આપણને કાયમ જીવવા માટે બનાવ્યા છે
કાયમ સુખેથી જીવવાનું કોને ન ગમે? જરા કલ્પના કરો: ન કોઈ બીમારી, ન ઘડપણ, ન મરણ. કાયમ માટે જીવવાની કેટલી મજા આવે! હંમેશાં તંદુરસ્ત રહીએ, સગાં-વહાલાં સાથે મજા માણીએ, દુનિયાના ચારે ખૂણામાં છૂટથી હરી-ફરી શકીએ; નવી નવી આવડતો કેળવી શકીએ, જ્ઞાનનો ભંડાર વધારી શકીએ, અને મનગમતી બાબતો પાછળ ચાહે એટલો સમય વિતાવી શકીએ.
શું એવું વિચારવું રેતીમાં મહેલ બાંધવા જેવું છે? જરાય નહિ! બાઇબલ જણાવે છે કે ઈશ્વરે આપણામાં કાયમ જીવવાની ઇચ્છા મૂકી છે. (સભાશિક્ષક ૩:૧૧) એમાં એ પણ જણાવ્યું છે કે “ઈશ્વર પ્રેમ છે.” (૧ યોહાન ૪:૮) હવે જરા વિચાર કરો: પ્રેમાળ ઈશ્વરે પોતે આપણામાં કાયમ જીવવાની ઇચ્છા મૂકી છે. જો તેમણે આપણને કાયમ જીવવા બનાવ્યા ન હોત તો, એવી ઇચ્છા પણ મૂકી ન હોત.
આપણામાંથી એવું કોઈ નથી જેને મરણ ગમે. બાઇબલ જણાવે છે કે મરણ આપણો “દુશ્મન” છે. (૧ કોરીંથીઓ ૧૫:૨૬) વહેલા કે મોડા, મરણના પંજામાંથી કોઈ છટકી શક્યું નથી. ઘણા તો એના વિચાર માત્રથી થથરી ઊઠે છે. શું કદી એવો દિવસ આવશે, જ્યારે મરણનું નામનિશાન નહિ હોય? શું એ શક્ય છે?
આશાનું એક કિરણ
ઈશ્વર ચાહતા ન હતા કે માણસ ક્યારેય મરે. એ જાણીને કદાચ તમને નવાઈ લાગશે! બાઇબલમાં ઉત્પત્તિનું પુસ્તક સાબિતી આપે છે કે ઈશ્વરે મનુષ્યોને પૃથ્વી પર કાયમ જીવવા બનાવ્યા હતા. યહોવા ઈશ્વરે પૃથ્વી એ રીતે તૈયાર કરી હતી કે મનુષ્ય એમાં સુખ-ચેનથી જીવે. પછી ઈશ્વરે પ્રથમ પુરુષ, આદમને બનાવ્યો. તેને મન મોહી લે એવા એદન બાગમાં રાખ્યો. પછી ‘ઈશ્વરે જે સર્વ ઉત્પન્ન કર્યું એ જોયું; અને જુઓ, એ સૌથી ઉત્તમ હતું.’—ઉત્પત્તિ ૧:૨૬, ૩૧.
ઈશ્વરે આદમને એવી રીતે બનાવ્યો હતો કે તે બીમાર ન થાય, ઘરડો ન થાય, અરે, મરે પણ નહિ. (પુનર્નિયમ ૩૨:૪) આદમની પત્ની હવાને પણ એવી જ રીતે બનાવી હતી. ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો: “સફળ થાઓ, ને વધો, ને પૃથ્વીને ભરપૂર કરો, ને તેને વશ કરો; અને સમુદ્રનાં માછલાં પર, તથા આકાશનાં પક્ષીઓ પર, તથા પૃથ્વી પર ચાલનારાં સઘળાં પ્રાણીઓ પર અમલ ચલાવો.”—ઉત્પત્તિ ૧:૨૮.
એમ કરવા માટે આદમ-હવાને વર્ષો લાગી જવાના હતા. જરા વિચાર કરો, તેઓનાં બાળકો થાય, બાળકોનાં બાળકો થાય. ઈશ્વરના મકસદ પ્રમાણે આખી પૃથ્વી ભરાઈ જાય અને બધાં સુખચેનથી રહે. (યશાયા ૪૫:૧૮) હવે જરા વિચારો, આદમ અને હવા પોતાનાં બાળકો અને પૌત્ર-પૌત્રીઓ જોઈને ગુજરી જાય છે. શું એ વાજબી કહેવાય? એનાથી તો ઈશ્વરનો મકસદ અધૂરો રહી જાય!
આનો પણ વિચાર કરો: ઈશ્વરે તેઓને માછલાં, પક્ષીઓ અને સર્વ પ્રાણીઓને કાબૂમાં રાખવાનું કામ સોંપ્યું હતું. દરેક પ્રાણીઓને નામ આપવાનાં હતાં. એ બધા માટે ઘણો સમય લાગે. (ઉત્પત્તિ ૨:૧૯) કાબૂમાં રાખવાનો અર્થ થાય, કે પ્રાણીઓ વિશે તેઓ શીખે જેથી સારી રીતે એની સાર-સંભાળ રાખી શકાય. એ બધું કરવા તો વર્ષોના વર્ષો જોઈએ.
ઈશ્વરે તેઓને આજ્ઞા આપી હતી કે પૃથ્વીને સુંદર બનાવે અને સર્વ પ્રાણીઓને કાબૂમાં રાખે. એ દર્શાવે છે કે તેઓને લાંબો સમય જીવવા માટે બનાવ્યાં હતાં. અને આદમ લાંબું જીવ્યો પણ હતો.
ઈશ્વરનો મકસદ છે કે મનુષ્ય કાયમ માટે સુંદર ધરતી પર રહે
તેઓ લાંબું જીવ્યા
બાઇબલ જણાવે છે કે, એક સમયે મનુષ્યો લાંબું જીવતા. એની સરખામણીમાં આપણું જીવન કાંઈ જ નથી. એમાં લખ્યું છે: ‘આદમના સર્વ દહાડા ૯૩૦ વર્ષ હતાં.’ એ પછી બીજા છ પુરુષો છે, જેઓ નવસોથી વધારે વર્ષ જીવ્યા હતા! શેથ, અનોશ, કેનાન, યારેદ, મથૂશેલાહ અને નુહ. તેઓ બધા નુહના સમયના જળપ્રલય પહેલાં થઈ ગયા હતા. નુહ છસો વર્ષના થયા ત્યારે જળપ્રલય આવ્યો હતો. (ઉત્પત્તિ ૫:૫-૨૭; ૭:૬; ૯:૨૯) તેઓ કઈ રીતે એટલું લાંબું જીવ્યા?
એક સમયે આદમ અને હવા પવિત્ર હતા. તેઓમાં કોઈ જાતનું પાપ ન હતું. એ પછી થોડા જ સમયમાં એ છ પુરુષોનો જન્મ થયો હતો. બની શકે કે એ કારણથી તેઓ લાંબું જીવ્યા હતા. પણ લાંબા જીવન સાથે એને શું લેવા દેવા? મૃત્યુ પર કઈ રીતે જીત મેળવી શકાય? એનો જવાબ મેળવતાં પહેલાં, એ જાણવું જરૂરી છે કે આપણે કેમ ઘરડા થઈને મરીએ છીએ.