અભ્યાસ લેખ ૨
‘ઈસુના વહાલા શિષ્ય’ પાસેથી શીખીએ
“આપણે એકબીજાને પ્રેમ કરતા રહીએ, કેમ કે પ્રેમ ઈશ્વર પાસેથી છે.”—૧ યોહા. ૪:૭.
ગીત ૩ “ઈશ્વર પ્રેમ છે”
ઝલકa
૧. ઈશ્વરનો પ્રેમ મેળવીને આપણને કેવું લાગે છે?
પ્રેરિત યોહાને લખ્યું “ઈશ્વર પ્રેમ છે.” (૧ યોહા. ૪:૮) એ શબ્દોમાંથી આપણને એક મહત્ત્વનું સત્ય જાણવા મળે છે. જીવનનો ઝરો ઈશ્વર છે તેમ પ્રેમનો ઝરો પણ ઈશ્વર છે. યહોવા આપણને બધાને પ્રેમ કરે છે અને તેમના પ્રેમના લીધે આપણને સલામતી અને સાચી ખુશી મળે છે.
૨. (ક) માથ્થી ૨૨:૩૭-૪૦ પ્રમાણે સૌથી મોટી બે આજ્ઞાઓ કઈ છે? (ખ) બીજી આજ્ઞા પાળવી આપણા માટે કેમ અઘરું છે?
૨ ઈશ્વરભક્તોને પ્રેમ બતાવવાની આજ્ઞા આપવામાં આવી છે. (માથ્થી ૨૨:૩૭-૪૦ વાંચો.) આપણે પ્રેમ બતાવીશું કે નહિ એ આપણા પર નથી. જ્યારે આપણે યહોવાને ઓળખવા લાગીએ છીએ ત્યારે પહેલી આજ્ઞા પાળવી સહેલી છે. એટલે કે યહોવાને પ્રેમ કરવો. કેમ કે યહોવા ક્યારેય ભૂલ કરતા નથી. તેમને આપણી ચિંતા છે અને તે આપણી સાથે પ્રેમથી વર્તે છે. પણ બીજી આજ્ઞા પાળવી અઘરી છે. કારણ કે આપણાં ભાઈ-બહેનો ભૂલો કરે છે. અમુક વાર તેઓ એવું કંઈક કરી બેસે કે જેનાથી આપણને દુઃખ થાય. યહોવા જાણે છે કે બીજી આજ્ઞા પાળવી આપણા માટે સહેલું નહિ હોય. એટલે તેમણે આપણને જણાવ્યું કે શા માટે એકબીજાને પ્રેમ કરવો જોઈએ અને એ કઈ રીતે કરી શકીએ. તેમણે એ માહિતી બાઇબલના અમુક લેખકો પાસે લખાવી લીધી. એમાંના એક લેખક યોહાન હતા.—૧ યોહા. ૩:૧૧, ૧૨.
૩. યોહાને પોતાના પુસ્તકમાં કંઈ ખાસ વાત પર ભાર મૂક્યો?
૩ યોહાને ઘણી વાર પોતાના પુસ્તકમાં લખ્યું છે કે ખ્રિસ્તીઓએ પ્રેમ કરવો જોઈએ. તેમણે પોતાના નામના પુસ્તકમાં ઘણી વાર પ્રેમ શબ્દનો ઉપયોગ કર્યો છે. ખુશખબર પુસ્તકના બાકીના લેખકોએ આ શબ્દનો ઉપયોગ કર્યો નથી. સોએક વર્ષની ઉંમરે યોહાને ખુશખબરનું પુસ્તક અને બીજા ત્રણ પત્રો લખ્યા. એ પુસ્તકમાં જણાવ્યું હતું કે ખ્રિસ્તીઓ જે કંઈ કરે એ પ્રેમને લીધે હોય. (૧ યોહા. ૪:૧૦, ૧૧) જોકે, ખુદ યોહાનને એ વાત સમજવામાં થોડોક સમય લાગ્યો હતો.
૪. શું યોહાન હંમેશાં પ્રેમથી વર્તતા હતા? દાખલો આપીને સમજાવો.
૪ યુવાન હતા ત્યારે યોહાન દર વખતે પ્રેમથી નહોતા વર્તતા. એક વાર તે ઈસુ સાથે યરૂશાલેમ જવા સમરૂનમાંથી પસાર થઈ રહ્યા હતા. તેઓ એ ગામમાં રોકાવા માંગતા હતા પણ ત્યાંના લોકોએ તેઓને રહેવા ન દીધા. એટલે યોહાને શું કર્યું? તેમણે ઈસુ પાસે મંજૂરી માંગી કે આકાશમાંથી આગ વરસાવીને તેઓનો નાશ કરી દે. (લુક ૯:૫૨-૫૬) બીજી એક વાર પણ તે પ્રેમથી વર્ત્યા ન હતા. તેમણે અને તેમના ભાઈએ પોતાની માતાને ઈસુ પાસે મોકલ્યા અને કહેવડાવ્યું કે તેઓ બંનેને તેમના રાજ્યમાં ઊંચી પદવી આપે. જ્યારે બીજા પ્રેરિતોને એ વાતની ખબર પડી ત્યારે તેઓ ખૂબ ગુસ્સે થયા. (માથ. ૨૦:૨૦, ૨૧, ૨૪) યોહાને એવી ભૂલો કરી હતી તેમ છતાં ઈસુ તેમને પ્રેમ કરતા હતા.—યોહા. ૨૧:૭.
૫. આ લેખમાં શાની ચર્ચા કરીશું?
૫ આ લેખમાં આપણે યોહાનના દાખલા પર વિચાર કરીશું. તેમણે પ્રેમ વિશે જે લખ્યું છે એની ચર્ચા કરીશું. એ પણ જોઈશું કે ભાઈ-બહેનો સાથે કઈ રીતે પ્રેમથી વર્તી શકીએ. બીજી એક વાત પણ શીખીશું કે કુટુંબના શિર કઈ ખાસ રીતે કુટુંબ માટે પ્રેમ બતાવી શકે?
ફક્ત શબ્દોમાં નહિ કાર્યોમાં પ્રેમ બતાવો
૬. શા પરથી કહી શકાય કે યહોવા ખરેખર આપણને પ્રેમ કરે છે?
૬ આપણને લાગી શકે કે લોકોને પ્રેમ કરવાનો અર્થ એ છે કે તેઓ માટે સારું વિચારીએ કે સારું બોલીએ. પણ જો ખરેખર આપણે કોઈને પ્રેમ કરતા હોઈએ તો એ કાર્યમાં દેખાવું જોઈએ. (યાકૂબ ૨:૧૭, ૨૬ સરખાવો.) દાખલા તરીકે, યહોવા આપણને ખૂબ પ્રેમ કરે છે. (૧ યોહા. ૪:૧૯) એ વાત તેમણે બાઇબલમાં દિલને સ્પર્શી જાય એવા શબ્દોમાં લખાવી છે. (ગીત. ૨૫:૧૦; રોમ. ૮:૩૮, ૩૯) એટલું જ નહિ, તેમણે કાર્યોમાં પણ બતાવ્યું કે તે આપણને પ્રેમ કરે છે. યોહાને લખ્યું: “આપણા કિસ્સામાં ઈશ્વરનો પ્રેમ આ રીતે બતાવવામાં આવ્યો છે: ઈશ્વરે પોતાના એકના એક દીકરાને દુનિયામાં મોકલ્યા, જેથી આપણે તેમના દ્વારા જીવન મેળવીએ.” (૧ યોહા. ૪:૯) યહોવાએ પોતાના વહાલા દીકરાને દુઃખ સહન કરવા અને આપણા માટે બલિદાન આપવા મોકલ્યા. (યોહા. ૩:૧૬) એટલે આપણને ખાતરી છે કે યહોવા ખરેખર આપણને પ્રેમ કરે છે.
૭. શા પરથી કહી શકાય કે ઈસુ આપણને ખૂબ પ્રેમ કરે છે?
૭ ઈસુ પણ આપણને ખૂબ પ્રેમ કરે છે. (યોહા. ૧૩:૧; ૧૫:૧૫) તેમણે પોતાના શિષ્યોને કહ્યું હતું, “મિત્રો માટે પોતાનો જીવ આપી દેવા કરતાં મોટો પ્રેમ કોઈ નથી.” (યોહા. ૧૫:૧૩) તેમણે એવું કરી પણ બતાવ્યું અને આપણા બધા માટે પોતાનો જીવ આપી દીધો. યહોવા અને ઈસુ આપણને ખૂબ પ્રેમ કરે છે. પણ આપણે કેવી રીતે બતાવી શકીએ કે આપણે તેઓને પ્રેમ કરીએ છીએ?
૮. પહેલો યોહાન ૩:૧૮ પ્રમાણે આપણે શું કરવું જોઈએ?
૮ યહોવા અને ઈસુની વાત માનીને બતાવીએ છીએ કે આપણે તેઓને પ્રેમ કરીએ છીએ. (યોહા. ૧૪:૧૫; ૧ યોહા. ૫:૩) ઈસુએ ખાસ આજ્ઞા આપી છે કે આપણે એકબીજાને પ્રેમ કરવો જોઈએ. (યોહા. ૧૩:૩૪, ૩૫) આપણે ભાઈ-બહેનોને પ્રેમ કરીએ છીએ એ ફક્ત શબ્દોથી જ કહેવું પૂરતું નથી. એ આપણા કાર્યોમાં પણ દેખાઈ આવવું જોઈએ. (૧ યોહાન ૩:૧૮ વાંચો.) આપણે ભાઈ-બહેનોને પ્રેમ કરીએ છીએ એ કઈ રીતે બતાવી શકીએ?
ભાઈ-બહેનોને પ્રેમ કરીએ
૯. લોકો માટે પ્રેમ હોવાથી યોહાને શું કર્યુ?
૯ યોહાને ચાહ્યું હોત તો પોતાના પિતા સાથે રહીને માછલી પકડવાનો ધંધો ચાલુ રાખી શક્યા હોત અને ખૂબ પૈસા કમાયા હોત. પણ તેમણે એવું કર્યું નહિ. તેમણે તો બાકીનું જીવન લોકોને યહોવા અને ઈસુ વિશે શીખવવામાં લગાવી દીધું. યોહાનનું જીવન સહેલું ન હતું, તેમણે ઘણી કસોટી સહેવી પડી. પહેલી સદીના અંત સુધીમાં તે ઘણા વૃદ્ધ થઈ ગયા હતા. એ સમયે તેમને પાત્મસ ટાપુ પર કેદ કરવામાં આવ્યા. (પ્રે.કા. ૩:૧; ૪:૧-૩; ૫:૧૮; પ્રકટી. ૧:૯) કેદમાં હતા ત્યારે પણ તે બીજાઓનો વિચાર કરતા હતા. તેમણે જે દર્શન જોયું એ વિશે પ્રકટીકરણના પુસ્તકમાં લખ્યું. પછી તેમણે એ પુસ્તક મંડળોને પહોંચાડ્યું, જેથી “થોડા સમયમાં જે થવાનું છે” એ વિશે તેઓને ખબર પડે. (પ્રકટી. ૧:૧) કદાચ પાત્મસ ટાપુ પરથી છૂટ્યા પછી યોહાને ખુશખબરનું પુસ્તક લખ્યું હશે. એ પુસ્તકમાં તેમણે ઈસુના જીવન અને સેવાકાર્ય વિશે લખ્યું હતું. ઉપરાંત, ભાઈ-બહેનોની હિંમત બંધાવવા તેમણે ત્રણ પત્રો પણ લખ્યા. યોહાન હંમેશાં બીજાઓનો વિચાર કરતા હતા. આપણે તેમના પગલે કઈ રીતે ચાલી શકીએ?
૧૦. આપણે લોકોને પ્રેમ કરીએ છીએ એ કઈ રીતે ખબર પડે?
૧૦ આપણે જીવનમાં જે કરીએ છીએ એનાથી ખબર પડે છે કે આપણને લોકો માટે પ્રેમ છે કે નહિ. શેતાનની દુનિયા ચાહે છે કે આપણે પોતાનાં માટે સમય-શક્તિ ખર્ચીએ. પોતાના માટે નામ-દામ કમાઈએ. પણ દુનિયામાં એવા ઘણા ઈશ્વરભક્તો છે, જેઓ પોતાનો મોટાભાગનો સમય પ્રચારમાં કાઢે છે અને બીજાઓને યહોવા વિશે શીખવે છે. અરે, અમુક ભાઈ-બહેનો તો પૂરા સમયની સેવા કરે છે.
૧૧. ઘણા ઈશ્વરભક્તો કઈ રીતે બતાવે છે કે તેઓને યહોવા અને ભાઈ-બહેનો માટે પ્રેમ છે?
૧૧ ઘણા ઈશ્વરભક્તોએ પોતાના કુટુંબનું ગુજરાન ચલાવવા નોકરી કરવી પડે છે. તેમ છતાં તેઓ સંગઠનને સાથ આપવા પૂરો પ્રયત્ન કરે છે. તેઓ રાહતકામમાં અને બાંધકામ વિભાગમાં મદદ કરે છે. તેઓ દુનિયા ફરતે ચાલી રહેલા આપણાં કામમાં દાન આપે છે. તેઓને યહોવા અને ભાઈ-બહેનો પર પ્રેમ હોવાથી એ બધું કરે છે. દર અઠવાડિયે આપણે બધા સભાઓમાં હાજર રહીએ છીએ. અમુક ભાઈ-બહેનો થાકેલાં હોવા છતાં સભામાં જાય છે. કેટલાકને ડર લાગતો હોવા છતાં સભામાં જવાબ આપે છે. અમુક ભાઈ-બહેનો તકલીફો હોવા છતાં બીજાઓને સભા પહેલા અને પછી ઉત્તેજન આપે છે. (હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫) આપણે એવાં મહેનતું ભાઈ-બહેનોની દિલથી કદર કરીએ છીએ.
૧૨. યોહાને બીજી કઈ રીતે ભાઈ-બહેનો માટે પ્રેમ બતાવ્યો?
૧૨ યોહાને બીજી એક રીતે પણ બતાવ્યું કે તેમને ભાઈ-બહેનો માટે પ્રેમ છે. યોહાને તેઓના સારાં કામના વખાણ કર્યા પણ જરૂર પડી ત્યારે સલાહ પણ આપી. જેમ કે, તેમણે પત્રમાં ભાઈ-બહેનોનાં સારાં કામ અને શ્રદ્ધા માટે વખાણ કર્યા, પણ પાપથી દૂર રહેવા સલાહ પણ આપી. (૧ યોહા. ૧:૮–૨:૧, ૧૩, ૧૪) આપણે પણ યોહાનની જેમ ભાઈ-બહેનોનાં સારા કામ માટે વખાણ કરવા જોઈએ. પણ જો કોઈની ખરાબ આદત કે વર્તનને લીધે એવું લાગે કે તેનો યહોવા સાથેનો સંબંધ જોખમમાં છે, તો આપણે પ્રેમથી તેઓને જણાવવું જોઈએ. દોસ્તની ભૂલ બતાવવી સહેલું હોતું નથી, એ માટે હિંમત જોઈએ. બાઇબલ કહે છે, સાચો દોસ્ત પોતાના દોસ્તને તેજદાર બનાવે છે, એટલે કે તેમને સુધારે છે.—નીતિ. ૨૭:૧૭.
૧૩. જો ભાઈ-બહેનો માટે પ્રેમ હશે તો આપણે શું નહિ કરીએ?
૧૩ જો ભાઈ-બહેનો માટે પ્રેમ હશે તો આપણે અમુક બાબતો નહિ કરીએ. દાખલા તરીકે, આપણે તેઓની વાતનું ખોટું નહિ લગાડીએ. એ સમજવા ચાલો આપણે ઈસુના મરણના થોડા સમય પહેલા જે બન્યું હતું તેને યાદ કરીએ. તેમણે પોતાના શિષ્યોને કહ્યું હતું કે જીવન મેળવવા તેઓએ ઈસુના શરીરને ખાવું પડશે અને તેમનું લોહી પીવું પડશે. (યોહા. ૬:૫૩-૫૭) અમુક શિષ્યોને એ વાતથી આઘાત લાગ્યો અને તેઓ ઈસુને છોડીને જતા રહ્યા. પણ યોહાન જેવા સાચા દોસ્તોએ હંમેશાં તેમનો સાથ નિભાવ્યો. તેઓને સમજાયું નહિ કે ઈસુ શું કહી રહ્યા હતા. કદાચ તેઓને એ વાતથી નવાઈ લાગી હશે. પણ તેઓએ ખોટું લગાડ્યું નહિ. તેઓ જાણતા હતા કે ઈસુ જે કહે છે એ ખરું છે, તેઓને ઈસુ પર પૂરો ભરોસો હતો. (યોહા. ૬:૬૦, ૬૬-૬૯) આપણે પણ ભાઈ-બહેનોની વાતનું જલદી ખોટું ન લગાડવું જોઈએ. જો કોઈ ગેરસમજ થાય તો આપણે તેઓને પોતાની વાત સમજાવવા તક આપવી જોઈએ.—નીતિ. ૧૮:૧૩; સભા. ૭:૯.
૧૪. આપણે ભાઈ-બહેનોને કેમ નફરત ન કરવી જોઈએ?
૧૪ યોહાને કહ્યું કે આપણે ભાઈ-બહેનોને નફરત ન કરવી જોઈએ. જો આપણે એ સલાહ નહિ માનીએ તો શેતાન આપણી નબળાઈનો ફાયદો ઉઠાવશે. કદાચ તે આપણો ઉપયોગ કરીને મંડળમાં નફરત ફેલાવે અને મંડળની એકતા તોડી પાડે. (૧ યોહા. ૨:૧૧; ૩:૧૫) પહેલી સદીના અંત ભાગમાં પણ એવું જ કંઈક બન્યું. એ સમયના મંડળમાં એવા અમુક લોકો હતા જેઓના વિચાર શેતાન જેવા હતા. દાખલા તરીકે, યોહાને પોતાના પત્રમાં દિયત્રેફેસનો ઉલ્લેખ કર્યો જે મંડળમાં ભાગલા પાડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. (૩ યોહા. ૯, ૧૦) તે નિયામક જૂથ તરફથી મોકલેલા ભાઈઓને માન આપતો ન હતો. જેઓ એ ભાઈઓને મહેમાનગતી બતાવતા તેઓને રોકવાનો પ્રયત્ન કરતો. અરે, એ તો તેઓને મંડળમાંથી કાઢી નાખવા માંગતો હતો. એ કેટલું ખરાબ કહેવાય! આજે પણ શેતાન ઈશ્વરભક્તોની એકતા તોડવાનો એક પણ મોકો છોડતો નથી. આપણી અને ભાઈ-બહેનો વચ્ચેની એકતામાં ક્યારેય તિરાડ ન પડવા દઈએ.
પોતાના કુટુંબને પ્રેમ કરીએ
૧૫. કુટુંબના શિરે શું યાદ રાખવું જોઈએ?
૧૫ કુટુંબનું શિર પોતાના પરિવારનું ભરણપોષણ કરીને તેઓ માટે પ્રેમ બતાવે છે. (૧ તિમો. ૫:૮) એનાથી પણ વધારે મહત્ત્વનું છે કે તે કુટુંબને યહોવા સાથે સારો સંબંધ કેળવવા મદદ કરે. (માથ. ૫:૩) ઈસુએ કુટુંબના શિર માટે એક સારો દાખલો બેસાડ્યો છે. એ વિશે યોહાને લખેલી ખુશખબરમાં જણાવ્યું છે. ઈસુ મરવાની અણીએ હતા ત્યારે પણ પોતાના કુટુંબની ચિંતા કરી. એ વખતે તેમની માતા મરિયમ અને યોહાન ત્યાં જ હતા. ઈસુ પીડા સહી રહ્યા હતા ત્યારે પણ તેમણે પોતાની માતાનો વિચાર કર્યો. તેમણે યોહાનને પોતાની માતાની સંભાળ રાખવાની જવાબદારી સોંપી. (યોહા. ૧૯:૨૬, ૨૭) ઈસુનાં બીજાં ભાઈ-બહેનો મરિયમનું ભરણપોષણ કરી શકતાં હતાં. પણ તેઓ મરિયમને યહોવાની સેવા કરવા મદદ કરી શકતાં ન હતાં. કારણ કે, તેઓ હજી ઈસુના શિષ્યો બન્યા ન હતા. એટલે ઈસુએ ખાતરી કરી કે મરિયમની બંને જરૂરિયાતો પૂરી કરવામાં આવે.
૧૬. યોહાનના માથે કઈ જવાબદારીઓ હતી?
૧૬ યોહાનના માથે ઘણી જવાબદારી હતી. તે એક પ્રેરિત હતા એટલે પ્રચારકામમાં તેમણે આગેવાની લેવાની હતી. કદાચ તે પરણેલા હતા એટલે કુટુંબની પણ જવાબદારી હતી. કુટુંબનું ભરણપોષણ કરવાનું હતું. ઉપરાંત કુટુંબના સભ્યોનો યહોવા સાથે સારો સંબંધ કેળવાય એ માટે પણ મદદ કરવાની હતી. (૧ કોરીં. ૯:૫) આજે કુટુંબના શિર યોહાન પાસેથી શું શીખી શકે?
૧૭. કુટુંબનું શિર પરિવારને ભક્તિમાં લાગુ રહેવા કઈ રીતે મદદ કરે છે?
૧૭ કુટુંબના શિરને ઘણી જવાબદારી હોય છે. તેણે નોકરી કરવી પડે છે. તેણે એ ધ્યાન રાખવાનું છે કે તે નોકરી પર મન લગાવીને કામ કરે, જેથી યહોવાનું નામ બદનામ ના થાય. (એફે. ૬:૫, ૬; તિત. ૨:૯, ૧૦) કદાચ તેના માથે મંડળની પણ જવાબદારી હોય. જેમ કે, ભાઈ-બહેનોને ઉત્તેજન આપવા તેઓની મુલાકાત લે છે. તે પ્રચારકામમાં આગેવાની લે છે. કુટુંબના શિરના માથે બીજી પણ એક જવાબદારી હોય છે. તેમની પત્ની અને બાળકો યહોવાની સેવામાં લાગુ રહે માટે તેઓને મદદ કરે છે. એ માટે તે પત્ની અને બાળકો સાથે નિયમિત બાઇબલનો અભ્યાસ કરે છે. તે એ પણ ધ્યાન રાખે છે કે તેમની પત્ની અને બાળકોની તબિયત સારી રહે, તેઓ ખુશ રહે અને યહોવાની સેવામાં લાગુ રહે. એ બધા માટે તે ઘણી મહેનત કરે છે. એટલે તેમની પત્ની અને બાળકો તેમની દિલથી કદર કરે છે.—એફે. ૫:૨૮, ૨૯; ૬:૪.
‘તમે મારા પ્રેમમાં રહો’
૧૮. યોહાનને કઈ વાતની ખાતરી હતી?
૧૮ યોહાન ઘણું લાંબું જીવ્યા અને તેમના જીવનમાં ઘણી સારી બાબતો થઈ. જોકે, તેમની સામે એવી મુશ્કેલીઓ આવી જે તેમની શ્રદ્ધા નબળી પાડી શકતી હતી. પણ તેમણે ઈસુની દરેક આજ્ઞા પાળવાની કોશિશ કરી, ભાઈ-બહેનોને પ્રેમ બતાવવાની આજ્ઞા પણ. એના લીધે તેમને ખાતરી થઈ કે યહોવા અને ઈસુ તેમને ખૂબ પ્રેમ કરે છે. વધુમાં દરેક મુશ્કેલીઓ પાર કરવા તેઓ તેમને મદદ કરશે. યોહાન દરેક સંજોગોમાં પોતાનાં ભાઈ-બહેનોને પ્રેમ કરતા હતા. (યોહા. ૧૪:૧૫-૧૭; ૧૫:૧૦; ૧ યોહા. ૪:૧૬) એ તેમનાં વાણી-વર્તનમાં દેખાઈ આવ્યું. શેતાન અને તેની દુષ્ટ દુનિયા પણ તેમને સાચો પ્રેમ બતાવતા રોકી ના શકી.
૧૯. (ક) પહેલો યોહાન ૪:૭માંથી આપણને કયું ઉત્તેજન મળે છે? (ખ) એ સલાહ આપણે કેમ માનવી જોઈએ?
૧૯ યોહાનની જેમ આપણે પણ શેતાનની દુષ્ટ દુનિયામાં જીવીએ છીએ. શેતાન લોકોને નફરત કરે છે. (૧ યોહા. ૩:૧, ૧૦) તે ચાહે છે કે આપણે ભાઈ-બહેનોને નફરત કરીએ. પણ જો આપણે તેને મોકો ન આપીએ, તો તે કંઈ નહિ કરી શકે. આપણે ભાઈ-બહેનોને પ્રેમ બતાવવાનો પાકો નિર્ણય લઈએ. આપણાં વાણી-વર્તનથી બતાવી આપીએ કે આપણે તેઓને પ્રેમ કરીએ છીએ. જો એમ કરીશું તો આપણે યહોવાના કુટુંબનો ભાગ બની શકીશું અને આપણું જીવન સુખી થશે.—૧ યોહાન ૪:૭ વાંચો.
ગીત ૧૧ યહોવાને વળગી રહું
a એવું લાગે છે કે ‘જે શિષ્ય ઈસુને વહાલા હતા’ એ પ્રેરિત યોહાન હતા. (યોહા. ૨૧:૭) એનાથી આપણે જાણી શકીએ છીએ કે તેમનામાં ઘણા સારા ગુણો હતા. વર્ષો પછી યહોવાએ તેમને પ્રેમ વિશે લખવા પ્રેરણા આપી. આ લેખમાં આપણે તેમના અમુક લખાણો વિશે ચર્ચા કરીશું. એ પણ જોઈશું કે તેમના દાખલામાંથી આપણે શું શીખી શકીએ.
b ચિત્રની સમજ: કુટુંબનું શિર ઘણાં કામ કરે છે. તે રાહતકામમાં ટેકો આપે છે, દુનિયા ફરતે ચાલી રહેલા આપણા કામ માટે પ્રદાન આપે છે અને કુટુંબ તરીકેની ભક્તિમાં બીજાઓને જોડાવવાનું આમંત્રણ આપે છે.