“તમારો ઉદ્ધાર પાસે આવ્યો છે”!
“તમે નજર ઉઠાવીને તમારાં માથાં ઊંચાં કરો; કેમ કે તમારો ઉદ્ધાર પાસે આવ્યો છે.”—લુક ૨૧:૨૮.
ગીતોઃ ૨૩ (૧૮૭), ૧૧ (૮૫)
૧. સાલ ૬૬માં કયા બનાવો બન્યા હતા? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
કલ્પના કરો કે ૬૬ની સાલ ચાલી રહી છે અને તમે એક ખ્રિસ્તી તરીકે યરુશાલેમમાં જીવી રહ્યા છો. ફ્લોરસ નામના એક રોમન અધિકારીએ મંદિરના ભંડારમાંથી ૧૭ તાલંતો જેટલી રકમ ચોરી છે. એના લીધે યહુદીઓ બહુ ગુસ્સે ભરાયા છે. તેઓ ઘણા રોમન સૈનિકોને મારી નાખે છે. તેઓ રોમન શાસનથી આઝાદ થવા બળવો પોકારે છે. પરંતુ, રોમન સૈન્ય તરત પગલાં ભરે છે. ત્રણ મહિનાની અંદર ૩૦,૦૦૦ સૈનિકો સાથે સેસ્તિઅસ ગેલસ યરુશાલેમને ઘેરી લે છે. યહુદી બળવાખોરો મંદિરના કિલ્લામાં સંતાઈ ગયા છે. રોમન સૈનિકોની ટુકડી મંદિરની દીવાલ સુધી પહોંચીને એને તોડવા મથી રહી છે. શહેરની અંદર ચારેબાજુ ડર ફેલાયેલો છે. એ બધું જોઈને તમે કેવું અનુભવશો?
૨. શહેરને રોમન લશ્કરથી ઘેરાયેલું જોઈને શિષ્યોએ શું કરવાનું હતું? એમ કરવું શાના લીધે શક્ય બન્યું?
૨ એ બનાવના અમુક વર્ષો પહેલાં ઈસુએ પોતાના શિષ્યોને એના વિશે ચેતવ્યા હતા. તેમજ, તેમણે શિષ્યોને આ સૂચના આપી હતી: “જ્યારે યરુશાલેમને ફોજોથી ઘેરાયેલું તમે જોશો, ત્યારે જાણજો કે તેનો ઉજ્જડ થવાનો સમય પાસે આવ્યો છે. ત્યારે જેઓ યહુદાહમાં હોય તેઓએ પહાડોમાં નાસી જવું; જેઓ શહેરમાં હોય તેઓએ બહાર નીકળી જવું; અને જેઓ સીમમાં હોય તેઓએ શહેરમાં આવવું નહિ.” (લુક ૨૧:૨૦, ૨૧) પરંતુ, યરુશાલેમ ફોજોથી ઘેરાયેલું હોય, તો ઈસુની આજ્ઞા પ્રમાણે શિષ્યો માટે ત્યાંથી નાસી જવું કઈ રીતે શક્ય બને? એવું કંઈક બન્યું જે કોઈએ ધાર્યું ન હતું. રોમન લશ્કર યરુશાલેમ છોડીને જતું રહ્યું! ઈસુએ ભાખ્યું હતું તેમ એ વિપત્તિને ‘ઓછી કરવામાં આવી.’ (માથ. ૨૪:૨૨) લશ્કરના ગયા પછી, શિષ્યોને ઈસુની આજ્ઞા પ્રમાણે યરુશાલેમમાંથી નીકળી જવાની તક મળી.a પછી, ૭૦ની સાલમાં રોમનું નવું સૈન્ય ફરી યરુશાલેમ આવ્યું અને શહેરનો નાશ કર્યો. જેઓએ ઈસુની આજ્ઞા માની હતી તેઓ બચી ગયા.
૩. આપણે બહુ જલદી કઈ પરિસ્થિતિનો સામનો કરવાના છીએ? આ લેખમાં શાની ચર્ચા કરીશું?
૩ બહુ જ જલદી, આપણે બધા એવી જ એક પરિસ્થિતિનો સામનો કરવાના છીએ. ઈસુએ પ્રથમ સદીમાં બનનાર બનાવો વિશે જણાવ્યું ત્યારે તે ફક્ત યરુશાલેમના વિનાશ વિશે જ ચેતવી રહ્યા ન હતા. એ બનાવો દ્વારા તેમણે એ પણ સમજાવ્યું કે અચાનક આવનાર મોટી વિપત્તિ વખતે શું બનશે. (માથ. ૨૪:૩, ૨૧, ૨૯) પહેલી સદીમાં વફાદાર ખ્રિસ્તીઓ યરુશાલેમના વિનાશમાંથી બચી ગયા હતા. એવી જ રીતે, “મોટી સભા”ના લોકો પણ દુનિયા પર આવનારી મોટી વિપત્તિમાંથી બચી જશે. (પ્રકટીકરણ ૭:૯, ૧૩, ૧૪ વાંચો.) ભાવિના એ બનાવો વિશે બાઇબલ શું જણાવે છે એ જાણવું આપણા માટે બહુ મહત્ત્વનું છે. શા માટે? કારણ કે, એમાં આપણા જીવન-મરણનો સવાલ છે. તેથી, ચાલો જોઈએ કે એ બનાવો આપણને કઈ રીતે અસર કરે છે.
મોટી વિપત્તિની શરૂઆત
૪. મોટી વિપત્તિની શરૂઆત કઈ રીતે થશે?
૪ મોટી વિપત્તિની શરૂઆત કઈ રીતે થશે? જૂઠા ધર્મના વિનાશથી. જૂઠા ધર્મને બાઇબલમાં ‘મહાન બાબેલોન, વેશ્યાની માતા’ કહેવામાં આવ્યો છે. (પ્રકટી. ૧૭:૫-૭) જૂઠા ધર્મને વેશ્યા જોડે સરખાવવું એકદમ યોગ્ય છે. ચર્ચના પાદરીઓ અને આગેવાનોએ દુષ્ટ જગતના નેતાઓ સાથે મળીને જાણે વ્યભિચાર કર્યો છે. તેઓએ ઈસુ અને તેમના રાજ્યને વફાદારીથી ટેકો આપવાને બદલે, માનવીય સરકારોને ટેકો આપ્યો છે. અરે, વધારે માન-મોભો મેળવી શકે એ માટે તેઓએ બાઇબલના શિક્ષણને બાજુએ મૂકી દીધું છે. ઈશ્વરના પવિત્ર અભિષિક્તો કરતાં તેઓનું એ કેટલું જુદું વલણ! (૨ કોરીં. ૧૧:૨; યાકૂ. ૧:૨૭; પ્રકટી. ૧૪:૪) પરંતુ, મહાન બાબેલોનનો વિનાશ કોણ કરશે? બાઇબલમાં “કિરમજી રંગના શ્વાપદ” અને એના “દશ શિંગડાં”નો ઉલ્લેખ થયો છે. ‘કિરમજી રંગનું શ્વાપદ’ સંયુક્ત રાષ્ટ્રસંઘને દર્શાવે છે અને “દશ શિગડાં” એ સંઘને ટેકો આપતી બધી રાજકીય સત્તાઓને દર્શાવે છે. યહોવા ઈશ્વર ‘પોતાનો વિચાર’ એ “દશ શિંગડાં”ના મનમાં મૂકશે, જે મહાન બાબેલોનનો નાશ કરશે.—પ્રકટીકરણ ૧૭:૩, ૧૬-૧૮ વાંચો.
૫, ૬. જૂઠાં ધર્મના નાશ વખતે એના બધા જ સભ્યોનો નાશ નહિ થાય, એવું શાના આધારે કહી શકીએ?
૫ મહાન બાબેલોનનો નાશ કરવામાં આવશે, ત્યારે શું જૂઠા ધર્મના બધા જ સભ્યોને મારી નાંખવામાં આવશે? ના. એ સમયે શું થશે એના વિશે લખવા યહોવાએ પ્રબોધક ઝખાર્યાને પ્રેરણા આપી હતી. અગાઉ જેઓ જૂઠા ધર્મનો ભાગ હતા તેઓમાંથી કોઈ આમ કહેશે: “હું પ્રબોધક નથી, હું તો જમીન ખેડનારો છું; કેમ કે મને તો નાનપણથી ગુલામ કરવામાં આવ્યો છે. કોઈ તેને પૂછશે, કે તારા હાથો પર આ ઘા શાના છે? ત્યારે તે ઉત્તર દેશે, કે એ તો મારા મિત્રોના ઘરમાં જે ઘા મને પડ્યા હતા તે છે.” (ઝખા. ૧૩:૪-૬) અરે, અમુક ધર્મગુરુઓ પણ એવો દેખાડો કરશે કે પોતે ધાર્મિક નથી. પોતે જૂઠા ધર્મોનો ભાગ હતા, એવું તેઓ સ્વીકારશે નહિ.
૬ એ સમયે ઈશ્વરના લોકોનું શું થશે? ઈસુ જણાવે છે: ‘જો એ દિવસો ઓછા કરવામાં આવ્યા ન હોત, તો કોઈ પણ માણસ બચી શક્યું ન હોત. પસંદ કરેલાઓની માટે એ દિવસો ઓછા કરાશે.’ (માથ. ૨૪:૨૨) પહેલી સદીમાં યરુશાલેમમાં થયેલી વિપત્તિને ‘ઓછી કરવામાં’ આવી હતી. એના લીધે, “પસંદ કરેલાઓ” એટલે કે અભિષિક્તોને પોતાનો જીવ બચાવવાની તક મળી હતી. એવી જ રીતે, “પસંદ કરેલાઓ”ને લીધે, મોટી વિપત્તિનો પ્રથમ ભાગ ‘ઓછો કરવામાં’ આવશે. “દશ શિગડાં” એટલે કે આજની રાજકીય સત્તાઓ દ્વારા ઈશ્વરના લોકોનો નાશ થવા દેવામાં આવશે નહિ. એના બદલે, થોડા વખત માટે રાહતનો વખત આવશે.
કસોટી અને ન્યાયનો સમય
૭, ૮. જૂઠા ધર્મોના વિનાશ પછી આપણી પાસે કઈ તક હશે? એ સમયે ઈશ્વરના લોકો કઈ રીતે બધાથી અલગ તરી આવશે?
૭ જૂઠા ધર્મનો નાશ થયા પછી, શું થશે? આપણા દિલમાં ખરેખર શું છે, એ બતાવવાની આપણને તક મળશે. એ સમયે, મોટા ભાગના લોકો “પહાડોના ખડકો” એટલે કે, માનવીય સંગઠનો પાસેથી રક્ષણ અને મદદ મેળવવાનો પ્રયત્ન કરશે. (પ્રકટી. ૬:૧૫-૧૭) પરંતુ, યહોવાના લોકો તો રક્ષણ માટે યહોવા પર ભરોસો રાખશે. પહેલી સદીમાં રાહતનો સમય એ કંઈ યહુદીઓ માટે ખ્રિસ્તી બનવાનો સમય ન હતો. એ સમય તો ખ્રિસ્તીઓ માટે ઈસુની આજ્ઞા પ્રમાણે યરુશાલેમમાંથી નાસી જવાનો સમય હતો. એવી જ રીતે, ભાવિમાં જૂઠા ધર્મ પર થનાર હુમલો ‘ઓછો કરાશે’ ત્યારે, આપણે નવા લોકોને ઈસુના શિષ્યો બનતા જોવાની આશા ન રાખી શકીએ. એના બદલે, આપણી પાસે યહોવાને પ્રેમ બતાવવાની અને અભિષિક્તોને ટેકો આપવાની તક હશે.—માથ. ૨૫:૩૪-૪૦.
૮ કસોટીની એ ઘડી દરમિયાન શું બનશે એની દરેક વિગત આપણે જાણતા નથી. પરંતુ, આપણે એટલું તો જાણીએ છીએ કે એ સમયે જીવન આસાન નહિ હોય. તેમજ, આપણે ઘણી બાબતો જતી કરવી પડશે. પહેલી સદીમાં, ખ્રિસ્તીઓએ પોતાનાં ઘર-સંપત્તિ મૂકીને જવું પડ્યું હતું. તેમજ, બચવા માટે મુશ્કેલીઓ સહેવી પડી હતી. (માર્ક ૧૩:૧૫-૧૮) આપણે વિચારવું જોઈએ કે “શું હું પૈસા અને સુખ-સગવડ જતી કરવા તૈયાર છું? યહોવાને વળગી રહેવા મારે જે કરવું જોઈએ, શું હું એ કરવા તૈયાર છું?” જરા કલ્પના કરો, એ સમયે ફક્ત આપણે જ યહોવાને ભજતા હોઈશું! ગમે તે થાય પણ આપણે દાનીયેલની જેમ આપણા ઈશ્વરને જ વળગી રહીને બધાથી અલગ તરી આવીશું.—દાની. ૬:૧૦, ૧૧.
૯, ૧૦. (ક) મોટી વિપત્તિ દરમિયાન ઈશ્વરભક્તો કયો સંદેશો જણાવશે? (ખ) આપણા દુશ્મનો કઈ રીતે વર્તશે?
૯ મોટી વિપત્તિનો વખત એ ‘રાજ્યની સુવાર્તા’ જણાવવાનો સમય નહિ હોય. લોકોને સંદેશો જણાવવાની તક જતી રહી હશે. “અંત”નો સમય આવી ચૂક્યો હશે! (માથ. ૨૪:૧૪) એ સમયે ઈશ્વરભક્તો ન્યાયચુકાદાનો કડક સંદેશો લોકોને ડર્યા વગર જણાવશે. એ સંદેશો શેતાનના દુષ્ટ જગતના સર્વનાશ વિશેનો હશે. એ સંદેશાને બાઇબલ કરા સાથે સરખાવે છે. બાઇબલમાં લખ્યું છે: “આકાશમાંથી માણસો પર આશરે એક એક મણના મોટા કરા પડ્યા; અને કરાના અનર્થને લીધે માણસોએ ઈશ્વરની નિંદા કરી; કેમ કે એનો આ અનર્થ અતિશય ભારે છે.”—પ્રકટી. ૧૬:૨૧.
૧૦ એ કડક સંદેશો આપણા દુશ્મનોની નજરે ચઢશે. યહોવાની પ્રેરણાથી હઝકીએલે માગોગના ગોગ વિશે સમજણ આપી. એ માગોગનો ગોગ રાષ્ટ્રોના એક સમૂહને રજૂ કરે છે. હઝકીએલમાં જણાવ્યું છે કે તેઓ કઈ રીતે વર્તશે: “પ્રભુ યહોવા કહે છે, કે તે દિવસે તારા મનમાં કેટલીક વાતોના વિચાર આવશે, ને તું દુષ્ટ યોજના યોજીને કહેશે, કે હું કોટ વગરનાં ગામડાંવાળા દેશ પર ચઢાઈ કરીશ; જેઓ કોટ વગર રહે છે ને જેમને ભૂંગળો કે દરવાજા નથી, પણ બધા નિરાંતે ને નિર્ભયપણે રહે છે તેમના પર હું ચઢાઈ કરીશ; જેથી હું તેઓને લૂંટી લઉં ને પકડી લઉં; તથા જે ઉજ્જડ સ્થળોમાં હાલ વસ્તી થએલી છે તેમના ઉપર, ને જે લોકોને ભિન્ન ભિન્ન પ્રજાઓમાંથી ભેગા કરવામાં આવેલા છે, જેઓને ઢોર તથા મિલકત પ્રાપ્ત થયેલાં છે, જેઓ પૃથ્વીના મધ્ય ભાગમાં રહે છે, તેઓના ઉપર મારો હાથ નાખું.” (હઝકી. ૩૮:૧૦-૧૨) ઈશ્વરના લોકો જાણે “પૃથ્વીના મધ્ય ભાગમાં” રહેતા હોય તેમ બધાથી અલગ તરી આવશે. ત્યારે રાષ્ટ્રો પોતાના પર કાબૂ નહિ રાખી શકે. યહોવાના અભિષિક્તો અને તેઓને સાથ આપનારાઓ પર એ રાષ્ટ્રો હુમલો કરવા તલપાપડ થશે.
૧૧. (ક) મોટી વિપત્તિ દરમિયાન કયા સમયે કયો બનાવ બનશે એ વિશે આપણે શું યાદ રાખવું જોઈએ? (ખ) આકાશનાં ચિહ્નો જોઈને લોકો શું કરશે?
૧૧ એ પછી શું થશે? કયા સમયે કયો બનાવ બનશે એની વિગત બાઇબલ જણાવતું નથી. બની શકે કે અમુક બનાવો એક સાથે બને. જગતના અંત વિશેની ભવિષ્યવાણીમાં ઈસુએ કહ્યું હતું: ‘સૂરજ, ચંદ્ર અને તારાઓમાં ચિહ્નો થશે. પૃથ્વી ઉપર પ્રજાઓ સમુદ્ર તથા મોજાઓની ગર્જનાથી ત્રાસ પામીને ગભરાશે અને પૃથ્વી ઉપર જે આવી પડવાનું છે, એની બીકથી તથા શક્યતાથી માણસો નિર્ગત થશે. કેમ કે, આકાશમાંનાં પરાક્રમો હાલી ઊઠશે. ત્યારે તેઓ માણસના દીકરાને પરાક્રમ તથા મહા મહિમાસહિત વાદળાંમાં આવતો જોશે.’ (લુક ૨૧:૨૫-૨૭; માર્ક ૧૩:૨૪-૨૬ વાંચો.) એ ભવિષ્યવાણી પૂરી થશે ત્યારે શું ખરેખર આકાશમાં બિહામણા ચિહ્નો દેખાશે? એનો જવાબ મેળવવા આપણે રાહ જોવી પડશે. જોકે, એક વાત ચોક્કસ છે કે એ બધાં ચિહ્નો જોઈને ઈશ્વરના દુશ્મનો ગભરાઈ જશે, ડરી જશે.
૧૨, ૧૩. (ક) ઈસુ “પરાક્રમ તથા મહા મહિમાસહિત” આવશે ત્યારે શું બનશે? (ખ) એ સમયે ઈશ્વરના સેવકો શું કરશે?
૧૨ ઈસુ “પરાક્રમ તથા મહા મહિમાસહિત” આવશે ત્યારે શું બનશે? વફાદાર રહેલા લોકોને તે ઇનામ આપશે અને વફાદાર ન રહેલા લોકોને સજા આપશે. (માથ. ૨૪:૪૬, ૪૭, ૫૦, ૫૧; ૨૫:૧૯, ૨૮-૩૦) એને વિગતવાર સમજાવવા ઈસુએ એક દૃષ્ટાંત આપ્યું છે. તેમણે કહ્યું: ‘જ્યારે માણસનો દીકરો પોતાના મહિમામાં સર્વ પવિત્ર દૂતો સહિત આવશે, ત્યારે તે પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે. અને સર્વ દેશજાતિઓ તેની આગળ એકઠી કરાશે; અને જેમ ઘેટાંપાળક ઘેટાંને બકરાંથી જુદાં પાડે છે, તેમ તે તેઓને એકબીજાથી જુદી પાડશે. અને ઘેટાંને તે પોતાને જમણે હાથે, પણ બકરાંને ડાબે હાથે રાખશે.’ (માથ. ૨૫:૩૧-૩૩) ઘેટાં અને બકરાં જેવા લોકોનું શું થશે? તેઓનો ન્યાય કરવામાં આવશે. બકરાં એટલે કે વફાદાર નહિ રહેનારા લોકો ‘હંમેશ માટેના નાશમાં જશે.’ જ્યારે કે, ઘેટાં એટલે કે વફાદાર રહેનારા લોકો હંમેશ માટેનું જીવન મેળવશે.—માથ. ૨૫:૪૬.
૧૩ બકરાં જેવા લોકોને ખ્યાલ આવશે કે તેઓનો નાશ થવાનો છે ત્યારે તેઓ શું કરશે? તેઓ “શોક કરશે.” (માથ. ૨૪:૩૦) જ્યારે કે, અભિષિક્તો અને તેઓને ટેકો આપતા લોકો ઈસુના કહ્યા પ્રમાણે કરશે. ઈસુએ કહ્યું હતું: “આ વાતો થવા લાગે ત્યારે તમે નજર ઉઠાવીને તમારાં માથાં ઊંચાં કરો; કેમ કે તમારો ઉદ્ધાર પાસે આવ્યો છે.”—લુક ૨૧:૨૮.
તેઓ રાજ્યમાં સૂરજની જેમ પ્રકાશશે
૧૪, ૧૫. માગોગના ગોગનો હુમલો શરૂ થયા પછી, એકઠા કરવાનું કયું કામ થશે? અને એ કઈ રીતે થશે?
૧૪ માગોગનો ગોગ ઈશ્વરના લોકો પર હુમલો કરશે એ પછી શું થશે? બાઇબલ જણાવે છે કે ઈસુ “દૂતોને મોકલીને પૃથ્વીના છેડાથી આકાશના છેડા સુધી, ચારે દિશાથી પોતાના પસંદ કરેલાઓને એકઠા કરશે.” (માર્ક ૧૩:૨૭; માથ. ૨૪:૩૧) એકઠા કરવાનું કામ, કોઈ વ્યક્તિનું અભિષિક્ત તરીકે પ્રથમ વાર પસંદ થવાને રજૂ કરતું નથી. એ કામ પૃથ્વી પર બાકી રહેલા અભિષિક્તોની આખરી મુદ્રાને પણ દર્શાવતું નથી. (માથ. ૧૩:૩૭, ૩૮) એ આખરી મુદ્રા તો મોટી વિપત્તિની શરૂઆતના થોડા સમય પહેલાં જ થશે. (પ્રકટી. ૭:૧-૪) તો પછી, આ એકઠા કરવાનું કામ શાને બતાવે છે? એ તો પૃથ્વી પર બાકી રહેલા અભિષિક્તો જ્યારે સ્વર્ગમાં જવાનું ઇનામ મેળવશે, એને બતાવે છે. (૧ થેસ્સા. ૪:૧૫-૧૭; પ્રકટી. ૧૪:૧) એ બનાવ ક્યારે બનશે? માગોગના ગોગનો હુમલો શરૂ થાય એ પછીના કોઈક સમયે એ બનાવ બનશે. (હઝકી. ૩૮:૧૧) પછી, ઈસુએ કહ્યું હતું તેમ ‘ન્યાયીઓ પોતાના પિતાના રાજ્યમાં સૂરજની જેમ પ્રકાશશે.’—માથ. ૧૩:૪૩.b
૧૫ અભિષિક્તોને સ્વર્ગમાં જવાનું ઇનામ મળશે, એનો અર્થ શું એમ થાય કે તેઓનું “સ્વર્ગારોહણ” થવાનું છે? કહેવાતા ખ્રિસ્તીઓમાંના ઘણા લોકો “સ્વર્ગારોહણ”ની માન્યતામાં માને છે. એ માન્યતા પ્રમાણે તેઓને શરીર સાથે ઉપર તેડી લેવામાં આવશે. એ પછી, ઈસુ ધરતી પર રાજ કરવા પાછા આવશે ત્યારે, ઈસુને નજરે જોઈ શકાશે, એવું તેઓ ધારે છે. જ્યારે કે, બાઇબલ સ્પષ્ટ બતાવે છે કે ઈસુનું ફરીથી આવવું એ અદૃશ્ય રીતે થશે. બાઇબલ જણાવે છે: “માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે” અને ઈસુ ‘આકાશનાં વાદળાં પર આવશે.’ (માથ. ૨૪:૩૦) વધુમાં, બાઇબલ જણાવે છે કે “માંસ તથા રક્ત ઈશ્વરના રાજ્યનો વારસો પામી શકતાં નથી.” તેથી, “છેલ્લું રણશિંગડું વાગતાં જ” અભિષિક્તોને સ્વર્ગમાં લેવામાં આવે એ પહેલાં ‘એક ક્ષણમાં, આંખના પલકારામાં તેઓનું રૂપાંતર થશે.’c (૧ કોરીંથી ૧૫:૫૦-૫૩ વાંચો.) એટલે આપણે “સ્વર્ગારોહણ” શબ્દ વાપરતા નથી. કારણ કે, એ કહેવાતા ખ્રિસ્તીઓની ખોટી માન્યતા સાથે જોડાયેલો શબ્દ છે. જોકે, એ વાત સાચી કે પૃથ્વી પર બાકી રહેલા અભિષિક્તો આંખના પલકારામાં સ્વર્ગમાં એકઠા કરાશે.
૧૬, ૧૭. હલવાનના લગ્ન થાય એ પહેલાં શું થશે?
૧૬ સ્વર્ગમાં જ્યારે ૧,૪૪,૦૦૦ની સંખ્યા પૂરી થઈ જશે, ત્યારે હલવાનના લગ્નની આખરી તૈયારીઓ શરૂ થશે. (પ્રકટી. ૧૯:૯) પરંતુ, એ રોમાંચક બનાવ પહેલાં બીજો એક બનાવ બનશે. યાદ કરો કે, પૃથ્વી પર હજી બાકી રહેલા અભિષિક્તો હશે એ વખતે જ માગોગનો ગોગ ઈશ્વરના લોકો પર હુમલો કરશે. (હઝકી. ૩૮:૧૬) ઈશ્વરના લોકો ત્યારે શું કરશે? તેઓ બાઇબલની આ આજ્ઞા પ્રમાણે કરશે: ‘આ લડાઈમાં તમારે યુદ્ધ કરવું નહિ પડે. સ્થિર થઈને ઊભા રહો અને યહોવા તમારું કેવું રક્ષણ કરે છે તે જુઓ. બીશો નહિ, તેમ ગભરાશો પણ નહિ.’ (૨ કાળ. ૨૦:૧૭) માગોગના ગોગનો હુમલો શરૂ થયા પછી, પૃથ્વી પર બાકી રહેલા અભિષિક્તોને સ્વર્ગમાં લેવામાં આવશે. એ હુમલાનો જવાબ કઈ રીતે આપવામાં આવશે? પ્રકટીકરણ ૧૭:૧૪માં જણાવ્યા પ્રમાણે એનો જવાબ સ્વર્ગમાંથી આપવામાં આવશે. ઈશ્વરના દુશ્મનો “હલવાનની સાથે લડશે અને હલવાન તેઓને જીતશે, કેમ કે તે પ્રભુઓનો પ્રભુ તથા રાજાઓનો રાજા છે; અને એની સાથે જેઓ છે, એટલે જેઓ તેડાયેલા, પસંદ કરેલા તથા વિશ્વાસુ છે તેઓ પણ જીતશે.” આમ, સ્વર્ગમાંથી ઈસુ અને ૧,૪૪,૦૦૦ અભિષિક્ત રાજાઓ ભેગા મળીને પૃથ્વી પરના ઈશ્વરભક્તોને બચાવશે.
૧૭ પરિણામે, આર્માગેદનનું યુદ્ધ થશે જે યહોવાના નામને મહિમા આપશે. (પ્રકટી. ૧૬:૧૬) જેઓનો ન્યાય બકરાં તરીકે થયો હશે તેઓનો નાશ થશે. આમ, આખી પૃથ્વી પરથી બૂરાઈનો અંત આવશે. જ્યારે કે, એક “મોટી સભા” આર્માગેદનના યુદ્ધમાંથી બચી જશે. છેવટે, પ્રકટીકરણના પુસ્તકમાં જણાવેલો આખરી અને અદ્ભુત બનાવ, એટલે કે હલવાનનું લગ્ન થશે! (પ્રકટી. ૨૧:૧-૪)d પૃથ્વી પર બચી ગયેલા લોકો ઈશ્વરની કૃપાનો અનુભવ કરશે. ઈશ્વરનાં અપાર પ્રેમ અને ઉદારતાને અનુભવી શકશે. આપણે એ સમયની ખૂબ આતુરતાથી રાહ જોઈએ છીએ. એ લગ્નમાં આપણે કેટલી ભવ્ય મિજબાનીનો આનંદ માણીશું!—૨ પીતર ૩:૧૩ વાંચો.
૧૮. બહુ જલદી જ અદ્ભુત બનાવો બનવાના છે તો તમે શું કરવાનો નિર્ણય કર્યો છે?
૧૮ એ અદ્ભુત બનાવો બહુ જલદી જ બનશે. તો સવાલ થાય કે હમણાં આપણે શું કરવું જોઈએ? યહોવાએ પ્રેરિત પીતર દ્વારા સલાહ આપી: ‘એ બધું નાશ પામનાર છે, માટે પવિત્ર આચરણ અને ભક્તિભાવમાં તમારે કેવા થવું જોઈએ? યહોવાનો જે દિવસ આવવાનો છે એની આતુરતાથી તમારે અપેક્ષા રાખવી જોઈએ. એ માટે, વહાલાઓ, એની વાટ જોઈને, તમે તેમની નજરે નિષ્કલંક અને નિર્દોષ થઈને શાંતિમાં રહેવાનો પ્રયત્ન કરો.’ (૨ પીત. ૩:૧૧, ૧૨, ૧૪) તેથી, ચાલો શુદ્ધ ભક્તિ કરવા માટે મનમાં ગાંઠ વાળીએ. જૂઠા ધર્મનો કોઈ પણ રીતે ભાગ ન બનીએ. તેમજ, શાંતિના રાજા ઈસુ ખ્રિસ્તને પૂરેપૂરો ટેકો આપીએ!
c એ સમયે જીવી રહેલા અભિષિક્તોનું શરીર સ્વર્ગમાં લઈ જવામાં આવશે નહિ. (૧ કોરીં. ૧૫:૪૮, ૪૯) સ્વર્ગમાં જતાં પહેલાં ઈસુના શરીર સાથે જે થયું હતું, એવું જ કંઈક અભિષિક્તોના શરીર સાથે પણ થશે.
d ગીતશાસ્ત્ર ૪૫મો અધ્યાય પણ બતાવે છે કે રાજા પહેલા યુદ્ધ કરશે અને પછી લગ્ન થશે.