ઈશ્વર સાથે કામ કરવાથી આનંદ મળે છે
‘ઈશ્વરની સાથે કામ કરનારા તરીકે, અમે તમને અરજ પણ કરીએ છીએ કે, ઈશ્વરની અપાર કૃપાનો સ્વીકાર કરીને એનો હેતુ ભૂલી ન જાઓ.’—૨ કોરીં. ૬:૧, NW.
૧. પોતે સર્વોચ્ચ ઈશ્વર હોવા છતાં, યહોવા બીજાઓને શાનો આવકાર આપે છે?
યહોવા સર્વોચ્ચ ઈશ્વર છે. તેમણે જ બધું બનાવ્યું છે. તે પોતે જ્ઞાનનો અખૂટ ભંડાર છે અને શક્તિથી ભરપૂર છે. યહોવાએ પોતાના ભક્ત અયૂબને એ વાત સમજવા મદદ કરી. એટલે, અયૂબે તેમને કહ્યું: ‘હું જાણું છું કે તમે બધું કરી શકો છો અને તમારી કોઈ યોજનાને અટકાવી શકાય નહિ.’ (અયૂ. ૪૨:૨) યહોવા જે કંઈ નક્કી કરે એ પાર પાડે છે અને એ માટે તેમને કોઈની મદદની જરૂર નથી. તેમ છતાં, પોતાના હેતુઓ પૂરા કરવા તે બીજાઓને પોતાની સાથે કામ કરવાનો આવકાર આપે છે. આમ, તે બીજાઓને પ્રેમ બતાવે છે.
૨. કયા મહત્ત્વના કામમાં યહોવાએ ઈસુને સામેલ કર્યા?
૨ યહોવાએ સૌ પ્રથમ પોતાના દીકરા ઈસુનું સર્જન કર્યું. પછી, તેમણે આખું વિશ્વ અને એમાંનું બધું બનાવ્યું. એ બધું બનાવવામાં યહોવાએ ઈસુને સામેલ કર્યા. (યોહા. ૧:૧-૩, ૧૮) પ્રેરિત પાઊલે ઈસુ વિશે આમ લખ્યું: ‘તેમનાથી બધાં ઉત્પન્ન થયાં, જે આકાશમાં છે તથા જે પૃથ્વી પર છે, જે દૃશ્ય તથા અદૃશ્ય છે, રાજ્યાસનો કે રાજ્યો કે અધિપતિઓ કે અધિકારીઓ સર્વ તેમના દ્વારા તથા તેમના માટે ઉત્પન્ન થયા.’ (કોલો. ૧:૧૫-૧૭) આમ, યહોવાએ પોતાના દીકરાને એક મહત્ત્વનું કામ સોંપ્યું. એટલું જ નહિ, તેમણે ઈસુની એ મહત્ત્વની ભૂમિકા વિશે બીજાઓને પણ જણાવ્યું. કેટલું મોટું સન્માન!
૩. યહોવાએ આદમને કયું કામ કરવા માટે આવકાર્યો અને શા માટે?
૩ યહોવાએ મનુષ્યોને પણ તેમની સાથે કામ કરવા આવકાર્યા છે. દાખલા તરીકે, તેમણે પ્રાણીઓનાં નામ પાડવાનું કામ આદમને કરવા કહ્યું. (ઉત. ૨:૧૯, ૨૦) આદમ, દરેક પ્રાણીનું નિરીક્ષણ કરતો કે, એ કેવું દેખાય છે, કેવી રીતે વર્તે છે અને પછી એને એક યોગ્ય નામ આપતો. આદમને એ કામમાં કેટલી મજા આવી હશે! યહોવાએ ચાહ્યું હોત તો બધાં પ્રાણીઓનાં નામ જાતે જ પાડ્યાં હોત. આખરે, તેમણે જ તો એ બધાંને ઉત્પન્ન કર્યાં હતાં. પરંતુ, એ કામ આદમને સોંપીને યહોવાએ બતાવ્યું કે તેમને આદમ પર કેટલો બધો પ્રેમ હતો! અરે, યહોવાએ તો તેને આખી ધરતીને બાગ જેવી બનાવવાનું કામ પણ સોંપ્યું હતું. (ઉત. ૧:૨૭, ૨૮) પરંતુ અફસોસ કે, સમય જતાં આદમે યહોવા સાથે કામ કરવાનું છોડી દીધું. પરિણામે, તેના પર અને તેનાં વંશજો પર ઘણાં દુઃખો આવી પડ્યાં.—ઉત. ૩:૧૭-૧૯, ૨૩.
૪. બીજા લોકોએ પણ કઈ રીતે યહોવા સાથે કામ કર્યું?
૪ સમય જતાં, ઈશ્વરે બીજા લોકોને પણ પોતાની સાથે કામ કરવા આવકાર્યા. જેમ કે, તેમણે નુહને એક વહાણ બનાવવાનું કામ સોંપ્યું, જેના લીધે નુહ અને તેમનું કુટુંબ જળપ્રલયમાંથી બચી શક્યું. મુસાનો ઉપયોગ કરીને ઇજિપ્તની ગુલામીમાંથી ઈસ્રાએલીઓને છોડાવ્યા. ઈસ્રાએલીઓને વચનના દેશમાં લઈ જવા યહોશુઆનો ઉપયોગ કર્યો. સુલેમાનને યરુશાલેમનું મંદિર બનાવવાની તક આપી. મરિયમને ઈસુની માતા બનવાનો લહાવો આપવામાં આવ્યો. એ વફાદાર ભક્તોએ અને બીજા ઘણાએ યહોવાની ઇચ્છા પૂરી કરવામાં તેમની સાથે કામ કર્યું.
૫. આપણે કયા કામમાં ભાગ લઈ શકીએ છીએ? એ કામ માટે શું યહોવાને આપણી મદદની જરૂર છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૫ આજે, યહોવા આપણને પણ આવકાર આપે છે કે તેમના રાજ્યના કામમાં આપણાથી બનતો સાથ-સહકાર આપીએ. આપણે તેમની સેવા ઘણી અલગ અલગ રીતોએ કરી શકીએ છીએ. ખરું કે, આપણે બધા એક જેવી રીતે યહોવાની સેવા કરી શકતા નથી. પણ, રાજ્યની ખુશખબર ફેલાવવામાં તો આપણે બધા જ ભાગ લઈ શકીએ છીએ. એ કામ યહોવા જાતે પણ કરી શક્યા હોત. યહોવાએ ચાહ્યું હોત તો આકાશવાણી કરીને ધરતી પરના લોકોને ખુશખબર જણાવી શક્યા હોત. ઈસુએ કહ્યું હતું કે, યહોવા ચાહે તો તેમના રાજ્યના રાજા વિશે બીજાઓને જણાવવા પથ્થરોને પોકારતા કરી શકે છે. (લુક ૧૯:૩૭-૪૦) પણ, યહોવા આપણને તેમની ‘સાથે કામ કરનારા’ બનવાનો મોકો આપે છે. (૧ કોરીં. ૩:૯) પ્રેરિત પાઊલે લખ્યું: ‘ઈશ્વરની સાથે કામ કરનારા તરીકે, અમે તમને અરજ પણ કરીએ છીએ કે, ઈશ્વરની અપાર કૃપાનો સ્વીકાર કરીને એનો હેતુ ભૂલી ન જાઓ.’ (૨ કોરીં. ૬:૧, NW) ઈશ્વર સાથે કામ કરવાનું આમંત્રણ મળવું તો એક મોટું સન્માન છે! ચાલો, એ કામથી મળનાર અપાર આનંદનાં કેટલાંક કારણો જોઈએ.
ઈશ્વરની સાથે કામ કરવાથી આપણને ખુશી મળે છે
૬. ઈસુએ પિતા યહોવા સાથે કામ કરવાના અનુભવનું કેવું વર્ણન કર્યું?
૬ યહોવાની સાથે કામ કરવાથી તેમના ભક્તોને હંમેશાં ખુશી મળી છે. પૃથ્વી પર આવ્યા એ પહેલાં યહોવાના પ્રથમજનિત દીકરા ઈસુએ કહ્યું હતું: ‘યહોવાએ સૃષ્ટિક્રમના આરંભમાં મને ઉત્પન્ન કર્યો. ત્યારે કુશળ કારીગર તરીકે હું તેમની સાથે હતો અને હું દિનપ્રતિદિન તેમને સંતોષ આપતો હતો, સદા હું તેમની આગળ હર્ષ કરતો હતો.’ (નીતિ. ૮:૨૨, ૩૦) દેખીતું છે કે, ઈસુને પિતા યહોવા સાથે કામ કરવામાં ઘણો આનંદ મળતો હતો. તે ખુશ થતાં કારણ કે યહોવા સાથે મળીને તે ઘણાં કામ પાર પાડી શક્યા અને યહોવાનો પ્રેમ જોઈ શક્યા. આપણા વિશે શું?
૭. શા માટે પ્રચારકાર્યથી આપણને આનંદ મળે છે?
૭ ઈસુએ કહ્યું હતું કે લેવાની સરખામણીમાં આપવામાં વધુ ખુશી મળે છે. (પ્રે.કૃ. ૨૦:૩૫) આપણને સત્ય મળ્યું ત્યારે આપણને ઘણો આનંદ થયો હતો. એવો જ આનંદ આપણને બીજાઓને સત્ય જણાવવામાં પણ મળે છે. શા માટે? કેમ કે, જ્યારે કોઈ વ્યક્તિ બાઇબલનું સત્ય શીખે છે, એને સમજે છે અને યહોવા સાથે સંબંધ કેળવે છે, ત્યારે તેને ખરેખર ખુશી થાય છે. ઉપરાંત, તે પોતાનાં જીવનમાં અને વિચારોમાં પરિવર્તન લાવે છે. એ બધું જોઈને આપણે પણ ખુશ થઈએ છીએ. આમ, પ્રચારકાર્ય આપણા માટે સૌથી અગત્યનું અને સંતોષ આપનારું કામ બને છે. એ કામને લીધે, લોકો ઈશ્વરના મિત્ર બની શકે છે અને હંમેશાંનું જીવન મેળવી શકે છે.—૨ કોરીં. ૫:૨૦.
૮. યહોવા સાથે કામ કરવાના આનંદ વિશે અમુકનું શું કહેવું છે?
૮ આપણે જાણીએ છીએ કે સત્ય શીખવામાં લોકોને મદદ કરીએ છીએ ત્યારે યહોવા ખુશ થાય છે. ઉપરાંત, તેમની ભક્તિ કરવાના આપણા પ્રયત્નોને તે કીમતી ગણે છે. એ જાણવાથી પણ આપણને આનંદ મળે છે. (૧ કોરીંથી ૧૫:૫૮ વાંચો.) ઇટલીમાં રહેતા ભાઈ માર્કોનો વિચાર કરો. તે કહે છે: ‘હું પોતાનું શ્રેષ્ઠ યહોવાને આપું છું, કોઈ એવી વ્યક્તિને નહિ જે મારા કામને તરત ભૂલી જાય. એ વાતનો અહેસાસ મને અમૂલ્ય આનંદ આપે છે.’ ભાઈ ફ્રાન્કો પણ ઇટલીમાં સેવા આપે છે. તે કહે છે: ‘યહોવા દરરોજ આપણને બાઇબલ અને ભક્તિને લગતી ગોઠવણો દ્વારા યાદ અપાવે છે કે તે આપણને પ્રેમ કરે છે. તેમ જ, તેમના માટે આપણે જે કંઈ કરીએ એ બધું મહત્ત્વનું ગણે છે. પછી ભલેને, આપણને એ પ્રયાસો નકામા કેમ ન લાગતા હોય! આમ, યહોવા સાથે કામ કરવાથી મને આનંદ મળે છે અને એ મારા જીવનને એક હેતુ આપે છે.’
ઈશ્વરની સાથે કામ કરવાથી તેમની અને બીજાઓની નજીક આવીએ છીએ
૯. યહોવા અને ઈસુનો સંબંધ કેવો છે અને શા માટે?
૯ આપણે જેઓને ચાહતા હોઈએ તેઓની સાથે કામ કરવાથી, આપણે તેઓની નજીક આવીએ છીએ. આપણે તેઓના ગુણો અને સ્વભાવ વધુ સારી રીતે ઓળખવા લાગીએ છીએ. તેઓના ધ્યેયો શું છે અને એને હાંસલ કરવા તેઓ શું કરે છે, એની પણ આપણને જાણ થાય છે. ઈસુ અને યહોવાનો વિચાર કરો. ઈસુએ યુગોના યુગો સુધી યહોવા સાથે કામ કર્યું છે. એટલે, એકબીજા માટેનો તેઓનો પ્રેમ અને લગાવ એટલો ગાઢ બની ગયો કે તેઓના સંબંધને કોઈ પણ તોડી શકે નહિ. તેઓના સંબંધ વિશે ઈસુ જણાવે છે: ‘હું તથા પિતા એક છીએ.’ (યોહા. ૧૦:૩૦) તેઓ વચ્ચેની એકતા સાફ દેખાઈ આવે છે અને તેઓ કામ કરતી વખતે હંમેશાં એકબીજાને મદદ કરે છે.
૧૦. શા માટે ખુશખબર જણાવવાથી આપણે ઈશ્વરની અને ભાઈ-બહેનોની નજીક આવીએ છીએ?
૧૦ ઈસુએ પોતાના શિષ્યોના રક્ષણ માટે યહોવાને પ્રાર્થના કરી હતી. શા માટે? એનું કારણ ઈસુની પ્રાર્થનાના આ શબ્દોમાં જોવા મળે છે: ‘જેમ આપણે એક છીએ તેમ તેઓ પણ એક થાય.’ (યોહા. ૧૭:૧૧) યહોવાનાં ધોરણો પ્રમાણે જીવવાથી અને ખુશખબર ફેલાવવાથી, આપણે યહોવાના અદ્ભુત ગુણોને વધારે સારી રીતે સમજીએ છીએ. તેમના માર્ગદર્શન પ્રમાણે ચાલવું અને તેમના પર ભરોસો મૂકવો શા માટે સમજદારીભર્યું છે એ શીખીએ છીએ. આપણે યહોવાની પાસે જઈએ છીએ ત્યારે તે આપણી પાસે આવે છે. (યાકૂબ ૪:૮ વાંચો.) આપણે ભાઈ-બહેનોની પણ નજીક આવીએ છીએ, કેમ કે આપણે બધાં એક સરખી મુશ્કેલીઓ અને ખુશીનો અનુભવ કરીએ છીએ. એટલું જ નહિ, આપણા ધ્યેયો પણ એક સરખા છે. આમ, આપણે સાથે મળીને કામ કરીએ છીએ, સાથે મળીને આનંદ કરીએ છીએ અને સાથે મળીને મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ. બ્રિટનમાં રહેતાં બહેન ઓક્ટાવિયા કહે છે: ‘યહોવા સાથે કામ કરવાથી હું બીજાં ભાઈ-બહેનોની નજીક આવી છું. કારણ કે હવે અમારી મિત્રતા એક જેવા ધ્યેય અને માર્ગદર્શન પર નભે છે.’ સાચે જ, આપણે પણ એ બહેન જેવું જ અનુભવીએ છીએ. આપણાં ભાઈ-બહેનો યહોવાને ખુશ કરવા જે પ્રયત્નો કરે છે, એ જોઈને આપણે તેઓની નજીક આવીએ છીએ.
૧૧. નવી દુનિયામાં કયાં કારણોને લીધે આપણે યહોવા અને આપણાં ભાઈ-બહેનોની વધુ નજીક આવીશું?
૧૧ યહોવા અને ભાઈ-બહેનો માટેનો આપણો પ્રેમ હમણાં પ્રબળ છે. પરંતુ, નવી દુનિયામાં એ હજીયે વધારે પ્રબળ બનશે. આપણે ભાવિમાં જે રોમાંચક કામ કરીશું એનો જરા વિચાર કરો! જેઓ મરણની ઊંઘમાં છે તેઓને ઉઠાડવામાં આવશે ત્યારે, આપણે તેઓને આવકારીશું અને તેઓને યહોવા વિશે શીખવીશું. ધરતીને બાગ જેવી સુંદર બનાવવાનું કામ પણ આપણે કરીશું. નવી દુનિયામાં ભેગા મળીને કામ કરવામાં અને ઈસુના રાજમાં ધીરે ધીરે સંપૂર્ણ બનવામાં ઘણો આનંદ આવશે. ત્યારે બધા મનુષ્યો એકબીજાની વધુ નજીક આવશે. તેમ જ, તેઓ યહોવાની પણ નજીક આવશે, જે “સર્વ સજીવોની ઇચ્છાને તૃપ્ત” કરશે.—ગીત. ૧૪૫:૧૬.
ઈશ્વરની સાથે કામ કરવાથી આપણને રક્ષણ મળે છે
૧૨. પ્રચારકાર્ય કઈ રીતે આપણું રક્ષણ કરે છે?
૧૨ આપણે યહોવા સાથેના આપણા સંબંધનું રક્ષણ કરવાની જરૂર છે. આપણે શેતાનની દુનિયામાં જીવીએ છીએ અને આપણે અપૂર્ણ છીએ. એટલે, આસાનીથી આપણે આ દુનિયાના લોકોની જેમ વિચારવા અને વર્તવા લાગી શકીએ. એ તો જાણે નદીના એવા પ્રવાહમાં તરવા જેવું છે, જે આપણને એવી દિશામાં તાણે છે, જ્યાં આપણે જવા માંગતા નથી. તેથી, બીજી દિશામાં જવા માટે આપણે પૂરેપૂરો દમ લગાવવો પડે છે. એવી જ રીતે, શેતાનની દુનિયાના પ્રવાહમાં તણાઈ ન જઈએ માટે આપણે સખત પ્રયત્નો કરવા પડે છે. શેતાનની દુનિયાથી બચવામાં પ્રચારકાર્ય કઈ રીતે આપણું રક્ષણ કરે છે? પ્રચારમાં આપણે લોકો સાથે યહોવા અને બાઇબલ વિશે વાત કરીએ છીએ. એમ કરીને આપણે મહત્ત્વની અને સારી બાબતો પર ધ્યાન આપીએ છીએ, શ્રદ્ધા નબળી પાડતી બાબતો પર નહિ. (ફિલિ. ૪:૮) ખુશખબર જણાવવાથી આપણી શ્રદ્ધા મજબૂત થાય છે, કેમ કે એ આપણને ઈશ્વરનાં વચનો અને તેમનાં પ્રેમાળ ધોરણો યાદ અપાવે છે. એના લીધે આપણને એવા ગુણો જાળવવામાં પણ મદદ મળે છે, જે શેતાન અને તેની દુનિયાથી આપણું રક્ષણ કરે છે.—એફેસી ૬:૧૪-૧૭ વાંચો.
૧૩. ઑસ્ટ્રેલિયામાં રહેતા એક ભાઈને પ્રચાર વિશે કેવું લાગે છે?
૧૩ જ્યારે આપણે પ્રચારકાર્યમાં, વ્યક્તિગત અભ્યાસમાં અને મંડળમાં બીજાઓને મદદ કરવામાં વ્યસ્ત રહીએ છીએ, ત્યારે આપણે સુરક્ષિત રહીએ છીએ. કેમ કે, એમ કરવાથી આપણી મુશ્કેલીઓ વિશે વધુ પડતી ચિંતા કરવાનો આપણી પાસે સમય જ રહેતો નથી. ઑસ્ટ્રેલિયામાં રહેતા ભાઈ જૉએલ જણાવે છે: ‘પ્રચારકાર્ય મને આ દુનિયાના અસલી રૂપથી માહિતગાર રહેવા મદદ કરે છે. લોકો કેવી મુશ્કેલીઓ સામે ઝઝૂમી રહ્યા છે એનો અહેસાસ કરાવે છે. તેમ જ, બાઇબલના સિદ્ધાંતો લાગુ પાડવાથી મને મળેલા આશીર્વાદો પણ યાદ અપાવે છે. નમ્રતા જાળવવાના મારા પ્રયાસમાં પણ એ મને મદદ કરે છે. એ મને યહોવા પર અને આપણાં ભાઈ-બહેનો પર આધાર રાખવાની તક પૂરી પાડે છે.’
૧૪. શાના પરથી કહી શકાય કે પ્રચારકાર્યમાં લાગુ રહેવા ઈશ્વર પોતાની શક્તિની મદદ આપે છે?
૧૪ પ્રચારકાર્ય આપણો ભરોસો વધારે છે કે ઈશ્વર પોતાની શક્તિ દ્વારા આપણને મદદ આપે છે. એ સમજવા ચાલો એક દાખલો લઈએ. ધારો કે તમને તમારા વિસ્તારમાં લોકોને ટિફિન પહોંચાડવાનું કામ સોંપવામાં આવ્યું છે. જોકે, એ માટે તમને પૈસા આપવામાં આવશે નહિ અને તમારે પોતાના ખર્ચે એ કામ કરવાનું છે. ઉપરાંત, મોટા ભાગના લોકો તમારી પાસેથી ટિફિન લેવાનો નકાર કરે છે. અરે, અમુક તો તમારા એ કામને લીધે તમને સખત નફરત કરે છે. એવું કામ તમે કેટલા સમય સુધી ચાલુ રાખશો? બહુ જલદી તમે નિરાશ થઈ જશો અને કદાચ એ કામ બંધ કરવાનું વિચારશો, ખરુંને! હવે આપણા પ્રચારકાર્યનો વિચાર કરો. આપણામાંના ઘણા એ કામમાં વર્ષોવર્ષ લાગુ રહ્યા છે. એ કામ માટે આપણે પોતાનાં સમય-શક્તિ અને પૈસા ખર્ચીએ છીએ. અરે, લોકો તરફથી મજાક અને વિરોધ સહીએ છીએ. એ સાબિત કરે છે કે ઈશ્વરની શક્તિ આપણને મદદ કરે છે.
ઈશ્વર સાથે કામ કરવાથી આપણો પ્રેમ દેખાઈ આવે છે
૧૫. પ્રચારકાર્ય કઈ રીતે મનુષ્યો માટે યહોવાના હેતુ સાથે જોડાયેલું છે?
૧૫ પ્રચારકાર્ય કઈ રીતે મનુષ્યો માટેના યહોવાના હેતુથી જોડાયેલું છે? ઈશ્વરનો હેતુ હતો કે મનુષ્યો હંમેશાં જીવે અને એ હેતુ આદમના પાપ કર્યા પછી પણ બદલાયો નથી. (યશા. ૫૫:૧૧) મનુષ્યોને પાપ અને મોતની ગુલામીમાંથી છોડાવવા ઈશ્વરે એક ગોઠવણ કરી. એ કઈ ગોઠવણ હતી? ઈસુ ધરતી પર આવ્યા અને પોતાના જીવનનું બલિદાન આપ્યું. પરંતુ, એ બલિદાનનો લાભ મેળવવા, મનુષ્યો ઈશ્વરની આજ્ઞા પાળે એ જરૂરી છે. તેથી, ઈસુએ લોકોને શીખવ્યું કે ઈશ્વર તેઓ પાસેથી શું ચાહે છે. તેમ જ, તેમણે પોતાના અનુયાયીઓને આજ્ઞા આપી કે એ જ પ્રમાણે લોકોને શીખવે. એટલે, આપણે પ્રચાર કરીએ છીએ અને લોકોને યહોવાના મિત્ર બનવા મદદ કરીએ છીએ. આમ, યહોવાએ મનુષ્યોને પાપ અને મરણની ગુલામીમાંથી છોડાવવા જે પ્રેમાળ ગોઠવણ કરી છે, એમાં યહોવા સાથે સીધેસીધે રીતે કામ કરીએ છીએ.
૧૬. પ્રચારકાર્ય કઈ રીતે ઈશ્વરની સૌથી મોટી આજ્ઞાઓ સાથે જોડાયેલું છે?
૧૬ આપણે બીજાઓને અનંતજીવનનો માર્ગ શોધવામાં મદદ કરીએ છીએ ત્યારે, તેઓ પરનો અને યહોવા પરનો પ્રેમ બતાવીએ છીએ. યહોવાની ઇચ્છા છે કે ‘સઘળાં માણસો તારણ પામે અને તેઓને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય.’ (૧ તીમો. ૨:૪) એક ફરોશીએ ઈસુને પૂછ્યું કે ઈશ્વરની સૌથી મોટી આજ્ઞા કઈ છે, ત્યારે ઈસુએ કહ્યું: “તારા ઈશ્વર [યહોવા] પર તું તારા પૂરા હૃદયથી, ને તારા પૂરા જીવથી, ને તારા પૂરા મનથી પ્રીતિ કર. પહેલી ને મોટી આજ્ઞા એ છે. અને બીજી આજ્ઞા એના જેવી જ છે, એટલે જેવી પોતા પર તેવી પોતાના પડોશી પર તું પ્રીતિ કર.” (માથ. ૨૨:૩૭-૩૯) ખુશખબર ફેલાવીને આપણે એ આજ્ઞાઓ પાળીએ છીએ.—પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૪૨ વાંચો.
૧૭. ખુશખબર જણાવવાનું જે સન્માન યહોવાએ આપ્યું છે એ વિશે તમને કેવું લાગે છે?
૧૭ યહોવાના કેટલા બધા આશીર્વાદો આપણા પર છે! યહોવાએ આપણને આનંદ આપે એવું કામ સોંપ્યું છે. એ કામ આપણને તેમની અને આપણાં ભાઈ-બહેનોની નજીક લાવે છે. એ કામને લીધે, યહોવા સાથેના આપણા સંબંધનું રક્ષણ થાય છે. પ્રચારકાર્ય આપણને ઈશ્વર અને લોકો પરનો પ્રેમ બતાવવાની તક પણ આપે છે. દુનિયા ફરતે યહોવાના લાખો ભક્તો છે અને તેઓમાંના દરેકના સંજોગો સાવ જુદા જુદા છે. ભલે, આપણે યુવાન હોઈએ કે વૃદ્ધ, અમીર હોઈએ કે ગરીબ, તાકતવર હોઈએ કે નબળા, આપણે બધા જ પોતાની શ્રદ્ધા બીજાઓને જણાવવા બનતું બધું જ કરીએ છીએ. આપણને કદાચ બહેન ચેનટૅલ જેવું લાગી શકે. તેમણે કહ્યું: ‘આખા વિશ્વની સૌથી શક્તિશાળી વ્યક્તિ, વિશ્વના સર્જનહાર, આનંદી ઈશ્વર જાણે મને કહે છે: “જા, જઈને જણાવ! મારા વિશે જણાવ, દિલથી જણાવ! હું તને મારી શક્તિ, બાઇબલ, સ્વર્ગદૂતોની મદદ, પૃથ્વી પરના ભક્તોનો સાથ, જરૂરી તાલીમ અને માર્ગદર્શન યોગ્ય સમયે પૂરાં પાડું છું.” યહોવા આપણને જે કહે એ પ્રમાણે કરવું તેમજ તેમની સાથે કામ કરવું એક અજોડ લહાવો છે!’