આપણો ઇતિહાસ
‘હવે, બીજું સંમેલન ક્યારે આવશે?’
શહેર મેક્સિકો, વર્ષ ૧૯૩૨. નવેમ્બરના છેલ્લા દિવસો ચાલી રહ્યા છે. એ શોરબકોરવાળા શહેરમાં ૧૦ લાખથી વધારે લોકો રહે છે. એક અઠવાડિયા પહેલાં જ, ત્યાં પ્રથમ ટ્રાફિક લાઇટ લગાડવામાં આવી હતી. પણ હવે એ સમાચાર જૂના થઈ ગયા હતા. રેલવે સ્ટેશન પર ઘણા રિપોર્ટર કેમેરા સાથે એક ખાસ મહેમાનની રાહ જોઈ રહ્યા છે. તે કોણ છે? વૉચ ટાવર સોસાયટીના પ્રમુખ જોસેફ રધરફર્ડ. સ્થાનિક યહોવાના સાક્ષીઓ પણ ભાઈ રધરફર્ડના આવકાર માટે ઊભા છે. ત્રણ દિવસના સંમેલન માટે તે આવી રહ્યા છે.
ધ ગોલ્ડન એજ મૅગેઝિનમાં જણાવ્યું હતું: ‘એમાં કોઈ શંકા નથી કે, મેક્સિકો પ્રજાસત્તાકના ઇતિહાસમાં આ સંમેલન યાદગાર બનવાનું છે. કારણ કે, ત્યાં સત્ય ફેલાવવા એ મહત્ત્વનો ભાગ ભજવશે.’ પણ આ સંમેલન તો ખૂબ નાનું હતું, ફક્ત ૧૫૦ લોકો આવ્યા હતા. તો શા માટે આટલું મહત્ત્વનું હતું?
આ સંમેલન પહેલાં મેક્સિકોમાં બહુ પ્રગતિ જોવા મળી ન હતી. ૧૯૧૯થી નાના સંમેલન થતા હતા, છતાં એ પછીના વર્ષોમાં મંડળોની સંખ્યા ઓછી થતી ગઈ. ૧૯૨૯માં મેક્સિકો શહેરમાં શાખા કચેરી શરૂ થઈ ત્યારે લાગ્યું કે વધારો થશે, પણ અમુક નડતરો હતા. સંગઠને પાયોનિયરોને (અગાઉ કોલ્પોર્ચર કહેવાતા) પ્રચાર કરતી વખતે વેપાર-ધંધો ન કરવાનું સૂચન આપ્યું હતું. એક પાયોનિયર એટલા ગુસ્સે થઈ ગયા કે તેમણે સત્ય છોડી દીધું અને પોતાનો પંથ શરૂ કર્યો. ઉપરાંત, એ સમયના શાખા નિરીક્ષકને તેમના ખરાબ વર્તનને લીધે બદલવામાં આવ્યા હતા. મેક્સિકોના વફાદાર સાક્ષીઓને ઉત્તેજનની જરૂર હતી.
ભાઈ રધરફર્ડે સંમેલનમાં બે જોરદાર ભાષણ આપ્યાં અને તેમના પાંચ પ્રવચનોનું રેડિયો પર પ્રસારણ કરવામાં આવ્યું. એનાથી ભાઈ-બહેનોને ઘણું પ્રોત્સાહન મળ્યું. પહેલી વાર, રેડિયોના માધ્યમથી આખા મેક્સિકોમાં ખુશખબર ફેલાવવામાં આવી હતી. સંમેલન પછી, વ્યવસ્થાપૂર્વક કામ થાય માટે નવા શાખા નિરીક્ષકની નિમણૂક કરવામાં આવી. હવે સાક્ષીઓમાં નવું જોમ આવ્યું અને યહોવાની કૃપાથી તેઓ પ્રચારકામમાં આગળ વધ્યા.
૧૯૩૩માં બે સંમેલન યોજવામાં આવ્યાં, એક વેરાક્રૂઝમાં અને બીજું મેક્સિકો શહેરમાં. પ્રચારમાં ભાઈઓએ ખૂબ મહેનત કરી અને સારાં પરિણામો મેળવ્યા. દાખલા તરીકે, ૧૯૩૧માં ૮૨ પ્રકાશકો હતા. પણ ૧૯૪૧ સુધીમાં એમાં દસ ગણો વધારો થયો! ૧૯૪૧માં મેક્સિકો શહેરમાં થયેલા સંમેલનમાં લગભગ ૧૦૦૦ લોકો આવ્યા હતા.
‘રસ્તાઓ પર કબજો’
૧૯૪૩માં મેક્સિકોના બાર શહેરોમાં સંમેલન થવાનું હતું. જેનો વિષય હતો, “ફ્રી નેશન્સ.”a સાક્ષીઓ એની જાહેરાત કરવા લાગ્યા. તેઓએ પોસ્ટર બનાવ્યાં અને બે પોસ્ટરને જોડીને ગળામાં લટકાવી દીધાં. એક પોસ્ટર આગળ છાતીએ દેખાતું અને બીજું પાછળ પીઠ પર. એ સેન્ડવીચ પોસ્ટર કહેવાતું. સાક્ષીઓએ સંમેલનની જાહેરાત કરવા ૧૯૩૬થી આવા પોસ્ટર વાપરવાનું શરૂ કર્યું હતું.
સેન્ડવીચ પોસ્ટરને લીધે મૅક્સિકો શહેરમાં ઘણી સફળતા મળી. સંમેલનમાં આવેલા સાક્ષીઓ વિશે લા નાસિઓન નામના મૅગેઝિને આમ લખ્યું: ‘પહેલા દિવસે તેઓને વધુ લોકોને આમંત્રણ આપવા કહેવામાં આવ્યું. બીજા દિવસે, એટલા લોકો આવ્યા કે જગ્યા ખૂટી ગઈ.’ એ સફળતા જોઈને કેથલિક ચર્ચના લોકોને ઈર્ષા થઈ અને તેઓ સાક્ષીઓનો વિરોધ કરવા લાગ્યા. પણ ભાઈ-બહેનો ડર્યા વગર સંમેલનની જાહેરાત કરતા રહ્યા. લા નાસિઓને બીજા એક લેખમાં લખ્યું: ‘આખાં શહેરે તેઓને જોયા.’ એમાં જણાવ્યું હતું કે ભાઈ-બહેનો જાણે ‘જાહેરાતના પોસ્ટરો બની ગયા હતા.’ એ લેખમાં મૅક્સિકો શહેરના રસ્તા પર આપણા ભાઈઓનો ફોટો હતો. ફોટા નીચે લખેલું હતું: ‘રસ્તાઓ પર કબજો.’
‘સિમેન્ટની જમીન કરતાં નરમ અને હૂંફાળી’
એ સમયે, મૅક્સિકોમાં ઓછાં સંમેલનો થતાં. એમાં હાજર રહેવા મોટાભાગના સાક્ષીઓએ અનેક ભોગ આપવા પડતા. ઘણાં ભાઈ-બહેનો છૂટાં છવાયાં ગામડાઓમાંથી આવતા, જ્યાંથી રસ્તાઓ કે રેલવે-લાઇન ખૂબ દૂર હતી. એક મંડળે લખ્યું: ‘આ જગ્યાએથી સૌથી નજીક એક જ લાઇન પસાર થાય છે, ટેલિગ્રાફ લાઇન.’ રેલવે સ્ટેશન સુધી પહોંચવા માટે પણ ભાઈ-બહેનોએ ખચ્ચર પર બેસીને કે ઘણા દિવસો સુધી ચાલીને મુસાફરી કરવી પડતી, જેથી સંમેલનના શહેરની ટ્રેન પકડી શકે.
મોટાભાગનાં ભાઈ-બહેનો ગરીબ હતાં અને સંમેલન સુધી પહોંચવાનો ખર્ચો માંડ માંડ ઉઠાવી શકતા. સંમેલનના સ્થળે, ત્યાંનાં ભાઈ-બહેનો તેઓનો પ્રેમથી આવકાર કરતાં અને પોતાના ઘરે રાખતાં. અમુક ભાઈ-બહેનો રાજ્યગૃહમાં સૂઈ જતાં. એક વાર, લગભગ ૯૦ ભાઈઓ શાખા કચેરીમાં રોકાયા અને ત્યાં પુસ્તકોનાં ખોખાં પર સૂઈ ગયા. યરબુક જણાવે છે કે ભાઈઓ ખુશ હતા કે ખોખાંથી બનેલી પથારી ‘સિમેન્ટની જમીન કરતાં નરમ અને હૂંફાળી’ હતી.
સંમેલનમાં ભાઈ-બહેનોને મળીને બધા એટલા ખુશ હતા કે ત્યાં આવવા માટે આપેલાં બધા ભોગ ભૂલી ગયા. આજે, મેક્સિકોમાં રહેતા લગભગ ૧૦ લાખ સાક્ષીઓ છે, તેઓ પણ એવી જ કદર બતાવે છે.b ૧૯૪૯ યરબુક જણાવે છે કે ભાઈઓએ અનેક બલિદાનો આપ્યાં હતાં, પણ ભક્તિ માટેનો તેઓનો જોશ જરાય ઓછો ન થયો. દરેક સંમેલન ‘લાંબા સમય સુધી તેમની વાતચીતનો મુખ્ય વિષય બનતું.’ ભાઈ-બહેનો વારંવાર આ સવાલ પૂછતા, ‘હવે, બીજું સંમેલન ક્યારે આવશે?’
a ૧૯૪૪ યરબુક પ્રમાણે આ સંમેલનના કારણે યહોવાના સાક્ષીઓ મૅક્સિકોમાં જાણીતા બન્યા હતા.
b ૨૦૧૬માં મેક્સિકોમાં ૨૨,૬૨,૬૪૬ લોકોએ સ્મરણ પ્રસંગમાં હાજરી આપી હતી.