૂતિ, નિઃસ્વાર્થ અને દયા જેવા ગુણો બતાવ્યા.
યુસફ પોતાની લાગણીઓને હવે રોકી ન શક્યા. એટલે, પોતાનું દિલ હળવું કરવા તેમણે બધા ચાકરોને બહાર કાઢ્યા અને મોટેથી રડ્યા. તેમના રડવાનો અવાજ છેક ફારૂનના મહેલ સુધી સંભળાયો. છેવટે, તેમણે પોતાની ઓળખ આપતા કહ્યું: “હું યુસફ છું.” આ સાંભળીને તેમના ભાઈઓ સ્તબ્ધ થઈ ગયા. યુસફે તેઓને પ્રેમથી ગળે લગાડ્યા અને પોતાની સાથે કરેલા વ્યવહાર બદલ તેઓને માફ કર્યા. (ઉત્પત્તિ ૪૫:૧-૧૫) આ રીતે તેમણે ઉદારતાથી માફ કરનાર યહોવા જેવો સ્વભાવ બતાવ્યો. (ગીતશાસ્ત્ર ૮૬:૫) શું આપણે એમ કરીએ છીએ?
“હજુ તું જીવે છે”
ફારૂને એ વાત સાંભળી ત્યારે, તેમણે યુસફને પોતાના વૃદ્ધ પિતા અને આખા કુટુંબને ઇજિપ્તમાં બોલાવવા કહ્યું. બહુ જ થોડા સમયમાં યુસફ પોતાના વહાલા પિતાને મળ્યા. યાકૂબે રડીને કહ્યું: “મેં તારું મુખ જોયું છે, ને હજુ તું જીવે છે, તો હવે મારું મરણ ભલે આવે.”—ઉત્પત્તિ ૪૫:૧૬-૨૮; ૪૬:૨૯, ૩૦.
યાકૂબ ઇજિપ્તમાં ૧૭ વર્ષ જીવ્યા. તે પોતાના ૧૨ દીકરાઓને ભવિષ્યવાણીના રૂપમાં આશીર્વાદ આપી શકે એટલું લાંબું જીવ્યા. પોતાના અગિયારમા દીકરા, યુસફને તેમણે બમણો હિસ્સો આપ્યો, જે મોટા ભાગે પ્રથમ જન્મેલા દીકરાને આપવામાં આવે છે. તેમનાથી ઈસ્રાએલના બે કુળ આવવાના હતા. ચોથા દીકરા યહુદાહ વિશે શું? પસ્તાવો બતાવવાને લીધે તેને મોટો આશીર્વાદ મળ્યો. એ આશીર્વાદ હતો કે, તેના કુટુંબમાંથી મસીહ આવવાના હતા.—ઉત્પત્તિ ૪૮, ૪૯ અધ્યાય.
યાકૂબ ૧૪૭ વર્ષે મરણ પામ્યા. હવે યુસફના ભાઈઓને ડર લાગ્યો કે, પોતાનો શક્તિશાળી ભાઈ બદલો લેશે. પણ યુસફે તેઓને પ્રેમાળ ખાતરી આપી. તેમણે પહેલાં પણ જણાવ્યું હતું કે, જે બન્યું એ માટે તેઓએ માઠું લગાવવાની જરૂર નથી. કુટુંબને ઇજિપ્ત લાવવા પાછળ યહોવાનો હેતુ હતો. તેથી, તેમણે પૂછ્યું: ‘શું હું ઈશ્વર છું?’ (ઉત્પત્તિ ૧૫:૧૩; ૪૫:૭, ૮; ૫૦:૧૫-૨૧) યુસફે ન્યાય માટે યહોવા પર બાબતો છોડી દીધી. તેમને થયું કે, જેઓને યહોવાએ માફ કર્યા છે તેઓને સજા આપનાર હું કોણ છું?—હિબ્રૂ ૧૦:૩૦.
શું તમને માફી આપવી અઘરી લાગે છે? કોઈએ આપણને જાણી જોઈને નુકસાન પહોંચાડ્યું હોય ત્યારે, એમ કરવું બહુ અઘરું લાગી શકે. પણ, જો સાચો પસ્તાવો કરનારને દિલથી માફ કરીશું, તો આપણે પોતાના અને બીજાના દિલમાં લાગેલા ઘાને રુઝાવી શકીએ છીએ. એનાથી, આપણે યુસફની શ્રદ્ધાને અને તેમના દયાળુ પિતા, યહોવાને અનુસરીએ છીએ. (w૧૫-E ૦૫/૦૧)