અભ્યાસ લેખ ૩૧
શું તમે યહોવાની રાહ જોવા તૈયાર છો?
“હું ધીરજથી રાહ જોઈશ.”—મીખા. ૭:૭.
ગીત ૨૪ ધરતી આખી ખીલી ઊઠશે
ઝલકa
૧-૨. આ લેખમાં શાની ચર્ચા કરીશું?
ધારો કે તમે કોઈની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો, પણ હજુ સુધી તે આવ્યા નથી. એવામાં કદાચ તમે ઉદાસ થાઓ કે ચિંતા કરો. નીતિવચનો ૧૩:૧૨માં એવું જ લખ્યું છે: “આશા પૂરી થવામાં વાર લાગે તો માણસ નિરાશ થઈ જાય છે.” પણ જો તમને ખબર પડે કે કોઈ કારણને લીધે તેમને મોડું થઈ રહ્યું છે તો તમે ધીરજ ધરશો અને તેમની રાહ જોશો.
૨ આ લેખમાં અમુક સિદ્ધાંતોની ચર્ચા કરીશું, જે આપણને ધીરજથી “રાહ જોવા” મદદ કરશે. (મીખા. ૭:૭) પછી એવા બે સંજોગો પર ચર્ચા કરીશું, જેમાં યહોવા યોગ્ય સમયે પગલાં ભરે એની આપણે રાહ જોવાની છે. છેલ્લે આપણે જોઈશું કે ધીરજથી રાહ જોનારાઓને ભાવિમાં કેવા આશીર્વાદો મળશે.
બાઇબલ સિદ્ધાંતોમાંથી ધીરજ રાખવા મદદ મળે છે
૩. નીતિવચનો ૧૩:૧૧માં આપેલા સિદ્ધાંતમાંથી આપણે શું શીખી શકીએ?
૩ નીતિવચનો ૧૩:૧૧માંથી શીખી શકીએ કે આપણે કેમ ધીરજ રાખવી જોઈએ. એમાં લખ્યું છે: “રાતોરાત મેળવેલી દોલત ઘટી જશે, પણ ધીરે ધીરે ભેગી કરેલી દોલત વધતી ને વધતી જશે.” એ સિદ્ધાંતમાંથી શીખવા મળે છે કે કોઈ કામ કરવામાં ઉતાવળ ન કરીએ, પણ ધીરજ રાખીએ. કારણ કે ધીરજનાં ફળ મીઠાં હોય છે.
૪. નીતિવચનો ૪:૧૮માં આપેલા સિદ્ધાંતથી શું જાણવા મળે છે?
૪ નીતિવચનો ૪:૧૮માં લખ્યું છે: “નેક માણસનો માર્ગ સવારના પ્રકાશ જેવો છે, જે બપોર થતાં સુધી વધતો ને વધતો જાય છે.” એ કલમથી ખબર પડે છે કે યહોવાએ જે કરવાનું નક્કી કર્યું છે એ પોતાના લોકોને ધીરે ધીરે જણાવે છે. એ પણ જાણવા મળે છે કે એક ઈશ્વરભક્ત પોતાના જીવનમાં ધીરે ધીરે ફેરફાર કરે છે અને યહોવાની નજીક આવે છે. એ કંઈ રાતોરાત નથી થતું, પણ સમય લાગે છે. એક વ્યક્તિ બાઇબલ અભ્યાસ કરે, એ પ્રમાણે ચાલે અને સંગઠને આપેલા માર્ગદર્શનને પાળે ત્યારે, તે પોતાનામાં ઈસુ જેવા ગુણો કેળવી શકે છે. એટલું જ નહિ તે યહોવાને સારી રીતે ઓળખી શકે છે. ચાલો જોઈએ એ સમજવા ઈસુએ કયું ઉદાહરણ આપ્યું હતું.
૫. એક વ્યક્તિને ફેરફાર કરવામાં શા માટે સમય લાગે છે? સમજાવો.
૫ ઈસુએ કહ્યું હતું: “બીને ફણગો ફૂટે છે અને વધે છે. પણ એ કઈ રીતે થાય છે એ તે [બી રોપનાર] જાણતો નથી. જમીન ધીમે ધીમે ફળ આપે છે. પહેલા છોડની દાંડી ફૂટે, પછી કણસલું નીકળે અને આખરે કણસલું દાણાથી ભરાઈ જાય છે.” (માર્ક ૪:૨૭, ૨૮) બી એટલે ઈશ્વરના રાજ્યનો સંદેશો. ઈસુએ સમજાવ્યું કે જેમ છોડ ધીરે ધીરે વધે છે તેમ એક વ્યક્તિ પણ રાજ્યનો સંદેશો સાંભળીને પોતાનામાં ધીરે ધીરે ફેરફાર કરે છે. આપણા બાઇબલ વિદ્યાર્થી સાથે પણ એવું જ કંઈક છે. જેમ તે યહોવાની નજીક આવતો જાય તેમ આપણે તેનામાં ફેરફાર જોઈ શકીએ છીએ. (એફે. ૪:૨૨-૨૪) પણ આપણે યાદ રાખીએ કે બીને વૃદ્ધિ તો યહોવા જ આપે છે.—૧ કોરીં. ૩:૭.
૬-૭. યહોવાએ જે રીતે ધરતી બનાવી એમાંથી આપણે શું શીખી શકીએ?
૬ યહોવા ક્યારેય ઉતાવળે કામ કરતા નથી, પણ સમજી-વિચારીને અને સમય લઈને કરે છે. એનાથી તેમના નામનો મહિમા થાય છે અને બીજાઓને ફાયદો થાય છે. ધ્યાન આપો કે યહોવાએ સુંદર પૃથ્વી બનાવી ત્યારે બધું એકસાથે નહોતું કર્યું, પણ વારાફરતી કર્યું હતું.
૭ બાઇબલ જણાવે કે યહોવાએ પૃથ્વીનાં “માપ ઠરાવી આપ્યાં”, એના ‘પાયા નાખ્યા’ અને ‘ખૂણાનો પથ્થર બેસાડ્યો.’ (અયૂ. ૩૮:૫, ૬) પછી તેમણે સમય કાઢીને પોતાની બનાવેલી વસ્તુઓ જોઈ. (ઉત. ૧:૧૦, ૧૨) યહોવા એક પછી એક એ બધું બનાવતા હતા ત્યારે એ જોઈને દૂતોને કેવું લાગ્યું હતું? તેઓ તો “ખુશીનો પોકાર કરતા હતા.” (અયૂ. ૩૮:૭) એમાંથી શું શીખવા મળે છે? યહોવાએ ધરતી, સૂરજ, ચાંદ, તારા અને જીવ સૃષ્ટિ બનાવી એમાં હજારો વર્ષો લાગ્યાં હતાં. યહોવાએ બધું બનાવવામાં સમય લીધો એ સારું કર્યું, કારણ કે બધું બનાવ્યાં પછી તેમણે જોયું તો “એ સૌથી ઉત્તમ હતું!”—ઉત. ૧:૩૧.
૮. હવે શાની ચર્ચા કરીશું?
૮ બાઇબલમાં એવા ઘણા સિદ્ધાંતો છે જેમાંથી આપણે ધીરજ રાખવાનું શીખી શકીએ. હવે બે સંજોગોનો વિચાર કરીશું જેમાં આપણે યહોવાની રાહ જોવા તૈયાર રહેવું જોઈએ.
ક્યારે યહોવાની રાહ જોવા તૈયાર રહેવું જોઈએ?
૯. આપણે ક્યારે યહોવાની રાહ જોવી પડે?
૯ પ્રાર્થનાઓનો જવાબ મેળવવા કદાચ રાહ જોવી પડે. આપણે ઘણી વાર મુશ્કેલીઓનો સામનો કરવા કે ખરાબ આદત છોડવા યહોવાને પ્રાર્થના કરીએ છીએ. પણ કદાચ આપણી પ્રાર્થનાઓનો જવાબ તરત મળતો નથી. શા માટે યહોવા આપણી બધી જ પ્રાર્થનાઓનો જવાબ તરત આપતા નથી?
૧૦. શા માટે આપણે પ્રાર્થનાનો જવાબ મેળવવા રાહ જોવી જોઈએ?
૧૦ યહોવા આપણી પ્રાર્થના ધ્યાનથી સાંભળે છે. (ગીત. ૬૫:૨) આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે તે જોવા માંગે છે કે આપણને તેમના પર ભરોસો છે કે નહિ. (હિબ્રૂ. ૧૧:૬) તે એ પણ જોવા માંગે છે કે પ્રાર્થના પછી આપણે તેમની ઇચ્છા પ્રમાણે કામ કરીએ છીએ કે નહિ. (૧ યોહા. ૩:૨૨) દાખલા તરીકે, આપણે ખરાબ આદત છોડવા પ્રાર્થના કરીએ, પછી એ માટે મહેનત કરીએ અને ધીરજ રાખીએ. ઈસુએ કહ્યું હતું કે બધી પ્રાર્થનાઓનો જવાબ આપણને તરત ન પણ મળે. તેમણે કહ્યું: “માંગતા રહો અને તમને આપવામાં આવશે. શોધતા રહો અને તમને જડશે. ખખડાવતા રહો અને તમારા માટે ખોલવામાં આવશે. જે કોઈ માંગે છે તેને મળે છે, જે કોઈ શોધે છે તેને જડે છે અને જે કોઈ ખખડાવે છે, તેને માટે ખોલવામાં આવશે.” (માથ. ૭:૭, ૮) આપણે ઈસુની વાત માનીશું અને ‘પ્રાર્થનામાં લાગુ રહીશું’ તો ખાતરી રાખી શકીએ કે યહોવા આપણી પ્રાર્થના સાંભળશે અને એનો જવાબ આપશે.—કોલો. ૪:૨.
૧૧. પહેલો પિતર ૫:૬માંથી કઈ રીતે ખબર પડે કે યહોવા આપણી પ્રાર્થનાનો જવાબ આપવામાં મોડું કરતા નથી?
૧૧ આપણને લાગે કે આપણી પ્રાર્થનાઓનો જવાબ મળવામાં મોડું થઈ રહ્યું છે. પણ યહોવા વચન આપે છે કે “યોગ્ય સમયે” આપણી પ્રાર્થનાઓનો જવાબ આપશે. (૧ પિતર ૫:૬ વાંચો.) એટલે આપણે યહોવાને દોષ ન આપીએ. દાખલા તરીકે, આપણે વર્ષોથી પ્રાર્થના કરીએ છીએ કે ઈશ્વરનું રાજ્ય આવે અને આ દુષ્ટ દુનિયાનો જલદી જ અંત આવે. ઈસુએ પણ એ વિશે પ્રાર્થના કરવાનું જણાવ્યું હતું. (માથ. ૬:૧૦) પણ આપણે વિચારતા હોઈએ ત્યારે અંત ન આવે અને આપણી શ્રદ્ધા નબળી પડવા દઈએ તો એ કેટલી મોટી મૂર્ખામી કહેવાશે! (હબા. ૨:૩; માથ. ૨૪:૪૪) એના બદલે આપણે યહોવાની રાહ જોઈએ અને એવા ભરોસા સાથે પ્રાર્થના કરતા રહીએ કે તે એનો જવાબ આપશે. યહોવા આ દુષ્ટ દુનિયાનો અંત લાવવામાં જરાય મોડું નહિ કરે. તેમણે “એ દિવસ અને ઘડી” નક્કી કરી રાખ્યાં છે. એ દિવસ આપણા બધા માટે યોગ્ય હશે.—માથ. ૨૪:૩૬; ૨ પિત. ૩:૧૫.
૧૨. ધીરજ રાખવી ક્યારે અઘરું બને છે?
૧૨ જ્યારે આપણી સાથે અન્યાય થાય ત્યારે કદાચ ધીરજથી સહેવું પડે. દુનિયામાં ઘણા કારણોને લીધે લોકો સાથે અન્યાય થાય છે. જેમ કે સ્ત્રી-પુરુષ, નાત-જાત, રંગ-રૂપ, સમાજ કે દેશ. ઘણી વાર કોઈ વ્યક્તિ અપંગ હોય કે માનસિક રીતે બીમાર હોય ત્યારે પણ તેની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવે છે. એ સિવાય ઘણા યહોવાના સાક્ષીઓ સાથે પણ અન્યાય કરવામાં આવે છે, કારણ કે તેઓને બાઇબલમાં શ્રદ્ધા છે. જો આપણી સાથે એવું થાય તો ઈસુના આ શબ્દો યાદ રાખીએ: “જે કોઈ અંત સુધી ટકી રહેશે તેનો જ ઉદ્ધાર થશે.” (માથ. ૨૪:૧૩) પણ જો તમને ખબર પડે કે મંડળમાં કોઈએ પાપ કર્યુ છે અને વડીલો એ વિશે જાણે છે તો તમે શું કરશો? શું તમે વડીલોની રાહ જોશો અને ભરોસો રાખશો કે તેઓ ઈશ્વરનાં ધોરણો પ્રમાણે બાબતોનો ઉકેલ લાવશે?
૧૩. એક વ્યક્તિથી પાપ થઈ જાય ત્યારે વડીલો કઈ રીતે હલ લાવે છે?
૧૩ વડીલોને ખબર પડે કે કોઈ વ્યક્તિથી પાપ થયું છે તો તેઓ શું કરશે? તેઓ સ્વર્ગમાંથી મળનાર બુદ્ધિ માટે યહોવાને પ્રાર્થના કરશે. આમ તેઓ બાબતોને યહોવાની નજરે જોઈ શકશે. (યાકૂ. ૩:૧૭) વડીલો પાપ કરનાર વ્યક્તિને “ખોટા માર્ગથી પાછો” વાળવા ચાહે છે. (યાકૂ. ૫:૧૯, ૨૦) તેઓ મંડળનું પણ રક્ષણ કરવા માંગે છે. એટલું જ નહિ જેઓને પાપ કરનાર વ્યક્તિથી દુઃખ પહોંચ્યું છે તેઓને દિલાસો આપવા માંગે છે. (૨ કોરીં. ૧:૩, ૪) એ બધી બાબતોનો હલ લાવવા વડીલો સૌથી પહેલા તપાસ કરે છે કે શું બન્યું હતું. એ માટે સમય લાગે છે. વડીલો પ્રાર્થના કરે છે અને પછી પાપ કરનાર વ્યક્તિને બાઇબલમાંથી સલાહ આપે છે. તેને સુધારવા શિક્ષા તો કરે છે પણ “જેટલી જરૂરી છે એટલી જ” કરે છે. (યર્મિ. ૩૦:૧૧) વડીલો નિર્ણય લેવામાં મોડું કરતા નથી કે ઉતાવળ પણ કરતા નથી. જ્યારે બાબતોનો ઉકેલ યોગ્ય રીતે કરવામાં આવે છે ત્યારે મંડળને ફાયદો થાય છે. પણ બની શકે કે જેઓને પાપ કરનાર વ્યક્તિથી દુઃખ પહોંચ્યું છે તેઓ હજુ પણ તકલીફમાં છે. જો તમારી સાથે પણ એવું થયું હોય તો શું કરશો? ચાલો, એ વિશે હવે પછી જોઈએ.
૧૪. જો કોઈએ તમારા દિલને ઠેસ પહોંચાડી હોય તો બાઇબલના કયા ઉદાહરણથી દિલાસો મળશે?
૧૪ શું મંડળના કોઈ ભાઈ કે બહેને તમારા દિલને ઠેસ પહોંચાડી છે? જો એમ હોય તો બાઇબલમાંથી તમને મદદ મળી શકે છે. બાઇબલમાં એવાં ઘણાં ઉદાહરણો છે જેમાંથી આપણે શીખી શકીએ છીએ. યહોવા બાબતોને સુધારે ત્યાં સુધી આપણે રાહ જોઈએ. યૂસફનું ઉદાહરણ લઈએ. તેમના ભાઈઓએ તેમની સાથે ઘણો ખરાબ વ્યવહાર કર્યો, પણ યૂસફે મનમાં કડવાશ ભરી રાખી નહિ. તે યહોવાની સેવા કરતા રહ્યા. તેમણે ધીરજ રાખી એટલે યહોવાએ તેમને આશીર્વાદો આપ્યા. (ઉત. ૩૯:૨૧) સમય જતાં તેમણે પોતાના ભાઈઓને માફ કરી દીધા. તે જોઈ શક્યા કે યહોવાએ તેમને કેટલા આશીર્વાદ આપ્યા છે. (ઉત. ૪૫:૫) યૂસફની જેમ આપણે યહોવા સાથે સંબંધ મજબૂત કરવો જોઈએ. આપણે પણ ભરોસો રાખવો જોઈએ કે યહોવા ચોક્કસ યોગ્ય સમયે ન્યાય આપશે. એનાથી આપણને દિલાસો મળશે.—ગીત. ૭:૧૭; ૭૩:૨૮.
૧૫. એક બહેન કઈ રીતે અન્યાય સહી શક્યાં?
૧૫ આપણી સાથે કદાચ યૂસફ જેટલો અન્યાય ન થયો હોય, પણ કોઈ ખરાબ વ્યવહાર કરે ત્યારે દુઃખ તો થાય જ. પછી ભલે એ મંડળનો કોઈ ભાઈ કે બહેન હોય કે પછી બહારનું કોઈ. એવા સમયે બાઇબલનો સિદ્ધાંત પાળવાથી ફાયદો થાય છે. (ફિલિ. ૨:૩, ૪) એક બહેનનો દાખલો જોઈએ. બહેન સાથે કામ કરનાર એક સ્ત્રીએ તેમના વિશે ખોટી વાતો ફેલાવી. બહેનને બહુ દુઃખ થયું પણ તેમણે ગુસ્સામાં ઉતાવળું પગલું ન ભર્યું. તેમણે ઈસુના દાખલા પર મનન કર્યું. તેમણે વિચાર્યું કે જ્યારે ઈસુનું અપમાન થયું ત્યારે તેમણે સામે અપમાન કર્યું નહિ. (૧ પિત. ૨:૨૧, ૨૩) એટલે બહેને વાતનું વતેસર કર્યું નહિ. પછીથી બહેનને જાણવા મળ્યું કે એ સ્ત્રીને કોઈ ગંભીર બીમારી છે એટલે, તે હંમેશાં તણાવમાં રહે છે. બહેનને સમજાયું કે તણાવમાં હોવાને લીધે તેમનાથી એવું બોલાઈ ગયું હશે. બહેનને એ વાતની ખુશી હતી કે પોતે રાઈનો પહાડ ન કર્યો અને સહન કર્યું.
૧૬. જો તમે અન્યાયનો સામનો કરી રહ્યા હો તો શામાંથી દિલાસો મળી શકે? (૧ પિતર ૩:૧૨)
૧૬ જો તમે અન્યાયનો સામનો કરી રહ્યા હો અથવા બીજા કોઈ કારણથી દુઃખી હો, તો યાદ રાખો કે “દુઃખી લોકોના પડખે યહોવા છે.” (ગીત. ૩૪:૧૮) યહોવા તમને ખૂબ પ્રેમ કરે છે અને તે ચાહે છે કે તમે ધીરજ રાખીને પોતાનો બોજો તેમના પર નાખી દો. (ગીત. ૫૫:૨૨) યહોવા આખી પૃથ્વીના ન્યાયાધીશ છે માટે કંઈ પણ તેમના ધ્યાન બહાર જતું નથી. (૧ પિતર ૩:૧૨ વાંચો.) જો તમે એવી મુશ્કેલીનો સામનો કરી રહ્યા હો જેનો ઉકેલ લાવવો તમારા હાથ બહારની વાત હોય તો શું તમે યહોવાની રાહ જોશો?
યહોવાની રાહ જોનારાઓને ઘણા આશીર્વાદ મળશે
૧૭. યશાયા ૩૦:૧૮માં યહોવાએ કયું વચન આપ્યું છે?
૧૭ યહોવા પોતાના રાજમાં આકાશના દરવાજા ખોલીને આપણા પર આશીર્વાદો વરસાવશે. યશાયા ૩૦:૧૮ કહે છે, “યહોવા તમને કૃપા બતાવવા ધીરજથી રાહ જુએ છે. તે તમને રહેમ બતાવવા ઊભા થશે. યહોવા ઇન્સાફના ઈશ્વર છે. જેઓ ધીરજ ધરીને તેમની રાહ જુએ છે, તેઓ સુખી છે!” જેઓ યહોવાની રાહ જુએ છે તેઓને તે આજેય આશીર્વાદ આપે છે અને ભાવિમાં પણ આશીર્વાદોનો વરસાદ વરસાવશે.
૧૮. ભાવિમાં આપણને કેવા આશીર્વાદો મળશે?
૧૮ આપણે આજે જે મુશ્કેલીઓ સહીએ છીએ એ નવી દુનિયામાં સહેવી નહિ પડે. કારણ કે એ સમયે અન્યાય અને દુઃખ-તકલીફોને કાયમ માટે દૂર કરવામાં આવશે. (પ્રકટી. ૨૧:૪) આપણે કોઈ વાતની ચિંતા નહિ કરવી પડે. આપણી પાસે બધી જ વસ્તુઓ ભરપૂર હશે. (ગીત. ૭૨:૧૬; યશા. ૫૪:૧૩) સાચે જ કેવો મોટો આશીર્વાદ!
૧૯. યહોવા આપણને શાના માટે તૈયાર કરી રહ્યા છે?
૧૯ આજે યહોવા આપણને ખરાબ આદતો છોડવા અને સારા ગુણો કેળવવા મદદ કરી રહ્યા છે, જેથી આપણે નવી દુનિયામાં જઈ શકીએ. આપણે હાર ન માનીએ અને યહોવાની સેવા કરતા રહીએ. કારણ કે બહુ જલદી જ આપણને સુંદર જીવન મળવાનું છે. તો ચાલો, યહોવાએ જે કરવાનું નક્કી કર્યું છે એ કરે ત્યાં સુધી આપણે ધીરજથી રાહ જોઈએ.
ગીત ૫૪ ઈશ્વરનો હાથ પકડ
a શું તમે ઘણાં વર્ષોથી ભક્તિ કરનાર ભાઈ-બહેનોનાં મોઢે સાંભળ્યું છે કે ‘મેં વિચાર્યું ન હતું કે આ દુનિયા આટલી લાંબી ચાલશે’? આપણે બધા ચાહીએ છીએ કે આ દુષ્ટ દુનિયાનો અંત જલદી આવે. પણ આપણે ધીરજ રાખવી પડશે. આ લેખમાં શીખીશું કે બાઇબલના કયા સિદ્ધાંતો આપણને ધીરજ રાખવા મદદ કરશે. એવા બે સંજોગો વિશે પણ વાત કરીશું જેમાં આપણે યહોવાની રાહ જોવી જોઈએ. છેલ્લે આપણે જોઈશું કે ધીરજ રાખનારાઓને કેવા આશીર્વાદો મળશે.
b ચિત્રની સમજ: બહેન બાળપણથી યહોવાને પ્રાર્થના કરતી હતી. તે નાની હતી ત્યારે તેના માબાપે પ્રાર્થના કરતા શીખવ્યું. તે યુવાનીમાં પાયોનિયર બની. તે ઘણી વાર યહોવાને પ્રાર્થના કરતી કે તેની સેવા પર આશીર્વાદ આપે. વર્ષો પછી તેના પતિ ઘણા બીમાર થઈ ગયા. એ મુશ્કેલીઓ સહેવા તેણે યહોવા પાસે શક્તિ માંગી. આજે તે વિધવા છે અને યહોવાને પ્રાર્થનામાં લાગુ રહે છે. તેને ખાતરી છે કે યહોવા હંમેશની જેમ આજે પણ તેની પ્રાર્થનાઓનો જવાબ આપશે.